સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ચુનીલાલ મડિયા/બે પૂંઠાં વચ્ચે ઊપસતી એક તસ્વીર

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૨૧
બે પૂંઠાં વચ્ચે ઊપસતી એક તસ્વીર

‘બે પૂંઠાં વચ્ચે હૃદય પ્રવેશ્યું છે?’ ઉમાશંકર જોશીકૃત અભિનવ વિવેચનગ્રંથ ‘અભિરુચિ’માં ગ્રંથસ્થ થયેલ એક લેખનું શીર્ષક આવા પ્રશ્નાર્થરૂપે લખાયું છે. ‘મિત્રો, આ કેવળ ગ્રંથ નથી, આને સ્પર્શ કરનાર એક હૃદયને સ્પર્શી રહેલ છે,’ એ વ્હિટમેનની ઉક્તિની ઢબે આ લેખમાં પણ લેખક એક નવોદિત સાહિત્યકારને સલાહ આપે છે કે તમે જે પુસ્તક પ્રગટ કરવા ધારો છો એનાં બે પૂંઠાં વચ્ચે તમારી હૃદયશ્રી... એટલે કે સત્ત્વશીલતા...ન આવી શકતી હોય તો એ પુસ્તકનું પ્રકાશન નિરર્થક છે. પ્રશ્નાર્થસૂચક શીર્ષકને વાચ્યાર્થમાં લઈને એ પૃચ્છકના જ ગ્રંથનું અવલોકન કરતાં એમ લાગે છે કે આ નવતર ઢબના વિવેચનગ્રંથનાં બે પૂંઠાં વચ્ચે એના કર્તાની પણ એક તસ્વીર ઊપસી આવે છે, અને એ તસ્વીરનાં વિવિધ પાસાં બે ઘડી નિહાળવા જેવાં લાગે છે. અમુક પ્રજાનાં અખબારોમાં કેવી જાહેર ખબરો પ્રગટ થાય છે એ અવલોકીને હું એ પ્રજાની સંસ્કારિતાની છબિ આંકી શકું, એમ એક વિદેશી સમાજશાસ્ત્રીએ કહેલું. એ જ ઢબે, કોઈ માણસને સાહિત્યમાં શું શું ગમે છે, શા માટે ગમે છે, એને શું શું નથી ગમતું, એ અણગમાનાં કારણો શાં છે, જીવન અને સાહિત્ય પ્રત્યે એનું વલણ કયા પ્રકારનું છે, એની માન્યતાઓ અને ખ્યાલાતો શી છે, એ કયા પ્રકારના આગ્રહો અને પ્રતીતિઓ ધરાવે છે, વગેરે વગેરે માહિતી જાણવા મળે તો એ માણસનું એક કલ્પનાચિત્ર—અને એમાંથી અમુક અંશે એનું વ્યક્તિચિત્ર પણ—આંખ સામે આકાર લઈ રહે. ‘અભિરુચિ’માં આ બધી સામગ્રી (Data) વત્તેઓછે અંશે સાંપડી રહે છે અને તેથી એના કર્તાની લગભગ સુરેખ કહી શકાય એવી નિકટ-છબિ (ક્લૉઝઅપ) આકાર પામી શકે છે. પુસ્તકના નામમાં કોઈ જડબાતોડ શબ્દને બદલે ‘અભિરુચિ’નો ઉપયોગ વિશેષ સાર્થક લાગે છે, કેમ કે, એ શબ્દના (વિદ્યાપીઠના સાર્થ જોડણીકોશ અનુસાર) ત્રણેય અર્થ ‘રુચિ, શોખ અને પ્રીતિ’નો અહીં સારા પ્રાણમાં પરચો થાય છે. અને પરિણામે એ પરિચય પરથી પેલી છબિની રેખાઓ વધારે સારો ઉઠાવ પામી શકે છે. આ છબિની પ્રધાન લાક્ષણિકતા એ જણાય છે કે કર્તા એક કવિ છે. ગ્રંથો, ગ્રંથકારો કે સાહિત્યિક પ્રશ્નોની ચર્ચા કરતા જુમ્લે છપન નાનામોટા લેખોમાં સર્વત્ર આ હકીકતની પ્રતીતિ થયાં જ કરે છે. ‘મહાભારતમાં માનવતા’ જેવું મહત્ત્વાકાંક્ષી અવગાહન હોય, કે ‘લેખક અને રાજ્ય’ જેવી ચર્ચાસ્પદ વાત હોય, કે નવોદિત કવિઓની કૃતિઓનું પરીક્ષણ હોય કે દિવંગત સાક્ષરોને અપાયેલ નિવાપાંજલિ હોય, દરેકમાં કર્તાની કવિદૃષ્ટિ છતી થયા વિના રહેતી નથી. એ દૃષ્ટિ વિવિધ રૂપે વ્યક્ત થાય છે. મહાભારતકારને કર્તા એક વિદ્વાન ઉપરાંત સંવેદનશીલ કવિના હૃદયથી મૂલવે છે. ‘કુરુક્ષેત્રની રણભૂમિ ઉપર ભેગા થયેલા અઢારેઅઢાર અક્ષૌહિણી સૈન્યમાંના કોઈ પણ વીરનરને આત્મીય ગણનાર, વિધાતા સિવાય કોઈ હોય તો તે માત્ર એક વ્યાસ જ છે.’ કાવ્યગ્રંથોનાં અવલોકનોમાં તેઓ કવિત્વમય (અને છતાં કૃત્રિમ નહિ) પ્રતિરૂપો યોજે છે. ‘વાયુનાં શિલ્પ,’ ‘સ્વપ્નનો સુરમો,’ વગેરે. નિવાપાંજલિઓમાં તેઓ ક્વચિત એકાદ કવિત્વભરી ઉક્તિમાં જ આખા કથનનું હાર્દ આપી દે છે : ‘મધુરપની પરબ માંડીને બેઠેલા શ્રી રમણલાલ (વ. દેસાઈ)માં ગજવેલનો ગુણ પણ જોવા મળતો.’ ‘સાહિત્યક્ષેત્રના માળી પાઠક સાહેબ...’ ‘વિદ્યાબહેન એ રમણભાઈની ઉત્તમ કૃતિ હતાં.’ ‘મેઘાણી એટલે વીણા નહિ પણ એકતારો... મેઘાણીની વાણી કોઈ એકાંતવાસમાં વાગતી વીણાના અલંકારભર્યા ઝંકાર નહિ, પણ બારણે બારણે ગુંજતા રાવણહથ્થાના દર્દીલા સરળ સૂર.’ આ પ્રતિરૂપો અને ઉપમાઓ કર્તાની ગદ્યશૈલીના આવિષ્કારો છે. છતાં એ, એમનો જ એક શબ્દ વાપરીને કહીએ તો કેવળ ‘શલીસુખ’ ખાતર નથી યોજાયાં. આ કવિહૃદય તો આ ગ્રંથમાં વિવિધ કલાકૃતિઓના આસ્વાદમાં ઠેરઠેર નજરે ચડે છે. આ કવિહૃદય સાહિત્યકારોનાં અને સાહિત્યકૃતિઓનાં મૂલ્યાંકનોમાં એકંદર સારો સંયમ જાળવી શકે છે, જે કેવળ કવિજન માટે દુષ્કર ગણાય. કવિ ઉપર વિવેચકની લગામ સતત તંગ તણાયેલી દેખાય છે. કોઈ ચર્ચાના નિર્વહણમાં, કે પરીક્ષણના ચુકાદામાં બેફામ અતિશયોક્તિ ક્યાંય કરતાં ક્યાંયે જણાતી નથી. કોઈ પણ સર્જક માટે એમણે અતિપ્રશંસાયુક્ત પ્રમાણપત્ર ફાડ્યું નથી. ઊલટાનું ઘણુંખરું તેઓ અલ્પોક્તિની બ્રિટિશ ખાસિયતના જ આગ્રહી જણાય છે. રાજપુરુષોનાં નિવેદન માટે વપરાતી એક અંગ્રેજી ઉક્તિ આ ગ્રંથમાંનાં ઘણાં વિધાનોને પણ લાગુ પાડી શકાય : ‘આમાં કર્તાએ જે અણકથ્યું રહેવા દીધું છે એ જ વિશેષ મહત્ત્વનું છે.’ અલ્પોક્તિનો આશ્રય લેતી આ વિવેચનશૈલીનો એક વિશેષ લાભ એ જણાય છે કે કર્તાનાં મંતવ્યોમાંથી ઝનૂનનું તત્ત્વ દૂર રહ્યું છે. આ ગ્રંથમાંના જ એક વાર્તાસંગ્રહના આમુખનું શીર્ષક ‘નહિ તહોમત, નહિ ચુકાદો’ કર્તાનાં ઘણાં વિધાનોનું સામૂહિક શીર્ષક બની રહે એવું છે. અને છતાં લેખક કશું કહેતાં અચકાય છે, કે ભીરુતા અનુભવે છે એમ રખે કોઈ માની બેસે. એમનાં નિર્ભીક નિરીક્ષણોની તો ખાસ્સી લાંબી યાદી ઉતારી શકાય એમ છે. જેમાંની થોડીક નમૂનારૂપ વાનગી આપણે હમણાં જ ચાખીશું. અલ્પોક્તિ વડે કામ લેવાની વિવેચન પદ્ધતિનો અર્થ એવો નથી કે કર્તા પાસે પોતાની કોઈ દૃઢમૂલ પ્રતિપત્તિઓનો અભાવ છે. એમ તો આન્દ્ર જિદ માટે યોજાયેલ ઓળખ ‘નિર્દય નિરીક્ષક’નું લેબલ કર્તાને પણ અમુક અંશે લાગુ પાડી શકાય એવું છે. પણ આ નિર્દયતા વાચકને વાગે કે આઘાત પહોંચાડે એવી કઠોર નથી, બલકે, મુલાયમ છે. પરિણામે, લેખક હઠયોગી બનતાં બચી ગયા છે. એમના અભિપ્રાયોમાં હઠાગ્રહને બદલે હળવાશ આવી શકી છે. જડબેસલાક કે ‘અંતિમ વાક્ય’ જેવાં નિવેદનો તેઓ સહેતુક ટાળતા જણાય છે. ‘છે’ ને બદલે ‘હોય’ ક્રિયાપદનો વધારે વપરાશ એ આ લેખકની કેવળ લેખન-લઢણ જ નથી, ગાંધીજીના સંદર્ભમાં એમણે કરેલા નિરીક્ષણમાંના શબ્દોમાં કહીએ તો, ઉદારતાનો—બીજા માણસને વિશે એને વધારેમાં વધારે ન્યાય મળે એવી મનોવૃત્તિ રાખવાની ચીવટ, ચેરિટી-નો—જ એ આવિષ્કાર છે. અને છતાં એક કવિહૃદય છેક ઊર્મિલ બનતાં તો શેં રહી શકે? સાને ગુરુજીકૃત ‘બે ફૂલ’નું અવલોકન આખુંયે ઊર્મિલ છે : ‘ગુરુજી આજન્મ શિક્ષક હતા. માતાને બાળક જોઈ પાનો છૂટે તેમ શિષ્યો જોઈને એમનું હૃદય ઊભરાતું. એમનું વિપુલ સાહિત્યસર્જન એ ઊભરાતાં માતૃહૃદયની પ્રસાદી છે. શ્યામની મા, ભારતીય સંસ્કૃતિ, ગોડગોષ્ઠી જેવાં પુસ્તકોમાંથી સૌ દેશજનો પોષણ મેળવ્યાં કરશે. આવાં સર્જનોને કલારચનાના નિયમોને ધોરણે તોળવાનાં ન હોય.’ અહીં કોઈ વાચક પ્રશ્ન પૂછી શકે : શા માટે તોળવાનાં ન હોય વારુ? પણ કર્તા તો કશો ઉત્તર આપવાને બદલે કહે છે : ‘જે વાઙ્‌મય કલાકારો માટે પણ માના ધાવણ જેવું નીવડે છે તે સંતોના હૃદયનું સહજ સ્ફુરણ હોય છે.’ કર્તાએ કરેલી આ પ્રશંસામાં વિવેચન નથી; નરી કવિતા જ છે. સદ્‌ભાગ્યે આવું અહિંસક વલણ કર્તાએ વારંવાર નથી અપનાવ્યું, તેથી ઉપલા કિસ્સાને એક અપવાદ જ ગણીએ. ‘અભિસાર’ કાવ્યસંગ્રહના અવલોકનમાં એમણે આરંભમાં જ કહી દીધું છે કે ‘ઘણી બધી કૃતિઓ દૌષૈકદર્શિતા(સિનિસિઝમ)ની વૃત્તિનો પરિચય કરાવે છે... કવિતાભાસી શબ્દાવલિ કવિની કલમને જકડી લે છે, રસ સુધી જવા દેતી નથી... ‘કુરુક્ષેત્રે’ના કાવ્યખંડોમાં ઘૂંટાયેલો અનુષ્ટુપ આપી શકનાર કવિ અહીં સામાન્ય રીતે શિથિલ શ્લોકબંધથી જ સંતુષ્ટ લાગે છે. પાદપૂર્તિઓને સંગ્રહમાં સ્થાન આપીને તો લેખકે પોતાને અન્યાય જ કર્યો છે... એકંદરે ‘અભિસાર’માં છેલ્લા દસકામાં આપણી સર્જકશક્તિએ અનુભવેલી ઓટનાં દર્શન થાય છે...’ અને છતાં કર્તા સ્પષ્ટ-વકતૃત્વની જેહાદ ચલાવવા નથી નીકળ્યા. નિર્ભીક અભિપ્રાયોના ઉત્સાહમાં સમતોલપણું નથી ચૂક્યા. ‘સામા માણસને વધારેમાં વધારે ન્યાય મળે એવી મનોવૃત્તિ રાખવાની ચીવટ’ અહીં પણ જણાઈ આવે છે. ‘અભિસાર’માંનાં કેટલાંક સૌંદર્યબિંદુઓ—‘તારો ક્રમ’, ‘ભભૂતને’ આદિ કાવ્યોમાંથી અવતરણો લઈને એનું મૂલ્યાંકન કરવાની કર્તાની ચીવટ નોંધવા જેવી છે. આ ગ્રંથમાં કર્તાની બે પ્રવૃત્તિઓ નજરે પડે છે. એક છે સાહિત્યચર્યાની અને બીજી છે પત્રકારચર્યાની. પત્રકારચર્યા, લેખક માટે પ્રવાહ-પ્રાપ્ત પ્રવૃત્તિ છે. ‘સંસ્કૃતિ’ માસિક અને ‘સંદેશ’ના સાપ્તાહિક સાહિત્ય-પાનાના સંપાદન નિમિત્તે એમને ઘણા મનીષીઓની મૃત્યુનોંધ લખવાનું પ્રાપ્ત થયું છે. આવી ડઝનેક અંજલિઓ પણ અહીં ગ્રંથસ્થ થઈ છે. આ પ્રકારનાં લખાણોમાં સામાન્યતઃ સદ્‌ગત સાહિત્યકારોના ગુણદર્શન ઉપર જ ઝોક અપાય અને એમની મર્યાદાઓ અંગે મૌન સેવાય તો એ પ્રસંગની ગંભીરતા જોતાં કદાચ ક્ષમ્ય ગણાય. બલકે, રવૈયો તો એવો છે કે મૃતાત્માના પવાડાઓ પંચમસૂરમાં જ છેડવામાં આવે. પણ અહીં કર્તાએ એ રવૈયો છોડીને દિવંગતોને અંજલિ આપતી વેળા એમનાં સ્વસ્થ મૂલ્યાંકનનો પણ પ્રયત્ન કર્યો છે. એટલું જ નહિ, એ મૂલ્યાંકનમાં ઘણે સ્થળે તો તે તે વ્યક્તિની દેખીતી મર્યાદાઓ પણ સંયમપૂર્વક છતાં નિર્ભયતાથી નિર્દેશી આપી છે. મેઘાણીની અવસાનનોંધમાં લખ્યું છે : ‘એમની સર્જક પ્રતિભા અનુસર્જનમાં વધુ રાચનારી છે. કેટલીક ઉત્તમ કૃતિઓ પણ ઇતરોત્થ (ડેરિવેટિવ) છે.’ રમણલાલ દેસાઈને પણ એમણે યોગ્ય રીતે જ, મેઘાણીની જેમજ, લખાણને સાહિત્યની કક્ષાએ રાખવાની ફાવટ ધરાવનાર લોકપ્રિય લેખક ગણાવ્યા છે. ‘ભાવિ મહાન સાહિત્યકારોને વધાવવાની પ્રજાની શક્તિને એમણે ખૂબ પરિપોષી છે.’ અમદાવાદ ખાતે ૩૩મા નિખિલ ભારત બંગ સાહિત્ય સંમેલન સમક્ષ કર્તાને ‘ગુજરાતી ભાષાસાહિત્ય ઊડતી નજરે’ અવલોકવાનું પ્રાપ્ત થાય છે ત્યારે નાનાલાલની ડોલનશૈલીની રચનાઓને તેઓ બેધડક ‘એક જાતના લયથી વંચાતા ગદ્ય’ તરીકે ઓળખાવે છે, અને વિવેચકોએ એને વિચિત્ર એવું અપદ્યાગદ્ય નામ આપ્યું હતું એવો ખુલાસો કરે છે. બિનગુજરાતી શ્રાવકો (કર્તાએ જ શ્રોતાઓ માટે આ ગ્રંથમાં અન્યત્ર યોજેલો શબ્દ) માટે તૈયાર થયેલી આ સમીક્ષા ગુજરાતી શ્રાવકો માટે પણ ઘણી રસપ્રદ બની રહે એવી છે. એમાં બીજું પણ એક નિખાલસ નિવેદન ધ્યાન ખેંચી રહે છે : ‘ગુજરાતી ભાષાના એક ઉત્તમ કવિ શ્રી સુંદરમ્‌ પોંડિચેરી આશ્રમમાં કેટલાક સમયથી વસે છે, તેમની ઉપર અને થોડેવત્તે અંશે અન્ય કવિમિત્રો ઉપર પણ શ્રી અરવિંદના વિભૂતિમત્ત્વનો પ્રભાવ પડ્યો છે, પણ હજી એના પરિણામરૂપ ઉત્તમ કવિતા મળવી બાકી છે.’ આ અને આ પ્રકારનાં અન્ય નિરીક્ષણો ઉપરથી કર્તાની પેલી નિકટછબિમાંનો બીજો પણ એક અણસાર ઊપસે છે. અને એ અણસાર છે કર્તાની ઉન્નત-ભ્રૂ (હાઈ-બ્રો) રસવૃત્તિનો. ‘ઉત્તમ કવિતા મળવી બાકી છે’ એ વિધાન એક યા બીજા સંદર્ભમાં આ આખાયે પુસ્તકમાં વ્યાપ્ત જણાય છે. ઉત્તમથી ઊણું કે ઊતરતું કશુંયે એમને રીઝવી શકે એમ નથી. અને છતાં ઊંચભમરિયાં રુચિતંત્રો સાથે ઘણી વાર સંકળાઈ રહેતું સૂગાળવાપણું કે ચાવળાઈ અહીં સદંતર ગેરહાજર છે. ‘અભિરુચિ’ના લેખક હોમરથી હેઠે ન જ ઊતરી શકનાર ‘હોઈ-બ્રો’ વર્ગમાં બેસવા માગતા નથી. એમને તો મહાભારત જેટલી જ ગરજ ગઝલની પણ છે. અને સૂચક રીતે, ગઝલ અંગેના લેખમાં જ કર્તાએ રુચિની વ્યાપ્તિ અંગેનો પોતાનો આગ્રહ વાતવાતમાં રજૂ કરી દીધો છે. ‘...રસિકોએ પોતાની રુચિને સંકુચિત કરી દેવી ન જોઈએ, અમુક સીમામાં બાંધી રાખવી ન જોઈએ, બને એટલી વ્યાપક અને સર્વગ્રાહી બનાવવી જોઈએ.’ આ ગ્રંથની અનુક્રમણિકા ઉપર ઊડતી નજર નાખનારને પણ મહાભારત, કાલિદાસ, દયારામ આદિ વિષયથી શરૂ થઈને આન્દ્ર જિદ, ડિલન ટૉમસ, યુજીન ઓ’નીલ, ચેખૉવ, એલિયટ આદિ સુધી વિસ્તરતા વિવેચનવિષયોમાં કર્તાની આ રુચિની વ્યાપ્તિનો તો અણસાર મળી જ રહે છે. પુસ્તકનું સળંગ વાચન બીજી એક છાપ પણ ઊભી કરે છે. કર્તાની સાહિત્યચર્યા અને પત્રકારચર્યા બંનેનો અહીં પરિચય થાય છે. કેટલીક અવસાનનોંધો-વિશેષતઃ પશ્ચિમના સાહિત્યકારો અંગેની નોંધો, ઓ’નીલ વિશેની બાદ કરતાં, પત્રકારચર્યાના સામયિક લેખનની નીપજ છે, એ ચોખ્ખું જણાઈ આવે છે. એ નોંધો સાહિત્યરંગી હોવા છતાં એમાંની કેટલીક અખબારી લેખનથી બહુ આગળ વધતી નથી, અને એમાં સ્વાભાવિક જ, ‘મહાભારમાં માનવતા’ જેવાં અધ્યયનનું ઊંડાણ નથી. આ પ્રકારનાં સામાયિક લખાણોમાં પણ એક પ્રકારનો સ્વાદ હોય છે ખરો; ‘અભિરુચિ’માંનાં આવાં લખાણો રસાળ ઢબે લખાયાં હોવાથી એ આસ્વાદ્ય અવશ્ય બન્યાં છે, છતાં એના સમાવેશને પરિણામે પુસ્તકનું પોત જરા પાતળું પડતું જણાય છે. લેખકની આ રસાળ લેખનશૈલીનો લાભ આખાય ગ્રંથને મળ્યો હોવાથી એ એક રોચક વાચનસામગ્રી પૂરી પાડે છે. વ્યાખ્યાનરૂપે લખાયેલાં લખાણોની શૈલી તો વાતચીતની હોય જ, પણ એ સિવાયનાં લખાણોમાં પણ વાચક સાથે રૂબરૂ વાતચીત થતી હોય એવી લઢણ વારંવાર જોવા મળે છે. પરિણામે એની લખાવટ સ્વાભાવિક બની છે, વિવેચનની જડબાતોડ પુસ્તકિયા શબ્દાવલિઓથી એ બહુધા મુક્ત રહી શકી છે. વિષય સાહિયચર્ચાનો હોય છતાં એની ભાષા સસ્તાપણામાં સર્યા વિના સરળ અને રસાળ બની રહે એ એની લોકભોગ્યતાના લાભમાં જ ગણાય. પુસ્તકને ઊઘડતે પાને ગ્રંથશીર્ષક ‘અભિરુચિ’ ઉપર ‘સાહિત્યવિવેચન’ એવું ઉપશીર્ષક યોજવામાં આવ્યું છે. પુસ્તક સાદ્યંત વાંચી જનાર વાચક આ ઉપશીર્ષકમાં બે શબ્દો—‘શિરોવેદના વિનાનું’ ઉમેરી શકે એવી એની રોચકતા છે. દર ત્રીજે વાક્યે મમ્મટ કે મલ્લિનાથનાં નામરટણ કર્યાં વિના કે વાતેવાતમાં સંસ્કૃત રસમીમાંસકોનાં પોપટવાક્યો ટાંક્યાં વિના પણ સાહિત્યવિચાર વ્યક્ત કરી શકાય છે—લેખકને પોતાને કશુંક નક્કર કહેવાનું હોય તો—એની પ્રતીતિ આ અરૂઢ વિવેચનો વાંચતાં થાય છે. આ લખાણોને જાણીતી અંગ્રેજી શબ્દાવલિ વડે ઓળખાવી શકાય : ‘વિવેચન વિધાઉટ ટિયર્સ.’ લેખકનું ગદ્ય સારા પ્રમાણમાં પ્રવાહી હોવા છતાં ક્યાંક ક્યાંક એ ખચકા ખાય છે એ નોંધવું જોઈએ. કોઈ કોઈ વાક્યરચનાઓ અટપટી અને ક્વચિત જરા અસ્પષ્ટ પણ બની જાય છે. અને લખાવટમાં અંગ્રેજી લેખન અને બોલચાલની કેટલીક જાણીતી લઢણો તો વારંવાર આવ્યા કરે છે જે, લેખકના અંગ્રેજી ભાષાના અતિસેવનની ચાડી ખાતી જણાય છે. લેખકની કામગીરી, સમાજમાં લેખકનું સ્થાન, કલાકારનું કાર્યક્ષેત્ર, લેખક અને સમાજ, લેખક અને રાજ્ય વગેરે અંગે આ પુસ્તકમાં વિવિધ સ્થળોએ સારા પ્રમાણમાં લખાયું છે. ‘જ્યારે સાહિત્યકારને નદી પણ સંઘરતી નથી’ નામક સંવાદ સામ્પ્રત સમાજરચનામાં લેખકની કામગીરી વેધક વાક્યોમાં, તોડીફોડીને સમજાવે છે. ‘લેખકની જવાબદારી–ઝડપથી પલટાતી દુનિયામાં’ એ વ્યાખ્યાન અને આગલા સંવાદના જ અનુસંધાનમાં સર્જકની શ્રદ્ધા અંગેના વિચારો (‘આપણી સર્જનપ્રવૃત્તિ મંદ કેમ છે?’) વાંચતાં એમાંથી કર્તાના પોતાના જ એક ટેસ્ટામેન્ટ-શ્રદ્ધાખત—નું ચિત્ર આકાર લઈ રહે છે. આમાંનો છેલ્લો લેખ વધારે મહત્ત્વનો છે. એમાં એમણે સર્જકની બૌદ્ધિક પ્રમાણિકતા અને વૈજ્ઞાનિક દૃષ્ટિ ઉપર ભાર મૂક્યો છે. આ બુદ્ધિપૂત દૃષ્ટિનો વધુમાં વધુ લાભ ‘મહાભારતમાં માનવતા’ના અધ્યયનને મળ્યો લાગે છે. મહાભારતયુગીન સમાજવ્યવસ્થા, કુટુમ્બવ્યવસ્થા, જિન્સી સંબંધો આદિને લેખક બુદ્ધિપૂત દૃષ્ટિથી અવલોક્યાં છે. અને એમાંથી બુદ્ધિગમ્ય તારણો રજૂ કર્યાં છે. ‘રણછોડલાલ અને બીજાં નાટકો’ને અવલોકતાં ‘રણછોડલાલ’ને તેઓ સંગ્રહની સૌથી ઉત્તમ કૃતિ ગણે છે, અને ચરિત્ર નાટકોના એક ઉત્કૃષ્ટ નમૂના તરીકે એને બિરદાવે છે, છતાં કાપડ ઉદ્યોગના આ આદ્ય સ્થાપકના પાત્રનિરૂપણને પેલી બુદ્ધિપૂત વૈજ્ઞાનિક દૃષ્ટિ આ રીતે ચકાસે છે : ‘ચરિત્રનાટકોનો એક સામાન્ય દોષ વીરપૂજાનો રહેવાનો જ. રણછોડલાલે પહેલી મિલ નાખી અને એથી અમદાવાદને ફાયદો થયો. પણ વૈજ્ઞાનિક બુદ્ધિ આજે જુદી રીતે આવાં પ્રકરણો પ્રત્યે જુએ છે એ સુવિદિત છે. આપણે એમ કહીએ કે માણસ સ્વાર્થ સાધવામાં રચ્યોપચ્યો રહે તોપણ જીવનની રચના એવી છે કે એવી સાધનામાંથી પણ કાંઈક પરમાર્થ સધાયા વિના રહે નહિ. સંભવ છે કે રણછોડલાલમાં સ્વયંભૂ સેવાવૃત્તિ ૫ણ કાંઈક અંશે હોય. રીઢા અમદાવાદીની વ્યવહારુ સામાન્ય સમજ તો હતી જ. અને તે પ્રાર્થના-સમાજ અંગેના પ્રસંગે અત્યંત કૌશલપૂર્વક લેખકે આલેખી બતાવી છે.’ આ બુદ્ધિપૂત વૈજ્ઞાનિક દૃષ્ટિ વાસ્તવમાં શુદ્ધ કલાકારની જ દૃષ્ટિ છે. અને એ દૃષ્ટિ સમાજના સુધારકો અને ઉદ્ધારકોને પણ વહેમની નજરે જુએ છે. ‘નહિ તહોમત, નહિ ચુકાદો’—માં આ વહેમ વ્યક્ત થયો છે : ‘સુધારકવૃત્તિ ઘણી વાર મનુષ્યજીવનનું સર્વગ્રાહી દર્શન મેળવવાની આડે આવે છે–ખાસ કરીને સુધારકમાં પ્રેમતત્ત્વ બહુ પ્રબળ ન હોય ત્યારે. ઘણું ખરું સુધારકવૃત્તિવાળા માણસો દોષો, ખોડખાંપણો, ઊણપો જ વીણીવણીને જોતા હોય છે. ઘણી વાર એ ખોડખાંપણો ને ઊણપો માટે મહેરબાનીનું કે નફરતનું વલણ જોવા મળે છે.

(‘ગ્રંથગરિમા’)