સત્યની શોધમાં/૪. અદાલતમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪. અદાલતમાં

કેદખાનાની કોટડીની અંધારી એકાન્તે બેસીને પોતાની તમામ આપદાનાં આંસુડાં અને ધ્રુસકાં ઠાલવવાનો ઠીક અવકાશ શામળને સાંપડી ગયો. આથી વધુ બદનામી અને શરમ એની કલ્પનામાં આવી શકી નહીં. એ સાબૂત કાંડાંબાવડાંવાળા જુવાને – પ્રામાણિક માબાપના છોરુએ – એક તો ભીખ માગીને ખાધું, ને બીજું એ જેલમાં પડ્યો. ગામડાંનાં મહેનતુ માબાપના પાપભીરુ ફરજંદને મન જેલ એટલે તો કાળામાં કાળી ટીલી. “આજે મારી બા જીવતી હોત તો એને શું થાત? – આપઘાત કરવા જેવું થાત.” બાનું નામ સાંભરતાં જ શામળને યાદ આવ્યું કે પોતાની બગલથેલી તો પોતે પેલી માલગાડીના ડબામાં જ ભૂલી આવ્યો છે, ને વહાલી બાની છબી પણ એમાં રહી! ને બીજી શોધ એ રાતે શામળે આ કરી – બેકાર અને ભૂખ્યા પેટે રઝળનારાઓને ઠેકાણે પાડવા સારુ જ શહેરમાં આ તુરંગવાસનો બંદોબસ્ત કરવામાં આવેલો છે. રડતાં રડતાં એ એકાએક થીજી ગયો. બાજુની કોટડીમાંથી એને કાને એવી કારમી ચીસો પડી, કે જે ચીસોમાં કાળા માથાના માનવી કરતાં કોઈ બિલાડી જેવા પશુનો જ અવાજ લાગે. શામળ સાંભળી રહ્યો, એનું અંતર દળાતું રહ્યું. “હવે ચૂપ કર, રાંડ ડાકણી!” તુરંગની પરસાળમાંથી પહેરેગીરની ત્રાડ પડી. શામળ સમજ્યો કે કોઈ ઓરતના કંઠમાંથી એ ચીસો ઊઠે છે. ને પહેરેગીરના એ સંબોધને તો પેલી ઓરતની જબાનનાં તમામ તાળાં ઉખેડી તોડી નાખ્યાં. એ સ્ત્રીના કંઠમાંથી ગાળો અને ચીસોના ધોધ વહેતા થયા. ગામડિયા છોકરાએ અવતાર ધરીને અગાઉ એક પણ વાર આવી ગંદી વાણી સાંભળી નહોતી. માનવજીવનની અંદર આટલી ગંદકીના ગંજ સંઘરાયા હશે એવી શામળને ગમ જ નહોતી. જાણે કોઈ ઊંડી ગટર – કોઈ ખાળકૂવો ફાટી નીકળેલ છે; અને એ બધી બદબો ઝરતી હતી એક ઓરતના હોઠ વચ્ચેથી! જિંદગીમાં જોયેલ-સાંભળેલ તમામ સુંદરતાને અને પવિત્રતાને જાણે આ દશ મિનિટના નરક-ધોધે ગંધવી નાખી. દરમિયાન શામળ પોતાના શરીરની ચામડી ચિરાઈ જાય તેટલા જોરથી ખંજવાળી રહ્યો હતો. એને રૂંવે રૂંવે કશાક ચટકા ભરાતા હતા. ખંજવાળી ખંજવાળીને બળતરાની લાય લાગતાં એને સૂઝ્યું કે પોતે ચાંચડમાંકડ, જૂ અને જૂવાથી ભરેલ એક પથારીમાં પડ્યો હતો. ઠેકીને એ કોટડીની વચ્ચોવચ જઈ પડ્યો. જીવનમાં અગાઉ કદી આવી વલે નહોતી થઈ. એનું ગામડિયું ઘર માટીનું છતાં ચોખ્ખું, ગૌમૂત્ર છાંટેલું, લીંબડાની ધુમાડીથી રોજ સાંજે વિશુદ્ધ થતું હતું; તેને બદલે અહીં એની તમામ લાઇલાજી વચ્ચે એને તુરંગની કાળી કોટડીમાં જીવડાં ભક્ષી રહ્યાં હતાં. પ્રભાતે એને જુવારના લોટની કાંજી મળી, બે કલાક બાદ એને અદાલતમાં લઈ જવામાં આવ્યો. ચૂનો છાંટેલી સફેદ દીવાલો; મોટો ખાલી ઓરડો; મૂઠીભર પ્રેક્ષકો: સફેદ કેશવાળા, કોઈ માતબર વેપારી આવીને કશોક વેશ ભજવતા હોય તેવા સ્વાંગમાં બિરાજમાન મૅજિસ્ટ્રેટ, અને કેદીઓની લાંબી કતાર ઉપર બે પહેરેગીરો. નામ બોલાતું જાય છે, એક પછી એક કેદી બાઘોલા, દિશાશૂન્ય ચહેરે પીંજરામાં ઊભો થાય છે, બેચાર વાતોની પૂછપરછ સાહેબની અને વકીલની વચ્ચે સપાટામાં પતી જાય છે. અને પ્રત્યેક કેદીને સજા ફરમાવાતી આવે છે. કંઈ જમાનાથી ચાલતી આવેલી રસમ મુજબ, અદાલતનાં યંત્રો બસ ચાલી રહેલાં છે. પાટા પર જાણે ટ્રેન દોડી જાય છે. માનવતાને ઓળખવાનો ત્યાં અવકાશ નથી, વહીવટી કામની ભીડાભીડ છે, થોભવાનો કોઈને સમય નથી. પછી શામળનું નામ પોકારાયું. શો ગુનો? ભામટાવેડાનો. ન્યાયમૂર્તિએ આરોપીને પૂછ્યું: “તારે કાંઈ કહેવું છે?” “પણ સાહેબ—” શામળ બોલવા ગયો, તેટલામાં બાજુએ ઊભેલા પોલીસે એને કમ્મરમાં હળવો ઠોંસો મારીને શીખવ્યું: “‘નામદાર’ કહે.” “નામદાર, મારી પાસે એક દમડીય નથી. ને હું આખો દા’ડો કામધંધો શોધતો હતો.” “તારે કોઈ સગું કે ઓળખીતું છે આ ગામમાં?” “ના, નામદાર.” “શી રીતે આવ્યો અહીં?” “માલગાડીમાં ચડીને.” “વારુ! છોકરા! તું કઠેકાણે આવ્યો છે. અમારે આ લક્ષ્મીનગરમાંથી તો ભામટાવેડાને – રઝળુવેડાને ઘસીભૂંસીને સાફ કરી નાખવા છે. ત્રીસ દિવસની સખત મજૂરીની કેદ. ચાલો, બીજો કેસ.” “પણ નામદાર—” શામળ શ્વાસભર્યો બોલવા મથ્યો. “બીજો કેસ,” મૅજિસ્ટ્રેટે ફરી બૂમ પાડી. પોલીસે શામળને ધકેલ્યો. શામળે ચીસ નાખી: “પણ નામદાર, મને જેલમાં શીદ મોકલો છો? મારો વાંક નથી, હું નીતિદાર છોકરો છું. હું કામધંધો શોધતો હતો. મેં કશું કર્યું નથી. મારા ઉપર દયા કરો.” સિપાહીએ એની સાથે જડતા આદરી. શામળ પોતાના શરીરને ઝોંટાવવા લાગ્યો. એની ચીસોમાં કંઈક એવું તત્ત્વ હતું કે જેથી મૅજિસ્ટ્રેટ થોભ્યા, પૂછયું: “રહો, શું છે અલ્યા?” “નામદાર, હું લૂંટાઈ ગયો તેમાં મારો શો ગનો? અને હું મહેનતમજૂરી માગું નહીં તો બીજું શું કરું? તમને ખબર નથી, નામદાર, પણ હું પ્રામાણિક માબાપનો પુત્ર છું. મને જેલ મળશે એવો વિચાર પણ જો મારા બાપુને આવ્યો હોત તો એને મરવા જેવું થાત. નામદાર, એણે મને ઉછેરીને મોટો કર્યો તે ભીખવા કે ચોરવા સારુ નહીં, પણ મહેનતનો રોટલો ખાવા સારુ. આ મારા શરીર સામે તો જુઓ, નામદાર, મજૂરી વિના આવું શરીર હોય કદી?” કહેતાંકને શામળે કોર્ટ વચ્ચે બાંયો ચડાવવા માંડી. “વારુ, તારો બાપ કોણ હતો?” “રામપરા ગામનો ખેડુ હતો, નામદાર. આંહીંની લક્ષ્મીનંદન ફૅકટરીના શૅર લીધા એમાં અમારું નખોદ વળ્યું. નહીંતર—” “સાચું, છોકરા! હું પણ એ લક્ષ્મીનંદનની લહાણમાં આવ્યો છું.” મૅજિસ્ટ્રેટને સહાનુકંપા ઊપજી. અદાલતમાં પ્રેક્ષકો હસી પડ્યા. શામળ શરમાઈ ગયો. “નામદાર, હું માફી માગું છું.” “કંઈ નહીં. ભાઈ શામળ, જા, લક્ષ્મીનંદન ફૅકટરીના નામ પર તને હું એક તક આપું છું. ફરી મને કદી આંહીં મોં ન બતાવતો, હાં કે?” “કદી નહીં આવું. પણ હું ક્યાં જાઉં?” “લક્ષ્મીનગરમાંથી બહાર.” “પણ શી રીતે? મારી કને પૈસા નથી. મને તમે નામદાર કંઈક કામધંધો ન અપાવો?” “ના, ના. હું દિલગીર છું. આ અઠવાડિયે મેં ત્રણ જણાને ધંધો અપાવ્યો. હવે હું ચોથાને ઠેકાણે પાડી શકું તેવું નથી.” “પણ ત્યારે—” “આ લે, મારા ગજવામાંથી હું તને એક રૂપિયો આપું છું.” “મારે ભીખ નથી જોઈતી.” “તું કામધંધે વળગે ત્યારે મને મોકલી આપજે. લઈ લે. ચાલો – કેદીને છોડી મૂકવામાં આવે છે.... બીજો કેસ.” મૅજિસ્ટ્રેટ પાસે એક ખુરસી પર ઍસેસર તરીકે એક ગૃહસ્થ બેઠેલા તે બોલી ઊઠ્યા: “માફ કરજો. હું વચ્ચે બોલું છું, પણ એ છોકરાને માટે હું કંઈક કામ શોધી આપીશ.” “સરસ વાત. પ્રોફેસર ચંદ્રશેખર! છોકરા, જો આ અહીંની એક મોટી કૉલેજના વિદ્વાન અધ્યાપક ચંદ્રશેખરસાહેબ છે. એ તને ધંધો શોધી આપશે.” “લે આ મારું કાર્ડ, છોકરા! તું કાલે મારી પાસે આવજે.” શામળ કો અજબ આભારભીની આંખે આ સોનેરી ફ્રેમનાં ચશ્માંવાળા તારણહાર તરફ તાકી રહ્યો. શી વિદ્વત્તા ઝળહળતી હતી એના ચહેરા ઉપર! શી કરુણા! ભાવોની ધારાઓ ટપકતી હતી જાણે. પોતાનું બાવડું પોલીસના વજ્રપંજામાંથી છૂટી ગયું છે એટલું ભાન થતાં તો શામળ સડસડાટ બહાર નીકળી પડ્યો. એના અંત:કરણમાં દીવા થઈ ગયા. આખરે બસ મને પગથિયું મળી ગયું. આખરે આ દુનિયાનું કઠોર ઉપલું પડ ભેદીને હું અંદર દાખલ થઈ શક્યો, માનવતા તેમ જ હમદર્દીનાં દર્શન કરી શક્યો. હવે ફરીથી મારે આ ભયંકર અનુભવમાં નહીં ઊતરવું પડે. હવે તો એનું જીવતર ખીલે બંધાઈ ગયું. એ સીધોસટ ચાલ્યો, ગામબહાર નીકળી ગયો. નદીકિનારાના એક નિર્જન સ્થાન પર આવ્યો, ત્યાં કપડાં કાઢીને ધૂળમાં ચોળી ધબધબાવી નાખ્યાં, સૂકવ્યાં. પછી પોતે આખે શરીરે અને માથામાં વેકૂર ઘસી વાસણ માંજે તેમ અંગેઅંગ સાફ કર્યું. પછી કપડાં પહેરીને એ પહોંચ્યો એક ખોજાની દુકાને, અને ધાણી-દાળિયા લઈને એક નળની ટાંકી પાસે બેસી નિરાંતે ચવેણું ચાવ્યું, પાણી પીધું. સાંજ પડતી હતી: સૂવું ક્યાં તે સવાલ સામે આવીને ઊભો રહ્યો. ભાઈબંધ પોલીસની ભૈરવમૂર્તિ પણ નજર સામે તરવરી રહી.