સફરના સાથી/મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ'
જીવનના એક વળાંકે C/o વાયા અમૃત ‘ઘાયલ’ જૂનાગઢના ગિરનારના જંગલમાં ‘પ્યારાબાપુ’ના સંપાદન માટે ગયો, રહ્યો, ત્યારે કોઈ કોઈ વાર રાજકોટ અને તેય ઘાયલને ત્યાં જ ઉતારો હોય એ સાથે જાણે ગઝલના મૂળ વાતાવરણમાં પહોંચી જતો અને દવે, ગાફિલ અને ઘાયલની ત્રિપુટીમાં ભળી જતો. બસ, વાત તો મુખ્યત્વે ગઝલની, પણ હવામાન સૂફીવાદી, કારણ કે દવે અને ગાફિલ બંને પૂરા આધ્યાત્મિક જીવ અને ઘાયલ માણસ દ્વારા શાયર, પણ ત્રણે નિજી વ્યક્તિત્વ અલગ પણ રસ અને સ્નેહના તાંતણે એક. દવેમાં તેજસ્વિતા તો હતી જ, પણ ગાફિલ કારકિર્દીએ ઊંચા સ્થાને, પણ જરાય ભારઝલ્લા નહીં. અને એમનામાં કરુણાપ્રેરિત માણસાઈભર્યો સમભાવ, બીજાના જીવનમાં પણ, એ નર્યો દુઃખિયો જીવ છે કે નહીં તે આડકતરી રીતે અન્યને જાણ ન થાય એ રીતે જાણી લેનારા. એ ગઝલ પણ લખે અને ભજન પણ લખે. એમાં ‘વાણી’ની પરંપરાનો ધ્વનિ અને રણકો હોય. એ ત્રિપુટીની બેઠકમાં કોઈ કોઈ વાર આ લખનારને પણ ‘જગ્યા’ મળી જતી. આ ‘જગ્યા’ શબ્દનો અર્થ તમે ગિરનાર અને સૌરાષ્ટ્રના એવા જ સ્થાને ન જાવ ત્યાં સુધી ન સમજાય. મહંતનો અખાડો પણ સૌરાષ્ટ્રમાં…ની જગ્યા અને ગોંડલ જાવ તો ‘જલાબાપાની જગ્યા’ એ અર્થમાં એ ત્રિપુટીની જગ્યામાં જતો ત્યારે કોઈ નામ વગરના મસ્તોની કોઈ નામ વગરની જગ્યામાં જતો. અને એ અને દવે એવા મરમી કે આગંતુક દોસ્તની આંતરિક સ્થિતિ પણ જાણી લે અને વ્યવહારની ભૂમિકાએ સમભાવી વિચાર જ નહીં, થવી જોઈતી નહીં એમને કરવી જોઈતી વ્યવસ્થા વિચારે.
મનમોજી મુસાફર મતવાલા ભવસાગરમાં સાથે સરતા,
ને તોય મને કાં લાગી રહ્યું કે સાથ સફરમાં કોઈ નથી?
સાહિત્યમાં આધુનિકવાદ સાથે એકલતા તેનું દર્દ, ચીસ અને એના અનુકરણમાં માત્ર શબ્દોય આવ્યા, પણ આ એકલતા સૂફી માણસની છે. તેઓ કોનો સાથે ઝંખે છે? પેલા અરૂપનો સાથ ઝંખે છે. ‘ઈશ વિના જગ ખારું’ એવાં પદ તો જાણીતાં છે, કવિતા એ સૂચકતા ને પરોક્ષતા દ્વારા પ્રગટ થવા, પ્રગટ કરવાની કળા છે એ મરમી ‘ગાફિલ’ જાણતા હતા.
તરંગોને તો દરિયો છે, ભલા આરાએ ક્યાં જાવું?
વિચારો કાજ છે દુનિયા, આ દિલ મારાએ ક્યાં જાવું?
સૂફીવિચાર પણ એની પરંપરિત ભાષા, વાણી, અભિવ્યક્તિ દ્વારા નહીં, પણ સાવ પોતીકી ખખડાટવિહોણી ભાષામાં વ્યક્ત થાય એ ‘ગાફિલ’નું પોતીકાપણું હતું.
મળી રહે છે સહારો દેહને કબ્રે-સ્મશાને પણ,
ઠરીને ઠામ થાવા જીવ—વણજારાએ ક્યાં જાવું?
આ વિચાર સૂફી માણસનો છે કે આધ્યાત્મિક જીવનો? ‘બોલકી’ એવી એક ગઝલપરંપરા છે, એનો તો એ નથી, અતિ તીવ્ર, શાલીન છતાં સભ્યતા માણસને જ્યાં આવીને અટકાવે છે ત્યાં અટકનારા એ નહોતા. શાયરી ચાલતી હોય અને કાંઈ ‘જીવ’ જેવો શેર આવી જતો તો એ ઊછળી પડતા, અને અફસોસ છે એ વાતનો કે એ નિબંધ ઊર્મિમોજું એમને જાહેરમાં હૃદયરોગનો હુમલો, પછી હૉસ્પિટલે અને ત્યાંથી એમના પરમ લક્ષ્ય લઈ ગયું.
દરદ ઘૂંટી ઘૂંટી દવા નીપજાવે,
કવિનું શું દિલ છે, ખુદાઈ ખરલ છે.
આ શેર વાસ્તવમાં ગાફિલની આઇડેન્ટિટી, પરિચય છે. ગઝલમાં સુવિચાર આવવા માત્રથી કવિતા બનતી નથી, એ બોધના કોઈ સ્પષ્ટ દેખાવ વિના જુદી જ રીતે આવે છે, એ ગાફિલની ગઝલો પરથી જાણી શકાય છે. એમને ગઝલની પરંપરા પ્રિયાપ્રેમની અને ઈશ્વરી પ્રેમની જાણ તો હોય જ, પણ એમણે ન તો કોઈ પરંપરા સ્વીકારી ન તો પોતીકી કોઈ ઊપસી આવે એવી પ્રયત્નશીલ ભાષા, અભિવ્યક્તિ નીપજાવી. જે કંઈ આવ્યું ને આપ્યું તે પોતીકી મુદ્રાનું. ગઝલમાં શેરે શેરે જુદો વિચાર હોય છે, આમ છતાં કેટલીય ગઝલોમાં એકસુરીલું નહીં લાગે એવું સાતત્ય હોય છે. ક્યારેક કોઈ રદીફ જ સાતત્ય રચી આપે છે. અથવા રદીફના વિવિધ અર્થો વિવિધ દૃષ્ટિકોણથી વ્યક્ત થાય છે. કોઈમાં શૈલીનું સાતત્ય હોય છે. જેમ કે, શયદાની ગઝલો, તો ઘાયલ જેવામાં વિષય ગમે તે હો, મિજાજનું સાતત્ય હોય છે. છતાં તે ગઝલ હોય છે. ક્યાંક કોઈ એક જ ભાવનો પ્રબળ સળંગ ધ્વનિ એકરાગ સર્જે છે. બાનીનું એકસરખું પોત પણ એક વિશિષ્ટ સાતત્ય સર્જે છે, ગઝલમાં સાતત્ય અનેકરૂપે, પ્રકારે. એ એક અભ્યાસનો રસિક વિષય એટલા માટે કે એમાં પ્રત્યેક શેર સ્વતંત્ર હોય છે. ‘ગાફિલ’ની ગઝલોમાં એમની જીવન અને જગત તેમ નિયંતા પ્રત્યેની એમને પ્રતીતિજનક તેમ આરપાર જતી દૃષ્ટિ છે, તે સાથે ભાષામાં નરવી નમ્રતા સહિત એક સાત્વિક ખુમારીનો મિજાજ છે એ ભિન્નતામાંય એકતા આયાસ વિના રચે છે. ‘ગઈ ન સુબ્હ તરફ’ એ ગઝલ જુઓ. મૂળે ભજનિક એવા મનુભાઈ ગઝલ રચે છે ત્યારે આપોઆપ સૂફી મિજાજ આવે છે :
ન રાહબરની જરૂરત છે તારા રાહીને,
એ આપમેળે વળી જાય છે મુકામ તરફ.
*
હજીય હાથ વળી જાય છે સલામ તરફ.
એમનો વિશેષ પરિચય તો થયો હુંય ગિરનાર છોડી સુરત આવ્યો અને એમની બદલી સિવિલ જજરૂપે સુરતમાં થઈ ત્યારે. પોતાના સામાજિક દરજ્જા મોભાને બાજુએ રાખી દિલેર દોસ્તરૂપે એ મળતા. એક રવિવારે હું જે અખબારમાં હતો તેના એક મૅનેજિંગ ભાગીદાર મારા દૂરના કુટુંબીય ખરા, તેમણે પોતાના બંગલે મને નોતરેલો. બપોરના જમણ પછી યજમાન કહે શાંત ઓરડે આરામ કરો, ઊંઘો. એ સ્થાન શહેરના છેડે, મને યાદ આવ્યું કે ઘરે જતાં અહીંથી એકાદ માઈલ દૂર ‘ગાફિલ’નું ઘર આવે છે. બસ, બપોરના અઢી-ત્રણ વાગ્યે એમના ઘરે કટાણે પહોંચી ગયો! રવિવાર એટલે અડધી ઊંઘમાં, પણ હું પહોંચ્યો એટલે ચાલી વાતો. શરૂમાં અર્ધનીંદરનું ભારણ હતું, પણ પછી એમણે સમય સાચવી લીધો અને હું સાંજેકના પાછો ફર્યો ત્યારે મને ભાન થયું કે મેં એમનો રવિવારનો, બપોરનો આરામ બગાડ્યો. ગનીભાઈ વારંવાર એમને મળવા જતા અને એકાદવાર તેઓ પણ ગનીભાઈની દુકાને મિત્રરૂપે ગયેલા ખરા. ઇકબાલ કહે છે, ‘સિતારો કે આગે જહાં ઔર ભી હૈં’ એ વાત એમના એક શેરમાં અનાયાસ આવે છે. તે અનુકરણ કે સ્મૃતિનો પ્રભાવ નથી. એમણે ઈકબાલનો અભ્યાસ કર્યાનું જાણ્યું નથી, પણ ઊંચા ઉડ્ડયને એ પણ ગરુડ બની જાય છે:
ગગન, શું ડરાવીશ તું આંખ કાઢી!
સિતારાથી આગે અમારી મજલ છે.
અને કદાચ આ શેર આકાશગંગા સુધી પહોંચી જાય છે, પણ ત્યાં અટકતો નથી.
તજી દેવી પડશે અચૂક એક વેળા,
ન ભૂલીશ, તારકતરી પણ તરલ છે.
એમની માણસાઈનો એક પરિચય અવિસ્મરણીય છે. મારી પત્ની પંદર દિવસ હોસ્પિટલમાં રહી અને એને રજા મળી. મહિને દોઢસોનો મારો પગાર એટલે મારે માટે બીજી રીતે પણ એ માંદગી અસહ્ય હતી. કેટલાંક દર્દ અને હોસ્પિટલ માત્ર સુખી શ્રીમંતો માટે હોઈ શકે એવો વિચાર વિધાતાને આવ્યો લાગતો નથી! હૉસ્પિટલેથી રજા મળી. તેને ચારેક દિવસ થયા હશે. સાંજના છએકના સુમારે એક સંબંધી વાહન લઈને આવ્યા ને ચઢેલા શ્વાસે કહે, ‘ચાલો મારી સાથે, તમારી વહુ હૉસ્પિટલે છે અને તમારે મારી સાથે આવવાનું છે.’ હું હૉસ્પિટલે ગયો તો વહુ મરણપથારીએ. ઘટના એવી બની કે ઘરે, બપોરે એક સગાં બહેન ઘરે મળવા આવ્યાં. બારણું ખુલ્લું, તે પ્રવેશ્યાં. નામ દઈ હાંક મારી, પણ જવાબ ન મળ્યો તે ઘરમાં ફરી વળ્યાં. કોઈ ન મળે. બાથરૂમે જોયું તો મારી વહુ બેભાન, લોહી પણ વહેલું. એ ગભરાયાં અને કોઈકને બોલાવી હાજર રાખી નજીકના ઘરે પહોંચી માણસને બોલાવી લાવ્યાં અને વાહન કરી તેને સીધી હૉસ્પિટલે દાખલ કર્યા પછી ત્યાં માણસને હાજર રાખી. મને તેડવા વાહન લઈને એ સ્નેહી આવેલાં. ડૉક્ટર કહે, ‘કેસ ગંભીર છે, ઓપરેશન પણ કરવું પડે’ અને સરસ્વતીનો પ્રતાપ જુઓ! એ ડૉક્ટર મૂળ ઉત્તર ગુજરાતના ને અમદાવાદ, ‘ગુજરાત સમાચાર’માં આવતી મારી કોલમના વાચક. એમણે દર્દીનું નામ વાંચી અગાઉના સમયે મને હોસ્પિટલે બોલાવી મિત્રની જેમ મળેલા. રાત્રે હું પથારીમાં સ્તબ્ધ સૂતો હતો. બહેન આવી નમીને ધીમેથી કહે: ‘મસાણનાં લાકડાંનો જોગ કરજે ભાઈ…’ અને ભારે પગલે એમની પથારીએ ગયાં. મધરાત સુધી અસહ્ય તરફડાટ, ફાટી પડાય એવી ગૂંગળામણ મધરાતે અનાયાસ શેર સ્ફુર્યો:
દિલના અસહ્ય દર્દનો બીજો વિકલ્પ ક્યાં?
પાડી શક્યો ન ચીસ તો મૂંગો બની ગયો.
એ અરસામાં ગનીભાઈ ‘ગાફિલ’ને મળવા એમના ઘરે ગયા. મનુભાઈએ મારા સમાચાર પૂછ્યા. ગનીભાઈએ કહ્યું, ‘એની વહુ બીજી વાર હૉસ્પિટલમાં છે.’ મનુભાઈએ પૂછ્યું, ‘કઈ હૉસ્પિટલે? ગનીભાઈ કહે, ‘ભટ્ટની હોસ્પિટલે’ એમની આંખોમાં એ સાંભળી શો પ્રકાશ ચમક્યો તે ગનીભાઈ જાણે. પછીના દિવસે હું હૉસ્પિટલમાં. ત્યાં ડૉક્ટર ભટ્ટનો પટાવાળો રૂમમાં આવ્યો ને કહે, ‘ભટ્ટસાહેબની ઓફિસમાં ચાલો.’ મારા મનમાં તે ન સમજાય એવા અર્ધએંધાણના વિચાર ચાલે, પણ ઑફિસમાં ગયો તો ‘ગાફિલ’ માણાવદરી બેઠેલા! પોતાના ઘરે આવકારે એવી રીતે જ, એવા જ માનભર્યા ઠાઠથી મને બોલાવ્યો, પાસેની ખુરસી પર બેસાડયો. ડૉ. ભટ્ટને મારો પરિચય આપ્યો જ હશે, પણ ચા આવી અને હું કોઈ સારો માણસ છુ એવા મોભાદાર અને કંઈક અહોભાવે ભટ્ટસાહેબ સાથે મારી વાત કરી. અને મને પણ વાતમાં ખેંચતા ગયા. અને પાછો ફરું ત્યારે એટલું જ કહ્યું, ‘ડૉક્ટર કહે કે ચિંતા જેવું નથી, સારું થઈ જશે. ચિંતા ન કરશો.’ જાણે સહજ ઘટના હોય છે કે મારે માટે, એવાં વાણીવર્તન પછી તો ઑપરેશનના ફૉર્મ પર મારી સહી લેવામાં આવી. નક્કી દિવસે ઓપરેશન થયું. ડૉક્ટરે શીશીના પાણીમાં તરતી કૅન્સરની ગાંઠ બતાવી. હૉસ્પિટલમાંથી દર્દીને રજા મળે તે પહેલાં, હું જે અખબારના એક ભાગીદારે હૉસ્પિટલને સારું એવું દાન કરેલું તેમણે પોતાના પુત્ર સાથે મને ચિઠ્ઠી સાથે મુખ્ય ટ્રસ્ટી પાસે મોકલ્યો તો સાવ બ્રિટિશ રૂઢિના રીઢા એવા એ રાવબહાદુરે છૂટની જોગવાઈ હશે તો જોઈશું, તપાસ કરીશું એવો જવાબ આપીને અમને કાઢ્યા. ખરેખરા વહીવટી સંચાલક મારા વાચક ને મારા પ્રત્યે સારો ભાવ રાખે. મારી એક બહેને બનેવીના સ્મરણાર્થે હૉસ્પિટલને કેટલાક ખાટલા ને કંઈક પૈસા ભેટ આપ્યા હશે. બહેને કહ્યું: ‘આ મારો ભાઈ છે.’ ખાસ્સા પંદરેક દિવસ પછી હૉસ્પિટલમાંથી દર્દીને રજા મળે એ દિવસે ધડકતા હૈયે હૉસ્પિટલે ગયો. મેં બિલ વિશે પૂછ્યું તો પેલા વહીવટદાર સંચાલકે કહ્યું કે તમારે કશું આપવાનું નથી. હું આભો થઈ ગયો. એમના પર બીજો ગૌણ પ્રભાવ હશે, પણ ‘ભટ્ટસાહેબે ના કહી છે’ એવો અણસાર મળ્યો ત્યારે મારી સામે ગાફિલ, મનુભાઈનો ચહેરો તરવરી રહ્યો. હું રૂપિયા એકાવન માત્ર આપી ઘરે દર્દીને લઈ આવ્યો. ડૉ. ભટ્ટ આખા શહેરમાં વિખ્યાત અને એ હૉસ્પિટલના હેડ ડૉક્ટરપદે આવ્યા પછી લોકમુખે હોસ્પિટલનું મૂળ નામ ઓગળી જઈને ‘ભટ્ટસાહેબની હૉસ્પિટલ’ ચઢી ગયું! પણ ખરું રહસ્ય તો હવે આવે છે. ડૉ. ભટ્ટ અને મનુભાઈ ‘ગાફિલ’ રાજકોટની રાજકુમાર કોલેજમાં સાથે ભણેલા, બંને ગાઢ મિત્રો. સિવિલ જજનો દરજ્જો, હેડ ડૉક્ટરનો દરજ્જો બાજુમાં રાખી મને સમાન દરજ્જે રાખી મનુભાઈએ જે દોસ્તીભરી વાતો કરી તેમણે ડૉ. ભટ્ટને માત્ર સાનમાં સહજભાવે શું કહ્યું હશે તેનો ખ્યાલ મને આવી ગયો… હું બોઘો તો એમનો આભાર માનવાય ગયો નહોતો! આમેય હું અવ્યવહારુ તરીકે જાણીતો જ છું અને એક ખ્યાતનામ લેખક, પત્રકારે તો મારા લેખિત પરિચયમાં મારે માટે અવ્યવહારુ શબ્દ લખ્યોય છે. આવા ઉદાર મનુભાઈ-સરોદની અવિસ્મરણીય વિદાયનો પ્રસંગ લખતાં શોકમાં ગરકાવ, ગમગીન શબ્દો ક્ષુલ્લક લાગે છે. અમદાવાદમાં ૯-૪-૭૨ શનિવારે લાયન્સ ક્લબ તરફથી ગુજરાતના બધા જાણીતા શાયરોને નોતરીને હવે સદ્દગત શ્રી બચુભાઈ રાવતના અધ્યક્ષપદે વિશાળ મેદાનમાં મુશાયરો યોજેલો. બધા શાયરી મંચ પર પણ મનુભાઈ સરોદ મંચ પાસે પહેલી હરોળની ખુરસી પર. મુશાયરો ખરેખર મેં માણેલા સફળ મુશાયરાઓમાંનો એક અનુભવતો હતો અને બચુભાઈના ચહેરે પણ વારંવાર પ્રસન્નતા ચમકી જતી હતી. તેઓ પ્રમુખપદે હોવાની સભાનતા પણ શાયરોમાં ખરી. પોતાની સ્વતંત્ર પસંદ કરેલી કૃતિઓ જ બોલવાની હતી. મુશાયરો પંક્તિ પર નહોતો એટલે પ્રત્યેક શાયર પોતાની સારામાં સારી કૃતિ બોલવા માટે પસંદ કરતા હતા. હું મંચ પર જે છેડે બેઠેલો તેની નજીક જ નીચે ખુરસી પર ‘ગાફિલ’ બેઠેલા એટલે એ કોઈ કોઈ શેર પર ઊછળી ઊછળીને દાદ આપતા હતા એ હું જોતો ને સાંભળતો હતો. મેં એટલા પુરબહારમાં અગાઉ ક્યારેય જોયા નહોતા. એ પોતેય ગઝલ બોલ્યા તેને ભરપૂર દાદ મળેલી. હું ‘રસ્તો’ ગઝલ બોલ્યો. બચુભાઈએ ‘કુમાર’માં પ્રસન્ન થઈને પ્રગટ કરેલી. તે વખતે ‘ગાફિલ’ ખુરસી પર અધ્ધર થઈ હાથ લંબાવી દાદ આપતા એ દૃશ્ય છેલ્લું જ હશે એની મને કલ્પના જ નહોતી. ‘શૂન્ય’ ગઝલ બોલવા ઊભા થયા. ગઝલ સરસ જામી હતી. ગાફિલની દિલી દાદ સાંભળતો, જોતો હતો. ઉત્સાહના એ આવેશમાં જ એમના પર અણધાર્યો હૃદયરોગનો હુમલો થયો. મનુભાઈ ઢળી પડ્યા. તે સાથે મુશાયરો અટક્યો. એમને તરત જ કારમાં હૉસ્પિટલે મોકલવાની ચિંતાતુર, ઝડપી વ્યવસ્થા થઈ. બચુભાઈ ભારે પગલે ગંભીર ભાવે મંચ પરથી ઊતરી ગયા એ દૃશ્ય આંખ સામે તરે છે. ‘ગાફિલ’ને વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. મારે ત્યાં જવું હતું, પણ રસ્તાનો જાણકાર સાથી જોઈએ. લાભશંકર ઠાકર અને હું ચાલતાં વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલે પહોંચ્યા અને એમની સારવારના રૂમમાં પહોંચ્યા ત્યારે લાંબા ટેબલ પર લંબાયેલો એમનો દેહ હૃદયના ભારે આંચકા સાથે એકેક ફૂટ ઊંચે ઊછળતો હતો.. અમે ઉદાસ ચહેરે, ભારે પગલે મૂંગા મૂંગા પાછા ફર્યા, અને સવારે જાણ થઈ કે મનુભાઈ ‘સરોદ’ હવે આ દુનિયામાં નથી… મુશાયરાના ઇતિહાસમાં એવી ઘટના ક્યારેય બની નહોતી, તે પછી બની નથી... અમદાવાદના એ સ્મોલ કોઝ કોર્ટના જજનો એમનો માનવંતો હોદ્દો સાચવી ‘ઠાવકા’ રહી બેસી રહ્યા હોત તો હજી જીવતા હોત… પણ એ જાહેરમાં પણ કવિ તો ઠીક, પણ કવિદિલ રહ્યા અને એમના હૈયાનો ઊછળતો ઉમળકો એમને માટે જીવલેણ બની ગયો... એક સારા શાયર સાથે ભવિષ્યે એમના દ્વારા રચાનારી ગઝલો પણ વિદાય થઈ ગઈ… ભજનિક ‘સરોદ’ ગઝલકાર ‘ગાફિલ’ કેમ થયા એ એમનો જ શેર કહે છે :
ન ગાઉં કેમ હું ભજનોની સાથે ગઝલો પણ ‘ગાફિલ’
અહીં ખેંચે છે મીરાંબાઈ તો ત્યાં મીર ખેંચે છે.
ગાફિલને હૃદયરોગ લાગુ પડ્યો ત્યારે ગમે તે ક્ષણે ઓચિંતું મરણ આવવાનું છે એ સ્વસ્થ ચિત્તે એમણે સ્વીકારી લીધું છે – મેં પણ. અને ‘મૃત્યુ’ વિશેની ગઝલ અનાયાસ લખીયે દીધી તેમ ગાફિલે આવનારા મૃત્યુ વિશે ગઝલ લખી હતી. તે ‘કેટલો વખત?’ શીર્ષકે એમના મરણોત્તર સંગ્રહમાં પ્રગટ થઈ. ‘ટકવાના આટકાટ, કેટલો વખત?’ એ પંક્તિમાં એક અનિવાર્યતા પ્રત્યે કેવી સ્વસ્થ તટસ્થતા છે? એ આખી ગઝલ માણવા જેવી છે. ‘ઊઠતી બજારે હાટ...’ આ શબ્દો કેવા છે? અણધાર્યા મરણટાણે તો માત્ર ધમણ જેમ ઊછળતું હૈયું અને ઊછળતા ઉચ્છ્વાસ અને સમાતા સમાતા છેવટે સમાઈને મૌન બનેલો શ્વાસ જ હતો, એવા મૌનની કંઈ અંતરંગ આગાહી હશે એટલે એમણે સંતોષના ભાવે કહી દીધું હતું.
કાંઠે ઊતરતાં કહેવું પડ્યું વિશ્વસિંધુને,
જીવન ગમ્યું, જુવાળ ગમ્યો, જાતરા ગમી.
અસ્તિત્વના માનેલા સમજેલા અસ્વીકાર કે ઉપેક્ષા સાથે આર્તસૂરો ત્યારેય, એ ગાળામાં પણ ગાફિલનો સાદ આવા સંતોષનો હતો અને જુઓ, એ કંઈ સૂફીઝમના રૂઢ થયેલા શબ્દો જે ‘વાણી’ કહેવાય છે તેનાથી બને એટલા દૂર જ રહે છે. ભજનો લખી ચૂકેલા આ કવિ વાણીની તેમ સૂફી કવિતાની ભાષાને બદલે મોટે ભાગે પોતીકી સૌરાષ્ટ્રી પરંપરાની ભાષા પ્રયોજે છે.
અનાદિનાં ઊઠે છે સ્પંદનો ‘ગાફિલ’ની ગઝલોમાં,
ન એણે સૂર ગાયા આ સમયનો સૂર જાણીને.
સમય તો શાશ્વત છે. એ જ્ઞાને એ ‘આ સમયના’ એટલે કે પોતે જીવે છે એ સમયના સૂર જ નહીં એવો કાવ્યોચિત સંકેત કશા દેખીતા પ્રયત્ન વિના સહજપણે કહે છે.
સ્મરણ પણ ના રહે છે જીવને અવસાન પામીને,
હશે જીવન તણું શું વિસ્મૃતિ તારણ? પ્રભુ જાણે!’
મળે છે માંડ ને લઈ જાય છે આખર સ્મશાને,
છે આ તે ખોળિયું કે દિલનું ખાંપણ? પ્રભુ જાણે.
મરણ પહેલાંના સમયે એમને, તરફડતી કાયાને જ તો, તેમને એમના આવા શેર પ્રથમ યાદ આવે.
ઘડીક રાહ જોજે તું મારી, એ દિલબર!
રહી લેણદેણો પતાવીને આવું.
કહે તું જ ઘટે શું મને કે તને પણ,
જે ફરજો પડી છે તે પતાવીને આવું?
વાસ્તવમાં એમણે જીવતાં જ લેણદેણ, હિસાબ ચૂકતે કરી દીધાં હશે એમની એમને જાણ નહીં હોય. જાણ હશે તેમણે ‘ગાફિલ’ને જે રીતે બોલાવી લીધો તે મને તો ના ગમ્યું.
કેટલો વખત?
ઊઠતી બજારે હાટ, હવે કેટલો વખત?
વહેવારના ઉચાટ, હવે કેટલો વખત?
કા’નાએ કાંકરી લીધી છે હાથમાં,
અકબંધ રહેશે માટ, હવે કેટલો વખત?
પગરણ થઈ ચૂક્યાં છે હવે પાનખર તણાં,
ફૂલડાંઓ ફાટફાટ, હવે કેટલો વખત?
સંધ્યા, ઉષા, જલાવી રહી છે હવે ચિતા,
ટકવાના આટકાટ, હવે કેટલો વખત?
જ્યારે હવેલી સાવ ધરાશાયી થઈ રહી,
ત્યારે ખટકશે ખાટ, હવે કેટલો વખત?
ખૂટી રહ્યું દિવેલ ને કજળી રહી છે વાટ,
જ્યોતિ જગવશે પાટ, હવે કેટલો વખત?
‘ગાફિલ’ તમારો ઘાટ ઘડાવાની છે ઘડી,
ઘડશો ઘણેરા ઘાટ હવે કેટલો વખત?
જુદી જિંદગી છે
જુદી જિંદગી છે મિજાજે મિજાજે,
જુદી બંદગી છે નમાજે નમાજે.
છે એક જ સમંદર, થયું એટલે શું?
જુદા છે મુસાફર જહાજે જહાજે.
ભલે હોય એક જ જે અંતરથી વહેતા,
છે સૂરો - જુદેરા રિયાજે રિયાજે.
જુદા અર્થ છે શબ્દના બોલવા પર,
છે શબ્દોય જુદા અવાજે અવાજે.
જીવન જેમ જુદાં છે કાયામાં જુદી,
છે મૃત્યુય જુદાં જનાજે જનાજે.
હટી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ,
જુદી પ્રીત જાગે મલાજે મલાજે.
તમે કેમ ‘ગાફિલ’ હજીયે છો ગાફિલ?
જુઓ, બદલે દુનિયા તકાજે તકાજે.
મારી ગઝલમાં
અસલના ઉતારા છે મારી ગઝલમાં,
કે મોઘમ ઈશારા છે મારી ગઝલમાં.
રૂપાળા તિખારા છે મારી ગઝલમાં,
સળગતા સિતારા છે મારી ગઝલમાં.
સહારે સહારા છે મારી ગઝલમાં,
કિનારે કિનારા છે મારી ગઝલમાં.
નથી દર્શ એના થયાં છે જિંદગીને,
પ્રસંગો કુંવારા છે મારી ગઝલમાં.
જીવનમાં હળાહળ ભળ્યું છે પરંતુ,
અમીના ફુવારા છે મારી ગઝલમાં.
વિસંવાદ તારો નથી એમાં, દુનિયા!
ફક્ત ભાઈચારા છે મારી ગઝલમાં.
જગતને કરી દે ગમે ત્યારે જાગૃત,
કલંદરના નારા છે મારી ગઝલમાં.
રહ્યો છે ભલે ઘૂમી બેહોશ ‘ગાફિલ’,
છૂપા હોશ મારા છે મારી ગઝલમાં.
અમે
કદી ન ઊતરે એવો અસલ ખુમાર છીએ.
અમે તમારા છીએ, એય પણ ધરાર છીએ.
અસાર વિશ્વ મહીં સાર છીએ, પ્યાર છીએ,
હ્રદયવલોણું છીએ, દર્દનો નિતાર છીએ.
તમારી દુન્યવી રચના તણો સ્વીકાર છીએ,
અમે જ બાગ. અમે બાગની બહાર છીએ.
કહે છે કોણ નથી; છીએ, વારવાર છીએ,
જનમમરણની અમે એમ આરપાર છીએ.
કરે અમારી બલા કાકલૂદી કોઈ કને,
અમે તો વાત બે કરવાને ઇંતેજાર છીએ.
દવા દિલાસા તણી પણ ભલા, ફિકર કોને?
કે માત્ર રોગ નથી કિન્તુ સારવાર છીએ.
અમારો રંગ અનોખો ને ઢંગ અલબેલો,
અવલ ચિતારા તણો આગવો ચિતાર છીએ.
કહીએ કેમ છીએ કમનસીબ અમે ‘ગાફિલ’?
તમારામય છીએ, પૂરા નસીબદાર છીએ.
‘ગાફિલે’ પોતાની ગઝલો માટે આ એક જ શેરમાં કહેવાનું કહી દીધું છે.
અનાદિનાં ઊઠે છે સ્પંદનો ‘ગાફિલ’ની ગઝલોમાં,
ન એણે સૂર ગાયા આ સમયનો સૂર જાણીને.
▭