< સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી
સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી/કવિ નર્મદાશંકર લાલશંકર
ગુજરાતના સદ્વંસી આર્યબંધુમાં ટુટ પડી, ગુર્જરીના સૌભાગ્યનો અસ્ત થયો, આર્યત્વનો ઉજેશ ઝાંખો થયો, ધીરજનો દૃઢસ્તંભ ભાગી પડ્યો, ધર્મનું ધુંસરૂં નમી ગયું, પ્રચંડ પ્રતાપનો તાપ મલિન થયો, એક વ્રતનું ઐક્ય ગયું, કે અમારી પ્રિય આર્યરત્નમાલાનો મધ્યમણિ કવિ નર્મદાશંકર લાલશંકર અમને તજી ગયો! એ આર્યસજ્જનની સ્મૃતિજ હવે રહી! પણ તે સ્મૃતિ કાવ્યરૂપે, સુધારૂપે, ધર્મરૂપે, શૂરરૂપે, સાહસરૂપે, દૃઢતારૂપે, વિવિધરૂપ રૂપાંતરે અમારા હૃદયને પ્રમોદ પમાડે છે, અંતરને ઉત્સાહ પ્રેરે છે, મનને શોક સૂચવે છે, અને આ સ્તુતિગાનરૂપી છેલ્લી શ્રદ્ધાજ્જલિના કર્તવ્ય તરફ અમને દોરે છે. અહા ‘કથમપિ ભુવનેઽસ્મિંતાદૃશાઃ સંભવન્તિ’ એવા મહાપુરૂષો તે કોઇ વારજ જેમ તેમ અર્થાત્ મહાપુણ્ય પ્રતાપમાં કાંઈ વિક્ષોભ થતાં દેવલોકમાંથી કાંઇક કાલ મનુષ્ય લોકને પણ તેજિત કરી જાય છે. સત્ય છે ‘ક્ષીણે પુણ્યે મર્ત્યલોકં વિશન્તિ–’ પણ તારા પ્રતાપથી, ધૈર્યથી, સાહસથી, વિદ્યાથી ને સર્વ કરતાં સ્પષ્ટ વક્તૃત્વયુક્ત નિઃશંક સત્યમાત્ર પરાયણ એકવ્રતથી પ્રાપ્ત કરેલા પુણ્યે તને સ્વર્ગવાસ અવિચલ હો, અને તારા અંત્યસમયે પ્રાર્થેલા કૈવલ્યાનંદ, તને તો અજાણ્યો, પણ અમારી દૃષ્ટિએ તને નિરંતર રહો!
દુરાચારી, દુરાગ્રહી, જેમ તેમ ઝંપલાવવા તૈયાર થઇ હઠીલા માણસ ઉપર આ શો મોહ! આ શી ખુશામદ! એમ અમારા ભાઇબંધો ભલે કહો. અમારા હૃદયનો આવેગ અમે સત્ય માનીએ છીએ અને અમારા મરનાર મિત્રના સ્વરૂપની હકીકત જણાવતાં અમારા વિચારની સત્યતા સમજાવીએ છીએ. માણસનાં છિદ્ર જોવાને તો ઘણાએ ભેગા થશે, ચંદ્રમાં પણ કલંકને આરોપ કરવા લાખો કવિઓ પણ કથી મરશે તથાપિ, ચંદ્રનું ચંદ્રત્વ ઢાંક્યું રહેશે શું? મરનાર પણ માણસજ હતો, એટલે દોષ તો હતા ને હશે, પણ હાલ તેનું વિવેચન કરવાની અમારી ધારણા નથી, અમને તો સત્પુરૂષોના સદ્ગુણનું વર્ણન કરી સદ્વસ્તુ ઉપર સર્વને પ્રીતિ કરાવવામાંજ આનંદ લાગે છે, ને તેટલામાંજ અમારા શ્રમની પણ કૃતાર્થતા અમને સમજાય છે. હો. એ મહાપુરૂષનું જીવનચરિત લખનાર અ વિષે વિચાર કરશે.
સર્વ ગુજરાતમાં આ પુરૂષ માનપાત્ર થઇ ગયો એમાં કાંઇ વાંધા જેવું નથી. આ માનનું શું કારણ? એવું માન પામવાની ઇચ્છા રાખનારાઓએ પણ એ વાતનો વિચાર કરી જોયો છે? એની કવિતાથી કે એના સહસથી કે સુધારાથી કે પુનર્લગ્નથી કે શાનાથી એ પુરૂષની મહત્તા ગણાય છે? અમારા કવિ સુધારાનું ઉત્તમાંગ હતા એ નિર્વિવાદ છે. ગુજરાતમાં જ્યારે ચોતરફ અંધકાર ચાલતો હતો ત્યારે મુંબઈમાં કવિ નર્મદાશંકર, રા. ગીરધરલાલ, રા. કરસનદાસ, રા. નગીનદાસ, રા. ગંગાદાસ, ડાક્તર ભાઉ દાજી, શેઠ નાનાભાઈ રૂસ્તમજી વગેરે ગૃહસ્થો અંગ્રેજી કેળવણી પામી વિલાયતનો સુધારો આપણામાં દાખલ કરી સર્વને સુખી કરવા ધમધોકાર મેહેનત ચલવી રહ્યા હતા. તેમને પ્રથમતો જ્ઞાતિભેદથી અડચણ આવવા માંડી ને વિલાયત જઇ ત્યાંના તેજોમય સુધારામાં ભળવામાં વિઘ્ન આવવા માંડ્યાં; મિત્ર વર્ગમાં પણ સ્નેહનો પ્રયોગ મંદ થવા માંડ્યો; સ્ત્રીવર્ગ તરફ જોતાં પુનર્લગ્ન વિના તેમની સ્થિતિ ઘણી દુર્ઘટ અને તેથી મંડલ સમસ્તમાં અનીતિનો પ્રચાર તેમની દૃષ્ટિએ ચડવા લાગ્યોઃ ધર્મ તરફ વિચારતાં પણ એકેશ્વરનું પૂજન કરતાં કીશ્ચીયન લોક કરતાં આપણા દેવ દેવલાંના પંથ તેમને વિકટ લાગવા માંડ્યા તથા લોકોની અત્યંત મંદતા તેમના લક્ષમાં આવી. ધર્મ, પુનર્વિવાહને જ્ઞાતિબંધન સિવાય બીજી ઘણી બાબતો ઉપર તેમણે લક્ષ આપ્યાં હશે, પણ તે હાલ વિવેચનમાં લેવા જેવી પ્રસિદ્ધ પદવીએ તેમના શ્રમથી પહોંચ્યાં નથી. આ બધી વાતમાં કવિ અગ્રણી હતા તે ફક્ત વચન માત્રથીજ નહિ પણ મન કર્મ ને વાણી સર્વથી!! કવિનાં ભાષણો તથા તેમના સાથીઓનાં લખાણથી ગુજરાતી ભાષામાં પણ નવું વિત્ત આવવા માંડ્યું અને “બુદ્ધિવર્ધક” તથા “દાંડીઆ” રૂપે પરિણામ પામતે પામતે હાલનાં આપણાં પ્રસિદ્ધ ગદ્ય અને કાવ્યનું રૂપ સ્પષ્ટ રીતે બંધાયું. આ તમામનો સમાહાર કરી એમ કહીએ તો ચાલે કે સંસાર, ધર્મ ને વિદ્યા એ ત્રણ બાબતમાં જેમ બતાવ્યું તે રીતે આ ગૃહસ્થોએ પણી હોંસથી હાથ ઘાલવા માંડ્યો હતો. તેમના શ્રમથી જે પરિણામ થયું હોય તે ખરૂં; આપણે એ વાતનો વિચાર છેવટે કરીશું પણ જે બાબતો વિષે આપણે અદ્યાપિ પણ નિર્ણય કરી શક્યા નથી તે બાબતોમાં આજથી ત્રીશ વર્ષ ઉપર પગ ઘાલી લોકના તિરસ્કાર વેઠીને પણ જેમણે એક નિષ્ઠાથી પોતાનું કર્તવ્ય કરી ઇશ્વરપૂજન કર્યું તે શામાટે સર્વને વંદનીય નથી, શામાટે સર્વને સ્તુત્ય નથી?
ધર્મની બાબતને સંસારની બાબતથી જુદી પાડવી ઘણી મુશ્કેલ છે; માટે ધર્મને ઘર ઉભયનો વિચાર સાથેજ કરવાની જરૂર છે. વિવિધ પ્રકારની મૂર્તિનાં પૂજન કરવાથી વ્યગ્રચિત્ત થવામાં શો લાભ છે? શાસ્ત્રપુરાણમાંની વાતો અસંગત અને અજમંજસ છે એટલે તે ઉ-ઉપર બુદ્ધિવાન લોક કેમ પ્રત્યય કરે? સ્વર્ગનરકના વિચાર અતઃપર જન્મ થવાનો સંભવજ નથી એટલે વ્યર્થ છે. કેવલ નીતિમાર્ગમાં રહી, એક ઇશ્વરનો ભય રાખી, સર્વને સુખ થાય એવો માર્ગ સાધવો એજ ખરો ધર્મ છે. આ રીતે વિચાર કરતાં જ્ઞાતિનો ભેદ પાળવાથી શો ફાયદો છે? સ્ત્રીઓએ પતિના મરણ પછી ફરી પરણી આનંદમાં રહેવું તેમાં શી હરકત છે? એ વગેરે વિચારો પ્રચંડ રીતે જાગૃત થયા અને પાશ્ચાત્ય લોકના અભિપ્રાય સાથે મળતા આવવાથી, તથા તે લોકના મુખ્ય ગૃહસ્થો તરફથી અનુમોદન મળવાથી આપણા સુધાધારક મંડલના મુખ્ય સિદ્ધાંત થઇ બેઠા. આજ વિષયોનાં ભાષણ. એજ રીતિનાં કથન વારંવાર ચાલુ થયાં, કવિએ તો તન મન ને ધનથી ઝંપલાવ્યું. દેશ વિદેશ પોતાને ખરચે અટન કરી જ્ઞાતિભેદ વિધવાવિવાહ, દેશાટન, સભાના લાભ વગેરે ભાષણોનો આરંભ કર્યો. પણ રંગ છે કવિ! ધીરજ એનું જ નામ કહ્યું પણ એનું જ નામ કે વિલાયતથી આવી જ્ઞાતિ બહાર થયેલા રા. મહીપતરામ સાથે પણ ભોજન કરી પોતાનો સિદ્ધાંત ખરો કરી બતાવ્યોઃ પોતાનાજ આશ્રયમાં આવી રહેલી વિધવાઓને પોતેજ સંગ્રહી પોતાને માથે મોટો દાવાનલ ખેંચી લેતાં પણ આચકો ન ખાધો! ધન્ય છે રા. કરસનદાસને પણ કે વિલાયત જવા હામ કરી, અને ધન્યવાદ હો એ સર્વ મંડલને કે તેને તથા કવિને અતુલ સહાય કરવા બાકી ન રાખી! મુંબઇમાં ‘બુદ્ધિવર્ધક’ સભા પણ ગર્જના કરવા લાગી અને તેની વિદ્વત્તાથી, શૌર્યથી, એકાગ્ર બુદ્ધિથી આનંદ પામી સુજ્ઞ ગોકુલજી ઝાંલા જેવા જુના આસ્તિક ગૃહસ્થો પણ રંજિત થયા, અને રા રા. મનઃસુખરામભાઇ જેવા તથા રા. પ્રાણલાલ મથુરદાસ જેવા ગૃહસ્થોને પણ તેજ સ્થલેથી પસંદ કરી પોતાના સહવાસ માટે રાખતગયા! આખરે આ મંડલે લોકો ઉપર એટલી તો અસર તાદૃશ રીતિએ જોઇકે તેમણે વૈષ્ણવ સંપ્રદાયના રૂઢ અને ઘણા કાલથી સ્થિર થયેલા દુષ્ટ પ્રચાર ઉપર ઝપાટો ચલાવવાનો ઠરાવ કર્યો, અને કુલીન અબલાઓની શુદ્વવૃત્તિ સાચવવા તથા તેમને પુરૂષતુલ્ય બનાવવા પ્રયત્ન કરનાર લોક ધર્મને નામે ચાલતા અનાચાર ઉપર ક્રોધ કરે એમાં નવાઇ પણ શાની? પણ લોકો પોતાની મેળે જઇ જઇને ખુશીથી અનીતિમાં ફસાવામાં પુણ્ય સમજે એવી રીતે જે ધર્મ સર્વત્ર મૂલ ફેલાવેલાં તેના ઉપર હાથ ચલાવવો એ એક બે માણસનું કામ નહિ. પણ આપણા સુધારાવાળાનાં વચનો કાંઈ વ્યર્થ જતાં ન હતાં, તે કાંઇ રેતી ઉપર પાણી ન હતુંઃ અરણ્યમાં રૂદન ન હતું; લોકોને અસર થઈ હતી, લોકના મનમાં સત્યાસત્યનો જેવી રીતે બતાવ્યો તેવી રીતે તર્ક પેદા થયો હતો. આવી અવસ્થા હતી ત્યારે તો પછી સુધારકો ને બાકીજ શું? તેમણે મહારાજોની સત્તા ઉપર તડાકો કરવા માંડ્યો ને પ્રખ્યાત લાઇબેલ કેસમાં સર્વ વાતની ફજેતી બહાર પાડી એવા ગુરૂઓનો ઘણો ખરો ઢોંગ તો ખરેખરો તોડી પાડ્યો. આ રીતે લોકને ધર્મના બંધનમાંથી છોડવ્યા? જ્ઞાતિભેદનો બંધ પણ શિથિલ પાડ્યા. આ ઉપરાંત સામાન્ય રીતે કેલવણીમાં પણ આ મંડલનું લક્ષ ન હતું એમ નહિ. બુદ્ધિવર્ધક કન્યાશાલા સ્થાપી તેમાં છોકરીઓને જ્ઞાન આપવાનો પણ આરંભ થયો, અને એક રીતે સ્ત્રીકેલવણીનો પણ પાયો રોપાવા માંડ્યો. સ્ત્રી પુરૂષના હકની સમાનતા વિષે તકરારો શુરૂ થઈ, અને જે છુટથી પુરૂષો હરે છે ફરે છે. મળે છે તેજ છુટ સ્ત્રીઓને માટે પણ આ નવા લોકો માગવા લાગ્યા. આ પ્રમાણે સંસારમાં તથા ધર્મમાં ફેરફાર થવાથી તમામ જુના પ્રચારનો નાશ થવા લાગ્યો, કહીં ખુણે ખોચરે તે ભરાઇ રહેવા લાગ્યા. મુંબઇ શેહેરમાં તો આ સર્વ વાત ખુબ જામી ગઇ. બહાર પણ સુરતમાં સુધારાના અગ્રણી પ્રસિદ્ધ મેહેતાજી દુર્ગારામના સપાટા જારીજ હતા, અમદાવાદ, નડિઆદ તરફ પણ રા. ગિરધરલાલ કે રા. મહીપતરામ જેવાનાં પ્રયાણ કે સ્થિતિ ચાલુજ હતાં પણ ઉત્તર તરફ તો ઝાઝી અસર થઇ શકી નહિ. આટલી વાત તો સિદ્ધ રીતે ફેલાઇ ગઇ કે જેને સારા વિદ્વાન્ વર્ગની સંમતિ મેળવવી હોય, જેણે જાતે પણ તેવામાં ગણાવું હોય તેણે સુધારાવાળા કહેવાવું જોઇએ. સુધારો શબ્દ જે અર્થમાં હાલ વપરાય છે તે ઘણું કરી તે વખતથીજ ઘડાયલો છે; જ્ઞાતિનો બાધ ન ગણવો, પુનર્વિવાહને ઉત્તેજન આપવું, સ્ત્રી પુરૂષને સમાન ગણવાં ને પુનર્જન્માદિક ન માનતાં કેવલ માણસનું સુખ સધાય તેવી નીતિમાં લક્ષ રાખી સાધારણ રીતિના ધર્મ કર્મના વેહેમ ન રાખવા એ સુધારાનાં લક્ષણ અદ્યાપિ પણ સુપ્રસિદ્ધ છે. સુધારકો ધર્મની બાબતમાં નાસ્તિક યાને અંગ્રેજીમાં જેને સ્કેપ્ટીક કહે છે તેવા નીવડ્યા, અને સંસારની બાબતમાં કેવળ ઐહિક સુખને વળગી રહેનાર ચાર્વાક જેવા અથવા અંગ્રેજીમાં જેને યુટીલીટેરીઅન કહે છે તેવા થઇ બેઠા. મનુષ્યજાતિનો સ્વભાવ છે કે જેમ બને તેમ સ્વતંત્ર થઇ સ્વચ્છંદી થવાય તો તે તરફ પ્રથમ લક્ષ આપવું, ને વળી લોકમાં માનપમાય એવી રીતે જો સ્વચ્છંદી થવાતું હોય તો તો તે કોણ આજ પણ નહિ ઈચ્છતું હોય? આમ હોવાને લીધે સુધારકોએ જેટલો બન્યો તેટલો નાશ તો ઘણી ઝડપથી કરી આપ્યો, ને લોકોને પણ તે અનુકૂલ પડ્યો. નાશ કરવાનું કામ ઘણું સહેલું છે, તેમ જરૂરનું પણ છે. જ્યાં સુધી કોઈ રીવાજ કે ધર્મ શુદ્ધરૂપે દૃઢ હોય છે. ત્યાંસુધી તો તેના ઉપર નાશનું બલ ચાલી શકતું નથી પણ જ્યારે તે એટલી બધી વિકૃતિ પામે છે કે શુદ્ધ શું ને અશુદ્ધ શું તેનો પણ નિર્ણય થઇ શકતો નથી. તથા અમુક સિદ્ધાંતનાં કારણ પણ આ વિકૃતિને લીધે સમજાઇ શકતાં નથી, ત્યારે આ વ્યવસ્થામાંથી સારી સ્થિતિ ફરી પ્રાપ્ત થવા માટે તે વ્યવસ્થાનો નાશ થવો આવશ્યક થઇ પડે છે. પોતાની મેળેજ ભાંગી પડવા તૈયાર થયેલી વાતને જ્યારે અનુકૂલ મદદ કરનાર કોઇ મળી આવે છે, ત્યારે તેનો નાશ થવામાં વાર લાગતી નથી. આ પ્રમાણે આ પ્રસંગે થયું.
નાશ અને સ્થિતિના સાધારણ નિયમો પ્રમાણે આપણા સુધારાવાળા જે નાશ કરી શક્યા તે ઘણો જરૂરનો હતો, તથા સિદ્ધસ્વરૂપે વ્યવહારને દર્શાવવા માટે યુક્ત કસોટીરૂપે હતો. નાશ કરવાનું કામ જેમ સહેલું છે, તેમ નવીન રચના કરવાનું કામ સુલભ નથી. મનુષ્ય જાતિની સહજ પ્રકૃતિમાં પણ એવોજ નિયમ જણાઇ આવે છે. જેથી કરી સ્વછંદે ચાલી શકાય એવો આચાર કોઇ પણ તુરત પકડી લે છે, જેમાં કાંઇ સંકોચ વેઠવો પડે તેવો સદાચાર તેટલીજ સરલતાથી ગ્રહણ થતો નથી. સુધારાવાળાઓએ જે નાશનાં બીજ રોપ્યાં તેનાં ફલ માણસ જાતિની આ સહજ પ્રકૃતિને લીધે ઘણાં સારાં થવા લાગ્યાં; ને જો કેવલ ફલ ઉપરથીજ અમુક વ્યવહારની સારાસારતા સિદ્ધ થઇ શકતી હોય તો આપણા સુધારાવાળાનો શ્રમ સારરૂપ હતો એમ પણ કહ્યા વિના ચાલે નહિ. લોકોમાં એકતરફથી અંગ્રેજી વિદ્યાનો શોખ પેસતો જતો હતો ને બીજી તરફથી સુધારાના ઉપદેશ નિરંતર જાગૃતજ હતા. આ ઉપદેશનું મુખ્ય સ્વરૂપ અંગ્રેજ લોકના રિવાજ ઉપરથી લીધેલું હોવાને લીધે એવી સ્વાભાવિક સંકલના થઇ આવી કે અંગ્રેજી ભણવા સાથેજ સુધારાનો પ્રવેશ પણ થવો જોઇએ. આટલું જ નહિ, પણ આગળ કહ્યું છે તેમ પ્રતિષ્ઠિત વર્ગમાં ગણાવાની ઇચ્છા રાખનારને પણ સુધારાની છાપ સિવાય સત્કાર મળતો નથી એમ સર્વને લાગવા માંડ્યું. અંગ્રેજી ભણતર અને સુધારાના વ્યવહાર એનો નિકટ સંબંધ થતો ગયો, તેમ અંગરેજી ન ભણેલામાં પણ પ્રતિષ્ટાનો ને સુધરાનો તેવોજ દૃઢ સંયોગ ઘડાતો ચાલ્યો. આમ થવાને લીધે સમજીને કે વગર સમજીને, કારણે કે અકારણે પણ ઘણા ખરા મુખ્ય કહેવાતા લોકોમાં ‘સુધરેલા’ આચારોની પ્રવૃત્તિ થવા માંડી.
જ્યારે કોઇ કાંઇ કામ લઇ બેસે છે ત્યારે તે કામના ફલની ગણના બે રીતે સંભવે છે. એકતો તે કામે કેટલા ઉપર અસર કરી તે સંખ્યા ઉપરથી, અથવા કેવી અસર કરી તે ગુણ ઉપરથી. માણસને અમુક આચારની યોગ્યતા બતાવવા માટે ને તે યોગ્યતા બતાવી લલચાવવા માટે સંખ્યાના નિયમથીજ કાર્ય માત્રની સારાસારતા તુલવી ઠીક પડે છે, પણ જો ગુણનો નિયમ લાગુ કરવામાં આવે તો સંખ્યાના નિયમે બતાવેલાં પરિણામ તરતજ ઊધાં થઇ બેસે. જે તત્કાળ સર્વને રૂચિ કરાવી પ્રવર્તાવવાના વિષયો છે તેમાં સંખ્યા એ સારો રોચક નિયમ છે, તે પ્રમાણે આ સુધારાનાં પરિણામમાં પણ થવા માંડ્યું. સંખ્યાબંધ સ્ત્રીઓએ કેલવણી લેવી શુરૂ કરી, ઘણા લોકોએ જ્ઞાતિભેદ ખાનગી ખાનગી રીતે ન ગણકારવા માંડ્યો, સ્ત્રીઓના હક એકંદરે પુરૂષની સમાન મનાઇ સ્ત્રીઓને છુટ પણ મલવા લાગી, પુનર્લગ્નનાં પણ ઠામ ઠામ દર્શન થવા લાગ્યા, ધર્મકર્મની કેવલ શિથિલતા થઇ ગઇ;–આ બધું ખરૂં પણ કોણે કઇ વાત કેટલો ગુણ ગ્રહણ કરીને સ્વીકારેલી એનો તપાસ કરીએ તો આ બધાં પરિણામ ફક્ત દેખાવમાત્રનાંજ હતાં અને મૂલમાં કાંઇ ફરક પડ્યો ન હતો એમ હાલ આપણે નિઃશંક થઇ કહી શકીશું. સ્ત્રીઓએ ભણવા માંડ્યું પણ શું? પોતાને ખરા ઉપયોગનું? ખરો ખોટો ઉપયોગ નક્કી કરનારા આ સુધારકોજ હતા એટલે તેમણે જે યોજના કરી તે રસ્તે સર્વે વળ્યા, પણ પરિણામે જણાય છે કે આજે સ્ત્રીકેળવણીમાં એક તલભાર પણ વધારો ન થતાં ઉલટો કાંઇક અંશે તે વિષયનો અનાદર પેદા થયો છે તો તેનું કારણ તે વખતની યોજનાની શિથિલતા અને દેખાવ-માત્ર સંપાદન કરવાની આતુરતા સિવાય બીજું કાંઇ હોવું જોઇએ નહિ. લોકોના મનમાં આ વિષયનો અણગમો થવાનાં કારણ એ કેળવણીનાં ફલ સિવાય બીજાં તે શું હોય? જો આ ફલ ઠીક ન નીવડ્યાં, ને તે આખાં ત્રીશ વર્ષ સુધીમાં પણ ઠીક ન નીવડ્યાં, ત્યારે તો દોષ કોને દેવો? જે યોજના થઇ તે લોકેતો ગ્રહણ કરી પણ તેમાં વળ્યું કાંઇ નહિ. એજ રીતે જ્ઞાતિબંધનની શિથિલતામાંથી પણ લોકોમાં સ્વચ્છંદ વધ્યો ને ગુપ્ત દુરાચાર સિવાય બીજું પેદા થઈ શક્યું નહિ. સ્ત્રીપુરૂષને સમાન ગણવાનાં પરિણામમાં પણ એથી સારી આશા રાખી ક્યાંથી શકાય? મૂલે જે સ્ત્રીઓ પોતાનું સ્વરૂપ કે કર્તવ્ય સમજતિ ન હોય, ને જે તેમને સમાન ગણી હક આપનાર તેમના પતિ તે પણસ્વતંત્રતાનો પુરો અર્થ સમજતા, ન હોય, ત્યાં સારાં પરિણામની આશા કેટલી રખાય? પુનર્લગ્નનાં પરિણામ અદ્યાપિ પણ આપણી દૃષ્ટિએજ છે. લગ્ન એટલે શું તે ન સમજે તેને વળી પુનર્લગ્નનો શો વિચાર? કેવલ પશુવૃત્તિ-પોષણાદિક-માટેનાં જેવાં લગ્ન તેવાં પુનર્લગ્ન! એમાં પરણનાર કે પરણાવનારની કોઇ પ્રકારની કૃતાર્થતા અમારી નજરે તો જણાતી નથી. આ સર્વ ઉપરાંત ધર્મની બાબતમાં જે શિથિલતા આવી ગઇ તેણે તો સીમા કરી નાંખી. ઇશ્વર છે પણ તે કેવો ક્યાં અને કેવી રીતે તેનો વિચાર કોઇએ કર્યો નહિ. જો ઇશ્વર હોય તો તેની મરજી સંપાદન કરવી એનું નામજ સુખ હોવું જોઇએ. પણ આપણા સુધારાના પાદરીઓ ઇશ્વર શું તે બોલતાં છતાં પણ જેમ સમજતા ન હતા, તેમ ઇશ્વરેચ્છાને અર્થાત્ સનાતન ધર્મને શું અનુકૂલ છે તેના આભાસને પણ સ્પર્શ કરી શકતા ન હતા. ઇશ્વર હો તો ભલે હો પણ ઇશ્વરેષ્ટ સિદ્ધાન્તતો આ અમે તમને સમજાવીએ છીએ તેજ છે એમ તેઓ વારંવાર લોકને સમજાવતા, અને મૂર્તિપૂજન, યજ્ઞકર્માદિ ક્રિયાને દૂર ખસેડીને સર્વ સ્થલે પોતેજ પૂજ્ય થઇ ઉભા રહેતા. જેથી કરીને જાતે સુખી રહેવાય, સંકોચ થોડો ખમવો પડે, અને સર્વની સાથે સ્વચ્છંદે વર્તાય એવી નીતિનો એકંદરે સ્વીકાર કરી ઇશ્વર છે એમ કહેવું એ સ્પષ્ટ રીતે વ્યર્થજ છે. આટલાજ કારણથી અમે ગતસુધારાને નાસ્તિક ગણ્યો છે, અને તે સુધારાના સિદ્ધાન્તોમાં દોષ પણ ગુણરૂપ જણાયા તેનું મુખ્ય કારણ પણ આ નાસ્તિકપણું જ છે. આ વાત અમે ફરીથી સ્પષ્ટ કરી બતાવીશું.
આ પ્રમાણે જ્યારે તે વખતે પ્રવર્તેલા સુધારાને તેનાં હાલનાં પરિણામ સાથે મેલવી જોઇએ છીએ ત્યારે આપણને તે કાલના સુધારાની નિઃસારતા અને શુષ્કતા સિદ્ધ રીતે જણાઈ આવે છે. એ ઉપરાંત જ્યારે આપણે એમ જોઈ શકીએ છીએ કે તે વખતે જે જે વાતો દાખલ થઇ હતી તે આજ વૃદ્ધિ ન પામતાં ઉલટી બીજેજ માર્ગે જવા લાગી છે, અથવા બહુ તો છે, તેમજ છે ત્યારે આપણને તે વખતના સુધારાની નિઃસારતા જણાયા વિના કેમ રહે? આર્યધર્મની મહત્તા આ પચીશ વર્ષમાં બહુ સારી રીતે સિદ્ધ થઇ આવી છે, તે તેમાંથી એમ સ્પષ્ટ ફલિત થયું છે કે અત્રત્ય રીવાજ અને નીતિ કેવલ અવિચારવાળાં કે અસલ જાણતા હતા તેવાં બેવકુફાઇ ભરેલાં નથી. આજ તો હિંદુશાસ્ત્રના સિદ્ધાંતોનું રક્ષણ કરનારા ઠામેઠામ જડી આવશે, હિંદુશાસ્ત્રના નિયમોની મહત્તા સાબીત કરનારા બહાર નીકળી આવશે. આ ઉપરથી લગ્નના વિચારોમાં, કેળવણીના વિચારોમાં, ધર્મમાં ને જ્ઞાતિબંધન વગેરે બાબતેમાં લોકોની વૃત્તિઓ જેવી થઇ છે તેવી જોઇને રા. કરસનદાસ કે રા. ગીરધરલાલના સ્વર્ગવાસી આત્માને ખેદ થતો હશે! લોકોમાં સાધારણ રીતિએ આવી વૃત્તિ થઈ છે, તેવામાં જો કોઇ સુધારાનું નામ દે છે તો તિરસ્કારયુક્ત મંદ હાસ્યસિવાય આપણા આર્ય બંધુના મુખ ઉપર બીજું કાંઇ જણાતું નથી. સુધારાવાળા ઉપરથી સર્વનો વિશ્વાસ ઉઠી ગયો છે, ને તેમાં પણ અસલના જે કોઇ કોઇ રહેલા છે તેમના આચાર તેમની કહેણી સાથે મળતા ન આવવાથી આ વિશ્વાસ ઉઠી જઇને તિરસ્કાર રૂપે પરિણામ પામ્યો છે. આવી રીતે સુધારાનો ખેલ લગભગ પુરો થઇ ગયો છે એમ કહ્યા વિના ચાલતું નથી.
ગતસુધારાના સાથીઓએ જે આ નાશ કર્યો તે કેવલ નિરૂપયોગી હતો એમ અમારૂં કહેવાનું તાત્પર્ય નથી; તેનો પરિપૂર્ણ ઉપયોગ અમે અમારી હાલની આલખવાની પ્રવૃત્તિમાંજ જોઇ શકીએ છીએ, જો તેમણે આવો નાશ ન કર્યો હોત તો આ સમયે સુધારાના શુદ્ધ સ્વરૂપના જે વિચાર ચાલે છે તે ક્યાંથી ચાલતા હોય? સુધારકોના ગુરૂ તો અંગ્રેજ હતા! અને ધર્મગુરૂ પાદરીઓ હતા! આપણા હાલના ગુરૂ અને ધર્મગુરૂ તો મનુ, પરાશર, વ્યાસ, શંકર વગેરે જે પુરાતનથી છે તેજ છે! અંગ્રેજ પાદરીઓના ગુરૂપણાથીજ ઇશ્વરનો ભ્રમ કાયમ રહ્યો ને સુધારામાં ધાંધળ પેસી ગયું! આપણને તો પૂજ્ય મહાત્મા દયાનંદ જેવાએ તથા પોતાના ધર્મનો તિરસ્કાર કરીને આપણા ધર્મની મહત્તા બતાવનાર પ્રસિદ્ધ કર્નલ ઓલ્કાટ અને મેડેમ બ્લેવેટસ્કી જેવાંએ પરમધર્મનું તત્વ તપાસવાની રૂચિ પેદા કરી છે, ને આપણે આપણા પુરાતન કાલથી અવિચલ રહેલા તેજસ્વિ સ્વરૂપને ઓળખી તે સ્વરૂપને પામવાનો પ્રયત્ન કરવામાં મગરૂર છીએ. અમને ખાત્રી છે કે જેને વિચારવાને મન છે અને જોવાની આંખ તથા સાંભળવાના કાન છે તેને તો આ બધું જોઇને વિચાર થયાવિના રહે નહિ. અસલના સુધારાવાળાના પ્રસંગે કરીને હજુ પણ ‘સુધારા’ ની હીમાયત કરનારા ગુજરાતી કે પારસી ભલે ન સમજે, પણ અમને પાકો ભરોસો છે કે એજ કરસનદાસ અને ગિરધરલાલ જોે જીવતા હોત તો આપણા પ્રિય નગીનદાસની પેઠે ભુલેશ્વરનાં દર્શન કરવા પણ જાત અને એકાદશીનાં જાગરણ પણ કરત. જે લોકોએ સુધારાના ઇતિહાસ ઉપર આ રીતે દૃષ્ટિ ચલાવી ગુજરાતના અથવા હિંદુ કોમના સુધારાનું હાલનું અને અસલનું સ્વરૂપ મુકાબલે મુકી જોયું નથી તેવા, કેવલ એકજ વાતથી ટુંકી દૃષ્ટિમાં મશગુલ થઇ ગયેલા પુનર્લગ્ન કરાવવા માટે સરકારને કાયદા કરવાની ભલામણ કરે અથવા હિંદુઓ કહે તેમ કરતા નથી એવાં ટાણાં મારે તેથી તેમનીજ આ બાબતો ઉપર બોલવાની અયોગ્યતા, સિવાય બીજું કાંઈ સિદ્ધ થતું નથી.
જેમ રા. નગીનદાસ હાલ કરે છે તેમ કવિએ પણ કરવા માંડ્યું હતું. અથવા કયો વિચારવંત માણસ યોગ્યાયોગ્ય વાત સમજ્યા પછી પણ તેમ નહિ કરે? એક વખત જે કહ્યું તેજ ખરૂં ને તે ખોટું જણાય તોપણ તેજ ખરૂં એમ તો કેવલ મૂર્ખ હોય તેજ આ કરે. છતાં પણ ઘણાએક તેવો આગ્રહ નથી કરતા તેમ નથી. તેથીજ કવિને પરિપૂર્ણ માન ઘટે છે કે જે વાતમાં ભૂલ જણાઈ તે તિરસ્કારના દાવાનલની દરકાર ન કરતાં તરત સુધારી અને જેટલી દૃઢતાથી અસલ સુધારો પકડ્યો હતો તેટલીજ દૃઢતાથી ખરો માર્ગ ગ્રહણ કર્યો. ખરી વિદ્વત્તાનું, ખરા જ્ઞાનનું, ને ખરી દેશ દાજનું એજ સુલક્ષણ છે. સિદ્ધ રીતે હાલ એમ સમજી શકાય છે કે ધર્મનું સ્વરૂપ ન સમજવાને લીધેજ અસલના સુધારકો આડે માર્ગે ગયા અને લોકોમાં જોઇએ તેવાં પરિણામ પેદા કરી શક્યા નહિ. તેમનો ધર્મ કેવલ ક્ષણિક સુખ ઉપર દૃષ્ટિ રાખતો હતો તેથી તેમના સુધારા પણ તેવાજ ક્ષણિક અને ખેદકારક નીવડ્યા! ધર્મ અને નીતિ અથવા સુધારો એ બે વચ્ચેનો આવો દૃઢ સંબંધ અમે વારંવાર પ્રતિપાદન કરેલો છે અને જુના સુધારકોમાંના અમારા પ્રિય કવિ આ સંબંધ સારી રીતે સમજી શક્યા હતા એમ કહેવાની અમને પુરે પુરી હીંમત છે. ધર્મ એ નિત્ય છે, જે માણસને મોટામાં મોટું જે સુખ મલી શકે તેનું સ્થાન છે; ને નીતિ કેવલ તે સુખને પામવાનો રસ્તો છે. જે લોકો સાધારણ વાતોને મહાસુખરૂપ માને છે તેની નીતિ પણ તેવીજ ઘટેછે, ને જે પરમ બ્રહ્મરૂપ તત્ત્વને સુખથી લહે છે તેની દૈવી ગતિપણ ઓરજ નીવડે છે! કવિ આ વાત ખુબ સમજ્યા હતા અને તેથીજ પોતાના કરેલા સુધારાની ભૂલ તેમણે દીઠી હતી. પાકી મર્દાઇ, પાકી વિદ્વત્તાને દૃઢતા એનુંજ નામ કે એકવાર જે ભૂલ થઇ તે પાછી સુધારી; ને એટલાજ માટે કવિની મહત્તામાં અમારી દૃષ્ટિએ તો ઘણો સારો વધારો થયો છે. જે લોકોએ કવિને પૂજ્ય ગણેલા તે આ વખતે કવિને તુચ્છ માનતા હતા, પણ તેનો દોષ શો? ફક્ત ગધેડાનું પુછડું પકડી ન રાખ્યું તેજ કે બીજો? એમ છે ત્યારે તુચ્છ કોણ? કવિના અંત સમયે લોકો એના ઉપર જે તિરસ્કાર બતાવતા હતા તે કેવલ અયોગ્ય હતોઃ કવિએ જણાવેલો હવેનો સુધારો તેજ ખરો સિદ્ધાન્ત છે એમ સર્વેને સમજવું જરૂરનું છે. લોકોનો વિચાર સારાસાર ગ્રહણ કરી શકતો નથી એ માટે કવિને જેટલો ખેદ હતો તેટલો બીજાને નહિજ હોય ને તે ખેદ તેમણે આ લખનારને મરતા પહેલાં બે એક માસ આગળ ઘણી કરૂણાથી આ મુજબ કહેતાં જણાવેલો; “મને તો લોક મૂર્ખ કહે છે, મારા વિચાર બદલાયા તેથી મને મારા મિત્રો તજી ગયા છે—પણ હું મારા મનમાં સંતોષ રાખું છું કે ફીકર નહિ તમારા પોતાનાજ મંડલમાં મારાજ વિચાર ખરા કરી બતાવનાર એક છે” વગેરે વગેરે. કવિની આ લાગણી કોને અસર ન કરી શકે? એ સજ્જનની આવી આશા આ લખાણથી કોઇ પણ અંશે પૂર્ણ થાય એટલા ઉદ્દેશથીજ આ ચર્ચા ચલાવેલી છે. લોકો તેની ગમે તે ગણના કરો.
સુધારાનું આ પચીસ વર્ષનું સ્વરૂપ આપણે સ્પષ્ટ કરી તપાસી જોયું તથા તે સાથે કવિનો તે સુધારા સાથનો સંબંધ પણ નક્કી કર્યો. કવિના વિચારોમાં જે ફેરફાર થયો તે એમના ધર્મવિચારમાં જણાવ્યા પ્રમાણે ખૂબ સમજવા જેવો છે, એ પણ આપણે જણાવી ગયા છીએ, અને તે ઉપરથી હાલના સુધારાવાળાને કાંઇ નાનોસુનો બોધ લેવાનો નથી. સુધારાના મુખ્ય સિદ્ધાન્તનું પાકું સ્વરૂપ લક્ષમાં આવ્યા સિવાય, ફક્ત બહારના ડોળની ખાતર કે વિદ્વાન્ કે સુધરેલા વર્ગમાં ખપવાની ઊછરતી જીજ્ઞાસાની ખાતર, જે ફાંકો રાખવામાં આવે છે તેનાં પરિણામ સારાં ન થતાં નઠારાં થાય છે એ નિઃસંદેહ છે. આ સર્વ બાબતના ઉદાહરણરૂપ આપણા મરનાર મિત્રની જીંદગીનું ચિત્ર છે. તે ગમે તે રસ્તે ગયો, તેણે ગમે તેવા કુમાર્ગગામી ચેલા પોતાના દાખલા ઉપરથી ઠામ ઠામ કરી મુક્યા, પણ સદ્યોગે કરી મરણ વખતે તેની બુદ્ધિમાં પોતાના સ્વરૂપનો શુદ્ધ સંસ્કાર ઉઘડ્યો અને સુધારાનો સિદ્ધ નિયમ તેના લક્ષમાં જડાયો. જેમણે એને એક વખત ગુરૂ માનેલો તેઓ હાલ તેને તજી ગયા પણ તેમાં તેમણે જ ભૂલ કરેલી તેમના ગુરૂની ભુલ અમને જણાતી નથી, એ અમે પ્રતિપાદન કરી ગયા છીએ. સુધારાનું ઉત્તમાંગ એવી ઉપમા જે પ્રારંભે આપી હતી તે આ રીતે આપણું કવિના સંબંધમાં સાર્થક થઇ રહે છે.
હાલ મરનારના સંબંધમાં તેનાં લખાણ અને તેની અસર તથા કીમતનો વિચાર કરવોજ બાકી રહેલો છે. સુધારાને સંગ્રામ મચાવતે આ શૂરવીર જે ‘યાહોમકરીને પડ્યો,’ તે વખતના તેના મનોબલથી, રાજ્યરંગના તરંગમાં જ્યારે એ વીર દેશદાઝથી ઘુમ્યો ત્યારના તેના વીરત્વથી, શૃંગારનાં પ્રેમમય ગાનમાં વસંતઋતુ જેવા વિલાસમય થઇ રહેલા એ રસિકના ઋતુ વર્ણનથી, સર્વને એના પ્રેમાનુભવનો, દેશ પ્રીતિનો તથા વીરત્વનો પ્રત્યક્ષ અનુભવ થતાં તેની સ્તુતિ ચારે તરફ ગવાઇ રહી છે. આજ પણ એ વાત વિવાદગ્રસ્ત છે કે નર્મદાશંકર તે કવિ કહેવાય કે નહિ અથવા અમુક લખનાર કરતાં તે સારો કહેવાય કે નહિ. જેમ ઉત્તર ગુજરાતમાં ફાર્બસ સાહેબ, ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી અને દલપતરામે દેશી ભાષા ઉપર સર્વનો પ્રેમ ઉત્પન્ન કર્યો તથા કવિતાનો રસ ચખાડવા માંડ્યો, તેમ દક્ષિણ ગુજરાતમાં મુંબઇના શેઠીઆઓ, બુદ્ધિવર્ધક સભા અને નર્મદાશંકરે સર્વને તેવોજ બોધ કરવા માંડ્યો. જેમ ઉત્તરના લોક કહેવાતા સુધારામાં મંદ હતા તેમ તેમની કવિતાશક્તિ પણ ઉછળતી ન હતી; જેમ દક્ષિણના લોક સુધારામાં કુદી પડ્યા હતા તેમ તેમની કવિતા પણ તેવી હતી. વિચારનું ૧[1]ઉચ્છૃંખલપણું અને કાવ્યનો આવિર્ભાવ એ બેનો સંબંધ નિકટ છે. આ તરફના પંડિતો જુના વિચારના ને જુના મતના અનુયાયી એટલે જુને રસ્તેજ ચાલ્યા જતા, તે તરફના પંડિતો નવા સુધારાના શિષ્ય એટલે નવે રસ્તે ગયા. જુના સિદ્ધાન્ત ગ્રન્થોનાં રહસ્ય કોઇ દેશના રહસ્ય ગ્રંથોથી હઠે તેવાં નથી, તથાપિ તે દૃઢ અભ્યાસથી સાધ્ય છે; આધુનિક અંગ્રેજી મારફતનાં વિવેચન જેના લક્ષમાં કાંઇક સૂક્ષ્મતાથી ઉતરે છે, તેને તે ગ્રંથાવલોકનનું ફલ સહજમાં મળે છે. આવો યોગ આ કાવ્યકલાના સંબંધમાં અમદાવાદ મુંબઇ વચ્ચે થઇ આવેલો સમજવામાં આવે છે. જુને રસ્તે ફુંકીને૨ પગભરનારા અમદાવાદી ઘણા ઊંડા ઉતરી શક્યા નહિ, તેમ સુધારાનું પાકું સ્વરૂપ આમ કે તેમ સમજી શક્યા નહિ, તેથી કાવ્યમાં પણ તેવા અધવચ રહી અલંકાર પિંગલાદિકને રસ્તે ચાલતાં રૂઢિમાં છપાઈ રહેલી કવિતા કરવા લાગ્યા. મુંબાઇવાળા તો જુની વાતનું તત્વ સમજવા દરકાર કરતા ન હતા, છતાં કાંઇ થોડું ઘણું જાણી અંગરેજીદ્વારા સંસ્કાર પામી પિંગલ અલંકાર ઉપર લક્ષ ન દેતાં, છુટે વિચારે કાંઇક રસની છાયામાં પોતાના કાવ્યના ઉદ્ગારને ઘસડી જવા લાગ્યા. આ રીતનું વિવેચન એક બે અંશ આગળ લેઇ જતાં એક તરફનું ‘દુરાચારી વ્યભિચારી જો વિચારી’ અને બીજી તરફનું ‘ધમ ધમ ધમ લોહી વહે ઈશકડો મહાલે’ આ વૃત્તિનું આંદોલન૩ સહજમાં સમજી શકાશે. કવિ તો ઉભય તરફનાને થવાની મરજી, પણ કાવ્યના મૂલ સ્વરૂપને ન વળગતાં, એકે છુટ લીધી તો બીજાએ સજડ પકડી રાખ્યું, એમ વિચારમાં–ને તે પણ ફક્ત ‘સુધારાના સંબંધના વિચારમાં કાંઇક વાર તો યુદ્ધ ચાલ્યું. આ એક રીતની છોકરવાદીના તોરમાં એક તરફથી ‘જ્ઞાતિભેદ તોડો બાકી હવે એટલું છે, બંગલાબારીઓ બની કીધાં ઢાંકણકાચનાં’ તથા બીજી તરફથી ‘કોની પાઘડી છે. શેર પાંચ, જેની લાંબી ઘણી છે. ચાંચ’ એમ અન્યોન્યના ઉપહાસ કરવાપર વૃત્તિ ચાલી. ઉભયે કાવ્યમાત્રને ઉદ્દેશીને પણ ઘણાંએ લખાણ કરેલાં છે તે ઉપરથી જ તેમના કવિત્વનું અનુમાન કરવાને બની શકે તેમ છે. ઉપર જણાવ્યા તેવા વિષયનાં ઉભયપક્ષનાં જેટલાં કાવ્ય છે તે ચાલુ વિવેચનના સંબંધમાં બાજુપર રાખવા જેવાં ઠરે છે.
કાવ્ય અથવા જેને હાલ આપણે કવિતા કહીએ છીએ તેનું સ્વરૂપ આપણે કેવું માનવું? આ વિષયનો નિર્ણય કર્યા સિવાય કોઇના પણ કવિત્વ ઉપર અભિપ્રાય આપવો વ્યર્થ છે. કાવ્યનાં ઘણાં લક્ષણ અપાઇ ગયેલાં છે, પણ તેમાનું એકજ અત્રે ટાંકી જેમ બને તેમ ટુંકામાં આ વિષયનું વિવેચન કરવાની મરજી છે. ‘વાક્યં રસાત્મકં કાવ્યમ્.’ રસ એજ જેનો આત્મા હોય અર્થાત્ કેવલ રસમય હોય તેવું વાક્ય (શબ્દ તથા અર્થની યોગ્ય રચનાએ ઘડેલું) તે કાવ્ય સમજવું. આ લક્ષણમાં જે રહસ્ય બતાવ્યું છે તે થોડે ઘણે અંશે પણ સર્વ સાહિત્યકારોએ કબુલ રાખ્યું છે. કાવ્યનો આત્મા રસ કહ્યો છે. અર્થાત્ કાવ્યરૂપ શરીર જો રસરૂપ આત્મા ન હોય તો હજારો વસ્ત્રાભૂષણથી આનંદ પેદા કરનાર નથીજ. યદ્યપિ ‘વાક્ય’ શબ્દવડે કરીને શબ્દ તથા અર્થનું ગ્રહણ કર્યું છે, ને શબ્દાલંકાર તથા અર્થાલંકારને સ્વિકાર્યા છે, તથાપિ તે શબ્દાર્થાલંકારજ કાવ્યરૂપ છે એમ નીકળતું નથી. સિદ્ધ એ થયું કે કાવ્ય શરીર, રસજીવ, અને અલંકાર આભૂષણ. રસ જ્યારે કાવ્યનો આત્મા છે ત્યારે રસ તે શું? હર્ષ, ભય, શોક, વિષાદ, ઉત્સાહ વગેરે જે વિકાર તેવાં તેવાં પદાર્થ જોતાં હૃદયમાં પેદા થઇ કાંઇક કાલપર્યંત સ્થિર ઠરી રહે છે ને હસવું, રડવું, નાસવું, લડવું વગેરે રૂપે બહાર જણાઈ આવે છે તથા આસપાસના સંબંધ વિચારતાં પુષ્ટિ પામે છે, તેને રસ એવું નામ કવિઓ આપે છે. આ રસની તાદૃશ છાપ જ્યારે કોઇ કાવ્ય વાંચતાંજ મનમાં ખડી થાય, ત્યારે તે કાવ્ય કે તેના લખનારા ‘રસિક’ કહેવાય છે. આ રસ કાવ્યમાંઆવ્યો કે થઇ રહ્યું, એમ પણ કવિઓએ રાખ્યું નથી. જે રસ ઢાંક્યો રહે અને ખરા સહૃદયના હૃદયમાંજ નિર્મલ સ્ફટિકમાં પ્રતિબંબની પેઠે પ્રવેશ કરી જાય, તે રસને પ્રથમ પંક્તિ આપી છે. આવાં કાવ્યને વ્યંગ્ય કે ધ્વનિવાળાં કાવ્ય કહે છે, ને આ રીતે કાવ્ય કરવામાં શબ્દોનો યથાર્થ ઉપયોગ થાય માટે શબ્દના અર્થ વિષે પણ અભિધાલક્ષણા—વ્યંજના વગેરે યુક્તિ ગોઠવેલી છે. જેમાં રસ સ્પષ્ટ રીતે પ્રતીત થતો હોય તેવા કાવ્યને બીજા વર્ગમાં મુક્યું છે; ને ‘શબ્દચિત્રવાચ્યચિત્રમવ્યંગ્યત્વવરં સ્મૃતમ્’ જેમાં વ્યંગ્ય અર્થાત્ પ્રથમ કહ્યો તેવો ગુઢ રસધ્વનિ નથી, પણ કેવલ શબ્દાલંકાર (ઝડ યમક અનુપ્રાસ વગેરે) કે અર્થાલંકાર (ઉપમા ઉત્પ્રેક્ષા વગેરે) થીજ દીપતું છે તેને તો ‘અધમ’ આ સંજ્ઞાથી કહેલું છે.
આ અમારો કાવ્યવિષેનો સિદ્ધાંતઃ તે એમાં જે ‘પાસ’ થાય તે કવિ. આ કસોટીએ ચઢાવતાં નર્મદાશંકરને કવિનો ખરેખરો એલકાબ અપાય કે નહિ એ સંશયની વાત થઇ પડે છે. એમણે ‘દલપત પ્રાસે વહાય’ તથા ‘શામળ જેવા કવિ થકી ગામડીઆ રહે મ્હોઇ’ વગેરે આરોપ કરી કાવ્યના સ્વરૂપનું પોતાને ભાન છે એમ સૂચના કરેલી છે ખરી, પણ પૂર્ણરૂપે પોતે આ રસની અચૂક અભિવ્યક્તિ બતાવી નથી. તથાપિ અમે નર્મદાશંકરને કવિ કહીશું; પણ કેવલ ઉન્મત્ત અને ઉચ્છૃંખલ એટલે લગામવગરના કવિ કહીશું. આ કહેવાથી એમ ન સમજવું કે કવિત્વની શક્તિને વળી લગામ હોઇ શકે એવો અમારો નિયમ છે, અમે સારી પેઠે માનીએ છીએ કે ‘જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ’ એ થવાને તે લગામ ઘોડાની પીઠપરજ મુકવી પડે; પણ જ્યાં રસ ભેગા રસના અયોગ્ય વ્યભિચાર થઇ પડતા હોય, શૃંગારમાં બીભત્સ કે કરૂણામાં હાસ્ય દાખલ થઇ જતા હોય, ત્યાં લગામ હાય ન રાખવી એ દોષ છે; નહિ તો માણસના મનોભાવનું ચિત્ર કરનાર કવિ અને લવારો કરનાર ગાંડા વચ્ચે તફાવત શો? કવિ થવા માટે પ્રથમ તો વસ્તુમાત્રમાં તન્મય થઇ જઇ મનોભાવ પુરેપુરા પરખાય એવી રસબુદ્ધિ જેને ‘શક્તિ’ એ નામથી શાસ્ત્રમાં કહે છે તે જોઇએ, પછી અભ્યાસ ને પછી ગુરૂપાસે બોધ. આ શક્તિ નર્મદાશંકરમાં સર્વાંશે હતી એમાં શક લેવાનું જરાપણ કારણ નથી ને તેથીજ એમને કવિની સંજ્ઞા નિર્વિવાદ ઘટે છે. માણસના મનોભાવ એટલે રસ ને તેમાં પણ રસરાજ—શૃંગાર–એમણે સારો હાથ કરેલો હતો; તેમજ વીર, કરૂણા પણ વારંવાર ઠીક ચીતરતા હતા.
પણ એ પુરુષે આખા ગુજરાત ઉપર જે અમર મોહોર મારી આપી છે, તે તો એમનું ગદ્યનું લખાણ છે. ગદ્યમાં કવિતા ન આવે એમ જાણવું મૂર્ખાઇનું કામ છે. ‘વાક્યમ્’ આમ આગળ કહેલુંજ છે, એટલે વાક્યમાં પણ કવિતા રહે છે, કેવલ છંદમાંજ નહિ. એનું ગદ્ય-લખાણ રસમય તથા જોસદાર અને કેવલ કાવ્યરૂપ ઠામઠામ જણાઇ આવે છે. ગુજરાતમાં ગદ્યરચના પ્રથમ હતીજ નહિ એમ કહીએ તો ચાલે. પણ કવિ નર્મદાશંકરના સમયથી તે શુદ્ધરૂપે ચાલુ થઇ. આ ઉભય કારણથી અમે એ પુરુષને કવિ અને એક વિરલ બુદ્ધિમાન પુરુષની પદવી નિઃશંક આપીએ છીએ. પોતાના વચલા સમયનું છેલ્લું મહાકર્મ એમનો “કોશ” છે. એ કોશની અંદર પોતે જે શ્રમ લઇ ગુજરાતી ભાષાનાં તત્વનો સંગ્રહ કરવાની યોજના કરી છે તે જોઇ અમે એમને ગુજરાતના ડાક્તર જોન્સનની ઉપમા આપીએ તો વ્યર્થ ગણાશે નહિ. હવે પછી થનાર વિદ્વાનો ગમે તેવા ગ્રંથ રચે અથવા તે ઉપરથી આ કોશમાં સુધારો કરે, તથાપિ પ્રથમ એ કોશનું મહાભારત કામ સંપાદન કરનારનેજ ખરૂં માન ઘટે છે.
કોઇ માણસ સર્વ વાતે પૂર્ણ હોતું નથી. લખનાર તરીકે પ્રૌઢ પંક્તિએ ચઢેલા આપણા કવિએ ઉત્તરાવસ્થામાં થોડાં નાટક વગેરે લખવાનો પ્રયત્ન આરંભેલો; પણ તે કેવલ નિષ્ફલ થયો એમ જોકે કહી શકાતું નથી, છતાં એમના બીજા ગ્રંથ જેવો સફલ થયો મનાય તેમ લાગતું નથી.
આ પ્રમાણે સુધારાના મુખ્ય વીર નાયક તરીકે આધુનિક કવિઓમાં અગ્રણી જેવા તથા ગુજરાતી કોશના પ્રથમ રચનાર અને ગુજરાતી ગદ્યના નિરૂપક તરીકે કવિ નર્મદાશંકરને કોણ માનની દૃષ્ટિથી નહિ નિહાળે? આ સર્વ ઉપરાંત તેનું ધીર, સાહસ, તથા સત્યપરાયણ એકતાની બુદ્ધિ માટે કોણ એનું અનુકરણ કરવા નહિ ધારે? જે ‘ઉત્તમ નાયિકા’ નો એ શુદ્ધ નાયક હતો, તેનાં પ્રેમજલ લોહોવા આજ કોણ પોતાના હાથ ઊંચા નહિ કરે? આવા વીર મહાત્માઓનાં જીવનચરિત સર્વને હજાર રીતે બોધદાયક હોય છે, જેને માટેજ તેમની યાદગીરી જે તે રીતે સર્વના લક્ષમાં નિરંતર રહે તેવી યોજના સર્વ દેશમાં પ્રસિદ્ધ રીતે થતી ચાલી આવે છે. સાધારણ લોકોનાં પરાક્રમ આવા સદુપદેશના બલથીજ સતેજ થાય છે, ઉદ્દીપિત*[2] થાય છે ને વધે છે. આવા હેતુથીજ આપણા મરનાર કવિ જેવા પુરુષોનાં ચરિત અભ્યસનીય છે, અને તેમના સ્મરણાર્થે કાંઈ તાદૃશ પ્રયત્ન બને તેટલી ત્વરાથી થવાની જરૂર છે. અમારો આ લખાણ કરવાનો હેતુ આ સત્પુરૂષની ગુજરાત ઉપર કેટલી ભક્તિ હતી, તથા તેણે શું શું એ દેશ માટે કર્યું છે એ બતાવતાં એમના ભવ્ય ચરિતની નોંધ રાખવાની સર્વેને કેટલી જરૂર છે એ બતાવવાનો છે. તે જો કાંઇ અંશે પણ પૂર્ણ થયો હોય અને સર્વની દૃષ્ટિમાં અમે જે નિષ્પક્ષપાત વિવેચન એક તટસ્થ તરીકે કરી ગયા તે ઉપર ભાવ થઇ આવ્યો હોય તો આવા સજ્જનના નામસ્મરણાર્થે તત્પર થવામાં વિલંબ કરવો વ્યર્થ છે. સાંભળવા પ્રમાણે મુંબઇના કેટલાક મુખ્ય ગૃહસ્થો તરફથી એમના કુટુંબના પોષણ માટે એક ફંડ ચાલતું થયું છે, તથા બીજું તેમના નામ સ્મરણાર્થ ‘સત્યવક્તા’ ના તંત્રીઓ તરફથી થવાની વાત આ સાથે વધારા તરીકે વહેંચવા મળેલા હેંડબીલ પરથી જણાય છે. આ પ્રમાણે થશે તો બહુ આનંદની વાત છે, અને આવા યોગ્ય પુરૂષને યથાર્થ અનુમોદન મળવાથી ગુજરાતને સામાન્યતઃ ઘણા લાભની વાત છે, અમે અમારી આ વિવેચનની વાત બંધ કરતાં મરનારના આત્માને સર્વથા અવિચલ આનંદ ચાહીએ છીએ, તેના કુટુંબના શોકમાં ભાગ લઇએ છીએ, ગુજરાતમાં એ વીરપુત્રના અભાવે બીજા એવા થાઓ એવી આશીષ આપીએ છીએ અને સત્પુરૂષના ગુણસ્તવનના યત્નથી અમારો શ્રમ કૃતાર્થ સમજીએ છીએ.
એપ્રીલ–થી–જુન–૧૮૮૬.