સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ભોગીલાલ સાંડેસરા/પ્રાચીન સાહિત્યમાં ચોરશાસ્ત્ર
‘તરવું, તાંતરવું અને તસ્કરવું એ ત્રણ અપકળાય.’
તસ્કરવું-ચોરી, એ એક સ્વયંસિદ્ધ ‘કળા’ છે. તસ્કરવાની વૃત્તિ લગભગ માણસજાતના ઊગમ જેટલી જૂની છે. પછી અમુક સ્થળકાળમાં ને અમુક સંયોગોમાં કેટલીક જાતિઓ અને માનવસમૂહોએ ચોરીનો આજીવિકાના સાધન તરીકે સ્વીકાર કર્યો, એટલે તસ્કરકલાનો એક ધંધા તરીકે વિશિષ્ટ વિકાસ થયો, એની કાર્યપદ્ધતિ અને તાલીમ નિશ્ચિત થઈ અને, પ્રાચીન ભારતની વાત કરીએ તો, ચોરીનું પણ એ શાસ્ત્ર રચાયું તથા એ શાસ્ત્રનું શિક્ષણ આપનારા ‘આચાર્યો’ થયા. આ ભારતીય ચોરશાસ્ત્રના કર્તાનું નામ મૂલદેવ અથવા મૂલથી હતું. એની માતાનું નામ કર્ણી હોવાથી તે કર્ણીસુત પણ કહેવાય છે. આ સિવાય મૂલભદ્ર, કરટક, કલાંકુર અને ખટપટ જેવાં નામોએ પણ તે સંસ્કૃત સાહિત્યમાં ઓળખાય છે. ઈસવી સનના સાતમાં સૈકાના પૂર્વાર્ધમાં થયેલા મહેન્દ્રવિક્રમવર્મા કૃત ‘મત્તવિલાસ પ્રહસન’ (પૃ.૧૫)માં नमः खरपटायेति वक्तव्यं येन चोरशास्त्रं प्रणीतम् । (ચોરશાસ્ત્રના કર્તા ખરપટને નમસ્કાર-એમ કહો) એવો ઉલ્લેખ છે. દંડીના ‘દશકુમારચરિત’માં ચોરીનો ધંધો સ્વીકારનાર એક પાત્ર ‘કર્ણીસુતે ઉપદેશેલા માર્ગમાં મેં બુદ્ધિ ચલાવી!’ (ઉચ્છવાસ ૨) એમ કહે છે. મહાકવિ બાણની ‘કાદંબરી’માં વિન્ધ્યાટવીના વર્ણનમાં એક શ્લિષ્ટ વાક્યખંડમાં કર્ણીસુત અને તેના ત્રણ મિત્રો વિપુલ, અચલ અને શશનો ઉલ્લેખ છે, અને ‘કાદંબરી’ના ટીકાકારો ભાનુચંદ્ર-સિદ્ધિચંદ્રે એ વાક્યખંડની ઉપરના વિવરણમાં કર્ણીસુતને ‘સ્તેયશાસ્ત્ર-ચોર-શાસ્ત્રનો પ્રવર્તક’ કહ્યો છે. ‘વૈજયંતી’ વગેરે સંસ્કૃત કોશોમાં મૂલદેવને ‘સ્તેયશાસ્ત્રપ્રવર્તક’ કહેવામાં આવ્યો છે. આમ, મૂલદેવકૃત ચોરશાસ્ત્ર વિષેની પરંપરા જૂના સમયથી ભારતીય સાહિત્યમાં ચાલી આવે છે. જો કે એ ચોરશાસ્ત્ર વિદ્યમાન નથી. એક ગોપનીય શાસ્ત્ર હોવાને કારણે તેનો કેવળ મૌખિક પ્રચાર જ હોય, અને એ કારણે સમય જતાં એ નાશ પામ્યું હોય એ પણ સંભવિત છે. હા, ‘ષણ્મુખકલ્પ’ અને ‘ચૌરચર્યા’ એ નામની એ વિષયની બે નાની સંસ્કૃત હસ્તપ્રતો મળે છે ખરી. આ મૂલદેવનો વૃત્તાન્ત સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યમાં અનેક સ્થળે આવે છે. સુપ્રસિદ્ધ જૈન સૂત્રગ્રન્થ ‘ઉત્તરાધ્યયન સૂત્ર’ ઉપરની પ્રાકૃત ચૂર્ણિમાં તથા શાન્તિસૂરિ અને નેમિચંદ્રની ટીકાઓમાં એ વૃત્તાન્ત પ્રમાણમાં વિસ્તારથી અને વિગતથી આવે છે. ‘ઉત્તરાધ્યયન સૂત્ર’ ઉપરની ચૂર્ણિ વિક્રમના આઠમા સૈકામાં રચાયેલી છે, એટલે આ વૃત્તાન્ત એ પૂર્વેનો તો છે જ. ચૂર્ણિ અને શાન્તિસૂરિ અનુસાર, મૂલદેવ એ ઉજ્જયિનીનો એક સુપ્રસિદ્ધ વિટ અને ધૂર્ત હતો. નેમિચંદ્રના કથન મુજબ મૂલદેવ પાટલિપૂત્રનો રાજકુમાર હતો. અને પોતાના પિતાથી રિસાઈને ઉજ્જયિનીમાં આવી રહ્યો હતો તે એક મોટો જુગારી હોવા ઉપરાંત ગીતવિદ્યા અને મર્દનકળામાં નિપુણ હતો. ઉજ્જયિનીની એક સુપ્રસિદ્ધ ગણિકા દેવદત્તા તેની સાથે પ્રેમમાં પડી હતી. પરંતુ ગણિકાની માતા અચલ નામે બીજા એક ધનિક વણિકનો પક્ષ કરતી હોવાને કારણે મુલદેવને ઉજ્જયિની છોડીને ચાલ્યા જવું પડ્યું હતું. પછી એ દક્ષિણમાં આવેલા વેણાતટ નગરમાં જઈને રહ્યો. ત્યાં કોઈના ઘરમાં ખાતર પાડતો હતો ત્યારે નગરરક્ષકોએ તેને પકડી લીધો અને વધસ્થાન પર લઈ જવા માંડ્યો. એ દિવસે નગરનો રાજા અપુત્ર મરણ પામ્યો હતો. મંત્રીઓ નવા રાજાની શોધમાં હતા. ત્યાં મૂલદેવ ઉપર કળશ ઢોળાયો, એટલે તેનો રાજા તરીકે અભિષેક થયો. પછી મૂલદેવે ઉજ્જયિનીના વિક્રમરાજા પર પત્ર લખીને તથા અનેક પ્રકારની ભેટ મોકલીને દેવદત્તા ગણિકા પોતાને સોંપવાની વિનતિ કરી, અને વિક્રમરાજાએ દેવદત્તાની ઇચ્છા જાણ્યા પછી તે કબૂલ રાખી. મૂલદેવ દેવદત્તાની સાથે સુખપૂર્વક રહેવા લાગ્યો. એ સમયે મંડિક નામે એક ચોર દિવેસ લંગડા વણકર તરીકે રહેતો ને રાત્રે શહેરમાં ખાતર પાડીને લોકોને ત્રાસ આપતો. એક વારના ચોર મૂલદેવે યુક્તિપ્રયુક્તિથી મંડિકને પકડ્યો અને તેની પાસેનું બધું દ્રવ્ય લઈ લીધા પછી એને શૂળીએ ચડાવ્યો. વિક્રમના આઠમા સૈકામાં થયેલા આચાર્ય હરિભદ્રસૂરિએ ‘ધૂર્તાખ્યાન’ નામનું નર્મ અને કટાક્ષથી ભરેલું એક પ્રાકૃત કથાનક રચ્યું છે. એમાં મૂલદેવ, કંડરીક, એલાષાઢ અને શશ એ ચાર ધૂર્તો અને ખંડપાના નામે ધૂર્તાની કથા આવે છે. એમાં પ્રત્યેક ધૂર્તની સાથે બીજા પાંચસો ધૂર્તો હતા અને ખંડપાનાની સાથે પાંચસો ધૂર્તાઓ હતી. મૂલદેવ એ સર્વનો સરદાર હતો. એક વાર ભર ચોમાસામાં ઉજ્જયિનીની ઉત્તરે આવેલા એક ઉદ્યાનમાં એ બધાં ઠંડીથી થરથરતાં ભૂખે મરતાં બેઠાં હતાં ત્યારે મૂલદેવે એમ કહ્યું કે ‘આપણે દરેકે પોતાના અનુભવો કહેવા, અને જેના અનુભવો ખોટા પુરવાર થાય તેણે આ ધૂર્તમંડળીને ભોજન આપવું.’ એમાં ચારે ધૂર્તોની ન માની શકાય એવી વાતોને પણ બીજાઓએ બ્રાહ્મણ શાસ્ત્રપુરાણોમાંની એ પ્રકારની કથાઓ રજૂ કરી સમર્થન આપ્યું, પણ ખંડપાનાની વાતને કોઈ સાચી કે ખોટી કહી શકયું નહિ. સર્વેએ હાર સ્વીકારી અને તેમની વિનંતીથી કંડપાનાએ તેમને ભોજન પણ આપ્યું. શુદ્રક કવિના ‘પદ્મપ્રાભૃતક ભાણ’માં મૂલદેવનું પાત્ર નાયક તરીકે - દેવદત્તા ગણિકાના પ્રણયી તરીકે આવે છે, મૂલદેવનો મિત્ર શસ પણ એમાં આવે છે. સોમદેવભટ્ટકૃત ‘કથાસરિત્સાગર’ના છેલ્લા ‘વિષમશીલ લંબક’ની છેલ્લી વાર્તામાં મૂલદેવ રાજા વિક્રમાદિત્યને પોતાના જીવનનો એક પ્રસંગ કહી સંભળાવે છે. પ્રસંગોપાત્ત ચર્ચામાં એ કહે છે કે ‘સ્ત્રીમાત્ર કંઈ નઠારી હોતી નથી. બધે કંઈ વિષવલ્લીઓ હોતી નથી; અતિમુક્તલતા જેવી આમ્રને વળગનારી વેલીઓ પણ હોય છે.’ પછી મૂલદેવ પોતાનો એક અનુભવ વર્ણવે છે. એમાં એની એક વિદગ્ધ પત્ની જેનો એણે ત્યાગ કર્યો હતો તે પ્રતિજ્ઞા લે છે કે ‘તમારાથી થયેલા પુત્રદ્વારા હું તમને બાંધીને પાછા લાવીશ,’ અને એ પ્રતિજ્ઞા સાંગોપાંગ પૂરી પણ કરે છે. એ પ્રસંગ પછી મૂલદેવ પોતાની એ પત્ની અને પુત્ર સાથે પાટલિપુત્રથી ઉજ્જયિનીમાં આવીને વસે છે. આ વાર્તામાં મૂલદેવની સાથે એનો સાથીદાર શશી-શસ પણ આવે છે. આ સિવાય પણ સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યમાં એવા સંખ્યાબંધ પ્રસંગોને ટુચકા છૂટાછવાયા મળે છે, જેમાં મૂલદેવની વિદગ્ધતા, ધૂર્તતા ને ચાતુરીની વાતો છે. એક પ્રકારની ગુપ્ત સાંકેતિક ભાષા મૂલદેવપ્રણીત હોવાને કારણે ‘મૂલદેવી’ નામથી ઓળખાય છે (જુઓ કોઊહલકૃત ‘લીલાવઇ કહા’નું સંસ્કૃત ટિપ્પણ, પૃ.૨૮). આ સર્વ જોતાં, પછીના સમયના કથાસાહિત્યમાં લગભગ પૌરાણિક પાત્ર જેવો બની ગયેલો મૂલદેવ એક ઐતિહાસિક વ્યક્તિ અને સ્તેયશાસ્ત્રનો પ્રવર્તક હોવાનો પૂરો સંભવ છે. ચોરીનું શાસ્ત્ર થયું, એટલે એના અધિષ્ઠાયક દેવ પણ હોવા જોઈએ. ચોરના અધિષ્ઠાયક દેવ સ્કન્દ અથવા કાર્તિકેય છે. ‘મૃચ્છકટિક’ નાટકના ત્રીજા અંકમાં ચારુદત્તના ઘરમાં ખાતર પાડતા શર્વિલકની રવગતોક્તિઓ આ વિષયમાં ઘણી રસપ્રદ છે. એમાં ચોરોને ‘સ્કન્દપુત્ર’ કહ્યા છે.[1]
વળી એમાં ખાતર પાડતાં શર્વિલક नमःकुमार कार्त्तिकेयाय नमः कनकशक्तये ब्रह्मण्यदेवाय देवव्रताय नमो भास्करनन्दिने એ પ્રમાણે કાર્તિકેયના જુદાજુદા પર્યાયશબ્દોનું સ્મરણ કરીને તેમને નમસ્કાર કરે છે.
વળી જેઓ આ વિષયની તાલીમ આપીને સ્કન્દના અનુયાયીવર્ગમાં વૃદ્ધિ કરતા તેઓ ‘આચાર્ય’ તરીકે ઓળખાતા. ઉપર જણાવ્યું તેમ, કાર્ત્તિકેયનુને નમસ્કાર કરીને શર્વિલક પોતે જેનો પ્રથમ શિષ્ય છે એ યોગાચાર્યને - આ વિષયના પોતાના અધ્યાપકોને પણ નમસ્કાર કરે છે. શસ્ત્રાસ્ત્રોનો પ્રહાર થાય તોપણ જે ચોપડવાથી વેદના ન થાય એવી ‘યોગરોચના’ (ચમત્કારિક લેપ) તેને પોતાના એ ગુરુ તરફથી મળી હતી. ખાતર ક્યાં અને કેમ પાડવામાં આવતું.[2] એ વિષે પણ ‘મૃચ્છકટિક’માંથી ઠીકઠીક માહિતી મળે છે. એ વિષયની શર્વિલકની ઉક્તિઓ ખાસ જોવા જેવી છે : “પાણી’ પડવાથી શિથિલ થઈ ગયેલો, જેમાં ખાતર પાડતાં શબ્દ ન થાય એવો ભીંતનો ભાગ ક્યાં છે? ક્યાં ખોદવાથી શાસ્ત્રમાં બતાવ્યું છે એવું વિપરીત પ્રકારનું ખાતર નહિ પડે? આ હવેલીનો કયો ભાગ ઈંટોમાં ખાર લાગવાથી જીર્ણ થઈ ગયો હશે? ક્યાં ખોદવાથી મને સ્ત્રીઓનું દર્શન નહિ થાય અને અર્થસિદ્ધ થશે? (ભીંતનો સ્પર્શ કરીને) નિત્ય સૂર્યના તડકાથી અને પાણી પડવાને કારણે પોચી પડી ગયેલી આ જગા ખારથી ખવાઈ ગયેલી છે. ઊંદરે દર પાડતાં કરેલો આ માટીનો ઢગલો છે. અહો ! મારો અર્થ સિદ્ધ થયો ! સ્કન્દપુત્રોને સિદ્ધિ પ્રાપ્ત થવાનું આ પહેલું જ લક્ષણ છે. હવે કાર્યનો આરંભ કરતાં કેવાં પ્રકારનું ખાતર પાડું? અહીં ભગવાન કનકશક્તિએ ચાર પ્રકારનાં ખાતર કહ્યાં છે. જેમકે : પાકી ઈંટોને બહાર ખેંચી કાઢવી, કાચી ઇંટોને કાપી નાખવી, માટીની ભીંત હોય ત્યાં પાણી રેડવું, અને લાકડાની ભીંત હોય ત્યાં વહેરવું. એમાં અહીં પાકી ઇંટો હોઈ તે બહાર ખેંચી કાઢવી જોઈએ.’ વળી, આ ખાતર જેમતેમ નહિ, પણ કલામય રીતે પડાતાં. ખાતરો જુદી જુદી આકૃતિનાં પાડવામાં આવતાં. ચોર ચોરી કરીને ચાલ્યો જાય ને સવારે લોકો એકત્ર થાય ત્યારે ખાતર પાડનારની કલાની પ્રશંસા કરે એ પણ ચોર ધ્યાનમાં રાખે છે. જુઓ આગળ શર્વિલકના ઉદ્ગારો : ‘એમાં, પદ્મવ્યાકોશ (ખીલેલા કમળ જેવું), ભાસ્કર (સૂર્ય જેવું), બાલચન્દ્રની આકૃતિનું, વાપી (વાવના આકારનું), વિસ્તીર્ણ, સ્વસ્તિકાકૃતિ અને પૂર્ણકુંભ એટલા પ્રકારનાં ખાતર છે. શેમાં હું મારું શિલ્પ બતાવું, જે જોઈને નગજરનો આવતી કાલે વિસ્મય પામી જાય? અહીં પાકી ઈંટો હોવાથી પૂર્ણકુંભ જ શોભશે. માટે તે (આકૃતિનું ખાતર) પાડું.’ અને છેવટે કલારસિક ચારુદત્તને ‘અહો ! આ સંધિ દર્શનીય છે !’ એમ કહીને એક કવિત્વમય શ્લોક દ્વારા ખાતરની પ્રશંસા કરતો પણ કવિએ વર્ણવ્યો છે ! ‘મૃચ્છકટિક’માં ખાતરની જે જુદીજુદી આકૃતિઓ વર્ણવેલી છે તે કેવળ કવિકલ્પનામાંથી ઉત્પન્ન થઈ હશે એમ માનવાની જરૂર નથી, કેમકે ભારતીય સાહિત્યમાં બીજે પણ આ વસ્તુ જોવામાં આવે છે. ‘મૃચ્છકટિક’ જેવા પ્રકરણમાં જે વસ્તુનો નિર્દેશ છે તેનું સમર્થન ‘ઉત્તરાધ્યનસૂત્ર’ જેવા ધર્મગ્રંથની ચૂર્ણિ (પૃ.૧૧૧)માં આપેલી એક કથા દ્વારા થાય છે. એ કથામાં કલશાકૃતિ, નંધાવર્ત આકૃતિ, પદ્માકૃતિ, પુરુષાકૃતિ અને કપિશીર્ષક (કોશીશાં) આકૃતિના ખાતરનો ઉલ્લેખ છે. એક ચોરે કપિશીર્ષક આકૃતિનું ખાતર પાડ્યું હતું, પણ ઘરના માલિકે અંદરથી ચોરના પગ ખેંચ્યા, અને ચોરના સાથીએ બહારથી માથું ખેંચ્યું, એવી સ્થિતિમાં ચોર પોતે જ બનાવેલાં કોશીશાંની અણીઓથી વીંધાઈ ગયો. પાંચમા શતક આસપાસ રચાયેલા પ્રાકૃત કથાગ્રન્થ ‘વસુદેવહિંડી’માં (ભાષાન્તર, પૃ.૪૯) એક ચોરને શ્રીવત્સના આકારનું ખાતર પાડતો વર્ણવ્યો છે. ચોરીનાં સાધનોની પણ માહિતી સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યમાંથી મળે છે. ‘દશકુમારચરિત’ના બીજા ઉચ્છવાસમાં ચોરીનાં ઉપકરણનોનું એક નાનું પણ ઝીણવટભર્યું વર્ણન છે. એમાં એક ચોર કાળી રાત્રીએ અંધારપછેડો (‘નીલ વસન’) ઓઢીને તથા ચડ્ડી (‘અર્ધોરુક’) પહેરીને નીકળે છે. સાથે તીક્ષ્ણ તલવાર, ખોદવા માટે સર્પની ફેણ જેવું હથિયાર (‘ફણિમુખ’), ઘરનાં માણસો ઊંઘે છે કે જાગે છે એની ખાતરી કરવા માટે ઝીણી સીસોટી (‘કાકલી’, સાણસી, બનાવટી મસ્તક (‘પુરુષશીર્ષક’), યોગચૂર્ણ - વ્રણમુક્તિ આપે એવું ચૂર્ણ, અંધારા કૂવાઓ કે ભોંયરામાં પણ બુઝાય નહિ એવી મશાલ (‘યોગવર્તિકા’), ખાતર પાડવા માટે માપવાની દોરી (‘માનસૂત્ર’), ઉપર ચઢવા માટે હૂક અને દોરડું (‘કર્કટક’ અને ‘રજ્જુ’), ચોરદીવો (‘દીપભાજન’), અને બળતો દીવો હોલવી નાખવા માટે પતંગિયાંની દાબડી (‘ભ્રમરકરંડક’) એટલાં સાધનો તે લઈ જાય છે. આ પ્રકારનાં સાધનોનો નિર્દેશ બીજે પણ આવે છે. જેમકે ‘ઉત્તરાધ્યયન સૂત્ર’ ઉપરની શાન્તિસૂરિ અને નેમિચન્દ્રની ટીકાઓમાંની, અગાઉ જેનો નિર્દેશ કરેલો છે એ, મૂલદેવની વાર્તામાં મૂલદેવ મંડિક ચોરને પકડવા માટે રાત્રે ‘નીલપટ’ ઓઢીને બહાર નીકળે છે. ‘વસુદેવહિંડી’માં ખાતર પાડવા માટેના આરાવાળા હથિયાર (‘નહરણ’)નો તથા ‘ચર્મવસ્ત્ર’ અને ‘યોગવર્તી’નો ઉલ્લેખ છે (ભાષાન્તર, પૃ.૪૯ અને ૧૯0). ચોર-દીવા (‘દીપસમુદ્ગ’)નું પણ એમાં વર્ણન છે. પ્રકાશની જરૂર પડ્યે સમુદગક-દાબડો ઉઘાડીને દીવો બહાર કાઢી શકાતો અને અંદર મૂકી શકાતો (પૃ.૫૮-૫૯). ચારુદત્તના ઘરમાં દીવો હોલવવા માટે શર્વિલક પોતાની પાસેનું પતંગિયું (‘આગ્નેયકીટ’) ઉરાડે છે. પતંગિયું દીવાની આસપાસ ચક્કર ચક્કર ઊડે છે, અને છેવટે તેની પાંખના પવનથી દીવો બુઝાઈ જાય છે એનું વિગતવાર વર્ણન ‘મૃચ્છકટિક’માં છે. આમ, ચોરીનાં શાસ્ત્ર તેમજ કલા હતાં એ કારણે કેટલાક વિદ્વાન ચોરોની પણ વાર્તાઓ મળે છે. હેમચન્દ્રના શિષ્ય રામચંદ્રે પોતાની કેટલીક રચનાઓમાં અને વિદ્યાપતિ બિલ્હણે પોતાના ‘વિક્રમાંકદેવ ચરિત’ના મંગલાચરણમાં જેમનો નિર્દેશ કર્યો છે એવા ‘પરકાવ્યોથી કવિ બનનારા’ કાવ્યચોરોની નહિ, પણ ખરેખરા દ્રવ્યચોરોની વાત છે. ચોરી કરનાર પૈકી કેટલાક વિટ અને ધૂર્તવર્ગમાંથી ને વિદગ્ધ ગણાતા ગણિકાપ્રસંગી જુગારીઓમાંથી આવતા અને એવાઓને સાહિત્ય તથા લલિત કલાઓનો ઠીકઠીક વ્યાસંગ હતો એમ જૂનાં કાવ્ય, નાટક અને કથાસાહિત્ય ઉપરથી જણાય છે. વળી કેટલાક બ્રાહ્મણો પણ ચોરીનું કામ કરતા હતા. ‘મૃચ્છકટિક’માંનો શર્વિલક બ્રાહ્મણ છે. ગુજરાતમાં મોઢ બ્રાહ્મણોની એક પેટાજ્ઞાતિ-ધીણોજા કે ધેણુજા બ્રાહ્મણો-એક સમયે ચોરી અને ઠગાઈનો ધંધો કરતી હતી, એથી ગુજરાતી ભાષામાં ‘ધીણોજા’ શબ્દ ‘ઠગ’નો પર્યાય ગણાય છે. પશ્ચિમ ભારતીય ‘પંચતંત્ર’ના પહેલા તંત્રની છેલ્લી વાર્તામાં એક વિદ્વાન બ્રાહ્મણ જે સંસ્કારયોગે ચોરીનો ધંધો કરતો હતો તેણે પોતાના જીવનના ભોગે કેટલાક બ્રાહ્મણોને ભીલોથી બચાવ્યા હતા એની વાત આવે છે. જૂના ગુજરાતી ‘પંચાખ્યાન વાર્તિક’માં પણ રાજાના ભંડારમાં ખાતર પાડનાર એક વિદ્વાન બ્રાહ્મણની કથા આવે છે. પણ વિદ્વાન ચોરની સૌથી રસિક કથા તો સં. ૧૩૬૧માં મેરુતુંગાચાર્યે રચેલા ‘પ્રબન્ધચિન્તામણિ’ના ‘ભોજ-ભીમ પ્રબન્ધ’માં છે : “એક વાર મધ્યરાત્રિએ અકસ્માત્ જાગી ગયેલા ભોજ રાજાએ ગગનમંડલમાં નવા ઊગેલા ચન્દ્રને જોઈ પોતાના સારસ્વત સમુદ્રમાં આવેલી ભરતી જેવો નીચેનો શ્લોકાર્ધ કહ્યો :
यदेतश्चन्द्रान्तर्जलदलवलीलां प्रकुरुते
तदाचष्टे लोकः शशक इति नो मां प्रति तथा ।
(અર્થાત્, ચન્દ્રમાં આજે વાદળના ટુકડા જેવું દેખાય છે તેને લોકો સસલું કહે છે, પણ મને એમ લાગતું નથી.) રાજા આ શ્લોકાર્ધ વારંવાર બોલ્યા ત્યારે રાજમહેલમાં ખાતર પાડીને ભંડારમાં પેઠેલા કોઈ ચોરે પ્રતિભાના વેગને રોકી નહિ શકવાથી એ શ્લોક આ રીતે પૂરો કર્યો :
अहं त्विन्दुं मन्ये त्वदरिविरहाकान्ततरुणि-
कटाक्षोल्कापातत्रणशतकलङ्काङ्किततनुम ।।
(પણું હું તો, તમારા શત્રુઓની વિરહથી પીડાયેલી સ્ત્રીઓના કટાક્ષરૂપી ઉલ્કાપાતથી પડેલા સેંકડો વ્રણોથી ચંદ્રનું શરીર કલંકિત થયું છે, એમ માનું છું.) ચોર આ પ્રમાણે બોલ્યો, એટલે પછી અંગરક્ષકોએ તેને પકડીને કારાગારમાં પૂરી દીધો. પછી દિવસ ઊગતાં સભામાં લાવવામાં આવેલા એ ચોરને રાજાએ જે પારિતોષિક આપ્યું તે વિષે ધર્મવહિકા લખનાર અધિકારીએ નીચેનો શ્લોક લખ્યો : ‘જેણે મૃત્યુની બીક છોડી દીધી હતી એવા આ ચોરને પ્રસન્ન થયેલા રાજાએ ઉપર્યુક્ત બે ચરણ રચવા માટે દશ કોટિ સુવર્ણ અને દંતૂશળની અણીઓથી પર્વતને ખોદનારા તથા મદથી મુદિત થયેલા ભમરાઓ જેના ઉપર ગુંજારવ કરતા હતા એવા આઠ હાથી આપ્યા.’ ચોરીની કળા વિષેની બીજી કેટલીયે ઇતિહાસમિશ્રિત વાર્તાઓ, દંતકથાઓ અને અન્ય હકીકતો જૂના સાહિત્યમાંથી તેમજ લોકસાહિત્યમાંથી મળે છે. કહેવાતી ગુનેગાર જાતિઓને લગતા વૃત્તાન્તોમાંથી પણ આ વિષયની ઘણી વિશ્વાસપાત્ર સાચી માહિતી પ્રાપ્ત થાય છે. તે ઉપરથી વિવિધ દેશકાળમાં જુદી જુદી જાતના ચોરોમાં - બહારવટિયા, પીંઢારા, ઠગ, લૂંટારા, ખાતર પાડનારા ચોર તથા અનેક પ્રકારના ધુતારાઓમાં - પ્રવર્તતા ચોક્કસ પ્રકારના ‘નીતિનિયમો’ (‘કોડ ઑવ ઑનર’) વિષે તથા કોઈ પણ પ્રકારના નિયંત્રણ વિના માત્ર ચોરી જ કરવી એવું ધ્યેય રાખનારા ચોરો વિષે લખતાં આ વિષયનો ઘણો વિસ્તાર થાય એમ છે. પરન્તુ પ્રાચીન ભારતમાં ચોરીનાં શાસ્ત્ર ને કલા પરત્વે સામાન્ય ખ્યાલ આપવા માટે અહીં આટલું પૂરતું થઈ પડશે. (‘કુમાર,’ ૩૦૦મો અંક, ડિસેમ્બર ૧૯૪૮)
સંશોધનની કેડી, પ્રકા. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ૧૯૬૧
- ↑ ‘મૃચ્છકટિક’નો ટીકાકાર પૃથ્વીઘર ‘સ્કન્દપુત્ર’નો અર્થ ‘સ્કન્દોષ જીવી ચૌરાચાર્યો’ એ પ્રમાણે સમજાવે છે. ‘સ્કન્ધ’નો અર્થ ‘યુદ્ધદેવ કાત્તિકેય’ થાય છે તેમ ‘આગળ વધવું - આક્ર્મણ’ એવો પણ થાય છે. ચોરોને ‘સ્કન્દપુત્ર’ અથવા ‘સ્કન્દોપજીવી’ કહ્યા એનો ભાવાર્થ એ પણ ખરો કે પ્રાચીન કાળમાં ‘ચોર’નો અર્થ ‘ઘરમાં ખાતર પાડી વસ્તુઓ ઉઠાવી જનાર’ એટલો જ માત્ર નહોતો થતો; રીતસરની ટોળીઓ બાંધી લૂંટફાટનો ધંધો કરનારા લૂંટારાઓ પણ ‘ચોર’ તરીકે ઓળખાતા. ‘ચોરપલ્લીઓ’ને ‘ચોરસેનાપતિઓ’નાં તથા તેઓની સાથેનાં યુદ્ધનાં પણ ઘણાં વર્ણનો કથાસાહિત્યમાંથી મળે છે. ચોરસેનાપતિઓ પોતાના હાથ નીચેના સેંકડો ચોરો સાથે મોટામોટા સાર્થો - વેપારી કાફલાઓ ઉપર એકાએક આક્રમણ કર્તા અને તેમને લૂટી લેતા. ચોરીના વ્યવસાયને આમ આક્ર્મણ અને યુદ્ધ સાથે ગાઢ સંબંધ હોવાને કારણે યુદ્ધદેવ સ્કન્દ ચોરોના પણ અદિષ્ઠાયક દેવ ગણાયા હોય એ ખૂબ સંભવિત છે. વળી સંસ્કૃતમાં ‘સ્કન્દ’ એ ‘ચતુર’નો પણ પર્યાયશબ્દ છે, અને ચોરીમાં ચતુરાઈની ઘણી જરૂર પડે એ રીતે પણ સ્કન્દનો સંબંદ ચોરી અને તેના શાસ્ત્ર સાથે જોડાયો હોય. આ સાથે નોંધવું રસપ્રદ થશે કે કામદેવની જેમ અત્યંત સ્વરૂપવાન હોવાને કારણે સ્કન્દ, ખાસ કરીને ઉત્તર હિંદ ને બંગાળમાં, ગણિકાઓના પણ ઇષ્ટદેવ ગણાય છે. કાર્તિક પૂર્ણિમાની રાત્રે સ્કન્દ-કાર્ત્તિકેયની મૂર્તિ સમક્ષ ગણિકાઓ ગાયનવાદન કરે છે, અને એ સમયે તે સાંભળવા ગમે તે માણસ જઈ શકે છે.
સદ્ગત ઝવેરચંદ મેઘાણી સાથે ચોરીને લગતા લોકસાહિત્ય વિષે વાત નીકળતાં તેમણે નીચેનો દૂહો કહ્યો હતો :
ગવરી ! તારા પુત્રને સમરે મધુરા મોર;
દી’એ સમરે વાણિયા ને રાતે સમરે ચોર.
સ્કન્દ પણ ગૌરીનો પુત્ર છે, તો આ દૂહામાંના ‘ગવરીપુત્ર’ને સ્કન્દ ગણવો કે ગણેશ? જો કે બીજી પંક્તિમાં ‘દીએ સમરે વાણિયા’ એ શબ્દો છે, ને ખાતરિયું ગુજરાતી ભાષામાં ‘ગણેશિયો’ પણ કહેવાય છે, એ વસ્તુ આ તર્કથી વિરુદ્ધ જાય છે. પહેલી પંક્તિમાં ‘મધુરા મોર’ ગૌરીપુત્રનું સ્મરણ કરે છે, ને મોર કાર્ત્તિકેયનું વાહન છે એ વસ્તુ વિચારવા જેવી છે. ચોરીના અધિષ્ઠાયક દેવ હોય એ વસ્તુ આજ સુધી પણ હિંદમાં કોઈ કોઈ સ્થળે ચાલુ રહેલી છે. કર્ણાટકમાં ‘ગંઠિયોર’ નામે એક જાત છે, જેનો ધંધો ચોરીનો છે. એ જાતિ ‘યેલમ્મા’ને પોતાની અને પોતાના વ્યવસાયની દેવી ગણે છે. (જુઓ ‘ઇન્ડિયન એન્ટીકવેરી’ વૉ. ૧૦, પૃ.૨૪૫ ઉપર મેજર વેસ્ટનો લેખ ‘ડિવાઇન મધર્સ ઓર લોકલ ગૉડેસિઝ ઓવ ઇન્ડિયા’ આ ‘ગંઠિચોર’ શબ્દ સંસ્કૃત ग्रन्थिचोर ઉપરથી આવેલો છે, અને ‘ચોરનો ભાઈ ઘંટીચોર’ એ ગુજરાતી કહેવતમાંના ‘ઘંટીચોર’ શબ્દથી અભિન્ન છે. - ↑ પ્રાચીન ભારતીય સાહિત્યમાં ચોરને બે રીતે ઘરમાં પેસતા વર્ણવ્યા છેઃ એક તો ખાતર પાડીને અને બીજું સુરંગ દ્વારા. ‘ખાતર’ ને સંસ્કૃતમાં खात्र અને પ્રાકૃતમાં खत કહેવામાં આવે છે. જો કે खात्र એ બનાવટી સંસ્કૃત શબ્દ છે, અને તે खत ઉપરથી અથવા જે દેશ્ય શબ્દમાંથી खत આવ્યો હશે તે ઉપરથી તૈયાર કરવામાં આવેલો છે, ગુજરાતી ‘ખાતું’ (બાકોરું) શબ્દનું મૂળ પણ એમાં છે. सन्धि અને छिद्र એવા એના બીજા પર્યાયો છે. ખાતરને મુકાબલે સુરંગનો પ્રયોગ વધારે મુશ્કેલ હોવાથી પ્રમાણમાં ઓછો જોવામાં આવે છે. ‘કથાસરિત્સાગર’ના ‘શક્તિયશાલંબક’માં ઘટ અને કર્પર એ બે ચોરની વાર્તામાં ખાતર અને સુરંગ એ બન્નેનો ઉપયોગ થાય છે. ‘સુરંગ’ શબ્દ સંસ્કૃતમાં सुरूंगा કે सुरंगा એવા રૂપે છે, અને તે ગ્રીક Syrinx પરથી વ્યુત્પન્ન થયાનુ મનાય છે.
****