સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નીતિન મહેતા/ઝિલાય તેમ ઝીલતો સહુ સૃષ્ટિરંગ
ઝિલાય તેમ ઝીલતો સહુ સૃષ્ટિરંગ
રાજેન્દ્ર શાહ
આ હોવું અને જાણવું બન્ને વારંવાર વ્યાકુળ કરે છે. અજંપ રાખે છે. ને નવાં નવાં આશ્ચર્યોને લોહીમાં ટમટમતાં રાખે છે. વાચન-લેખનના દરેક શ્વાસે વારંવાર એવું લાગ્યા કરે છે કે હજી ઘણું ઘણું ઉકેલવાનું સમજવાનું બાકી છે. સાહિત્યકળાનું વિશ્વ અનેક પ્રશ્નો ને મૂંઝવણો સાથે, સ્વમાં નિત નિત જુદા જુદા દૃષ્ટિકોણોથી ખેલાતાં ઘાયલ કરતાં રમ્ય યુદ્ધો જેવું છે. સર્જક કે ભાવકની આત્મઓળખ, અસ્મિતા અને અસ્તિતાને ઘડનારાં અનેક પરિબળો છે. સર્જક, રચના ને ભાવકનું આંતરવિશ્વ, કેટલાયે સંદર્ભો, પરસ્પર ભિન્ન ને વિરોધી વિચારધારાઓ, સ્વ અને અન્યો જોડેની વાટાઘાટો અને સંનિકર્ષો દ્વારા રૂપ પામે છે. સર્જક તથા ભાવકનો ‘હું’ સ્મૃતિ, ભાષા અને અન્યોના અભાવમાં નિરપેક્ષપણે રચાવો શક્ય નથી. આજે એ કહેવાની ભાગ્યે જરૂર હોય છે કે એક રચનાના અનેક પાઠો સંભવી શકે છે. રચનાનો કોઈ સ્થિર અર્થ હોતો નથી. ભાષા તથા વાસ્તવ જો પરિવર્તન પામતી પ્રક્રિયા હોય તો અર્થ પણ પ્રવાહી ને પરિવર્તનશીલ હોઈ શકે છે. વાચનની પ્રક્રિયા એક રીતે તો રચનાના વિશ્વમાંથી પ્રગટતા અર્થોના સ્તરો અને રચનાની બહારના વિશ્વમાંથી પ્રવેશતા અર્થોના સ્તરો વચ્ચેનો પ્રગટઅપ્રગટ મુકાબલો છે. ઇનકાર અને સમ્મતિ વચ્ચેની અવઢવ દરેક વાચનમાં ગુપ્ત રીતે છુપાયેલી હોય છે તો સાથે સાથે હસ્તક્ષેપો કરનારું, અવરોધો નિર્માણ કરનારું પણ હોય છે. રચનાને જાણવાની, માણવાની અને પ્રમાણવાની અનેક રીતો છે. આ રીતો વિવેચનની બહુસંવાદી પદ્ધતિઓ તરીકે પણ ઓળખાય છે તો કેટલાક એને સાહિત્યસિદ્ધાંતો પણ કહે છે. સિદ્ધાંતો સાહિત્યરચના સાથે સંકળાયેલા, રચનાને નિમિત્તે ઉદ્ભવતા મૂળભૂત પ્રશ્નોના સમ્મતિસૂચક કે અસમ્મતિ પ્રગટ કરતા ઉત્તરો આપવાનો નમ્ર પ્રયત્ન કરે છે. આમાંના કેટલાક જાણીતા હોય છે, કેટલાક સ્થળાંતર કરી, શબ્દાંતરે વારંવાર પૂછાતા રહેતા હોય છે. આ બધા આપણા વાચન અને અર્થઘટન જોડે અનુસંધાન રચતા હોય છે. સર્જકની વ્યૂહરચનાઓ, સાહિત્ય અને સંસ્કૃતિ, પરંપરા અને વ્યક્તિગત પ્રતિભા, સાહિત્યપ્રકારો, જાતીયતા, વર્ગભેદ, જાતિભેદ, અર્થ અને તેની સમજૂતી, મૌલિકતા અને આંતરકૃતિત્વ, સર્જકનો આશય અને તેનું અસંપ્રજ્ઞાત ચિત્ત, સાહિત્યનું શિક્ષણ અને તેનું આધિપત્ય, માન્ય ભાષા અને પ્રદેશ વિશેષનું ભાતીગળ રૂપ પ્રગટ કરતી બોલીઓ, શિષ્ટ સાહિત્ય અને લોકપ્રિય સાહિત્ય, સાહિત્ય વિજાણુ માધ્યમો અને ટેક્નોલોજી, કાવ્યશાસ્ત્ર, વાગ્મિતાશાસ્ત્ર, સાહિત્ય, ભાષાવિજ્ઞાન અને શૈલીશાસ્ત્ર, સત્ય અને પ્રતિકૃતિ, સાંસ્કૃતિક વિભિન્નતા અને તેનું રાજકારણ, જ્ઞાન અને સત્તા, વૈશ્વિક, સ્થાનિક અને રાષ્ટ્રીય સાહિત્યના પ્રશ્નો, તુલનાત્મક સાહિત્યશાસ્ત્ર, રાષ્ટ્રની પરંપરાઓ અને વિશ્વના જુદા જુદા દેશોની પરંપરાઓ વચ્ચેની આદાનપ્રદાનની ભૂમિકાઓ અનેક સાહિત્યિક વિભાવનાઓનું પરીક્ષણ અને મૂલ્યાંકન કરવાની અનેકાનેક પદ્ધતિઓ સાહિત્યસિદ્ધાંતોને કારણે અસ્તિત્વમાં આવી છે. પ્રશિષ્ટ તથા નવ્યસર્જકોની રચનાઓ જોડે સંવાદ કરવાના અનેક માર્ગોએ સિદ્ધાંતો આપણને લઈ જાય છે. એક રીતે જોઈએ તો સાહિત્ય એ રાજકીય વિધાન છે. બધા જ સાહિત્યિક discourses એક કે બીજી રીતે કોઈ ને કોઈ વિચારસરણી કે સિદ્ધાંતો જોડે સંકળાયેલા હોય છે. જેઓ સમકાલીન તથા ઐતિહાસિક તત્ત્વો જોડે અભિધાયુક્ત કે વ્યંજનાપૂર્ણ સંબંધ ધરાવે છે. આ નિમિત્તે એક પ્રશ્ન વારંવાર વિવેચનવિચારમાં વિવાદનું કેન્દ્ર બન્યો છે તે એ કે શુદ્ધ સાહિત્યિક વાચના એક મિથ છે, એમને મતે સાહિત્યરચનાને શુદ્ધ નવલકથા કે શુદ્ધ કવિતા તરીકે હ્રસ્વ કરી શકાય નહીં. બીજી બાજુ, પ્રતિપક્ષ એવું માને છે કે રચનાને દાર્શનિક, સમાજશાસ્ત્રીય, માનસશાસ્ત્રીય, રાજકીય, વાસ્તવવાદી, કે નારીવાદી રચના તરીકેય હ્રસ્વ કરી શકાય નહીં. સદ્ભાગ્યે આ વિવાદ અંતહીન છે, સહિષ્ણુ અને અસહિષ્ણુ બનવાની કેટલીયે તકો આ વિવાદ પૂરી પાડે છે. બન્ને પક્ષો પાસે પોતાની માન્યતાઓનાં સંરક્ષક કારણો છે. આપણે તો એટલું જ કહી શકીએ કે જ્યાં સુધી સાહિત્ય છે ત્યાં સુધી સિદ્ધાંતો રહેવાના અને સિદ્ધાંતોને સમયે સમયે દરેક સહૃદય પ્રશ્નો પણ પૂછતો રહેવાનો. કારણ કે કોઈ પણ રચનાનો અર્થ સ્વાભાવિક કે તત્કાલ હોતો નથી, સામાન્ય બુદ્ધિથી કે કોઠાસૂઝથી તારવી શકાતો નથી. જો એવું જ હોત તો નવ્યવિવેચનથી નવ્યમાનવતાવાદ સુધી વિવેચનવિચારનો જે વિકાસ થયો છે તે શક્ય જ ન હોત. રચના જે ભાષામાં લખાય છે એ ભાષા પારદર્શક નથી, એ અનેક પરંપરાઓ, વળાંકો, ગૂંચવણો, મૂંઝવણો, સંકુલતાઓ અને પરિવર્તનો સાથે રચનામાં પ્રયોજાતી હોય છે. ભાષા એ સાંસ્કૃતિક ઘટના છે. કેટલાક ચિંતકોના મતાનુસાર ભાષા એ સંસ્કૃતિનું સત્ત્વ છે, ઋત છે, તેથી વારંવાર એ ટીકા અને પરિવર્તનોનો સામનો કરતી રહે છે. દરેક રચના એના સર્જકોને મૂંઝવે છે તો દરેક વાચન એ સહૃદય વિવેચકો માટે પડકાર રૂપ પણ બને છે. રચનાને જુદી જુદી ભાષામાં પામવાની મથામણો જુદા જુદા સિદ્ધાંતો દ્વારા સતત અનુભવાતી હોય છે. બીજી રીતે કહીએ તો સાહિત્યસિદ્ધાંતોનું રાજકારણ રચના સાથે અલગ અલગ કેન્દ્રોથી જુદી જુદી ભાષામાં આપણને વાત કરતાં શીખવે છે. સાહિત્યસિદ્ધાંતો સર્જન કે સાહિત્યરચનાના વિરોધી નથી, એમનો વિરોધ અન્ય સાહિત્યસિદ્ધાંતો જોડે હોય છે એ વારંવાર કહેવું પડતું હોય છે તેને એક વિલક્ષણ વિરોધાભાસ જ ગણવો રહ્યો. પરંતુ જ્યારે કોઈ સાહિત્યસિદ્ધાંત કે વિચારધારા આદેશાત્મક બની પોતાની સત્તા સ્થાપવા જાય ત્યારે એની નિયતિ કેવી હોય છે એ આપણે જાણીએ છીએ. વીસમી સદીના અંતિમ ચરણમાં અને એકવીસમી સદીની શરૂઆતનાં વર્ષોમાં સંરચનાવાદી અનુસંરચનાવાદી સાહિત્યસિદ્ધાંતો સામે ઊહાપોહ શરૂ થયો છે. ‘સિદ્ધાંતો પછી શું?’ Beyond Post Structuralism, After Theory, Against Deconstruction, End of Theory, The Future of Theory જેવાં અનેક પુસ્તકોથી આજકાલ વિવેચનબજાર ઊભરાતું રહ્યું છે. સિદ્ધાંતો વિશે વિદ્યાસંસ્થાઓ અને વિવેચનની નવી પેઢીએ પુનઃવિમર્શન શરૂ કર્યું છે. એમને મતે સંરચનાવાદી અનુસંરચનાવાદી વિવેચનપદ્ધતિઓ હવે સ્થિર, સત્ત્વહીન અને એકવિધ થતી જાય છે. એમનું શબ્દભંડોળ નિશ્ચિત થઈ ગયું છે, ઝાઝું રસપ્રદ રહ્યું નથી. એ સમકિત રહ્યું નથી. એમની વકીલાત કરનારાની ભાષા યાંત્રિક બની ગઈ છે. સિદ્ધાંતો સ્વયં ક્યાંક અટકી ગયા છે, નવું-જુદું આપવાની ક્ષમતા ગુમાવી બેઠા છે. બાર્થ, દેરિદા, પૉલ દ માન, મિલર, ફુકો, રોર્ટી ઇત્યાદિનાં નામો ભૂતકાળની ઘટના બની ગયાં છે. અલબત્ત, આ વિવેચકો સંરચનાવાદી અનુસંરચનાવાદી સિદ્ધાંતકારોની કેટલીક વિચારણાઓ પ્રત્યે વિધેયાત્મક ભૂમિકા ધરાવે છે, એમનો આદર પણ કરે છે. રચનાની એકતા, સર્જકનો આશય, અર્થની પ્રવાહિતા, સંદર્ભો ઇત્યાદિની વાતો જુદી જુદી ભાષાઓમાં કરે છે. કેટલીક વિચારણાઓને તેઓ પરિષ્કૃત કરી રહ્યા છે. તો પ્રતિકારની સાથે સાથે તેઓ આજના સંદર્ભમાં વિવેચનવિચારની કઈ દિશા હોઈ શકે એ માટેના સંનિષ્ઠ ને પ્રામાણિક પ્રયાસો પણ કરી રહ્યા છે. એકવીસમી સદીમાં આધુનિકતાનું સ્વરૂપ, સાહિત્ય અને વૈશ્વિક-સ્થાનિક ઇતિહાસના સાંસ્કૃતિક સંદર્ભો, સાહિત્ય અને આતંકવાદ, સાંપ્રદાયિકતા ને સાહિત્ય, સાહિત્ય અને વંશીય હિંસા, સાહિત્ય અને વીજસંચાર માધ્યમો, સાહિત્ય અને બદલાતી વાસ્તવિકતાઓનું સ્વરૂપ, સાહિત્ય, નૈતિકતા અને આજના સંદર્ભો, સાહિત્ય અને વૈશ્વિક બજાર, સાહિત્ય અને ટેક્નોલોજી, નવાં પરિમાણો ને પડકારો, સાહિત્ય અને શરીર ઇત્યાદિ પરંપરાગત ને નવા વિષયો વિશે અનેક સ્તરે સાંસ્કૃતિક સંદર્ભો સાથે વિમર્શન શરૂ થયું છે. ૨૧મી સદીને પણ સાહિત્યસિદ્ધાંતો વિના ચાલવાનું નથી. રાજ્યસત્તા કોઈ નિશ્ચિત સ્વીકારેલી વિચારધારા દ્વારા ભાવકની ચેતના પર શાસન જમાવવાના પ્રયત્નો કરે છે તો સાહિત્યસિદ્ધાંતો ભાવકને વાચનાના અનેક વિકલ્પો પૂરા પાડે છે. અલબત્ત સંસ્થાઓ પણ ક્યારેક સિદ્ધાંતોના રાજકારણને ઉત્તેજન આપે છે, ક્યારેક વિવેચકોનો અમુક સમૂહ અમુક સિદ્ધાંતોની તરફદારી કરે છે ત્યારે મૂંઝવણ થાય છે. આજે ‘વાચન’, ‘વાચના’ સાહિત્યસિદ્ધાંતના કેન્દ્રમાં છે. રચનાના વાચનની અનેક શક્યતાઓ ઊઘડતી રહી છે તેથી રચનાનું વાચન ભિન્નભિન્ન તાણાવાણાથી ભાવકની ચેતનાને ઉજાગર કરી રહ્યું છે. કેટલાક સિદ્ધાંતકારોનું દૃઢપણે માનવું છે કે આવનારા સમયમાં વાચનાના અનેક પ્રકલ્પો ચેતોવિસ્તારની ક્ષિતિજો ઉઘાડી આપશે. આમ તો દરેક આવનાર પેઢી ઇતિહાસ તથા પરંપરાનું પુનર્લેખન પુનર્વાચન નવા નવા સંદર્ભો સાથે, પોતાના સમયના પરિપ્રેક્ષ્યમાં કરતી જ હોય છે. સુજ્ઞેષુ કિમ્ નિવેદનમ્? કોઈ પણ અભ્યાસી, આ સદીમાં તો, પૂરેપૂરો જ્ઞાની હોવાનો દાવો ન કરી શકે. દરેક અભ્યાસી મર્યાદિત સંદર્ભોનું માળખું સ્વીકારી કામ કરતો હોય છે. સાહિત્યસિદ્ધાંતો વિશે તથા સાહિત્યનાં અન્ય રસકીય પાસાંઓ વિશે અન્ય વિદ્વાનોની સૂઝ અને ઊંડાણ મારા કરતાં ઘણાં ઘણાં વધારે છે. અહીં થયેલા અભ્યાસમાં પૂર્વસૂરિઓ અને સમકાલીન સર્જકવિવેચકોના સંદર્ભોને મેં ખપમાં લીધા છે. મારી વાચનાના આંતરપાઠો તરીકે એને જોવા વિનંતિ છે. મેં મારી frame of reference મારા ગજા કરતાં મોટી રાખી નથી અને એ મારે કોઈ પણ પ્રકારની લઘુતાગ્રંથિ કે અપરાધભાવ વિના સ્વીકારવું જોઈએ. અહીં રજૂ થયેલાં લખાણોમાં ક્યાંક ક્યાંક શબ્દાંતરે કેટલાક ભાવવિચારોનું પુનરાવર્તન થયું છે એને દોષ તરીકે કે વાચક તરીકેની મારી મથામણોને વ્યક્ત કરવાની વ્યૂહરચના તરીકે પણ જોઈ શકાય. અહીં રજૂ થયેલાં લખાણોમાં જે કંઈ વિચારણા થઈ છે એ સિવાયની અન્ય વૈકલ્પિક વિચારણાઓ સંભવી શકે, તેથી અહીં રજૂ થયેલો કૃતિપાઠ અંતિમ નથી, પૂરક વિચારણા માટે અવકાશ છે જ. જે સામયિકોમાં આ લખાણો પ્રથમ વાર પ્રગટ થયાં તથા જે સંસ્થાઓએ મને કેટલાક વિષયો ઉપર વિમર્શ કરવાની તક આપી એ સર્વનો આદર સાથે અહીં આભાર માનું છું. પુસ્તકનું શીર્ષક ‘નિરંતર’ સૂચવવા માટે કવિમિત્ર મૂકેશ વૈદ્યનો ઋણી છું. મુદ્રણસજ્જાની સઘળી જવાબદારી કાળજી અને શ્રમપૂર્વક તથા સ્નેહભાવે સંભાળનાર યુયુત્સુ પંચાલનો આભારી છું. બીજી બધી જ જવાબદારીઓમાંથી મુક્ત કરનાર મિત્ર શિરીષ પંચાલના સદ્ભાવ માટે આનંદથી તેમના પ્રત્યે કૃતકૃત્ય છું. મારાં મોટા ભાગનાં લખાણોની વાચક ને કેટલાંક સૂચનો આપનાર મંદાને આનંદથી સ્મરું છું. અંતે પ્રશ્ન થાય કે સર્જનવિવેચનની ફળશ્રુતિ શું? (આમ તો કશી જ નહીં ને એનો આનંદ પણ ખરો). એ પ્રશ્નનો ઉત્તર ક્યારેય ન મળે, કલાસાહિત્ય માટેની તરસ અને જિજ્ઞાસા વાચને વાચને વણછીપી રહે તોયે બસ. ઝાક્ દેરિદાએ એની લાક્ષણિક રીતે કહ્યું છે કે of Every work is a work of mourning, પરંતુ અહીં તેઓ અટકતા નથી, આગળ કહે છે mourning work is not just any kind of work but something like ‘essence’ of work. આ ‘essence of work’ સુધી પહોંચવાનો, વાચનલેખનનો માર્ગ કઠિન છે, પણ તેથી યાત્રાનો આરંભ જ ન કરવો એવું નથી. છતાં જ્યારે જ્યારે કશું લખવા જાઉં છું ત્યારે મારા પ્રિય કવિ સિતાંશુ યશશ્ચન્દ્રની પંક્તિ આંખ સામે તરવરે ‘કઈ લિપિ લખવા મથે સપાટી?’
નીતિન મહેતા ‘નિરંતર’ પ્રસ્તાવનાનો લેખ