સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ચુનીલાલ મડિયા/સંપાદક-પરિચય
મણિલાલ હ. પટેલ (૧૯૪૯) વતન : ગોલાના પાલ્લા, તા. લુણાવાડા, જિ. મહીસાગર. હાલ : વલ્લભવિદ્યાનગર. શિક્ષણ : એમ.એ., પીએચ.ડી., અધ્યાપક : ૧૯૭૩થી ૨૦૧૨ ઉચ્ચશિક્ષણ મોડાસા કૉલેજમાં મેળવ્યું. દરમ્યાન આચાર્યશ્રી ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શનમાં ઘડતર થવા સાથે વાચનલેખનની દિશા પણ ઊઘડી. ઈડર કૉલેજમાં (૧૯૭૩થી ૧૯૮૭) ચૌદ વર્ષ અધ્યાપન-અધ્યયન સાથે પ્રાકૃતિક પરિસર મળતાં કવિતા-નિબંધ-નવલકથાનું લેખન થતું રહેલું. અહીં કૉલેજમાં અનેકવિધ શૈક્ષણિક, સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં જોડાવાની તથા માર્ગદર્શન કરવાની તકો મળી. આ ભાથું ઘણું ઉપયોગી બન્યું. સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરના ગુજરાતી વિભાગમાં (૧૯૮૭–૨૦૧૨) સર્જન ઉપરાંત સમીક્ષાલેખન માટે અને વક્તવ્યો માટે સજ્જતા કેળવવાનો અવકાશ મળ્યો. અભ્યાસ વધ્યો. પુસ્તકો પ્રકાશિત થતાં ગયાં. કવિતા-વાર્તા-નિબંધ-ચરિત્ર-પ્રવાસ-નવલકથા-આસ્વાદ/સમીક્ષાના સાંઠથી વધુ ગ્રંથો પ્રકાશિત થયા. કેટલાંક પારિતોષિક પણ મળ્યાં. આજે નિવૃત્તિ પછી વાચન-લેખન-સંપાદનમાં સમય પસાર કરે છે.
–યોગેશ પટેલ