સફરના સાથી/અમૃત ઘાયલ
દુ:ખ વગર, દર્દ વગર, દુ:ખની કશી વાત વગર,
મન વલોવાય છે ક્યારેક વલોપાત વગર!
હું માનસશાસ્ત્રનો વિદ્યાર્થી નથી, પણ જીવનમાં અગાઉ જિદુ. કૃષ્ણમૂર્તિનો ગુજરાતી અનુવાદ હાથમાં આવતાં સ્વભાવ વિરુદ્ધ સ્વસ્થતા અને મિજાજ ગુમાવી બેઠેલો અને એ પુસ્તક જે વિદ્વાનમિત્ર પાસેથી મેળવેલું તેમની સાથે અણગમતો પ્રતિઘોષ પાડી બેઠેલો. આ માણસને કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશને પ્રગટ કરેલા પ્રમાણભૂત હિન્દી અનુવાદના ગ્રંથો એક સન્મિત્ર દ્વારા પ્રાપ્ત થયા ત્યારે તેમાં વારંવાર આવતું આંતરમનનું પારગામી દર્શન વાંચી નિસ્તબ્ધ થઈ જતો — થાઉં છું. આ નિઃસ્તબ્ધતા જ કદાચ, અનાયાસ ‘ધ્યાન’ની પ્રાથમિક અવસ્થા હશે. પછી જાણ્યું કે એમના સમયે વિદ્યમાન માનસવિજ્ઞાની હેવલોક એલિસ અને અન્ય પ્રખર માનસવિદોએ જિદુ. કૃષ્ણમૂર્તિને પેરિસમાં મળી બબ્બે દિવસ માનસશાસ્ત્રીય ચર્ચા કરેલી. મારા જીવનમાં અનાયાસ વિષાદમાં ક્ષુબ્ધ થઈ જવાના સમયગાળા વારંવાર આવતા જ રહ્યા છે. કૃષ્ણમૂર્તિને વાચ્યા પહેલાં પણ, પછી પણ, ત્યારે ઘાયલનો આ શેર જ મને યાદ આવે. એ શેરમાં ગતિ છે, અલ્પવિરામે અટકેલા શબ્દો, એ જ ગતિએ, એ જ ધ્વનિએ સોંસરા આગળ વધી એ જ અને ‘મન’ના ધ્વનિને એલિટ્રેશનની સભાનતા વિના પૂર્ણવિરામ સુધી પહોંચે છે અને ચિત્તની નિઃસ્તબ્ધતામાં પણ નામ પાડી ન શકાય એવી ગતિ અનુભવાય. ઘાયલને, એની બાનીને, સોંસરી, બાધાદોડવિહોણી અભિવ્યક્તિને અનુભવવા આ શેરના પડઘા મનમાં પડવા દો! વિષાદ પછી આ શેર અને તે પછી અસ્પષ્ટ વાંચેલો પેલો પૉલિશ ફિલસૂફ કિયર્કેગાર્દ સ્મૃતિમાં ઊભરે. સુરેશ જોષી અને રતિલાલ ‘અનિલ’ માત્ર માણસની ભૂમિકાએ મળતા. મને વારંવાર અનુભવાતા પણ અસ્પષ્ટ રહેતા એટલે પછીથી બેચેન કરતાં આ વિષાદને સમજવા કહ્યું: “તમે કિયર્કેગાર્દ ‘કંકાવટી’ માટે સ્પષ્ટ કરી આપો.” સુ .જો. ને આનંદાશ્ચર્ય અને પ્રશ્ન થયો ‘તમે કિયર્કેગાર્દને શી રીતે, આવા અધૂરા પણ, શી રીતે જાણો?’ એમણે વચન આપ્યું હું લખીશ, પણ વચન પાળવા માટે સમયે કે કાયાના દર્દે એમને જીવવા દીધા નહીં, કિયર્કેગાર્દનો વિષાદ મારે માટે હજી ધૂંધળો છે, પણ ઘાયલનો આ શેર એવી પ્રત્યેક અવસ્થાએ અનુભવું છું. વિષાદ વખતે કે તે પછી મહાભારતનું ‘શાંતિપર્વ’ વાંચવાની સમયસુવિધા અને સ્વસ્થતા પણ ક્યાં હોય છે… ઘાયલનું પ્રથમ મિલન તો મંડળે યોજેલા મુશાયરામાં ભાગ લેવા એ સુરત આવ્યા ત્યારે હું એમને લેવા ગયો ત્યારે સુરતના રેલવેસ્ટેશને થયેલું. તાણેલા તીર જેવો બ્રાહ્મણ છતાં કાઠી રજપૂત જેવો પ્રેમવશ કરે એવો એ પાતળિયો દેહ પ્રથમ મિલને જ પોતે ભેટી પડેલો! ‘રણ તો ધીરાનું, નહિ ઉતાવળા કાયરનું’ એમ કહેનાર કવિ ઉતાવળિયો, અધૂરો લાગે—એણે માણસનું એક જ પડખું જોયું છે એવું, ઘાયલને અનુભવતાં અચૂક લાગે. આ માણસ આ લખું છું ત્યારે તે પહેલાંથી બિછાને પડ્યો છે. ગઝલનો રચાતો શેર ગણગણતો માણસ હવે ગાયત્રીમંત્ર બોલે છે. મૂંગો પાઠ કરે છે અંતરંગ માણસ સિવાય ઘરના માણસો કોઈને મળવા દેતા નથી. હા, પ્રવાસો ખેડીને એમની ગઝલનો કોઈ આશક આવે છે, ‘વાતે ન ચઢાવતાં’ એવી કાનફૂંક સાથે મળવા દે છે. ‘કુંવારી’ ગઝલ માગું છું તો લખે છે ‘હવે ક્યાં લખાય છે...’ અને સાંભરે છે લાઠીમાં ‘કલાપી’ની સમાધિનાં દર્શન પછી એમનું ગઝલપ્રસ્થાન શરૂ થયું હતું. હૉકીનો ખેલાડી ગઝલના મેદાનમાં આવ્યો. વર્ષો પછીની વાત. હું ને ઘાયલ જૂનાગઢથી આઈ.એન.ટી.ના મુશાયરામાં ભાગ લેવા ટ્રેનમાં સાથે બેસીએ. માણસને આરામ અને ઊંઘની જરૂર એને ઊંચે લઈ જાય એવું જ્ઞાન મને થાય. હું નીચે બેઠક પર અને એ ઉપલી બેઠક પર આરામ ફરમાવે. છત સામે જોઈને કોઈ પંક્તિ રચે છે કે આંખ મીંચે છે એનું નિરીક્ષણ કરવા જેવી ગુસ્તાખી ન કરી બેસું તે માટે મને બારી પાસે, બહારનાં, પાછળ સરી જતાં દૃશ્યો ચાલુ ફિલ્મની ગતિએ બતાવે, પણ ગાડી અટકે કે બાપુની ડોક લંબાય, ઘડીક નીચે ઊતરી સાથ આપે, વાત ચાલે, પણ ગાડી ઊપડી કે ઉપર. ‘હું સારી રીતે દૃશ્યો જોઈ શકું એ માટે ટ્રેન ધીમે જ ચાલે. દુનિયાની સાત અજાયબી જોવા આ માણસ જવાનો નથી કંઈક એવી અગમચેતીથી ટ્રેન નક્કી સમય કરતાં વધારે સમય થોભે જેથી હું એ આઠમી અજાયબીનું સારી રીતે નિરીક્ષણ કરી શકું, પણ શાયરીમાં પોતાનો ગ્રેડ સાચવી રાખનારા ઘાયલ નીચે આવી બેસે—સંકેત એવો કે હું તારી ઉપર તો સ્થાનફેરે છું— સાચેસાચ તો તારી પડખે છું. એ જ ઘાયલે એક વાર જલદી પાછા ફરવાની ઉતાવળમાં અમદાવાદ મુશાયરો પતાવી અમદાવાદથી એવી ટ્રેન પસંદ કરી કે તે ચાલે ઓછી ને આરામ વધારે કરે, સૌરાષ્ટ્રમાં સ્ટેશનદીઠ કેટલાં જંક્શન છે એ જાહેર થયેલું નહીં એટલે એની સાચી જાણ અને આત્મપરીક્ષા એ ટ્રેને એવી કરાવી કે અમે પૂરા ચોવીસ કલાકે જૂનાગઢ પહોંચેલા. હા, પણ કહેવાની વાત એ કે ઘાયલ મુશાયરાના ઉતારા સુધી સાથ આપે પછી એવા ગુમ થઈ જાય કે મુશાયરાના સમયે એમની શોધ અને ચિંતા કરવી પડે. ‘આસિમ’ રાંદેરી હોય તો ત્યાં હોય અને તેઓ જ મુશાયરાના સમયે ચિંતા કરી ઘાયલને મસ્ત હાલમાં પહોંચાડે. અમીન આઝાદ સાથ આપી શકે, મરીઝ હોય તો તે પણ, પરંતુ અમીન હોય મુશાયરાના ઉતારે મને દોડધામ કરાવવા અને મરીઝ તો કોઈ બીજાત્રીજા સ્થાન હોય તો મહેફિલ જમાવે, પણ મુંબઈમાં તો કાદુ મકરાણીના ડુંગરે ડુંગરે ડાયરા! આસિમ ખાસ, બદરી અને મરીઝ પણ જોડાય, પણ ઘાયલ કોઈપણ સ્થિતિ સંજોગોમાં મુશાયરાના મંચ પર સમયસર અને કોઈવાર ચિંતા કરાવે એટલો મોડો પણ એની અનિવાર્યતાના સમયે હાજર થઈ જાય. પેલા ભદ્રંભદ્ર ભાષણ આપી આવેલા તે મુંબઈના માધવબાગનો મુશાયરો કેવળ અવિસ્મરણીય જ કહેવાય. શ્રોતાવર્ગ સુધી ન પહોંચી શકેલા એટલા ચિઢાયા કે ત્યાં જગ્યા રોકતી સોએક મોટર કારનાં પૈડાંની હવા કાઢી નાખેલી, અને મુશાયરો આકાશને અડવા સુધી ઊડેલો કે ચગેલો! ઘાયલ રાહ જોવડાવીને ખૂબ મોડા, પણ આવ્યા તો ખરા, પણ સ્ટેજ પર જ અવશ અવસ્થામાં લંબાવ્યું. મુશાયરો પૂરો થવાના સમયે એમને ખૂબ ઢંઢોળીને ઉઠાડ્યા અને બેકારે માઇક પર ઊભા કરી ‘હવે આવે છે અમૃત ઘાયલ!" જાહેર કર્યું. અમૃતના હાથમાં ગઝલની ડાયરી તો શું. એક કાગળ પણ નહીં! પણ ઘાયલે યાદદાસ્તે ગઝલ શરૂ કરી અને એમ જ સદી ફટકારતા બેટધરના વિજયી જુસ્સાથી એક પછી એક અગિયાર ગઝલ બોલી ગયા! મુશાયરો એવી ચરમસીમાએ પહોંચી ગયો હતો કે વિસર્જન કરી દેવો જોઈએ, પણ બેકારે છેલ્લે, તોપના મોઢે જાણે કે મને મૂકી દીધો! એવી જીવલેણ કસોટી મારી કદી થઈ નહોતી, પણ ‘બાઅદબ, બા મુલાયેજા, હોશિયાર’ ઘાયલની એ પંક્તિનું માપ ઉર્દૂ ગઝલ પરંપરા ને ઉરૂઝ ધોરણે સંપૂર્ણ છે એવા વાદ પછી મેં એ છંદમાં સો મુક્તકો (કઆત) લખી નાખેલાં, એ જ એ સમય, તેમાંના છએક તો કોઈ પણ મહેફિલને સર ન કરે તોયે સહ્ય બને જ, તે હું પણ એવા જ જુસ્સાથી બોલી ગયો, મુશાયરાનો ટેમ્પો જળવાયો, ચરમસીમાએ પહોંચ્યો કે શાણો થઈને આપમેળે બેસી ગયો તે અવિસ્મરણીય મુશાયરો ભલે મસ્તીના હિલ્લોળમાં, વિખેરાતો ગયો, પણ ‘બેકાર’નું સાહસ મારે માટે, મુશાયરા માટે દુ:સાહસ ન બને એ માટે શાયરને ચગાવતી દાદ વખતે આંચકો આપી માઇકથી દૂર થઈને, જાતને બચાવી લીધાની ‘રાહત’ જ મેં અનુભવી બુલબુલ જેવો કંઠ ધરાવતા ઘાયલ તહેતુલ લબ્ઝમાં સડસડાટ વેગીલી જબાનમાં, રજૂઆતમાં, ‘પાઠ’ને પણ બોધપાઠ મળે એવી સફળ રજૂઆતમાંય સફળ રહ્યા જ, પણ જેમણે એમને:
મારી દુનિયા, નોખ્ખી દુનિયા,
વસ્તી વસ્તી, જંગલ જંગલ.
એ ટૂંકા માપના છંદની તેમ બીજી ગઝલો એમના કંઠે ગવાતી સાંભળી છે તેમના કંધે તો સાચવવા જેવો કંઠ, સ્વર ગુમાવ્યાનો ભારે રંજ રહ્યો છે. ‘ભટ્ટબાપા’, તમને આ શું સૂઝયું? એવો ઠપકો પ્રેમભાવે આપ્યા વિના રહેવાતું નથી. છતાં એ ખોટ અમારા જેવાની છે, જેમને પોતાની ગઝલ બોલવા કરતાં ઘાયલને ગાતા સાંભળવાની વધુ કોંટા રહેતી. તહેતુલ લબ્ઝમાં સ્પર્શક્ષમ રજૂઆત છે અને ઘાયલ કહે છે : ‘એક ગઝલ મરી જાય જેમ રજૂઆત વગર’ એમની રજૂઆત એવી ન જ બને. એમની જબાની જીવંત રજૂઆત, જહાંગીરને ઘંટ ધણધણાવી થતી રજૂઆત જેવી જ રહી છે, પણ બાનીની ઘૂંટાયેલી લયાત્મક ગતિ ડોલન અને સ્પર્શની વાત જુદી! હોંકારો દેવા કરતાં શ્રોતા મૌનમાં ઝૂમે એ દાદનું મૂલ્ય અદકેરું. સરદાર વલ્લભભાઈએ દેશી રાજ્યોને અખંડ ભારતમાં ભેળવી દીધાં. રાજવી કુટુંબો અને તેમની સાથે જોડાયેલા માણસો માટે જિવાઈ અને પરંપરાથી પર એવા જીવનની ખોજ કરવાની વેળા આવી રજવાડી કુટુંબો પાસે તો વારસોય હતો. સામાન્ય સાલિયાણાં પણ હતાં — તે પણ છેવટે ગયાં. પાજોદ દરબારના કુટુંબમેળામાં મસ્ત, મનમોજી જીવન જીવતા અમૃત ઘાયલ માટે જીવનને માનભર્યો, સ્વનિર્ભર માર્ગ કરવાનો પડકાર આવ્યો. નોકરી મળે એટલી સર્ટિફિકેટ સહિતની ‘યોગ્યતા’ હતી. બેહિસાબ જીવેલો આ માણસ સ્વભૂમિ રાજકોટ પાછો ફર્યો. એને સરકારી નોકરી તો મળી, પણ તે “હિસાબનીશ’ની અને એ પદેથી જ એ નિવૃત્ત થયા. શરૂઆત રાજકોટથી થઈ, ત્યાં મકરન્દ દવે અને ગાફિલ માણાવદરી જેવા સૂફી મિજાજના શાયર-કવિમિત્રો મળી ગયા. ગઝલ દુન્યવી પ્રેમથી શરૂ થાય છે અને ઈશ્વરીય પ્રેમ, સૂફીપ્રેમ સુધી પહોંચે છે એ દૃષ્ટિએ, પણ ઘાયલના જીવનનું નવપ્રસ્થાન એને માટે તો વરદાન જેવું કહી શકાય. ઘાયલ તો હોય છે તે જ રહે છે, પણ એનામાં અને એની ગઝલોનું આંતરસત્વ અનાયાસ પરિવર્તિત થાય છે. ગિરનારમાં હતો ત્યારે આ લખનારો ચોથો પણ ત્રિવેણી સંગમમાં ભળતો. આમ તો ઇન્દુલાલ ગાંધી મારા મિત્ર. એમનેય અવશ્ય મળાય. એકવાર એ મને તેડી ગયા, દિવસ બરાબર માણ્યો. હું તો રાજકોટના માર્ગોથી અજાણ્યો, ઇન્દુલાલ અડધું રાજકોટ ભમીને છેવટે મધરાતે ઘાયલના ડેલે મને છોડી ગયા ત્યારે ‘હાશ’ની લાગણીને અમે ત્રણેય ખડખડાટ હાસ્યમાં એ ક્ષણ ઉજવી. ઈન્દુલાલે એ ‘અનુભૂતિ’થી પ્રેરાઈ કવિતા પણ લખી. ઘાયલ પાજોદમાં, રાજવી કુટુંબમાં બેહિસાબ જીવ્યો હતો. એનો એક સૂચક પ્રસંગ : દરબારના કુટુંબ સાથે ઘાયલ પણ પૂનામાં હતો, ત્યારે પૂના બીજું ફિલ્મનગર હતું. જેમને સાંભળવા જવાહરલાલ નેહરુ શ્રોતાઓની પહેલી હરોળમાં બેઠા હોય, એવા ઉર્દૂના ઇન્કિલાબી શાયર જોશ મલિહાબાદી ફિલ્મી ગીતો લખવા પૂનામાં હતા. એમની સાંજની મહેફિલમાં અમૃત ઘાયલ હોય. વાતો, શાયરીના દોર, જામના દોર સાથે ચાલે – એક હોટલમાં. મધરાત થઈ. જોશમાં ચાલવાના હોશ નહીં, વાહનોની શોધ ચાલી, પણ એકેય વાહન ન મળે. દૂર ઊભેલા એક ગર્ધવરાજ હતા. ઘાયલને કહે : ‘એ વાહન લઈ આવો’ અને ઘાયલ વાહનને દોરી લાવ્યા. જોશ એના પર સવાર થયો, ઘાયલે વાહનને દોર્યું, જોશને તેમના સ્થાને પહોંચાડી પોતે એકલા પાછા ફર્યા. આવો માણસ સરકારી, હિસાબનીશની કોઈપણ લાલ શાહીની રિમાર્ક વિહોણી નોકરી કરી નિવૃત્ત થાય એ આપણે માટે આશ્ચર્યજનક, ઘાયલ માટે સ્વાભાવિક. પંદરેક વર્ષના શાયરી, મુશાયરાના જીવનમાં ઘાયલ અને અમીન આઝાદમાં મેં ખાસ વિશેષતા એ જોઈ કે તેઓ જીવનપ્રવાસમાં જ્યાં જાય ત્યાં ગઝલ-મુશાયરાનો માહોલ આપોઆપ જ રચાય. અમીન મુંબઈ ગયા તો ‘ગુજરાત ગઝલ મંડળ’ રચાયું કેટલાક નવા, પણ નીવડેલા શાયરો ગઝલને મળ્યા. સરકારી નોકરી એટલે બદલી તો થાય જ. ઘાયલની બદલી કચ્છમાં થઈ તો ત્યાંયે સાંજની મધરાત થાય એવી મંડળી જામી, તેમાં સાહિત્યકાર અને વિશ્વવિખ્યાત ફોટોગ્રાફર પણ હોય. ‘ઘાયલ’ની બદલી જૂનાગઢ થઈ. નવાબીકાળે ત્યાં બેએક શાયર હતા, પણ ત્યારે કોઈ નહીં. હું તો ગિરનારના જંગલમાં. હટાણે જૂનાગઢમાં જવાનું થાય, એકવાર શ્રી સુંદરમ્ સાથે જૂનાગઢમાં એક દિવસ ગાળ્યો —એ સિવાય મારે ને જૂનાગઢને ચાર ગાઉનું છેટું. ઘાયલ એક આખો દિવસ મારે ત્યાં જંગલમાં રહ્યા. અમારે વળી રજા કેવી સબ દિન એકસમાન ઘાયલે કહ્યું. રવિવારે તારે મારે ત્યાં જૂનાગઢ આવવાનું. આખો દિવસ સાથે ગાળવાનો. ને એમ ફરી જૂના દિવસો તાજા થાય. એ હોય અને ગામમાં મુશાયરો ન થાય એવું બને? જૂનાગઢમાં મુશાયરો માત્ર બે જ શાયરનો. ‘ઘાયલ’ અને ‘અનિલ’નો બસ, પૂરા પાંચ વર્ષમાં જૂનાગઢમાં જાહેરમાં ઊભા રહેવાનો મારો આ એક જ પ્રસંગ. ઘાયલ જૂનાગઢ ઝાઝા રહ્યા નહીં, બીજે બદલી થઈ ન હોય તો એણે બદલી કરાવી હશે. આ તો પછીની વાત, આગલી વાત તો મારા જીવનને વળાંક આપનારી, મારી બીજી જિંદગીની છે. એ દૃષ્ટિએ અમૃત ઘાયલ મારા જીવનનો એક માઇલસ્ટોન પણ છે. શાયરીમાં પ્રવેશ વખતે હું પાવરલૂમ્સ પર. સંચાઓના ઘોંઘાટમાં અગિયાર કલાક પસાર થાય. લૂસ લૂસ જમ્યા પછી અમીન આઝાદની દુકાને. તેમની સાથે, બીજાઓ સાથે ગઝલ અને ઉરૂઝની લમણાંઝીંક. સાંકડી ગલીકૂંચીઓમાંથી સમજના માર્ગ પહોંચવાની મથામણ. વચ્ચે વચ્ચે ગઝલના ચમત્કાર પણ અનુભવાય. મુશાયરાની યોજના, વ્યવસ્થા અને તે થઈ જાય ત્યાં સુધીની વ્યવસ્થામાં સક્રિય ભાગીદારી અને મજૂરી જેવું કામ મારા ભાગે જ આવે. એક પાગલ લેહ, ગઝલ પ્રવૃત્તિ વધતી ગઈ તેમ સાક્ષરી ઉપેક્ષા આગળ વધી. જાહેર વિરોધ બની ગઈ. ગઝલના વિરોધના મુદ્દા ચર્ચા-તારવી જાહેરમાં જવાબો આપવાના, ચર્ચામાં ઊતરવું એવા ગજા બહારના પાગલપણાએ મને ક્રોનિક હેડેક, અનિદ્રા અને જરા જેટલો અવાજ માથા માટે ઘણનો ઘા થઈ પડે એવી અકોણી માનસિક અવસ્થાને કારણે એક માસ સુરતની સિવિલ હૉસ્પિટલમાં અને પૂરા ત્રણ માસ મુંબઈની કે. ઈ. એમ. હોસ્પિટલમાં ઇલાજ કરાવ્યા પછી પણ સહેજ ઝોકું આવે એ સિવાય બધી ફરિયાદ ચાલુ. હું મારે માટે મારા મૂળ કામ માટે અસહ્ય બની ગયો હતો. ‘બહાર’ માસિકના સંપાદનમાં ચારેક માસ નીકળી ગયા, એ બંધ પડતાં બેકાર. આપઘાત સિવાય બીજો કોઈ માર્ગ સૂઝતો નહોતો ત્યાં રાજકોટમાં યોજાયેલા મુશાયરાનું આમંત્રણ આવ્યું. ઘાયલને ત્યાં જ ઊતર્યો. એણે મારી સ્થિતિ જાણી. સુરતના મિત્રો પર એનો ગુસ્સો ઊતર્યો, પણ એ પ્રાથમિક પ્રત્યાઘાત, મિત્રો સાથે મથામણ કરી જૂનાગઢના જંગલમાં ‘રૂપાયતન’ સંસ્થા અને ‘પ્યારા બાપુ’ ચાલે છે ત્યાં મારે જવાનો રસ્તો એણે જ ચિંતાભેર કાઢ્યો અને હું ઘરે પાછા ફરવાને બદલે સીધો ગિરનારના જંગલમાં ગયો અને કશા ઉપચાર વિના પેલો ક્રોનિક હેડેક અને અનિદ્રા મને જાણ ન થાય એ રીતે ધીરે ધીરે થોડાક માસમાં અદૃશ્ય થઈ ગયાં! ત્યારથી સંપાદક, પત્રકારની આજ સુધી લંબાયેલી દિશા મને મળી—પણ વળાંકનું નિમિત્ત અમૃત ઘાયલ. મહિનાઓ પછી ચારેક દિવસ મારે, તે પણ મુશાયરા નિમિત્તે ટ્રેનભાડું મળવાનું એટલે ઘરે પાછો ફર્યો ત્યારે જાણ્યું કે કોઈને ગઝલ વિષય પર પીએચ.ડી. થવું હોય, તો થાય એટલી સંદર્ભ સામગ્રી મોટી પાર્સલિયા પેટી કટિંગોની ભરી હતી તે અને પુસ્તકો ઘરવાળાએ પસ્તીમાં કાઢી નાખ્યાં હતાં. તેનો રંજ કે સ્વભાવપલટો એ કે હવે પ્રિય વિષયોની તો શું, ખુદ મારી સામગ્રી પણ સાચવતો નથી… બાજ પરનું પીરસણ મોઢામાં મૂકી પાણી પીને ઊઠી જવાનું. લૂંટનારા બાજ લૂંટી જાય! મંચ પર બેતહાશા, સાઇકલૉન જેવા દેખાતા અમૃત ઘાયલ, વાસ્તવ જીવનની નક્કર ભૂમિ પર ઊભા હોય ત્યારે પણ તેમની છબિ અંગદની હોય છે. મુશાયરા કંઈ સુરત, મુંબઈ, અમદાવાદમાં જ થાય એવું નહીં, કસબા, ગામ કે દૂર દૂરના ગોધરામાંય થાય, ત્યાં એમના સાકી, મહેફેલિયા મિત્રો ન હોય, એટલે ફરજિયાત એમને તેમ બીજાઓને પડાવે રહેવાનું, ત્યારે સૌના સથવારે ઘાયલની રમૂજો પુરબહારમાં ખીલે અને દોસ્તી એવી કે સૌની ગરદને એમનો દોસ્તીનો જમણો હાથ પડે અને પોતીકી મૂળ ભાષા પણ ‘સોરઠિયો સાચું ભણે’ એની યાદ અપાવે. એ માણસ ભરપૂર જીવ્યો છે અને ગઝલ અને મુશાયરાઓને જિવાડ્યાં છે. મુશાયરામાં ભાગ લેવા માટે વિમાની પ્રવાસનો દરજ્જો એ પ્રાપ્ત કરી ચૂક્યો છે. ન એણે પોતાની સુવર્ણજયંતીમાં મને નોતરાવ્યો, ન એ મારી સુવર્ણજયંતીમાં નોતરા છતાં, સુરતમાં સીધું વિમાની મથક ન હોવાથી આવી શક્યો. ગઝલને ગુજરાતભરમાં ફેલાવવાનો યશ શયદા સહિત અમૃત ઘાયલને ફાળે જાય, અનુક્રમમાં બીજાં નામોય આવે. ઋષિ અને કવિના કુળના ઊગમે ન જવું એવી શીખ છતાં ‘ઘાયલ’ના શાયર તરીકેના ઊગમે પહોંચી જવાય છે. રાજકુમાર કૉલેજના ગ્રાઉન્ડ પર હૉકી ખેલતો અમૃત ઘાયલ ભટ્ટ પાજોદના દરબારના રાજકુમારની નજરે ચડે છે, પોતે પણ હૉકીની રમતમાં જોડાય છે, એવી મૈત્રી જામે છે કે રાજકુમાર પોતે દરબાર બને છે ત્યારે મસ્તરામ અમૃતલાલ ભટ્ટ પણ તેમના દરબારમાં હોય છે. દરબાર પોતે ઉર્દૂના શાયર એટલે દરબારી વાતાવરણ સાવ નોખું—શાયરની ઉછેરભૂમિ જેવું. ૧૯૩૯નો છેલ્લો માસ અમૃતલાલ લાલજી ભટ્ટ નામનો જુવાન વિખ્યાત કવિ કલાપીની જયંતી લાઠીમાં ઊજવાતી હતી, એના પ્રબળ આકર્ષણે, પોતાનું ભવિષ્ય રચનારી ઊર્મિએ, ઊર્મિસભર હૈયે ઉજવણીમાં ભાગ લેવા લાઠી ગયો. કલાપી એમની ગઝલો દ્વારા યુવાનોનાં દિલો- દિમાગ પર છવાયેલા હતા. પોતાની કચેરી પર નજર નાખવાને બદલે આકાશની ગેબી કચેરી પર નજર માંડનારની અકાળ વિદાયથી ગુજરાતે આંચકો અનુભવ્યો હતો. ‘કેકારવ’ લાઠીની સરહદ વળોટીને ગુજરાતભરમાં વ્યાપી ગયો હતો. સમયનાં સંભારણાં સાથે એની આબોહવા પણ શ્વાસમાં આવે છે. કાન્ત અને લલિત — એમની કવિતાય કલાપીની ગઝલો સાથે સાંભરે છે. એવા ઓછા સમયખંડ સાહિત્યમાં આવ્યા છે. કલાપીની ડેરીએ શીશ નમાવવા ગયેલા અમૃતલાલ પણ ગઝલ લખવાનું મૂગું વ્રત લે છે, એ વ્રત તો એનું જીવનભરનું ‘વૃત’ બને છે. રજવાડી માહોલ છૂટે છે તો એ સ્વસ્થ સ્વનિર્ભર જીવનદૃષ્ટિનો મોજીલો લાગતો જીવ, બેહિસાબ જીવતો જીવ, હિસાબનીશની સરકારી નોકરી લે છે અને એ જ નોકરીએ નિવૃત્ત થાય છે. આમ પણ વિકસતો શાયર માનવપ્રેમની કક્ષા વટાવી ઈશ્વરપ્રેમ સુધી અનાયાસ પહોંચી જાય છે, પણ ઘાયલ રાજકોટમાં સૂફી મિજાજના મકરન્દ દવે અને ‘ગાફિલ’ માણાવદરીની જોડીમાં ભળે છે અને મૈત્રીનો ત્રિકોણ રચાય છે. ઘાયલ વાસ્તવની ભૂમિને પ્રામાણિક રહીને ઊંચે જાય છે. તે પછી તો એ દીક્ષા લેનારના પદેથી દીક્ષા આપનારના પદે આપોઆપ પહોંચી જાય છે. મુક્ત જીવ એવો કે ઉસ્તાદીના બંધને બંધાતો નથી. અખંડ હવામાન જ એક સ્વયં બોધ બની જાય છે તે એમના સંસર્ગમાં આવનારા અનુભવે એ જ એનો સ્પર્શ. પિતા લાલજી ભટ્ટ. અટક સૂચવે છે કે કાઠી જેવો દેખાતો અમૃત બ્રાહ્મણ. પિતા લાલજી રાજકોટના રાજવીના મહેલમાં એમના એક અધિકારે પ્રવેશ પામેલા. અમૃત બાહ્મણ છે, પણ ખંખારીને રુઆબથી નહીં, મિજાજી જુસ્સાથી બોલે છે. પિતા રાજવી કુટુંબમાં ‘ઘરના માણસ’ જેવા તો અમૃત બાબીવંશના, પાજોદના દરબારમાં પહોંચી ચૂકેલા ઘરના માણસ. મંડળના મુશાયરામાં એ પાજોદથી આવે, તે પછી ત્યાંથી જ એ શૂન્ય પાલનપુરી સાથે આવે, પણ એકવાર એ, શૂન્ય અને પાજોદ દરબાર રુસ્વા મઝલૂમી આવ્યા. એ પણ ગુજરાતી ગઝલો લખવા લાગ્યા હતા અને એ મુશાયરામાં ઘાયલને ‘ગઝલરત્ન’ અને રૂસ્વાને ‘ગઝલગૌરવ’ પદ અપાય છે, પણ અમદાવાદના ઉ.જો.ના પ્રમુખપદે યોજાયેલા મુશાયરામાં ભાગ લેવા આવેલી એ ત્રિપુટીનો લેબાસ, મિજાજ, અનોખા અને અવિસ્મરણીય હતા. મંચ પર બેઠેલા કવિગણમાં એ ત્રિપુટી નોખી તરી આવે. ગઝલ બોલે ત્યારે સૌની પોતીકા પિછાણ મળે. દરેકને પોતીકો અવાજ. ઘાયલ એકધારા બોલ્યે જાય, પણ એકસૂરીલા ન થાય. કવિતાનું આજીવન એકધારું સૌંદર્ય બહુ ઓછાને પ્રાપ્ત થાય છે. ઘાયલ, મરીઝ એવા શાયર જે ઉદયકાળે હતા તે જ જીવનની સંધ્યાએ રહ્યા. ખોલવડનો ‘તૂફાની’ મુશાયરો સાંભરે છે. સમસ્ત ગુજરાતના બધા જ શાયરો એક જ મંચ પર. એ દૃશ્ય અદ્દભૂત હતું. શયદા સાથે મનમેળ તો ઠીક, એમની સામે અલગ મંડળ રચી મોરચો બાંધી બેઠેલા કવિઓ પણ હારોહાર બેઠેલા. મુસ્લિમ અધિવેશન ટાણે મુશાયરો, યોગ્ય તે સર્વ શાયરોને નોતરેલા, પણ સુકાન બેકારના હાથમાં. એમના મોટાભાઈ તો ભરી બંદૂકે શ્રોતાગણમાં બેઠેલા. એવા વાતાવરણમાં મુશાયરો ખૂબ જ સફળ. દરેકે મુશાયરાની પંક્તિ પરની ગઝલમાં પૂરો પ્રાણ પૂરેલો. એ મુશાયરાની પંક્તિ હતી ‘દિલમાં હતા ઉમંગો, સાગર તરી જવાના’ તે પરનો ‘ઘાયલ’નો શેર:
એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે,
શું એમ કોઈનાય માર્યા મરી જવાના!
આસિમ રાંદેરી:
કહેવાથી કોઈનાથી, કરવાથી કોઈનાં શું?
ફૂલો ડૂબી જવાનાં? પથ્થર તરી જવાના?
અને શયદા :
શું બાળકો બિચારાં કાજળની વાત જાણે!
આંખોની સાથ મોઢું કાળું કરી જવાના.
પણ મને આ વાતાવરણના એ સ્મરણીય શેરો કરતાંયે ‘અસર’ સાલેરીનો શુદ્ધ ગઝલનો શેર હૈયે વસ્યો:
એ આજ આવી ઘરને પાવન કરી જવાના,
ઓ વિરહ રાત, તારા દિવસ ફરી જવાના!
ઓહ, ૧૯૪૨થી તે ૧૯૫૫ની ગઝલ, મુશાયરાઓનાં આવાં તો કેટલાંય જીવંત સ્મરણો છેઃ પરંપરિત ગઝલનો પહેલો પ્રમાણભૂત ગઝલસંગ્રહ તે ઘાયલનો ‘રંગ’ એને પાયાનો સંગીન પથ્થર કહી શકાય. ‘ગાતાં ઝરણાં’ અને ‘ડમરો અને તુલસી’ એ સાખને દૃઢ કરે છે. ‘ગુજરાત સમાચાર’માં રાત્રીના સ્ટાફમાં માધવસિંહ સોલંકી રોજ સાઇકલ પર બેસી ઑફિસે આવે. સાઇકલ સ્ટૅન્ડ પર મૂકી ફાનસ કોઈ ઉપાડી ન જાય એ માટે હાથમાં લઈ ટેબલ પર આવે, ખુરસી પર બેસે તે પહેલાં ફાનસ ટેબલ પર મૂકે. રફપૅડ, તારનાં કાગળિયાં અને ફાનસ એક હારે હોય. રાજકારણની સવારીએ ચઢી એ ગુજરાતના પંતપ્રધાન થયા ત્યારે એમના પ્રિય શાયર અને મિત્ર અમૃત ઘાયલ અને શેખાદમ આબુવાલા. ઘાયલ સાહિત્ય અકાદમીના સભ્યપદે પણ બેઠા અને એકસાથે ચાર ચાર ગઝલસંગ્રહો પ્રગટ કર્યા – તે સરકારની ગ્રાન્ટ પામતાં બધા પુસ્તકાલયોમાં છે તો એમની બહાર ગઝલ રસિકો પાસે પણ છે, અને ટોટલ સર્વ સંગ્રહ પણ પ્રગટ થયો છે. તે અભ્યાસને પાત્ર પણ છે. છેલ્લે એણે ગઝલ, ગઝલની પરિભાષાનો પરિચય આપતો ઉર્દુના અભ્યાસે, ગ્રંથ પણ આપ્યો છે. ગુજરાતી કવિઓની ‘સમગ્ર કવિતા’ના સંગ્રહો પ્રગટ થયા છે. પણ ‘સમગ્ર ગઝલ’નો ઘાયલનો સંગ્રહ પહેલો. બીજો શુન્યનો. ‘ગઝલના મિજાજ’ની ઘણી વાતો થાય છે. તેને પરિભાષિત કરવાના પ્રયત્નોયે થયા છે. પણ મને લાગે છે કે ગઝલના મિજાજના પરિચય માટે આપણે ઘાયલની બળુકી ભાષામાં સડસડાટ વહેતી, પ્રભાવપૂર્ણ પડછંદા પાડતી કેટલીક દૃષ્ટાંતરૂપ ગઝલો પાસે જવું જોઈએ. મરીઝ પાસે વિચાર અને ચમત્કૃતિ જેવું અનાયાસ પ્રગટ થતું વ્યંગ્ય અર્થઘટન છે, પણ ઘાયલની ગઝલમાં બળુકા પ્રવાહના જોમજુસ્સા સાથે પોતીકો મિજાજ પણ છે. ઘાયલ રિવાજી નહીં મિજાજી ગઝલકાર છે અને છતાં તે પરંપરાને વફાદાર પણ છે. એનો સાદ ‘મોટો’ નહીં, પણ ‘બળુકો’ છે. કવિની ભૂમિએ પહોંચીએ તો એની ભૂમિકા સમજાય એવું મને લાગે છે. એનો બહુ સામાન્ય લાગતો શેર :
કોને કહેવી આવી વાત?
જીત્યે હાર્યા જેવી વાત!
‘જીત્યે હાર્યા’ના મર્મમાંય કેટકેટલા સંકેતો દેખાય છે. અહીં માત્ર પ્રેમસંબંધનો જ સંકેતસંદર્ભ નથી. જમાઈ નૂગરો મળ્યો, ભરણપોષણનો દાવો કર્યો, જીતી ગયા; પણ દીકરી ઘેર બેઠી..આ વિષાદને માત્ર અનુભવી શકાય, વર્ણવી શકાય નહીં. સૌરાષ્ટ્રની મમળી, મહાવરેદાર ભાષાના સંસ્કાર પોતીકી સર્જકતાએ ઘાયલ પરંપરાને દઢાવતી આગળ લઈ જતી ભાષા રચે છે. ઘાયલની રંગદર્શિતા ‘અતિરંજિત’ના ઉપાલંભથી પર છે.
કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી?
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી!
કારીગીરી માટે ‘કસબ’ શબ્દની પસંદગી એ કવિની ઊંડી સૂઝની પરિચાયક છે. વળી એ શબ્દ પ્રવાહનો જ છે, અલગ નથી પડતો. ઘાયલની ગઝલો થણી દૃષ્ટિએ અભ્યાસ માગે છે. મારી પાસે હતું તે બધું ગુજરાતી ગઝલને આપી દીધું એવા સંતોષ સાથે ઘાયલ છેલ્લા શ્વાસ છોડી શકે છે, મને કોઈએ જાણ્યોપિછાણ્યો નહીં એવા ખેદથી એ માણસ પર છે. મુંબઈ, ગુજરાતમાં એમનાં જાહેર સન્માનો થયાં એ ગુજરાતને ‘બેકદર’ કહી શકે એમ નથી. એ ભરપૂર માણસ ભરપૂર પામ્યો છે - ‘જીવ’ જેવી ગઝલો આપીને પામ્યો છે. એણે પોતે જ કહ્યું છે.
જિંદગી સરસ ચાલી,
કેટલાં વરસ ચાલી.
ઘાયલની આપસૂઝનો એક અવિસ્મરણીય પ્રસંગ સાંભરે છે. અમદાવાદમાં સફળ મુશાયરો યોજાયો હતો. નગરી મિલના માલિકે બંગલાના વિશાળ આંગણમાં બીજે દિવસે મુશાયરો રાખ્યો હતો. સમસ્ત વિશાળ શ્રોતાગણ સમાજના ઉચ્ચ ઉપલા વર્ગનો હતો. પહેલી હરોળમાં સામે જ ઉમાશંકર જોશી પણ હતા. પ્રથમ પંક્તિના તમામ શાયરો હતા, પણ શ્રોતાઓ અપરિચિત કે એમની રસવૃત્તિ સાવ જુદી! ઘાયલ, શૂન્ય, બેફામ, ગની અને શયદા સુધ્ધાં ઊભા થયા, બોલ્યા ને બેસી ગયા. કૃતિની પસંદગી પણ સારી હતી. બેકાર પણ કોઈને મલકાવી શક્યા નહીં. ઘાયલ આવીને મને કહે, ‘તું બોલતો નથી, પણ લખે છે એ ‘શ્રીરંગ’વાળી વ્યંગ—રમૂજની કવિતા ઊભો થઈને બોલવા માંડ!’ બધા સંમત. મેં પણ હિંમત કરી અને સાવ જુદી, વ્યંગની કવિતા રજૂ કરવા માંડી અને મેદસ્વી મહિલાઓ પણ હસતાં હસતાં બેવડ વળતી જોઈ! તમામ શ્રોતાઓ હસે, ઉદ્દગારો કાઢે. એ કંઈ અદ્દભૂત કવિતા નહોતી. વાસ્તવમાં આડપેદાશ જેવી ઘટના, વિચાર આદિને સાવ જુદા કોણ અને અર્થથી જોતી, વર્ણવતી હળવી કવિતાઓ એકલાએ જ એકધારા બોલવાનું. સામે જ ઉ. જો. એટલે વડીલ સામે છોકરાના ઉધમાતનો ક્ષોભ પણ ખરો! આખો અવસર પ્રસન્નકર, યાદગાર બની ગયો. નગરી શેઠ તો એટલા ખુશ કે બે દિવસ મને બંગલે રાખી, એમની મોટરમાં એમની સોસાયટીના વર્તુળમાં મને ફેરવ્યોય ખરો. અન્યોને સહજ ખેદ થાય, ક્યાં આવી પડ્યા, નાહક ભોંઠા પડ્યા એવું અવસાદ પણ હોય, પણ ઘાયલ ખુશ હતા કે અવસર ખીલી ઊઠ્યો. આપવડાઈ માટે નહીં, પણ ઘાયલની આપસૂઝ અને ખેલદિલી વર્ણવવા આ પ્રસંગ આલેખ્યો. મારે માટે તો હજી એ જ પ્રશ્ન છેઃ ઉ. જો.ને શું લાગ્યું હશે?
કરી લીધી
અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી,
અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી.
કોઈનાથી અમે બે વાત શું પ્યારી કરી લીધી!
જવાનીમાં મરણની પૂર્ણ તૈયારી કરી લીધી.
અમે મગરૂર મનને મારી લાચારી કરી લીધી,
કરી લીધી જીવન, તારી તરફદારી કરી લીધી.
ઘડીઓ આ જુદાઈની અને તે પણ જવાનીમાં?
અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી.
મને કંઈ વાત તો કરવી હતી અલગારી મન મારા,
વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી.
ભલે એ ના થયા મારાં, ભલા આ સ્નેહ શું કમ છે?
ઘડીભર સાથ બેસી વાત બે પ્યારી કરી લીધી.
કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી?
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.
મજાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને,
અમે હાથે કરીને રાત અંધારી કરી લીધી.
હવે મિત્રો ભલે ગુસ્સો ગઝલ પર ઠાલવે ‘ઘાયલ’,
અમારે વાત બે કરવી હતી પ્યારી કરી લીધી.
મને ગમે છે
કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપું, કારણ મને ગમે છે.
લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે,
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.
ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,
જળ હોય ઝાંઝવાનાં તોપણ મને ગમે છે.
હસવું સદાય હસવું, દુઃખમાં અચૂક હસવું,
દીવાનગી તણું આ ડહાપણ મને ગમે છે.
આવી ગયાં છો આંસુ, લૂછો નહીં ભલા થઈ,
આ બારે માસ લીલાં તોરણ મને ગમે છે.
દુ:ખ શું, હવે હું પછી દુનિયાય પણ નહીં દઉં,
એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.
હું એટલે તો એને વેંઢારતો રહું છું,
સોગંદ જિંદગીના! વળગણ મને ગમે છે.
ભેટ્યો છું મોતને પણ કંઈ વાર જિંદગીમાં,
આ ખોળિયાની જેમ જ ખાંપણ મને ગમે છે.
‘ઘાયલ’ મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,
મેં રોઈને ભર્યાં છે એ રણ મને ગમે છે.
કોણ છે?
હળવે હળવે વાય છે એ કોણ છે?
ધીમે ધીમે ગાય છે એ કોણ છે?
વીજ સમ વળ ખાય છે એ કોણ છે?
દૂરથી વરતાય છે એ કોણ છે?
વેલ થઈ વીંટાય છે એ કોણ છે?
ઓછાં ઓછાં થાય છે એ કોણ છે?
હરખી હરખી ધાય છે એ કોણ છે?
પકડી પકડી પાય છે એ કોણ છે?
કોણ આ ઘેરી રહ્યું છે ઘેન થઈ?
આંખમાં ઘેરાય છે એ કોણ છે?
હાથ લંબાવ્યા વિનાયે હાથમાં,
હાર થઈ રોપાય છે એ કોણ છે?
માર્ગ વચ્ચે તો નથી ક્યાંયે કમાડ,
પગ મહીં ભિડાય છે એ કોણ છે?
જેમને જોતાં જ ‘ઘાયલ’ જીવમાં
જીવ આવી જાય છે એ કોણ છે?
▭