સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ચુનીલાલ મડિયા/અચલાયતન ઉપર આક્રમણ
અચલાયતન ઉપર આક્રમણ
‘સાહેબ, તમે ખરેખર નવલકથા લખો છો? પ્રુસ, કાફકા અને જૉઇસે એને ક્યારની ખતમ કરી નાખી છે. હવેનો જમાનો તો પશુકથા કે પરીકથા લખવાનો છે.’ સુરેશ હ. જોષીકૃત ‘ગૃહપ્રવેશ’ના અનુગામી વાર્તાસંગ્રહ ‘બીજી થોડીક’માંની છેલ્લી વાર્તા ‘વિદુલા’માં બુદ્ધિજીવીઓની એક ચર્ચા જામે છે એમાં મિસ્ટર અધ્વર્યું વાતવાતમાં નવલકથા વિષે ઉપલું નિરીક્ષણ કરે છે. એમાંનું નવલકથા વિષેનું વિધાન અલ્પાંશે અને પશુકથા કે પરીકથા અંગેનું અવલોકન મહદંશે આ વિલક્ષણ વાર્તાસંગ્રહને પણ લાગુ પડતું હોય એમ જણાય છે. અલબત્ત, પશ્ચિમની નવલકથાને ‘ખતમ’ કરી નાખનારા કલાકારો જેવા ખમતીધર પ્રુસ, કાફકા કે જૉઇસ ગુજરાતી વાર્તાક્ષેત્રે સદ્ભાગ્યે કે દુર્ભાગ્યે હજી સુધી તો પાક્યા નથી. એટલે, ગુજરાતી વાર્તા સંપૂર્ણ ‘ખાતમા’માંથી તો ઊગરી ગઈ છે. છતાં એ ખાતમા જેવી જ ખતરનાક કામગીરી બજાવનારી બીજી એક પ્રક્રિયા ધીમે ધીમે દેખાવા માંડી છે ખરી; એ ક્રિયા છે, વાર્તાઓમાં ઝડપભેર આવતી જતી એકવાક્યતાની. વસ્તુ, શૈલી, કથનરીતિ, બધામાં જે એકવિધતા દેખાય છે, અનુકરણોનાંય અનુકરણોમાંથી જે ઢગલાબંધ ઢાંચાઢાળ કૃતિઓ નીપજી રહી છે, એનું એકસૂરીલાપણું પણ એક જીવંત કલાપ્રકાર તરીકે ટૂંકી વાર્તાને ખતમ જ કરી રહ્યું છે. ‘રિમેમ્બ્રન્સીઝ ઑફ ધ થિંગ્ઝ પાસ્ટ’ કે ‘યુલિસિસ’નાં સર્વોચ્ચ કલાશિખરો જે રીતે ભવિષ્યની નવલકથા માટે બંધ માર્ગ – ‘ડેડ એન્ડ’ સમાં બની રહ્યાં, એ જ રીતે અનુકરણો, અનુસર્જનો અને એકવાક્યતાની ઊંડી ગર્તાઓ પણ ટૂંકી વાર્તાને ગારદ કરનારાં નીવડ્યાં લાગે છે. એ બીબાંઢાળ દુનિયાના બંધિયારપણામાંથી મોકળાશ મેળવવા ઇચ્છનારે કે એકસૂરીલી સૃષ્ટિમાં કોઈક નવો સૂર નીપજાવનાર કલાકારે મોહતાજ બનીને પણ પશુકથા કે પરીકથા તરફ વળવું પડે તો એમાં એનો બહુ વાંક કાઢી શકાય એમ નથી. સુરેશ જોષીએ પ્રથમ વાર્તાસંગ્રહ ‘ગૃહપ્રવેશ’ વડે આવી મોકળાશભરી દુનિયામાં પ્રવેશવાની મથામણ કરેલી અને વાર્તાક્ષેત્રે બંધિયારને બદલે તાઝગીભર્યો સ્વચ્છ પ્રાણવાયુ લેવાનો પ્રયત્ન કરેલો. એમના એ પ્રવેશ સામે પેલા બંધિયાર ગૃહ ‘અચલાયતન’ના રક્ષકોએ સારો એવો સામનો કરેલો. પણ એથી આ પ્રવેશોત્સુક વાર્તાકાર હતાશ થયા નથી, બલકે, ટૂંકી વાર્તાઓમાં આંતરિક સત્ત્વશીલતાની તથા શૈલીની વિશેષ શસ્ત્રસામગ્રીઓ વડે સજ્જ બનીને, ‘બીજી થોડીક’ વડે એમણે બીજા વિશ્વયુદ્ધ વેળાના ગ્રીષ્મ આક્રમણ જેવો સર્વાંગી હલ્લો કર્યો છે. અને શસ્ત્રસામગ્રીઓની જેમ એમની રસસામગ્રીઓ જોતાં એટલી આગાહી તો બેધડક કરી શકાય એમ છે કે પેલી બંધિયાર દુનિયાના અચલાયતનના કોટકાંગરા કકડભૂસ તૂટી પડશે અને સમય જતાં એમાં તાઝા-બ-તાઝા અને નૌ-બ-નૌ જેવો પ્રાણવાયુ સંચારિત થશે. હવેનો જમાનો તો પશુકથા કે પરીકથા લખવાનો છે એવી ટકોર તો લેખકના એક પાત્ર તરીકે મિસ્ટર અધ્વર્યું અર્ધગંભીરપણે જ કરે છે, પણ લેખકે પોતે એ આગાહીનું જાણે કે વાચ્યાર્થમાં ને વફાદારીથી પાલન કર્યું છે. સંગ્રહની ઘણી વાર્તાઓનાં વસ્તુ તેમ જ શીર્ષકો સુદ્ધામાં એમણે માનવદેહ સિવાયનાં પ્રતીકો પસંદ કર્યાં છે. પુરાણોના દશાવતારની જેમ અહીં લેખકે કુર્માવતાર, વરાહાવતાર, વામનાવતાર વગેરેની ખાસ્સી અવતારમાળા યોજી છે. ‘નરવાનરકથા’માં પણ કથાનાયક કરતાં પેલું ચાવી વડે ચાલતું વાંદરાનું રમકડું જ મહત્ત્વનું પાત્ર બની રહે છે. ‘અજાતકકથા’નું વર્ગીકરણ પણ વસ્તુની દૃષ્ટિએ ફેન્ટસી પ્રકારની પરીકથામાં જ થઈ શકે. અહીં એક વીગત, બીજા કોઈના નહિ તો લેખકના લાભાર્થે પણ નોંધવી આવશ્યક લાગે છે કે ‘ગૃહપ્રવેશ’માં એમણે ઉંદરોનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરેલો પણ આ સંગ્રહમાં ગણપતિનું એ વાહન લગભગ ગેરહાજર લાગે છે. ‘કુરક્ષેત્ર’માં ‘પાટલા-ઘોની જીભની જેમ દીવાની ઝાંખી જ્યોત ફરક્યા કરતી હતી’ એ બાદ થોડી વાર પછી ‘હિંમત કરીને ઉંદરોએ એમની પ્રવૃત્તિ શરૂ કરી’ – એથી વધારે કામગીરી લેખકે ઉંદરો કનેથી લીધી નથી. ‘અજાતકકથા’માં નાયક શેઠાણીના શરીર ઉપર ઉંદર દોડાવવાની મુરાદ સેવે છે ખરો, પણ એ યોજનાને અમલમાં નથી મૂકતો. પણ આ સંગ્રહમાં લેખકે અન્ય પ્રાણીઓના, યંત્રો સુદ્ધાંના પ્રતીકાત્મક ઉપયોગો યોજીને પેલી ઉંદરોની ઉણપનો જાણે કે ખંગ વાળી નાખ્યો છે. ઉપરાંત, ‘શૈશવ’ની દુનિયામાં એમણે દુઃખી માણસની ઊંઘમાં ફરીફરી આંટા મારતા દુઃસ્વપ્નના જેવા ‘લિફ્ટ’નો, જેની સમક્ષ હૃદયના ધબકારનો તાલ બસૂરો લાગે એવા ટાઇપરાઈટરનો, રૉબોટ જેવા યંત્રમાનવના અગણિત હાથનો, વારંવાર ઘોઘરા અવાજે સૂચના આપ્યાં કરતાં લાઉડ સ્પીકરનો, આપમેળે વાગી ઊઠતી ભયસૂચક ઘંટડીઓનો, પારદર્શીપણાને કારણે ‘અશ્લીલ નગ્નતા’ ધરાવતા ઘડિયાળમાં ગોઠવાયેલી ગિલોટીન વગેરેનો ભયપ્રેરક ઉપયોગ ચાતુરીપૂર્વક કર્યો છે. એવાં જ સમુચિત અને પ્રતીતિકર પ્રતીકો ‘વિદુલા’માં સમાંતર દોડતી બે રેલ્વે ટ્રેઇનોના સામસામા પાટાઓમાં જોવા મળે છે. પણ બાળકને કોઈ નવું રમકડું સાંપડે પછી એ દિનરાત એને વધારે ૫ડતો વપરાશ કરીને આખરે ટાળી નાખે, એવો અનુભવ પણ પ્રતીકોની યોજનાની બાબતમાં આ જ સંગ્રહની કોઈ કોઈ વાતોમાં જોવા મળે છે ‘વસ્ત્રાહરણ’માં કિશોરીદેવી આસમાની રંગની નાઈલોનની સાડી વડે પ્રૌઢ શરીરના કદરૂપાપણાને ઢાંકવાનો નિષ્ફળ પ્રયત્ન કરે છે ત્યારે ‘કમર આગળની ચરબીના લબડતા લોચા’ને જાણે કે ‘જક્સ્ટાપોઝ’ જેવા વિરોધાભાસમાં રજૂ કરવા ખાતર જ લૂંગી પહેરેલા કેટલાક મુસલમાન ખાટકીઓને તાજા જ હલાલ કરેલાં ઘેટાં-બકરાંના માંસના લોચા લોહનીતરતી કોથળીમાં ભરીને રસ્તા પરથી લેખકે પસાર કરાવ્યા છે એમાં કરામત અવશ્ય છે, પણ એ અત્યંત સ્પષ્ટ, સસ્તી અને સ્ફુટ હોવાને કારણે બહુ કલાત્મક નથી લાગતી. એ જ વાર્તામાં આગળ ઉપર રમણલાલ શેઠની નજર જેના પર ચોંટી જાય છે, એ યુવાન વયની જે મજૂરણ બાઈ પાતળી કાથીની દોરીથી બાંધેલા ડાલડાના ત્રીસેક ડબાની દોરી તૂટી જતાં આખરે પોતાનું અંગઢાંકણ જ ખેંચી કાઢીને એમાં બધા ડબા ભરીને પોટકું બાંધી લે છે, એમાંની પ્રતીક યોજના પણ ધોળે દહાડે દીવો પેટવવા જેવી અનાવશ્યક લાગે છે. આ તો, લેખકે પ્રતીકો અપનાવ્યાં છે, ત્યારે આટલાં ટીકાટિપણ કરવાનું પ્રાપ્ત થયું. અને એ પ્રતીક-યોજના પાછળની લેખકની મનોદશા પણ સમજી શકાય એવી છે. કોઈ પણ કલા અત્યંત સીધીસૂતર, સહેલી, સ્ફુટ કે સ્વયંસ્પષ્ટ બની જાય ત્યારે એના પ્રત્યાઘાત રૂપે કોઈ એને અટપટી, અઘરી, અસ્ફુટ કે અસ્પષ્ટ બનાવવા પ્રેરાય જ. પોર્ટ્રેટ પેઇન્ટીંગની કલા જ્યારે જીવતાં માણસોની હૂબહૂ છબિકલાની કક્ષાએ પહોંચી ત્યારે એના પ્રત્યાઘાત રૂપે અમૂર્ત ચિત્રશૈલીનો જન્મ થયો. ‘બીજી થોડીક’ પણ આવા એક પ્રત્યાઘાતનો જ પરિપાક છે. લેખકે જાણે કે ઝનૂનપૂર્વક એમાં અમૂર્તતા લાવવાનો પ્રયત્ન કર્યો છે. અને એમાં એમને સારી એવી સફળતા મળી છે એ હકીકત ‘બે ચુમ્બનો’ જેવી ઝીણી કારીગરીવાળી વાર્તામાંથી જોઈ શકાય છે. કલા ખાતર કલાની જેમ નવીનતા ખાતર નવીનતા સાધવાનો લેખકનો પ્રયત્ન પણ અછતો નથી રહેતો. દરેક વાર્તાના તથા આખા સંગ્રહના શીર્ષકથી માંડીને પુસ્તકના ઉપરણા પરના ચિત્રની સામગ્રીઓ આ નાવીન્યમોહની સાખ પૂરે છે. આખોય સંગ્રહ નવલિકાઓ માટેના નવા ફૅશન-આલ્બમનો આભાસ આપે છે. આમ થવું સ્વાભાવિક જ નહિ, અનિવાર્ય પણ હતું. જૂના ઢાંચા અતિવપરાશે એવા તો ઘસાઈ ગયા હતા કે એમાં રેડાતી કથા-સામગ્રીઓ તાજગી તો શું, અસરકારક ૫ણ ગુમાવી બેસતી હતી. તેથી જ તો આ ફૅશન-આલ્બમ આવકાર્ય બની રહે છે. અલબત્ત, જતે દહાડે આ આલ્બમમાંનું નવીનતાનું તત્ત્વ નષ્ટ થશે, અને ખુદ આ ફૅશનો પણ ઢાંચાઢાળ બની રહેશે ત્યારે વળી કોઈક નવા સુરેશ જોષીએ આવું જ નવું આલ્બમ યોજવું પડશે. પણ એ તો સૃષ્ટિની જેમ સાહિત્યનો પણ નૈસર્ગિક ક્રમ છે. આજે તે ટૂંકી વાર્તાના અચલાયતન ઉપર હિમ્મતભેર આક્રમણ કરનાર ‘બીજી થોડીક’ના કર્તા પાસેથી ‘બીજી વધારે’ની જ માગણી કરીએ. આવી માગણી કરવા સાથે, કર્તાને એક ભયસ્થાન બતાવવાની પણ તક લઈ લઈએ. એ ભયસ્થાન છે, નવીનતા ખાતર નવીનતાની જેમ, અમૂર્તતા ખાતર અમૂર્તતા યોજવાનું. સાચું ખોટું તો ખબર નથી, પણ પિકાસો વિષે એક તુક્કો પ્રચલિત થયો છે કે એ પોતાની ચિત્રકૃતિઓ મૂળ તો નેચરલ-નૈસર્ગિક-શૈલીમાં જ તૈયાર કરે છે, અને પછી એને અહીં-તહીંથી છિન્નભિન્ન કરીને અમૂર્ત કરી નાખે છે. સદ્ભાગ્યે, સુરેશની વાર્તાઓમાં અમૂર્તતા માટેનું આટલું બધું ઝનૂન હજી સુધી તો નથી દેખાતું. અલબત્ત, તેઓ વાર્તાકલાના પરંપરિત કે રૂઢિગ્રસ્ત નિયમનિયમાવલિઓનો ભંગ કરવા કટિબદ્ધ થયા છે એ તે આ સંગ્રહને પાને પાને સ્પષ્ટ થાય છે. પણ રૂઢિભંજક બનવા માટે પણ તે તે રૂઢિઓનું જ્ઞાન મેળવવું આવશ્યક બની રહે છે. આપણા સદ્ભાગ્યે, લેખકે ‘વિદુલા’ જેવી લાંબી ‘ટેઈલ’ની કક્ષાની વાર્તા દ્વારા બતાવી આપ્યું છે કે પોતાને કયા કયા નિયમોનો ભંગ કરવો છે એનું પણ એમને સંપૂર્ણ જ્ઞાન છે. તેથી જ કર્તાને એક વણમાગી સલાહ આપવાની ચેષ્ટા કરીએ : તમારી પ્રતિભાને ‘લોહનગર’ જેવા કેવળ કાવ્યોચિત વિષયો કરતાં ‘વિદુલા’ જેવા વધારે ઉંડાણવાળા છતાં અ-રૂઢ કથાવસ્તુઓ વધારે ફાવશે. અમને ‘બીજી થોડીક’ને બદલે હવે પછી ‘વધારે વિદુલાઓ’ આપો. માર્ચ ૧૨, ૧૯૫૯
(‘વાર્તાવિમર્શ’)