સફરના સાથી/‘સૈફ' પાલનપુરી

‘સૈફ’ પાલનપુરી

શયદા સુરત, મહાગુજરાત ગઝલ મંડળના મુશાયરામાં દર ત્રણ મહિને ભાગ લેવા આવે ત્યારે દર વખતે એમની સાથે અપરિચિત એક નવો સાથી હોય જ! એક મુશાયરામાં ભાગ લેવા આવ્યા ત્યારે એમની સાથે શરીરે પુષ્ટ, ખાસ ઊંચો નહીં, પણ સૂટબૂટવાળો, ખુલ્લા માથે, હાથમાં ઊંચી વિદેશી સિગારેટનો ડબ્બો રાખતો ખુશમિજાજ યુવાન હતો. એ સૈફ પાલનપુરી! ના, ત્યારે એ ગઝલ લખતો નહોતો. હા, ‘બેઘડી મોજ’માં એ ઉર્દૂ શાયરીના પરિચય, આસ્વાદની કૉલમ લખતો. સ્વભાવે શેખાદમ જેવો નિખાલસ હસમુખો અને એવી જ ખેલદિલીથી રમૂજ કરતો. સુરત, રાંદેર, મુંબઈની જેમ પાલનપુરે પણ કેટલાક નામી ગઝલકારો આપ્યા તેમાં એનું નામ પણ જોડાવાનું હશે, એટલે ત્રણ માસે ફરી શયદા સાથે આવ્યો શાયર સાથી થઈને અને પ્રથમ વાર મુશાયરાના સ્ટેજ પર ઊભો ત્યારે પરિચિત શાયર જેવો એને શ્રોતાઓનો આવકાર મળ્યો, તે પછી તો જાણીતા ગઝલકારો સાથે એનું નામ ઝડપથી જોડાઈ ગયું. એ ખુશમિજાજ શાયર મુક્ત હૈયે બોલ્યો:

છું ગઝલસમ્રાટનો હું શિષ્ય ‘સૈફ’,
મારી ગઝલો પર મને અભિમાન છે.

દાઊદી વહોરા કોમ કેટલી, સંખ્યાએ નાની! પણ મરીઝ, અમીન આઝાદ, શેખાદમ આબુવાલા, સૈફ જેવા નામી ગઝલકારો અને બીજા ઓછા જાણીતા ગઝલકારો આપ્યા! સૈફના અબ્બાની ભીંડીબજારમાં કાપડની દુકાન, સાંજે શયદા ત્યાં બેસે, એમાં સૈફ એમને અને ગુજરાતને એક ગઝલકાર વત્તા પત્રકાર મળી ગયો, એ ખૂબ જ ઉદાર, સદાય ઊભરાતો. સાહિત્યિક ગોષ્ઠિ કરતો જુવાન. મુશાયરામાં ભાગ લેવા લાગ્યો તે સાથે ગઝલ લખતો ગયો, પણ એને નઝમકાર કહીએ તો તે સત્યની નજીક હશે. ‘મુસ્લિમ ટાઇમ્સ’ દૈનિક ને તે પછી ‘બેગમ’ અઠવાડિકના તંત્રી ‘અમીરી’ સાથે મૈત્રી હતાં મૂળે જ સાહિત્યરસિક સૈફ ‘બેગમ’ના સહતંત્રીરૂપે જોડાઈ ગયો, તે પછી તો એ જ કાર્યાલયમાંથી ‘વતન’ અઠવાડિકનો તંત્રી થયો ને ઑફિસમાં મરીઝ સહિત જુવાન શાયરોનુ એ રોજિંદુ થાનક થઈ ગયું. અમીન આઝાદને સુરતથી બોલાવી થોડો સમય સહિયારા પત્રકારત્વમાં જોડી ‘છાયા’ અઠવાડિક પ્રગટ કરી એના તંત્રીપદે સ્થાપી દીધા. એ જ્યાં હોય ત્યાં ગઝલ અને મુશાયરો ન હોય એવું બને? ખાસ્સી જુવાન શાયરોની મંડળી જામી. ‘વેણી’ના તંત્રી બદરી કાચવાળા, પીઢ શાયર અને ‘લીલા’ માસિકના તંત્રી આસિમ રાંદેરી, ફખ્ર માતરી જેવા મિત્રોના, જ્યોતીન્દ્ર દવે, કવિ બાદરાયણના સહકારે ગઝલ મંડળ સ્થાપેલું તે ગતિમાન થયું તો ખાસ્સી પ્રતિષ્ઠા પામેલા અમીરી-સૈફે ગુજરાત ગઝલ મંડળ સ્થાપ્યું અને મુંબઈમાં મુશાયરા યોજવા માંડ્યા તેમાં મહાગુજરાત ગઝલ મંડળના શાયરો તો આમંત્રિત હોય, પણ બંને મંડળોના મુશાયરામાં શયદા નહીં! શાયરોનાં તડાં માત્ર મુંબઈમાં જ હતાં. બેગમ, વતન મુસ્લિમ સમાજમાં ખૂબ લોકપ્રિય તો બદરીનું ‘વેણી’ ફિલ્મ સામયિક તરીકે ચિત્રપટ, ચિત્રલેખાની સમાંતરે એટલું જ - લોકપ્રિય! બંને જૂથોના અગ્રણીને પોતાનાં પત્રોની લોકપ્રિયતાને કારણે વગ અને ખ્યાતિ પ્રાપ્ત. બંને ખર્ચાઈ જાય એવાં જૂથ. આમ મુંબઈમાં મુશાયરા યોજાવા લાગ્યા. શાયરોના નવા નવા ચહેરા પરિચિત થવા લાગ્યા. મરીઝ, બેફામ જેવા જાણીતા શાયરો સૈફના મિત્ર એક જુદું પ્રભાવી જૂથ બન્યું. પત્રકારરૂપે સંપાદન સહિત સૈફે ચાલુ નવલકથા પણ લખવા માંડેલી અને આશ્ચર્ય થાય એવી હકીકત એ કે ત્રીસથી વધુ નવલકથા લખી તે મુસ્લિમ વાચકોમાં લોકપ્રિય. એક નવલકથા ‘સૂનો મિજાજ’ તો અમીનના કહ્યું, ગાંડિવમાં મારી જવાબદારીએ સોંપાઈને પુસ્તકરૂપે પ્રગટ થઈ. ઑફિસમાં બપોરે અને રાત્રે ભોજનનું મોટું ટિફિન ક્લબે આવે ત્યારે સૈફ સાથે બીજા ત્રણચાર જમનારા શાયર હોય. કમાણીયે હતી અને ખર્ચ પણ ખાસ્સો. મંડળ, મુશાયરાનો ખર્ચ એકપક્ષી. જાહેર મુશાયરા—બે સ્મરણીય મુશાયરા પાલનપુર અને સિદ્ધપુરમાં યોજ્યા. તેનો દમામ, સફળતા, ખુશાલી હજી સ્મૃતિમાં છે, પણ શયદાની હાજરી ક્યાંય નહીં. એક પ્રકારની ખેલદિલીભરી સ્પર્ધા ચાલે. પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું. થોડા સમય બાદ ‘વતન’ બંધ પડયું. ‘બેગમ’ ચાલુ હતું, પણ પાકિસ્તાને અહીંથી ઍરમાં જતાં અખબારો સામયિકો બંધ કર્યાં એનો આંચકો ‘બેગમ’ને પણ લાગ્યો. એ દરમિયાન ખુશદિલ વાચાળ સૈફ, મુંબઈમાં આઈ.એન.ટી.એ પણ મુશાયરા યોજવા માંડેલા, એવા મુશાયરાના સૈફ સફળ સંચાલક બની ગયા. હરીન્દ્રભાઈએ પ્રેમભાવે, સમભાવે સૈફની પાછલી જિંદગીમાં કામ અને નિર્વાહનો માર્ગ કરી આપ્યો તે સાથે સૈફની ગઝલેતર કારકિર્દીનો દોર અખંડ રાખ્યો. સૈફની કામગીરી પણ યશદાયી રહી. જોકે સૈફની આગલી જાહોજલાલી, દોર - દમામ માત્ર એમના સ્વભાવ અને મિજાજમાં જ રહ્યા.

એક પ્રણાલિકા નિભાવું છું, લખું છું, ‘સૈફ’ પણ,
બાકી ગઝલો જેવું જીવન ક્યાં હવે જિવાય છે.

સૈફના આ શેરમાં સ્વાનુભવ બોલે છે :

હવે તો સુખના અખતરાનીયે નથી હિંમત,
હવે તો જેવું જીવન છે – પસાર થઈ જાએ.

અને આ શેર તો જાણે ‘સૈફ’ પોતે જ પોતાની પાછલી જિંદગીનું ચિત્ર દોરે છે ;

જે પેલા ખૂણે બેઠા છે એ ‘સૈફ’ છે, મિત્રો જાણો છો?
એ કેવા ચંચળ જીવ હતા, ને કેવા રમતારામ હતા!

‘ખૂણે બેઠા છે’ એ શબ્દોમાં એમનો અવસાદ પ્રગટ થયા વિના રહેતો નથી અને ‘ચંચળ જીવ’ અને ‘રમતારામ’ શબ્દમાં પૂર્વજીવનનું એમનું વ્યક્તિત્વ આબાદ આંખ સામે આવે છે. હું કે. ઈ. એમ. હૉસ્પિટલમાં રહીને બહાર આવ્યો હતો. મારી સંભાળ રાખનાર મિત્ર બેકાર —પણ થોડા દિવસ પર જ નોકરી મળેલી, પણ કહે, બેચાર દિવસ મુંબઈ રહો. એક દિવસ તો આખો એમના ઘરે એકલા કાઢ્યો. બીજા દિવસે એ ‘બેગમ’, ‘વતન’ની ઓફિસમાં સાંજે પાછા ફરે ત્યાં સુધીને માટે મૂકી ગયો. અમીરીની પાસેની ખુરસી પર આખો દિવસ બેઠો. ત્યારે કરેલું નિરીક્ષણ, અવલોકન હજી સ્મૃતિમાં છે. અમીરી બેઠા બેએક સિગારેટના કશ લઈ વિચારે છે. પછી કલમ હાથમાં લઈ અસ્ખલિત ધારાએ સડસડાટ લખ્યે જાય છે, શાયરમિત્રોની હાજરી છે, વાતો ચાલે છે. સૈફ કોરા કાગળોનો થોકડો લઈ, ટેબલ નીચે પગ હલાવતા, વાતોમાં વચ્ચે વચ્ચે હસતા, બોલતા સડસડાટ એક પછી એક પાનું લખીને પાસે મૂકતા જાય છે. બપોરે ટિફિન આવે છે ને એમના ટેબલ પર ખૂલે છે. તેમના ટેબલ પાસે ઊભેલા ત્રણેક શાયરમિત્રો બુફે ડિનર અને સૈફ ખુરસી પર બેઠા ટેબલ ડિનર લે છે. વાતો વચ્ચે હાસ્યના ફુવારા ઊડતા રહે છે. આખો દિવસ નીચેથી કીટલી પ્યાલા લઈને ચાવાળો આવ્યા કરે છે. અમીન આઝાદ કહે, ‘ચાવાળો સાંજે બસેં રૂપિયા તો ઓછામાં ઓછો રોજ લઈ જાય છે.’ રાત્રે ક્લબમાં પણ એ જ હવામાન, હિલચાલ, ત્યાં બેસી મેં એ જ દૃશ્ય જોયું—માત્ર કામ નહીં, રમત, વાતો ને પેલું ટિફિન ત્યાંય આવે. સૈફના ઘરેથી અને મિત્રોનું બેઠું ડિનર ચાલે. દિવસે અને રાતે મધરાત સુધી મહેફિલમંડળીમાં રહેતો હોય તેને અખબારની કચેરીના ટેબલ પર ન્યૂઝ જોતો ને ટ્રાન્સલેટરોને આપતો ને પોતે ઝડપભેર ટ્રાન્સલેશન કરતો હોય એ સ્થિતિ એને ‘ખૂણે બેઠા’ જેવી લાગે જ… ‘બેગમ’ બંધ પડ્યું હતું અને અમીરી બેસી રહેતા, વાંચતા, મિત્રો આવે તેમની સાથે વાતો કરતા ‘બેઘડી મોજ’માં ‘અમરનાથ’ નામે એમણે એક પ્રેરક કૉલમ શરૂ કરેલી અને ચારે તરફ નજર રાખતા શ્રી બચુભાઈ રાવત ‘કુમાર’માં એના અંશો કે લેખનો કન્ડેન્સ્ડ કરેલો ખાસ્સો ભાગ છેવટના ‘પાથેય’ વિભાગમાં છાપતા હતા. કામ વગરના દિવસોમાં એ ઑફિસમાં બેસી જિદુ કૃષ્ણમૂર્તિનો કોઈ અંગ્રેજી ગ્રન્થ વાંચતા હોય. અને એક મિત્ર સાથે જિદુ કૃષ્ણમૂર્તિના સ્થાને મદ્રાસ, ‘ચેન્નઈ’માં ચાલતી સ્કૂલ અને જિદુના જન્મસ્થાને મુલાકાતે ગયેલા! એ મિત્ર મારા પણ મિત્ર છે અને યુવાન કાળથી તે આજ સુધી જિદુ કૃષ્ણમૂર્તિના અભ્યાસી છે. વાસ્તવમાં સૈફ અને અમીરી બંનેને અલગ અલગ નીરખીએ તોયે સાથે જ દેખાય એવા મિત્ર હતા. સૈફની પત્રકારની કારકિર્દી એમની દોસ્તીને કારણે શરૂ થઈ અને મરણ સાથે પૂરી થઈ. અમીરીએ ઑફિસનું ભાડું ભર્યે રાખ્યું, નોકરી ન કરી. સૈફ શાયર તરીકે અને મુશાયરાના સંચાલકરૂપે મુંબઈમાં છેવટ સુધી લોકપ્રિય રહ્યા. બંને મિત્રો હવે આ દુનિયામાં નથી. સૈફે ગઝલો ઓછી લખી છે, પણ એમની નજમો ખૂબ લોકપ્રિય રહી અને એમણે નજમો વધારે લખી છે, મુક્તકો પણ લખ્યાં છે. એમાં પ્રવાહિતા છે, એ કંઠસ્થ હોય એમ ગતિશીલ પ્રવાહિતાએ શ્રોતાઓ સાથે વાત કરતા હોય એમ ગઝલ, નજમ, મુક્તક બોલ્યે જતાં. એમના સર્જનમાં જ કશોક બોધ હોય ત્યારે તેમાં બોધનો ભાર ન હોય. એમની સ્મૃતિ વિષાદમય કરી દે છે..…

ખુશબૂમાં

ખુશબૂમાં ખીલેલાં ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલા જામ હતા,
શું આંસુનો ભૂતકાળ હતો, શું આંસુનાં પણ નામ હતાં?

થોડીક શિકાયત કરવી’તી, થોડાક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે, બેચાર મને પણ કામ હતાં.

હું ચાંદની રાતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ,
કંઈ મંજિલ પણ મશહૂર હતી, કંઈ રસ્તા પણ બદનામ હતા.

જીવનની સમીસાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતાં.

જે પેલા ખૂણે બેઠા છે, એ ‘સૈફ’ છે, મિત્રો જાણો છો?
એ કેવા ચંચળ જીવ હતા, ને કેવા રમતારામ હતા!

ફૂલ

ફૂલ રસ્તા ઉપર તો પડેલું હતું.
કો’કે એની ઉપર કંઈક લખેલું હતું.

લોક જોતા હતા, હુંય જોતો હતો,
બ્હારથી મારું ઘર બહુ સજેલું હતું.

મેં જ વર્ષોથી ટીંગાડી રાખ્યું હતું.
પાન તો ઝાડ પરથી ખરેલું હતું.

એની ઉપર ઘણાની નજર ગઈ હતી,
મારી પાસે જે એક દુઃખ બચેલું હતું.

આગ આ ઘરમાં કઈ રીતે લાગી ભલા?
આ તો વર્ષોથી ખાલી પડેલું હતું.

માર્ગમાં એક મૃગજળને આપી દીધું?
પ્યાસ પાસે જે પાણી બચેલું હતું.

એને જોવાને વેરાનીઓ આવતી.
‘સૈફ’ મારુંય મન શું વસેલું હતું!

જે રીતે

એ રીતે તમારાં સ્વપ્નોમાં અંધકાર મનોહર લાગે છે,
જે રીતે કો’ સુંદર નયનોમાં કાજલ અતિ સુંદર લાગે છે.

નયનોને જે સુંદર લાગે છે, દિલને જે મનોહર લાગે છે,
કિસ્મતના ગજાથી એ વસ્તુ, હંમેશ મને પર લાગે છે.

સંજોગ હિમાલય જેવા છે, બરબાદ મુકદ્દર લાગે છે,
અંતરને છતાં તુજ અંતરથી બહુ થોડું અંતર લાગે છે.

સૌ કે’છે હજી હું ભટકું છું, દિલ કે’છે કે મંજિલ આવી ગઈ,
જે દ્વાર ઉપર જઈ પહોંચું છું—મારું જ મને ઘર લાગે છે.

વીખરાઈ હશે કોઈની લટો એથી જ તો છે ખુશબૂ ચોગમ,
આ બાગ-બગીચા, મસ્ત પવન ચિઠ્ઠીના ચાકર લાગે છે.

ઓ ફૂલને નાજુક કહેનારા, કંઈ મારાં દુ:ખોની રાખ ખબર,
હું સ્મિત હવે ફરકાવું છું—તો ચોટ હૃદય પર લાગે છે.

બદનામ છે પથ્થર દુનિયામાં, મેં જાણ્યું તમારા વર્તનથી,
ક્યારેક જીવનના મારગ પર ફૂલોની ઠોકર લાગે છે.

જો મોત મળે ભરયૌવનમાં તો શોક ન કરજો ‘સૈફ’ ઉપર,
રંગીન, નશીલી મોસમમાં હર ચીજ સમયસર લાગે છે.