સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ચુનીલાલ મડિયા/ટૂંકીવાર્તા અને નવલકથા

From Ekatra Foundation
Jump to navigation Jump to search



ટૂંકી વાર્તા અને નવલકથા

પ્રશ્ન પૂછવામાં આવશે કે તો પછી ટૂંકી વાર્તા એટલે શું? એનું સ્વરૂપ કયું? આ પ્રશ્નનો ઉત્તર સહેલો નથી. અને એ ઉત્તર સીધી રીતે આપી શકાય એમ પણ નથી. બ્રહ્મની જેમ આ કલાસ્વરૂપનો પાર પામવા માટે પણ ‘નેતિ નેતિ’ જેવાં નકારાત્મક નિવેદનો કરી કરીને જ આ સ્વતંત્ર કલાપ્રકારની આછીપાતળી ઝાંખી કરી શકાય એમ છે. ટૂંકી વાર્તા એ નવલકથાનું ટૂંકાવેલું રૂપ નથી એ હકીકત તો હવે – જો કે બહુ મોડેમોડે – સાર્વત્રિક સ્વીકાર પામી છે. નવલકથા અને ટૂંકી વાર્તા એકબીજાથી સાવ ભિન્ન કલાપ્રકારો છે. ખંડકાવ્ય અને સૉનેટના કસબ વચ્ચેનો ભેદ સ્ફુટ કરવા માટે બ. ક. ઠા. એ અંબાડી અને વીંટીનું જે ઉદાહરણ યોજ્યું છે એ નવલકથા અને ટૂંકી વાર્તાના સ્વરૂપ અને શિલ્પવિધાન વચ્ચેનો ભેદ સમજવા માટે વધારે બંધબેસતું લાગે છે. ટૂંકી વાર્તાના ઝીણવટભર્યા શિલ્પવિધાન—વીંટીના રૂપકમાં વાત કરીએ તો નકશીકામ—ને ધૂમકેતુ મીનાકારી કસબ તરીકે ઓળખાવે છે. બહુ જ નાના ફલક પર ઝીણવટભરી કારીગરી સૂચવવા માટે આ સરખામણી ઉચિત છે. પણ ટૂંકી વાર્તા એ મોટી પોર્ટ્રેટની ‘મિનિચેઅર’ પોર્ટ્રેટ નથી. ટૂંકી વાર્તા એ મોટા ભીંતચિત્રની પોસ્ટકાર્ડ કદની અનુકૃતિ નથી. ચિત્રકલાનાં પ્રતીકો વડે જ સમજાવવું હોય તો એલિઝાબેથ બોવેને મોપાસાંની વાર્તાઓ વિશે વાપર્યા છે એ શબ્દોમાં કહી શકાય કે ટૂંકી વાર્તા એક એવી ચિત્રકૃતિ છે જેની રૂપરેખા કાળા ચાક – કે કોલસા – વડે દોરાયેલી હોય છે અને જેમાં અતિ ઘેરા ‘મૂળ’ રંગો પૂરવામાં આવ્યા હોય છે. નવલકથા અને વાર્તા વચ્ચેનો ભેદ માત્ર કદ કે વિસ્તારનો ભેદ નથી. એ ભેદ મૂળભૂત છે, કથયિતવ્યનો છે. કેટલાંક કથાવસ્તુ જ એવાં હોય છે, જે ટૂંકી વાર્તાના ઢાળામાં ઢાળી શકાય, બીજી કેટલીક અનુભૂતિ જ એવી હોય છે જેમાંથી નવલકથા કે લાંબી વાર્તા નીપજે; પછી એ કૃતિઓનું કદ ગમે તેટલું લાંબું હોય કે ટૂંકું હોય. ક. મા. મુનશીકૃત ‘પૃથ્વીવલ્લભ’ એક રોમેન્ટિક નવલકથા તરીકે જાણીતી છે પણ રા. વિ. પાઠક એ કૃતિને તેમજ ‘સ્નેહસંભ્રમ’ને નવલકથા નહિ, પણ લાંબી વાર્તા ગણે છે.[1] એ જ રીતે શરદબાબુ કૃત ‘દેવદાસ’, ‘સ્વામી’ વગેરે પણ નવલકથા નહિ, લાંબી વાર્તા છે. આ બધી કૃતિઓમાં વસ્તુ, પાત્ર અને પરિસ્થિતિનું એવું તો ઐક્ય છે અને આખો કથાપ્રવાહ એવો તો દોરીછંટ માર્ગે સીધોસટ ચાલ્યો જાય છે કે એ રચનાઓ નવલકથા કરતાં લાંબી વાર્તાની વધારે નજીક આવે છે. પન્નાલાલ પટેલકૃત ‘મળેલા જીવ’ પણ આ પ્રકારની લાંબી વાર્તા tale-નું બીજું જાણીતું ઉદાહરણ છે. જૉસેફ કોનરેડની પણ ઘણી વાર્તાઓ ટૂંકી વાર્તાના ખાનામાં બેસી શકે એવી નથી. એને લાંબી વાર્તા, નવલિકા, નોવેલેટ કે નુવેલો ગમે તે નામ આપી શકાય, ટૂંકી વાર્તા તો નહિ જ. Theme dictates from –કથયિતવ્ય કે કથાવસ્તુ જ કલાકૃતિનો ઘાટ કે આકાર નક્કી કરે છે—એ મુદ્દો ઘણીવાર ભુલાઈ જતો લાગે છે. નવલકથા અને વાર્તા વચ્ચેનો બીજો એક ભેદ એ બન્ને કલાપ્રકારોના અંત કે પરાકાષ્ઠા કે denouement-નિર્વહણ-અંગેનો ગણાય. કહેવાય છે કે ટૂંકી વાર્તાનો સ્વાભાવિક રીતે જે અંત આવતો હોય એ જ અંત પ્રતીતિકર લાગે છે. એ અંત બદલીને બીજી કોઈ રીતે લખવામાં આવે તે એ પ્રતીતિકર નથી રહેતો. વિવેચક એફ. સી. ગ્રીન[2] મોપાસાંની વિખ્યાત વાર્તા ‘નેકલેસ’ (હીરાનો હાર)નું ઉદાહરણ આપીને કહે છે કે એમાં માદામ ફોરેસ્ટીઅરને અંતમાં એ હાર બનાવટી હીરાનો હતો એ જાણીને જે આઘાત થાય છે એ એક જ પ્રકારનો અંત એ વાર્તા માટે સ્વાભાવિક અને અનિવાર્ય છે. બીજી કોઈ રીતે એ વાર્તાનો અંત લાવીએ તો એ પ્રતીતિકર ન રહે. ત્યારે, ફ્લૉબેરની નવલકથા ‘માદામ બોવારી’માં એના અંતમાં નાયિકા વિષપાન કરીને આપઘાત કરે છે એને બદલે ગેઈમકીપર સાથે નાસી ગઈ હોત તો પણ વાચકો ચલાવી લેત; એ પ્રકારનો અંત પણ અપ્રતીતિકર ન લાગત. ‘માદામ બોવારી’માં નાયિકાના આપઘાતથી કથાનો અંત લાવવાને બદલે બીજી બે કે ત્રણ રીતે અંત આવ્યો હોત તો એ પણ વાસ્તવિક લેખાત, કેમ કે, ટૂંકી વાર્તામાં લેખકે કલ્પેલ અમુક ચોક્કસ અંત કે પરાકાષ્ઠા વિના એ કૃતિનો પૂરેપૂરો આસ્વાદ અશક્ય છે, ત્યારે નવલકથામાં એવું નથી. મોપાસાંની ટૂંકી વાર્તામાં એ કટોકટી કે પરાકાષ્ઠાનો અનુભવ—સાચું કહીએ તો અનુભવનો આરંભ—છેલ્લા પરિચ્છેદમાં કે છેલ્લા વાક્યમાં થાય છે ત્યારે ‘માદામ બોવારી’ નવલકથામાં એ અનુભવ ક્યારનો અગાઉથી, ક્રમશઃ વધતી જતી તીવ્રતાથી, શરૂ થઈ જાય છે, જે અનુભવ આપણે માદામ બોવારીના આપઘાતની વાત વાંચીએ ત્યાં સુધીમા તો લગભગ પૂરો પણ થઈ ગયો હોય છે. મુનશીની નવલકથાઓમાં ‘મંજરીને શા માટે મારી નાખી?’ એવો પ્રશ્ન વાચક-વિવેચક પૂછી શકે. મંજરીને જીવતી રાખીને એ કૃતિ વધારે કલાત્મક બની શકત કે કેમ એની જાહેર ચર્ચા સુદ્ધાં થઈ શકે. પણ ધૂમકેતુની ‘જુમો ભિસ્તી’ વાર્તામાં તો પાડો વેણુ મૃત્યુ જ પામે. એમાં કોઈ વૈકલ્પિક અંતને અવકાશ જ નથી. આપણે ત્યાં અખબારોમાં હપ્તેહપ્તે નવલકથા લખનાર લેખક પોતાનાં વાચકોનાં સૂચનો મગાવી શકે, વાચકોના માન ખાતર એ સૂચનો અનુસાર વાર્તા-પ્રવાહ આગળ ધપાવી શકે; અને કોઈ વાચકને રાજી કરવા કથાને સુખાંતમાંથી કરુણાંત કે કરુણાંતમાંથી સુખાંત પણ બનાવી શકે. આ બધા અખબારી વાગ્વિલાસ નવલકથા જેવું વિશાળ ફલકવાળું અને ખમતીધર સ્વરૂપ કદાચ ખમી શકે. ટૂંકી વાર્તાનું એ ગજું નહિ. એની તો વિગતે વિગતમાં અનિવાર્યતા હોય. એમાં વિકલ્પ કે ફેરબદલીને અવકાશ ન રહે—જો એ સાચી કલાત્મક કૃતિ હોય તો. ‘સરસ્વતીચંદ્ર’ જેવી મહાકાય કૃતિમાં કુમુદસુંદરીએ પુનર્લગ્ન શા માટે ન કર્યું એ મુદ્દા પર સુધારકો રોષ વ્યક્ત કરી શકે. કુમુદસુંદરીએ ‘પ્રમાદધન મુજ સ્વામી સાચા’ એ તૂકનું રટણ કરીકરીને વૈધવ્ય ગાળવાને બદલે સરસ્વતીચંદ્ર જોડે પરણવું જોઈતું હતું એમ વાચકો-વિવેચકો એ નાયિકાને (અને એના કર્તાને પણ) સલાહ-શીખામણ આપી શકે. પણ દ્વિરેફની ‘ખેમી’માં આવા વિકલ્પો સૂચવવાનું શક્ય નથી. ખેમી તો, મૃત પતિ પાછળની માનતાઓ સાત સાત વરસે પૂરી કરી રહ્યા પછી ઘરઘરણું કરવાની દરખાસ્ત લાવનાર ભંગીને (અને એવી દરખાસ્તને અનુમોદન આપનાર વાચક-વિવેચકને પણ) એક જ જવાબ આપે : ‘ના ના. આટલે વરસે મારે જીવતર પર થીગડું નથી દેવું!’ આ વાર્તાનો અંત બદલાવીએ તો વાર્તાના બારીક તાણાવાણાના સુઘટ્ટ વણાટ પર જ થીગડું માર્યા જેવું પરિણામ આવે. આમાં, ટૂંકી વાર્તામાં અમુક જ પ્રકારના પ્રતીતિકર અંતની અપરિહાર્યતા ઉપરાંત બીજું પણ એક કારણ રહેલું છે. ઉમાશંકર જોશીએ એકાંકી અંગે કહ્યું છે તેમ, આવી લઘુક રચનામાં ઉત્કર્ષબિંદુ (કટોકટી-crisis) અને પરાકોટિ (climax) અંત ભાગમાં અને ઘણી વાર સાથે જ આવે છે.[3] અને ટૂંકી વાર્તાની કટોકટી અને પરાકોટિ વચ્ચેનો પારસ્પરિક સંબંધ નવલકથાની કટોકટી અને પરાકોટિ વચ્ચેના સંબંધ કરતાં વધારે ગાઢ હોય છે. એકને નુકસાન પહોંચાડ્યા વિના બીજામાં ફેરફાર કરી શકાય નહિ. બે-પાંચ માઈલના ઘેરાવામાં કોઈ નગર પથરાયું હોય એની રચનામાં કે કોઈ આલેશાન ઇમારતમાં અહીં તહીં ફેરફાર કરવાથી એ નગરના વિહંગદૃશ્યમાં બહુ ઝાઝો ફેર નથી પડતો. પણ તાજમહાલના ઘુમટનો ઘાટ બદલવો હોય તો એની સપ્રમાણતા સાચવવા માટે આખું સ્થાપત્ય તોડીપાડીને પાયામાંથી નવાં પરિમાણ પ્રમાણે ચણતર કરવું જોઈએ. ટૉમસ હાર્ડી ટૂંકી વાર્તાને ‘સ્વપ્ન’ કહે છે એ અનેક દૃષ્ટિએ સાર્થક લાગે છે. તેથી જ, હર્શલ બ્રિકેલ (Hersehell Brickell ) જેવા વિવેચકે કબૂલ કર્યું છે કે સારી નવલકથાની લખાવટ ખરાબ કે કાચી હોય તો કદાચ ચાલે, ટૂંકી વાર્તામાં ખરાબ લખાવટ કદી ન નિભાવી શકાય.[4]

નવલકથા અને ટૂંકી વાર્તાના રસાનુભવ—ખાસ કરીને પરાકોટિના રસાનુભવ—વચ્ચેનો આ ભેદ વિવેચક એફ. સી. ગ્રીન જે ઉદાહરણ વડે સમજાવે છે એ ઉદાહરણ જાણવા જેવું છે. માનો કે આપણે સિંધુ કે બ્રહ્મપુત્રા જેવા મહાનદનું જલદર્શન કરવું છે. આ જલદર્શન કરાવવા માટે નવલકથાકાર તે આપણને નિરાંતે કોઈ ઊંચા પર્વતની ટોચે લઈ જાય છે અને ત્યાંથી નદીના મૂળથી માંડીને આખા પટનું દર્શન મનભર માણવા દે છે. પણ ટૂંકી વાર્તાના લેખકનો કસબ જદો જ છે. એ તો. બન્ને બાજુ ગીચ ઝાડીવાળા માર્ગ પરથી ઝડપભેર પસાર થતી રેલવે ટ્રેઈનમાં આપણી સાથે બેઠો હોય છે અને ગીચ ઝાડીમાં એક સ્થળે આવતા બાકોરાંમાંથી આપણને એ જળરાશિનું દર્શન કરાવવાનું વચન આપે છે. રહસ્યસ્ફોટ અને સૌંદર્યદર્શન કરાવવાનો આ માર્ગ એવો તો જોખમી અને અનિશ્ચિતતાથી ભરેલ છે કે વાર્તાકાર જરા પણ અસાવધ રહે તો એ દર્શન કરાવવાની ક્ષણ ચૂકી જવાય છે. પણ જ્યારે એ સાવધ રહે છે અને પેલું બાકોરું આવતાં બરોબર આંગળી ચીંધી શકે છે ત્યારે જે સૌંદર્યાનુભવ થાય છે એ અનુભવ પેલા પર્વતની ટોચેથી થતા સૌંદર્યદર્શન કરતાં વધારે મનોહર અને આહ્‌લાદક હોય છે. પણ આમાં ખરી ખૂબી તો, ઝાડીમાં આવતું પેલું બાકોરું પકડી પાડવાની છે. તેથી જ, ટૂંકી વાર્તા એક ક્ષણની—ક્ષણાર્ધની જ–રમત હોય છે. ઝાડીના બાકોરાંમાંથી થતા દર્શનના ઉદાહરણ પરથી, ટૂંકી વાર્તા માટે વારંવાર વપરાતો ચલણી શબ્દપ્રયોગ ‘સ્લાઈસ ઑફ લાઈફ’–જીવનનો ટુકડો—યાદ આવશે. ટૂંકી વાર્તા અલબત્ત, જીવનનો ટુકડો છે, આખેઆખું જીવન નથી. છતાં, એ મૂળ અને આખા જીવનમાંથી સાવ વિભક્ત થઈ ગયેલો—આખો પાઉરોટીમાંથી છરી વડે છેદાઈ ગયેલો ટુકડો નથી. ચેખૉવની વાર્તાઓની પ્રશસ્તિ કરતાં સમરસેટ મો’મ એક સ્થળે કહે છે તેમ, એ ટુકડો એવો છે, જેનું દર્શન આગળ તેમ પાછળ વિસ્તરતું હોય છે. એ તો, હાથનાં આંગળાં વચ્ચેથી જોવાતું દૃશ્ય છે, જે દૃશ્ય દેખાય છે એના કરતાં મોટું—આગળ પાછળ વિસ્તરતું—હોય છે એ વાત પ્રેક્ષક જાણતો હોય છે.[5] નવલકથા અને ટૂંકી વાર્તા વચ્ચેના રસાનુભવનો—હવે કહીએ કે રસાનુભવની પદ્ધતિનો—ભેદ બંને કલાપ્રકારોના સ્વરૂપ અને આકાર પણ નક્કી કરતો લાગે છે. નવલકથાનો રસાનુભવ એના અંત કે પરાકોટિ પહેલાં જ થઈ ચૂક્યો હોય છે તેથી એના અંતમાં કે વચ્ચે ક્યાંય થોડો ફેરફાર કરીએ તો કાંઈ ખાટુંમોળું નથી થઈ જતું. ટૂંકી વાર્તામાં દરેક વાક્ય—સાચું કહીએ તે શબ્દ, યોગ્ય સ્થળે મુકાયેલો યોગ્ય શબ્દ, કૃતિની સમગ્ર રસનિષ્પત્તિમાં પોતાનો ફાળો આપતો હોય છે અને તેથી એ અનિવાર્ય અને અફર ગણાવો જોઈએ. તેથી જ, નવલકથાઓની ટૂંકાવેલી આવૃત્તિઓ બહાર પડે છે અને એ ટૂંકાવેલાં સ્વરૂપોમાંથી પણ મૂળ કૃતિ જેટલો જ રસાસ્વાદ માણી શકાય છે. પૉકેટ બુક્સ તરફથી ‘ઑફ હ્યુમન બોન્ડેજ’ નવલકથાની ટૂંકાવેલી આવૃત્તિ બહાર પડી છે એમાં સમરસેટ મો’મ પોતે શા માટે એ કથા ટૂંકાવવાની અનુમતિ આપી એનાં કારણો આપતાં જણાવે છે કે નવલકથા એ કાંઈ સંગીતની તરજ જેવું સ્વરૂપ નથી કે જેમાંથી થોડીક કાપકૂપ કરતાં એ અર્થશૂન્ય થઈ જાય. એ કોઈ ચિત્રકૃતિ પણ નથી કે જેમાં સંયોજન સંપૂર્ણ બનાવવા માટે એક વસ્તુ બીજી વસ્તુની સમતુલા જાળવતી હોય. નવલકથા તો બહુ શિથિલ કલાસ્વરૂપ છે. એમાં મનફાવતા ફેરફાર કરી શકાય. વળી, એ બહુ અપૂર્ણ કલાસ્વરૂપ છે.[6] નવલકથાઓની સંક્ષિપ્ત આવૃત્તિઓ બહાર પડે છે. ટૂંકી વાર્તાના સંક્ષેપ થયા સાંભળ્યા નથી. ટૂંકી વાર્તાને ટૂંકાવવી એ ઉક્તિ જ બેહૂદી અને વિરોધાભાસી લાગે છે. ટૂંકી વાર્તા અને નવલકથા વચ્ચેનો બીજો એક વધારે ભેદ આર્થર કેલ્ડર-માર્શલના આ કથન પરથી સમજાશે : ‘Short stories flourish when whole lives are meaningless but moments of time, fleeting emotions and isolated incidents hold significance.’ સમગ્ર કે આખેઆખાં જીવન અર્થહીન હોય પણ એમાંની ક્ષણો, ઝટપટ પસાર થઈ જતી લાગણીઓ અને છૂટાછવાયા પ્રસંગો કે બનાવો મહત્ત્વનાં હોય ત્યારે ટૂંકી વાર્તાઓ વિકસે છે. ધૂમકેતુના અલીડોસા કોચમીનના કે દ્વિરેફના મુકુંદરાયનાં આખેઆખાં જીવન વાર્તાક્ષમ નથી, એમાંના થોડા પ્રસંગો જ મહત્ત્વના છે અને એ પ્રસંગો ટૂંકી વાર્તા માટે ઉત્તમ સામગ્રી બની રહે છે. સુંદરમ્‌ની ‘ખોલકી’ના જીવનમાં તો એક જ પ્રસંગ મહત્ત્વનો છે, જેનું તાદૃશ નિરૂપણ એ વાર્તાને એક અનોખી કલાકૃતિ બનાવે છે. ‘છૂટીછવાઈ ક્ષણો અને ઝટપટ પસાર થઈ જતી લાગણીઓ’ ટૂંકી વાર્તા માટે કેવી આદર્શ સામગ્રી બની શકે એનું નમૂનેદાર ઉદાહરણ જયંત ખત્રીકૃત અત્યંત વેધક વાર્તા ‘તેજ, ગતિ અને ધ્વનિ’માં જેવા મળે છે... આ બધી સામગ્રીઓ ટૂંકી વાર્તાના જ બરની છે. એમાંથી નવલકથા બનાવવાનો પ્રયત્ન તો એક વાડકા જેટલી છાશમાં ઘડોએક પાણી રેડવા જેવો અથવા કાગળનાણાંના ફુગાવા જેવો લાગે. જે સામગ્રી ટૂંકી વાર્તા માટે ઉચિત હોય એમાંથી નવલકથા ન બની શકે. આપણી એક પ્રચલિત કહેવતમાં વાત કરીએ તે, આંગળી સૂઝીને થાંભલો ન જ થઈ શકે. ઉમાશંકર જોશીએ ટૂંકી વાર્તા માટે ‘અનુભૂતિકણ’ શબ્દ યોજ્યો છે એમાં ‘કણ’ શબ્દાર્થ આ સંદર્ભમાં બહુ સૂચક બની રહે છે.[7]

(‘વાર્તાવિમર્શ’)

પાદનોંધ :

  1. સાહિત્યવિમર્શ પૃ. ૧૫૮
  2. F. C. Green : Introductionઃ French short stories of the ૧૯ht & ૨૦th Centuries.
  3. પ્રસ્તાવના ‘શહીદ’, પૃ. ૨૫
  4. The Pocket Book of O. Henry Prize Stories, p. ૬ સરખાવો :
    ‘Only the fastidious is able to sovour the excellence of a short story, while the gluttonous devour novel indifferently, good middling or bad. The short story is sufficient for all ends. A great deal of meaning can be contained in a few words. A well-constructed short-story is the delight of the connossieur. It is an elixir, a quin-tessence, a precious ointment,’
    – ANATOLE FRANCE
  5. ‘You cannot use of Chekho’s stories the hackneyed expression of the slice of life, for, a slice is a piece cut off and that is exactly the impression you do not get when you read them; it is a scene seen through the fingers which you know continues this way and that though you only see a part of it.’
    W. Somerset Maugham
    ‘A Writer’s Notebook,’ pp. ૧૪૪-૪૫ (Heinman)
  6. ‘...When I was given to understand that only by cutting It would my novel be published in this series, I consented without a minute’s hesitation. A novel is not like a fuge for instance, which, if you cut say twenty bars from it, would be rendered meaningless, nor like a picture in which one element balances another to complete the composition. A novel is a very loose form of art. You can do almost anything with it. It is also a very imperfect form of art.’
    W. Somerset Maugham
    Introduction : ‘Of Human Bondage’ (Pocket Books)
  7. સરખાવો :
    ‘કહાની એસા ઉધાન નહીં જિસમેં ભાંતિભાંતિકે ફૂલ, બેલ, બૂટે સજે હુએ હૈ. બલ્કિ એક ગમલા હૈ જિસમે એક પૌધેકા માધુર્ય અપને સમુન્નત રૂપમે દૃષ્ટિગોચર હોતા હૈ.’
    (કહાની કલા ઔર પ્રેમચંદ, પૃ. ૧૩) – પ્રેમચંદ
    ‘We might compare the novel to a symphony, and a collection of short stories to a good concert recital.’
    Catherine Ann Porter (Introduction to A Curtain of Green and Other Stories.)