< સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી
સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી/સ્નેહમુદ્રા
રા. ગોવર્ધનરામના સરસ્વતીચંદ્રનું જેણે અવલોકન કર્યું હશે તે આ વિદ્વાન્ની રસિકતા, બુદ્ધિ, અને અપૂર્વ યોજક શક્તિ વિચારી આશ્ચર્ય પામ્યાવિના રહ્યા નહિ હોય. તેમનોજ રચેલો આ ગ્રંથ ઘણા સમયથી અમારી પાસે પડી રહેલો છે, અન્યત્ર પણ તેમજ પડ્યો હશે, કોઈએ હજુ તેના વિષે અભિપ્રાય આપવા પ્રયત્ન કર્યો નથી. સરસ્વતી ચંદ્રની આંગળીએ સ્નેહમુદ્રા કાંઇક કડક પડે તેવી છે, છતાં છે તો શુદ્ધ કુંદન અને રત્નજડિત એટલે કોઇ અંશે તેને અનુચિત તો નથીજ; પરંતુ સરસ્વતીની પ્રાકૃત પ્રસાદીવાળાને એ કાવ્ય રુચિકર થવું અમને તો અસંભવિત લાગે છે. આ ગ્રંથમાં જે ચમત્કાર સમાયલો છે તે એક પ્રકારનો નથી કે તેને સહજમાં વાચક સમક્ષ ધરી શકાય. એમાં વસ્તુ સંકલના કોઇક જુદાજ વિષયની છે. પદ્યમાં તેને આધીન રહી સાધવા ધારેલો કાવ્યાર્થ વળી તેથી પણ જુદો છે, અવાંતર પ્રસંગોમાં રહેલા મર્મ એ ઉભયથી વિલક્ષણ છે, અને આખા વિષયમાં સ્નેહનો કેાઇ અપૂર્વ સંસ્કાર, જે અપૂર્વ સાથે અવાચ્ય પણ છે, તે જુદાજ રંગે જામેલો છે. આ ગ્રંથનું બંધારણ છેક પ્રાચીન શૈલી ઉપર નથી, તેમ નથી છેક અર્વાચીન ઉપર. એમાં ઉભયનું મિશ્રણ છે, પણ અર્વાચીન ઉપર કાંઇક અધિક વલણ છે. પ્રસંગે પ્રસંગે ભવભૂતિની પેઠે ભાવ ઉભરાઇ જય છે, પણ એભાવનો પ્રવાહ પાછો શૈલીની ભારતીની પેઠે કોઇ એવા ઉષરમાં ઉતરી પડે છે કે તેનો એક છાંટો પણ આપણે હાથ આવતો નથી ને આપણે તેની ગૂઢતાને લીધેજ તેનાથી મોહ પામતા તેની મિથ્યા શોધમાંજ ભમ્યાં કરીએ છીએ, આમ છતાં કાવ્યપ્રવાહ કોઈ રીતે અણગમો પેદા કરતો નથી.
આખા ગ્રંથનો વિષય પ્રેમ સિવાય બીજો નથી, પણ તે પ્રેમ એટલે અમુક સ્ત્રીપુરુષના યોગે ઉત્પન્ન થતી લાગણીઓની ગરબીઓ નહિ, પણ દિવ્ય ઉચ્ચ પ્રેમ જેનો સંરકાર લાગવોજ દુર્ઘટ અને જેનો અનુભવ થવો આ મર્ત્ય લોકમાં પણ અમરત્વજ. નાયક યદ્યપિ પુરુષરૂપે કલ્પ્યો છે ને તેનો એક મિત્ર તથા સ્ત્રી એમ લીધાં છે તથાપિ તે સર્વમાં અમને તો ઉગ્ર આત્માર્પણરૂપ દેશપ્રીતિ અને તેને પ્રોત્સાહન કરનાર વત્સલતા, રતિ પ્રવણતા, ઈત્યાદિ વૃત્તિઓનાં દિવ્યરૂપક માત્રજ સમજાય છે. પ્રવાસી પોતે એકલો નીકળે છે ને રતિના અભાવે દુઃખ સહન કરતાં જડમય બને છે પણ તેને પ્રાપ્ત કરી ચેતનવત્ થઇ આનંદે છે. એજ પ્રસંગમાં દેશવાત્સલ્યરૂપ યોદ્ધાના હૃદયમાં પ્રેમોદ્ગાર પરાકાષ્ઠાને પામે છે; ને એની સહચરી પણ એ ૫રાકાષ્ઠાના પ્રસંગને પોતે જે જે રીતે સ્વાર્પણ કરી પોતાથી જાતિને દુઃખી દેખી પોતાના સહચર સાથે મૂર્છાવશ થઈ મૃતપ્રાય થાય છે તેથી દીપાવે છે. આ સ્થલનો પ્રસંગ હિંદુ સ્ત્રીઓની અધમતા એ છે; અને તેનેજ આપણાં દુઃખમાત્રનું નિદાન ઠરાવવામાં કવિએ બહુ યુક્તિથી કાવ્યાર્થ ગોઠવ્યો છે. કવિએ પુનરુદ્વાહનો જે નીવેડો આણ્યો છે તે સર્વને રુચે એવા નથી તથાપિ ઠીક છે એમ કહ્યાવિના ચાલે નહિ, પરંતુ જેણે સ્નેહના તત્ત્વનું આટલું ગૂઢ પાન કરેલું છે ને જેના પ્રેમનીશાના ઉદ્ગાર પ્રાકૃત લોકને ગળે ઉતરવા પણ કઠિન છે, તથા સતીત્વનો પવિત્ર મહિમા જેણે યથાર્થ ચીતર્યો છે, તેના તરફથી પુનરુદ્વાહ પ્રસંગે છેક પ્રાકૃત નીતિનો બાધ થાય એ તેના ગૂઢ પ્રેમપાનને શોભતું નથી. પ્રેમની ભૌતિક છાયા સ્ત્રીનું દુઃખ દેખી જીવિતાર્પણ કરી રહેલાં સ્ત્રી પુરુષને તેમનો મિત્ર મળે છે ને તે પછી જે જે કાવ્યના ઉદ્ગાર થયેલા છે તે ખરી કવિત્વશક્તિના નમુના છે. અહો! પ્રેમનું ઔષધ પ્રેમજ છે. પ્રેમદીનતા જોઇ ઉદાર પ્રેમે જે અર્પણ કર્યું છે, તે પાછો સમાન પ્રેમથી પુનર્જીવન પ્રાપ્ત કરે છે. ને કવિ જેને ભૂત કહે છે તે રૂપે બોલે છે. પ્રેમીને બધું વિશ્વ પ્રેમમય લાગે છે. કવિની એમાંજ શક્તિ છે કે તે જે ભાવ પોતાના નાયકને આરોપે છે તે ભાવમાં તેને એવો તન્મય કરે છે કે બધું વિશ્વ તેને તે ભાવમય જણાય છે. હૃદયભૂતે જે જે વસ્તુ પદાર્થાદિનું અવલોકન કર્યું છે તેમાં પ્રેમની ઘાડ છાયામાં વિકારી સંસારથી જે જે ડાઘા પડે એમ છે, જે જે ઉત્કર્ષ થાય છે. ધર્મકર્મ વ્યવહાર સંસાર આદિથી તેના જે જે રંગ બદલાય છે, તેનું વ્યંગ્ય વર્ણન કવિએ જે યુક્તિ અને અનુભવથી આપ્યું છે તેનું અત્રે યથાર્થ પૃથક્કરણ કરતાં વિસ્તાર વધી પડે એમ છે. આ ભૂતનો પ્રસંગ રાત્રીમાં મૂક્યો છે, ને પછી પ્રભાત થતાં પાછાં સર્વને જીવનયુત કર્યો છે. એમાં આર્યાવર્તની ગત અને વર્તમાનદશા બતાવતાં, ભાવિ, ઉજ્વલ ભવિષ્યની, બહુ યુક્તિ પુરઃસર સૂચના સમાવેલી છે. પ્રેમરતિરૂપ પરમ શ્રીમય ચક્રવાકીને પુનર્યોગથી પૂર્ણ પ્રભાને આનંદોલ્લાસમાં ઉરાડી છે. આમ સર્વે રીતે જોતાં આ ગ્રંથમાં સ્નેહનોજ વિષય છે, પણ તેને અંગે કાવ્યચમત્કૃતિ, દેશ સુધારણા, સંસાર, ધર્મ, આદિ અનેક વિષયને ચર્ચ્યા છે. પણ સર્વમાં સુખ આનંદ, સર્વનું નિદાન પ્રેમ પ્રેમને પ્રેમજ બતાવ્યો છે. એ મર્માર્થ ગ્રહણ કરવામાંજ સ્નેહમુદ્રાના નામનું સાર્થક છે; કેમકે એક પંક્તિ પણ એવી નથી, જેના પર સ્નેહની મુદ્રા ન હોય.
અકટોબર—૧૮૮૯
- ↑ રચનાર રા. રા. ગોવર્ધનરામ વિ. માધવરામ ત્રિપાઠી, બી. એ. એલ. એલ. બી. મૂલ્ય રૂ. ૧), મુંબઇ.