સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ચુનીલાલ મડિયા/યુગની વિવેકવંતી વંદના
યુગની વિવેકવંતી વંદના
પેરિસની એક ટૂંકી સફર દરમિયાન ત્યાંની નગરરચના અંગે એક બાબત વારંવાર ધ્યાન ખેંચતી હતી : એ નગરના રાજમાર્ગો, શેરીઓ, બુલવાર્દ, હોટેલો, નાટકશાળાઓ, ચિત્રદર્શિનીઓ આદિ જોડે ઘણા સાહિત્યકારો, ચિત્રકારો, નટનટીઓ વગેરેનાં નામો સંકળાયેલાં હતાં. લેખકો ને કલાકારોનાં સ્મૃતિચિન્હો ઠેરઠેર જોવા મળેલાં. પૅરિસની રાષ્ટ્રીય નાટકશાળાની પરસાળમાં કોર્નેલ રેસિન, મોલિયર આદિની આરસપ્રતિમાઓની ખાસ્સી કતાર ખડી હતી. આ બધું જોઈને મનમાં એક ઓરતો જાગતો : મારા દેશમાં પણ આવી સાહિત્યપ્રતિષ્ઠાની પ્રણાલી પડે તો કેવું સારું! તેથી જ ભાવનગરની આ મહિલા કૉલેજે મેઘાણીભાઈના આ તૈલચિત્રનું અનાવરણ યોજ્યું ત્યારે મનમાં સંતોષ સાથે હર્ષની લાગણી થઈ કે આપણે પણ સાંસ્કૃતિક ક્ષેત્રે એક સારી પ્રણાલી શરૂ કરી રહ્યા છીએ. વેશભૂષાની પેઠે સાહિત્યવિવેચનમાં પણ ફૅશનો પલટાતી હોય છે. મેઘાણીભાઈ વિષે બહુ પ્રશંસાત્મક બોલવાની કે લખવાની આજકાલ ફૅશન નથી એ હું જાણું છું. અરે, આજે તો ગોવર્ધનરામનું ગુણકીર્તન કરનારાઓ પણ પ્રત્યાઘાતી કે પછાત ગણાય એવી આબોહવા છે. પણ હું એ પણ જાણું છું કે આવાં વલણોની પાછળ સાહિત્યવિવેચનની પ્રામાણિકતા નહિ પણ એક પ્રકારની સ્નોબરી (Snobbery) શેખીખોરી, ચાવળાઈ કામ કરી રહી છે. પુરોગામીઓનું યોગ્ય મૂલ્યાંકન ન કરવામાં કે એમનું ઋણ ન સ્વીકારવામાં કશી બહાદુરી નહિ પણ દિલચોરી જ દેખાય છે. મેઘાણીના એક કાવ્યસંગ્રહનું શીર્ષક ‘યુગવંદના’ એમના જીવનચરિત્રનું પણ અર્થગંભીર શીર્ષક બની શકે એમ છે. મેઘાણી અદલોઅદલ એમનાં યુગબળોનું પ્રતિબિંબ પાડતા હતા. આપણા વિવેચને ‘યુગમૂર્તિ’નું બિરુદ ભલે રમણલાલ દેસાઈને આપ્યું; મેઘાણીભાઈ માટે એ ઓળખ વધારે બંધબેસતી જણાય છે. પોતે સજાગ પત્રકાર પણ હોવાથી યુગના એકેએક ધબકારને સિસ્મોગ્રાફિક યંત્રની ચોકસાઈથી ઝીલી બતાવેલા. ગાંધીવાદની જ નહિ, એ જમાનામાં કામણ કરી ગયેલ માર્ક્સવાદની અસર પણ એમણે ઝીલેલી. (ડોન કથાત્રયીના લેખક શોલોખોવ, ગોર્કી વગેરેના તેઓ આશક હતા.) એમણે અનુવાદ માટે પસંદ કરેલા લેખકોમાં એમના જેવો જ યુગમૂર્તિ વાર્તાકાર અપ્ટન સિંકલેર પણ હતો એ વિગત મને મહત્ત્વની લાગે છે. અને છતાં મેઘાણીની યુગવંદના અંધવંદના નથી. એ યુગભક્તિનાં મૂળ કશી વેવલાઈમાં કે અંધશ્રદ્ધામાં નહોતાં. જરૂર પડ્યે તેઓ યુગપ્રવાહને સામે વહેણે પણ ચાલી શક્યા છે. પોતે નખશિખ રાષ્ટ્રવાદી હોવા છતાં કૉંગ્રેસના કંઠીધારી ભક્ત નહોતા. જાગૃત પત્રકાર તરીકે એમણે એ સંસ્થાની પુષ્કળ ટીકા કરેલી. ગાંધીજીને એમણે મહાત્મા કરતાં માનુષી રૂપમાં જ વધારે શોભનીય ગણેલા. શેષ વર્ષોમાં તો, સાંભળવા મુજબ, મેઘાણીભાઈના કેટલાક કડક તંત્રીલેખો અને ‘સાંબેલાં’એ એમના સાપ્તાહિકના નિયામકોને પણ અકળાવી મૂકેલા. આવી નિર્ભીકતા કાં તો આદર્શ બ્રાહ્મણમાં જોવા મળે યા તો સાચા ક્ષત્રિયને એ સુકર બને. મેઘાણીભાઈ જન્મે વણિક હતા, પણ વણિકત્વના અંશો એમનામાં નહિવત્ જણાય છે. એમના જીવનચિત્રમાં બ્રાહ્મણત્વ અને ક્ષત્રિયત્વના રંગો વધારે ઉઠાવ પામતા લાગે છે. એમનામાં વાણિજ્યવૃત્તિ તીવ્ર હોત તો કલકત્તાનું એલ્યુમિનિયમનું કારખાનું છોડત નહિ. (અને આજે એમનું તૈલચિત્ર અહીં શિક્ષણસંસ્થાને બદલે કોઈ મરચન્ટસ ચેમ્બરના ખંડમાં ખુલ્લું મુકાયું હોત.) પણ એમને તો કોઈક સુખદ વિધિસંકેત વડે વતનનો સાદ અને ‘ચોરાનો પોકાર’ સંભળાયો અને ‘લિ, હું આવું છું,’ એમ કહીને કલમને ખોળે જ આવી બેઠા. પોતાનાં પુસ્તકોના કોપીરાઈટ વગેરે બાબતમાં કોઈ એનો દુરુપયોગ કરી ન જાય એ અંગે તેઓ સાવધ રહેતા ખરા, પણ એમાં એમણે કદી દ્રવ્યલોલુપતા દાખવી નથી. અસાધારણ લોકપ્રિયતાને વરેલા એમના ગ્રંથોમાંથી લેખક કરતાં પ્રકાશકો ને વિક્રેતાઓ જ વધારે કમાયા હશે. કોઈ હિન્દીભાષી કવિ અત્યારે કપરી હાથભીડમાં છે એવા સમાચાર સાંભળતાં જ એને પચાસ રૂપિયાનો મનીઑર્ડર મોકલી આપે એવું એમનું બ્રાહ્મણત્વ હતું. લોકસાહિત્યનું સંપાદન એક અત્યંત તાકીદનું અને સમયસરનું યુગકાર્ય કહી શકાય. ગાંધીજીના આગમન પછી આપણી જીવનદૃષ્ટિ ગ્રામાભિમુખ બની અને ભદ્ર વર્ગને હૈયે લોકજીવનનું ગૌરવ વસ્યું ત્યારે જ સાહિત્યના તખતા પર મેઘાણીનું આગમન થયું એમાં મને વિધિસંકેત જેવું લાગે છે. લોકસાહિત્યમાં ધૂળધોયાનું કામ તો મેઘાણી સિવાયના માણસો પણ યથાશક્તિ કરી શક્યા હોત. પણ એ કામ આટલા ઉમળકાથી, ઉષ્માથી, આટલા મિશનરી ઉત્સાહ ને નિષ્ઠાથી કરવાનું બીજા કોઈનું ગજું નહોતું. ગુજરાત-સૌરાષ્ટ્રના ગ્રામજીવન પર નગરસંસ્કૃતિનું સ્ટીમરોલર ઝડપભેર ફરવા માંડ્યું હતું એ સમયે જ મેઘાણીએ કંઠસ્થ લોકસાહિત્યને ગ્રંથસ્થ કરી લીધું તેથી એ કાર્ય સમયસરનું બની રહ્યું. એ અમૃત ચોઘડિયું સચવાયું ન હોત તો નગરસંસ્કૃતિના સર્વભક્ષી જુવાળમાં ઘણું મૂલ્યવાન લોકસાહિત્ય લુપ્ત થઈ ગયું હોત. આ દૃષ્ટિએ જોતાં મેઘાણીએ યુગસંકેત વાંચી જાણ્યો અને એનો જવાબ પણ આપી જાણ્યો. એ સાહિત્યના સંપાદનનું મંગલાચરણ એમણે મુખ્યત્વે આ શહેરમાંથી કર્યું જણાય છે. આ મહિલા વિદ્યાલયમાં તેઓ એક આરંભિક શિક્ષક હતા એ વિગત તો મને હજી હમણાં જ જાણવા મળી. (એથી તો, આ કૉલેજમાં એમનું તૈલચિત્ર મુકાય એમાં અદકું ઔચિત્ય ગણાય.) પણ આ શહેરમાં જ એમણે આરંભમાં બહેનો પાસેથી કંઠસ્થ ગીતો કાગળ પર ટપકાવેલાં. અહીંની કૉલેજમાં એમણે શિક્ષણ પણ લીધું છે. આમ, આ શહેર મેઘાણીની કર્મભૂમિ ઉપરાંત શિક્ષણભૂમિ પણ ગણાય. દક્ષિણ ગુજરાતની સૂચિત યુનિવર્સિટી માટે અમુક લાખ રૂપિયાનું દાન આપનાર એક ઉદ્યોગપતિનું નામ સૂરતની યુનિવર્સિટી સાથે સાંકળવામાં આવ્યું છે. આપણા સંસ્કારજીવનમાં મેઘાણીના પ્રદાનનું મૂલ્ય તો લાખે લેખું માંડીએ તોય પૂરું આંકી ન શકાય. તો, અહીં રચાનારી નવી યુનિવર્સિટી જોડે મેઘાણીનું નામ કોઈક રીતે સાંકળી શકીએ તે એ લોકલાડીલા સાહિત્યકાર ને સંસ્કારદાતાનું યોગ્ય તર્પણ કર્યું ગણાશે. મેઘાણી સર્જક સાહિત્યકાર તરીકેની પોતાની શક્તિઓ તેમ જ મર્યાદાઓથી સારી રીતે જ્ઞાત હતા. રેડિયોવાળાઓ, સંગીતકારોને મુકાબલે લેખકો પ્રત્યે ઓરમાયો વર્તાવ દાખવતા એથી ‘સાહિત્યકારો કાંઈ સસ્તા નથી પડ્યા’ એવો પ્રકોપ ઠાલવનાર એ સ્વમાની માણસ ‘હું તે કયો મોટો બ. ક. ઠા.?’ એમ નમ્રપણે કબૂલે પણ ખરા, ત્યારે આપણને ખ્યાલ આવે કે સર્જક તરીકેના પોતાના બળાબળનું એમને યથાર્થદર્શન લાધેલું જ. અંગત રીતે પોતાને બહુ ‘મોટા બ. ક. ઠા.’ ન ગણનાર નમ્ર મેઘાણીના હૃદયમાં સાહિત્યપદાર્થનું ગૌરવ ઉચ્ચોચ્ચ સ્થાને વસ્યું હતું. એમના જીવનની આખી રફતાર આ સાહિત્યપદાર્થની પ્રતિષ્ઠા કરી રહેતી લાગે છે. સાહિત્યપદાર્થ ક્યાંય ઝંખવાય નહિ, એનાં મૂલ્યો ક્યાંય હણાય નહિ એની ચિન્તા એમણે સતત સેવી છે. સાહિત્યકારથી શાં શાં કામ થાય, કયું વર્તન લેખકને શોભે ને કયું ન શોભે, કયા સમારોહ સાથે સહકાર કરાય ને કયા સાથે ન કરાય એની એક વિવેકવંતી આચારસંહિતા મેઘાણીના સાક્ષરજીવનમાંથી આકાર લેતી દેખાય છે. તેથી જ એમને હું વ્યવહારુ સાક્ષરજીવનનો આદર્શ ગણું છું, ને કોઈક ભીડ કે મૂંઝવણને પ્રસંગે વાણી-વર્તનની બાબતમાં એમના આદર્શમાંથી માર્ગદર્શન મેળવું છું. મારે માટે તો મેઘાણીની જીવની એક રેફરન્સ બુકની ગરજ સારી રહી છે. સર્જકમાત્ર સ્વભાવથી જ બળવાખોર હોય, સાત્ત્વિક અર્થમાં વિદ્રોહી હોય. મેઘાણીએ પોતાના યુગની વંદના કરી ખરી, પણ સાથેસાથે, અગાઉ કહ્યું છે તેમ, કેટલીય દાંભિકતાઓ ને ચશમપોશીઓ સામે પડકાર કરેલો, જીવન ને સાહિત્યમાં જોવા મળેલી પુષ્કળ બુવાગીરીઓ અને તાનાશાહીઓ સામે વિદ્રોહ પોકારી જાણેલો. આમ, વ્યાપકપણે એમની યુગવંદના પણ વિવેકયુક્ત હતી એમ કહી શકાય. આ સભામાં થોડી ક્ષણો પહેલાં જે સારસ્વતની ઉપસ્થિતિ જ નહોતી એ મેઘાણીભાઈ આ સુંદર છબીના અનાવરણથી આપણી વચ્ચે કેમ જાણે સદેહે આવી પહોંચ્યા હોય એવી એક સુખદ લાગણીનો અનુભવ થાય છે. આ પ્રસંગે થોડી અંગત વાત કરું તો માફ કરજો. મેઘાણીભાઈ જેવા મોટા સાહિત્યકારના ચિત્રનું અનાવરણ કરવા માટે હું ખરેખર નાનો માણસ છું. ખોટી નમ્રતાથી આમ નથી બોલતો. પરિચિતો જાણે છે કે મિથ્યાનમ્રતાનો ગુણ મેં કદી નથી કેળવ્યો. છતાં તમારી સંસ્થાએ આ કામ માટે આ નાના માણસને નોતરીને જે મોટાઈ બતાવી છે, એથી હું આભારવશ થયો છું, અને આ અનાવરણવિધિ કરીને ધન્યતા અનુભવું છું, કેમકે મેઘાણીનું મારી ઉપર બહુ મોટું ઋણ છે. સભામાંના વિવેચકમિત્રો શાખ પૂરશે કે હું જે કાંઈ છું એ મેઘાણી થકી જ છું. એ ઋણ યત્કિચિંત પણ ફેડવાની આ તક આપવા બદલ હું તમારો સહુનો આભાર માનું છું. (ભાવનગરની ન. ચ. ગાંધી મહિલા કૉલેજમાં તા. ૨૭-૧૨-’૬૪ ને રોજ મેઘાણીના તૈલચિત્ર અનાવરણ પ્રસંગે બોલાયેલું.)
(‘શાહમૃગ-સુવર્ણમૃગ’)