સફરના સાથી/અમર પાલનપુરી
નવાબી રિયાસતના નગર પાલનપુરની એક સ્કૂલમાં જાતે ને મિજાજે બલોચ શૂન્ય પાલનપુરીના વર્ગમાં ચન્દ્રકાન્ત બક્ષી અને અમર પાલનપુરી વિદ્યાર્થી. શુન્ય પાલનપુરી વ્યવસાયે શિક્ષક, ઉર્દૂ ભાષા પ્રયોજીએ તો ‘ઉસ્તાદ’. એ ઉર્દૂમાંય શાયરી કરે અને પાલનપુરી ભાષામાં પણ ખુશમિજાજ હોય ત્યારે માત્ર મિત્રોની મંડળીમાં બોલવા માટેય કંઈ રચી કાઢે. એને પાલનપુરી ભાષામાં રચાયેલી ગઝલો ઘણી યાદ અને તે કેવળ શ્રવણે જ નહીં, અર્થે પણ પ્રસન્નકર. અમરના વડીલોની તો નવાબી દરબારમાં પણ આવનજાવન. રિયાસતી વાતાવરણ, ઘરમાં પોતીકું જિનાલય જેવું હવામાન—આવા ત્રિવેણીસંગમ વચ્ચે વિદ્યાર્થી અમરનો ઉછેર. અમરની રૂઢિપ્રયોગ જેવી ભાષાના સંસ્કાર ઘરમાં અને ખાસ તો કુટુંબનાં વડીલ એવાં બહેનબાઓની બોલીના સંસ્કારરૂપે પડઘાય છે. આમ તો અમર નવાબી નહીં તોયે મહાજનિયા ઠાઠમાં રહે એવી એની હેસિયત છે જ, પણ નવા શ્રીમંતોમાં જેનો અભાવ એવી શાલીન પરંપરા ને ઠાઠ પણ છે. એ આમ પણ સંગીતના જલસા વર્ષોથી યોજે છે અને સંગીતમાં ‘ઠાઠ’ હોય તો એના રસિયામાં ‘ઠાઠ’ કેમ ન હોય? ચન્દ્રકાન્ત બક્ષી શાયરને બદલે વાર્તાકાર અને બીજું ઘણું ઘણું થયા, પણ અમરને સુરીલો કંઠ મળ્યો છે અને નાનપણથી ગણગણવાની સુટેવ ને એના કરતાં વધારે સુરીલા કંઠનાં શુન્યના મુખે એણે ગઝલના શેરો સાંભળ્યા હોય તે એના સંસ્કાર બને એ સહજ છે. વિદ્યાર્થીકાળ પાલનપુરમાં વિતાવ્યા પછી અમર મુંબઈ વસતા કુટુંબમાં રહેવા જાય છે. સુખી ઘરના એ છોકરાને એની આંતરવૃત્તિ નાટ્યમંડળીનાં વિખ્યાત નટનટીઓ નજીક લઈ જાય છે અને નામી કળાકારોને ત્યાં ઘરના યુવાન જેવી એની ઘરાળુ આવજા એટલે આમેય એ જુવાન દેખાવડો, ચહેરોમહોરો, શરીર જ નહીં કંઠ પણ સ્ટેજને અનૂકુળ એટલે ક્યારેક ક્યારેક સ્ટેજ પર પણ દેખાય છે. મૂળે શુન્યના સંસ્કાર ખરાં જ એટલે એ શયદાને તો જુવાન આગંતુકને ‘દીકરા’ કહેવાનો દિલી ઉમળકો - એમની અને એમની અંગત મંડળીનીય નજીક જાય છે અને એ આવનજાવન બદરી કાચવાળાના દરબારથી, તે પછી સૈફ પાલનપુરી-અમીરીના દરબાર સુધી પહોંચે છે. ઘણા બધા સાથે ઘરોબો બંધાય છે અને સુરીલા ગળામાં ગઝલ ઘૂંટાવા માંડે છે. મુંબઈમાં મુશાયરો યોજાયો હોય ત્યારે સાથે શુન્ય પણ હોય એટલે એની બીજાની હાજરીમાં અમર પણ મુલાકાતે આવે જ. ‘ઉસ્તાદ’ને જોઈતી ચીજો કે ક્યાંક મુલાકાતે જવું હોય તો સાથે અમર હોય. શિક્ષણમાં ‘શુન્ય’ને ઉસ્તાદ માનેલા તેને શાયરીમાં પણ પોતાના ઉસ્તાદ માને એ સહજ છે. પણ મુંબઈમાં જાણે ગઝલ ઘૂંટાતી - ગૂંગળાતી હોય, પણ આકાર નહીં પામતી હોય. આકાર પામતી હોય તો તે અંગત જ રહેતી હોય. ત્યાં ઝાઝી પ્રગટ ન થઈ. ભણશાળી જૈન કુટુંબ ‘દાન’ અને ‘હીરા’ બંને સાથે આજેય જોડાયેલું છે. પોતાના સ્વતંત્ર વિકાસ માટે અમર સુરત આવે છે. સાક્ષર સ્ટ્રીટ કહેવાતા ખપાટિયા ચકલે ઘર રાખી વહુ સાથે વસે છે અને ભણશાળીની પેઢીમાં પોતાનો અલગ પાટલો માંડે છે. ત્યાં એક દિવસ એણે ટેબલનું ખાનું ખોલીને ‘હીરાનું તારામંડળ’ બતાવેલું તે આજેય ઝગમગતું દેખાય છે. બીજે કામ કરતો મારો મોટો દીકરો પણ પછી એના વિશ્વાસુ કારીગરરૂપે થોડો સમય જોડાયેલો. આમ તો કોઈક કારણસર એના ખપાટિયા ચકલે એકાદવાર એની ગેરહાજરીમાં જવાનું થયેલું, પણ ઉંબર બહાર પડેલા સંખ્યાબંધ સોહામણાં પગરખાં જોયાનું જ માત્ર સાંભરે છે. શુન્યની પ્રશંસા એના મોઢે અનાયાસ સાંભરે, કોઈવાર એ ‘ગુજરાત મિત્ર’ની ઓફિસમાં આવે, પણ શાયરી અને જ્યોતિષ બંનેના શોખીન એવા એક મિત્રની ઓફિસમાં એની મુલાકાત થઈ જાય. પેલા ભાઈએ માસિક કાઢ્યું એનું સંપાદન મને સોંપ્યું એટલે એ નિમિત્તે જવાનું થાય ત્યારે ત્યાં અમર મળી જાય. એકાદવાર એ મારા ઘરેયે આવેલો. એની ગઝલ પણ પેલા સામયિકમાં મેં છાપેલી. અમરનો શાયરરૂપે તો નવજન્મ સુરતમાં જ થયો માનું છું. અમારા ‘શ્રેયસ’ મંડળે યોજેલા મુશાયરાઓમાં એ સુરતના જાહેર મંચ પર આવ્યો ને એ રીતે એની શાયરરૂપેની જાહેર પરિચિતતા વધી. શુન્ય મુંબઈ ગયા હોય, પાલનપુર પાછા ફરવાના હોય તો, પછીથી તો એ બંગલામાં રહેતો થયેલો, તે એને ત્યાં ઊતરે અને બંગલાની ભીંતે પોતાની મોટી છબિ જોઈને હરખાયા હોય. શુન્ય તો પાલનપુર, પછી પાટણ પછી અમદાવાદ, વટવા, એ પછી મુંબઈમાં નિવૃત્ત થતાં સુધી રહે છે અને માંદી હાલતમાં છેલ્લી વાર પાલનપુર જતાં ખારસું પખવાડિયું અમરને ત્યાં આરામ કરે છે. આમ તો પાલનપુર, નિજી ઘરે જઈ નિરાંતે ગઝલના છંદશાસ્ત્ર ઉરૂઝ અને શાસ્ત્રીય લેખન કરવું છે, પણ કાયા એવી કથળી છે કે બહુ કામ નહીં આવું, જરૂર લાગે ત્યારે રતિલાલ ‘અનિલ’ પાસે જજે એવી ભલામણ કરતા ગયા, પણ તે પછી એ નિરાંતે અભ્યાસ માંડે તે પહેલાં એમણે જીવ છોડ્યો. એ પછી અમર મળવા આવે છે, શાયરીની ચર્ચા થાય છે. નવી ગઝલ લખી હોય તે સંભળાવે. એ ગમે તે વાત માંડે એનો શેર તમને સાંભળવા મળે જ એ એની શાહીરીત કે શાયરરીત તે હું જાણતો નથી. સંગીતપ્રિય અમરે ‘સપ્તર્ષિ’ કળાસંસ્થા સ્થાપી તે હજી પ્રવૃત્તિશીલ છે. ભારતખ્યાત તેમ પાકિસ્તાન સહિત ભારતખ્યાત એવા મોંઘેરા ગાયકોના મોંઘા જલસાઓ એણે યોજ્યા છે, હજી યોજે છે (અલબત્ત, મારે માટે એણે કદી એક પાસ મોકલ્યો નથી.) હા, એણે મહાગુજરાત ગઝલ મંડળના શાનદાર મુશાયરા જેવા મુશાયરાઓ યોજ્યા તેમાં શાયર તેમ પ્રમુખરૂપે ‘સપ્તર્ષિ’ના તખ્તે ગયો છું, પણ સંજોગવશાત્ છેલ્લે એ તખ્તે જવાના દિવસે જ પૂને જતી ઓશો કમ્યુને જતી મંડળીમાં જોડાઈ ગયો તે એને નહીં જ ગમ્યું હોય, પણ એની હેતાળ ગાળ મને સાંભળવા મળી નથી. હા, એણે ‘સપ્તર્ષિ’ના તખ્તે ઘાયલ, બેફામનું સન્માન કર્યા પછી મારુંય સન્માન કરેલું – માનપત્રનો મઢેલો તખ્તો નામી સાહિત્યકારના હસ્તે મારા હસ્તમાં મુકાવેલો. અમીન આઝાદનું જાહેર સન્માન પણ કરેલું એટલે ગઝલની પીઢ પેઢી પ્રત્યે એનો અંગત પ્રેમ મંચ પર પણ જાહેર થતો રહ્યો છે. જોકે સુરતમાં યોજાતા બીજા જાહેર મુશાયરાના મંચ પર એ હોતો નથી. રાજકારણ દિલ્હી, ગાંધીનગરમાં જ ચાલે એવો મર્યાદિત ઉસૂલ કાયદો થોડો છે? મોટે ભાગે એ એકલો એક શાયરના મુશાયરામાં પોતે ખાસ્સો સમય બોલે, ગઝલ, રજૂઆત અને સરસ કંઠ આટલા વાનાં એ માટે પૂરતાં. નજીક આવ્યા ‘ઉઝરડા’ ગઝલસંગ્રહ પ્રગટ કરવાના સમયે. ‘ઉઝરડા’માં મારા માટે આટલા શબ્દો વંચાય છે. ‘રતિલાલ ‘અનિલ’ની ‘ઉઝરડા’ના પ્રથમાક્ષરથી તે પૂર્ણવિરામ સુધીની કાળજી, આટલા શબ્દો લખવાની ‘કાળજી’એણે લીધી છે. બીજા સંગ્રહ ‘રૂઝ’ની હસ્તપ્રત જોઈ છે તે મારા મર્યા પછી પ્રગટ થવાનો હોય એવું ધારું છું. ‘ઉઝરડા’નો વિમોચન સમારંભ હરીન્દ્ર દવેના પ્રમુખપદે થાય એવો સહવિચાર સાકાર થયો. જૂનીનવી પેઢીના શાયરોની હાજરીમાં અને હરીન્દ્ર શાયર પણ ખરાં એવા સુભગમેળામાં થયેલો. એ પેટર્ન થયેલા વિમોચન સમારંભ જેવો નહીં પણ એ નિમિત્તે વક્તાઓએ એની ગઝલસંદર્ભે અભ્યાસના સ્પર્શવાળાં વક્તવ્યો આપ્યાં એ, તે સમારંભની વિશિષ્ટતા અને આખો નગરહૉલ ભરેલો. ટાંકવા હોય તો વિ. ૨. ત્રિવેદીથી માંડી ચોકસી સુધીના એના વિશેના વધારે અને એની શાયરી વિશેનાં ઓછાં એવાં મંતવ્યો ટાંકીને એને વિશે લખવાનું પૂર્ણ કરવાની સગવડ છે, પણ હું અધ્યાપક વિવેચક નથી. શુન્ય પાલનપુરીનું અવસાન એને અકાળ લાગે જ. મને પણ અકાળ લાગે છે. સમારંભમાં અનાયાસ સરી પડેલા શબ્દો માત્ર સાંભરે છે. નજીકની આતશબાજી કરતાં દૂર દૂરનાં નક્ષત્રો મારી નજરને તેડે છે...
અમર ઝવેરી દીવાનો છે,
આભૂષણમાં જડતો પથ્થર!
એ પથ્થરને ઘાટ આપનાર, અપાવનાર પોતાના સાદા શેરને પણ સંપૂર્ણ ઘાટ મળે એ માટે ઝવેરીનો ગુણ એને ફળ્યો છે. ધીરજ અને ચીવટના ગુણ એને સંપડાવ્યા છે.
યુગો વીત્યા તોય ન મહેક્યો,
કેસરચંદન ઘસતો પથ્થર.
એમ એ કહે છે તે યોગ્ય છે, કારણ કે પથ્થર તો તટસ્થ અને અક્રિય હોય છે, ક્રિયા તો બીજા કરે છે, પણ કવિ તો પોતે જ પોતાને લસોટ્યા કરે છે, એ પોતે જ સુખડ સાથે ઓરસિયોય હોય છે એટલે સ્વયં સુગંધ બને છે. અમરને ટૂંકા માપના છંદો ગઝલવગા હોવાનું અનુભવું છું. જોકે એણે વચેટ મોટા માપના છંદની ગઝલો લખી છે અને એવી ‘કોનું મકાન છે?’, ‘અમર હમણાં જ સૂતો છે.’ એની નીવડેલી, જાણીતી ગઝલો છે પણ
ફૂલ પર બેઠાં હતાં,
કેટલાં ફોરાં હતાં.
ચાંદની ફિક્કી પડે,
એટલાં ગોરાં હતાં
ફૂંક પણ મેલાં કરે,
કેટલાં કોરાં હતાં
આંખ પણ આઘી પડે,
એટલાં ઓરાં હતાં
હે પ્રભુ, તુજ રૂપનાં,
કેટલાં મ્હોરાં હતાં.
આ ઋજુ, સહજ, અનાયાસ શબ્દો શેરો કોણ જાણે મારે માટે ખાસ્સા ‘ઓરાં’ છે એટલે હું કોરો નથી. ઓહ પ્રાસ! મને તોં મ્હોંરાં નહીં ‘મોઢાં જ વંચાય છે!
સાથે ઉછેર છે છતાં વર્તનમાં ફેર છે,
ફૂલોને કંટકોથી કયા ભવનું વેર છે!
વેર તો કાંટાને હોય એવું લાગે છે. એનું અણ તીખું અણિયાળું મોઢું તો એવું સૂચવે છે, પણ કવિને કોઈ ફૂલે ડંખ્યા હશે એટલે આવી અવળવાણી સ્ફૂરી હોય! પણ પોતાને કાંટારૂપે શીદ સ્વીકારે કે સ્થાપે છે એ પ્રતિપક્ષ પણ અહીં નથી થતો? એક સંપૂર્ણ શેર કેટકેટલા દૃષ્ટિકોણથી જોઈ શકાય છે એવું જ્ઞાન થાય છે ત્યારે પોતા પર જ આશ્ચર્ય ન થાય?
આદમ સમાન કોઈ મને આદમી મળે,
અલ્લા વિષેની જોઈએ, તે બાતમી મળે.
અલ્લાએ જ આદમીને પૃથ્વી પર મોકલેલો તે પોતાની બાતમી પૃથ્વી પર ફેલાય એ માટે એવી કલ્પના કરીએ, પણ જેણે સજા કરી તેને વિષે આદમી હેતાળ વડીલની કે સજા કરનાર ન્યાયાધીશની બાતમી આપે? આ તો મારો તર્ક. કવિનો આશય તો સ્પષ્ટ છે, પણ શેર કળી જેવો હોય અને એની પાંખડીઓ બુદ્ધિકલ્પના દ્વારા ખોલતા જઈએ અને એક સંપૂર્ણ ફૂલ સાકાર થાય એવા દુર્લભ શેરોની આશા પણ રાખી શકાય. આપણે જે સ્વતંત્ર માનીએ તે પણ સ્વતંત્ર ક્યાં હોય છે? સાદું તથ્ય પણ અનેક સંદર્ભો ધરાવતું હોય છે. કવિનો હેતુ જ પ્રગટ થાય એવા સ્વતંત્ર શેરો વિશે આપણે ત્યાં વિવેચન જ ક્યાં છે? કવિનો અભિગમ જ અર્થરૂપે સ્વીકારવાનું રહે એવું શાયરીમાં બને છે.
લાગી ન આંખ એક ઘડી પણ જુદાઈમાં,
મારા નસીબમાંથી તો અંધકાર પણ ગયો!
આવા સાદા શેર પારદર્શક અને વળી કવિ જે અનુભવે છે, કહે છે તે જ ભાવક સુધી કેટલી સરળતાથી પહોંચે છે!
એકાંતમાં તો આયનો પણ ના ખપે મને,
મારી જ સામે મારાથી રોવાઈ જાય તો!
આવો સાદો લાગતો શેર પોતાને એવી સ્થિતિમાં મૂકી વિચારીએ તો? હા, એ એકાંતમાં વિચારવો જોઈએ.
ખુશી લીધી ઉધાર ના તારા ગયા પછી,
બાંધ્યો કશો મદાર ના તારા ગયા પછી.
બનતું બધુંય મેં કર્યું અંધકાર ટાળવા,
જોઈ શક્યો સવાર ના, તારા ગયા પછી.
પથ્થર ગણી પૂજાયા જગે ઑર વાત છે,
ખુદને કર્યો ના પ્યાર મેં તારા ગયા પછી.
અંદરથી ‘અમર’ ધીરે ધીરે તૂટતો ગયો,
ઊપડયો જીવનનો ભાર ના, તારા ગયા પછી.
ગઝલને પરિચિત વિરહ અહીં ગઝલી પરંપરાએ નહીં, પણ પોતાની અનુભૂતિ સાદા શબ્દો, સરળ અભિવ્યક્તિએ આવે છે તે એની પોતીકી સાદાઈથી, સરળ ઉદ્દગારથી વધારે સ્પર્શે છે. ગઝલોમાં ઘણી વાર પ્રેમ અને વિરહ પોતીકો નહીં એટલો પરંપરાનો અનુભવાય છે, એવું અહીં અનુભવાતું નથી. કવિ માટે બે જ માર્ગ છે. એક સાદી પોતીકી સરળતા, નિર્દોષતાથી કહી દેવું, કયાં તો પરંપરામાં પોતીકી મુદ્રા ઉપજાવવાની કળાની શોધ અને મથામણ કરવી. ગંગાના માર્ગમાં કેટકેટલા ઘાટ, ઓવારા આવે છે, પણ મણિકર્ણિકાનો ઘાટ તો યાત્રાળુઓ માટે. મારા ગામને અડી વહી જતી ગંગાનો પ્રવાહ, એના કાંઠે પડેલી શિલા પર કરેલું સ્થાન કેટલું નિજી, પોતાની જ સ્મૃતિ અને અનુભૂતિનું! અને એ દૃષ્ટિએ શાયરીમાં વિરહ કેટકેટલારૂપે, કેવાં કેવાં આક્રંદ, ડૂસકાં ‘દીવાલો સે બાતેં હોતી હૈં’, એવા આવેશી પાગલપણામાં પણ… છતાં આપણી પરિચિત બાની, કહો કે બોલીમાં અને ઘરમાં, ઘરઆંગણે જોઈ શકાય, અનુભવી શકાય છે એ વિરહની અભિવ્યક્તિ મને તો વધારે સ્પર્શે છે. તડકા- છાંયડાના રૂઢપ્રયોગો. ઘણા સંદર્ભો ધરાવે છે, પણ બે શેરમાં પોતીકા વિરહને સરળ એટલે સ્પર્શક્ષમ ભાષા અને સૂચક એવી સાદાઈથી. આ કવિને સહજ એવા ‘ઠાઠ’ વિના દેખાય છે એ તરફ વારંવાર મારું ધ્યાન ગયું છે.
ફરક્યું નથી આ ઘરમહીં ચકલુંય એ પછી,
તડકોયે ચાલ્યો જાય છે બેસીને દ્વારથી.
મારે મન એથી નથી કંઈ ફેર દિવસ, રાતમાં,
ઓરડે અંધાર છે તે ઓટલે તડકા હજી.
ઓરડાનો અંધકાર અસહ્ય હોય છે, તે સૂચક પણ છે, પણ બહારનું જગત ઓટલે બેસીને ચાલ્યા જતા તડકાને જુએ છે! પણ એના અપ્રગટ ‘રૂઝ’ સંગ્રહમાં ‘આખી શેરી માલણ થઈ ગઈ’ એ રાતરાણીની વાત આવે છે, એ મહેક વ્યાકુળ કરી મૂકે એવી છે.
અમર હમણાં જ સૂતો છે
પવન ફરકે તો એ રીતે ફરકજે પાન ના ખખડે,
કોઈને સ્વપ્નમાં માગી, અમર હમણાં જ સૂતો છે.
દવા તો શું, હવે સંજીવની પણ કામ નહીં આપે,
જીવનના ભેદને પામી અમર હમણાં જ સૂતો છે.
ગગન પ્રગટાવ તુજ દીવડા, નહીં લાગે હવે ઝાંખા,
નયનના દીપને ઠારી અમર હમણાં જ સૂતો છે.
ગગનનાં આંસુઓ માયા નહીં ધરતીના પાલવમાં,
પ્રભાતે ત્યાં ખબર આવી, અમર હમણાં જ સૂતો છે.
મિલનદૃશ્યો હવે તડપી રહ્યાં છે કરવટો લઈને,
વિરહના રંગમાં રાચી, અમર હમણાં જ સૂતો છે.
કહ્યું શત્રુએ મિત્રોને, કરો ઉત્સવની તૈયારી,
રહી ના જાય કંઈ ખામી, અમર હમણાં જ સૂતો છે.
‘અમર’ જીવ્યો છે એવું કે જીવન ઓવારણાં લે છે,
મલાજો મોતનો રાખ, અમર હમણાં જ સૂતો છે.
ગયો એ હાથથી છટકી, હવે શું બાંધશે દુનિયા,
બધાંયે બંધનો ત્યાગી અમર હમણાં જ સૂતો છે.
ન જાગે એ રીતે ઊંચકીને એને લઈ જજે,
દુનિયા! સમયની કૂચમાં થાકી, અમર હમણાં જ સૂતો છે.
કોનું મકાન છે?
રોનક છે એટલે કે બધે તારું સ્થાન છે,
નહિતર આ ચૌદે લોક તો સૂનાં મકાન છે.
દીવાનગીએ હદ કરી તારા ગયા પછી,
પૂછું છું હર મકાન પર, કોનું મકાન છે.
દિલ જેવી બીજે ક્યાંય પણ સગવડ નહીં મળે,
આવી શકે તો આવ, આ ખાલી મકાન છે.
થાશે તકાદો એટલે ખાલી કરી જશું.
કીધો છે જેમાં વાસ, પરાયું મકાન છે.
બાળે તો બાળવા દો, કોઈ બોલશો નહીં,
નુકસાનમાં છે એ જ કે એનું મકાન છે.
કોને ખબર ઓ દિલ, કે એ ક્યારે ધસી પડે,
દુનિયાથી દૂર ચાલ કે જૂનું મકાન છે.
એને ફનાનું પૂર ડુબાડી નહીં શકે,
જીવન ‘અમર’નું એટલું ઊંચું મકાન છે.
ફૂલોનું ઝેર છે!
વૈભવ કુબેરથીય વધુ મારે ઘેર છે,
કિન્તુ નથી જો આપ, તો માટીનો ઢેર છે.
સાથે ઉછેર છે છતાં વર્તનમાં ફેર છે,
ફૂલોને કંટકોથી કયા ભવનું વેર છે.
કાંટાના ડંખ હોય તો વેઠી શકાય,
પણ દિલમાં જે વેદના છે એ ફૂલોનું ઝેર છે.
કેવળ છે ખોટ આપની મારા જીવન મહીં,
બાકી જુઓ જો આમ તો ઈશ્વરની મેર છે.
થાશે ગઝલ મઝાની, જો ઝીલી લો પાલવે,
ટપકે જો આંખથી, એ મહોબતના શેર છે,
અજમાવી લો ‘અમર’ને એ કેવો દિલેર છે.
▭