સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ચુનીલાલ મડિયા/ગુજરાતી ટૂંકીવાર્તા : કાલની અને આજની

From Ekatra Foundation
Jump to navigation Jump to search



ગુજરાતી ટૂંકી વાર્તા : કાલની અને આજની

ટૂંકી વાર્તાનાં પગેરાં પંચતંત્ર, કથાસરિત્સાગર, સિંહાસન બત્રીસી કે વેતાળપચીસી આદિ ભારતીય કથાભંડારોમાં શોધવાના જે પ્રયત્નો થાય છે. એમાં સાચી યા ખોટી સ્વદેશીની ભાવના સંતોષાતી હશે, પણ પ્રામાણિકતા નથી સચવાતી. ભારતની અન્ય ભાષાઓની જેમ ગુજરાતીની અર્વાચીન ટૂંકી વાર્તા પણ સૉનેટ અને ‘લિરિક’ની જેમ મૂળ વિદેશી આયાત છે, અને આ ભૂમિમાં એને પગભર થયાને હજી અરધી સદી હમણાં જ પૂરી થઈ છે. આજે આપણે જેને અર્વાચીન ટૂંકી વાર્તા તરીકે ઓળખીએ છીએ એનું સર્વ પ્રથમ ખેડાણ કરવાનું માન વર્ષોથી સ્વ. ‘મલાયનિલ’-(કંચનલાલ વાસુદેવ મહેતા ૧૮૯૨–૧૯૧૯)ને આપવામાં આવતું હતું. મલયાનિલકૃત વાર્તા ‘ગોવાલણી’ને ગુજરાતની ભાષામાં ગૉગોલકૃત ‘ઓવરકોટ’ ગણીને જ સાહિત્યના સહુ પંડિતો આગળ વધતા. પણ મલયાનિલથી બે વર્ષ મોટેરા ધનસુખલાલ કૃ. મહેતાએ મલયાનિલ કરતાંયે વહેલેરી ટૂંકી વાર્તાઓ લખવા માંડેલી એમ જણાયા બાદ ગુજરાતી સાહિત્યની સર્વ પ્રથમ ટૂંકી વાર્તાનો સગડ મેળવવાના પ્રયત્નો થયા. ‘ગોવાલણી’ વાર્તા ઈ. ૧૯૧૮માં પ્રગટ થયેલી. પણ ધનસુખલાલ મહેતાએ ‘પ્રતિબિંબ અને છાયા’ તથા ‘ન્યાય’ નામની નવી ઢબની વાર્તાઓ ૧૯૧૮ પહેલાં રચેલી એ મતલબની માહિતી તાજેતરમાં અશોક હર્ષ અને ચાંપશી ઉદ્દેશીએ પ્રાપ્ત કરી છે. આ સાથે, ખુદ ધનસુખલાલ મહેતા પાસેથી જ એવી માહિતી મળી છે કે સર્વ પ્રથમ ગુજરાતી વાર્તા રચવાનો યશ તો ગુજરાતી જીવનનાં અનેક ક્ષેત્રોમાં અગ્રદૂત બની રહેનાર સ્વ. રણજિતરામ વાવાભાઈ મહેતાને જાય છે. પાશ્ચાત્ય ઢબની સર્વપ્રથમ સુંદર વાર્તા ‘હીરા’ નામે સ્વ. રણજિતરામે ઈ. ૧૯૦૪માં લખેલી એમ ધનસુખલાલ મહેતા જણાવે છે. આ અગાઉ વાર્તાઓ નહોતી જ લખાતી એમ નહિ કહી શકાય. એમ તો કવિ દલપતરામે ઉપદેશપ્રધાન વાર્તાઓનો સંગ્રહ ‘તાર્કિક બોધ’ નામે છેક ઈ. ૧૮૬૫માં આપેલો. એ અરસામાં ‘ગુજરાત અને કાઠિયાવાડ દેશની વારતા’ તથા ‘ગુજરાત જનવાર્તા’ નામક વાર્તાસંગ્રહો—બહુધા પ્રચલિત લોકકથાઓ અને કિંવદંતીઓના—પ્રગટ થયેલા. એના સંપાદક ફરામજી બમનજી પટેલ હતા. અનેક લેખનપ્રકારો ઉપર બેધડક કલમ ચલાવનાર, અને ગાંધીજીના વિલાયતવાસ વેળાના એક સુપરિચિત મિત્ર નારાયણ હેમચન્દ્રે ખોરાક, પહેરવેશ આદિના પ્રયોગોની જોડાજોડ વાર્તાલેખનના પ્રયોગો પણ કરેલા. આ ઉપરાંત કેશવલાલ મોતીલાલ, રામમોહનરાય જસવંતરાય, ‘મિસ્કીન’, શ્રીવાસ્તવ, સાધુચરિત અમૃતલાલ પઢિયાર, મસ્તરામ પંડ્યા, હરખજી માસ્તર, મણિલાલ છબારામ ભટ્ટ, ‘નારદ’ ભોગીન્દ્રરાવ દિવેટિયા, હાજીમહમ્મદ અને બીજાઓ પણ એ સમયના ‘સુંદરીસુબોધ’, ‘વાર્તાવારિધિ’, ‘ચન્દ્ર’, ‘સમાલોચક’, ‘સાહિત્ય’ આદિ માસિકોમાં વાર્તાનું કાઠું ઘડવા મથી રહ્યા હતા. કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે આ આરંભકાલીન વાર્તાલેખનના પ્રયોગોમાં કલા કરતાં બોધનું પ્રમાણ વિશેષ હતું. ઉપદેશને બદલે કલાત્મકતા ઉપર ઝોક આપવાનો આગ્રહ માત્ર રણજિતરામ અને મલયાનિલ જ રાખતા હતા. એમ તો કનૈયાલાલ મુનશી અને ધનસુખલાલ મહેતા પણ મલયાનિલના સમકાલીનો હતા, અને આ બન્ને લેખકોએ પછીથી અન્ય સાહિત્યપ્રકારો સાથે ટૂંકી વાર્તાનું પણ સારા પ્રમાણમાં ખેડાણ કર્યું છે. છતાં ૧૯૧૦થી ૧૯૨૦ સુધીના દાયકા દરમિયાન ગુજરાતી વાર્તા પગભર થવા મથી રહી હતી ત્યારે એ સાહિત્યપ્રવૃતિ ખેડવા માટે મલયાનિલ જેટલી સજ્જતા કદાચ બીજા કોઈ સમકાલીનમાં નહોતી દેખાતી. અલબત્ત, મલયાનિલની બધી જ વાર્તાઓમાં ગુણવત્તાનું ઘોરણ એક સરખું જળવાઈ શક્યું નથી. (એક નવા સાહિત્યછોડને પોતાની ભાષા ભૂમિમાં રોપવા અને દૃઢમૂલ બનાવવા મથી રહેલા કોઈ પણ પ્રયોગવીરની કૃતિઓમાં આવી ઉચ્ચાવચ સપાટી ન હોય તો જ આશ્ચર્ય.) છતાં ‘ગોવાલણી’ વાર્તામાં કર્તાએ નમૂનેદાર ટૂંકી વાર્તાના કલાવિધાનનું જે શિખર સર કર્યું એ તત્કાલીન ધોરણોએ ખરેખર ગર્વ પ્રેરે એવું હતું. મલયાનિલનું અકાળે અવસાન ન થયું હોત તો એમની ઘડાવા માંડેલી અને સ્થિર થઈ રહેલી કલમમાંથી ગુજરાતી ભાષાને ઘણી કલાસમૃદ્ધ વાર્તાઓ સાંપડી શકી હોત. વાર્તાક્ષેત્રે મલયાનિલ જે કામ અધૂરું મૂકી ગયા એ ધૂમકેતુ-(ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી)એ પૂરું કર્યું. ગાંધીજી આફ્રિકાથી આવ્યા બાદ ગુજરાતમાં સ્થિર થયા અને રાષ્ટ્રોત્થાનની પ્રવૃત્તિઓને ગ્રામાભિમુખ બનાવવા માંડી એ જ અરસામાં ધૂમકેતુની કલાત્મક વાર્તાઓનો ફાલ ઊતરવા માંડેલો, અને એમાં પહેલી જ વાર ગામડાંની છબિ ઝિલાવા લાગેલી. વીસીના આરંભમાં લખાયેલી ધૂમકેતુની વાર્તાઓ એમાંનાં કથાવસ્તુ તેમજ કલાવિધાનની બેવડી તાઝગીને કારણે અસાધારણ આકર્ષણનો વિષય બની રહેલ. ૧૯૨૬માં જ્યારે એ વાર્તાઓ ‘તણખા’ નામે ગ્રંથસ્થ થઈ ત્યારે ગુજરાતી વાર્તાસાહિત્યનાં વ્યવસ્થિત શ્રીગણેશ મંડાયા, એમ કહી શકાય. આ સંગ્રહમાં, હવે પછી ગુજરાતી વાર્તાસાહિત્યનાં વહેણો કઈ કઈ દિશાઓમાં વહેશે એનાં એંધાણો મોજૂદ હતાં. ‘પોસ્ટ ઓફિસ’ અને ‘ભૈયાદાદા’ જેવી વાતોમાં નાજુક તેમ જ ઉત્કટ લાગણીમયતાની છાંટ હતી, તો ‘આત્માનાં આંસુ’ જેવી, આમ્રપાલીનો જીવનકિસ્સો વણી લેતી રચનામાં કવિતાની કુમાશ હતી. ‘ગોવિંદનું ખેતર’ એ ધૂમકેતુની જ નહિ, સમસ્ત ગુજરાતી વાર્તાસાહિત્યની એક માર્ગસૂચક કૃતિ છે. એ માર્ગસૂચકતા એ વાર્તાની ઉત્તમતાને કારણે નથી. (એનાથી ચડિયાતી વાર્તાઓ ખુદ ધૂમકેતુએ તેમજ અન્ય વાર્તાકારોએ ઘણી લખી છે.) પણ પછીના દાયકાઓમાં વાર્તા તેમજ નવલકથા ક્ષેત્રે ગ્રામજીવનનું આલેખન કરતી કૃતિઓનો જે મબલખ પાક ઊતર્યો એના આરંભિક અંકુરો ધૂમકેતુએ ગોવિન્દના ખેતરમાં રોપેલા એમ કહી શકાય. દુનિયાના સર્વ વાર્તાકારો મૂળ ગૉગોલના ‘ઓવરકોટ’માંથી ઊતરી આવ્યા હોવાનું કહેવાય છે એમ ગુજરાતી સાહિત્યમાં પણ ગ્રામજીવનનું નિરૂપણ કરતી સઘળી કૃતિઓ મૂળ ગોવિન્દના ખેતરમાં ઊગેલી એમ કહીએ તો એમાં બહુ અત્યુક્તિ નહિ ગણાય. આ વાર્તા વિષે બીજી પણ એક બાબત નોંધપાત્ર છે. અને તે એ કે ગાંધીજીએ ‘ચાલો ગામડે’નું રીતસરનું એલાન આપ્યું, અને ખેતરનો કોશિયો પણ સમજી શકે એવા સાહિત્યનો આગ્રહ વ્યક્ત કર્યો એ પહેલાં જ આ કૃતિ રચાઈ ગયેલી. વળી, ગુજરાતમાં ઔદ્યોગિક ક્રાન્તિના આરંભમાં જ નગરસંસ્કૃતિનાં કેટલાંક દૂષણો આલેખતી અને ગ્રામજીવનની ‘કવિતા’ને રોમાંચક ઉઠાવ આપતી આવી વાર્તા રચાવા પામી એ પણ બહુ સૂચક ગણાય. ‘તણખા’ના પ્રથમ ખંડનું પ્રકાશન ગુજરાતી સાહિત્યમાં અગાઉ થયેલા ‘રાઈનો પર્વત’, ‘પૂર્વાલાપ’ આદિ શકવર્તી પ્રકાશનોની કક્ષાની એક ઘટનાવિશેષ બની રહેલ. પછી તો ‘તણખા’ના બીજા ત્રણ ભાગો પ્રગટ થયા. અને વાર્તાક્ષેત્રે ધૂમકેતુનું પ્રદાન ગુણવત્તા જેટલી જ ઈયત્તા પણ પ્રાપ્ત કરી રહ્યું. ધૂમકેતુની સિદ્ધિ તથા પ્રસિદ્ધિથી પ્રેરાઈને એમના અનુકરણ કરનારાઓની સંખ્યા વધવા લાગી. હેમિંગ્વે અને સરોયાનની નકલ કરનારાઓ નીકળેલા, એમ ધૂમકેતુની ઢબે પણ ધૂમકેતુની પ્રતિભા વિના વાર્તા લખવાના ઘણા પ્રયત્નો થયેલા. પણ નાનાલાલના રાસ-ગીતોના અનુકરણમાં ‘લોલ-લોલ’ કરનારાઓને કશો લાભ થયેલો નહિ એમ ધૂમકેતુના નકલિયાઓ પણ ‘આ માર્ગે હવે બીજા કોઈ લેખકો ન આવશો’ એવી લાલ બત્તી ચીંધવા પૂરતી જ સાહિત્યસેવા બજાવી શક્યા. રાષ્ટ્રજીવનમાં ઘણીવાર સાવ ભિન્નભિન્ન પ્રકૃતિ ને પ્રતિભા ધરાવનાર છતાં સરખી જ સમર્થ એવી બબ્બે વ્યક્તિઓ એકીસાથે અસ્તિત્વ ધરાવતી હોય છે. સાહિત્યક્ષેત્રે પણ ઘણીવાર એવું બને છે. ગેય અને અગેય, લાગણીપ્રધાન અને ચિંતનપ્રધાન, કૌતુકપ્રેમી અને સૌષ્ઠવપ્રેમી એમ સાવ ભિન્નભિન્ન પ્રકારની કવિતા રચનારા નાનાલાલ અને બ. ક. ઠાકોર એકીસાથે સર્જન કરતા હતા. વાર્તાક્ષેત્રે ધૂમકેતુ અને દ્વિરેફ (રામનારાયણ વિ. પાઠક)નું સહઅસ્તિત્વ પણ કાંઈક અંશે આ પ્રકારનો જ કિસ્સો ગણી શકાય. દ્વિરેફનું વાર્તાલેખન મુખ્યત્વે ‘પ્રસ્થાન’ માસિકના સંપાદનની આડ–નીપજ સમું હતું. ધૂમકેતુના વાર્તાસર્જન જેટલું એ વિપુલ પણ ન હતું. (નાના કદના ત્રણ સંગ્રહોમાં જ દ્વિરેફનું વાર્તાસર્જન સમાઈ જાય છે.) છતાં ગુણવત્તામાં એ એવું તો મૂલ્યવાન હતું કે ‘દ્વિરેફની વાતો’ (પ્રથમ ભાગ ૧૯૨૮) વિના ગુજરાતની વાર્તાસમૃદ્ધિ ઊણી રહી ગઈ હોત. વીસીના દાયકા દરમિયાન ધૂમકેતુ અને દ્વિરેફ ‘બળિયા જોદ્ધા બે’ જેવી ધીંગી જોડલી બની રહેલા. જીવનને નિહાળવાનું અને વાર્તામાં આલેખવાનું ધૂમકેતુનું વલણ લાગણીશીલ હતું, તો દ્વિરેફનું બુદ્ધિપૂત હતું. એક કૌતુકરાગી હતા, તો બીજા સૌષ્ઠવપ્રેમી હતા. એકને માનવજીવનની સ્થૂલ બાહ્ય ઘટનાઓ, આલેખવાની કુશળતા સાંપડેલી, બીજાને માનવીના આંતર-મનમાં, મનોઘટનાઓમાં વિશેષ રસ હતો. વીસીના એક જ દાયકામાં ગુજરાતી વાર્તા એટલું તો ગજુ કાઢી ગઈ કે ઘણા પંડિતો અને વિદ્વાનો-વિવેચકોએ પણ એને ખેડવાયોગ્ય સાહિત્યપ્રકાર ગણ્યો. દ્વિરેફના જ એક સહકાર્યકર અને સહલેખક રસિકલાલ છોટાલાલ પરીખે પણ ‘સંજય’ ઉપનામ તળે કેટલીક ચુનંદી વાર્તાઓ લખી, જે ‘જીવનનાં વહેણો’ નામે ગ્રંથસ્થ થઈ. શુદ્ધ કવિતા સિવાય ઓછેરી કોઈ જ ચીજથી ન રીઝે એવા દુરારાધ્ય કવિ-સાક્ષર-વિવેચક બલવન્તરાય ક. ઠાકોરે પણ ટૂંકી વાર્તા ઉપર હાથ અજમાવેલો. એમના વાર્તાસંગ્રહ ‘દર્શનિયું’માંની મૌલિક તેમ જ અનુદૂતિ રચનાઓ આજને ધોરણે કલાત્મકતામાં ઘણી ઊણી ઊતરે છે, છતાં એક સાહિત્યસ્વરૂપ તરીકે ટૂંકી વાર્તાની ગુંજાશ વિદ્વદ્‌વર્ગમાં પણ સ્વીકૃતિ પામી રહી હતી એટલું તો આમાંથી ફલિત થાય જ છે. આ અરસામાં કનૈયાલાલ મુનશીએ પણ વાર્તાનું સંવનન કરી જોયેલું અને ‘શામળશાનો વિવાહ’ જેવી વેધક કૃતિઓ રચેલી. પણ એમની જ એક વાર્તાનું શીર્ષક વાપરીને કહીએ તો, ટૂંકી વાર્તા તો મુનશી માટે બહુબહુ તો ‘કામચલાઉ ધર્મપત્ની’ જ બની શકી, કેમકે એમની કાયમી ધર્મપત્ની તો નવલકથા જ રહેલી. મુનશીસંચલિત સાહિત્યસંસદ અને ‘ગુજરાત’ માસિક એ જમાનામાં ગુજરાતની સર્જક ચેતનાનું કેન્દ્ર બની રહેલાં. એની અસર તળે ઘણીયે નવીનવી કલમો પાંગરવા લાગેલી. બટુભાઈ ઉમરવાડિયા અને ઇન્દુલાલ ક. યાજ્ઞિક સુદ્ધાંએ થોડો સમય ટૂંકી વાર્તાનું સેવન કરેલું. પણ ધૂમકેતુ-દ્વિરેફ પછી ગુજરાતી વાર્તાને નવું પરિમાણ તો, બે અગ્રણી કવિઓ નૂતન વાર્તાલેખન તરફ વળ્યા ત્યારે જ સાંપડ્યું. ત્રીસીના આરંભમાં ઉમાશંકર જોશી અને સુન્દરમ્‌ (ત્રિભુવનદાસ પુ. લુહાર) અનુક્રમે ‘વાસુકિ’ અને ‘ત્રિશૂલ’નાં ઉપનામો તળે વાર્તાઓ લખવા લાગ્યા. ઉમાશંકરકૃત ‘શ્રાવણી મેળો’ અને સુન્દરમ્‌કૃત ‘હીરાકણી અને બીજી વાતો’ ત્રીસીના દાયકાની વાર્તાસમૃદ્ધિમાં મૂલ્યવાન ઉમેરા બની રહ્યા. ઉમાશંકરે ગુજરાતી ગદ્યની સઘળી ગુંજાશનો કસ કાઢીને વાર્તામાં વાસ્તવદર્શનની એક નવી જ સપાટી સિદ્ધ કરી. ધૂમકેતુ અને દ્વિરેફનાં અનુકરણોમાં અટવાવા માંડેલ વાર્તાના વહેણને ઉમાશંકરે કથાના અંતરંગ તેમજ બહિરંગની ‘મૌલિકતા અને તાઝગી વડે એક નવી મોકળાશ આપી. ઉપરાંત, એક જ ઘરેડના બીબામાં ઢળતી જતી વાર્તાઓમાં જે એકવિધતા આવવા માંડી હતી એને પણ ઉમાશંકરે આયોજન તેમજ નિરૂપણના પુષ્કળ પ્રયોગો વડે ટાળી. સુન્દરમ્‌ની વાર્તાઓમાં ઉમાશંકર જેટલું વૈવિધ્ય કે પ્રયોગશીલતા ન હોવા છતાં ગ્રામજીવન તથા નગરજીવનના આલેખનમાં એમણે એક નવી દૃષ્ટિની પ્રતીતિ કરાવી. આ યથાર્થદર્શિતાને ચીલેચીલે જ પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, પુષ્કર ચંદરવાકર પિતાંબર પટેલ, દેવશંકર મહેતા, સારંગ બારોટ, સુહાસી તથા પ્રાદેશિકતાનું આલેખન કરનારા અન્ય વાર્તાકારો ચાલ્યા. ગુલાબદાસ બ્રોકર તથા કિશનસિંહ ચાવડાએ પણ નગરજીવનનાં ચિત્રો આલેખ્યાં. પણ આ યથાર્થદર્શી અને પ્રાદેશિક જૂથે ગ્રામજીવનનું જે આલેખન કર્યું એ એમની સિદ્ધિ સાથે મર્યાદા પણ બની રહ્યું. છતાં આ વર્ગના વાર્તાકારોમાં પેટલીકર અને પુષ્કર ચંદરવાકરને વ્યાપક લોકજીવનના પ્રત્યક્ષ સંપર્કની જે સુવિધા સાંપડી એને પરિણામે તેઓ પોતાની વાર્તાસૃષ્ટિમાં એકવિધતા ટાળી શક્યા. ‘લોહીની સગાઈ’માં પેટલીકર યથાર્થદર્શનની એક નવી કલાત્મક કક્ષા સાધી શક્યા. ‘બાંધણી’માં પુષ્કર ચંદરવાકર એક વિલક્ષણ કથાવસ્તુને વાસ્તવિક માવજત આપી શક્યા. આ ‘પ્રાદેશિકતા’ને પરિણામે ગુજરાતના વિવિધ પ્રદેશોની પશ્ચાદ્‌ભૂ તથા લોકબોલીની વિશિષ્ટતાઓ પણ વાર્તામાં ઊતરી આવી. પન્નાલાલે ઈશાનિયા મુલક માંડલી-ડુંગરપુર પંથકની બોલી જીવતી કરી. પેટલીકરે ચરોતરનાં ગામડાંનું યથાતથ આલેખન કર્યું. પિતાંબર પટેલે ઉત્તર ગુજરાતનો એક ખંડ વાર્તામાં ઉતાર્યો. પુષ્કરે ભાલના કાંઠાના નપાણિયા મુલકની છબી ઝીલી. દેવશંકર મહેતાએ ઝાલાવાડનાં ગામડાંને જીવતાં કરી બતાવ્યાં. ‘સુહાસી’એ સુરત પ્રદેશના હાળીઓનાં જીવનમાં ડોકિયું કરાવ્યું. ગુજરાતી વાર્તામાં ગ્રામજીવનના આ યથાર્થદર્શનની સાથે જ નગરજીવનના યથાર્થ નિરૂપણનો એક પ્રવાહ સમાન્તર વહી રહ્યો હતો. મુનશી સંચાલિત સામયિક ‘ગુજરાત’ની જેમ જ રણછોડલાલ લોટવાલાના અખબાર ‘હિન્દુસ્તાન પ્રજામિત્ર’માં પણ કેટલીક તેજસ્વી કલમો એકઠી થઈ હતી. ઇન્દુલાલ યાજ્ઞિક, છેલશંકર વ્યાસ, બકુલેશ, યજ્ઞેશ શુક્લ, સીતારામ શર્મા, ખંડુભાઈ દેસાઈ, જિતુભાઈ મહેતા, રવિશંકર વિ. મહેતા, મસ્ત ફકીર, બચુબેન લોટવાલા વગેરે અવારનવાર વાર્તાઓ લખીને ગુજરાતી વાર્તાનું એક નવું જ કાઠું ઘડી રહ્યા હતા. અત્રે એક ઐતિહાસિક મહત્ત્વની હકીકત નોંધવી જોઈએ કે ઇન્દુલાલ યાજ્ઞિકકૃત ‘કુમારનાં સ્ત્રીરત્નો’ની પ્રકાશનસાલ અને ‘તણખા’ મંડળ પહેલાની પ્રકાશનસાલ એક જ—૧૯૨૬—છે. આજે ઇન્દુલાલ વાર્તાકાર તરીકે ભુલાઈ ગયા છે. એ જ રીતે, ‘વાતોનું વન’ લખનાર બટુભાઈ ઉમરવાડિયાને પણ આજે વાર્તાકાર કરતાં વિશેષ તો એકાંકી લખનાર તરીકે જ યાદ કરવામાં આવે છે. સીતારામ શર્મા એક જમાનામાં જથ્થાબંધ વાર્તાઓ લખતા. ‘કેળાંવાળી અને બીજી વાર્તાઓ’ જેવી હળવી ને રમૂજપ્રેરક કૃતિઓ વડે મસ્ત ફકીરે એક નવો જ ચીલો પાડેલો, જે એમના અવસાન સાથે જ અવસાન પામ્યો લાગે છે, કેમકે, મસ્ત ફકીર પછી કોઈ જ લેખકે એવી વાર્તાઓ લખવાનો પ્રયત્ન નથી કર્યો. આ જૂથના લેખકોમાંથી વાર્તાઓનું વધુમાં વધુ ખેડાણ બકુલેશ અને જિતુભાઈ મહેતાએ કર્યું છે. એમની વાર્તાઓએ નગરજીવનનો ખૂણેખૂણો અજવાળી આપ્યો છે. દ્વિરેફ અને ધૂમકેતુની જેમ બકુલેશ અને જિતુભાઈ પણ પરસ્પર પૂરક પ્રતિભા બની રહેલા. બકુલેશ પાસે જીવનને નિહાળવાનો એક ઉદ્દામ દૃષ્ટિકોણ હતો. જિતુભાઈની નજર નિર્ભેળ કવિની હતી. બન્નેએ સેંકડોની સંખ્યામાં વાર્તાઓ લખી, પણ બહુ જ થોડી ગ્રંથસ્થ થઈ શકી. બકુલેશકૃત ‘કાદવનાં કંકુ’ની વાર્તાઓ પાછલી ગલી ને ગટર ઉપરાંત પણ નગરજીવનના ઘણાયે અંધારા ખડકો અજવાળી આપે છે. જિતુભાઈ મહેતાકૃત ‘ખરતા તારા’માં એક કવિના ‘આંખ અને કાનના અસલી અનુભવ’ની વાતો છે. ગુજરાતી વાર્તાનો વિકાસ આરંભથી જ કેટલાંક પ્રાણવાન સામયિકો અને અખબારો સાથે સંકળાયેલો છે. આરંભકાળે હાજીમહમ્મદ અલારખિયા શિવજીનું ‘વીસમી સદી’ કલાત્મક ગુજરાતી વાર્તાનું જનક બનેલું. પછીથી ‘ગુજરાત’ તથા ‘હિન્દુસ્તાન-પ્રજામિત્ર’ પત્રો મારફત એને પોષણ મળેલું. આવું જ પોષણ એ વેળા રાણપુરની ‘સૌરાષ્ટ્ર’ સંસ્થા મારફત પણ મળેલું. સૌરાષ્ટ્ર સંસ્થામાં અખબારનવેશોનું એક ખાસ્સું ખાડું એકઠું થયેલું. આમાંના ઝવેરચંદ મેઘાણી, ગુણવંતરાય આચાર્ય, કકલભાઈ કોઠારી, રામુ ઠક્કર, વગેરેએ અવારનવાર વાર્તાઓ લખેલી. પણ એમાં વધુમાં વધુ અર્પણ મેઘાણી અને ગુણવંતરાયનું ગણી શકાય. મેઘાણીએ આરંભમાં તો સામાજિક અનિષ્ટો સામે જેહાદ જગાવતી ‘ચિતાના અંગારા’ જેવી જોમવંતી છતાં પ્રચારલક્ષી વાર્તાઓ આપેલી, પણ એમની કલમ સતત વિકાસશીલ હતી તેથી છેલ્લા વાર્તાસંગ્રહ ‘વિલોપન’માં તેઓ વાર્તાના અંતરંગ તથા બહિરંગ બન્નેમાં નવી સપાટીઓ સિદ્ધ કરી શકેલા. ‘ચમનની વહુ’ જેવી વાર્તા વાંચતાં એમ લાગે છે કે મેઘાણી અકાળે અવસાન પામ્યા ન હોત તો એ કલમમાંથી હજીયે વધારે કલાત્મક વાર્તાઓ નીપજી શકી હોત. ટૂંકી વાર્તાના બહિરંગમાં પણ આયોજન અને નિરૂપણના એક હજાર વિવિધ નમૂના ઉતારવાની મેઘાણીની મુરાદ હતી. સ્નેહરશ્મિ (‘ગાતા આસોપાલવ’ વગરે) સોપાન (‘ઝાંઝવાંનાં જળ’ વગેરે), રમણલાલ વ. દેસાઈ (‘ઝાકળ’, ‘પંકજ’) વગેરેએ આ સમયગાળામાં સારું સર્જન કરેલું. ઉમેદભાઈ મણિયાર (‘પાંખ વિનાના’) મુરલી ઠાકુર (‘પરબનાં પાણી’), પ્રશાન્ત (‘બળતાં પાણી’), અશોક હર્ષ (‘સુષમા’), ચુ. વ. શાહ વગેરેએ એકેક વાર્તાસંગ્રહ આપીને પણ ગુજરાતી વાર્તાસમૃદ્ધિમાં સારું વૈવિધ્ય ઉમેર્યું છે. ગાંધીજીના આગમન બાદ ભારતભરમાં સ્ત્રીઓને જે સમકક્ષ સ્થાન પ્રાપ્ત થયું એનું એક સીધું પરિણામ સાહિત્યમાં દેખાયું. સાહિત્યક્ષિતિજે સંખ્યાબંધ લેખિકાઓનો ઉદય થયો, અને એમનો વધુમાં વધુ લાભ વાર્તાસાહિત્યને મળ્યો. આરંભમાં લીલાવતી મુનશીએ ‘જીવનમાંથી જડેલી’ નામે વાર્તાસંગ્રહ આપેલો. સુધારાયુગમાં ગંગાબેન પટેલે ‘ગુજરાતણ ટાઇપિસ્ટ’ નામે વાર્તાસંગ્રહ આપેલો. જ્યોત્સ્ના શુક્લ પણ અગાઉ સાહિત્યપ્રયાસ કરતાં. વિદ્યાગૌરી નીલકંઠે પણ છૂટીછવાઈ વાર્તાઓ રચેલી. એ બાદ વિનોદિની નીલકંઠ અને લાભુબેન મહેતાએ વ્યવસ્થિત વાર્તાલેખન કર્યું, અને અનુક્રમે ‘દિલદરિયાનાં મોતી’ તથા ‘બિન્દી’ નામે વાર્તાસંગ્રહો આપ્યા. સાંસારિક સમસ્યાઓમાં નારીજીવનનું દૃષ્ટિબિંદુ સમજવામાં આ લેખિકાઓએ સારી સહાય કરી. જ્યોત્સના ખંડેરિયા ‘તેજ-છાયા’ નામે એક વાર્તાસંગ્રહ રચીને વિરમી ગયાં છે. ઉષા જોષી, સૌદામિની મહેતા તથા સરોજિની મહેતાએ પણ એકેક વાર્તાસંગ્રહ આપ્યો છે. સ્ત્રીલેખિકાઓ માટે મુખ્ય પ્રશ્ન સામાજિક-સાંસારિક કે કૌટુંબિક નિરીક્ષણો અને સમસ્યાઓને કલાની સપાટીએ પહોંચાડવાનો રહે છે. એ પ્રશ્ન તાજેતરમાં કુન્દનિકા કાપડિયા ‘પ્રેમનાં આંસુ’ વાર્તાસંગ્રહમાં ઉકેલી શક્યાં હતાં. એમને પગલે સરોજ પાઠક, ધીરજબેન પારેખ, નયના દવે, ધીરુબહેન પટેલ, જયંતિકા પરમાર, સરલા જગમોહન અને અન્ય લેખિકાઓ આજે બહોળા પ્રમાણમાં વાર્તાઓનું ખેડાણ કરી રહ્યાં છે. બકુલેશ-જિતુભાઈએ આરંભેલ નગરજીવનના યથાર્થદર્શનનું વહેણ જયંત ખત્રીમાં વધારે કલાત્મક અને વધારે પરિપક્વ સ્વરૂપમાં જોવા મળ્યું. ‘ફોરાં’ (૧૯૪૪) વાર્તાસંગ્રહમાં જયંત ખત્રી એક કુશળ વાર્તાકાર તરીકે રજૂ થયા. જયંત ખત્રીએ નગરજીવનનું જે યથાર્થદર્શન કરાવ્યું એવું જ દુર્ગેશ શુક્લ ગ્રામજીવનમાં કરાવી શક્યા. તાજેતરમાં પ્રગટ થયેલો એમનો સંકલિત વાર્તાસંગ્રહ ‘સજીવન ઝરણાં’ એક પાકટ હથોટીનો પરચો કરાવે છે. ‘સૌરાષ્ટ્ર’, ‘હિન્દુસ્તાન-પ્રજામિત્ર’ વગેરેની જેમ અમદાવાદથી પ્રગટ થઈને એક દાયકામાં બંધ થઈ ગયેલું ‘રેખા’ માસિક પણ વાર્તાસાહિત્યમાં કેટલીક તેજસ્વી લેખિનીઓનું પ્રદાન કરીને યાદગાર બની ગયું. ચાલિસીના ગાળામાં આ માસિકે જયંતી દલાલની વાર્તાઓ આપી. વાસ્તવમાં આ વાર્તાઓ બકુલેશ—જિતુભાઈ-ખત્રીના યથાર્થદર્શનની પરંપરામાં હતી, છતાં એ ત્રણેય કરતાં એક ડગલું આગેકદમ જતી હતી. ‘ઉત્તરા’ (૧૯૪૪) વાર્તાસંગ્રહથી શરૂ થયેલી અને ‘આ ઘેર, પેલે ઘેર’ (૧૯૫૬) સુધી વિસ્તરતી દલાલની કલમે વાર્તાના અંતરંગ તેમ જ બહિરંગમાં એટલા તો અખતરા કર્યાં કે એમને ટૂંકી વાર્તાના પ્રયોગવીર જ કહેવા પડે. ‘રેખા’ માસિકે બીજી પણ ઘણી લેખિનીઓનું ઘડતર કરેલું. નિરુ દેસાઈકૃત વાર્તાસંગ્રહ ‘ચરણરજ’ આ સામયિકની જ નીપજ હતી. ‘રેખા’ સંચાલિત ગતિ ગ્રંથમાળાએ સુન્દરમ્‌નો વાર્તાસંગ્રહ ‘ખોલકી અને નાગરિકા’ પ્રગટ કરેલો, એ ગુજરાતી સાહિત્યમાં યથાર્થદર્શનની દિશામાં વળી એક નવું જ સીમાચિહ્ન બની રહેલ. આજે જેને નવીન અને યથાર્થદર્શી વાર્તા તરીકે ઓળખવામાં આવે છે એનાં થોડાંક મૂળિયાં આ ‘ખોલકી’માં રોપાયેલાં છે એમ કહી શકાય. ૧૯૫૦થી ૧૯૬૦ના દાયકામાં ગુજરાતી વાર્તાનો ફલક ઘણો વિસ્તર્યો છે. એકી સાથે આટલીબધી કલમો આગલા કોઈ દાયકામાં જોવા મળી ન હતી. આમાં સુરેશ જોષીએ ‘ગૃહપ્રવેશ’ અને ‘બીજી થોડીક’ વડે વાર્તારસિકોનું સારું ધ્યાન ખેંચ્યું છે. આજની વાર્તા કિસ્સા કરતાં એની કલાત્મક માવજત ઉપર વધારે ધ્યાન આપતી જણાય છે. આજના વાર્તાકારને સ્થૂલ ઘટના કરતાં મનોઘટનામાં વિશેષ રસ છે. સીધાં કથનને બદલે રૂપક યા પ્રતીક મારફત રજૂઆત કરવામાં નવીન વાર્તા વધારે રાચે છે. આજે ગુજરાતી ભાષામાં કેવળ વાર્તાઓ જ પ્રગટ કરનારાં નાનાંમોટાં મળીને ડઝનેક જેટલાં સામયિકો ચાલે છે. પરિણામે, વાર્તાઓનું લેખન પણ વિપુલ પ્રમાણમાં થઈ રહ્યું છે. છેલ્લા દોઢ દાયકામાં મેહમ્મદ માંકડ (‘એંઠું ધાન’), વેણીભાઈ પુરોહિત (‘વાંસનું વન’), સારંગ બારોટ (‘વિમોચન’), કુન્દનિકા કાપડિયા (‘પ્રેમનાં આંસુ’), સરોજ પાઠક, (‘પ્રેમઘટા ઝૂક આઈ’), રમણ પાઠક (‘સબસે ઊંચી પ્રેમ સગાઈ’) ભગવતીકુમાર શર્મા (‘દીપસે દીપ જલે’), મોહનલાલ પટેલ, કેતન મુનશી (‘સ્વપ્નનો ભંગાર’) ધીરુબહેન પટેલ (‘અધૂરો કોલ’) ધીરજબહેન પારેખ (‘લક્ષ્મીનાં પગલાં’), ભગવત ભટ્ટ (‘કિટી અને ધાગા’) ચંદુલાલ સેલારકા (‘દૂરના ડુંગરા’), શિવકુમાર જોષી (‘ત્રિશૂળ’), ચન્દ્રકાન્ત બક્ષી (‘પ્યાર’), છગનલાલ પરમાર (‘અનાવરણ’), નરેન્દ્ર દવે, જયન્ત પરમાર પદ્મા ફડિયા (‘દીપ-પ્રદીપ’), હીરાલાલ ફોફલિયા (‘રંગમેળો’), ભૂપત વડોદરિયા, સુરેશ ગાંધી (‘આત્મચક્ષુ’), વિષ્ણુકુમાર પંડ્યા (‘દિલની સગાઈ’), ઓમપ્રકાશ ખન્ના (‘કેતકી અને કાંટા’), લલિતકુમાર શાસ્ત્રી, અમૃતકુમાર મેર, વગેરે કલમો સ્થિર થઈ ચૂકી છે. બીજી ડઝનેક આશાસ્પદ કલમો સ્થિર થવા મથી રહી છે. ગઈ કાલ સુધી સારું વાર્તાસર્જન કરી રહેલી કેટલીક ઓજસ્વી કલમો આજે અટકી ગઈ છે અથવા તો કામચલાઉ પોરો ખાઈ રહી લાગે છે આમાં ઉમાશંકર જોશી, સુન્દરમ્‌, સ્નેહરશ્મિ, સ્વપ્નસ્થ, કિશનસિંહ ચાવડા, ચંદુલાલ પટેલ, જયંત ખત્રી, ઉમેદભાઈ મણિયાર, સત્યમ્‌ સાથે બીજાં પણ કેટલાંક નામ ગણાવી શકાય. સામે પડછે કેટલીક નવી કલમો ટૂંકી વાર્તાનું સારા પ્રમાણમાં ખેડાણ કરી રહી છે. આમાં વનુ પાંધી, પ્રમોદ સોલંકી, રમેશ જાની, દિલીપ રાણપુરા, સવિતા રાણપુરા, હરીન્દ્ર દવે, પ્રિયકાન્ત પરીખ, ભાનુ ઝવેરી, વસુબેન ભટ્ટ, જ્યોતિષ જાની, શાંતિ રા. શાહ, ઉત્સુક, જયંત ગાંધી, વિઠ્ઠલ પંડ્યા, જસવંત મહેતા અને બીજાઓને ગણાવી શકાય. આ અને બીજા ઘણા લેખકો પાસે એકથી વધારે સંગ્રહ થઈ શકે એટલી વાર્તાઓ એકઠી થઈ હોવા છતાં આપણા વિવેચનની અને ગ્રંથપ્રકાશનતી પ્રવૃત્તિ પણ સર્જાતા સાહિત્યથી એક દાયકા જેટલી પછાત હોવાને કારણે એ વાર્તાઓ ગ્રંથસ્થ ન થતી હોેવાથી નવી કલમોને સ્થિરતાથી મૂલવવાની વાચકોને તક નથી મળતી. છતાં નવીનોના જૂથમાં લક્ષ્મીકાન્ત ભટ્ટ અને મનસુખલાલ મોહનલાલ ઝવેરીમાં એક નવી જ તાઝગી અને દૃષ્ટિ દેખાઈ આવે છે ખરી. તાજેતરમાં કવિ હસમુખ પાઠકે પણ વાર્તાક્ષેત્રે નવી કલમની પ્રતીતિ કરાવી છે. આજની ગુજરાતી વાર્તાએ ગઈ કાલનાં ઘણાંખરાં વળગણ છોડી દીધાં છે એ આ સાહિત્યપ્રકારની નરવાઈની જ નિશાની ગણવી જોઈએ. આજે ધૂમકેતુને ચીલે ચાલવાનો બહુ લેખકો પ્રયત્ન કરતા નથી. ખુદ ધૂમકેતુ જ હમણાં હમણાં નવા ચીલા પાડવા મથી રહ્યા હોય એમ એમના તાજેતરના વાર્તાસંગ્રહ ‘નિકુંજ’ ઉપરથી આછેરો અણસારો મળે છે. આજે ગુજરાતી ટૂંકી વાર્તાના ગળામાં કોઈ અમુક જ ‘ઘરાના’નું ઘંટી-પડ નથી રહ્યું એ પણ એના મોકળાશભર્યા વિકાસ માટેની એક અનુકૂળતા ગણાય. ગુજરાતી સાહિત્યની વાટિકામાં ચારેક દાયકા પૂર્વે ટૂંકી વાર્તાનો છોડ રોપનારા આરંભિક બાગબાનો ધૂમકેતુ અને ધનસુખલાલ મહેતા તો સદ્‌ભાગ્યે આપણી વચ્ચે વિદ્યમાન છે. તેઓ પોતે વાવેલા રોપનો આટલો વિપુલ ને વિવિધતાસભર ફાલ જોઈને કૃતકૃત્યતા અનુભવતા હશે. આ વિપુલતા અને વિવિધતાની વાતમાંથી એક જાણીતી ટીકા યાદ આવે છે. ગઈ કાલને મુકાબલે આજની વાર્તાનો વિસ્તાર વધ્યો છે. અને ઉંડાણ ઘટ્યું છે એ મતલબનું એક પોપટવાક્ય, આગુ-સે-ચલી-આતી-હૈ ઢબે વારંવાર ઉચ્ચારવામાં આવે છે. પણ આ વાહિયાત વિધાનના ઉંડાણમાં ઊતરવાની ખેવના ભાગ્યે જ કોઈએ કરી હોય. ગઈ કાલની વાતોમાંનું ‘ઉંડાણ’ પણ એક રસિક ચર્ચાનો વિષય બની શકે એમ છે. ગઈ કાલના વાર્તાસાહિત્યનું પુનર્મૂલ્યાંકન થવાનું હજી બાકી છે. અને એ પુનર્મૂલ્યાંકન પછી જ એ વાર્તાઓની સાચી ઉંડાઈનો અંદાજ આવી શકે, અને એ ઉંડાઈ ઉપરથી જ આજની વાર્તાની છીછરાશ કે વિસ્તારનું માપ મળી શકે. કમનસીબી એ છે કે કાલની કે આજની કોઈ જ વાર્તાનું યથાર્થ પરીક્ષણ કે મૂલ્યાંકન થતું નથી. વિવેચન-પરીક્ષણક્ષેત્રના ‘હાઈ પ્રિસ્ટ’ ગણાતા મહંતો અને પદવીધરો ટૂંકી વાર્તા પ્રત્યે ‘તિરસ્કાર નહિ તોયે અંદરખાનેથી ઓછોવત્તો અણગમો તો ધરાવતા હોય એવી છાપ ઊઠે છે. પરિણામે આપણું વિવેચન વાર્તાલેખન જોડે કદમ મિલાવી શકતું નથી. આ સ્થિતિ, એક ચિત્રાત્મક ઉપમા વડે આમ સમજાવી શકાય : વાર્તાલેખકો ઘોડ-દોડની સ્પર્ધામાં પવનવેગી અશ્વો પર નીકળ્યા છે ત્યારે વિવેચકો એમની પાછળ પગપાળા મંથર ગતિએ ચાલી રહ્યા છે. પરિણામે તેઓ વાર્તાનું વિવેચન કરવા બેસે છે ત્યારે ઘણી વાર હાંસીપાત્ર છબરડા વાળે છે. ગઈ કાલની સરખામણીમાં આજે ગ્રામજીવનની વાર્તાઓ પ્રમાણમાં ઓછી લખાય છે. ગ્રામજીવનની કથાઓનાં ઘોડાપૂર પૂરા એક દાયકા પછી હવે માંડ કરીને ઓસર્યાં છે. આ નિતર્યાં પાણીમાં ફરી એક વાર નગરજીવનની સ્વચ્છ છબી ઝિલાવા માંડી છે. ગઈ કાલના વાર્તાકારોમાંથી નિર્ભેળ નગરજીવનના લેખક ગુલાબદાસ બ્રોકરનું વાર્તાલેખન ચાલુ છે, પણ ‘પ્રકાશનું સ્મિત’ પછી એમનો નવો વાર્તાસંગ્રહ પ્રગટ થયો નથી. જિતુભાઈ મહેતાની નવી વાર્તાઓ બહુ ઓછી દેખાય છે. ધનસુખલાલ મહેતા આજકાલ ટૂંકી વાર્તા કરતાં નાટકો વધારે લખતા જણાય છે. નવીન વાર્તાકારોમાંથી જથ્થાની દૃષ્ટિએ ધીરુબહેન પટેલ વધારે ધ્યાન ખેંચી શક્યાં છે. એક જમાનામાં કૉલેજ-જીવનની પુષ્કળ વાર્તાઓ લખાતી એનું પ્રમાણ આજકાલ ઝડપભેર ઓસરી ગયું છે. એનું કારણ કદાચ એ હોય કે એ જીવનના પરોક્ષ પરિચયને પરિણામે કૉલેજોની આસપાસ ઝલકનું જે એક કૃત્રિમ આવરણ સર્જાયેલું એ હવે ભેદાઈ ગયું છે, અને કૉલેજ તથા સહશિક્ષણને અર્વાચીન સમાજજીવનનાં સ્વાભાવિક અંગો તરીકે આપણે સ્વીકારી લીધાં છે. અખબારો અને સામયિકોની તરફથી વાર્તાઓ માટે અસાધારણ માગ ઊભી થઈ છે, અને એને પહોંચી વળવા માટે પુષ્કળ કલમો પ્રવૃત્ત થઈ છે. આ સઘળી કલમોને છાપાંળવી કહીને એને કાંકરો જ કાઢી નાખનારાઓ ભીંત ભૂલી રહ્યા છે. આ અખબારી વાર્તામાંનો અમુક અંશ સીધો ફરમાસુ માલ હશે, એ કબૂલ. પણ વાર્તાક્ષેત્રે આવતી કાલે સ્થિર થનારી કોઈ કોઈ સત્ત્વશીલ કલમો પણ આ જૂથમાં જ રહેલી હશે એ શક્યતા ઉવેખવી ન જોઈએ. વળી, અખબારી લખાણોની આભડછેટ સેવવામાં પણ કુપમંડુકતા જ રહેલી છે. વિદેશોમાં તેમ જ આપણે ત્યાં અખબારોને ઓથે જે ટૂંકી વાર્તા ફૂલીફાલી છે એ હકીકત સ્વીકારવી જ રહી. ‘સંસ્કૃતિ’ માસિકમાં લક્ષ્મીકાંત ભટ્ટની જે સર્વપ્રથમ વાર્તા પ્રગટ થયેલી એ મૂળ નિર્ભેળ વાર્તાઓના એક માસિકમાંથી ‘અસ્વીકૃત’ થઈને પાછી ફરેલી એમ સાંભળ્યું છે. આજે ટૂંકી વાર્તાના જે સંખ્યાબંધ સામયિક પ્રગટ થાય છે એમાં દર અંકે ચુનંદી અને સત્ત્વશીલ કૃતિઓ જ પ્રગટ થાય એવી અપેક્ષા એક આદર્શ સ્થિતિ ગણાય. પણ એ અપેક્ષા સિદ્ધ ન થાય તે પણ આ પ્રકારનાં સામયિક પ્રકાશનો દર મહિનેમાસે જૂની-નવી, રીઢી તેમ જ પ્રયોગશીલ, પક્વ અને પાંગરતી. અનેક કલમોનું એવું ‘ક્લીઅરીંગ હાઉસ’ બની રહે છે એ એમની કામગીરી પણ ઉવેખાવી ન ઘટે. નવીન વાર્તાકારોમાં, પશ્ચિમમાં જેમને ‘એંગ્રી યંગ મેન’ને નામે ઓળખવામાં આવે છે એવા થોડા તીખા તરુણો છે એ હકીકત ૫ણ ટૂંકી વાર્તાના ઉજ્જ્વળ ભાવિ માટે એક અદકી નરવાઈની નિશાની ગણવી જોઈએ. આ તરુણોમાં તીખાશ જન્માવનારું એક કારણ કદાચ એ છે—અથવા તો તેઓ એવી ફરિયાદ કરે છે—કે અમારી વાર્તાઓને સાહિત્યના વડીલો વિવેચતા નથી એટલું જ નહિ, વાંચવાની ખેવના કરતા નથી. આ ફરિયાદ છેક વજુદ વિનાની છે એમ નહિ કહી શકાય. આજે નવીન વાર્તાકારોમાં કોઈ ‘ધૂમકેતુ’ કે ‘દ્વિરેફ’ દેખાતા નથી એવી ફરિયાદ કરવાથી કશું નહિ વળે. એને બદલે, આવતી કાલના ‘સવાઈ ધૂમકેતુ’ અને ‘સવાઈ દ્વિરેફ’ની પ્રતીક્ષા કરવી, અને એવી શક્યતાનો તેજ-ઝબકાર કોઈ કલમમાં દેખાય તો એને યોગ્ય પોષણ અને પ્રોત્સાહન આપવું એ જ આજના સાહિત્યકારોનો સાચો સમયધર્મ ગણાય. સપ્ટેમ્બર, ૧૯૬૦ [ઇન્ડીઅન નેશનલ કૉંગ્રેસના ૬૬મા અધિવેશન પ્રસંગે પ્રગટ થયેલ ‘ગુજરાત : એક પરિચય’ નામક ‘સ્મૃતિગ્રંથ’ માટે લખાયેલો લેખ, થોડા ઉમેરા સાથે.]

(‘વાર્તાવિમર્શ’)