સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/રસનિરૂપણની એક વિલક્ષણ સ્થિતિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

‘રસનિરૂપણની એક વિલક્ષણ સ્થિતિ

હાસ્ય, બીભત્સ વગેરે કેટલાક રસોમાં એક વિલક્ષણ પરિસ્થિતિ આપણી સામે આવે છે. રણભૂમિ પર છેદાયેલાં શરીરો, લોહીની નદીઓ વગેરેનું વર્ણન કરવામાં આવે ત્યારે એની જુગુપ્સા અનુભવનાર કોઈ ત્યાં ન હોય એવું બને, યોદ્ધાઓ તો ઉત્સાહથી છલકતા હોય, છતાં બીભત્સ રસના ચિત્ર તરીકે આપણે એને સ્વીકારીએ છીએ. કવિ કે કોઈ સૂચિત પાત્રનો મનોભાવ આપણે કલ્પવો પડે, અથવા આપણા જ બીભત્સ રસના અનુભવ માટેની સામગ્રી એને લેખવાની રહે. ‘મિથ્યાભિમાન’માં જીવરામ ભટ્ટનાં કાર્યો તો એના મિથ્યા અભિમાન આદિને પ્રગટ કરનારાં છે, જે આપણને મૂર્ખતાભરી ચેષ્ટાઓ રૂપે પ્રતીત થાય છે. હસનાર પાત્ર તો પેલા રંગલાનું કવિએ ઊભું કર્યું છે જેને માટે જીવરામ ભટ્ટની ચેષ્ટાઓ વિભાવરૂપ છે. રંગલાના મુખવિકારો એના હાસના ભાવના અનુભાવો છે. પણ આપણે જાણીએ છીએ કે રંગલાની કઈ અનિવાર્યતા નથી. એના વિના પણ જીવરામ ભટ્ટનું ચિત્રણ થઈ શકે. એટલે કે હાસ્યમાં પણ હાસના ભાવોનો આશ્રય કાવ્યમાં ન આવતો હોય એમ બને. એને કલ્પી રહેવાનો રહે, અથવા આપણા હાસ્યરસ માટેની આ સઘળી વિભાવસૃષ્ટિ જ છે એમ કહેવાનું રહે.[1]જુગુપ્સા અને હાસ્ય એવા ભાવો છે, જેનો આવિષ્કાર કરતા અનુભાવોની ખાસ અપેક્ષા રહેતી નથી, વિભાવસૃષ્ટિ પર જ સઘળો મદાર હોય છે. બીભત્સ અને હાસ્યની જે સામાન્ય સ્થિતિ છે તે અન્ય રસો પરત્વે પણ ન સંભવે એવું નથી. ‘નદીકાંઠે સૂર્યાસ્ત’ જેવા કાવ્યમાં પ્રકૃતિરતિ – પ્રકૃતિસૌંદર્યબોધનો ભાવ પ્રેરનાર વિભાવસામગ્રી જ રજૂ થઈ છે એમ કહેવાય, એ ભાવ અનુભવનાર તો કાવ્યની છેલ્લી પંક્તિમાં આનુષંગિક રીતે – જાણે કાવ્યની સામગ્રી તરીકે જ (‘તિમિરજલમાં એકાકી હું સરું જલદીપ શો!!) દાખલ થાય છે. એના વિનાયે કાવ્યનું વર્ણન એને સ્થાને જ રહે છે. આ બધી ચર્ચાનું તાત્પર્ય એ છે કે આલંબન – ઉદ્દીપન, વિભાવ-અનુભાવ એ સંજ્ઞાઓને જડતાથી વળગવાની જરૂર નથી. એ બધા કોઈ ભાવની વ્યંજના કરનાર, ભાવને મૂર્ત કરનાર સામગ્રી છે, એલિયટની પરિભાષામાં કહીએ તો ભાવની અભિવ્યક્તિ માટેનાં વસ્તુરૂપ સહસંબંધકો છે. આ કાવ્યસામગ્રીની વિશેષતાઓને પારખવી, એનાથી ઉદ્દબુદ્ધ થતી ચોક્કસ ભાવછટાઓને પકડવી અને આ બંનેના સંયોજનમાં પ્રગટ થતા કવિકર્મને પ્રમાણવું એમાં વિવેચનની ઇતિકર્તવ્યતા છે. કાવ્યશાસ્ત્રે જે ઝીણવટો કરી છે તે આપણને બાંધવા માટે નહીં પણ વિશ્લેષણની અનેક શક્યતાઓનું દિગ્દર્શન કરવા માટે એમ આપણે સમજવું જોઈએ.


  1. ૨૧. આ અંગેની વિશેષ ચર્ચા માટે જુઓ રામનારાયણ પાઠક, રા.વિ.પાઠક ગ્રંથાવલિ-૪, ‘મમ્મટની રસમીમાંસા’, રામપ્રસાદ બક્ષી, પરબ સપ્ટે. ૧૯૬૦, ‘રસસિદ્ધાંતની હાસ્યરસ પરત્વે ન્યૂનતા’, જયંત કોઠારી, પરબ જૂન ૧૯૬૧, ‘કાવ્યસૃષ્ટિનું આક્ષેપ્ય પાત્ર’.