સફરના સાથી/વેણીભાઈ પુરોહિત

વેણીભાઈ પુરોહિત

મારા જીવનનો, અકવિનો પહેલા સાહિત્યકારનો પડોશ સાબરમતી જેલમાં વેણીભાઈ પુરોહિતનો. જેલમાં તો કાકાસાહેબ કાલેલકરના નિબંધોની સરસતા, કવિતા સુધી પહોંચેલો નહીં, સામ્યવાદ અને ગાંધીસાહિત્યનું વાંચન અને રોજ બેરેકમાં અને બહાર યોજાતી ઉત્સાહી અને તીખી, પણ ચર્ચાસભાઓ અને બેધડક ઘરમાં જ કોઇને સોંસરા પ્રશ્નો પૂછીએ એવું પોતીકાપણાનું નછોરવું, નિખાલસ, બેબાક જુસ્સાનું વાતાવરણ ત્યાં વળી કવિતા ક્યાં? પણ ત્યાં જ અનાયાસ કંઠસ્થ થયેલી શયદાની ગઝલ જુસ્સાભેર બોલતો અને ‘કોઈનો લાડકવાયો’ ગવાતું તેમાં ભળીને બોલતો ત્યારે હૈયે મનમાં શું શું થતું એ માટે આટલાં વર્ષેય મારી પાસે શબ્દો નથી, પણ આ જેલમાં પણ મઘઈ પાન ખાઈને મોઢું લાલ અને મિજાજ ગુલાબી રાખનારો માણસ જુદો હતો. એ મોજીલો માણસ જેલની કોટડીમાં પણ આપકળાથી ભજિયાં બનાવી ટેસથી ખાતો અને અપદ્યાગદ્ય શૈલીએ મને થોડીક પંક્તિ સૂઝી તે સંભળાવી તો કહે ચાલશે. પછી તો અમદાવાદના પ્રેમાભાઈ હૉલમાં યોજાયેલા સંખ્યાબંધ મુશાયરામાં એમણે ભાગ લીધેલો. તેમાં એ મોજીલો માણસ સાવ જુદો પડી આવે અને અમારી જેલની દોસ્તી રિન્યૂ થયા કરે. એ કાળની એમની ગઝલ સાવ જુદી પડે. જેલની ઓરડીમાંયે કાકાસાહેબ તો બોલતા, ફરતા જઈને લખાવે. નાનપણમાં આંગળાંના ટાચકા ફોડી ફોડીને આંગળાં લૂલા કરી નાખેલા, પણ કલમ લઈને જાતે લખીએ તોય શૈલી કે પ્રવાહ નંદવાય, પણ એ માણસ બોલીને લખાવે, તે ખૂણે શાંતચિત્તે બેસીને લખીએ એના કરતા રસળતું, પ્રવાહી, વહેતા ઝરણાં જેવું આનંદી, અસ્ખલિત. વેણીભાઈ જેલની કોટડીમાં બેસી કાકાસાહેબના કોઈ પુસ્તકની શુદ્ધ પ્રેસકોપી કરતા હતા. તેઓ મુંબઈ ‘જન્મભૂમિ’માં હતા ત્યારે એમણે મને કહેવાડ્યું કે તમારા મુશાયરામાં ભાગ લેવા સુરત આવું છું. પણ મારી સાથે ગાયક હશે. મુશાયરાની પરંપરામાં એવું તે શી રીતે ચાલે. મિત્રો અકળાય, મારી સામે જુએ. મને તો એમ પણ થતું કે કેટલાક શાયર મંચ પર ગાય જ છે, વળી કોઈક બુઝુર્ગ શાયરની કૃતિ બીજો એમની હાજરીમાં રજૂ કરે—તો આ કંઈ એવી સમાંતર આવૃત્તિ જેવું બને. એ આવ્યા અને એમની ગઝલને ગાયકે માત્ર કંઠ આપ્યો તે શ્રોતાઓને તો ઓર પ્રિય. એમાં ગાયકીના કોઈ આલાપ લહેકા નહીં. એવા અલગારી હતા વેણીભાઈ પુરોહિત. મોજથી જ એ મોજીલો જીવ છેવટ સુધી જીવ્યો. વેણીભાઈ સુરત આવે. ‘ગુજરાત મિત્ર’ની ઑફિસમાં ઝડપભેર હસતા ચહેરે મળી લે. પછી મને કહે, ‘ચાલ’ અને ડોલતાં ગપ્પાં મારતાં શરૂ થઈએ કે એ કહે: ‘આ શહેરના ઉત્તમમાં ઉત્તમ ફરસાણવાળાની દુકાને લઈ જા!’ પછી તો ચૌટાપુલની જાણીતી દુકાને તાજો ઘાણ મગાવી વાતો કરતાં ફરસાણ માણીએ! આવા મોજીલા મોકળા મનના સાહિત્યકારો કેટલા? મને તો એમના જેવા મિજાજી, ખેલદિલ, નિખાલસ શાયરીની સફરમાં બીજા માત્ર સીરતી જ મળ્યા. એમના પર કામનો કે જામનો કશો બોજ નહીં. પેલા સૌરાષ્ટ્રી ‘ટેસડા છે, ટેસડા’ કહે છે તે આ વેણીભાઈ કહેતા નહીં, સહભાગી કરીને ટેસડા કરતા ને કરાવતા. એ કંઈ ગઝલ લખે એવું નહીં, ગીત, છંદોબદ્ધ રચના ને અખબારી અખા ભગતના ચાબખાય લખે, પણ એમને અમદાવાદી કવિમિત્રોની મંડળી સાથે, ઉ. જો.ની નિશ્રામાં લહેરથી ગઝલો બોલતા જોયા એ ચિત્ર હજી આંખ સામે છે. ‘આંખનો અફીણી’ અને ‘બોલનો બંધાણી’ જેવા શબ્દો આ ઉલ્લાસી જીવ જ લખી શકે. મુંબઈમાં મુશાયરાના બીજા દિવસે ‘જન્મભૂમિ’ ઓફિસમાં મળવા ગયો ત્યારે એ પોતાની કૅબિન ન જ કહેવાય એવા નિજવાસમાં લખવાનું પડતું મૂકી વાતે ચઢ્યા, વળગ્યા નહીં. એ માણસને ટેસ હતો. લખવાનો, પણ ‘વળગણ’ નહીં. મેં કહ્યું, ‘તમે અહીં તમારી કૉલમ લખો છો? મારે માટે એ ખાસ્સું આશ્ચર્ય હતું, કારણ કે વર્ષોનાં વર્ષો અખબારી ઓફિસમાં કૉલમો લખી, પણ તે તો ઘરના એકાંતે જ, ઓફિસમાં ક્યારેક સંજોગવશાત્ અગ્રલેખ લખવાનું ઓચિંતા કહેવાયું તે કોણ જાણે કેવું લખાશે એવી ગંભીર ચિંતા સાથે લખ્યું એ ગનીમત, પણ કૉલમો તો મારાથી ઘરે જ લખી શકાય! વેણીભાઈ કહે, ‘એમ ઘરે લખીએ તો આ શેઠિયા ઘરે છાપાં મોકલાવી આપે ને અહીંયાં વળી કંઈક તો કરવાનું જ. હું તો ધપ્પા હોય કે કૉલમ, અહીં જ લખું ને ઑફિસ છોડી કે બસ, આપણી જિંદગી બહારના સંબંધો, દોસ્તો સાથે મોકળા મને જીવવાનું… અમદાવાદના મંચ પર ઘણીવાર, સુરતના મંચ પર કોઈવાર અને મુંબઈના મંચ પર એ મોજીલા, લહેરી કવિને ગઝલ બોલતા, ઝિલાવતા જોયા છે. એમની ‘પ્યારનો પારો’ ગઝલ તો મહાગુજરાત ગઝલ મંડળે યોજેલા ‘જીવનના મુસાફર રસ્તામાં, શોધે છે ઉતારો શા માટે?’ એ પંક્તિ પરની છે! ‘જ્યાં પ્યાર કર્યાનું પાપ નથી, એવો જન્મારો શા માટે?’ એમ કહેનારા વેણીભાઈ એક નિખાલસ વ્યક્તિત્વ હતું. એમના શબ્દોમાં કવિનો નહીં, શાયરનો મિજાજ અનુભવાય છે. આવ્યો, મોજથી લટાર મારી એ જીવ અસ્તિત્વના કોઈ બોજ વિના જીવીને પસાર થઈ ગયો... ‘શયદા’ના ‘બેઘડી મોજ’ના તંત્રીમંડળમાં બેસી આવેલા વેણીભાઈએ અમદાવાદથી મુંબઈ આવી નીજમિજાજ અને બાનીમાં ગઝલને લહેરાવી, છતાં ‘અટકળ બની ગઈ જિંદગી’ ગઝલમાં વેણીભાઈ જુદાં જ અનુભવાય છે. ‘સુખદુઃખ મનમાં ન આણીએ’ એમ નરસૈંયો કહે છે, પણ કવિતામાં એને મૂકીએ તો મોક્ષ થતો હોય તો કવિ એમને મોકળા મૂકે...

અલબેલો અંધાર હતો

એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો,
તમરાંની ત્રમ ત્રમ વાણીમાં કંઈ પાયલનો ઝંકાર હતો.

એ રાત હતી ખામોશ અને માટીનું અત્તર લાવી’તી,
મેડીમાં દીપક જલતો’તો, એ દીપક નહિ, પણ પ્યાર હતો.

જળ વરસીને થાકેલ ગગનમાં સુસ્ત ગુલાબી રમતી’તી,
ધરતીનો પટ મસ્તાન, મુલાયમ, શીતલ ને કુંજાર હતો.

ખૂટે તો કેમ વિખૂટો રસ્તો, એકલદોકલ રાહીનો?
નાદાન તમન્ના હસતી’તી, ને તડપનનો તહેવાર હતો.

જ્યાં કોઈ વસી શકે જ નહિ, પણ જ્યાં અવરનવર સંગ્રામ થતાં,
બે સરહદની વચ્ચેનો ટુકડો, એવો આ અવતાર હતો.

આ દિલ પોતાને ડંખી ડંખી હાય રે ચટકાં ભરતું’તું,
એ ચુંબનથી ચંદરવો આખો કેવો બુટ્ટાદાર હતો!

માસૂમ હવાના મિસરાઓમાં કેફી ઉદાસી છાઈ હતી,
કુદરતની અદા, કુદરતની અદબ, કુદરતનો કારોબાર હતો.

ઊર્મિનું કબૂતર બેઠું’તું નિજ ગભરું દર્દ છુપાવીને,
આંખોમાં જીવનસ્વપ્ન હતાં, પાંખોમાં જીવનભાર હતો.

ભરતી ને ઓટ કિનારે ભમતાં, પણ હું તો મઝધાર હતો;
મન ભીનું ભીનું જલતું’તું, એ આતશનો આધાર હતો.

પ્યારનો પારો

જીવનના મુસાફર શોધે છે રસ્તામાં ઉતારો શા માટે?
મુજ પ્યારની રંગત ઝંખે છે એનો અણસારો શા માટે?

આ આંખ ભટકતાં થાકી ગઈ, આ પ્રેમને પોરો ખાવો છે,
કોઈ દિલની સરાઈ છોડીને ગલીઓમાં ગુજારો શા માટે?

છે ચાહતની બલિહારી અજબ, હું એક જ ઉત્તર શોધું છું,
કે આંખોથી સત્કાર કરો ને મુખથી નકારો શા માટે?

હું ઠપકો દઉં છું રોજ, હૃદયને રોજ દિલાસો આપું છું,
કે તુંય પકડવા દોડે છે એ પ્યારનો પારો શા માટે?

સપનાનું રેશમ જાય બળી, ને આશાની મૂરઝાય કળી,
કોઈ લીલાછમ ખેતરને ખોળે ગમનો અંગારો શા માટે?

જ્યાં જોગ નથી, જ્યાં ભોગ નથી, સુખદુ:ખના જ્યાં સંજોગ નથી,
જ્યાં પ્યાર કર્યાનું પાપ નથી એવો જન્મારો શા માટે?

હું મોતનું જીવન જીવું છું, બિસ્મિલની બોલી બોલું છું,
ને શબ જેવા દિલમાં યારબ! આ ધબકારો શા માટે?

અટકળ બની ગઈ જિંદગી!

આ તરફ એની મુરાદો, મુજ ઈરાદો ઓ તરફ, બેઉ બોજા ખેંચતા કાવડ બની ગઈ જિંદગી.

હમસફરની આશમાં ખેડી સફર વેરાનમાં,
ફક્ત શ્વાસોચ્છ્વાસની અટકળ બની ગઈ જિંદગી.

સ્મિતનું બહાનું શોધતું મારું રુદન રઝળી પડ્યું,
હાસ્ય ને રુદનની ભૂતાવળ બની ગઈ જિંદગી.

વિશ્વમાં કો’ સાવકું સરનામું લઈ આવી ચડ્યો,
કાળની અબજો અજીઠી પળ, બની ગઈ જિંદગી!

ફૂલ ને કાંટાની કુદરત છે, અરે તેથી જ તો –
ગુલછડીના ખ્યાલમાં બાવળ બની ગઈ જિંદગી.

દિલ ન’તું પણ વાંસનું જંગલ હતું, ઝંઝાનિલો!
આપ આવ્યાં? હાય! દાવાનળ બની ગઈ જિંદગી!