સફરના સાથી/બરકતઅલી વિરાણી ‘બેફામ'
રણજિત મુવીટોનની રજતજયંતીના અવસરે ગુજરાતી ગઝલનો મુશાયરો યોજાય એ આજે આશ્ચર્યવત્ ઘટના લાગે, પણ ત્યારે એ સાદી ઘટના હતી. મહાગુજરાત ગઝલ મંડળ ને તેમણે આમંત્રેલા ગઝલકારોનો મુશાયરો અને તેય બપોરે એક હૉલમાં બનતાં સુધી વિખ્યાત તંત્રી, પત્રકાર શામળદાસ ગાંધીના પ્રમુખપદે. નાનપણથી રણજિતની ફિલ્મોમાં નીરખેલા તે બધાં નામી અભિનેતા અને અભિનેત્રીઓ શાયરો સાથે મંચ પર! એ અનુભવ અનન્ય હતો. જેમની વાગ્મિતાનો પરિચય અખબારમાં થતો એ શામળદાસ ગાંધીને જોયા સૌરાષ્ટ્રી બાપુના સંપૂર્ણ વેશમાં નહીં, કારણ કે માથે ગાંધીટોપી હતી. બીજા વક્તા નહોતા, હશે તે ઔપચારિકતા પૂરતા. મુશાયરાની પરંપરા એ કે વડીલ અને વિખ્યાત ગઝલકારો મુશાયરાના અંતભાગમાં આવે તેને બદલે શયદાથી શરૂઆત થઈ, ચારેક શાયરો બોલ્યા અને મેળાવડો વિસર્જન! અત્યારે પાંચ તારા હોટલનો જે દરજ્જો છે એવી પ્રથમ પંક્તિની, પણ ચાઈનીઝ હોટલમાં ઉતારો મળેલો એ અનુભવ અમારે માટે સાવ નવો તેમ થોડો સંક્ષોભજનક હતો. જાણે સુવર્ણની મીનાકારીવાળી મોંઘી પણ કળાકસબની તસ્તરીમાં રાંદેરી બોર, જાંબુ, જમરૂખ પીરસ્યાં હોય એવા અમે એ ચાઈનીઝ હોટલમાં ઊતર્યા હતા. સામાન્યપણે શાયરો પોતાના મિજાજમાં લુંગી ગંજીફરાકભેર પણ હરેફરે, ઊંચા સાદે બહસમાં ઊતરે. ખડખડાટ હસે, મન ફાવે ત્યારે આવ—જા કરે, એવા મિજાજ પર આપોઆપ સંયમ આવી ગયેલો. ચાઈનીઝ વાનગીઓનો ‘ગુજરાતી’ સ્વાદ બલકે સુરતી રાંદેરી જીભોને તો શો હોય, પણ ચીની હોટલનો અનુભવ આશ્ચર્યકારક તો એની નગીઓનો આસ્વાદ પણ નવો. પણ સાવ સંયમિત, ચા સાથે પાંઉની કાતરીઓ તુજારી જીભને વિશેષ ભાવે. કડક ચાના બંધાણીને ચીની શૈલીની ચા કેવી લાગેલી એ ભૂલી ગયો છું. કારણ કે અમારો આશ્ચર્યભાવ હોટલ સાથે જાણે જુદા જ પરિસરમાં અમને ઓછાબોલા અને મુગ્ધ કરતો હતો. રવિવારનો દિવસ. એ હોટલ પોશ એરિયામાં હતી અને સામે જ ઈસાઈ દેવળ. સફેદ તેમ બીજા રંગનાં રોનકદાર વસ્ત્રોમાં યુગલો, બાળકો સહિત આવે—જાય, એનાં દૃશ્યો જ ગઝલની પંચાત છોડી અમે બારીએ બેસી જોયા કર્યા. એ અનુભવ ખરેખર વિશિષ્ટ હતો. બપોરનો મુશાયરો પત્યા પછી અમે માત્ર મહેમાનરૂપે રોકાયા નહોતા, મુશાયરાની પરંપરાનો મુશાયરો તો રાત્રે અંજુમને ઈસ્લામ હૉલમાં હતો અને સાચે જ તે ઘણી રીતે યાદગાર બની ગયો. એમાં ગઝલના રસિયા મુશાયરાની પરંપરાથી પરિચિત એવાં પીઢ સ્ત્રી-પુરુષો-યુવાનો શ્રોતાવર્ગમાં હતા અને પ્રમુખ ત્યારે મુંબઈ રેડિયો મથકના સરસંચાલક બુખારી અને બીજા સંચાલક તે નાટચવિદ્ ચન્દ્રવદન મહેતા. બુખારી શાયરીના શોખીન પરખંદા, તો રેડિયો પર પણ ગુજરાતી મુશાયરા યોજાઈ ચૂકેલા એટલે ચન્દ્રવદન માટેય એ મુશાયરો પરિચિત. એ મુશાયરામાં નાનામાં નાનો મારા જેવો શાયર દાદનું પાત્ર ને સફળ વાસ્તવમાં એ - મુશાયરો અદબી—સાહિત્યિક હતો, પણ બધા પરિચિત ચહેરાઓ વચ્ચે એક યુવાન ચહેરો સાવ અપરિચિત-ગઝલક્ષેત્રે નવોસવો. શયદા મૂળે સૌરાષ્ટ્ર—‘દામાણી’ અટક જ એની સૂચક. વતનમાં જાય એટલે નાનકડો મુશાયરો તો યોજાય. ભાવનગરમાં એવી મિજલસ થઈ તેમાં એક યુવાન પણ ગઝલ બોલ્યો. ગઝલમાં શરૂઆત પણ કંઠ ને તરન્નુમ મુગ્ધ કરી મૂકે એવાં. એ એમેચ્યોર નાટકોમાંય ભાગ લેતો હતો. એ વખતે ગઝલસમ્રાટ બીજી રીતે પણ બાપુ, ઠાકોર જેવા જ મિજાજમાં હતા. એમણે યુવાનને કહ્યું, ચાલ મારી સાથે મુંબઈ. ક્યાંક, યોગ્ય સ્થાન તને અપાવીશ અને એમનું પ્રેસ અને ‘બેઘડી મોજ’ અઠવાડિક તો હતાં જ. એ જુવાન શયદા સાથે મુંબઈ આવ્યો. ઠીક દિવસ થયા, પણ રહે છે, રહેશે એવા મિજાજના શયદાએ એને ક્યાંય કામે લગાડેલો નહીં. એ યુવાન માઇક પાસે આવ્યો. એણે કંઠ ખુલ્લો મૂક્યો અને ખાસ્સા લાંબા છંદની ગઝલ લહેરાતા લયે વહેતી કરી અને બધા બસ, સાંભળી રહ્યા. ગઝલમાં તો એની શરૂઆત હતી છતાં ધોરણસરની, પણ એનો કંઠ—રજૂઆત મુગ્ધ કરે એવો એટલે એ ગઝલ પૂર્ણ કરી માઇક પાસેથી પાછો ફરે તે પહેલાં આખો હૉલ શ્રોતાઓના કરવાદનથી ગાજી ઊઠ્યો. સૌથી વધારે ખુશી શયદાને થઈ હોય, કેમ કે એમની પસંદગીને દાદ મળી હતી. સજાગ અને તત્પર એવા ચન્દ્રવદન મહેતાએ પણ પેલા જુવાનને પાસે બોલાવ્યો અને અમે સાંભળીએ એવા સાદે તેને કહ્યું: ‘કાલે રેડિયો સ્ટેશને વૉઇસ ટેસ્ટ માટે આવજે!’ તે ગયો અને નિવૃત્તિની વય સુધી રેડિયો સ્ટેશનના સ્ટાફ કલાકારરૂપે માનભરી રીતે રહ્યો. એ યુવાન તે બરકતઅલી ‘બેફામ’! જોતજોતાંમાં એણે ગઝલકારરૂપે ગજું કાઢ્યું અને લોકપ્રિયતા પણ એને મળી, એટલું જ નહીં, એને બેગમ મળી ‘શયદા’ની પુત્રી! રેડિયોસ્ટેશને પણ એને લોકપ્રિય થવાની તક આપી. રેડિયો-સ્ક્રિપ્ટ અને રેડિયોનાટિકા પણ લખતો. મહાગુજરાત ગઝલ મંડળના તો બેએક મુશાયરામાં જ ભાગ લીધેલો એટલે અંગત ગાઢ પરિચય નહીં, પણ ત્યારે હું બેકારના માસિકનું છાપકામ, પ્રૂફવાચન અને ચાર પાનાંનો ગઝલ વિભાગ સંભાળતો એટલે મેં ગઝલ માગી અને એણે માત્ર સ્મૃતિ પરથી જે ઝડપી કલમે ગઝલ લખી આપી એની છાપ હજી ચિત્ત પર છે. મુંબઈના મુશાયરામાં એ હોય જ એટલે પરિચય તાજો થતો રહ્યો. એનું ખૂબ નજીકથી નિરીક્ષણ કર્યું. પાલનપુર અને સિદ્ધપુરમાં યોજાયેલા બે સ્મરણીય મુશાયરામાં બંગલા અને હવેલીના બંને મુશાયરા સૈફના ગુજરાત ગ. મંડળે યોજેલા. મુંબઈના શાયરો બધા સૈફનો જે ક્લબમાં અડ્ડો ત્યાં મધરાત સુધી સાથે હોય. અમારા અનુભવ તો એકબીજા સાથેની ઓછી પણ આખી મંડળીની ગઝલ કહેવા—સાંભળવાના નિમિત્તે સપાટી પરથી ઊઠીને ઉચ્ચ સ્તરે પણ પહોંચતી ગઝલની આમૂલ ચર્ચા, પણ મુંબઈની શાયરમંડળી ક્લબ જીવનના અનુભવે સવાર સાંજ ત્રણ ત્રણ કલાક ગંજીફાનાં પત્તાં રમે. પૈસા મુકાયેલા કે કેમ, તે મને યાદ નથી. એ મંડળીમાં બેફામ પણ ખરો. બેફામ મુશાયરામાં કંઠ અને એની ગઝલોની વિરોધો—ટકરાવીને તાત્કાલિક ચમત્કારનો આભાસ અનુભવે એવી ટેક્નિક પણ મારા અચૂક મતે એ જ એની ગઝલનું નબળું પાસું. એક તો એ લહેરાતા સ્વરે ગઝલ ગાય, કેટલાય શેર ફરી બોલવા પડે અને ગુજરાતી ગઝલકારોમાં સૌથી લાંબી પંદર પંદર શેરની ગઝલ એ લખે. આ બાબતમાં શયદા લાંબી ગઝલ લખે તોય બીજા નંબરે. એના ત્રણ ગઝલસંગ્રહ પ્રગટ થયા છે અને એકની તો ત્રીજી આવૃત્તિ થઈ એ એની લોકપ્રિયતાસૂચક છે. એનો શેર પૂરો થાય, ગઝલ પૂરી થાય, તાળીઓના ગડગડાટ થાય તે દરમિયાન હું હસતો હોઉં છતાં મૂંગો, મારા મગજમાં ઘડભાંજ ચાલતી હોય એણે ગઝલ, નઝમ અને કત્અ લખ્યાં એ એના સ્વરની પેઠે એના શબ્દો પણ ક્યાંય ખંચકાતા અચકાય નહીં, લયમાં લહેરાય, પણ શબ્દો સડસડાટ વહ્યે જાય. ગઝલકારનો રસવિષય, પ્રેમ. પ્રેમના વિવિધ ભાવો હોય એ સહજ છે છતાં મને લાગ્યા કર્યું છે કે એના વિપુલ સર્જનમાં એ મર્યાદિત રહે છે. મૃત્યુ, કબર, મજાર આદિની ગણતરી માટે કમ્પ્યુટરની મદદ લેવી પડે. એનો જાણીતો શેર આ:
‘બેફામ”, તોયે કેટલું થાકી જવું પડ્યું,
નહિતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.
વિષાદના ધીમા સૂરે પહેલી પંક્તિ શરૂ થાય છે અને એ જ ભાવે બીજી પંક્તિએ શેર પૂરો થાય છે. ભાવાનુકૂલ શાંત વિષાદમાં શેર શરૂ થાય છે અને પૂરો થાય છે. અહીં ‘બેફામ’ ખરેખર પ્રગટ થાય છે. એનો બીજો જાણીતો શેર છે :
રડયા ‘બેફામ’ સૌ મારા મરણ પર એ જ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.
એમાં બીજી પંક્તિ કવિતા છે. પણ પહેલી પંક્તિમાં ‘એ જ કારણથી’ એવો ભાર ને માત્ર આરોપણ છે, તે સિદ્ધ થતું નથી. કવિતામાં આરોપણ સજીવારોપણ હોય છે. પણ તે સિદ્ધ થતું હોવું જોઈએ. મૃત્યુને કવિ અવસર કહે, ગેરહાજરી સ્વીકારીને લોકાચાર માટે આવે રડે - મુખ્ય કારણ તો – અને રડનારા કંઈ મૃત્યુને સે ‘અવસર’ માને? ‘એ જ કારણથી’ માત્ર આરોપણ બની રહે છે. સમર્થ કવિ અશક્યને કવિતામાં શક્યસિદ્ધ કરી શકે છે, પણ અહીં એવું બને છે? મરીઝ મૃત્યુપ્રસંગની અભિવ્યક્તિ આ રીતે કરે છે :
થઈ ગયું એકાંત પૂરું ઓ મરીઝ
અંતકાળે લોક ભેગા થૈ ગયા…
આ શેર કેવા શાંતભાવે શરૂ થાય છે ને એ જ ભાવે પૂરો થાય છે. અહીં વિરોધાભાસ છે, પણ તે ટકરાઈને ડ્રામેટિક અવાજ કરતો નથી, પણ એકાંત પૂરું થયું કહીને મરીઝ જે અસીમ કરુણનો ભાવ હૃદયમાં દૃઢ કરી જાય છે, એની એ કાવ્યકળા એને કવિ સિદ્ધ કરે છે. એકાંત અને લોકોનું મૃત્યુએ ભેગા થવું—બે અંતિમો છે, પણ ‘એકાંત પૂરું થયું’ કહીને ‘મરીઝ’ જીવનને એકાંત કહીને અસીમ વિષાદમાં મૂકી ભાવકને મૂંગા કરી મૂકે છે. શેર પૂરો થાય ત્યારે તાળીઓનો ગડગડાટ થતો નથી. બેફામની ટેફનિક બે અંતિમોને ટકરાવીને ડ્રામેટિક ચમત્કાર સર્જે છે. અને શ્રોતાઓ તાળીઓનો ગડગડાટ કરી મૂકે છે, પણ એ જ શેર એકાંતે બેસી વાંચતાં આ કવિ ક્યાં ચૂકી જાય છે. વળી વિરોધી અંતિમોને ટકરાવવાની બેફામની ટેક્નિક એક રૂઢિ બની ગયેલી અનુભવતાં ઊંડો વિષાદ થાય છે. કોઈ દુ:સાહસ તો નથી કરતો ને એવા વિચારે ફરી કેટલીક ગઝલો જોઉં છું તો મારી પ્રતીતિને પુષ્ટિ મળે છે. કોઈ કવિ વિશે કહી શકાય છે કે એમનું રસવિશ્વ પરિમિત છે, પણ ઉર્દૂના ‘જિગર’ માટે તો હુસ્ન—ઇશ્ક અક્ષયપાત્ર બને છે. ગમે એટલા પ્યાલા ભર્યે જાય, પણ પાત્ર ભર્યું ભર્યું રહે છે. એકરાગિતાને બદલે જાણે નવા નવા ચમત્કારો સર્જાતા રહે છે. બેફામ, કબર, મૃત્યુ જેવા વિષય પર ફરી ફરી કહ્યું જ જાય છે, પણ ક્યાંક સફળતા મળેલી લાગે, તે પછી વિચાર આવે. કવિએ આ જીદ છોડી દેવી જોઈએ. બે અંતિમો જાણે સતત બેફામની સામે રહે છે અને મેળ પાડે છે, પણ એથી વાચ્યાર્થ આગળ કવિતા બને છે?
જમાનાએ દીધા’તાં એટલા મેલા ઈરાદાથી,
કે આખી જિંદગી દુ:ખને સતત ધોતી રહી આંખો.
અહીં મેળ તો મળે છે, પણ કવિતા મળે છે? એ જ બે અંતિમોનો મેળ પાડી કવિ ટકરાવે છે, પણ કશો ચમત્કાર બને છે?
અરે ઓ પીઠ પાછળ ઘાવ કરનારા! જરા તો ડર,
ખુદાએ એટલા માટે નથી આગળ જડી આંખો.
જાણ થૈ ‘બેફામ’ મૈયતથી – છે લોકો સાવચેત,
મોતને રસ્તે કોઈને ચાલવા દેતા નથી...
ડાઘુ શબને ઉપાડી જાય છે —ચલાવે તો શી રીતે? એમાં સાવચેતી ક્યાં આવી? અને ‘કોઈને’ શબ્દ તો સંદિગ્ધતા જ આણે છે. ચમત્કાર સર્જવાની એક ‘ગડ’ જાણે બેસી ગઈ છે. બસ વિરોધી અંતિમોને ટકરાવો, આરોપણ કરો, પણ એ સાદો ટેવવશ વિચાર બની રહે છે. એવોય એક શેર છે, જેમાં બેફામ કહે છે:
એથી મેં તારા વિરહની રાત સ્વપ્નોમાં વિતાવી
કેમ કે મારી પાસે તારી કોઈ છબિ નહોતી!
કેવો તાલમેલિયો વિચાર? બેફામ પાસે વિચાર છે પણ તાલમેલિયા ટેક્નિકથી કવિતા વણસે છે. આ ચર્ચા મહત્વની છે, કારણ કે વ્યાપક પ્રમાણમાં એનો ‘પ્રયોગ’ તો નહીં, ‘ઉપયોગ’ કર્યો છે. આજે પણ કોઈ કોઈ ખ્યાતનામ ગઝલકાર આવો તાલમેલિયો ચમત્કાર સર્જી શ્રોતાઓની દાદ/તાળી મેળવતા દેખાય છે, એથી, એટલે આવી ચર્ચા યોગ્ય લાગે છે.
ગરીબીને લીધે કરવી પડે છે કરકસર આવી,
અમે રડીએ છીએ ને અશ્રુ સરવા પણ નથી દેતા.
અશ્રુ પાડ્યા વિના રડવું એ કેટલો સંયમ માગે છે—એ ગરીબની કરકસર હોય છે? કવિ, શેરને ગરીબ બનાવી દે છે. અહીં પણ વિરોધની ટેક્નિક શેરને વણસાવે છે.
મારી મજબૂરી જ ખુદ મારી બુલંદી થઈ ગઈ,
ડુંગરો દુ:ખના નડ્યા મારાથી થોભાયું નહીં.
અહીં બુલંદી અને ડુંગરોનું સમીકરણ કેવું તાલમેલિયું છે? જે દુ:ખમાં પર્વત જેમ અડગ રહી ન શક્યો ને થોભ્યા વિના ચાલવા લાગ્યો. આમાં બુલંદી ક્યાં આવી? એ તો સાહસના અભાવની માત્ર લાચારી જ બની રહે છે.
લોહી મેં સૂકવ્યું હતું, આ ગેરઇન્સાફી જુઓ,
કોઈ બીજા એમનું સિંદૂર થઈને રહી ગયા…
આ શેરમાંય કવિ તાલમેલ ગોઠવે છે. વેદનામાં માણસ બળે છે, સળગે છે એટલે ‘લોહી બાળ્યું’ એવો પ્રયોગ રૂઢ છે. પણ સિંદૂર સુકું છે એટલે બેફામ લોહી સૂકવીને મેળ બેસાડે છે. આ ગણિતમાપ ન હોત તો શેરની બીજી પંક્તિ જોતાં એક સારો શેર બની શક્યો હોત.
છો તમે મારો કિનારો એમ હું સમજ્યો હતો,
પણ તમે તો મારે માટે પૂર થઈને રહી ગયાં.
‘બેફામ’ તખલ્લુસધારી ભાષામાં વેગીલો અનુભવાતો ગઝલકાર પ્રિયા પ્રેમનું પૂર બની જાય એ વિશે અફસોસ અનુભવે એ વિશે શું કહેવું? પ્રેમ ક્યારેક તો પૂર થઈને કિનારાને આગળ લઈ જ જાય, ત્યારે તો એ પ્રેમ હોય છે? પ્રેમ શું પેલો મોજણીદાર માપણીને ટેપ લઈ આવેલો મોજણીદાર હોય છે? વાસ્તવમાં કવિના મનમાં કિનારો શબ્દ પ્રેમના સાંત્વન ભાવમાં આવ્યો છે. બસ બહુ થયું એવા ગાણિતિક માપમાં આવ્યો છે. અથવા ‘કિનારો’ અને ‘પૂર’ બે વિરોધી ભાવને ટકરાવી ચમત્કાર સર્જવાની ટેવે આણ્યો લાગે છે. એવું તો નથી કે બેફામે કવિતા સિદ્ધ નથી કરી.
જોકે તારા સ્મિતના જેવી સહર લાગી મને,
કિન્તુ મારી રાતથી એ બેખબર લાગી મને.
ખરેખર આ શેર સારો છે, એ પ્રગટપણે કહેવાને બદલે, સૂચકતાથી કામ લે છે એટલે શેર બને છે. ભાવ, કવિતા બને છે. સવાર તો તારા સ્મિત જેવી મને લાગી, પણ તારા વિના મારી રાત કેવી રીતે પ્રસાર થઈ એ વિશે એ બેખબર લાગી. અહીં સ્મિત પણ કેવું કઠોર ઉપહાસ જેવું લાગે છે? ‘વતન’, ‘બેગમ”ની સૈફ અમીરીની ઓફિસમાં આખો દિવસ ઉત્સાહી શાયરોની આવ-જા અને બેઠક, રાત્રે બધા ક્લબમાં. સૈફ ઘરે જવાને બદલે ક્લબમાં જ ઊંઘે એવા એમના ‘જીવતા દિવસો’—અમીન આઝાદને તો દીકરાએ મુંબઈમાં ઘર કર્યું ત્યાં સુધી વર્ષો સુધી ક્લબ જ રેન બસેરા. એ જીવંત વાતાવરણમાં મરીઝ પણ હોય. એ મિત્રમંડળની એક જ ઊણપ કે કશું કહેવા જેવું—કોઈ કોઈને એકાંતના ખૂણે કહેવા જેવું—કહે નહીં. મરીઝ તો વ્યવહારની ભાષામાં કહું તો સાવ તટસ્થ પણ એના એ સ્વભાવમાંથી જ ક્યારેક વિશિષ્ટ ઊભરી આવ્યું—મર્યાદા સહિત. એ મર્યાદા સહિત એમને પ્રેમથી સૌએ કશા જ ભેદ વિના સ્વીકાર્યા, પણ કોઈક સાચા મિત્રે લોકપ્રિયતાને સિલકમાં રાખી એમને પ્રેમથી, લાગણી સહિત થોડુંક કહેવું જોઈતું હતું એમ લાગ્યા કરે છે અને આ લેખમાળામાં જુદાં સ્વરૂપે, પણ એમને નડતી ટેવની વિશદ ચર્ચા કરી હતી એટલે એમના અવસાન પછી કહેવાનો પ્રશ્ન રહેતો જ નથી. આમ તો બેફામ ઓછાબોલા અને મળતાવડા હતા.
ચમનમાં તો હજીયે જાણ ભાવિની હતી અમને,
ખરી ચિંતા તો આજે છે કે રણની બાદ શું મળશે.
અહીં પણ બે અંતિમો છે છતાં બીજા અંતિમ પછી શું મળશે એવી બાલિશ રોમેન્ટિક ઉત્કંઠા નથી? અંતિમનો અર્થ જ અંત આવી ગયો, પણ આવા તર્ક પર તાળીઓ પડે. વાહવાહ થાય. ‘કહેતે ભી દીવાને, સુનતે ભી દીવાને’ કહેવત સાંભરે! પિતા પછી શું? એ પ્રશ્નનો જવાબ તો એ હોય કે હું મારા બાળકનો પિતા આ સાદો તર્ક છે. ઉર્દૂના ફાની બદાયૂનીની રચનાઓ પર માત્ર એમની જ મુદ્રા જોઈ શકાય છે. એમનો વિષાદ ભાવકનો વિષાદ બની રહે છે, એની વેધક તીર્યકતા ભાવકના હૃદયનેયે વીંધે છે. એમની ગઝલોનું સહૃદયભાવન કર્યા પછી લાંબા સમય સુધી વિષાદનો ભાવ રહે છે. બેફામે એમણે પ્રયોજેલી ઘણીખરી સામગ્રી સતત વાપરી છે, તેનો આસ્વાદ વ્યક્ત ભાવોને જે રીતે પમાય છે તે કાવ્યકળા અંગેનો સહૃદય વિષાદ બને છે.
સૂને જાતે ન થે તુમસે મેરે દિનરાત કે શિકવે,
કફન સરકાઓ, મેરી બેજુબાની દેખતે જાઓ.
આ શેરનું માત્ર ભાવન જ બસ છે. બેફામે ઘરથી કબર સુધીનો સ્મરણીય શેર આપ્યો એ નોંધપાત્ર છે, પણ કબર, કફનને ઘણાં ઉદાહરણોમાં એમણે એટલી છૂટથી વાપર્યાં છે કે ઘણાં ઉદાહરણોમાં એની વિશેષતા અનુભવાતી નથી.
‘બેફામ’ કોઈ કોરા કફન જેવા સાફ છે,
બસ એ જ એક ડાઘ છે મારા લિબાસમાં.
કોરા અને ડાઘ આ બે અંતિમો તો અહીં પણ છે, પણ ક્યાંય ડાઘ શબ્દનું પ્રયોજન સાર્થ બને છે? ક્યાંય એનો અર્થ સ્પષ્ટ થતો જોઈ શકાય છે? કોઈને કતરાતું, વાંકું બોલવાની એવી ટેવ પડી ગઈ હોય છે કે ચમત્કાર કે વ્યંગ પણ ન બને એવું બોલે છે. ને જુદું લાગે, પણ બોલનારની ટેવ જાણો તો માત્ર સાંભળી લઈએ એટલી આપણી સહનશીલતા!
કબરને જોઈને દુ:ખ એ જ થાય છે ‘બેફામ’,
તમારે મરવું પડ્યું આટલી જગ્યા માટે!
વાસ્તવમાં કોઈ કબરની જગ્યા માટે મરતું નથી, પણ મરે છે તેને માટે એટલી જગ્યા કરવી પડે છે અને મડદાદહન તો જ્યાં ઘણી રાખ પડી હોય ત્યાં પોતાની રાખ ઉમેરે રાખ ઉમેરવા માટે કોઈ બળી મરતું નથી. જીવતો કવિ મરણની, તે પછીની, કબર અને જન્નત જહન્નમની વાત જ નહીં. તે તે સ્થાનોની. ત્યાં પોતાની સ્થિતિની વાત કરે એ ઉર્દૂ કવિતાની પરંપરા છે. કોઈ એક વિષય કોઈ એક પ્રતીકમાં એમાં રહેલી નીજી શક્યતા તાગવી જોઈએ અને ગઝલનાં પ્રતીકો વિશે એવું થયું છે પણ, પોતે જેમાં એકવાર ઉચ્ચતા સિદ્ધ કરી હોય તે કરતાં વિશેષ ન નીપજે તો પ્રયત્નો છોડી દઈને આગલી સિદ્ધિને અનન્ય રાખવી જોઈએ, પણ એક જીદને લઈને બેકામ કબર કફનનો સતત ઉપયોગ કરે છે. ગઝલના છેલ્લા શેરમાં તો કબર કે કફન હોય એવો જાણે નિયમ કરી વર્તે છે ત્યારે પ્રથમની સિદ્ધિને સ્થાને સામાન્યતા અને નિરર્થકતા ઉપરાંત બીજું ઘણું આવે છે. રામ, રામની માળા જપવાની પુનરુક્તિ કરવાથી કહે છે કે પુણ્ય મળે છે, પણ એમાં કવિતામાં આશય નથી હોતો, કબર, કફન મળ્યા પછી પુણ્ય કરવાની શક્યતા જ સમાપ્ત થઈ જાય છે. કબર, કફનની પુનરુક્તિમાં કવિતાની શક્યતા છે, પણ મૂળ પ્રાપ્તિ પછી બેફામ એને પાતળી પાડતા ને ખોઈ નાખતા પણ અનુભવાય છે. શૈલી સર્જકની ઓળખ બને, પણ એનો જાદુ ઓસરતો જાય છે. છેવટે સર્જક વીસરાય છે શૈલી સર્જકને વાપરી સમાપ્ત કરે છે; વિરોધ ટકરાવી ચમત્કૃતિઓ નિપજાવવાની શૈલીએ બેફામને નુકસાન જ પહોંચાડ્યું છે. ગઝલકુળના બીજા કાવ્યપ્રકારો પણ બેફામે સહજપણે સારી રીતે અજમાવ્યા છે. આ મુક્તક તો સાંભરે જ છે :
નીરખશો માર્ગ પર ત્યારે નકામા લાગશે પથ્થર,
કદમ મૂકશો તો સંકટ જેમ સામા લાગશે પથ્થર.
પરંતુ વાગશે ને એ બહાને બેસવા મળશે,
તો મારી જેમ તમને પણ વિસામો લાગશે પથ્થર.
મુજથી રોવાયું નહીં
સંકુચિત માન્યો મને એને એ સમજાયું નહીં,
દિલ તને દીધા પછી દુનિયાને દેવાયું નહીં.
મેં કર્યો એક જ સ્થળે ઊભા રહીને ઈન્તેજાર,
એટલે તારા સુધી મારાથી પહોંચાયું નહીં.
આપનો પરદો વિરહની રાતના જેવો જ છે,
આપને જોતો રહ્યો ને કાંઈ દેખાયું નહીં.
થઈ ગયો કુરબાન હું તો આ જગતમાં કોઈ પર,
મોત આવે ત્યાં સુધી મારાથી જિવાયું નહીં.
મારી મજબૂરી જ ખુદ મારી બુલંદી થઈ ગઈ,
ડુંગરો દુ:ખના નડયા, મારાથી થોભાયું નહીં.
સાથ મારા શત્રુનો લેવો પડયો એ કાર્યમાં,
મારે હાથે તો જીવન મારું મિટાવાયું નહીં.
મારું જીવનકાર્ય મિત્રોએ કર્યું મરવા પછી,
સૌ રડવા બેફામ જ્યારે મુજથી રોવાયું નહીં.
નડી આંખો
થયું પહેલું મિલન ત્યારે પરસ્પર બહુ લડી આંખો,
પછી બીજા મિલન માટે હંમેશાનું હંમેશાનું રડી આંખો.
વગર ઊંઘ્યે જ સપનાના પ્રદેશે જઈ ચડી આંખો,
તને જોયા પછી તો જોવા જેવી થઈ પડી આંખો.
અમે તો જોઈને ચાલ્યા હતા ને ઠોકરો ખાધી,
હવે કોને અમે કહીએ કે અમને તો નડી આંખો.
ગયાં અશ્રુ તો બીજી વાર પણ મળતાં રહ્યાં પાછાં,
પરંતુ એક વખત ગઈ તો પછી ના સાંપડી આંખો.
ખુદાની આ મહત્તા પર કોઈ દૃષ્ટિ નથી કરતું,
હતું અદૃશ્ય રહેવાનું છતાં એણે ઘડી આંખો.
છૂટું પણ કેમ, આ બંધન તો છે મારી દૃષ્ટિનું,
જગત ને જાત વચ્ચેની બની ગઈ છે કડી આંખો.
અરે આ પીઠ પાછળ ઘાવ કરનારા, જરા તો ડર!
ખુદાએ એટલા માટે નથી આગળ જડી આંખો.
જગત પ્રત્યે કરી મેં બંધ સાચા અર્થમાં જ્યારે,
પછી ‘બેફામ’ જન્નતમાં જ મારી ઊઘડી આંખો.
ઉનાળા છે આંખમાં
કાળા છતાંય રંગ નિરાળા છે આંખમાં,
કાજળ તમારે, મારે કૂંડાળાં છે આંખમાં.
હો પીંજરું કે બાગ, ઉચાળા છે આંખમાં,
મારા બધાય સ્વપ્નના માળા છે આંખમાં.
હા, અશ્રુ જોઉં તો હું કહું—સાચો પ્રેમ છે,
આ તો અમસ્તા પ્રેમના ચાળા છે આંખમાં.
એકેક અશ્રુબિન્દુ તમારું જ છે સ્મરણ,
મારે તમારા નામની માળા છે આંખમાં.
દર્શનથી ધન્ય થાઉં હું એવાં તમે જ છો,
ચહેરા નહીં તો કંઈક રૂપાળા છે આંખમાં.
ગમના રૂપે વહે કે ખુશીના રૂપે વહે,
આંસુના એકસરખા ઉછાળા છે આંખમાં.
અહીંયાં રુદન બધાંયે દુ:ખો પર થતું નથી,
વરસાદથી વધુ તો ઉનાળા છે આંખમાં.
જીવતર વિશે જીવનના બળાપા છે અંતરે,
અંતર વિશેના લોહીઉકાળા છે આંખમાં.
‘બેફામ’ છે સફેદ કફન તોય શું હવે?
રંગો તમામ ચીજના કાળા છે આંખમાં.
▭