સફરના સાથી/ઇબ્રાહિમ દાદાભાઈ ‘બેકાર’
આપણે તો માત્ર હાસ્યલેખ સાથે ‘બેકાર’ નામ વાંચેલું. એ યુગ તો હાસ્યરસ ક્ષેત્રે મસ્તફકીરનો જ. પણ તે સાથે જદુરાય ખંધડિયા જેવાં નામો પણ એટલાં જ સતત આંખ સામે આવે એટલાં પરિચિત, એ જિજ્ઞાસા પછી તો જ્યોતીન્દ્ર દવેએ વિસ્તારી દીધી અને રા. વિ. પાઠકના સૂક્ષ્મ માર્મિક એવા ‘પ્રસ્થાન’ના નિબંધો સુધી પહોંચી ગઈ. ત્યારે કોઈ ઇચ્છા, ઉમળકો ને આશાય નહોતી કે આવી જ રીતે લેખ પાસે કે છાપાની કૉલમ સાથે રતિલાલ ‘અનિલ’, ‘ટચાક’ ‘અળવીતરો’ નામ પણ વંચાશે, પણ મને કોઈ હાસ્યલેખક નહીં કહે. શિક્ષણક્ષેત્રે ડિપોર્ટી તરીકે પહોંચેલો માણસ ‘શાળાપત્ર’માં લખીને વિવેચક નહીં તો ઠાવકો અવલોકનકાર થશે એવી રહીસહી કલ્પના પણ એમના સંપર્કમાં આવ્યા પછી ખરી પડી. એમને ‘વેદિયા’ પ્રત્યે નિર્દેશ ચીઢ. ખૂબ ઊંચું, પડછંદ કદ, સરસ સફેદ ઇજાર અને લગભગ ઘૂંટણ સુધી પહોંચતી શાનદાર શેરવાની અને માથે વિશિષ્ટ ટોપી. ગાલિબ અને શયદાને માત્ર એમની વિશિષ્ટ ટોપી બતાવીને પરીક્ષા લેવાતી હોય તો આ અભણને એમાં પાસ થવાનો ચાન્સ હતો. બહાદુરશાહ ઝફરનો તાજનો આકાર તો મારી દૃષ્ટિમાં નથી, પણ ગાલિબ અને શયદાની—માત્ર નદીમાં બરફની ટોચ જોઈને એનું ઊંડાણ કહી શકાય એમ એમની ટોપીનો આકાર અને ઊંચાઈ કહી શકાય! અમીન આઝાદની સાઇકલની દુકાને કે ડામચિયા જેવા મારા ઘરમાં આવે કે બેસતાં પહેલાં ઊંડેથી શ્વાસ છોડે, તરત પડછંદ શેરવાની ઉતારી આસપાસ જુએ, ખીંટી ન હોય તો ટાંગવા જેવું દેખાય તે પર ટાંગી દે પછી ‘હાશ’ કરતાં બેસે, પછી હસે… કોઈ અહોભાવ દર્શાવે છે કે એવું ચાણક્ય નિરીક્ષણ નહીં. બસ, પાણી આવે તે શરબત જેટલી જ સામાન્યતાએ પીએ. પાસે હાથમાં લઈ હવા નાખવા જેવું હોય તે હલાવવા માંડે. અલબત્ત, તે પહેલા ઉપર પંખો છે કે કેમ તે જોઈ લે. પછી કામની વાત માંડે. તેમાંયે ચટણીના ઉમેરા જેવી વાત ઉપર પોતાનું જ હાસ્ય આવે. એકવાર ગુજરાત મિત્રની ઓફિસમાં નેહરુપુલની નજીક આવ્યા અને તંત્રી સામે જોયા વિના મારી સામેની ખુરસી પર બેસીને કામની ને વચગાળાની રમૂજ સહિત વાત ખાસ્સી ચાલે. પાસે બેઠેલા કાર્યવાહક બરાબર નિરીક્ષણ કરે. કોઈક રમૂજ કિસ્સો કહી પોતે જ ખડખડાટ હસે! મને મળવા આવેલા એટલે મારી સાથે વાત કરીને ચાલ્યા ગયા. અમીન આઝાદની દુકાન, મુશાયરાનો ઉતારો નહીં એટલે મરે ખીલવાનું હોય જ નહીં. એમના ગયા પછી પ્રકૃતિએ અને મૂળે નાગર કાર્યવાહક તંત્રી મને કહે : ‘બેકાર તો પોતાની વાત પર પોતે જ હસે છે. મનમાં બોલ્યો કે એથી સાંભળનારને ઓછું હસવું પડે, બચત થાય! પણ બોલ્યો નહીં, અતિપરિચિતતા આપણું અતડાપણું, જે શાલીનતાના નામે ઓળખાય તે પોતાપણું રહેતું નથી - રહી જાય છે હોય તે પોતાપણું. કોઈના પ્રત્યે અભાવ નહીં, પણ ભાવનું સાધારણપણું હા, મહત્ત્વની વાત સાવ શાંત ધીમા સાદે કહે, એ વાત વ્યવસ્થાની હોય. ગલીકૂંચીમાંથી રાજમાર્ગે આવવાની કસરત એમના કદાવર શરીરને અને એમના સ્વભાવને પોસાય નહીં એટલે સીધું સટ, સોંસરું કહી નાખે! ‘પણ’ બોલીયે તો ‘પણ ને બણ’ એમ જ કરવાનું એમ જ ચાલે! પગનો અંગૂઠો જમીનને અડાડો, જનોઈનું પડખું બદલો હાથમાં પાણી લો. બોલો… એવું બોલતાં ગોરને અને એવું કરતાં આપણને જુએ તો બંને ભોંઠા પડીએ એવું ખડખડાટ હસે, બોચિયા ન કહે, પણ ચીકણા કહે. મુલ્લા-મૌલવીને જોવા મૂલવવાનો ગજ પણ એ જ. એમના એવા સ્વભાવને કારણે વિવિધ સ્તર અને સ્વભાવના તમામ શાયરોને તેઓ એક રાખી શક્યા અને શાયરીના ભાવસ્તરના પાતાળે પહોંચવાનો પરિશ્રમ મુશાયરાના ઉતારે શાયરો કરતા હોય તો ‘અલ્યાઓ, સવારે ભાગવાનું છે અત્યારે ઊંઘો! કહી એ કાયા લંબાવે, ચિરૂટ ફૂંકે ને પછીના પ્રોગ્રામની મૂંગી ગણતરી માંડે! શયદા સાથે પણ પોતાના સ્વાભાવિક સ્તરે જ વાત કરે અને આપણી સાથે શયદાની ટેવો વિશે બોલી પોતે હસે અને નિર્દેશ હસાવે. કોનો કેવો સ્વભાવ ને ટેવ બધું જાણે! પોતાની ટેવ તો અનુભવે બધા જ જાણે એમાં કહેવાનું શું એવી નિખાલસતાએ પોતા વિશે કશું કહે નહીં. ‘છોકરાંય દર્ઝન ને પુસ્તકોય દર્ઝન’ એવું કહેનાર નિખાલસ માણસને પૂછવા જેવું ય શું હોય. અનેક સ્તર અને મિજાજના શાયરોને બેકારની એ નિખાલસતા જ સાથે રાખી શકી અને આંતરિક તેમ મંચની પાયાની એકતા જાળવી રાખી. બેકારને ક્યાંય એક પાઈનુંય ઉઘરાણું કરતાં જોયા નથી, પણ મુશાયરાના થોડા સમય પહેલાં બધાં હૉલ પર જવા તૈયાર થઈ ગયાં કે નહીં એની ઊડતી નજર નાખી ‘હવે બધાં ચોંચલા (ચાબાચીબી) ઠાઠઠઠેરા રહેવા દો, સાસરે નહીં, હૉલ પર જવાનું છે’ એવું સંભળાવી દે. બદરી, આસિમ સૂટબૂટમાં હોય એટલે પેલા એક્ટરો આવ્યા કે નહીં એમ પૂછે! આસિમ, બદરી બહારગામના મુશાયરામાં પોતે પસંદ કરેલા મોંઘા ઉતારે, પોતાના ખર્ચે જ ઊતરે! મુશાયરો સફળ થાય જ, થવો જ જોઈએ એવા નિશ્ચયે પ્રત્યેક મુશાયરાનું સંચાલન એ જ કરે અને મુશાયરાનો રંગ જોઈને લખેલો ક્રમ બદલીને અચાનક કોઈનું નામ બોલી નાખે. તે પહેલાં મોં વગા શાયરીના બેચાર ટુકડા બોલી ખુશમિજાજ વાતાવરણમાં શાયરને માઇક પર સ્વસ્થપણે, વિશ્વાસપૂર્વક આવવાની સરળતા કરી આપે. સેંકડો મુશાયરાના સંચાલને તેમજ શાયરીની અંગત અને મંચીય યોગ્યતાનો મેળ કરી શાયરને રજૂ કરે અને સદી ફટકારતો છેલ્લે આવે એટલે મુશાયરો સફળ જ જાય. સંચાલક જ બે શાયરો વચ્ચેની વિભાજનરેખા -મોટી ડૅશ નહીં, પણ બંનેને જોડતી કડીની ભૂમિકા બેકાર અદા કરે. પોતે દોસ્તરૂપે દેખાય, મોટા ભા વડીલરૂપે નહીં. ગઝલ લોકભોગ્ય હોય તો મુશાયરાનો સંચાલક પણ લોકભોગ્ય. એકરૂપ, ભાગલા ચોસલાં નહીં. એકરૂપતા એવી કે એકરસ, નીરસતા નહીં. મુશાયરાનું રસસાતત્ય જાળવી રાખવા પોતે જ ડોકાયા કરે એવું નહીં, અવસર અને શ્રોતાઓની રસવૃત્તિનું સહજ અવલોકન કરી ગાંભીર્ય અને તેય ઇચ્છવા જેવું ગાંભીર્ય જાળવવા પોતાને ઓગાળે પણ ખરા અને જે રસ જામ્યો હોય તેનું શાયરે શાયરે અનુસંધાન જળવાઈ રહે. છેવટે મારે ને શયદાએ કે ઘાયલે બાઉન્ડરી ફટકારવાની જ છે એવું સહજ ગણિત પણ બેકાર અજમાવે. ઉમાશંકરથી માંડી મેઘાણી, ૨. વ. દેસાઈથી માંડી પંડિત ઓમકારનાથ પણ પ્રમુખ હોય અને પ્રત્યેકની આગવી લોકપિછાણ હોય, પ્રમુખનું ગૌરવ પણ અકબંધ રહે એમાં માત્ર ગણતરી નહીં, આગ્રહ રાખવાનો. બેકારની દૃષ્ટિ એ જ કે મુશાયરો રેસની ગતિએ આગળ વધવો જોઈએ. એમાં મંદતાની ક્ષણ આવે તો ક્રમ બદલી જાતને ઉમેરી મોટું નામ જાહેર કરીને બેસી જાય. સંચાલક શાયરો અને શ્રોતાઓ માટે અતિરેક કે ભાગલા પાડનારો પોતે દેખાય, પણ અતિરેક ન લાગે એ રીતે સંચાલક દેખાય. અતિઅનુભવે કેટલાક રીઢા થઈ જાય છે તો કેટલાક સમયાનુકૂલ, કોઈ શાયર નિરાશ ન થાય એટલો તો શ્રોતાઓનો પ્રતિભાવ પુરવાર થાય જ એવી સમયસૂચકતા એવી સંચાલકમાં હોવી જોઈએ. શાયરનો ગ્રેડ અને રસસાતત્ય જળવાય સહજતાએ ‘બેકાર’, શાયરોને પણ એકાદ ગનીભાઈ દહીંવાળા સિવાય માન્ય રહ્યા. ગનીભાઈ તો પોતે સફળ રહ્યા તો મુશાયરો સફળ અને પોતાની અપેક્ષામાં અડધો આંક ઓછો—એમના મતે—ઊતરે તો મુશાયરો નિષ્ફળ, નહીં તો ઠીક હવે. એ બધા શાયરો કરતાં વહેલા સ્ટેશને એકલા ઊપડી જાય તો જાણવું કે એમને માટે મુશાયરો સફળ રહ્યો નથી. કોઈ કોઈના આવાં ‘લખ્ખણ’થી બેકાર અજાણ નહીં. એમના વિશે રમૂજી ટિપ્પણ પણ બેધડક કરે, પણ એમાં પરખાય એમની માનવવલણ સ્વભાવની પરખ, ડખીલી ચીઢ કે રોષ નહીં. એ માણસ શિક્ષણકક્ષેત્રે ડિપોર્ટી એટલે કેટલીય શાળાના લાભાર્થે પણ મુશાયરા યોજાયેલા, સુરત, ભરૂચ અને અમદાવાદ જિલ્લામાં એમની બદલી થયેલી એ ક્ષેત્રોમાં એમના સાહજિક પ્રભાવે દબાણે નહીં, સરસ મુશાયરા યોજાવેલા. બેકારનાં ડઝન પુસ્તકો, પણ ક્યાય હોદ્દાની રૂએ પુસ્તકો ખપાવવા કે પાઠયપુસ્તકમાં કોઈ લેખ ખપાવવાનો સાદો પ્રયત્ન પણ નહીં એ માણસને બોચિયા. ચીકણા, ચિંગુસો પ્રત્યે સાહજિક અભાવ. એ માણસ હાસ્યલેખો લખે. ‘ચિત્રપટ’ વીકલીમાં, બબ્બે કૉલમ લખે. ગામડેગામડે ખખડતા ગાડામાં બેસી વિઝિટે જાય અને ગાળેઆંતરે યોજાતાં મુશાયરાનાં આયોજનો પણ પાર પાડે. ગજબની સહજતા. શાળાની વિઝિટમાંય સાહજિકતા. માનવીયતા, ચેતવવા હોય તેને સાનમાં ચેતવે. પણ તેના ભાવિ પર અસર કરે એવી રિમાર્ક કે રિપોર્ટ ન કરે. તેમ બીજા ડિપોર્ટી જેવી વેઠ, મહેમાન થઈને ન કરાવે, અમદાવાદ જિલ્લામાં બદલી થઈ તો વટવામાં બુઝુર્ગ શાયર ‘સાબિર’ને ત્યાં થાણું નાખી રહ્યા. આવાં થાણાં એમને મળી રહેતાં અને એ વિસ્તારમાં ક્યાંક તો મુશાયરો યોજાય જ! શાયરોને માત્ર ટ્રેનભાડું મળે, ઉતારો મળે—એવા બિનખચર્ચાળ કહી શકાય એવા મુશાયરા મહાગુજરાત મંડળનું વાર્ષિક બજેટ માંડ ૩૦૦/૩૫૦નું છતાં ચાર મુશાયરા, વાર્ષિક એક ભેટ પુસ્તક, વાર્ષિક લવાજમ માત્ર ત્રણ રૂપિયા, સભ્યો બહુ ઓછા, બાકી હૉલનાં દ્વાર શું આસપાસની ગૅલેરી પણ સૌને માટે મોકળી. સામાન્ય માણસ સહજ શૈલીએ જીવન ગૌરવભેર જીવી જાય એ રીતે વર્ષો સુધી મુશાયરાનો દોર સાહજિકપણે ચાલ્યો તેમાં તેના આયોજકો અને શાયરોની સાહજિકતાનો ભાવ જ સિંહભાગ ભજવી ગયો. છેવટે તો લગભગ એવું બન્યું કે જ્યોતીન્દ્ર દવે પ્રમુખ હોય, ખાસ કરીને સુરત બહારના મુશાયરાઓમાં એમાં જ્યોતીન્દ્ર અને બેકારની ઉપસ્થિતિ તેમ જ શાયરો પણ પુખ્ત, અનુભવી બનવા સાથે શાયરીમાંય ખાસ્સા આગળ આવી ગયા હતા. વિશ્વાસની સમથળ ભૂમિ રચાઈ ગઈ હતી. જ્યોતીન્દ્ર સસ્તા થાય છે એવા સાક્ષરી ગણગણાટે જ્યોતીન્દ્ર દવેની સાહજિકતામાં કશો વિક્ષેપ ન પાડ્યો. મુંબઈમાં એમનો અતિ ઉપયોગ થયો હશે, ગુજરાતમાં તો નહીં જ. સુરતના એક, મૂળે હાસ્યરસના જ મુશાયરામાં શ્રી જ્યોતીન્દ્રે કહ્યું: ‘સંચાલક સાંબેલા જેવા છે, બેકારે તરત કહ્યું: પ્રમુખ વેલણ જેવા છે!” પોતાના દેહને ‘દાતણ સમો’ કહેનાર જ્યોતીન્દ્રનું કદ આમ વધી ગયું. હવે એ આત્મીય નિખાલસતા ક્યાં....? સુરતના કેવળ હાસ્યરસના કવિસંમેલનમાં જ્યોતીન્દ્ર દવે, ચં. ચી. મહેતા, બકુલ ત્રિપાઠી ને બીજા એક—ચાર ચાર નીવડેલા સંચાલકો. હું હજામ વિશેની કવિતા બોલું. ચં. ચી.એ વચ્ચે ડબકો મૂક્યો તે કદાચ મનેય સ્પર્શતો હશે. મેં કહ્યું – માઈક પર જ - ‘ચિંતા ન કરો જાતભાઈની હજામત મફતમાં જ થાય છે.’ એવી ચારેક ટકોરો અન્ય સંચાલકોની. તેમને પણ એવા જ ટૂંકા જવાબ. ત્યારે મારો મિજાજ જુદો હતો અને ‘ચતુરોનો ચોતરો’ કાર્યક્રમ યોજાતા તેમાં તત્કાળ હાજરજવાબ આપવાની સહજતા આવી ગઈ હતી. ક્યાં છે એ અનાયાસ અને આત્મીય, માનવીય ઉલ્લાસ? આકસ્મિક પ્રસન્નતા ચમત્કારી નીવડે છે. મંડળના પ્રેસ અંગેના કાર્યની, વાર્ષિક પુસ્તક સુધીની જવાબદારી મારી. એ અનુભવે બેકારે ‘ઇન્સાન’ માસિક શરૂ કર્યું. ૨૫ ટકા ધાર્મિક બાકી સાહિત્યિક, ચાર પાના ગઝલનાં. બેકાર મેટરનો ઢગલો આપી છુટ્ટા! વર્ષો સુધી એ ચાલ્યું. એમાં મને સંપાદનની અને ખાસ તો ગઝલસંપાદનની તાલીમ મળી. ગુજરાતભરના નામી ગઝલકારોની ગઝલ રંગીન શાહીમાં અને ખાસ ટાઇપમાં થાય, પ્રિન્ટિંગ ગાંડિવ પ્રેસમાં. પહેલા અંક પછી બેકારે મને દસ રૂપિયાની નોટ ધરી, મેં પાછી વાળી તે છેવટ સુધી પાઈના મહેનતાણા વિના દિવસે પાવરલૂમ્સની મજૂરી સાથે સોત્સાહ કામ કર્યું. ત્યારે મારા ગજવામાં પાવલી હોય તો તે પણ ‘બૅલેન્સ’ ગણાય એવી વાસ્તવિકતા અને ‘બેકાર’નો આખો અઢીસો પાનાંનો હઝલસંગ્રહ એડિટ કર્યો. કોઈ કોઈ કૃતિ પડતી મૂકવા આગ્રહ કર્યો, પણ બેકારની સામે સાક્ષરો, વિવેચકો હતા જ નહીં. આખું પુસ્તક પ્રેસના આંટાફેરા, પ્રૂફરીડિંગ સહિત કર્યું. બેકારે ૧૦ રૂપિયાની નોટ ધરી તે ખોટું ન લાગે એ ભાવે સ્વીકારી. એ સમયે પણ સુદામા કૃષ્ણની નગરીથી છેટા, પોતાના સ્થાને જ હતા! મોટાભાઈ મને કહે: ‘તું મિયો થઈ ગયો છે!” મને એ સાંભળી મોકળી પ્રસન્નતા થાય. શરૂઆતથી અંત સુધી બેકાર જ મંડળના પ્રમુખ અને અમીન આઝાદ મુંબઈ ગયા પછી છેવટ સુધી હું જ મંત્રી. ગિરનારમાં પાંચ વર્ષ ગાળ્યાં ત્યાં સુધી મંડળ મોકૂફ, સુરત પાછો ફર્યો કે મંડળ ફરી શરૂ! આ મોટાઈ નહોતી. સાહિત્યિક ધોરણનું કામ, વૈતરાં સુધી પહોંચતું કામ, કોણ કરે? પ્રેસ અને અખબારો સુધી સતત કોણ પહોંચે? ‘ધરતીના ધબકાર’ હઝલસંગ્રહની પ્રસ્તાવનામાં શ્રી જ્યોતીન્દ્ર દવેએ વિવેચક અને નિખાલસ માણસની, પરિચિત સજ્જનની હેસિયતે કહેવા સરખું કહ્યું જ છે તેમાંનો આ એક પ્રેરેગ્રાફ : “ભાઈ ‘બેકાર’ પોતાના વકતવ્યને સહજગમ્ય ને સર્વગમ્ય - તરત જ સૌ કોઈ સમજી શકે એવી સાદી ને સીધી વાણીમાં રજૂ કરે છે. વ્યંગ્યફંગ્યની પંચાતમાં પડ્યા વગર વાચ્યાર્થ વડે જ એ પોતાને કહેવાનું હોય તે કહી દે છે. એમની વાણી સાદી ને સીધી છે એ ખરું, પણ ભાષાનાં બધાં નખરાં, બધી ભંગિઓ, બધા લહેકાઓ ને છણકા પણ એમણે સ્થળે સ્થળે પ્રગટ કરી બતાવ્યા છે. આમ પહેલી નજરે બહુ સીધીસાદી લાગે એવી એમની વાણી, જે તળપદી બોલીનું બળ, તે ક્યાંક તો ગૌરવ પણ દર્શાવ છે. તે સહજસાધ્ય નથી. ‘ઓળખ્યો જો ના મને, તો જા, તું ગુજરાતી નથી.’ એ પંક્તિમાંના જા શબ્દનો લહેકો જોવા જેવો છે. એ એકાક્ષરી એક જ શબ્દ વડે કેવી ભાવચ્છટા પ્રગટ થઇ શકે છે. ‘સાફસૂપડાં થઈ ગયાં.’, ‘મર્યા પછી ભલેને ભગવાન પૂછશે તો, કે’શું કે ચાલ્યું આવે ને આમ ચાલવાનું!’, ‘દિલ તો ઘણું ચહે છે ઘર કોનું ઘાલવાનું!’ ‘બેચાર વરસની વાત નથી, ચાલીશ વરસનો ગાળો છે.’ ‘ધૂળ ખંખેરે છે જ્યાં ને ત્યાં’, ‘ઘણા બોદા સિક્કા ચલાવી દીધા છે’, ‘બે દાયકા પહેલાં આવું કદી થતું ન’તું.’ ‘હડમત આપણે ફાવી ગયા’; ‘એ બધી ભગવાનની લીલા જ છે. છોકરાની ફોજથી કંટાળ ના!’ ‘બુદ્ધિ વધી ગઈ અને ડહાપણ વધી ગયું.’
‘છો દલાઈ લામાના અહીંયાં ભલે ધામા થયા,
આનંદો હિન્દી છોકરાઓ કે, નવા મામા થયા.’
આવાં તો અનેક ઉદાહરણો ટાંકી શકાય.
અને મારે પણ ઉદાહરણ ઉમેરવાં છે.
“હિન્દને સ્વરાજ મળતાં ના થવાનું થઈ ગયું,
‘દોરવા’નું જ્યાં હતું. ત્યાં ‘હાંકવા’નું થઈ ગયું.”
✽ ✽ ✽
‘દેશે તાપી, નર્મદા ગમતી નથી,
તે, જઈ ડૂબી મરે છે ટેમ્સમાં.!’
શયદાએ ગઝલને લોકપ્રિય કરી તો ઇબ્રાહિમ દાદાભાઈ ‘બેકારે’ ગુજરાતભરમાં, વર્ષો સુધી એકધારા મુશાયરા યોજીને ખૂણે ખૂણે અને આફ્રિકા, ઇંગ્લૅન્ડ, કરાચી, બર્માના ગુજરાતી સમાજ સુધી પહોંચાડી. એમના નિખાલસ સ્વભાવે અનેક વાંકવળાંકવાળા સરળ તેમ મિજાજી એવા ગુજરાતભરના શાયરોને એક સળંગ, અતૂટ સાંકળરૂપે સાથે રાખ્યા. એ છેવટ સુધી નિખાલસ, સહજ મળતાવડા રહ્યા. મૃત્યુ પહેલાંની માંદગીના સમયે મસ્ત હબીબ સાથે રાંદેર મળવા ગયો ત્યારે બિછાને પડેલા એમના ચહેરે જે વેગીલી ચમક આવેલી જોઈ તે ‘ઉનકે આને સે આ ગઈ મુંહ પે રોનક’ ગાલિબની એ પંક્તિ તાજી થઈ ગઈ. પાસેની ટિપોય પર એ જ બિલોરી કાચની, એમના જેવી જ પારદર્શક, ટાંકાના પાણી ભરેલી એનો પડખેનો હાથ પકડીને, ઊંચકવાને દિલ ચાહ્ય એવી રૂઢનામી સુરાહી અને ગ્લાસ! દુઃખદર્દને ‘મારી-તમારી’ એટલે ‘આપણી’ નિખાલસ વાતો. હાસ્યમાં પણ પોતીકી નહીં, પણ બહેકેલા મિત્રોની દર્દની છાયાભરી છતાં હાસ્યે ચમકતી વાતો. અમે ચા—પાન પહેલાં એમના ઘરના નળનું નહીં, ટાંકાનું શીતળ પાણી પીધું એમાં કેટલો અર્થસંકેત! અધિવેશન જેવા મુશાયરાના ઊંચા મંડપે માઇક સામે શ્રોતાઓની ધ્વનિત સામૂહિક પ્રસન્નતા વચ્ચે અસ્ખલિત ધારાએ બોલ્યે જતી પડછંદ દેહાકૃતિ અને આ ઓછાડે ઢંકાયેલી પણ એ જ મુખાકૃતિવાળી કાયા. હઝલસંગ્રહના નિવેદનમાં એ હઝલકાર ત્રિપુટીને યાદ કરતાં ક્રમ આપે છે, અનિલ, હબીબ, શેખચલ્લી’ મેં તો મારી હઝલોને સાચવીય નથી, મારા એ સ્વરૂપને મંચ પર અનિવાર્યપણે પ્રગટ કરવું પડયું તે સિવાય અંધકારમાં વિસર્જિત કરી દીધું છે. એમણે ક્યાંક કહ્યું છે. ‘કોઈની હડફેટમાં આવી નથી શકતો’; એમની કાયા જ એવી પડછંદ, એની ગતિ જ એવી કે વામણા જ એમની હડફેટમાં આવી જાય! અને આ વિચારસરણીએ અબૂલ કલામ આઝાદની વિચારધારાના, કાંઠાના નાનકડા ગામઠી ઓવારા જેવા પ્રખર રાષ્ટ્રવાદી હઝલકાર ઉપરાંત બબ્બે કૉલમના કૉલમિસ્ટે મુસ્લિમ લીગનું ઉષ્ણતામાન ટોચબિંદુએ હતું એ સમયગાળામાં દઝાડે એવા હવામાનમાં, ગઝલની આત્મપ્રતીતિએ બેધડક સંકીર્ણ વિચારધારા અને સમયે વિરાટ બનાવી દીધેલા વામનોને કલમની હડફેટે ચઢાવ્યે રાખ્યા હતા. એમની તત્કાલીન હઝલોમાં રાજકારણ અને રાજકારણીઓનાં લક્ષણ, કાર્યોના પડઘા છે અને બલિહારી એ છે કે એ જ રાજકીય પ્રવાહ પહોળા પટે વિસ્તરતા સામયિક પડઘા પણ વર્તમાને અનુભવાય છે. ‘મોટા થવું, પણ માણસ રહેવું અને કહેવા જેવું પોતાની ભાષાનાં જીવંત લક્ષણ, સ્વભાવે કહીને પસાર થઈ જવું’ એ બેકારની સહજ, સ્વાભાવિક જીવનકળા હતી. મુશાયરાના માર્ગમાં ‘બેકાર’ માઇલસ્ટોન હતા અને ઇતિહાસમાં રહેશે.
▭
બોચાસણ આશ્રમમાં
નિત્ય ઊઠીને ભલા ઝાડુ પકડવાનું રહ્યું,
શિસ્ત ખાતર શિસ્તમાં અહીંયાં વિચરવાનું રહ્યું.
સ્વપ્નમાં પણ કામ, ને બસ કામ કરવાનું રહ્યું,
કામથી જે ભાગતા, તેણે તો કરવાનું રહ્યું.
કંઈકને પળવારમાં પાણી ભરાવે છે છતાં
હાથથી તારે અહીં તો પાણી ભરવાનું રહ્યું!
વીસમે વરસે તપેલાં તે અહીં અજવાળિયાં,
ઊંઘમાં પણ તુજને અહીંયાં ન ડરવાનું રહ્યું.
ફ્રેંક વરસોથી જે ટેબલ પર ચઢાવી ટાંટિયા,
વામકુક્ષિ કરતો તેનો દંડ ભરવાનું રહ્યું.
કાવ્યમાં તો શબ્દ બાંધે છે છતાં,
પૂણીથી અહીં તાર કરવાનું રહ્યું.
રેંટિયાની ગનથી બેકાર, બોચાસણ તણું,
અવનવું મેદાન સર તારે તો કરવાનું રહ્યું.
ગોળ સાથે ખોળ તેં ખાધો અહીં આવી ભલા,
છે ફક્ત બાકી હવે તો ઘાસ ચરવાનું રહ્યું.
તેં કલમ ત્યાગી અહીં ગ્રહ્યા છે વેલણ-પાટલી,
આવતાં વારો અહીં ચૂલામાં પડવાનું રહ્યું.
ગામ ને ઘરની સફાઈ તેં અહીં આવી કરી,
પણ હજી દિલની સફાઈ તારે કરવાનું રહ્યું.
વાસીદું વાળીને તારા દંભને અળગો કર્યો,
તોય કંઈ બાકી હજી કીર્તિને વરવાનું રહ્યું.
ભવતણા સાગર મહીં કોનો સહારો, ક્યાં સુધી?
તુંબડે નિજના અહીં સર્વેને તરવાનું રહ્યું.
શબ્દ ‘સેવા’ મિષ્ટ પણ, બેકાર એવું જાણજે,
કે અહીં સેવામાં પરસેવે નીતરવાનું રહ્યું.
(કવિએ પ્રાથમિક શિક્ષણના ડિપોર્ટી તરીકે શ્રી રવિશંકર મહારાજના બોચાસણ આશ્રમમાં પાયાના શિક્ષણની તાલીમના વર્ગમાં તાલીમ લીધી હતી.)
✽ ✽ ✽
ગણગણશો નહીં
તાર મુજ હૈયાના ઝણઝણશો નહીં,
છાનાંછાનાં દિલમાં છણછણશો નહીં.
કોઈ આ ઉપદેશ અવગણશો નહીં,
અન્યનાં ડૂંડાં કદી લણશો નહીં.
જો કહેવું હોય તો મોઢે કહો,
પીઠ પાછળ કોઈ ગણગણશો નહીં.
શત્રુતામાં ઠોકજો મુક્કો ભલે,
મિત્રતાની ચૂંટીઓ ખણશો નહીં.
દેશસેવાની કવિતા શીખજો,
સ્વાર્થના પાઠો કદી ભણશો નહીં.
નહિ તો કંતાઈ જશો હાથે કરી,
તાણાવાણા પ્રેમના વણશો નહીં.
અંકગણિત વ્યવહારનું શીખજો તમે,
‘લાભનાં લેખાં’ કદી ગણશો નહીં.
મૂકજો પગ ભોમ નક્કર જોઈને,
રેતના કિલ્લા કદી ચણશો નહીં.
જૂઠ ને પાખંડના પાયા ઉપર,
કીર્તિ કેરાં કોટડાં ચણશો નહીં.
દેશ કેરા ભાગલા થાયે વધુ
પ્રશ્ન એવા કોઈ પણ છણશો નહીં
✽ ✽ ✽
તને કોણ પૂછશે?
તારા નવા વિચાર તને કોણ પૂછશે?
જાતે જ કર પ્રચાર! તને કોણ પૂછશે?
ખોલી દે તું. વખાર! તને કોણ પૂછશે?
લાવી બધું ઉધાર તને કોણ પૂછશે?
તારે અલ્યા, ‘ઉલાળ’, અગર તો ધરાર શી?
કરતો રહે શિકાર! તને કોણ પૂછશે?
ઇચ્છા જ તારી હોય તો ‘એટમનો બાપ’ ફોડ!
જાતે જ થા ખુવાર! તને કોણ પૂછશે?
લેવાની વાત હોય તો ‘ચિઠ્ઠી’ની વાત કર,
દેવામાં તો ‘તુમાર!’ - તને કોણ પૂછશે?
ધારાસભા શું. સભ્ય પણ ખિસ્સામાં છે બધા,
ભથ્થાં ને બિલ પસાર! — તને કોણ પૂછશે?
તું શેરવાની છોડ ને બુશકોટ પહેર, બસ!
પરણ્યો છતાં કુમાર! — તને કોણ પૂછશે?
જન્માષ્ટમીનું પર્વ છે, ઈશ્વરનો જન્મ છે;
રમતો રહે જુગાર! તને કોણ પૂછશે?
‘બેકાર’, જિંદગી તો ગઈ વાતવાતમાં,
સમજ્યો નહીં તું સાર તને કોણ પૂછશે?
▭