સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/ઉક્તિવૈચિત્ર્યથી વાચ્યવૈચિત્ર્ય
ઉક્તિવૈચિત્ર્યથી વાચ્યવૈચિત્ર્ય
આપણને રસ પડે એવી એક વાત આનંદવર્ધને એ કહી છે કે કાવ્યનો વિષય સામાન્ય નથી હોતો, વિશેષ હોય છે. એમના સમયમાં પણ કેટલાક લોકો એવો ખ્યાલ ધરાવતા હતા કે કાવ્યનું વિષયવસ્તુ તો સામાન્ય હોય છે, સર્વેએ અનુભવેલું હોય તે જ હોય છે, ચિરપરિચિત હોય છે એમાં કાંઈ નવીનતા નથી હોતી, પરંતુ કાવ્યની વિશેષતા એના ઉક્તિવૈચિત્ર્યમાં હોય છે. એટલે કે ચિરપરિચિત વસ્તુને નવી રીતે કહેવા સિવાય કાવ્ય કશું કરતું નથી. આનંદવર્ધન આ ખ્યાલનો પ્રતિવાદ કરે છે. એમનું દૃષ્ટિબિંદુ એવું છે કે કાવ્યમાં માત્ર ઉક્તિવૈચિત્ર્ય નથી હોતું, ઉક્તિવૈચિત્ર્યથી વાચ્યવૈચિત્ર્ય આવે છે. એટલે કે નવીન ઉક્તિ પોતાની સાથે નવીન અર્થ – નવીન અનુભવ લઈને આવે છે. (‘ટૅક્નિક ઍઝ ડિસ્કવરી’ : રચનારીતિ દ્વારા કાવ્યાર્થનો ઉઘાડ – એ આધુનિક કાવ્યવિચાર યાદ કરો). કાવ્યની નવતા શબ્દ અને અર્થ ઉભયમાં છે. (૪.૭ વૃત્તિ) અને આગળ બતાવ્યું તેમ, આનંદવર્ધનની દૃષ્ટિએ, અનેક કારણોને લઈને જગતના વિષયાર્થો અને કાવ્યાર્થોની પણ અનંતતા છે.