zoom in zoom out toggle zoom 

< સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ભોગીલાલ સાંડેસરા

સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ભોગીલાલ સાંડેસરા/ભોગીલાલ સાંડેસરા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ગુજરાતીના ગણનાપાત્ર સંશોધક, ઇતિહાસજ્ઞ અને વિવેચક

કીર્તિદા શાહ

ભોગીલાલ જયચંદ સાંડેસરાની ગણના ગુજરાતી સાહિત્યનાં શ્રદ્ધેય સંશોધકો, ઇતિહાસજ્ઞો અને વિવેચકોમાં થાય છે. સંસ્કૃતથી જૂની ગુજરાતી સુધીના એમના ઊંડા અભ્યાસથી તેઓ મધ્યકાલીન કૃતિઓના કેટલાંક આધારભૂત સંશોધિત સંપાદનો આપી શક્યા છે. સાંડેસરાની વિવેચક - સંપાદક તરીકેની પ્રતિભા એમના ‘પંચતંત્ર’ના એક નમૂનારૂપ સંપાદનને આધારે આપણે પામી શકીશું. એમણે આપેલા ૧૨ જેટલાં સંપાદનોને આધારે એમ કહી શકાય કે સંશોધિત સંપાદનમાં સાંડેસરાનું વલણ તુલનાત્મક રહ્યું છે. એમણે જે તે કૃતિઓની તમામ પાઠપરંપરાનો અભ્યાસ કરીને એના પ્રકાશમાં મૂળ પાઠને શોધ્યો છે. વળી, આ સંપાદનોમાં જોડવામાં આવેલી ટિપ્પણીઓ, શબ્દકોશ અને કૃતિપરિચયોના અભ્યાસલેખ પણ સમૃદ્ધ છે.

સાહિત્યમીમાંસા અને ઇતિહાસ નિમિત્તે સાંડેસરાનું લેખન મૌલિક છે. સાહિત્યવિચાર સંદર્ભે ‘ઊર્મિજન્ય ભાવાભાસ,’ ‘અનુભાવનશક્તિ,’ ‘સાધારણીકરણવ્યાપાર,’ વિશેની ચર્ચામાં સાંડેસરાએ નવો વિચાર રજૂ કર્યો છે . ‘ઊર્મિજન્ય ભાવાભાસ’માં Pathetic Fallacy માટે રમણભાઈએ યોજેલ ‘વૃત્તિમય ભાવાભાસ’ અને નરસિંહરાવે યોજેલ ‘અસત્યભાવારોપણ’ કરતાં ઊર્મિજન્ય ભાવાભાસ’ને સાંડેસરા વધારે યોગ્ય ગણે છે. તેઓ એમના આ વિચારને અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્યમાંથી સંખ્યાબંધ નિદર્શનોના આધાર સાથે રજૂ કરે છે. એ રીતે એમનું વલણ કોઈ પણ વિષયનું તલાવગ્રાહી અભ્યાસ કરવાનું રહ્યું છે.

સાહિત્ય વિભાવ સંદર્ભે સાંડેસરાનું વલણ શાસ્ત્રીય છે. જેમકે, વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ રજૂ કરેલી ‘અનુભાવનશક્તિ’ વિશેની ચર્ચા. વિષ્ણુપ્રસાદે કહ્યું કે — ભાવકમાં સમાનભાવની કે સમાન સંવેદનની શક્તિ છે ને એને આપણે ‘અનુભાવનાશક્તિ’ એવું નામ આપી શકીએ — પ્રસ્તુત સંદર્ભે સાંડેસરાએ સંસ્કૃત કાવ્યશાસ્ત્રના વિવિધ હવાલા આપીને પ્રતિપાદિત કર્યું કે પ્રત્યક્ષ કલાનુભવના નામે કોઈ પણ સ્થિત્યંતરે અનુભાવના નામે શક્તિ પ્રવર્તિ શકે નહીં એટલે આનંદ શબ્દની અનુચિતતા પણ રહે નહીં. એ જ રીતે ‘સાધારણીકરણવ્યાપાર’ સંદર્ભે એમણે કરેલી ચર્ચા રસપ્રદ અને નવી વિચારપ્રક્રિયા જગાડનારી છે.

સંશોધન અને સાહિત્યવિભાવની તજજ્ઞતાની સાથે સાંડેસરાની પ્રજ્ઞા ભાષાશાસ્ત્રવિષયક આધારભૂત અભ્યાસ પણ આપે છે. ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાનો ગુજરાતી ભાષાના અર્થસંકોચ, અર્થવિસ્તાર, અર્થસંક્રાંતિ જેવાં વિભાવોની ચર્ચા વિશેના છે. અહીં ભાષાનો અભ્યાસ કરવાની વિવિધ તરેહો તથા ભાષાશાસ્ત્રનો પ્રથમ અભ્યાસ ક્યાં થયો ? માનવવાણીની ઉત્પત્તિ કેવી રીતે થઈ ? જેવા ભાષાવિષયક પ્રશ્નોની ચર્ચા અને અભ્યાસીને ગળે ઊતરે એટલી સરળરીતે સાંડેસરાએ રજૂ કરી છે. સાંડેસરાએ વ્યાકરણ અને ભાષાશાસ્ત્રના સંદર્ભો સંખ્યાબંધ નિદર્શનની સહાયથી સમજાવ્યા છે. આ ઉપરાંત સમકાલીન ઇતિહાસ અને વિચારસરણીના ભાષા પરના પ્રભાવની ચર્ચા સાંડેસરાએ

સરસરીતે કરી છે. એમની પ્રસ્તુત વિષયની પકડ વિષયને વધારે વિષદતાથી સમજાવે છે.

સાહિત્યના વિભાવો અને સંશોધનોનો આલેખ આપનારા વિવેચક સાંડેસરાએ ગુજરાતીના કોશ, ફાગુ જેવો સાહિત્ય પ્રકાર તથા કવિ દયારામ વિષયક આપેલા અભ્યાસ એમની સંશોધનાત્મક મનોવૃત્તિનો ફરી ફરી પરિચય આપે છે.

સાંડેસરાના સંશોધનોનું બીજું પાસુ તે તેમનો ઇતિહાસપ્રેમ છે. એમની પાસેથી મળેલા ‘જૈન આગમ સાહિત્યમાં ખનિજ તેલનો ઉલ્લેખ,’ ‘વસુદેવહીંડી’માં સાંસ્કૃતિક ઇતિહાસની સામગ્રી’ જેવા અભ્યાસલેખો એના નિદર્શનરૂપ છે.

ઉપરાંત ‘ચશ્માના ઇતિહાસને લગતા અગત્યનાં સાહિત્યિક ઉલ્લેખો ,’

‘પ્રાચીન સાહિત્યમાં ચોરશાસ્ત્ર,’ ‘અમદાવાદની પોળ : ઐતિહાસિક દ્રષ્ટિએ’ અને ‘પટોળા વણનાર સાળવીઓનો ઇતિહાસ’ જેવા એમના આલેખો કેટલીક તત્કાલીન સમયની પરંપરાનું દસ્તાવેજીકરણ કરવામાં ઉપયોગી થાય એવા છે. એની રજૂઆતમાં એમની જે તે વિષયની સામગ્રીનું એકત્રીકરણ અને વર્ગીકરણ કરવાની ક્ષમતાનો પરિચય થાય છે.

જોઈ શકાય છે કે સાંડેસરાના બધાં જ પુસ્તકો સાહિત્ય અને ઇતિહાસ સામગ્રીથી ભર્યા ભર્યા છે. એમણે રજૂ કરેલી સામગ્રી આધારભૂત છે. વળી, એ સામગ્રીમાં પૂરક સંદર્ભો પણ એમના દરેક સંગ્રહમાં પાદટીપરૂપે આપ્યાં છે. દરેક સંગ્રહમાં શબ્દસૂચિ આપવામા આવી છે એ અભ્યાસીને મદદરૂપ બને છે. સાંડેસરાના પ્રત્યેક સંગ્રહના અભ્યાસ પછી એમની સંશોધક - વિવેચક તરીકેની કેટલીક લાક્ષણિકતાઓ જોઈએ.

૧) ગુજરાતનો સાહિત્યિક, રાજકીય કે સાંસ્કૃતિક ઇતિહાસ, ભારતીય સંસ્કૃતિ, ભારતીય વિદ્યા, પ્રાચ્યવિદ્યા, જૂની ગુજરાતી, સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, ભાષાવિજ્ઞાન, સ્થળનામો વગેરે વિષયમાં તેઓ સરળતાથી ફરી વળે છે.

૨) તેમનો દરેક સંશોધન લેખ આધારભૂત સામગ્રી રજૂ કરે છે.

૩) ઇતિહાસ સામગ્રીનું દસ્તાવેજીકરણ હોય કે સાહિત્ય વિષયક ચર્ચા હોય એમાં એમની પંડિતાઈનો ભાર વાચકને લાગતો નથી.

૪) એમની સામગ્રીની રજૂઆત વાચકની જી ગુજરાતી જ્ઞાસા ટકાવી રાખે તેવી છે.

૫) ઇતિહાસ અને સંશોધનના લેખોમાં સત્યઘટનાઓ, હકીકતો તથા તથ્યોનું વિશ્લેષણ રજૂ કરતી એમની શૈલી સરળ છે.

૬) એમણે રજૂ કરેલા વિષયોમાં વ્યાપક અને ગંભીર વિદ્વત્તા અનુભવાય છે.

હસિત બૂચે સાંડેસરાના ‘અન્વેષણા’સંગ્રહ વિશે કરેલું પ્રસ્તુત વિધાન એમના સમગ્ર સંશોધન- વિવેચનને ઓળખાવે છે. જુઓ—

“આવશ્યક ત્યાં સારદર્શન અને સાનુવાદ સારનિરપણ, ટીપરૂપ મુદ્દાઓની મિતાક્ષરી નોંધ, ઝીણી વિગતો કે પૃથક્કરણ છતાં સરળ રજૂઆતનું અખંડિતપણું, લગભગ સર્વત્ર પર્યેષક તુલનાપદ્ધતિ, વિવાદગ્રસ્ત મુદ્દા પરત્વે સ્પષ્ટ મતદર્શન છતાં ગુણદર્શી વલણની સ્થિરતા, મુદ્રિત - હસ્તલિખિત - શિલાંકિત સર્વ - અને વચ્ચે વચ્ચે તો નવી જ સામગ્રીનો ઉપયોગ અને તેનું પ્રતીતિકર અર્થઘટન નિદાન, વિદ્યાવ્યાસંગનું સળંગ નીતરતું શીળું ઓજસ આ સંગ્રહની ગુણસંપત્તિ સૂચવે તેમ છે.”

‘એકસઠનું ગ્રંથસ્થવાગ્મય’