સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ચુનીલાલ મડિયા/ગુજરાતી વાર્તાની ગઈકાલ
ગુજરાતી વાર્તાની ગઈ કાલ[1]
ગુજરાતી ટૂંકી વાર્તા વિશે વિચાર કરવા બેસીએ તો સર્વપ્રથમ, ધૂમકેતુ જ યાદ આવે છે. અલબત્ત ધૂમકેતુની પહેલાં પણ ‘મલયાનિલ’ જેવા શક્તિસંપન્ન તેમ જ અન્ય અલ્પશક્તિસંપન્ન લેખકોએ વાર્તાઓ લખવાના પ્રયત્નો તો બહુ કર્યા હતા, પણ એ પ્રયત્નો પ્રતિભાવિહોણા હતા. જીવનનાં કોઈ લોકોત્તર દર્શનને અભાવે એ તબક્કાના લેખકો માત્ર લેખકો જ રહ્યા, સાહિત્યકાર ન બની શક્યા. આજે આપણે ટૂંકી વાર્તાનું જે કાઠું જોઈએ છીએ એની પ્રથમ બાંધણી કરવાનો જશ ધૂમકેતુને ફાળે જાય છે. આ લેખક પાસે બહોળું અને બહુવિધ અનુભવભાથું હતું, દર્શનમાં રૂપાન્તરિત થયેલું ઝીણવટભર્યું નિરીક્ષણ હતું અને સાથે વાર્તાકસબનો સુયોગ હતો. એ ઉપરાંત લેખકને સહજ બનેલી તળપદી તેમ જ શિષ્ટ બોલીના સુભગ મિશ્રણવાળી વિશિષ્ટ ગદ્યશૈલી સાંપડી હતી. પરિણામે ગુજરાતને પહેલી જ વાર કસબદૃષ્ટિએ કેટલીક સર્વાંગસમ્પૂર્ણ વાર્તાઓ મળી. આપણા સમાજના જુદા જુદા થરોનાં જીવનનો જેટલો પરિચય ધૂમકેતુને છે એટલો ભાગ્યે જ એમના કોઈ સમકાલીન વાર્તાકારને હશે. ધૂમકેતુની બધી વાર્તામાંનાં પાત્રો ભેગાં કરવામાં આવે તો ગામડાંનાં ‘અઢારે વરણ’ અને ‘તેર તાંસળી’ના આદમીઓ એમાંથી અવશ્ય મળી રહે. વિવેચક ચુકોવ્સ્કીએ એન્ટન ચેખૉવ વિશે કહ્યું છે કે ‘ચેખૉવના જેટલી બહુવિધ પાત્રસૃષ્ટિ બીજા કોઈ વાર્તાકાર પાસે નથી.’ ગુજરાતમાં ધૂમકેતુ માટે પણ આ વિધાન કરી શકાય. શહેરી જીવનનાં પાત્રોનું જે વૈવિધ્ય બકુલેશ અને જયન્તી દલાલમાં છે, એવું ગ્રામજીવનનાં પાત્રોનું વૈવિધ્ય ધૂમકેતુ અને મેઘાણીમાં છે. ધૂમકેતુએ આપણા સંખ્યાદૃષ્ટિએ સહુથી બહોળા જનસમુદાયમાં બાળપણ વીતાવ્યું છે તેથી વિશાળ લોકજીવનના પ્રત્યક્ષ દર્શનની એ પૂંજી વાર્તાસર્જનમાં કર્તાને બહુ ઉપયોગી નીવડી છે. એમનાં સંવેદનની વ્યાપ્તિ ઘણી જ વિશાળ છે. એ કારણે જ એમનાં સર્જનનો ફાલ બહોળો અને બહુવિધ છે.
ધૂમકેતુની ઘણી ચુનંદી વાર્તાઓ વિશ્વસાહિત્યમાં બેધડક સ્થાન પામી શકે એમ છે. આપણી આન્તરપ્રાન્તીય ભાષાઓમાં તો આ વાર્તાઓને ઊંચો આદર મળ્યો જ છે. લેખકની વાર્તાઓ મુખ્યત્વે ત્રણ પ્રકારની છે : ‘ઇન્સ્પેક્ટર સાહેબ’, ‘પાનવહુ’, ‘ગોવિંદનું ખેતર’ અને ‘ભૈયાદાદા’ જેવી ગ્રામજીવનની કથાઓ, ‘ઠંડી ક્રૂરતા’ જેવી શહેરી કથાઓ, અને ‘આત્માનાં આંસુ’ જેવી ઐતિહાસિક કથાવસ્તુ પર ગૂંથાયેલી કવિત્વપૂર્ણ વાર્તાઓ. વાર્તાઓના ગોંફનો કસબ આ લેખક પાસે એટલો તો સાહજિકતાભર્યો અને સબળ છે કે કોઈ પણ વસ્તુને તેઓ સહેલાઈથી વાર્તામાં રમતી કરી શકે છે. ગામડાંઓમાં વસતા આપણા વિશાળ લોકસમુદાયના જીવનનાં નૈતિક મૂલ્યો અને ધારણ તત્ત્વોનો ધ્વનિ ધૂમકેતુની વાતોમાં પ્રધાનપણે જોવા મળે છે. શીલઢીલાં શહેરી જીવનની ઘણી વાતોમાં પણ લેખકનો દૃષ્ટિકોણ તો શહેરી જીવન ઉપર ગ્રામજીવનની સરસાઈ બતાવવાનો લાગે છે. ભદ્ર લોકનાં જીવનની છીછરાશ અને કૃત્રિમતાનું આલેખન પણ લેખક ઘણી વાર કટુતાથી કરે છે. ધૂમકેતુની વાર્તાકલાને મળેલી અસાધારણ સફળતાને કારણે એમના કેટલાક સમકાલીનો તેમ જ અનુગામીઓ ઉપર ધૂમકેતુના કસબ તેમ જ શૈલીની ભારે મોટી અસર થવા પામી હતી. ભવાનીશંકર વ્યાસનો વાર્તાસંગ્રહ ‘પદધ્વનિ’ એ ધૂમકેતુએ પાડેલા ચીલેચીલે ચાલવાનો પ્રયાસ છે. છેલશંકર વ્યાસે તો ‘મકરકેતુ’ જેવું ભળતું ઉપનામ પણ યોજેલું. પણ વાર્તાના વસ્તુ પરત્વે તેઓ ધૂમકેતુની અસરમાંથી મુક્ત રહેલા. ધૂમકેતુની સીધી અસર તળે આવનારાઓમાં કિશનસિંહ ચાવડાનું નામ મોખરે તરી આવે છે. ચાવડામાં ધૂમકેતુની કોટિની લાગણીમયતાના પડઘા સંભળાય છે. ગુજરાતી વાર્તા ઉપર ધૂમકેતુના જેટલી જ જોરદાર છતાં સાવ જુદા જ પ્રકારની અસર ‘દ્વિરેફે’ કરી. દ્વિરેફની વાતો સાથે પણ તત્કાલીન યુગબળોની અસર હતી—જેમ કે સત્યાગ્રહ, અસ્પૃશ્યતાનિવારણ વગેરે. પણ એના કરતાં ય વધારે મહત્ત્વની વસ્તુ તે લેખકના અભ્યાસીપણાની ગણાવી જોઈએ. દ્વિરેફમાં આપણને પહેલી જ વાર પ્રમાણશાસ્ત્ર, માનસશાસ્ત્ર વગેરેના અભ્યાસની વાર્તાકલા ઉપર થતી અસર જોવા મળે છે. ‘કપિલરાય’, ‘નવો જન્મ’, ‘કોદર’ વગેરે વાતોનું મંડાણ પાત્રોના મનોવિશ્લેષણ ઉપર થયેલું છે. મનોવિશ્લેષણ એ યુરોપમાં તો ક્યારની ખેડાણ પામી ચૂકેલી કલા હતી ત્યારે આપણે ત્યાં દ્વિરેફથી એની વ્યવસ્થિત શરૂઆત થઈ ગણાય. બહુવિધ અભ્યાસ ઉપરાંત દ્વિરેફની વાતોનું બીજું લક્ષણ તે ગ્રામજીવન અને શહેરીજીવન અંગે વધારે સ્થિર અને તટસ્થ વિચારણા. ‘તણખા મંડળ’ની વાતોમાંનો ગ્રામજીવન અંગેનો ઊર્મિલ પક્ષપાત અને શહેરીજીવનની સૂગ બન્ને વસ્તુઓ દ્વિરેફમાં ઓસરતી જાય છે. ગામડું પણ સંકુચિતતા, પક્ષાપક્ષી, વેરઝેર વગેરે અનિષ્ટોથી ભર્યું છે એમ સમજાતું જાય છે. ‘એક ભૂલ’માં સહેજ હળવી રીતે અને ‘બે ભાઈઓ’માં ગંભીરતાથી દ્વિરેફે આ વિધાન રજૂ કર્યું. છે. ગ્રામજીવનના આ યથાર્થ નિરૂપણની અસર —આપણે આગળ ઉપર જોઈશું તેમ—દ્વિરેફના અનુગામીઓ ઉપર દૂરગામી થઈ છે. દ્વિરેફ સુધી આવતાં આવતાં જીન્સી પ્રશ્નો પ્રત્યેનું આપણું દૃષ્ટિબિંદુ બદલાઈ જતું હોય એમ લાગે છે. અલબત્ત, ધૂમકેતુની વાતોમાં જીન્સી પ્રશ્નોની છણાવટ છેક નથી જ એમ નહિ કહી શકાય. ‘ભરતી અને ઓટ,’ ‘પાનવહુ’, ‘ઠંડી ક્રૂરતા’ વગેરે વાતોનું મંડાણ જીન્સી વસ્તુ ઉપર જ થયું છે. છતાં ધૂમકેતુની વાતોમાં જીન્સી વસ્તુનું નિખાલસ નિરૂપણ બહુ નથી દેખાતું, ત્યારે દ્વિરેફે ‘છેલ્લો દાંડક્ય ભોજ’ અને ‘ઉત્તરમાર્ગનો લોપ’ જેવી વાતોમાં એ પ્રશ્નોની અજબ કૌશલથી મર્મગ્રાહી છણાવટ કરી છે. એની અસર પણ દ્વિરેફના અનુગામી વાર્તાકારો ઉપર થવા પામી. મુનશી અને ધનસુખલાલ મહેતાની વાર્તાકલા ભિન્નભિન્ન હોવા છતાં કથાવસ્તુ પરત્વે તેમનામાં એક પ્રકારનું સામ્ય દેખાય છે. બન્ને વાર્તાકારોએ નિર્ભેળ શહેરી જીવનની જ વાર્તાઓ લખી છે. બન્ને, સમાજસુધારાની અસર તળે આવ્યા છે. આપણા કેટલાક અર્થહીન રીતરિવાજો, હાસ્યાસ્પદ રૂઢિઓ, વહેમો વગેરે ઉપર કટુતાભર્યાં કટાક્ષો કરવામાં આ બન્ને વાર્તાકારો રાચે છે. તેમની વાર્તાઓમાં ટીખળ, મજાક, ઠઠ્ઠા વગેરે પણ સારા પ્રમાણમાં હોય છે. રસિકલાલ છોટાલાલ પરીખે બહુ લાંબા ગાળા દરમિયાન ઓછામાં ઓછી વાર્તાઓ લખી છે, પણ જે લખી છે એ જાણે કે ગોદામમાં ભરેલા એ પ્રકારના જથ્થાબંધ માલની થોડીથોડી વાનગીઓ-સેમ્પલ્સ-જેવી છે. કાપડની કાપલી ઉપરથી પણ આખા તાકાનું પોત પરખાઈ આવે. ‘કડવો વંદો’ એ શિક્ષિત યુવતીઓને પજવતા લગ્નના કોયડાની કલાયુક્ત છણાવટ છે, તો ‘શોભનકુમાર’ એ સ્ત્રી અને સૌંદર્યના અતિસેવનથી ઊપજતી અવજ્ઞા અને જુગુપ્સાનું નિરૂપણ છે. આ આલેખનો પણ જીન્સી પ્રશ્નો પ્રત્યે આપણા વાર્તાકારોના બદલાયેલા વલણનું જ પરિણામ ગણાવું જોઈએ. પુરોગામીઓમાં જીન્સી વસ્તુ પ્રત્યે જે ભડક હતી એ હવે ઓછી છતી જાય છે એમ ‘શોભનકુમાર’ જેવી વાર્તા ઉપરથી કહી શકાય. ‘રાજસૂત્ર’માં રસિકલાલ પરીખે ઐતિહાસિક વસ્તુ લઈને નૂતન ગણી શકાય એવું વિચારબીજ વાવવાનો પ્રયત્ન કર્યો છે. ‘સામ્રાજ્યોની માલિકી લોકબ્રહ્મની છે, લોકોનો શિવસંકલ્પ જ સામ્રાજ્યો સાચવી શકે’, એવું સમાજવાદીઓને શોભતું કથન લેખકે હેમચન્દ્રાચાર્યના મોંમાં મૂક્યું છે. આ લોકબ્રહ્મનું સૂત્ર સામ્યવાદીઓના સમત્વના સૂત્ર કરતાંય વધારે અસરકારક લાગે છે. અને જ્યારે આપણે બર્લિનની ચાન્સેલરીની શરણાગતિ સંભારીએ છીએ કે મિલાનની શેરીમાં થૂથૂકારા પામતા મુસોલિનીના મૃતદેહને જોઈએ છીએ કે સૂર્યદેવના સીધા વંશજ હીરોહીટોના સામ્રાજ્યનો રકાસ વિચારીએ છીએ ત્યારે કલિકાલસર્વજ્ઞનું એ કથન આર્ષદૃષ્ટિભર્યું લાગે છે : ‘સામ્રાજ્યનું અધિકારી લોકબ્રહ્મ છે. સામ્રાજ્ય શિવસંકલ્પનું છે!’ ‘રાજસૂત્ર’ એ ગુજરાતી વાર્તાસાહિત્યની થોડી પ્રથમ પંક્તિની વાર્તાઓમાંની એક છે. મેઘાણીના પત્રકારી વ્યવસાયને કારણે એમની વાર્તાપ્રવૃત્તિ ઘણી વિસ્તૃત છે. શરૂઆતમાં તેમણે ‘ચિતાના અંગારા’માં સામાજિક પ્રશ્નો અને અનિષ્ટોની છણાવટ કરતી વાર્તાઓ આપેલી. ‘તુલસીક્યારો’ નવલકથામાં એમણે રજૂ કરેલું દૃષ્ટિબિંદુ તેમની ઘણી વાર્તાઓમાં પણ જોવા મળે છે. ધૂમકેતુની જેમ મેઘાણી પણ આપણી ભાંગતી જતી જૂની સમાજરચનાના સદ્-અંશો સાચવી રાખવાના હિમાયતી હોય એમ લાગે છે. આ બન્ને વાર્તાકારોને નૂતન સમાજરચનાનો વિસંવાદ સાલે છે. મેઘાણી પાસે તેમનો આગવો કહી શકાય એવો વાર્તાકસબ છે, જે તેમણે ‘કુરબાનીની કથાઓ’ અને ‘સૌરાષ્ટ્રની રસધાર’માં વાપર્યો છે. લેખક ઐતિહાસિક વસ્તુ લઈને કોઈ વાર સુંદર વાર્તા ગૂંથી શકે છે. ‘ચા-ઘર’ ભાગ બીજામાંની ‘એક જ ડૂબકી’ વાર્તા એનું ઉદાહરણ છે. મેઘાણીની વાર્તાકલાના વિકાસની એક કોટિ એમના છેલ્લા સંગ્રહ ‘વિલોપન અને બીજી વાતો’માં જોઈ શકાય છે. અહીં સુધી આવતામાં, જીવનને જોવાનો લેખકનો દૃષ્ટિકોણ પણ બદલાયો લાગે છે. આ સંગ્રહમાં મેઘાણીની સ્વભાવગત ઊર્મિલતાને બદલે સ્વસ્થતા જોવા મળે છે. આજ દિવસ સુધી રાષ્ટ્રસેવાની અવધિ જેલનિવાસમાં મનાતી હતી. વાર્તાકારોએ જેલનિવાસીઓ પ્રત્યે અહોભાવ પણ પેદા કર્યો હતો. કદાચ ’૪૨ની લડત પછી જેલવાસીઓ પ્રત્યેનું આપણું દૃષ્ટિબિન્દુ બદલાયું હશે. જેલમાં પણ કેવાં બેજવાબદાર અમનચમન ઊડે છે એની વાત મેઘાણીએ લખી છે. લેખકનું સમાજજીવનનું દર્શન પણ આ સંગ્રહમાં વધારે નિખાલસ લાગે છે. ‘ચમનની વહુ’ અને ‘મારો બાલુભાઈ’ એનાં ઉદાહરણો છે. ફુગાવા સમયની ધમધોકાર રોજીએ આપણી જૂની સમાજરચના મૂળમાં કેવો ઘા કર્યો છે, ગ્રામ અર્થરચનાને કેવી ભાંગી નાખી છે એનું હૂબહૂ દર્શન ‘કડેડાટ!’ વાર્તામાંથી મળે છે. ‘વિલોપન’ વાર્તાસંગ્રહ એના સર્જકની સામાજિક સંપ્રજ્ઞતાનો પણ સારો ખ્યાલ આપી રહે છે. ધૂમકેતુ અને દ્વિરેફે કરેલા પાયાના ચણતર ઉપર અવનવાં સ્થાપત્યો રચવાની તક તો એમના અનુગામીઓ સુન્દરમ્ અને ઉમાશંકર જોશીને જ મળી. ઉમાશંકરની વાર્તાઓમાં બધા જ પુરોગામીઓની પરિપક્વતાના સરવાળા ઉપરાંત એમની પોતીકી પ્રતિભા અને દર્શન ભળ્યાં અને ‘શ્રાવણી મેળો’ વાર્તાસંગ્રહ દ્વારા લોકજીવનનાં ઊંડાણોનો તાગ લેતી વાર્તાઓ આ૫ણને મળી. ધૂમકેતુ અને ઉમાશંકર બન્નેએ ગ્રામજીવન અંગે કલાયુક્ત વાર્તાઓ લખી છે, છતાં બન્નેની વાતો વચ્ચે એક મૂળભૂત ભિન્નતા છે. ઉમાશંકરની ગ્રામવાતોમાં તરકોસી વાડી અને ઘોડાપૂર મોલ નથી, પણ વ્યાજખોર શોષકોને ત્યાં ગીરો મુકાતાં ખેતરો અને ભડકે બળતાં ઝાકળિયાં છે. ‘લોહીતરસ્યો’ અને ‘છેલ્લું છાણું’માં લેખક ગ્રામજીવનની મધુરપ નહિ પણ વિષમતા જ નિરૂપે છે. ઉપર કહ્યું તેમ ઉમાશંકરમાં તેમના સહુ પુરોગામીઓનાં વિશિષ્ટ લક્ષણોનો સુભગ મેળ મળી જતો લાગે છે. ‘મારી ચંપાનો વર’ અને ‘શેષ માનવી’માં એમણે જીન્સી વસ્તુનું નિરૂપણ કર્યું છે તો ‘અમુચમું’ અને ‘સરયુ-સ્વાતિ’ જેવી રમતિયાળ લાગતી વાર્તાઓમાં ઝીણવટભર્યું મનોવિશ્લેષણ છે. ‘ગુજરીની ગોદડી’, ‘ઝાકળિયું’ અને ‘શ્રાવણી મેળો’માં આર્થિક અસમાનતા સામે કચવાટ છે, તો ‘જાનૈયા’ જેવી વાર્તામાં સમાજને અંધારે ખૂણે આચરાઈ રહેલી એક બદી તરફ ઈશારત છે. ઉમાશંકરની ‘પરબીડિયાં’ વાર્તા એ રાજકારણ અને રાજકારણીય નેતાઓ પ્રત્યેની આપણી સ્વસ્થ બનતી જતી દૃષ્ટિનું પરિણામ છે. આપણા નેતાઓ પ્રત્યેની અંધ વીરપૂજાથી પ્રજાની કેવી અવનતિ થાય છે એનું સુન્દર ઠઠ્ઠાચિત્ર એ વાર્તામાં દોરાયું છે. ગુજરાતી વાર્તાકલાના વિકાસમાં ઉમાશંકરનો ફાળો કથાવસ્તુના વૈવિધ્ય ઉપરાંત વાર્તાદેહના સ્વરૂપપલટા પરત્વે પણ ઘણો મોટો છે. ટૂંકી વાર્તાનું કલેવર ઘડનારાઓમાં ધૂમકેતુ પછી ઉમાશંકરે પણ એમના અનુગામીઓ ઉપર ભારે અસર કરી છે. ઉમાશંકરે વાર્તા લખવાને બદલે ઘરગથ્થુ રોજિંદી બોલીમાં વાર્તા ‘કહેવાની’ શરૂઆત કરી. શબ્દોના વપરાશમાં અત્યંત કરકસરવાળી સઘન શૈલીની એ કથનરીતિ ત્યાર પછીના ઘણા અનુગામીઓએ અપનાવી છે. પન્નાલાલ, પુષ્કર ચંદરવાકર વગેરેમાં એ અસર વધારે સ્પષ્ટ દેખાય છે. વાર્તાકથનમાં તળપદી બોલીનો વપરાશ પહેલવહેલો ધૂમકેતુએ શરૂ કરેલો અને દ્વિરેફે તે વિકસાવેલો. પણ એ કથનશૈલીનો પૂરેપૂરો કસ તો ઉમાશંકરે જ કાઢ્યો. ‘શ્રાવણી મેળો’ના સંગ્રહમાં ટૂંકી વાર્તાના ક્લેવરનાં જે કંડારણો છે એ આપણી વાર્તાના દેહવિકાસમાં સીમાચિહ્ન જેવાં છે. વાર્તાક્લેવરના ઉમાશંકરે ઢાળી આપેલ બીબાઓમાં ત્યાર પછી આપણા ઉત્તમોત્તમ વાર્તારસો રેડાયા છે અને એમાંથી ચિરંજીવ કલાકૃતિઓ નીપજી છે. સુન્દરમ્ સુધી આવતાં આપણે જોઈએ છીએ કે જીન્સી કથાવસ્તુની ભડક હવે સાવ દૂર થઈ ગઈ છે અને એ પ્રશ્નોને તદ્દન નિખાલસતાથી રજૂ કરતી વાર્તાઓ લખાવા માંડી છે. ‘ખોલકી’, ‘કૂતરાં’ અને ‘નારસિંહ’ આ નવા વલણના નમૂનાઓ છે. દ્વિરેફથી શરૂ થયેલો વાસ્તવદર્શનનો આગ્રહ સુંદરમ્માં વધારે સ્પષ્ટ દેખાય છે. ગ્રામજીવનના નિરૂપણમાં સુન્દરમ્ જાણે કે, ધૂમકેતુ તરફ પીઠ ફેરવીને બેઠા છે. ગામડાંઓમાં પણ માનવીઓ કેટલાં નિષ્ઠુર બની શકે છે એનું આલેખન ‘પની’ જેવી વાતોમાં લેખકે કર્યું છે. ગ્રામજીવનની માણસમાર ક્રૂરતાનું ‘માને ખોળે’માં નિરૂપણ થયું છે. ગ્રામીણ કૃપણતા ‘ગોપી’માં જોવા મળે છે. સુન્દરમે શહેરી જીવનની વાતો પણ લખી છે અને એમાં બહુધા જીન્સી વિકૃતિઓ વાર્તાવસ્તુ બનતી હોય એમ લાગે છે, ‘ભદ્રા’નું વસ્તુ પણ આ જાતનું જ છે. ‘ભીમજીભાઈ’ની વાર્તાને પણ આ વર્ગમાં મૂકી શકાય, છતાં એ વાર્તામાં જીન્સી વિકૃતિ ઉપરાંત એક વધારે વસ્તુ ધ્યાન ખેંચે છે. તે છે રાજદ્વારી મોવડીઓ પ્રત્યેનું આપણું બદલાયેલું વલણ. રાજકારણમાં હવે આપણે વ્યક્તિઓ કે વાદોથી અંજાઈ નહિ જતાં તટસ્થ દષ્ટિએ જોવા માંડ્યું છે. એને પરિણામે જ ‘દુર્ગા’ જેવી નાટિકા કે ‘ભીમજીભાઈ’ જેવી વાર્તાઓ લખાવા માંડી છે. વ્રતોને નામે જે વેવલાપણું આચરાવા લાગ્યું છે, એની ઠઠ્ઠા આપણા સાહિત્યપ્રકારોમાં પણ દેખા દેવા લાગી છે. રાજકારણ અને રાજકારણીય વ્યક્તિઓને પણ આપણે ન્યાયમૂલક દૃષ્ટિએ જોતાં શીખ્યા છીએ અને જાહેર વ્યક્તિઓ પ્રત્યેનું બાલિશ હરખઘેલાપણું હવે વિદાય લેતું જાય છે. છતાં એટલું કહેવું પડશે કે ‘ગટ્ટી’, ‘ગોપી’, ‘પુનમડી’ વગેરે સુંદરમ્ની ગ્રામજીવનની વાતોમાં જે કાવ્યતત્ત્વ છે, તે એમની શહેરી જીવનની વાતોમાં મુકાબલે ઓછું જોવા મળે છે. વળી, વાર્તાના સ્વરૂપ પરત્વે પણ કહેવું પડશે કે સુન્દરમ્ની શરૂશરૂની વાતોમાં જે સઘનપણું, આયોજનની એકસૂત્રતા અને લખાવટનો ઘાટો વણાટ છે તે બધું પછીની ‘ઉન્નયન’ની વાર્તાઓમાં ઓછા પ્રમાણમાં આવી શક્યું છે. પરિણામે એ વાર્તાઓ વાંચકોમાં પ્રતિપત્તિ જગાડવામાં આગલી વાર્તાઓની જેમ તાક્યાં તીર જેટલી સફળ નથી થતી. કથાવસ્તુ ગમે તેટલું જોરદાર હોય છતાં એનું નિરૂપણ નબળું થાય તો પરિણામમાં કેટલી કચાશ આવે છે તે આ ઉપરથી સમજાશે. પન્નાલાલની વાતો માટે પણ એમ કહી શકાય કે ધૂમકેતુની ગ્રામજીવનનું એકપક્ષી નિરૂપણ કરતી વાતોને સમતોલ કરવા માટે પન્નાલાલની વાતો કાંટાને સામે પલ્લે જઈને બેઠી છે. જરાય ઢાંકપિછોડો કર્યા વિનાની ગ્રામજીવનની વાસ્તવિકતા આલેખવામાં પન્નાલાલ જાણે કે સુંદરમ્ના અનુયાયી બન્યા છે. ‘શેઠની શારદા’, ‘રોટલાનો રળનાર’ વગેરે વાતોમાં ગ્રામજીવનની વિષમતા જોવા મળે છે. ગામડાંમાં પણ હરિયાળાં ખેતરોની સાથોસાથ ભયંકર ભૂખમરો છે એમ ‘રોટલાનો રળનાર’ જેવી વાતો કહી જાય છે. શહેરી જીવનની વાતોમાં પણ પન્નાલાલની પાત્રપસંદગી તો સમાજના નીચલા થરમાંથી જ થાય છે. ‘સુખદુઃખનાં સાથી’ એ શહેરની ફૂટપાથ ઉપરના ભિખારીઓનું તાદૃશ ચિત્રણ છે. પન્નાલાલ, પેટલીકર તથા પુષ્કર ચંદરવાકરને ગ્રામજીવનનો પ્રત્યક્ષ પરિચય હોવાથી એ જીવનનું આલેખન તેઓ વફાદાર અને સ્પર્શક્ષમ બનાવી શકે છે. ‘તાણાવાણા’ તથા ‘માનતા’ વાર્તાસંગ્રહોમાં પેટલીકરનો વાર્તાકસબ પરિપક્વ સ્વરૂપમાં દેખાય છે. પુષ્કર ગ્રામજીવનની બોલી ઉપર વિસ્મયજનક કાબૂ ધરાવે છે. ઉપરાંત, તેઓ સ્વભાવે નાટ્યકાર હોવાથી એમની વાર્તાઓમાં નાટ્યતત્ત્વ વિશેષ આવે છે. દુર્ગેશ શુક્લની વાર્તાઓએ આપણા સાહિત્યમાં એક અનોખી ભાત પાડી છે. દ્વિરેફની કોટિનું જીવનનિરૂપણ—વાસ્તવલક્ષી ચીલે અજબ પરલક્ષી જીવનનિરૂપણ—આ લેખકે કરી બતાવ્યું છે. ‘હૈયાસૂનો’, ‘પેલા ભવનાં વેરી’ અને ‘સૌ સૌના ધરમ’ જેવી કસબભરી વાતો આજકાલ બહુ ઓછી લખાય છે. કરસનદાસ માણેક એક જ વાર્તાસંગ્રહ આપીને અટકી ગયા છે. ‘ત્રણ તેરી શૂન્ય’ જેવી વાતોમાં માણેકની હળવી અને કટાક્ષયુક્ત નિરૂપણકલા જોવા મળે છે. રમણલાલ દેસાઈએ ‘પંકજ’ અને ‘ઝાકળ’ વાર્તાસંગ્રહોમાં કલાદૃષ્ટિએ ચડતી-ઊતરતી કોટિની વાતો આપેલી. ‘પ્રભુનો દરવાન’ જેવી વાર્તા ધૂમકેતુની લાગણીમયતા રજૂ કરે છે. ‘પુનર્મિલન’, ‘આંસુના પાયા’ અને ‘ચંદા’માં પણ સારો વાર્તાકસબ છે. સ્નેહરશ્મિની વાર્તાઓમાં લાગણીમયતાનું તત્ત્વ પ્રધાન ગણી શકાય ટાગોર અને ધૂમકેતુની ઊર્મિલતાનું મિશ્રણ ‘ગાતા આસોપાલવ’માં મળી આવે છે. જયંતી દલાલની વાર્તાઓનું મંડાણ શહેરી જીવનમાં હોય છે પણ એમની પાત્રસૃષ્ટિમાં શ્રીધર, ઉત્તરા અને ફાલ્ગુનીથી માંડીને શહેરના ફૂટપાથ પર દાતણ વેચતો સોમો વાઘરી, ગાડી હાંકનાર મહમદમિયા અને મીઠીમાંથી અસ્મત બનેલી નાજની સુધીનું વૈવિધ્ય હોય છે. મમદુમિયાંના ટટ્ટું ઉપર પણ લેખકે ‘અંધારી ગઈ’ નામે વાત લખી છે. ચેખૉવિયન નમૂનાની એ મઝાની વાર્તા છે. વાર્તાકારની સંવેદનની વ્યાપ્તિ અતિ વિશાળ છે, એ કારણે કથાવસ્તુમાં સારું વૈવિધ્ય આવી શક્યું છે. વળી સંવેદનની સૂક્ષ્મતાને કારણે જીવનની અતિ સામાન્ય લાગતી ઘટના, પ્રસંગ કે પાત્ર ઉપરથી જ લેખક સુંદર વાર્તા રચી કાઢી શકે છે. દલાલની ઘણી વાતોનું મંડાણ જીન્સી વસ્તુ ઉપર થતું હોય છે પણ એની રજૂઆત તો અન્ય વાર્તાકારો કરતાં સાવ જુદી જ હોય છે. ‘આઠમું પગલું’ એનું ઉદાહરણ છે. દલાલની વાર્તાઓનું મુખ્ય લક્ષણ તો લેખકની જિવાતા જીવત પ્રત્યેની સજાગતા છે. ૧૯૪૨થી ૧૯૪૫ સુધીના આપણા તવાયેલ રાષ્ટ્રજીવન અને સમાજજીવનની તાદૃશ છબિ જોવી હોય તો ‘ઉત્તરા’ વાર્તાસંગ્રહમાંથી મળી શકે એમ છે. બીજા બહુ ઓછા વાર્તાસંગ્રહો વિશે આમ કહી શકાશે. અને છતાં એ નોંધવું આવશ્યક છે કે દલાલની વાર્તાઓ સામ્પ્રત જીવનનું માત્ર ‘રિપોર્ટીંગ’ જ નથી કરતી. ટૂંકી વાર્તાની ‘ટેકનિક’ કે કસબને ભોગે એમની એક પણ વાર્તા નથી લખાઈ. બેંતાલિસની લડતમાં લીલાં માથાં વધેરતા શહીદોની તદ્દન ટૂંકી વાર્તા ‘લીલાં લીલાં દસ આપ્યાં, દસ આપ્યાં’ એનું ઉદાહરણ છે. સામાજિક સંપ્રજ્ઞતા ઉપરાંત દલાલની વાર્તાઓમાં ‘ટેકનિક’ની કુશળતાનું લક્ષણ પણ નોંધપાત્ર છે. આ વાર્તાકાર આયોજન અને રજૂઆતમાં એટલાબધા અખતરાપ્રેમી છે કે એમની ભાગ્યે જ કોઈ બે વાર્તાઓમાં ‘ટેકનિક’નું સામ્ય મળશે. ખૂબીભરી અનેક રીતોએ તેઓ વાર્તા લખી શકે છે. ‘મોહન ધૂળાની હિસ્ટરી ટિકિટ’ એનો નમૂનો છે. દલાલ અને બકુલેશની વાતોમાં ઘણું સામ્ય લાગે છે. બન્નેની વાતોનું મંડાણ શહેરી જીવનમાં હોય છે, છતાં બંને બહુધા ભદ્ર લોકોનાં નહિ પણ શોષિતો અને દલિતોનાં જીવન આલેખે છે. બન્ને લેખકો સામાજિક રીતે પૂરેપૂરા સંપ્રજ્ઞ છે. બન્નેને પોતપોતાનાં નિશ્ચિત રાજદ્વારી વલણો પણ છે. ઉપરાંત આ બન્ને વાર્તાકારોએ પરદેશી વાર્તા-સાહિત્યનું વ્યાપક પરિશીલન કર્યું છે, તેમ જ વાર્તાકસબનો ઊંડો અભ્યાસ કર્યો છે. આ કારણે જ દલાલની જેમ બકુલેશ પણ અન્ય વાર્તાકારથી સાવ જુદા તરી આવે છે. બકુલેશની પાત્રસૃષ્ટિ મર્યાદિત હોવા છતાં વિશાળ છે. મર્યાદિત એટલા માટે કે રેસ્ટોરાં, અંધારી ગલી, મજૂરચાલ, ફૂટપાથ વગેરે સિવાય ભાગ્યે જ બીજી સૃષ્ટિ તેઓ આલેખે છે. છતાં, એ સૃષ્ટિમાં તો એમનાં પાત્રો બહોળું વૈવિધ્ય ધરાવે છે. ગટરના ગારા ખૂંદતો પાંડુ, ફૂટપાથના રહેવાસી મમદુમિયાં અને ગુલાબી, સિગરેટનું ઠુંઠું શોધતો લંગડો, ઉંમર વધતાં જેની કમાણી ઓસરતી જાય છે એ ડોલી, બિરજું પાનવાળો, મુશ્તરી, કોલારનો ખાણિયો મજૂર નિમૈયો વગેરે એમનાં પાત્રો બને છે. એમનું આલેખન પૂરેપૂરી હમદર્દીથી થયું હોય છે, પ્રસંગો અને દૃશ્યોનાં ચિત્રણ લગભગ ‘ફોટોગ્રાફિક’ બની શકે છે. વિગતો પૂરવાની લેખકની હથોટી સરસ છે. એમની ઘણી વાતોમાં ધૂમકેતુની કોટિની લાગણીશીલતા હોય છે. ધૂમકેતુની પેઠે બકુલેશ પણ કથાના સેટીંગ તરીકે મ્હૈસુર, ઉત્તર હિંદનાં શહેરો, કલકત્તા, વાયવ્ય પ્રાંત વગેરે જુદાંજુદાં સ્થળો પસંદ કરે છે. ફેંકાઈ ગયેલાં, કચડાતાં-રીબાતાં માનવોનાં જીવન આલેખવાની લેખકને સારી ફાવટ છે. બકુલેશ પણ જયન્તી દલાલની જેમ ‘ટેકનિક’ના અવનવા પ્રયોગો કરવામાં રાચે છે. ‘ધુમાડિયું’ અને ‘વાર્તાની હરિણી’માં એ પ્રયોગશીલતા જોઈ શકાય છે. આ પ્રકારની વાર્તાઓનો ફાલ છેલ્લા દશકામાં સારા પ્રમાણમાં ઊતર્યો છે. એમાં જિતુભાઈ મહેતા, જયંત ખત્રી અને ‘સ્વપ્નસ્થ’નો ફાળો પણ મોટો છે. જિતુભાઈ પાસે એમની આગવી ગણવી પડે એવી ‘જિતુભાઈ-સ્ટાઈલ’ છે. તેઓ પત્રકારત્વમાં પ્રવેશ્યા ન હોત તો કદાચ પ્રથમ કોટિના કવિ બન્યા હોત. આજે પણ તેઓ ગદ્યમાં કાવ્યો જ લખી રહ્યા છે. એમની દૃષ્ટિ એક ઉગ્ર સંવેદનશીલ કવિની છે. જીવનની સામાન્યતામાં પણ રહેલી અસામાન્યતાને તેઓ કવિની નજરે પકડી પાડીને એની સંવેદનાને ઝડઝમકભરી ભાષામાં વ્યક્ત કરે છે. એમનાં લખાણની ભાગ્યે જ કોઈ લીટી શુષ્ક હોય છે. એમની વાર્તાઓની સંખ્યા સેંકડો ઉપર પહોંચી હશે. યુદ્ધકાળ દરમિયાન લાંબા સમય સુધી ‘વદેમાતરમ્’ દૈનિકમાં તેમણે દર અઠવાડિયે અકેકી વાર્તા લખેલી. આપણા રોજિંદા જીવન ઉપર પડેલા યુદ્ધના ઓછાયા એમાં ચીતરાયા હતા. સામાન્ય સંવાદી જીવનમાં યુદ્ધે ઊભા કરેલા વિસંવાદ અને વિનાશનું એમના જેવું વફાદાર આલેખન ભાગ્યે જ કોઈ વાર્તાકારે કર્યું છે. દૈનિક પત્રકારત્વ પણ પોતાની કટારોમાં જિવાતા જીવનનો પડઘો સાહિત્યસ્વરૂપો દ્વારા કેટલે સુધી પાડી શકે છે, એ ‘વંદેમાતરમ્’ દૈનિકે એ દિવસોમાં દેખાડી આપેલું. એમાં, મણિપુર મોરચે જાપાની આક્રમણકારો હિંદનાં બારણાં ખખડાવતા હતા એની કથા ‘મહાભારતનું પાનું’ નામે જિતુભાઈએ લખેલી, એ એ પ્રકારની કથાઓમાં બેનમૂન છે. અર્જુન અને ચિત્રાંગદાનો એ સ્થળનો જાણીતો પ્રસંગ લઈને લેખકે યુદ્ધકાલીન સંવેદનને શબ્દસ્થ કર્યું છે. ‘કિનારી’ અને ‘ડૉ. મધોક અને હું’માં પણ આ જ કોટિનો કસબ જોઈ શકાય છે. જયન્ત ખત્રીની વાર્તાઓ કથાવસ્તુ પરત્વે બકુલેશની વાર્તાઓને મળતી છે. તેમણે આયોજન પણ બકુલેશનું જ અપનાવ્યું છે. છતાં દરેક વાર્તામાં ખત્રીની પોતાની પ્રતિભા અછતી નથી રહેતી. તેમણે બાલ્ઝાક વગેરે ફ્રેન્ચ વાર્તાકારોનું સારું સેવન કર્યું છે. વળી, પોતે વ્યવસાયી તબીબ હોવાને કારણે રોજેરોજ સંખ્યાબંધ જીવતાં પાત્રોના પરિચયની તક તેમને મળતી રહે છે. પરિણામે, વાર્તાઓમાં સ્વાનુભવની ઝલક આવી શકે છે. શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓમાંની એક ‘લોહીનું ટીપું’ એ જીવન્ત પાત્રોની વાત હોવાની હકીકત એમણે કહેલી. તેમની દરેક વાર્તા વેધક હોય છે. ‘યાદ અને હું’, ‘અવાજ-અજવાળાં’ અને ‘શેર માટી’માં એ વેધકતા જોવા મળે છે. ‘કાળો માલમ’ જેવી વાતો તો સાગરખેડુઓનાં જીવનનો પ્રત્યક્ષ પરિચય ધરાવનાર જ લખી શકે. નૂતન ઇસપનીતિકથામાં સ્થાન પામી શકે એવી ‘હીરો-ખૂંટ’ની વાર્તા પણ પશુઓને ઓઠે માનવસ્વભાવનું જ આલેખન કરે છે. ખત્રી પણ અમુક નિશ્ચિત રાજદ્વારી મત ધરાવે છે, અને હમણાં હમણાં એને અનુલક્ષીને જ ઘણી વાર્તાઓ લખે છે. એમનાં સર્જનમાં પ્રગતિશીલ તત્ત્વો સારા પ્રમાણમાં છે. આ પ્રકારની વાતોમાં ‘સ્વપ્નસ્થે’ પ્રગતિ કરી છે કથાવસ્તુ પકડવાની આ લેખક પાસે ચકોર દૃષ્ટિ છે. વસ્તુવૈવિધ્યનો ફલક પણ મોટો છે. જીન્સી વસ્તુની છણાવટ તેઓ નિખાલસતાથી કરે છે. ‘મધવાળી’ અને ‘ત્રીજું નયન’ એનાં ઉદાહરણો છે. છતાં ‘ઘસારાની શરૂઆત’ જેવાં ઘેરા કરુણથી ભરેલાં કુટુમ્બચિત્રો પણ કોઈ રીતે ક્રમ ન ગણાય. હિંદુ મુસ્લિમ રાજકારણની ચર્ચા કરતી વાર્તા ‘ઉરસ’ એ વર્તમાન પરિસ્થિતિમાં હવે જૂનવાણી લાગશે, પણ યુદ્ધ પહેલાંનો હિંદુ-મુસ્લિમ પ્રશ્ન એમાં સારી છણાવટ પામ્યો છે. ક્વચિત્ ક્લિષ્ટ બનતી ભાષાશૈલીએ તેઓ પ્રસાદિક વાતો લખે છે. લેખક ધ્યેયલક્ષી સાહિત્યના પ્રખર હિમાયતી છે. વર્ગભેદ અને વર્ગવિગ્રહનાં ચિત્રો એ બકુલેશની પેઠે સ્વપ્નસ્થનો પણ પ્રિય વિષય છે. પણ એમની પ્રતિભાનો સાચો આવિષ્કાર તો આવી આયાસભરી વાતોને બદલે ‘સપરમે દિન’ જેવી સાહજિક રીતે ટપકાવાયેલી વાતોમાં જ જોવા મળે છે. આમ, છેલશંકર વ્યાસથી શરૂ થયેલ ‘ઉદ્વામ’ વાર્તા-વહેણ જુદાજુદા પ્રવાહોમાં જુદીજુદી કલમોએ સારી પ્રગતિ સાધી શક્યું છે. ગુલાબદાસ બ્રોકર શહેરી જીવનને અને મિત્રપત્નીના સંબંધને વાર્તાવસ્તુ તરીકે પસંદ કરે છે. ‘લતા અને બીજી વાતો’ અને ‘વસુંધરા અને બીજી વાતો’માં એ પ્રકારની વાતો છે. એકાદ પાત્રના મનોગત ઉપર પણ તેમણે વાર્તાઓ લખી છે. ‘નીલીનું ભૂત’ અને ‘ધૂમ્રસેર’ એના નમૂના છે. સમાજના શિક્ષિત અને ઉપલા થરોમાંથી જ થતી વસ્તુપસંદગી એ બ્રોકરની વિશિષ્ટતા કરતાં મર્યાદા જ ગણી શકાય. જો કે તેમણે ‘ગુલામદીન ગાડીવાળા’ જેવી નીચલા થરની વાતો પણ થોડી લખી છે ખરી. પણ લેખક બહુધા ભદ્રવર્ગનાં પાત્રોનાં આલેખનમાં જ રાચે છે. એ પ્રકારની વાતોમાં ‘જીવનની મોજ’ સારી બની શકી છે. ઉમેદભાઈ મણિયારના સંગ્રહ ‘પાંખ વિનાનાં’ની વાતોનો પ્રદેશ પણ બ્રોકરની વાતોના પ્રદેશને મળતો છે. તેમણે પણ શહેરી સ્ત્રીપુરુષ સંબંધ અને જીન્સી વસ્તુ આલેખતી વાર્તાઓ લખી છે. પણ તેમણે કાઠિયાવાડનું ગ્રામજીવન પણ જોયું છે તેથી ‘આંબો મસાણિયો’ જેવી કેટલીક ગ્રામજીવનની સુંદર કથાઓ આપી શક્યા છે. આપણે ત્યાં નિર્ભેળ શહેરી જીવનની વાતો લખનારાઓમાં ધનસુખલાલ મહેતા પછી નિરુ દેસાઈ છે. એમની ‘ચરણરજ’ની વાર્તાઓ શહેરી ભદ્રવર્ગની સ્ત્રીઓનાં જીવન આસપાસ ગૂંથવામાં આવી છે. ‘પ્રશાંત’ના સંગ્રહ ‘બળતાં પાણી’ની ઘણીખરી વાતો અને કાંતિલાલ. હ. પરીખની ‘માટીના ચૂલા’ની કથાઓને પણ આ વર્ગમાં મૂકી શકાય. જ્યોત્સ્ના ખંડેરિયાએ પ્રથમ વાર્તાસંગ્રહથી જ દૃષ્ટિયુક્ત વાર્તાઓની સર્જનશક્તિ બતાવી છે. સ્ત્રીજીવનના પ્રશ્નો ઉપરાંત પરદેશી વાતાવરણને પશ્ચાદ્ભૂમાં લઈને કથાઓ લખવાનો અખતરો પણ લેખિકાએ સફળતાપૂર્વક કર્યો છે. ‘વોલ્ગાને કાંઠે’ એ રશિયન જીવનની પણ ગુજરાતી લેખિકાએ લખેલી મૌલિક વાર્તા છે. ભવિષ્યમાં આ લેખિકા હજી વધારે સુન્દર કૃતિઓ આપી શકે એમ લાગે છે. સોપાન પાસે કથાવસ્તુની પસંદગીના મર્યાદિત પ્રદેશમાં પણ એક પોતીકી વિશિષ્ટ દૃષ્ટિ છે. આપણા મધ્યમવગી ગૃહસંસાર અને નૂતન યુગનાં યુવકયુવતીઓનાં જીવન-મર્મોને એ દૃષ્ટિ આબાદ પકડી પાડે છે. એ બન્ને જીવનપ્રદેશોની સંખ્યાબંધ વાતો લેખકે આપી છે. ‘દિવાળીનો પુનર્જન્મ’ એ સોપાનની આ પ્રકારની વાતોમાં સર્વશ્રેષ્ઠ ગણાય. સામાજિક રૂઢિઓ અને ભદ્ર વર્ગની કહેવાતી પ્રતિષ્ઠાએ તિરસ્કારેલ અને અપમાનિત કરેલ યુવતી દિવાળીની યાતનાઓની અસહ્યતામાંથી પરિણમતા વિફરાટની-બેફામપણાની આ કસબયુક્ત કથા છે. વાર્તાના આદિથી અંત સુધી, જેઠા વાળંદ જોડે નાસી જનાર દિવાળી પ્રત્યે વાંચકને રોષ કે ઘૃણા નહિ, પણ અનુકમ્પા જ ઊપજે છે, એ સાચી કલાકૃતિનું લક્ષણ ગણાય. અર્વાચીન યુવક-યુવતીનાં મનોવિશ્લેષણ કરતી સોપાનની કથાઓમાં ‘ઝાંઝવાનાં જળ’ એક પ્રતિનિધિ વાર્તા ગણી શકાય. એ વાર્તા, કથાની નાયિકા કિશોરીની એકલીની જ નથી, પણ નૂતન શિક્ષણે સર્જેલી યુવતીઓ, જે પોતાના ઝળહળાટની જ્યોતમાં અનેક ફૂદાંઓને ખાક કરવામાં જ રાચે છે, એવા ઘરઘરની નહિ તો શેરીએશેરીની કિશોરીઓની વાત છે. ચંદુલાલ પટેલ અને ‘સત્યમ્’ બન્નેએ પોતપોતાના પ્રથમ વાર્તાસંગ્રહો અનુક્રમે ‘હીરાની ખાણ’ અને ‘નિશિગંધા’ દ્વારા વાર્તાકાર તરીકે સારી ખ્યાતિ પ્રાપ્ત કરી લીધી છે. ‘સત્યમ્’ સામાન્યતઃ શહેરી જીવન આલેખે છે ત્યારે ચંદુલાલ પટેલને શહેરી જીવન ઉપરાંત ગ્રામજીવનનું આલેખન પણ સહેજ છે. બેઉ વાર્તાકારો નિયમિત લખ્યે જાય છે. નવોદિત વાર્તાકારોમાં તેઓ અવશ્ય આગળ આવશે. અશોક હર્ષ, ઇન્દુલાલ ગાંધી, ગોવિંદભાઈ અમીન, ભોગીલાલ ગાંધી, વિનોદિની નીલકંઠ, ‘ઈ. ન.’, લાભુબ્હેન મહેતા, ચુનીલાલ વર્ધમાન શાહ, સીતારામ શર્મા, ‘શયદા’, ચાંપશી ઉદ્દેશી વગેરેના વાર્તાસંગ્રહો પણ સારો લોકાદર પામ્યા છે. બ. ક. ઠાકોરના વાર્તાસંગ્રહ ‘દર્શનિયું’ની પણ દસ્તાવેજી અગત્ય છે હજી ગ્રંથસ્થ સ્વરૂપમાં જેમની વાર્તાઓ બહાર નથી આવી એવા, છૂટક સામયિકોમાં નિયમિત લખનારા ઘણા વાર્તાકારે ઊંચી આશા બંધાવી શક્યા છે. પુષ્કર ચંદરવાકર, નવીનચંદ્ર પંડ્યા, પરાગ જાની, વેણીભાઈ પુરોહિત, પિતામ્બર પટેલ, શંકર પંડ્યા અને બીજા ઘણાઘણા લેખકો ભવિષ્યે પોતાનું સ્થાન નિશ્ચિત કરશે જ.
(‘વાર્તાવિમર્શ’)પાદનોંધ :
- ↑ ૧૯૪૬માં ધર્મેન્દ્રસિંહજી કૉલેજ, રાજકોટમાં કરેલા પ્રવચનનાં ટાંચણ ઉપરથી વિસ્તારીને, પ્રગટ થયેલું, ‘નવચેતન’, એપ્રિલ ૧૯૪૮