સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નીતિન મહેતા/કવિતામાં ચાલે? (પવનકુમાર જૈન)

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૪. કવિતામાં ચાલે? (પવનકુમાર જૈન)

કવિતામાં ચાલે?

જોયા વિના જો રણની વાત કરો,
તો કવિતામાં ચાલે.
ભાળ્યા વિનાય મૃગજળની વાત કરો,
તો કવિતામાં ચાલે.

દાહકરમ કરતાં કરતાં દફન-કબરની વાત કરો,
તો કવિતામાં ચાલે.
પૂજો-અર્ચો મૂર્તિ, પણ અલ્લાની વાત કરો,
તો કવિતામાં ચાલે.

વાસ માત્રથી છો થથરતા, મદિરાના મદની વાત કરો,
તો કવિતામાં ચાલે.
મોઢેથી બોલ ન ફૂટે કિંચિત્‌, પ્રેમિકાની વાત કરો,
તો કવિતામાં ચાલે.

વનને વગડો સમજી એવું બબડો,
તો કવિતામાં ચાલે.
નવકવિતાનાં ડિમડિમ પીટી, દેવ-દેવીનાં સ્તોત્ર રચો,
તો કવિતામાં ચાલે.

છો જાત ન જાગી, જગને જગાડવાના ડોળ કરો,
તો કવિતામાં ચાલે.
જડ હાથ ને મૂંગી વાણી, તદપિ લેખણીની વાત કરો,
તો કવિતામાં ચાલે.

જોયા વિનાય નદી, ઝરણા કે દરિયાની વાત કરો,
તો કવિતામાં ચાલે.
વણદેખ્યા લાવાની ધગધગતી લ્હાણ કરો,
તો કવિતામાં ચાલે.

ઠાલું ઠામ અનુભવનું, પાછું, અમથું ઠલવો,
તો કવિતામાં ચાલે?
– પવનકુમાર જૈન
(નવનીત સમર્પણ, ઓગસ્ટ ૨૦૦૧, પૃ. ૨૦)

કવિતા વિશે કવિતા લખવાનાં અપાર જોખમો છે. એમાં કવિતાને બદલે પદ્યમાં કાવ્યવિવેચન થવાના અકસ્માતો સર્જાવાનો પૂરો ભય રહેલો હોય છે. આવાં જોખમો અને અકસ્માતો ક્યારેક સફળતાથી અને મોટે ભાગે તો નિષ્ફળતાથી કવિઓ દ્વારા થતાં રહેતાં હોય છે. એમની પાછળ એમનો કવિતા માટેનો સ્નેહ તથા કવિતા માટેનાં ચિંતા-ચિંતનનો ભાવ જ રહેલો હોય છે તો સાથે સાથે કવિતા વિશેની પોતાની વિભાવનાનો આછો નિર્દેશ પણ મળતો હોય છે. ‘કવિતામાં ચાલે?’માં ‘અનુભવ’ સંજ્ઞાની આજુબાજુ વિચાર કે ભાવની જે અસંગતિઓ સમકાલીન કવિતામાં જોવા મળે છે તેની વાત તિર્યકતાથી કરવામાં આવી છે. જોકે આ ‘અનુભવ’ સંજ્ઞા સંદિગ્ધ, મૂંઝવનારી અને છંછેડનારી રહી છે. કવિતા, જીવન, તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન અને અન્ય વિદ્યાશાખાઓમાં અનેક કેન્દ્રો પરથી ‘અનુભવ’ વિશે વિચારવિમર્શ સતત ચાલ્યા જ કરે છે. એ સમર્થન અને પ્રતિકારના બે અસમાન ધ્રુવો પર વારંવાર ગતિ કરતી, ક્યારેક સ્થાનાંતર કરતી રહેતી હોય છે. એના વિવેચનમાં અહીં ઉતરવાનો ઇરાદો નથી. પરન્તુ આ રચનામાં કવિએ આપણા મોટા ભાગના કવિઓનું અનુભવજગત કેવુંક તો મર્યાદિત, અસંગત અને વિસંવાદી છે તેનું આલેખન રચનારીતિની કેવી પ્રયુક્તિ દ્વારા કર્યું છે એ જાણવાનો ને સમજવાનો આંશિક પ્રયત્ન કર્યો છે. કવિતા એ અનુભવનો માત્ર અનુવાદ નથી એ કવિ જાણે છે અને એમને એ પણ ખબર છે કે વધારે અનુભવી હોય એ ઉત્તમ કવિતા લખી શકે છે એવા ભ્રમમાં રહેવાનું નથી. ‘કવિતામાં ચાલે?’ એ આમ તો અન્યોક્તિ છે તો સાથે સાથે આ કાવ્યમાં The Centre is mourningનો ભાવ પણ વાંચી શકાય છે. કવિની ચિંતા એ છે કે કવિતા એ શું ethics without law માત્ર છે? સર્જકની સૃષ્ટિ ભલે નિયતિકૃત નિયમરહિતા હોય, કવિઓ ભલે નિરંકુશ હોય પણ કવિને જો પ્રાથમિક અનુભવ ન હોય, જે એણે જોયું, જાણ્યું અને પ્રમાણ્યું નથી એનું આલેખન એ વિવેકહીન બની કરે તો એણે કેળવેલી બેદરકારી એ જ એનું અજ્ઞાન બની જાય છે. તો પછી એના આલેખનની પ્રમાણભૂતતાનું શું? આપણી સમકાલીન ગુજરાતી કવિતામાં કવિની અનુભવની મૂડી ઓછી છે અને અનુભવને નામે ઘોંઘાટ પ્રદૂષણ વિશેષ છે. એટલું જ નહીં પણ આપણા મોટા ભાગના કવિઓના આલેખનની રીતિઓમાં અનેક પ્રકારની વિસંગતિઓ ભળેલી છે એ પણ પંક્તિ પંક્તિના અવકાશમાં સૂચવાતું જાય છે. આ નિમિત્તે આડકતરી રીતે કવિ એવો સવાલ પૂછે છે કે આપણા કેટલાક કવિઓએ અનુભવના આલેખનમાં અસંભવિત શક્યતાઓ પસંદ કરી છે કે સંભવિત અશક્યતાઓ? શોધની અકળામણનું સ્થાન શું આત્મતૃપ્તિએ લીધું છે એવો સંશય પણ આ રચના જોડે ઓતપ્રોત થયેલો છે. આપણને એક પ્રશ્ન એ પણ થાય કે કવિતાના ભાવન દરમિયાન અનુભવ રચાતો આવતો હોય એનું શું કરીશું? આના ઘણા ઉત્તરો સંભવી શકે. એને અહીં કૌંસમાં રાખીએ અને ‘કવિતામાં ચાલે?’ની સન્મુખ થઈએ. અંતના પ્રશ્નાર્થ વાક્ય વિના, સમગ્ર રચના વિધાનાત્મક વાક્યોના નાના-મોટા ટુકડાઓમાં ગતિ કરે છે. ‘તો કવિતામાં ચાલે.’ એ ઘૂંટાઈ ઘૂંટાઈને આવર્તિત થતાં વાક્યો નકારને ઘૂંટવાની સાથે સાથે નિર્દેશ તો એ જ કરતાં રહે છે કે કવિતામાં આવું ન ચાલે. વિધાનાત્મક વાક્યના મહોરા પાછળ અહીં અણિયાળા સવાલો પૂછવામાં આવ્યા છે તેથી કવિતામાં તિર્યક્‌તાનો, વિડમ્બનાનો સૂર પ્રચ્છન્ન રીતે વણાતો જાય છે. દેખાતાં વિધાનાત્મક વાક્યો વાચનની ક્ષણે પ્રશ્નાર્થ વાક્યોમાં રૂપાંતરિત થતાં આવે છે. ‘તો કવિતામાં ચાલે.’ એ પ્રથમ વાચને સમ્મતિસૂચક લાગે પણ સાથે સાથે એ વાચકને સાશંક બનાવે ને પેલો સમ્મતિસ્વર એકાએક વળાંક લઈ લે ને પ્રશ્નાર્થમાં પરિણમે. કવિને પ્રશ્ન છે કે રણ કે મૃગજળને કવિએ સ્વનેત્રે ન નીરખ્યાં હોય, એનો પ્રાથમિક અનુભવ ન હોય તો ચાલે ખરું? કવિ દ્વૈતીયિક અનુભવની તરફેણ કરતા નથી. આપણા ઘણા ગઝલ લખતા કવિઓ વારંવાર રણ ને મૃગજળની વાતો, બન્ને અનુભવ વિના જ શા માટે કરતા હશે? રણ-મૃગજળની જોડેના સંદર્ભો કવિએ કવિએ, એના લખાણે લખાણે જુદા હોવાના પણ મૂળ મૂડી જ ન હોય તો? એવો પ્રશ્ન આપણા આ રચનાકારને થાય છે. રણ-મૃગજળના સંદર્ભો પણ એકવિધ અને રેઢિયાળ થઈ ગયા છે, કવિના સત્ત્વને એ નવું પરિમાણ આપનાર કેમ બનતા નથી એવો ‘તો કવિતામાં ચાલે.’ના પૂછડિયા ડંખમાં નિર્દેશ છે. આ પછી આવતી વિધાનોની શ્રેણીમાં વિધાનના પૂર્વાર્ધના અંશમાં કવિ એક વસ્તુની સ્થાપના કરે છે અને વિધાનના ઉત્તરાર્ધમાં આગળની સ્થાપના સાથે સંકળાયેલી વિસંગતિનો નિર્દેશ કરતા જાય છે. દાહકરમ અને દફન-કબર બન્નેના અનુભવો અલગ અલગ છેડાના છે એની જોડે ભલે મરણ સંકળાયેલું હોય છતાં એનાં વિધિ-વિધાનો જુદાં છે. બે જુદી જુદી કોમ સાથે સંકળાયેલા આ સંસ્કારો સાથે એ કોમોનાં જુદાંજુદાં વિધિવિધાનો છે એની ભેળસેળ એક જ ગઝલમાં થતી રહેતી હોય છે, અનુભવના સંદર્ભમાં આ બંને સંસ્કારો જુદા જુદા છે તે કવિએ જાણવું રહ્યું. સર્વધર્મસમભાવના અંચળા હેઠળ પૂજા-અર્ચના ને અલ્લાની વાતોય વિશે તફાવત ન જાણનાર કવિઓનું અનુભવવિશ્વ પાયાની જાણકારીથી કેવું તો વિખૂટું પડી ગયું છે તે કવિ અહીં દર્શાવે છે. દાહકરમ ને દફનકબર, તથા મૂર્તિપૂજા-અર્ચના ને નિરાકાર અલ્લાહની બંદગી વિશેની પાયાની જાણકારીનો અનુભવ ન હોય તો, આ નિર્દોષ અજ્ઞાન કાવ્યની રચનામાં અંતરાયરૂપ બને એ જ કવિને સૂચવવું છે, અને આવું આપણી મોટા ભાગની કાવ્યરચનાઓમાં બને છે એવો કવિને પાક્કો વિશ્વાસ છે. અનુભવની અપર્યાપ્તતાનો પ્રશ્ન અહીં કવિને મૂંઝવે છે. મદિરા ચાખ્યા વિના મદિરાનો અનુભવ વર્ણવવો, પ્રેમના અનુભવ વિના માંદલી પ્રેમની ભાષામાં પ્રેમનું વર્ણન કરવું ને પછી આ બધું ‘તો કવિતામાં ચાલે.’ ના સ્વ-બચાવની પાછળ છુપાવી દેવું તે કેટલે અંશે યોગ્ય છે? આ રચનામાં પંક્તિ પંક્તિ વચ્ચેના અવકાશમાં કેટલીક સમકાલીન કવિતાનું આડકતરી રીતે વિવરણ થતું આવે છે. બે અલગ અલગ પરિસ્થિતિઓના વર્ણનમાં સમાનઅર્થી શબ્દો હોવા છતાં સંદર્ભની એકવાક્યતા ન જળવાય તો એ માટે આપણા કવિનું અનુભવજગત કેવું સંકીર્ણ છે તે જ જાણવું રહ્યું. કવિ વારંવાર એક જ સમ પર આવે છે કે જેનો અનુભવ અપૂર્ણ એનું આલેખન પણ અપૂર્ણ અને અવિશ્વસનીય. આપણા કેટલાક કવિઓ વનને વગડો સમજે છે. બીજી બાજુ કવિને એક પ્રશ્ન પણ મૂંઝવે છે કે આધુનિક કવિતાના આંદોલનમાં સક્રિય રીતે, પાયાનો ફાળો આપનાર કવિઓ આજે દેવદેવીઓનાં સ્તોત્રો લખતા કેમ થઈ ગયા છે? આ વક્રતાયુક્ત વાણી પાછળ પેલો જ અણિયાળો પ્રશ્ન છે અનુભવની સંગતિનું શું? તો સાથે સાથે ભાવક તરીકે આપણે પણ થોડા છંછેડાઈએ અને આ રચનાના કવિને પ્રશ્ન પૂછીએ કે આધુનિક કવિતામાં મહત્ત્વનું પ્રદાન કરનાર કવિઓએ દેવદેવીનાં સ્તોત્રો રચ્યાં પણ એ સ્તોત્રોમાં જે સંવેદનાને રૂપ મળ્યું છે એ પરંપરાગત ભક્તિભાવનું જ છે? કે એ કાવ્યપ્રકારમાં કવિએ કોઈ જુદું પરિમાણ સિદ્ધ કરવાની મથામણ કરી છે? એ માત્ર ભક્તિભાવના નિરૂપે છે કે આધુનિક માનવીય પરિસ્થિતિની એ સ્તોત્રો દ્વારા મીમાંસા કરે છે? કવિને પોતાના ભાવને, એને અનિવાર્ય ને અનુરૂપ લાગે તે કાવ્યપ્રકારમાં ઢાળવાનો હેતુપૂર્વકનો અધિકાર ખરો કે નહીં? આપણા આ કવિને મન રચનારીતિનો સંદર્ભ ગૌણ છે એમને વિષય વસ્તુને અનુભવનાં પાસાંઓની ચોકસાઈમાં જ માત્ર રસ છે? આ કવિની આ જ રચના એક ભાવક તરીકે આસ્વાદ્ય લાગતી હોય તો તેની રચનાપ્રક્રિયાને કારણે જ. આખરે તો અભિવ્યક્તિ પણ અનુભવના રૂપને સંસ્કારવામાં આધાર રૂપ બનતી હોય છે. પણ અહીં આ નુકતેચીનીને જરા બાજુએ રાખીએ. બ્લાંશોના મતે તો સાહિત્યકૃતિના વાચનસમયે ભાવક તરફથી થોડું થોડું interruption થતું હોય છે કેમ કે એ નિષ્ક્રિય વાચક નથી, આગળ વધીએ. આપણા કેટલાક કવિઓ અધ્યાત્મની તૈયાર બાની લઈ પોતાનું કામ ચલાવે છે, તેથી અહીં કવિ તો સ્પષ્ટતાથી કહે જ છે :

છો જાત ન જાગી, જગને જગાડવાનો ડોળ કરો,
તો કવિતામાં ચાલે.

જેની જાત જાગી નથી એ જગતને જગાડવાના ઉધામા નાખે છે, જગતનો ઉદ્ધાર કરવાનો, તેના મસીહા થવાનો ડોળ કરે છે, એ શું કવિતામાં ચાલે ખરું? અધ્યાત્મની ચવાઈ ગયેલી, ઊંડાણ વિનાની પરિભાષામાં આ કવિઓ ઘણી વાર પરંપરાનું જ પોપટિયું ઉચ્ચારણ કર્યા કરતા હોય છે. મર્મી બન્યા વિના પોતાને મર્મ હાથ લાગી ગયો છે એનો દેખાવ અને તાગડો રચતા હોય છે. તેઓ સ્વયં વેશ, ટેક ને સર્જકતાના ઉન્મેષ વિનાની ભાષાના પિંજરામાં પુરાયા હોય છે, આમ તો અધ્યાત્મનો માત્ર અનુભવ થઈ શકે, એ અનુભવ બીજાને આપી ન શકાય. અહીં કવિને લાગે છે કે આ અનુભવની મુદ્રા જ પાંખી છે તેથી આ પ્રકારની રચના કરનાર મોટા ભાગના કવિઓનું કવિત્વ પણ સત્ત્વહીન છે. આ અધ્યાત્મની તૈયાર હાથવગી પદાવલિ આપણા સંતો જે કંઈ કહી ગયા છે તેનું નામ સ્મરણ કરાવે તો મૂળમાં જ એ સંતોની વાણીને સાંભળવી કે વાંચવી શા માટે નહીં? આ દ્વૈતિક અનુભવોમાં અધ્યાત્મવાણીનું અર્થ તથા અનુભવનું પોત તપાસતાં તેનું ખોખલાપણું જ સામે આવે છે એવો કવિ અહીં નિર્દેશ કરે છે. એક રીતે તો અનુભવની ઓછી મૂડી ને તેનો વેપલો ઝાઝો એવી ગુજરાતી કવિતાની અત્યારે દશા ચાલી રહી છે. અહીં બીજી વાત છે સર્જકતાની. હાથને લકવો થયો હોય, વાણીને લૂણો લાગ્યો હોય તો ટેવવશ લેખનસર્જનની અશક્યતાની વાતોનાં ઢોલનગારાં પીટ્યા કરવાં એ પણ અનુભવની દરિદ્રતાને જ આખરે તો પ્રગટ કરે છે. ભાષામાં કોઈ દોષ નથી. દોષ હોય તો સર્જકમાં છે. ભાષા કંઈ નઠારી કે અશક્ય નથી, હા, ક્યારેક ક્યારેક આપણે એને રજા પર ઉતારી દેતા હોઈએ છીએ એ વાત અનુભવની કટોકટીનો અભાવ કવિને ધ્યાનપાત્ર લાગે છે. તેથી કેટલાક સમકાલીન કવિઓની રચનાઓમાં બિનજરૂરી, કૃતક વાણીવિલાસ ને શબ્દોનો નર્યો વેડફાટ કવિને દેખાય છે, તેથી કવિનો અનુભવ તેનાં યોગ્ય સંદર્ભગત પરિમાણો સાથે ઊઘડવાને બદલે સપાટી પરનાં શબ્દગતકડાં ને પ્રાસના નિરર્થક વ્યાયામોમાં વેરવિખેર થઈ જતો લાગે છે, આપણા મોટા ભાગના કવિઓ શબ્દવ્યભિચારથી આગળ વધી શક્યા નથી. સર્જકના અનુભવમાંથી એની નિજી મુદ્રા, સર્જકભાષાનાં નવાં નવાં પરિમાણો સાથે વિકસતી, ઊઘડતી આવે એવી આપણા કવિની અપેક્ષા છે. આગળ જતાં કવિ સૂચવે છે આપણા કવિઓનો પ્રકૃતિ સાથેનો નાડીગત સંબંધ કપાઈ ગયો છે છતાં એની કવિતામાં વારંવાર પ્રકૃતિનાં તત્ત્વોના ઉલ્લેખો આવ્યા કરે છે. લાવાના હિંસક અને આક્રમક તત્ત્વથી જે અજાણ છે, તે પોતાની કવિતામાં જે આક્રોશ તીખાં તમતમતાં વિધાનો દ્વારા પ્રગટ કરે છે તે પણ કૃતક છે. તેની આક્રમક ને હિંસાત્મક ધગધગતી ભાષાના પ્રયોગો માત્ર વંધ્ય જ બની રહે છે. આમ, વિધિવિધાનોની અસંગતિમાં રાચતા, સામાન્ય જ્ઞાન ને સમજનો અભાવ ધરાવતા, આમ તો મૂંગા પણ કવિતામાં પ્રેમનાં ટાયલાંઓ કરતા, અધ્યાત્મનો કૃતક અંચળો ઓઢી જાત-જગતને સુધારવાનો, મર્મને પામ્યા વિના મર્મી બન્યાનો ખેસ ઓઢી ફરનાર, સર્જકતાના અભાવમાં સર્જકતા વિશે વ્યર્થ વાણીવિલાસ કરનારા, પ્રકૃતિવિમુખ, વંધ્ય આક્રોશના ઘોંઘાટો કરનારા આપણા કેટલાક કવિઓનું અનુભવજગત અત્યંત છીછરું, દૂષિત, સંકુચિત અને ઠાલું છે.

ઠાલું ઠામ અનુભવનું, પાછું અમથું ઠલવો,
તો કવિતામાં ચાલે?

આ રીતે આજની મોટા ભાગની કવિતા પ્રત્યેનો નિસ્બતપૂર્વકનો અસંતોષ હળવાશભરી ગંભીરતાથી, સજગતાથી અહીં રૂપ પામ્યો છે. અનુભવ અને તેને રૂપ આપતા શબ્દો વચ્ચે ઊંડી ખાઈ પડેલી છે તેનો નિર્દેશ વક્રતાથી, મર્માળા હાસ્યથી કવિએ કર્યો છે. પણ આ રચના માત્ર કટાક્ષ પાસે અટકી જતી નથી. સમકાલીન કવિતાના આ વિવરણ પાછળ કવિનો વિષાદનો ટોન પણ સજીવ ભાવકો સાંભળી શકશે. એક રીતે તો સમકાલીન કવિતા વિશેની આ કવિતાને વાચના જ ગણીશું. સ્વાભાવિક છે કે કવિની પોતાની કેટલીક માન્યતાઓ અહીં વિશેષ માત્રામાં ભળેલી હોય તો સાથે સાથે આ કવિતાનું ભાવન કરનાર પણ પોતાના ગમા-અણગમા પણ ભાવનની ક્ષણે સાથે સાથે ગૂંથતો જાય એવું સંવાદ-વિવાદનું પોત પણ અહીં કવિતાના વણાટમાં જોઈ શકાય છે. એ અર્થમાં પવનકુમાર જૈનની આ રચના સમર્થન અને પ્રતિકારના બે છેડા ઉઘાડા રાખે છે અને ભાવકને માટે પસંદગીનો અવકાશ રચી આપે છે.

(ફા.ગુ.સ., ઑક્ટોબર-ડિસેમ્બર, ૨૦૦૧) (‘અપૂર્ણ’)