સત્યના પ્રયોગો/પ્રારંભિક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘એકત્ર’નો ગ્રંથગુલાલ


Ekatra-foundation-logo.jpg


આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકોને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે.

આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઇ-બુકના માધ્યમથી પ્રકાશિત કરેલાં છે એ સર્વ આપ

https://www.ekatrafoundation.org

તથા

https://wiki.ekatrafoundation.org/wiki//એકત્ર_ગ્રંથાલય

પરથી વાંચી શકશો.


અમારો દૃષ્ટિકોણ:

હા, પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહેંચવાનો’ જ છે, એ ખરું; પરંતુ એટલું પૂરતું નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે.

આ રીતે –

• પુસ્તકોની પસંદગી ‘ઉત્તમ-અને-રસપ્રદ’ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, સૌ સામે મૂકવા માગીએ છીએ.

• પુસ્તકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્રાફ; એ પછી હશે એક ખાસ મહત્ત્વની બાબત – લેખક પરિચય અને પુસ્તક પરિચય (ટૂંકમાં) અને પછી હશે પુસ્તકનું શીર્ષક અને પ્રકાશન વિગતો. ત્યાર બાદ આપ સૌ પુસ્તકમાં પ્રવેશ કરશો.

– અર્થાત્, લેખકનો તથા પુસ્તકનો પ્રથમ પરિચય કરીને લેખક અને પુસ્તક સાથે હસ્તધૂનન કરીને આપ પુસ્તકમાં પ્રવેશશો.

તો, આવો. આપનું સ્વાગત છે ગમતાંના ગુલાલથી.

Ekatra Foundation is grateful to the author for allowing distribution of this book as ebook at no charge. Readers are not permitted to modify content or use it commercially without written permission from author and publisher. Readers can purchase original book form the publisher. Ekatra Foundation is a USA registered not for profit organization with objective to preserve Gujarati literature and increase its audience through digitization. For more information, Please visit: https://www.ekatrafoundation.org or https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page.


પરિચય
લેખક-પરિચય

મોહનદાસ કરમચંદ ગાંધી (૨,ઑક્ટોબર ૧૮૬૯ – ૩૦,જાન્યુઆરી ૧૯૪૮)આમ તો સતત લખતા રહેલા પત્રકાર-લેખક ગણાય. ‘ઇન્ડિયન ઓપિનિયન’, ‘નવજીવન’, ‘યંગઇન્ડિયા’, ‘હરિજનબંધુ’, વગેરે દ્વારા એમણે પોતાના વિચારો અને પોતાનો જીવનસંદેશ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓમાં આખી દુનિયાને પહોચાડ્યાં. પોતાને લાધેલા સત્યને એ કઠોર પ્રયોગો દ્વારા ચકાસતા ગયા એનું આલેખન એમનાં ઘણાં પુસ્તકોમાં પણ મળશે. એમનો નક્કર અવાજ સરળ પણ અસરકારક અને કદીક માર્મિક ગદ્યમાં ઊતર્યો છે એથી ગાંધીજીનાં એવાં લખાણો સાહિત્યનો મોભો પણ પામ્યાં છે. એમનાં કેટકેટલાં પુસ્તકોમાંથી ‘હિંદસ્વરાજ(૧૯૦૮),’ ‘સત્યનાપ્રયોગો(૧૯૨૭)’, ‘મંગલ પ્રભાત(૧૯૩૦)’, ‘કેળવણીનો કોયડો(૧૯૩૮)’, વગેરેને જુદાં તારવીશકાય.

ગાંધીજીનું જીવન અને કાર્ય એટલાં બધાં જાણીતાં છે કે એ વિશે લખવું અનાવશ્યક છે.

સત્યના પ્રયોગો અથવા આત્મકથા (૧૯૨૭)

આ પુસ્તકનાં આવાં બે શીર્ષકોમાં ગાંધીજીને મન તો પહેલું જ વધુ મહત્ત્વનું હતું. પ્રસ્તાવનામાં એમણે લખ્યું છે કે ‘મારે તો આત્મકથાને બહાને સત્યના મેં જે અનેક પ્રયોગો કરેલા છે તેની કથા લખવી છે.’ આ કથામાં ઇ. ૧૯૨૦ સુધીનું ગાંધીજીનું જીવન આલેખન પામ્યું છે. જીવનમાં જે જે બન્યું ને જે જે લાગણી-વિચાર મનમાં જનમ્યાં તે બધું એમણે સત્યના દીવા સામે ધરી દીધું છે એટલે કોઇએ આ આત્મકથાને ‘નિર્દય આત્મનિરીક્ષણનો નમૂનો’ કહીને ઓળખાવી છે. સાદી સરળ ને અસરકારક બનતી ભાષા, નિખાલસ, પારદર્શક, સ્પષ્ટ નિરૂપણ આ કથાનું સત્ત્વ અને સૌંદર્ય બન્ને છે. ગુજરાતીની જ નહીં, દુનિયાભરની ઉત્તમ આત્મકથાઓમાં એનું ઊજળું સ્થાન છે.

(પરિચય: રમણ સોની)





પ્રસ્તાવના

ચાર અથવા પાંચ વર્ષ પૂર્વે નિકટના સાથીઓના આગ્રહથી મેં આત્મકથા લખવાનો સ્વીકાર કર્યો હતો; અને આરંભ પણ કરેલો. પણ એક પાનું ફૂલસ્કેપનું પૂરું ન કરી શક્યો. તેટલામાં મુંબઈની જ્વાળા સળગી અને મારુ આદર્યું અધુરું રહ્યું. ત્યાર પછી તો હું એક પછી એક એવા વ્યવસાયોમાં પડયો કે છેવટે મને મારું યરવડાનું સ્થાન મળ્યું. ભાઈ જેરામદાસ પણ હતા. એમણે મારી પાસે એવી માગણી કરી કે બીજા બધા કામ પડતા મૂકીને મારે આત્મકથા તો પહેલી જ લખી નાખવી. મેં એમને જવાબ મોકલ્યો કે મારો અભ્યાસક્રમ ઘડાઈ ચૂક્યો છે, અને તે પૂરો થતાં સુધી હું આત્મકથાનો આરંભ ન કરી શકું. મને જો મારો પૂરો સમય યરવડામાં ગાળવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હોત તો હું જરૂર ત્યાં જ આત્મકથા લખી શકત. પણ તેને પહોંચવાને હજુ મને એક વર્ષ બાકી હતું. તે પહેલા કોઈ પણ રીતે આત્મકથાનો આરંભ પણ કરી શકું એમ નહોતો, એટલે તે રહી ગયું. હવે સ્વામી આનંદે ફરી પાછી એ જ માંગણી કરી છે. અને મેં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પૂરો કર્યો છે, તેથી આત્મકથા લખવા લલચાયો છું. સ્વામીની માંગણી તો એવી હતી કે મારે આખી કથા લખી નાખવી અને પછી તે પુસ્તક આકારે છપાય. મારી પાસે એક સામટે એટલો સમય નથી. જો લખું તો ‘નવજીવન’ને સારું જ લખી શકાય. મારે ‘નવજીવન’ને સારુ કંઈક તો લખવાનું હોય જ. તો આત્મકથા કાં નહીં? સ્વામીએ એ નિર્ણય કબૂલ રાખ્યો. અને આત્મકથા લખવાનો હવે મને અવસર આવ્યો.

પણ આ નિર્ણય કરું છું એટલામાં એક નિર્મળ સાથીએ, સોમવારે હું મૌનમાં હતો ત્યારે, મને ધીમેથી નીચેના વાક્યો સંભળાવ્યા :

‘તમે આત્મકથા શું કામ લખવાના છો? એ તો પશ્ચિમની પ્રથા છે. પૂર્વમાં કોઈએ લખીજાણી નથી. અને શું લખશો? આજે જે વસ્તુને સિદ્ધાંત તરીકે માનો છો તેને કાલે માનતા અટકી જાવ તો? અથવા સિદ્ધાંતને અનુસરીને જે જે કાર્યો આજે કરો છો તે તે કાર્યોમાં પાછળથી ફેરફાર કરો તો? તમારા લખાણને ઘણા મનુષ્યો પ્રમાણભૂત સમજી પોતાનું વર્તન ઘડે છે તેઓ ખોટી રીતે દોરવાઈ જાય તો? તેથી સાવધાન રહી હાલ તુરત આત્મકથા જેવું કંઈ નહીં લખો તો ઠીક નહીં?’

આ દલીલની મારા મન ઉપર થોડી ઘણી અસર થઈ. પણ મારે આત્મકથા ક્યાં લખવી છે? મારે તો આત્મકથાને બહાને સત્યના મેં જે અનેક પ્રયોગો કરેલા છે તેની કથા લખવી છે. તેમાં મારું જીવન ઓતપ્રોત હોવાથી કથા એક જીવન વૃત્તાંત જેવી થઈ જશે. એ ખરું છે. પણ જો તેમાંથી પાને પાને મારા પ્રયોગો જ નીતરી આવે તો એ કથાને હું પોતે નિર્દોષ ગણું. મારા બધા પ્રયોગોનો સમુદાય પ્રજાની પાસે હોય તો તે લાભદાયી થઈ પડે. એમ હું માનું છું, – અથવા કહો કે એવો મને મોહ છે. રાજ્ય પ્રકરણી ક્ષેત્રમાંના મારા પ્રયોગો હવે તો હિંદુસ્તાન જાણે છે, એટલું જ નહિ પણ થેડેઘણે અંશે સુધરેલું કહેવાતું જગત પણ જાણે છે. એની કિંમત મારે મન ઓછામાં ઓછી છે. અને તેથી એ પ્રયોગોની મારફતે મને મહાત્માનું પદ મળ્યું છે. એની કિંમત પણ જૂજ જ છે. કેટલીક વેળા તો મને એ વિશેષણે પણ દુઃખ દીધું છે. એ વિશેષણથી હું ફુલાઈ ગયો હોય એવી એક પણ ક્ષણ મને યાદ નથી. પણ મારા આધ્યાત્મિક પ્રયોગો, જે હું જ જાણી શકું અને જેમાંથી મારી રાજ્યપ્રકરણી ક્ષેત્રો પરની શક્તિ પણ ઉદ્ભવી છે, તે પ્રયોગોનું વર્ણન કરી જવું મને ગમે ખરું. જો એ ખરેખર આધ્યાત્મિક હોય તો એમાં તો ફૂલણસિંહને સ્થાન જ નથી. એમાંથી તો કેવળ નમ્રતાની વૃદ્ધિ થાય. જેમ જેમ હું વિચાર કરતો જાઉં છું, મારા ભૂતકાળના જીવન ઉપર દૃષ્ટિ નાખતો જાઉં છું, તેમ તેમ મારું અલ્પપણું હું શુદ્ધ રીતે જોઈ શકું છું. મારે જે કરવું છે, જેની હું ૩૦ વર્ષ થયાં ઝંખના કરી રહ્યો છું, તે તો આત્મદર્શન છે, તે ઈશ્વરનો સાક્ષાત્કાર છે, મોક્ષ છે. મારું ચલણ વલણ બધું એ જ દૃષ્ટિએ થાય છે. મારું લખાણ બધું એ જ દૃષ્ટિએ છે. અને મારું રાજપ્રકરણી ક્ષેત્રની અંદર ઝંપલાવવું પણ એ જ વસ્તુને આધીન છે.

પણ મૂળથી જ મારો અભિપ્રાય રહ્યો છે કે, જે એકને સારું શક્ય છે તે બધાને સારું શક્ય છે. તેથી મારા પ્રયોગો ખાનગી નથી થયા, નથી રહ્યા. એ સહુ જોઈ શકે એમાં મને તેની આધ્યાત્મિકતા ઓછી થતી હોય એમ નથી લાગતું. એવી કેટલીક વસ્તુઓ અવશ્ય છે કે જે આત્મા જ જાણે છે, આત્મામાં જ શમી જાય છે, પણ એવી વસ્તુ આપવી એ મારી શક્તિ ઉપરાંતની વાત થઈ. મારા પ્રયોગોમાં તો આધ્યાત્મિક એટલે નૈતિક; ધર્મ, એટલે નીતિ; આત્માની દૃષ્ટિએ પાળેલી નીતિ તે ધર્મ. એટલે જે વસ્તુનો નિર્ણય બાળકો, જુવાન અને બુઢ્ઢા કરે છે અને કરી શકે છે તે જ વસ્તુઓનો આ કથામાં સમાવેશ થશે. આવી કથા જો હું તટસ્થ ભાવે, નિરભિમાનપણે લખી શકું તો તેમાંથી બીજા પ્રયોગો કરનારાઓને સારું કંઈક સામગ્રી મળે આ પ્રયોગોને વિશે હું કોઈ પણ પ્રકારની સંપૂર્ણતા આરોપતો જ નથી. વિજ્ઞાનશાસ્ત્રી જેમ પોતાના પ્રયોગો વિશે અતિશય નિયમસર, વિચારપૂર્વક અને ઝીણવટથી કરે છે, છતાં તેમાંથી નીપજાવેલા પરિણામોને તે છેવટના ગણાવતો નથી. અથવા તો એ તેના સાચા જ પરિણામો છે એ વિશે પણ શાશ્વત નહિ તો તટસ્થ રહે છે, તેવો જ મારા પ્રયોગોને વિશે મારો દાવો છે. મેં ખૂબ આત્મનિરીક્ષણ કર્યું છે, એકે એક ભાવને તપાસ્યો છે, તેનું પૃથક્કરણ કર્યું છે. પણ તેમાંથી નીપજેલા પરિણામ એ સૌને સારું છેવટના જ છે, એ ખરા છે અથવા તો એ જ ખરા છે, એવો દાવો હું કોઈ દિવસ કરવા ઇચ્છતો નથી. હા, એક દાવો હું અવશ્ય કરું છું કે મારી દૃષ્ટિએ એ ખરા છે, અને અત્યારે તો છેવટના જેવા લાગે છે. જો ન લાગે તો મારે એના ઉપર કોઈપણ કાર્ય ન રચવું જોઈએ. પણ હું તો પગલે પગલે જે જે વસ્તુઓને જોઉં તેના ત્યાજ્ય અને ગ્રાહ્ય એવા ભે ભાગ પાડી લઉં અને જે ગ્રાહ્ય વસ્તુ સમજું તે પ્રમાણે મારા આચારોને ઘડું. અને જ્યાં લગી એ પ્રમાણે ઘડાયેલા આચાર મને, એટલે મારી બુદ્ધિને અને આત્માને સંતોષ આપે ત્યાં લગી મારે તેના, શુભ પરિણામો વિશે અચલિત વિશ્વાસ રાખવો જ જોઈએ.

જો મારે કેવળ સિદ્ધાંતોનું એટલે તત્ત્વોનું જ વર્ણન કરવાનું હોય તો આ આત્મકથા હું ન જ લખું. પણ મારે તો તેના પર રચેલા કાર્યોનો ઇતિહાસ આપવાનો છે, અને તેથી જ મેં આ પ્રયત્નને ‘સત્યના પ્રયોગો’ એવું પહેલું નામ આપેલું છે. આમાં સત્યથી ભિન્ન મનાતા અહિંસા, બ્રહ્મચર્ય ઇત્યાદિ નિયમોના પ્રયોગો પણ આવી જશે. પણ મારે મન સત્ય જ સર્વોપરિ છે. અને તેમાં અગણિત વસ્તુઓનો સમાવેશ થઈ જાય છે. આ સત્ય તે સ્થૂલ – વાચાનુ – સત્ય નહિ. આ તો જેમ વાચાનું તેમ વિચારનું પણ ખરું. આ સત્ય તે આપણે કલ્પેલું સત્ય જ નહિ પણ સ્વતંત્ર ‘ચિરસ્થાયી સત્ય; એટલે કે પરમેશ્વર જ.’

પરમેશ્વરની વ્યાખ્યાઓ અગણિત છે, કેમ કે તેની વિભૂતિઓ પણ અગણિત છે. એ વિભૂતિઓ મને આશ્ચર્યચકિત કરે છે. એ મને ક્ષણવાર મુક્ત પણ કરે છે. પણ હું પૂજારી તો સત્ય રૂપી પરમેશ્વરનો જ છું. એ એક જ સત્ય છે અને બીજું બધું મિથ્યા છે. એ સત્ય મને જડયું નથી, પણ એ તો હું શોધક છું. એ શોધવાને અર્થે જે વસ્તુ મને પ્રિયમાં પ્રિય હોય તેનો ત્યાગ કરવા હું તૈયાર છું અને તે શોધરૂપી યજ્ઞમાં આ શરીરને પણ હોમવાની મારી તૈયારી છે અને શક્તિ છે એવો મને વિશ્વાસ છે. પણ એ સત્યનો હું સાક્ષાત્કાર ન કરું ત્યાં લગી મારો અંતરાત્મા જેને સત્ય ગણે છે તે કાલ્પનિક સત્યને મારો આધાર ગણી, મારી દીવાદાંડી ગણી, તેને આશરે મારું જીવન હું વ્યતીત કરું છું.

આ માર્ગ જોકે ખાંડાની ધારે ચાલવા જેવો છે છતાં મને સહેલામાં સહેલો લાગે છે. એ માર્ગે જતાં મારી ભયંકર ભૂલો પણ નજીવી જેવી લાગી છે. કારણ કે એ ભૂલો કરતા છતાં હું બચી ગયો છું, અને મારી સમજણ પ્રમાણે આગળ વધ્યો છું. દૂરદૂરથી વિશુદ્ધ શક્તિઓની – ઈશ્વરની – ઝાંખી પણ કરી રહ્યો છું. સત્ય જ છે, એ સિવાય બીજું કાંઈ આ જગતમાં નથી, એવો મારો વિશ્વાસ દિન-પ્રતિદિન વધતો જાય છે. એ કઈ રીતે વધતો ગયો છે એ મારું જગત એટલે ‘નવજીવન’ ઇત્યાદિના વાચનાર જાણે ભલે મારા પ્રયોગોના ભાગીદાર બને અને તેની ઝાંખી પણ મારી સાથે સાથે કરે. વળી, જેટલું મારે સારુ શક્ય છે તેટલું એક બાળકને સારું પણ શક્ય છે. એમ હું વધારેને વધારે માનતો થયો છું. અને તેને સારુ મારી પાસે સબળ કારણો છે. સત્યની શોધના સાધનો જેટલા કઠણ છે કે તેટલા જ સહેલા છે. એ અભિમાનીને અશક્ય લાગે અને એક નિર્દોષ બાળકને તદ્દન શક્ય લાગે. સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે. જગત આખું રજકણને કચડે છે, પણ સત્યનો પૂજારી તો રજકણ સુદ્ધા તેને કચડી શકે એવો અલ્પ ન બની શકે ત્યાં સુધી તેને સ્વતંત્ર સત્યની ઝાંખી પણ દુર્લભ છે. આ વસ્તુ વસિષ્ઠ વિશ્વામિત્રના આખ્યાનમાં સ્પષ્ટ બતાવવામાં આવી છે. ખ્રિસ્તીધર્મ અને ઇસ્લામ પણ એ જ વસ્તુ સિદ્ધ કરે છે.

જે પ્રકરણો હું લખવાનો છું તેમાં જો વાંચનારને અભિમાનનો ભાસ આવે તો તેને અવશ્ય સમજવું કે મારી શોધમાં ખામી છે અને મારી ઝાંખીઓ તે ઝાંઝવાના નીર સમાન છે. ભલે મારા જેવા અનેકોનો ક્ષય થાવ, પણ સત્યનો જ જય થાવ. અલ્પાત્માને પામવાને સારુ સત્યનો ગજ કદી ટૂંકો ન બનવો.

મારા લેખોને કોઈ પ્રમાણભૂત ન ગણે એમ હું ઇચ્છું છું, એવી મારી વિનંતી છે. તેમાં દર્શાવેલા પ્રયોગોને દૃષ્ટાંતરૂપે ગણીને સહુ પોતપોતાના પ્રયોગો યથાશક્તિ અને યથામતિ કરે એટલી જ મારી ઇચ્છા છે. એ સંકુચિત ક્ષેત્રમાં મારા આત્મકથાના લેખોમાંથી ઘણું મળી શકે એવો મારો વિશ્વાસ છે. કેમ કે, કહેવા યોગ્ય એક પણ વાત હું છુપાવવાનો નથી. મારા દોષોનું ભાન વાચનારને હું પૂરેપૂરું કરાવવાની આશા રાખું છું. મારે સત્યના શાસ્ત્રીય પ્રયોગો વર્ણવવા છે, હું કેવો રૂપાળો છું તે વર્ણવવાની તલમાત્ર ઇચ્છા નથી. જે માપથી હું મારું પોતાનું માપ કરવા ઇચ્છું છું અને જે માપ આપણે બધાએ પોતપોતાના વિશે વાપરવું જોઈએ, તે પ્રમાણે હું અવશ્ય કહું કે,

મોસમકૌનકુટિલખલકામી?

જિનતનુદિયોતાહિવિસરાયો

ઐસોનિમકહરામી!

કેમકે, જેને હું સંપૂર્ણ વિશ્વાસપૂર્વક મારા શ્વાસોચ્શ્વાસનો સ્વામી ગણું છું, જેને હું મારા નિમકનો દેનારો ગણું છું તેનાથી હજીયે હું દૂર છું, એ મને પ્રતિક્ષણ સાલે છે. એના કારણરૂપ મારા વિકારને હું જોઈ શકું છું. પણ એને હજીયે કાઢી શકતો નથી.

પણ હવે બસ થયું. પ્રસ્તાવનામાંથી હું પ્રયોગની કથામાં ન ઊતરી શકું. એ તો કથા – પ્રકરણોમાં જ મળશે.

મોહનદાસ કરમચંદ ગાંધી

આશ્રમ, સાબરમતી,

માગસર સુદ ૧૧, ૧૯૮૨; [ઇ. ૧૯૨૬]