સત્યના પ્રયોગો/ખિલાફત
પંજાબના હત્યાકાંડને થોડો વખત હવે છોડીએ.
પંજાબની ડાયરશાહીની મહાસભા તરફથી તપાસ ચાલતી હતી, તેટલામાં મારા હાથમાં એક જાહેર આમંત્રણ આવ્યું. તેમાં મરહૂમ હકીમ સાહેબ અને ભાઈ અસફઅલીનાં નામ હતાં. શ્રદ્ધાનંદજી હાજર રહેવાના છે એમ પણ ઉલ્લેખ હતો. મને ખ્યાલ તો એવો રહ્યો છે કે, તેઓ ઉપપ્રમુખ હતા. આ આમંત્રણ દિલ્હીમાં ખિલાફત સંબંધી ઉપસ્થિત થયેલી પરિસ્થિતિનો વિચાર કરનારી અને સુલેહની ઉજવણીમાં ભાગ લેવો કે ન લેવો તેનો નિર્ણય કરવાને હિંદુમુસલમાનની એકઠી થનારી સભામાં હાજર રહેવાનું હતું. આ સભા નવેમ્બર માસમાં હતી એવું મને સ્મરણ છે.
આ નિમંત્રણપત્રિકામાં એવો ઉલ્લેખ હતો કે, તેમાં ખિલાફતનો પ્રશ્ન ચર્ચાશે, એટલું જ નહીં પણ ગોરક્ષાનો પ્રશ્ન પણ ચર્ચાશે, ને ગોરક્ષા સાધવાનો આ સરસ અવસર છે. મને આ વાક્ય કઠયું. આ નિમંત્રણપત્રિકાનો ઉત્તર આપતાં મેં હાજર રહેવાનો પ્રયત્ન કરવાનું લખ્યું, ને સાથે જ લખ્યું કે, ખિલાફત અને ગોરક્ષાને સાથે ભેળવી તેને અરસપરસ અદલાબદલાનો સવાલ ન કરી મૂકતાં દરેકને તેના ગુણદોષ ઉપર તપાસવો જોઈએ.
સભામાં હું હાજર રહ્યો. સભામાં ઠીક હાજરી હતી. પાછળથી જેમ હજારો માણસો ઊભરાતાં એના જેવું દૃશ્ય આ નહોતું. આ સભામાં શ્રદ્ધાનંદજી હાજર હતા. તેમની સાથે ઉપરના વિષય ઉપર મેં વાતચીત કરી લીધી. તેમને મારી દલીલ ગમી, ને તે રજૂ કરવાનું તેમણે મારી ઉપર મૂક્યું. હકીમ સાહેબની સાથે પણ વાત કરી લીધી હતી. મારી દલીલ એ હતી કે, બંને પ્રશ્નોને પોતપોતાના ગુણદોષ ઉપર વિચારવા જોઈએ. જો ખિલાફતના પ્રશ્નમાં વજૂદ હોય, તેમાં સરકાર તરફથી ગેરઇન્સાફ થતો હોય, તો હિંદુઓએ મુસલમાનોને સાથ દેવો જોઈએ; અને એની સાથે ગોરક્ષાને જોડી દેવાય નહીં. અને જો હિંદુઓ એવી કંઈ શરત કરે તો તે ન શોભે. મુસલમાનો ખિલાફતમાં મળતી મદદને બદલે ગોવધ બંધ કરે એ તેમને ન શોભે. પડોશી અને એક જ ભૂમિના હોવાને લીધે અને હિંદુઓની લાગણીને માન આપવાને ખાતર તેઓ સ્વતંત્ર રીતે ગોવધ બંધ કરે એ તેમને શોભે. એ તેમની ફરજ છે; અને એ નોખો પ્રશ્ન છે. જો એ ફરજ હોય ને તેઓ ફરજ સમજે, તો હિંદુ ખિલાફતમાં મદદ દે અથવા ન દે તોપણ, મુસલમાને ગોવધ બંધ કરવો ઘટે. આમ બંને પ્રશ્નોને સ્વતંત્ર રીતે તપાસવા જોઈએ, ને તેથી સભામાં તો માત્ર ખિલાફતનો જ પ્રશ્ન ચર્ચાય એ બરોબર છે, એમ મેં મારી દલીલ રજૂ કરી. સભાને તે ગમી. ગોરક્ષાનો પ્રશ્ન સભામાં ન ચર્ચાયો પણ મૌલાના અબદુલ બારી સાહેબે તો કહ્યું: ‘હિંદુઓની ખિલાફતમાં મદદ હો યા ન હો, આપણ એક મુલકના હોઈ મુસલમાનોએ હિંદુઓની લાગણીની ખાતર ગોવધ બંધ કરવો જોઈએ.’ એક વખતે તો એમ જ લાગ્યું કે મુસલમાનો ખરે જ ગોવધ બંધ કરશે.
કેટલાકની સૂચના એવી હતી કે, પંજાબના સવાલને પણ ખિલાફત સાથે ભેળવવો. મેં આ બાબત મારો વિરોધ બતાવ્યો. પંજાબનું કારણ સ્થાનિક છે, પંજાબનાં દુઃખને કારણે આપણે સલ્તનતને લગતી સુલેહની ઉજવણીમાંથી અલગ નથી રહી શકતા, ખિલાફતના સવાલ સાથે પંજાબને આ સંબંધમાં ભેળવવાથી આપણે અવિવેકનો આરોપ વહોરી લઈશું, એવી મારી દલીલ હતી. એ સૌને પસંદ પડી.
આ સભામાં મૌલાના હસરત મોહાની હતા, તેમની ઓળખાણ તો મને થઈ જ હતી. પણ તે કેવા લડવૈયા છે એ તો મેં અહીં જ અનુભવ્યું. અમારી વચ્ચે મતભેદ અહીંથી જ થયો તે અનેક વાતોમાં છેવટ લગી રહ્યો.
ઘણા ઠરાવોમાં એક ઠરાવ હિંદુમુસલમાન બધાએ સ્વદેશી વ્રતનું પાલન કરવું, ને તે અર્થે વિદેશી કાપડનો બહિષ્કાર કરવો, એમ હતો. ખાદીનો પુનર્જન્મ હજુ થઈ ચૂક્યો નહોતો. હસરત સાહેબને આ ઠરાવ ગળે ઊતરે તેમ નહોતો. તેમનો તો અંગ્રેજી સલ્તનત જો ખિલાફતની બાબતમાં ઇન્સાફ ન કરે તો વેર લેવું હતું. તેથી તેમણે બ્રિટિશ માલમાત્રનો યથાસંભવ બહિષ્કાર સૂચવ્યો. મેં બ્રિટિશ માલમાત્રના બહિષ્કારની અશક્યતા ને અયોગ્યતા વિશે મારી હવે જાણીતી થઈ ગઈ છે તે દલીલો રજૂ કરી. મારી અહિંસાવૃત્તિનું પણ મેં પ્રતિપાદન કર્યું. સભાની ઉપર મારી દલીલોની ઊંડી અસર પડી એમ મેં જોયું. હસરત મોહાનીની દલીલો સાંભળતાં લોકો એવા હર્ષનાદ કરતા હતા કે મને લાગ્યું કે, આમાં મારી તૂતીનો અવાજ કોઈ નહીં સાંભળે. પણ મારે મારો ધર્મ ન ચૂકવો, ને સંતાડવો જોઈએ, એમ સમજી હું બોલવા ઊઠયો. લોકોએ મારું ભાષણ ખૂબ ધ્યાનથી સાંભળ્યું. પ્લૅટફૉર્મ ઉપર તો મને સંપૂર્ણ ટેકો મળ્યો, ને મારા ટેકામાં એક પછી એક ભાષણો થવા લાગ્યાં. આગેવાનો જોઈ શક્યા કે બ્રિટિશ માલના બહિષ્કારના ઠરાવથી એક પણ અર્થ સરે તેમ નહોતો, હાંસી પુષ્કળ થાય તેમ હતી. આખી મિજલસમાં ભાગ્યે કોઈ એવો માણસ જોવામાં આવે તેમ હતું કે જેના શરીર ઉપર કંઈક બ્રિટિશ વસ્તુ ન હોય. જે વસ્તુ સભામાં હાજર રહેલા લોકો પણ કરવા અસમર્થ હતા તે વસ્તુ કરવાના ઠરાવમાં લાભને બદલે હાનિ જ થાય એટલું ઘણા જોઈ શક્યા.
‘અમને તમારા વિદેશી વસ્ત્રના બહિષ્કારથી સંતોષ થાય એમ જ નથી. ક્યારે આપણે જોઈતું બધું કાપડ પેદા કરી શકીએ, ને ક્યારે વિદેશી વસ્ત્રનો બહિષ્કાર થાય? અમારે તો બ્રિટિશ લોકો ઉપર તાત્કાલિક અસર થાય એવું કંઈક જોઈએ. તમારો બહિષ્કાર ભલે રહે, પણ એથી વધારે જલદ વસ્તુ તમારે બતાવવી જોઈએ.’ આમ મૌલાના પોતાના ભાષણમાં બોલ્યા. આ ભાષણ હું સાંભળી રહ્યો હતો. વિદેશી વસ્ત્રના બહિષ્કાર ઉપરાંત કંઈક બીજું ને નવું બતાવવું જોઈએ એમ મને લાગ્યું. વિદેશી વસ્ત્રનો બહિષ્કાર તુરત ન થઈ શકે એમ તે વખતે તો સ્પષ્ટ હતું. ખાદી સંપૂર્ણ ઉત્પન્ન કરવાની આપણી શક્તિ ઇચ્છીએ તો આપણામાં છે એમ જે હું પાછળથી જોઈ શક્યો, તે હું એ વેળા નહોતો જાણતો. એકલી મિલ તો દગો દે એ મને ત્યારે પણ ખબર હતી. મૌલાના સાહેબે પોતાનું ભાષણ પૂરું કરું ત્યારે હું જવાબ દેવા તૈયાર થઈ રહ્યો હતો.
મને ઉર્દૂહિંદી શબ્દ તો હાથ ન લાગ્યો. આવા ખાસ મુસલમાનોના જલસામાં દલીલોવાળા ભાષણ કરવાનો આ મારો પહેલો અનુભવ હતો. કલકત્તામાં મુસ્લિમ લીગમાં હું બોલ્યો હતો તે થોડી મિનિટનું ને હૃદયસ્પર્શ કરનારું જ ભાષણ હતું. પણ અહીં મારે વિરુદ્ધ મતવાળા સમાજને સમજાવવાનું હતું. પણ મેં શરમ છોડી હતી. દિલ્હીના મુસલમાનોની પાસે મારે શુદ્ધ ઉર્દૂમાં છટાદાર ભાષણ નહોતું કરવાનું, પણ મારે કહેવાની મતલબ મારે તૂટીફૂટી હિંદીમાં સમજાવવાની હતી. એ કામ હું સારી રીતે કરી શક્યો. હિંદી-ઉર્દૂ જ રાષ્ટ્રભાષા બને એનો આ સભા પ્રત્યક્ષ પુરાવો હતી. જો મેં અંગ્રેજીમાં ભાષણ કર્યું હોત તો મારું ગાડું આગળ ચાલત નહીં; અને મૌલાના સાહેબે જે હાકલ કરી તે કરવાનો વખત ન આવ્યો હોત, અને આવત તો મને જવાબ જડત નહીં.
ઉર્દૂ કે ગુજરાતી શબ્દ હાથ ન આવ્યો તેથી શરમાયો, પણ જવાબ તો આપ્યો. મને ‘નૉન-કોઑપરેશન’ શબ્દ હાથ આવ્યો. મૌલાના ભાષણ કરતા હતા ને મને થયા કરતું હતું કે, તે પોતે ઘણી બાબતમાં છે જે સરકારને સાથ દઈ રહેલા છે તે સરકારના વિરોધની વાત કરે છે એ ફોગટ છે. તરવારથી વિરોધ નથી કરવો એટલે સાથ ન દેવામાં જ ખરો વિરોધ છે એમ મને લાગ્યું, ને મેં ‘નૉન-કોઑપરેશન’ શબ્દનો પહેલો ઉપયોગ આ સભામાં કર્યો.
મારા ભાષણમાં મેં તેના સમર્થનમાં મારી દલીલો આપી. આ વેળા એ શબ્દમાં શું શું સમાઈ શકે તેનું મને ભાન નહોતું. તેથી હું વિગતોમાં ન ઊતરી શક્યો. મેં તો આટલું કહ્યું એમ યાદ છેઃ
‘મુસલમાન ભાઈઓએ એક બીજો પણ મહત્ત્વનો નિશ્ચય કર્યો છે. ઈશ્વર તેવું ન કરે, પણ કદાચ જો સુલેહની શરતો તેમની વિરુદ્ધ જાય, તો તેઓ સરકારને સહાયતા આપતા અટકશે, મને લાગે છે કે, આ પ્રજાનો હક છે. સરકારના ખિતાબો રાખવા કે સરકારી નોકરી કરવા આપણે બંધાયેલા નથી. જ્યારે સરકારને હાથે ખિલાફત જેવા મહા અગત્યના ધાર્મિક સવાલને વિશે આપણને નુકસાન પહોંચે, ત્યારે આપણે તેને સહાય કેમ કરીએ? તેથી ખિલાફતનો ચુકાદો આપણી વિરુદ્ધ જાય તો સહાય ન કરવાનો આપણને હક છે.’
પણ ત્યાર બાદ તે વસ્તુનો પ્રચાર થવાને ઘણા માસ વીત્યા. એ શબ્દ કેટલાક માસ લગી તો એ સભામાં જ દટાયેલો રહ્યો. એક માસ પછી અમૃતસરમાં મહાસભા મળી ત્યાં મેં સહકારના ઠરાવને ઠેકો આપ્યો ત્યારે મેં તો એ જ આશા રાખેલી હતી કે, હિંદુમુસલમાનોને અસહકારનો અવસર ન આવે.