સફરના સાથી/નિસાર અહમદ ‘શેખચલ્લી'

નિસાર અહમદ ‘શેખચલ્લી’

ગઝલના મોગલાઈ સમયથી પરંપરાના મુશાયરા રાંદેરના મુસ્લિમ ગુજરાતી સાહિત્ય મંડળે યોજેલા, તેમાં વંચાયેલી ગઝલોના સંગ્રહો પ્રગટ થયા છે, તેમાં ભાગ લેનાર કવિઓમાં બેકાર, શેખચલ્લી અને આસિમ રાંદેરી, શરૂઆતના સ્વરૂપે જુદાં તરી આવે છે. તે પછી એમની પોતીકી ઓળખ વિસ્તરતી અને દૃઢ થતી મને લાગી છે. ઉ. જો. જેને ‘નવી ગઝલ’ કહે છે તે સંઘરૂપે આકાર લે છે. મહાગુજરાત ગઝલ મંડળની એકધારી પંક્તિ પરના મુશાયરાઓથી બેકાર અને શેખચલ્લી મિત્ર. બંને હઝલકાર પણ બંનેનાં સ્તર જુદાં. બેકાર મંડળના પ્રમુખ અને શેખચલ્લી છેવટ સુધી હિસાબનીશ. આ એક સંપર્કસૂત્રને કારણે બીજા કવિઓને તો મુશાયરાપ્રસંગે મળવાનું થાય, પણ બેકાર, શેખચલ્લી વારંવાર સુરત આવે, અમીન આઝાદની દુકાન મિલનકેન્દ્ર અને પછી તો કઠોર—ખોલવડમાં પણ મુશાયરા યોજાવા માંડ્યા એટલે ગાઢ અંગત પરિચયના સંસ્કારે ગઝલ સાથે સુરત, રાંદેર અને કઠોર એકસાથે સાંભરે. ગુજરાતી, ઉર્દૂ સાહિત્યના મહત્વના ગ્રંથો, પુસ્તકોની લાઇબ્રેરી, ભણેલો વર્ગ બહુમતીમાં અને ખાનદાની પરંપરા—આ સર્વ મળીને શેખચલ્લી અને સીરતીના મારા પર પડેલા સંસ્કાર મારા સ્મૃતિકોશનો એક ભાગ બની રહે છે. નિસાર અહમદ ‘શેખચલ્લી’ મૂળ પેટલાદના મિલકામદાર. એમની આહ આ શેરમાં વ્યક્ત થાય છે:

સુણીને મિલની સીટી સદા ચોંકી ઊઠું છું હું,
મને એમાં મજૂરોનાં રુદન ને ચીસ લાગે છે.

નિસાર અહમદના અક્ષરો ‘મોતીના દાણા જેવા’ એ રૂઢિપ્રયોગને સંભારી આપે. ત્યારે શિક્ષણમાં અપાય એટલા ગણિતમાં એ પાકા. ત્યારે ‘પાકું દેશી નામું’ જાણનાર માણસોની પેઢીઓ અને સંસ્થાઓને જરૂર, એટલે એ એક સંસ્થામાં નામું લખનાર અને હિસાબનીશરૂપે કઠોર આવી વસ્યા અને ત્યાં જ એમની કબર છે. રાંદેર, સુરત મને કઠોરનાં ઘણાં કુટુંબો બર્માના રંગૂન પાટનગર અને પ્રાન્તોમાં ધંધાર્થે વસેલાં એટલે એ નામું લખવા માટે બર્માના અકિયાબ કસબામાંય કેટલોક સમય રહેતા, મારા બનેવી અકિયાબમાં અને મારી મોટી બહેનનો દેહ ત્યાં જ પડેલો એટલે થોડીઘણી આત્મીયતા ખરી. નિસાર સાથેના એકાંતિક સંવાદમાં હું અકિયાબ વિષે જાણવા પૂછતો. એ માણસની નિરીક્ષણ, અવલોકન અને નિર્ણયશક્તિનો એ દ્વારા મને પરિચય થયો. એ ગઝલ તો પછી લખતા થયા પણ રુચિરૂપે સાહિત્યના માત્ર વાચક નહીં પણ નિષ્કર્ષ કાઢી શકે એવી અભ્યાસી દૃષ્ટિ એમનામાં મૂળે જ હતી. નિસાર અહેમદને ઓળખનારા ઓછા પણ ‘શેખચલ્લી’ને જાણનારા ઘણા — કેમ કે હઝલ સોંસરી વાચક ને શ્રોતા સુધી પહોંચે. વાસ્તવમાં એમની રુચિ અને શક્તિ વિવેચનની વિશેષ હતી. ‘કારવાં’ માસિકમાં ‘વણજારા’ ઉપનામે ‘પોઠ’ નામે નિયમિત કૉલમ લખતા. એમનું વાંચન ગુજરાતી, ઉર્દૂ સાહિત્યનું સમાન અને રસ તમામ સાહિત્ય-સ્વરૂપોમાં, સાહિત્યિક પ્રવૃત્તિઓ પર પણ એમની દૃષ્ટિ રહેતી. વાંચે, નિરીક્ષણ, તોલન કરે તે એમની ચર્ચાના વિષયો બને. તેમાં ગુજરાતી ગઝલ, મુશાયરાપ્રવૃત્તિની તપાસ અને સ્પષ્ટ ટીકાયે હોય. એકવાર એમણે ‘સુંદરમ્’ની એક કવિતાની બરાબર ચિકિત્સા કરેલી અને ‘સુંદરમ્’ પણ લેખિત વિવાદમાં ઊતરેલા. એ ઘટના એમની વિવેચનશક્તિ અને સજ્જતાનું સૂચક બની રહે છે. પ્રશ્ન થશે કે એક મુસ્લિમ—માસિકમાં સાહિત્યિક ચર્ચા? સુરત જિલ્લાના પાંચસાત ગામ સફરીઓનાં. આફ્રિકા, બર્મા અને કોઈ કોઈ હોંગકોંગમાં પણ ખરા. ઉચ્ચ શિક્ષણ પામેલા પણ, વિદેશી રમતો વિવિધ કળામાં રસ લેનારા ઘણા. ખુદ તંત્રી ‘વહશી’ શાયર અને સ્થિતિએ અમીર અને ખોટ ખમી શકે એવા. બર્મા બીજા વિશ્વયુદ્ધને અંતે તૂટયું ત્યારથી ઘણાં કુટુંબોનો આર્થિક આધાર તૂટ્યો તે પછી થોડીક ઓટ આવી. "નસીમની વિવેચન- શક્તિ ગુજરાતીના વિવેચક જેટલી ગઝલના વિષયમાં ઊંચી. તેઓ ખોજાઓનાં અઠવાડિક ‘ઇસ્માઈલી’ના તંત્રી. કમનસીબે કોમી પત્રોને કારણે બંને વિવેચક તરીકે અજાણ્યા રહ્યા, અને મારો અંગત વિપુલ સંચય મારી ગેરહાજરીમાં કાઢી નંખાયો એટલે એમના વિશે અધિકૃત લખવાનો આધાર ગયો. એ દુર્ઘટનાએ મને મારાં છપાયેલાં લખાણો વિષે પણ અપરિગ્રહી બનાવી દીધો. ગઝલ મુશાયરા વિષે સામાન્યથી તે ઉગ્રપણે ટીકા કરનારા ‘હિન્દુ’ (આ શબ્દ સમજીને પ્રયોજું છું) વિવેચકને સમાંતરે પણ સાહિત્યપદાર્થના અભ્યાસ અને પિછાણ ધરાવનારા ભલે સંખ્યાએ બેચાર, પણ, ‘અભ્યાસુ’ હતા. તેમને જાણે જુએ નહીં. શયદા તો નિસાર-શેખચલ્લીને કતરાતી આંખે જ જોતા! બીજાઓ પણ ગંભીર નજરે જોતા. નસીમ ખૂબ જ શાલીન, ખૂબ વિનમ્ર. ઊંડી ચર્ચામાં ઊતરે પણ તીક્ષ્ણ ટીકાનો એક શબ્દ પણ નહીં, પણ કટાક્ષકવિતા રચનાર શેખચલ્લી કશી પ્રશિષ્ટ ગોપનકળા વિના સ્પષ્ટ લાગે તેવું લખે, પણ જવાબદારી સમજીને તો ખરા જ, એટલે લોકપ્રિય ગઝલકારો પર એમનો ધાક રહેતો. મંચના શાયરનું સંપૂર્ણ ચિત્ર એમની ‘એકલો નહીં આવું’ હઝલમાં મળે છેઃ

માફ કરજો કે હું એકલો નહીં આવું,
જ્યાં સુધી ગોઠિયા બેચાર ન પકડી લાવું.

મુજને ભય છે કે વિના દાદ હું બેસી જાઉં,
ન મળી દાદ તો બેમોત હું મરી જાઉં,

થોભજો ટોળકી મારી હું લઈને આવું છું,
ભાઈઓ, જાવ મુશાયરામાં હું આવું છું.

કોઈના શેર સુણી ભૂલથી દેતા ન દાદ,
મારી પ્રત્યેક કડી પર કહેજો : ‘વાહ, ઉસ્તાદ!’

આજ તો તે જ કવિ, તે જ કલાકાર બને,
ગાયકી શીખીને ખુશરંગ કળાકાર બને!

માટે કોઈ રાગમાં પ્રેક્ટિસ કરી હું આવું છું
આઇના સામે ઍક્ટિંગ કરી આવું છું!

નિસાર અહમદ શેખચલ્લીએ સમય અને શક્તિના પ્રમાણે ઓછું લખ્યું. તે આવાં વલણને કારણે, ઉર્દૂ શાયરી જેવું વ્યાપક વિસ્તરેલું ફલક એમને મળ્યું હોત તો એમણે ઘણું લખ્યું હોત! ઘણી વાર લેખન અને પ્રવૃત્તિએ ખિન્ન થઈ નેપથ્યે સરી જતા. એથી એમને વાંચવાનો સમય વધારે મળતો. ઊંચું પડછંદ શરીર. ‘અરે, ગુજરાતી એ શેનો, કોઈ પંજાબનો પોલિસ લાગે છે!’ આમ પોતાની જાત પર પણ હસી શકતા. એમના મિત્ર બેકાર જ એમને નેપથ્યેથી ફરી મંચ પર લાવી શકતા. સામયિક પરિબળો કોઈપણ ક્ષેત્રના રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રના—એના પડઘા એમની હઝલમાં પડતા. એમની લોકશાહી હઝલ જુઓ. એમની આંખે હડફટે ચર્ચિલથી માંડી દેશના મોરારજી દેસાઈથી માંડી આજના અડવાણી, બાજપેયી, ફર્નાન્ડીઝ ચઢે છે.

ઇમરજન્સી ન પહોંચે યુ. કે. માં,
ત્યાંયે ‘લેડી’ પ્રધાન થઈ ગઈ છે.

સીધી કટાક્ષ કરનારને કટાક્ષની કળા શીખવે એવો આ શેર છે. કટાક્ષ મહદંશે સંદર્ભોનું પૂર્વજ્ઞાન માગે છે. એટલે તો એ સંક્ષેપ અને ચોટદાર બને છે. ત્રાંસા કિરણનો મરોડ પરંપરિતથી વરવી બીજરેખા બતાવે છે. વિકસેલા મહાનગરનું આ દૃશ્ય તો આંખ સામે હોય:

ઓટલા પણ હવે રહ્યા છે ક્યાં?
ઓટલાની દુકાન થૈ ગૈ છે.

વર્તમાન ભાષણિયો યુગ આ શેરમાં કેવી ઠાવકાઈથી વ્યક્ત થાય છે:

હું આપની વાતો ના માનું એવું તો કશુંયે ખાસ નથી,
પણ આપની વાતો જાદુ છે, જાદુમાં મને વિશ્વાસ નથી.

આ મરમી માણસ કેવી ઠાવકાઈથી ‘એવું તો કશુંયે ખાસ નથી’ કહે છે —એનો ધ્વનિ માણો! એટલી જ ઠાવકાઈથી, સ્વસ્થતાથી તેઓ કેવી ગંભીર વાત કરે છે:

મહીં ભડકા ભર્યા છે પણ ઉપરથી પીસ લાગે છે,
અરે, આખું જગત એક સેફ્ટી માચીસ લાગે છે.

ગઝલ ગેયકવિતા છે. એનો પાઠ કરવાની પણ એક ઠાવકી રીત હોય છે, એથી એનો ભાવ, લયમાં રસાય છે, ઘૂંટાય છે, પણ દરેક છંદનો એક પોતીકો લય હોય છે. લાંબી બહેરનો લહેરાતો લય, સાવ ટૂંકી બહેરમાં ગઝલના લયમાં ભળી જતો ગીતલય-છંદોની વિવિધતા, વિવિધ લય પણ બને છે તે ‘તરન્નુમ’ કહેવાય. તમે કવિસભામાં ગળામાં સારો સૂર હોય તો ગાવ—પણ એના શાંત છતાં પ્રભાવશાળી તરન્નુમમાં. તરન્નુમની પણ અર્થવાહી, ભાવાભિવ્યક્તિની સાર્થ પરંપરા છે. પણ સહેલી લોકપ્રિયતા માટે કોઈ લોકપ્રિય બનેલી ફિલ્મ ગઝલ કે ગીતના લયમાં ગવૈયાના ઠાઠથી ગવાય છે, ત્યારે કંઠ અને ગાયકી મહત્વનાં અને ગઝલ ગૌણ બની જાય છે, સામાન્ય ગઝલ પણ કંઠ અને ગાનથી દાદ પામે એવું બને છે. ગઝલ, ગઝલ છે અને કવ્વાલીમાં ગઝલ ગવાય તોયે એ સાંભળનારા કાવ્યપ્રેમી ઓછા અને ગાનપ્રિય વિશેષ હોય છે એટલે તેઓ કહે છે:

ગઝલનો લય તજીને તાલીઓના તાલ થઈ જાવું,
મુબારક હો કવિઓનું હવે કવ્વાલ થઈ જાવું.

એમનો હઝલસંગ્રહ ‘વૈભવ’ પ્રગટ થયો છે એ તો એમના પુત્ર પાસેથી મળી આવેલી હઝલોનો છે. એમણે પોતાના એક શિષ્યને પોતે પસંદ કરેલી હઝલ-ગઝલનો સંગ્રહ આપ્યો હતો. પણ તેઓ પણ ગુજરી ગયા પછી એમની હસ્તપ્રત મળી નહીં, એટલે એમના સમગ્ર પ્રદાનનો પરિચય અધૂરો રહે છે. ‘સાઇકલ- રિક્સા’ જેવી ગંભીર ઘણી રચનાઓ પેલી ગુમ થયેલી હસ્તપ્રતમાં હોઈ શકે. મુશાયરા ખૂબ લોકપ્રિય થયા ત્યારે કેટલાક સંમાન્ય વિવેચકોને લાગ્યું — કવિતાને નામે આ શું થઈ રહ્યું છે? ટીકાઓથી માંડી વજ્રપ્રહાર પણ થયા, ‘ગઝલિયા’ કહેવા સુધીની તોછડી મશ્કરી થઈ. ‘કિતાબ’ નામનું માસિક પ્રગટ કરવાનું નિર્ધાર્યું. એના તંત્રી નિસાર અહમદ ‘શેખચલ્લી’ અને અહમદ આકુજી સીરતી. વાસ્તવમાં નિસાર અહમદ જ સંપાદક હતા. એમાં ગઝલ, કવિતા, વાર્તા, નિબંધ, વિવેચન-સૌને સ્થાન હતું. નિસાર અહમદ સુરત એક મિત્રને ત્યાં આવે. બધું મેટર અને તેનો ક્રમ મને સમજાવી જાય. પ્રૂફ વાચનથી માંડી પ્રેસમાં અંક સંપૂર્ણ થાય ત્યાં સુધીની જવાબદારી મારી. મહાગુજરાત ગઝલમંડળના મંત્રી તરીકે, તેના પ્રકાશનોને કારણે મને સંપાદન અને પ્રેસનો અનુભવ હતો તેને પૂર્ણ કરવાની મને અજાણ્યે તક અને તાલીમ મળી. જયંતી દલાલ જેવા તરફથી એને સમભાવ અને અનુભવનાં સૂચનો મળતાં રહ્યાં, પણ અમે બધા મહિને માંડ વીસપચીસ રૂપિયા કમાનારા. છ અંક પછી ‘કિતાબ’ બંધ પડ્યું. મંડળે અને અન્ય કોઈએ થોડીક આર્થિક જવાબદારી સ્વીકારી હોત તો ચાલ્યું હોત. અમે તો માત્ર વોલેન્ટિયર હતા. આજે ગઝલને સાહિત્યમાં સ્થાન છે પણ કોઈ ભૂમિકા રચાયા વિના કોઈપણ પ્રવૃત્તિ શી રીતે સ્થિરપણે સ્થાન પામે? કહેવું જોઈએ કે પાયાની ભૂમિકા રચનારા વૉલેન્ટિયરોની ઉપેક્ષા થઈ છે. એક શિષ્ટ સાહિત્યના સ્વીકાર્ય હેસિયતના નિસાર અહમદ જીવનનાં છેલ્લાં વર્ષોમાં સુરતથી પ્રગટ થતા ‘વહોરા સમાચાર’, કોમી સામયિકના માત્ર વેતન પામતા કાર્યકારી સંપાદક હતા અને એ પદેથી એમણે અંતિમ વિદાય લીધી… એ પોતાની જાત પર પણ કરુણતાભર્યા સ્પર્શ સાથે હસે છેઃ

ચરોતરની એ ચારુતા રહી ના ‘શેખચલ્લી’માં,
જીવન એનું છે હૂરટમાં વસીને હૂરતી જેવું.

એમના જીવનના છેલ્લા વર્ષનું જ એક અવિસ્મરણીય સ્મરણ તે સુરતમાં ‘ગુજરાત સમાચાર’ના સ્થાનિક સંપાદક વજ્ર માતરીના પ્રયત્નથી યોજાયેલો એક જાહેર સફળ મુશાયરો. માત્ર ત્રણ જ કવિ— શેખચલ્લી, રતિલાલ ‘અનિલ’ અને વજ્ર માતરી. ત્રણ જ શાયર અને ત્રણ કલાકનો સફળ મુશાયરો. અગાઉના વર્ષોના કોઈપણ મુશાયરામાં ‘શેખચલ્લી’ એટલા પૂર્ણપણે પ્રગટ થયા નહોતા.

સુરતી હિન્દી

સુણ્યા સુરતના સ્ટેશન પર ભગુભાઈને બડબડતા,
અપણા લોક આંખો મીંચકે ગાડી મહીં ચડતા.

સવારે રોજ હમ પેપર મહીં ખબરો છીએ પઢતા,
કે ખાલીપીલી અપના ભાઈ હૈં આપસમાં આથડતા.

અરે ભાઈ, મેં કહું છું કે તમે શા કારણે લડતા?
મગર હિન્દુ મુસલમિનકો કશું સમજણ નથી પડતા.

તમેરે કાંસે આણા, તમ તો પંજાબી નજર પડતા,
અમેરેકું થોડાબોત હિન્દુસ્તાની આવડતા.

તું અમને દમ ભિડાવે છે, હું અચ્છી રીતે જાણું છું,
અમેરા દીકરા ભી તીસરી હિન્દી હતા પઢતા.

મરાઠી કા તો હમ દાદા હય, બંગાલી કા ઠાકુરદા,
અમ હસતા બાળબોધીમેં તો ગુજરાતી મહીં રડતા.

જરા ઉપરથી સખણો બેસ, નીચે ધૂળ હે પડતા,
તુમેરા બૂટ મેરી ખોપરી સંઘાત આથડતા.

તુમેરે હાથ અડનેસે અમેરા પાણી આભડતા,
તુમેરા લોટા દેખો, જાય છે, આ જાય ગડબડતા.

તુમેરી ગાળકા ઉત્તર હું ફોરન આપી દેતે પણ,
શું કરીએ જીભ પર સસરા બધા શબ્દો નથી ચઢતા.

મને ભાષણ સુણીને ‘શેખચલ્લી’ પ્રશ્ન એ ઊઠ્યો:
કેય હિન્દી હૈ કે હિંદી તણા અપમાન હડહડતા?

સાઇકલ-રિક્સા

જોઈ એ દેખાવ આવે છે મને તો કમકમી,
આદમીને ગાડીએ બેસાડી ખેંચે આદમી.

ઘંટડીની ટનટનન્ સાથે ત્વરાથી દોડવું,
હાંફવું, તૂટી જવું, પણ મ્હોં નહીં મચકોડવું.

ધોમ તપતા તાપમાં દોજખ બની ગઈ છે સડક,
ને ઉઘાડા પગથીય દોડી રહ્યો છે બેધડક!

ટાઢમાં, વરસાદમાં તૈયાર છે, તલ્લીન છે,
એ તે માણસ છે કે કોઈ ભૂત છે કે જીન છે?

મોટરો, ટ્રામો, ખટારા, ઘોડાગાડી, સાઈકલો,
ભીડમાં લોકોની પેસી કાપતો જાયે મજલ.

પેટની આ વેઠ ખાલી એક આના કારણે?
જલદી એ પહોંચાડશે એને કજાના બારણે.

આશરો આકાશનો ને બસ હવાની ઓથ છે,
જિંદગી એના ગળે વળગેલ જાણે લોથ છે.

એના માટે વિશ્વમાં ઉત્સવ કે આનંદો નથી,
જાણે માણસ નથી, અલ્લાહનો બંદો નથી.

‘આદમી’ને કિંવા એના જેવા એના ભાઈને,
આદમી જોડ્યો તો શું ગાડીએ એંટાઈને?

નહિ તો, વાહનની કમી ક્યારે હતી?
શી જરૂરત તો પછી દુનિયાને રિક્ષાની હતી?

બેસવું એમાં ગુનો, ના બેસવું પણ પાપ છે,
એ કોઈ ગાડી નથી, ઇન્સાનિયત પર શાપ છે.