સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નવલરામ પંડ્યા/શકુંતલા નાટકના ગુજરાતી તરજુમા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨. શકુંતલા નાટકના ગુજરાતી તરજુમા
[અનુ. (૧) ઝવેરીલાલ યાજ્ઞિક, (૨) દલપતરામ ખખ્ખર]

અમારા પાછલા એક અંકમાં આ સુંદર નાટકનો કંઈ ટૂંકો સાર આપ્યો હતો. અને તે વખતે મી ઝવેરીલાલના ભાષાંતર વિશે અમે જોઈને અમારો વિચાર આપ્યો જ હતો, કેમ કે અમને ખબર મળી હતી કે એ જ નાટકનો મુંબઈમાં બીજો તરજુમો થતો હતો, અને જ્યારે એમ હતું ત્યારે બે તરજુમાનું જોડે વિવેચન કરવું વધારે સરળ અને ફાયદાકારક થશે એમ અમે ધારતા હતા. હાલ એ બીજો તરજુમો મી. દલપતરામ પ્રાણજીવન ખખર તરફથી બહાર પડ્યો છે. એ બે ગ્રંથો જોઈને એક વિચારથી અમને ઘણો જ સંતોષ ઊપજે છે. આખા હિંદુસ્થાનમાં સહુથી જૂની અને ઘણું જ માન પામેલી ભાષા સંસ્કૃત છે. એ ભાષામાં આ દેશનાં સઘળાં ધર્મ પુસ્તકો છે, એ ભાષામાં ઘણી ઉમદા કવિતા છે, એ ભાષામાં ફિલસૂફીના ઘણા ગ્રંથો લખાયા છે. એ ભાષામાં સઘળા વિષય ઉપર લખાઈ ચૂક્યું છે, એ ભાષાના લખાણ ઉપરથી હિંદુ વર્ગના સઘળા સંસાર વ્યવહારના વિચાર પેદા થાય છે, તથા પછીથી પ્રાકૃત ભાષાઓમાં જેટલું લખાયું છે તે સઘળાનો આધાર એ જ સંસ્કૃત ભાષાનાં પુસ્તકો છે. જેવી યુરોપમાં લેટિન અને ગ્રીક તેવી ભરતખંડમાં એ ભાષા છે. સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરવો અને તેમાંથી ગુજરાતીમાં તરજુમા કરવા એ અમે ઘણું જરૂરનું સમજીએ છીએ, અને હિંદુ વિદ્વાનોની તો એ ફરજ છે. આ કારણથી અમે કેટલોક વખત થયા અચરતી પામતા હતા કે અંગ્રેજી ગ્રંથોમાંથી સરખી ચોપડીઓના પણ ગુજરાતી ભઈયો તરજુમા કરાવા મંડી જાય છે, અને સંસ્કૃત તરફ પોતાનું મન કેમ દોડાવતા નથી. એ અમારી અચરતી દૂર કરી આ બે ગૃહસ્થોએ અમને આનંદ પમાડ્યો છે. આ બે તરજુમામાં મી. ઝવેરીલાલ વાળો મૂળને વધારે મળતો આવે છે. એમાં ફેરફાર ઘણો જ થોડો છે, અને વાક્ય યોજના પણ બને તેટલી મૂળને અનુસરતી રાખી છે. ઘણું કરીને છંદ પણ તેમાં છે તે પ્રમાણે જ રાખ્યા છે. મી. દલપતરામના તરજુમામાં વધઘટ વધારે કીધેલી જણાય છે અને કવિતાનાં માપ જુદાં છે. આ ગુણથી જે ગુણ દોષ જોવાની આપણે સ્વાભાવિક રીતે આશા રાખીએ તે પ્રમાણે જ જોવામાં આવે છે. મી. ઝવેરીલાલનું લખાણ ક્લિષ્ટ થઈ ગયું છે. એનો અર્થ વાંચનારથી સહેજ સમજાઈ શકતો નથી. અને તેથી તે નિરસ લાગે છે. તોપણ અમારે કહેવું જોઈએ કે એ માંહેલું ગદ્ય અથવા સાદું લખાણ ઘણી સારી રીતે લખાયેલું અને તેને એ કઠિનતાનો દોષ લાગુ પડતો નથી એટલું જ નહિ પણ તે મી. દલપતરામના ગદ્ય કરતાં વધારે સરળ, રૂઢ અને રસ ભરેલું છે. મી. ઝવેરીલાલના ભાષાંતરને ચઢિયાતું ગણવામાં મોટી હરકત એ છે કે એ શકુંતલા નાટકમાં કવિતાનો ભાગ ઘણો છે અને ઘણો ભાગ જેમાં સમજાય નહિ એવો નહિ હોય તે ગ્રંથને સારો કેમ કહી શકાય. મી. દલપતરામની કવિતા ઘણી સરલ અને રસ ઉપજાવે એવી છે. એમાં સવિતા નારાયણની તરફથી કેટલી મદદ મળી હશે તે બરાબર કહી શકાતું નથી, પણ અમને એમ લાગે છે કે જો અમારી કલ્પના ખરી હોય તો મી. દલપતરામ પોતાના તરજુમાની ફતેહને માટે એ ઊગતા કવિના આભારી છે. ઘણાએક લોક એ તરજુમા વાંચ્યા પછી ઘણી વાર એવો પોકાર કરતા સંભળાય છે કે એમાં રસ લાગતો નથી. એ પોકાર કેટલેક દરજે ખરો છે. કાલિદાસનું નામ, અને તેના નાટકની દુનિયામાં વખણાયેલી જે ખૂબી, તે એવાં છે કે, દરેક માણસનું મન એ તરજુમાઓ વાચવાને ઉશ્કેરાય છે, પણ કાલિદાસના નામ ઉપરથી જે રસની આશા રાખી શકાય તેનો થોડો ભાગ જ આ તરજુમા વાંચતા જોવામાં આવે છે. અંગ્રેજી ભાષામાં કાલિદાસના નામને છાજે એવો તરજુમો થયો છે, તેમ આપણી ભાષામાં એકે થયો નથી એમ કહેવું પડે છે. ગુજરાતી ભાષાનો જ એ વાંક છે એમ તો કહી શકાય નહિ, કેમ કે સંસ્કૃતમાંથી એમાં તરજુમો કરવો વધારે સહેલો, અને નૈષધ કાવ્ય દશમસ્કંધ સરખાં કેટલાંક સંસ્કૃત કાવ્યના એવા તરજુમા થયા છે કે તેની ખૂબી ગુજરાતના આ છેડાથી પેલા છેડા લગી ગવાય છે. પણ કવિતાનું ભાષાંતર બીજા કવિથી જ મન માનતી રીતે થઈ શકે છે. તેથી સઘળા તરજુમા કરનાર પાસેથી તેટલા રસની આશા રાખી શકાતી નથી. ગુજરાતી ભાષામાં કાલિદાસ સરખા મહાકવિના એક નામીચા ગ્રંથને આ બે વિદ્વાન ગૃહસ્થોએ દાખલ કીધો માટે સઘળા એ ભાષા બોલનારાઓએ એમનો ઉપકાર માનવો જોઈએ, અને એવાં પુસ્તકોનો વધારો થાય એવી હમેશાં ઇચ્છા રાખવી જોઈએ.

૧૮૬૯-૭૦