સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ચુનીલાલ મડિયા/વિવેચક-પરિચય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
વિવેચક-પરિચય
Chunilal Madia 09.png


ચુનીલાલ મડિયા (૧૯૨૨ – ૧૯૬૮) : વતન ધોરાજી.

મુખ્યત્વે નવલકથાકાર અને વાર્તાકાર તરીકે જાણીતા આ લેખકે નાટકો, નિબંધો અને વિવેચનલેખન ક્ષેત્રે પણ નોંધપાત્ર કાર્ય કર્યું છે. ૪૬ વર્ષના અલ્પાયુષમાં તેમણે દશથી વધુ નવલકથાઓ અને બારથી વધુ વાર્તાસંચયોમાં બસો પચાસ જેટલી વાર્તાઓનું લેખન સમાવ્યું છે. પ્રવાસ, અનુવાદ અને સંપાદનના ગ્રંથો પણ એમણે આપ્યા છે. ‘રુચિ’ નામનું સામયિક ચલાવતા. મડિયા વિદેશી સાહિત્યના – ખાસ તો યુરપ અને રશિયન સાહિત્યના) વાચક, ચાહક અને સમીક્ષક તરીકે પણ જાણીતા હતા. નવલકથા – વાર્તાના સ્વરૂપ વિશે તેમણે વિગતે ચર્ચા કરી છે. પ્રવાહદર્શન અને કૃતિસમીક્ષા પણ એમના રસના વિષયો રહ્યા છે.

એમની નોંધપાત્ર અને જાણીતી કૃતિઓ આ પ્રમાણે છે :

નવલકથા : ‘વ્યાજનો વારસ’, ‘પાવક જ્વાળા’, ‘લીલુડી ધરતી ૧-૨’, ‘ઇંધણ ઓછાં પડ્યાં’, ‘પ્રીતવછોયાં’, ‘વેળાવેળાની છાંયડી’

ટૂંકી વાર્તાઓ : ‘શરણાઈના સૂર’, ‘ઘૂઘવતાં પૂર’, ‘અંતઃસ્રોતા’, ‘રૂપ-અરૂપ’, ‘ચંપો અને કેળ’

નાટકો : ‘રંગદા’, ‘રક્તતિલક’, ‘હું ને મારી વહુ’, ‘શૂન્યશેષ’ વગેરે. ‘ચોપાટીના બાંકડેથી’, નિબંધો તથા ‘કથાલોક’, ‘વાર્તાવિમર્શ’, ‘ગ્રંથગરિમા’ આદિ એમના વિવેચનગ્રંથો છે.

–મણિલાલ હ. પટેલ