સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/શું સં. કા. આજે પ્રસ્તુત બની શકે?
શું સંસ્કૃત કાવ્યવિચાર આજે પ્રસ્તુત બની શકે?
તો પછી, હરિવલ્લભ ભાયાણી પૂછે છે એવો પ્રશ્ન જરૂર પૂછી શકાય કે સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો એવો કયો ગુનો કે એ ચોક્કસ દેશકાળની સાહિત્યપરંપરાની નીપજ છે માટે આજે એને અપ્રસ્તુત માની લેવામાં આવે? ભાયાણીની તો દૃઢ પ્રતીતિ છે કે કવિકર્મનું બારીક વિશ્લેષણ કરતું અને એને એક પરિપૂર્ણ સુસંગત વ્યવસ્થામાં મૂકી આપતું જે પ્રયોગમૂલક શાસ્ત્ર સંસ્કૃતમાં રચાયું છે તે ઘણી બાબતોમાં પાશ્ચાત્ય કાવ્યવિચારથી ચડિયાતું છે અને કોઈ પણ દેશની સાહિત્યકૃતિની પરીક્ષા કરવા નિઃસંકોચ કામમાં લઈ શકાય એવું છે. સંસ્કૃત ટીકાગ્રંથોની સમીક્ષાપદ્ધતિનેયે એ અનુસરવા જેવી, માર્ગદર્શક બને એવી લેખે છે. એથી જ, અર્વાચીન ગુજરાતી કાવ્યવિવેચન સંસ્કૃત વિવેચનની ચુસ્ત કૃતિપરક અને વિશ્લેષણાત્મક દૃષ્ટિને બદલે અંગ્રેજી રૉમેન્ટિક યુગની રુચિપરક અને ભાવકના પ્રતિભાવ પર અવલંબતી વિવેચનદૃષ્ટિને વળગેલું રહ્યું, એ એની દિશાભૂલ છે એમ એ માને છે, તેમજ એ ભૂલ સુધારી લેવા આહ્વાન કરે છે. (જુઓ ‘કાવ્યકૌતુક’માં ‘ભારતીય સાહિત્યવિચાર વિશે’ તથા ‘રચના અને સંરચના’માં ‘અર્વાચીન ગુજરાતી કાવ્યવિવેચનની એક દિશાભૂલ’) સૌ સાહિત્યવિચારકો – ગુજરાતના તેમ ભારતના પણ કંઈ સહેલાઈથી ભાયાણીની પ્રતીતિના સહભાગી ન બની શકે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં ઘણા અભ્યાસીઓને વર્ગીકરણોની જટાજાળ અને નામકરણવ્યાપારનો અતિરેક દેખાય છે – વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ એને કબૂતરખાના સાથે સરખાવેલું – અને એ એમને કાવ્યના બાહ્યાંગને સ્પર્શનું, સ્થૂળ ને સપાટિયું લાગે છે, પંડિતાઈભર્યું પિષ્ટપેષણ લાગે છે તથા સાહિત્યકૃતિના મર્મને પ્રકાશિત કરવા માટે એ કામયાબ બની શકે એવું લાગતું નથી. ધ્વનિ અને રસ જેવાં એનાં મહત્ત્વના પ્રસ્થાનોની પણ એમને મર્યાદાઓ પ્રતીત થાય છે. બીજા કેટલાક અભ્યાસીઓ સંસ્કૃત કાવ્યવિચારનું મહત્ત્વ પ્રમાણે છે પણ આધુનિક સાહિત્યના વિવેચનમાં એને કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય એ વિશે મૂંઝવણમાં છે. થોડા અભ્યાસીઓ, અલબત્ત, એવા છે જ કે જેઓ સંસ્કૃત કાવ્યશાસ્ત્રને આજે પણ પ્રસ્તુત લેખે છે અને એ પ્રસ્તુતતાને સ્થાપિત કરતા વિવેચનપ્રયોગો કરવા ઉદ્યુક્ત થાય છે.