સત્યના પ્રયોગો/જન્મ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧. જન્મ

ગાંધી કુટુંબ પ્રથમ તો ગાંધિયાણાનો વેપાર કરનારું હોય એમ જણાય છે. પણ મારા દાદાથી માંડીને ત્રણ પેઢી થયાં તો એ કારભારું કરતું આવેલું છે. ઉત્તમચંદ ગાંધી અથવા ઓતા ગાંધી ટેકીલા હશે એમ લાગે છે. તેમને રાજખટપટને લીધે પોરબંદર છોડવું પડેલું ને જૂનાગઢ રાજ્યમાં આશ્રય લીધેલો. તેમણે નવાબસાહેબને સલામ ડાબે હાથે કરી. કોઈએ આ દેખાતા અવિનયનું કારણ પૂછયું તો જવાબ મળ્યો : ‘જમણો હાથ તો પોરબંદરને દેવાઈ ચૂક્યો છે.’

ઓતા ગાંધીને એક પછી એક એમ બે ઘર થયેલાં. પહેલાથી તેમને ચાર દીકરા હતા અને બીજાથી બે. આ ભાઈઓ ઓરમાયા હતા એવો ખ્યાલ મને બચપણ યાદ કરતાં આવતો જ નથી. આમાંના પાંચમા કરમચંદ અથવા કબા ગાંધી અને છેલ્લા તુલસીદાસ ગાંધી. બંને ભાઈએ વારાફરતી પોરબંદરમાં કારભારું કર્યું. કબા ગાંધી તે મારા પિતાશ્રી. પોરબંદરનું કારભારું છોડ્યા પછી પોતે રાજસ્થાનિક કોર્ટમાં સભાસદ હતા. પછી રાજકોટમાં અને થોડો સમય વાંકાનેરમાં દીવાન હતા. મરણવેળાએ રાજકોટ દરબારના પેન્શનર હતા.

કબા ગાંધીને પણ એક પછી એક ચાર ઘર થયેલાં. પહેલાં બેથી બે દીકરીઓ હતી; છેલ્લાં પૂતળીબાઈથી એક દીકરી અને ત્રણ દીકરા. તેમાંનો છેલ્લો હું.

પિતા કુટુંબપ્રેમી, સત્યપ્રિય, શૂરા, ઉદાર પણ ક્રોધી હતા. કંઈક વિષયને વિશે આસક્ત પણ હશે. તેમન છેલ્લો વિવાહ ચાળીસમા વર્ષ પછી થયેલો. તેઓ લાંચથી દૂર ભાગતા, તેથી શુદ્ધ ન્યાય આપતા એવી અમારા કુટુંબમાં અને બહાર વાયકા હતી. રાજ્યના બહુ વફાદાર હતા. એક વેળા કોઈ પ્રાંતના સાહેબે રાજકોટના ઠાકોર સાહેબનું અપમાન કરેલું, તેની સામે તેઓ થયેલા. સાહેબ ગુસ્સે થયા, કબા ગાંધીને માફી માગવા ફરમાવ્યું. તેમણે માફી માગવાની ના પાડી તેથી થોડા કલાકને સારુ હાજતમાં પણ રહેલા. છતાં તે ન ડગ્યા તેથી અંતે સાહેબે તેમને છોડી દેવાનો હુકમ કર્યો.

પિતાશ્રીએ દ્રવ્ય એકઠું કરવાનો લોભ કદી નહોતો રાખ્યો. તેથી અમ ભાઈઓ સારુ જૂજ મિલકત મૂકી ગયેલા.

પિતાની કેળવણી કેવળ અનુભવની હતી. જેને આજે આપણે ગુજરાતી પાંચ ચોપડીનું જ્ઞાન ગણીએ તેટલી કેળવણી તે પામેલ હશે. ઇતિહાસભૂગોળનું જ્ઞાન તો મુદ્દલ ન મળે. આમ છતાં વ્યવહારુ જ્ઞાન એવા ઊંચા પ્રકારનું હતું કે ઝીણામાં ઝીણા પ્રશ્નોના ઉકેલ કરવામાં કે હજાર માણસોની પાસે કામ લેવામાં તેમને મુશ્કેલી ન આવતી. ધાર્મિક કેળવણી નહીં જેવી હતી. પણ મંદિરોમાં જવાથી કથા વગેરે સાંભળીને જે ધર્મજ્ઞાન અસંખ્ય હિંદુઓને સહેજે મળી રહે છે તે તેમને હતું. છેવટના વર્ષમાં એક વિદ્વાન બ્રાહ્મણ જેઓ કુટુંબના મિત્ર હતા તેમની સલાહથી તેમણે ગીતાપાઠ શરૂ કર્યો હતો અને રોજ થોડાઘણા શ્લોકો પોતાના પૂજાના સમયે ઊંચે સ્વરે પાઠ કરી જતા.

માતા સાધ્વી સ્ત્રી હતી એવી મારા ઉપર છાપ રહેલી છે. તે બહુ ભાવિક હતી. પૂજાપાઠ વિના કદી ન જમે. હવેલીએ હમેશાં જાય. હું સમજણો થયો ત્યારથી તેણે કદી ચાતુર્માસ છોડ્યા હોય એવું મને સ્મરણ નથી. કઠણમાં કઠણ વ્રતો તે આદરતી અને નિર્વિઘ્ને પૂરાં કરતી. લીધેલાં વ્રત માંદી પડે તોપણ ન જ છેડે. એવો એક સમય મને યાદ છે કે જ્યારે તેણે ચાંદ્રાયણ વ્રત લીધેલું, તેમાં માંદી પડેલી પણ વ્રતને ન છેડેલું. ચાતુર્માસમાં એક ટાણાં કરવાં એ તો તેને સામાન્ય વાત હતી. એટલેથી સંતોષ ન વાળતાં એક ચાતુર્માસમાં તેણે ધારણાંપારણાં કરેલાં. બેત્રણ સામટા ઉપવાસ એ એને મન નજીવી વાત હતી. એક ચાતુર્માસમાં તેનું એવું વ્રત હતું કે સૂર્યનારાયણનાં દર્શન કર્યા પછી જ જમાય. આ ચોમાસે અમે છોકરા વાદળ સામું જોઈ રહીએ કે ક્યારે સૂર્ય દેખાય ને ક્યારે મા જમે. ચોમાસામાં ઘણી વેળા દર્શન દોહ્યલાં થાય એ તો સહુ જાણે છે. એવા દિવસો યાદ છે કે જ્યારે સૂર્યને અમે જોઈએ, ‘બા, બા, સૂરજ દેખાયો’ કહીએ ને બા ઉતાવળી ઉતાવળી આવે ત્યાં તો સૂરજ ભાગી જાય. ‘કંઈ નહીં, આજે નસીબમાં ખાવાનું નહીં હોય’ કહી પાછી જાય ને પોતાના કામમાં ગૂંથાઈ જાય.

માતા વ્યવહારકુશળ હતી. દરબારી બધી વાતો જાણે. રણવાસમાં તેની બુદ્ધિની આંકણી ઠીક મુકાતી. હું બાળક હોઈ કોઈ કોઈ વેળા મને મા દરબારગઢમાં સાથે લઈ જતી. ‘બામાસાહેબ’ની સાથે થતા સંવાદો મને કેટલાક હજી યાદ છે.

આ માતાપિતાને ત્યાં હું સંવત ૧૯૨૫ના ભાદરવા વદ ૧૨ને દિવસે, એટલે સને ૧૮૬૯ના ઑકટોબરની ૨જી તારીખે, પોરબંદર અથવા સુદામાપુરીમાં જન્મ પામ્યો.

બચપણ પોરબંદરમાં જ ગયું. કોઈ નિશાળમાં મને મૂકવામાં આવેલો એવું યાદ છે. મુશ્કેલીથી થોડા પાડા શીખેલો. તે કાળે છોકરાઓની સાથે હું મહેતાજીને માત્ર ગાળ દેતાં શીખેલો એટલું યાદ છે, અને બીજું કાંઈ જ યાદ નથી. તેથી હું અનુમાન કરું છું કે મારી બુદ્ધિ મંદ હશે, અને યાદશક્તિ જે કડી અમે છોકરા ગાતા તેમાંના કાચા પાપડના જેવી હશે. એ લીટીઓ મારે આપવી જ જોઈએઃ

એકડે એક, પાપડ શેક;

પાપડ કચ્ચો, – મારો –

પહેલી ખાલી જગ્યાએ માસ્તરનું નામ હોય. તેને હું અમર કરવા નથી ઇચ્છતો. બીજી ખાલી જગ્યામાં છોડી દીધેલી ગાળ ભરવાની આવશ્યકતા ન હોય.