< સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી
સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી/પૃથુરાજરાસા
દિલ્હીનો છેલો રજપુત રાજા જેના હાથમાંથી આર્યાવર્તનું સ્વાતંત્ર્ય ખોવાયું તેની કથા ચંદવરદાયી જેવા સમર્થ કવિએ ચારણી ભાષામાં ગાયેલી છે. એ કથાનું માહાત્મ્ય અને કવિત્વ એટલું બધું સુપ્રસિદ્ધ છે કે તેના તેજ વિષય ઉપર નવું કથન કરનારને તે મહા કવિની સાથે સરખાવટમાં ઉભા રહેવાથી ક્વચિત્જ લાભ થવાનો સંભવ હોઇ શકે, છતાં રા. રા. ભીમરાવે તેનો તે વિષય લેઇ સ્વકલ્પિત કાવ્ય રચવાનો પ્રયાસ કર્યો છે. ચંદના રાસાનો વિષય પૃથુરાજના સમગ્ર ઇતિહાસનું વિલોકન કરાવવાનો છે, આ નવી રચનાનો ઉદ્દેશ તે કરતાં સૂક્ષ્મ અને થોડો છે. સંસ્કૃત મહા કાવ્યોની પદ્ધતિ ઉપર આ કાવ્ય રચવાની પ્રવૃત્તિ થઇ છે, અને તેના અગીઆર સર્ગમાં પૃથુરાજ અને સંયોગતાનો પ્રેમ તથા પૃથુરાજ અને શાહબુદ્દીનનો યુદ્ધ પ્રસંગ લેઇને કાવ્યકલ્પના વિસ્તારવામાં આવી છે. કાવ્યરચના ઘણે ભાગે છંદોબદ્ધ છે, ક્વચિત્જ રોલાવૃત્ત આદિ માત્રામેળ છંદો અને દેશી ગરબીઓ આવે છે.
આ કાવ્યને આરંભે રા. રા. ભીમરાવનું ચરિત સંક્ષિપ્ત રીતે તેમના ભાઇ રા. રા. કૃષ્ણરાવે આપેલું છે; પછી ગ્રંથના અવતરણ રૂપે રા. રા. રમણભાઇ મહીપતરામે એક નિબંધ લખી આ કાવ્યની પરીક્ષા કરેલી છે; તે પછી કાવ્યના અગીઆર સર્ગ છે; અને છેવટ એક શત પૃષ્ઠના કાવ્યની ઉપર, કર્તાના ભાઇ રા. રા. નૃસિંહરાવે આશરે સવાત્રણસો પૃષ્ઠની ટીકા આપેલી છે. રા. રમણભાઇ જેવા પરીક્ષક, રા. નૃસિંહરાવ જેવા ટીકાકાર તેમણે આ કાવ્યની પંક્તિએ પંક્તિ અને અક્ષરે અક્ષરની યોગ્યતા વિચારી છે, અને વ્યાકરણદોષ, પિંગલદોષ, તથા સર્વોપરિ અર્થની ક્લિષ્ટતાના દોષોનો સર્વસ્થાને યથાયોગ્ય સ્વીકાર કર્યો છે. ક્લિષ્ટતા તો એટલી બધી છે કે રા, નૃસિંહરાવે ઘણા ખરા શ્લોકોનો ગદ્યમાં અનુવાદ કર્યો છે. તે જોવામાં ન આવે તો કાવ્યમાંથી અર્થનું સ્ફુરણ થવું અશક્ય જેવું જ છે. આ પ્રકારે કાવ્યમાં દોષ છતાં પણ રા. ભીમરાવનામાં કવિત્વના અંશો છે, તેમની કાવ્યરચનામાં માધુર્ય અને શબ્દલાલિત્ય છે, રસનિષ્પત્તિ કરવાનું તેમનામાં સામર્થ્ય છે, અને તેમની રસવૃત્તિ વિશુદ્ધ છે, એટલા ઉપરથી તેમનું કાવ્ય વાચકવર્ગ આગળ મૂકવામાં આવ્યું છે. જે જે ગુણ છે તે પણ રા. રમણભાઇ તથા રા. નૃસિંહરાવે દર્શાવ્યા છે અને અવતરણ તથા ટીકાનું સુક્ષ્મ અધ્યયન કરવાનો શ્રમ લીધા પછી સહૃદયને જે કાવ્યાલ્હાદ આવી શકે તે લેવાનો માર્ગ કરી આપ્યો છે.
ગુણ દોષનો સરવાળો કરીને સમગ્ર કાવ્ય વિષે રુચિ અરુચિ દર્શાવવાનું કામ રસનિષ્પન્ન વાચકોનું છે. સમગ્ર કાવ્યને કાવ્યરૂપે વાચતા અર્થ સ્ફુ૨તો નથી તો ચમત્કૃતિ તો સમજાયજ ક્યાંથી? માત્ર શબ્દલાલિત્ય અને કોઇ કોઇ શ્લોકની સુંદરતા લક્ષમાં આવે છે, અને “આ શાં અણગણ તારાવૃંદરે દીપે શ્યામ નિશામાં” એવું રસપૂર્ણ કાવ્ય તો એકાદજ મળી આવે છે; ટીકામાં કરેલું પાંડિત્ય બહુ આયાસે મૂલની સાથે મેળવી મેળવીને અર્થ ઉપજાવીએ ત્યારે પણ કોઈ અપૂર્વ ચમત્કાર સિદ્ધ થતો નથી. આવી સ્થિતિમાં આ કાવ્યને જનસમાજ આગળ એક મહાકાવ્યરૂપે બહાર મુકવામાં, અવતરણ લખનાર અને ટીકાકારનાં સમર્થ નામનો આશ્રય નહોય તો, કાંઇ પણ સાર નથી એમજ કહેવું પડે. રા. ભીમરાવ હવણાં વિદ્યમાન નથી, એટલે આ તેમની કૃતિને કાંઇક ઓપ આપીને રંજનક્ષમ કરી શકવાનો સંભવ નથી; રંજન કરવાના અંશો એમાં ઝાઝા નથી એતો અવતરણમાં તેમ ટીકામાં થયેલા ગુણદોષવિવેચનના પ્રયત્ન ઉપરથી સુજ્ઞને સહજે સમજાય તેવું છે. ત્યાં રંજનક્ષમતાની ખામી અવતરણકાર કે ટીકાકારના નામોથી પૂર્ણ થવી અશક્ય છે. જે ન્યાયે આપણે બીજાં આવાં કાવ્યોને પ્રસિદ્વિયોગ્ય ગણતા નથી. તેજ ન્યાય રા. ભીમરાવની આ કૃતિને લાગવો જોયતો હતો. તેમની અન્યકૃતિઓ, કેટલીક લાવણીઓ વગેરેમાં તેમનું કવિત્વ સ્પષ્ટ છે, ને તેનો સંગ્રહ કરીને પ્રસિદ્ધ કરવાથી વાચક વર્ગને આનંદ મળવા સાથે, સારી કવિતાના દૃષ્ટાંતનો પણ લાભ થશે.
અવતરણકારે કાવ્યરચના સંબંધે એક બે વિચારો એવા [દર્શાવેલા છે કે જેના ઉપર ચર્ચા થવી આવશ્યક છે. પૃથુરાજરાસો રચવામાં ચંદનું જે દૃષ્ટિબિંદુ છે તે રા. ભીમરાવનું નથી. “ચંદને પોતાના આશ્રયદાતાનું ગુણકિર્તન કરવાનું હતું. જે પરદેશીઓ દેશના શત્રુ “હતા, તેની સાથે જે સ્વદેશીઓ પૃથુરાજના શત્રુ હતા તે પણ ચંદના શત્રુ હતા. એ સર્વ “શત્રુ સાથેનો વિગ્રહ સરખા ઉલ્લાસથી ચંદે વર્ણવ્યો છે. હવે એ વૃત્તિ થવી અશકય છે.... “...દેશહિતચિંતકને તેથી પરિણામે ખેદનીજ વૃત્તિ થાય છે.” રા. રમણભાઇ આ પ્રમાણે લખીને કહે છે કે રા. ભીમરાવે સ્વદેશીઓ વચ્ચેના કલહની વાત પડતી મૂકી, અતિ ઉચ્ચ રસવૃત્તિથી, માત્ર મુસલમાનો સાથેના વિગ્રહની વાતનેજ લીધેલી છે. આ કહેવું બહુ વાસ્તવિક છે, રા. ભીમરાવની દેશપ્રીતિ અને રસવૃત્તિનું ભૂષણ છે, પણ એમ પ્રશ્ર થાય છે કે પૃથુરાજના ઇતિહાસમાં જે વાત ખરેખરી બનેલી છે, જેનાથી દેશને ખરેખરી હાનિ થવાનો માર્ગ થયો છે, તે વાતને મૂકી દેવામાં કવિત્વ હોવા કરતાં, તે વાતને કવિ પોતાની દૃષ્ટિથી, ચંદને તેમાં જે ઉલ્લાસ આવતો હતો તેને સ્થાને આ કવિને જે વૃત્તિ પ્રકટતી હોય તે વૃત્તિથી, તેનું વર્ણન આપે તો તેમાં કવિત્વ વધારે હોઇ શકે કે નહિ? આ પ્રકારે સ્વદેશીઓ સાથેના વિગ્રહની વાત મૂકી દેઈ “રસનો વિચ્છેદ થવા ન દેવો એ સૂક્ષ્મ વિવેક કરનારી સહૃદયતાનું કાર્ય છે” એમ રા. રમણભાઇ માને છે. મ્લેચ્છો સાથેના યુદ્ધને વર્ણવવું અને સ્વદેશીઓ સાથેના વિગ્રહો વર્ણવવા એમાં રસ તેનો તેજ છે, રસનો વિચ્છેદ છેજ નહિઃ માત્ર રા. ભીમરાવને સ્વદેશીઓ સાથેના વિગ્રહ પસંદ નથી માટે તે રસવિચ્છેદ છે એમ કલ્પવાનું સવિશેષ કારણ નથી; અને રસ તથા રસાભાસનો વિભાગ તો ઔચિત્ય અનૌચિત્યને લેઇને થઇ શકે છે. ત્યારે સ્વદેશીઓ સાથેના વિગ્રહમાં સકારણત્વ હોય તો અનૌચિત્ય કલ્પવાનું પણ કારણ નથી. કવિના કવિત્વનું આ કર્તવ્ય છે કે ઐતિહાસિક ઇતિવૃત્તને મૂકી ન દેતાં તેને પોતાની પ્રતિભાનો રંગ આપી રંજક, ઉપદેશક, જેવું કરવું હોય તેવું કરી લેવું. અર્થાત્ અમુક ભાગ મૂકી દેવાથીજ રા. ભીમરાવના કવિત્વમાં જે અપૂર્વતા અવતરણકારને લાગી છે તે અમને તો સંશયાત્મક લાગે છે; અને આ રીતે ફલિત થતો નિયમ કાવ્યમાત્રના કાવ્યત્વને લગાડી શકાય કે નહિ એ પણ વિવાદાસ્પદ જણાય છે. વળી આ ચર્ચાના ઉપસંહારમાં તેઓ લખે છે કે “વિચાર કરી બુદ્ધિએ પ્રાપ્ત કરેલું સત્ય તે લાગણીથી હૃદયને જણાયેલા સત્યથી જુદુ નથી “હોતું, તેથી વિચારવંતને જે કથાથી ખેદ થાય તેથી રસિક જનને આનંદ થાય એમ બની “શકે નહિ.” આ નિયમ અક્ષરે અક્ષર સત્ય છે, પણ બુદ્ધિથી અને લાગણીથી પ્રાપ્ત કરેલા સત્યમાત્રનેજ દર્શાવવા કરતાં કાવ્યત્વમાં તો અમુક કલાનું પણ પ્રાધાન્ય છે; દર્શાવેલી વાત કરતાં દર્શાવવાની રીતિમાં પણ કાવ્યત્વનો સંભવ છે. એટલે કાવ્યમાં જે આનંદ આવે છે તે કેવલ હૃદયે પ્રાપ્ત કરેલા સત્યના દર્શનનોજ આનંદ નથી, તે દર્શન કરાવવાની રીતિનો પણ આનંદ છે. એમજ શોકાદિરૂપ સત્યનું દર્શન કરાવતા કરુણાદિક રસોનું રસત્વ—આનંદપ્રદત્વ—સિદ્ધ છે. ત્યારે કવિની પોતાની સ્વદેશપ્રેમની લાગણીને રુચે નહિ તેવા વૃત્તને મૂકી દેવાથી કાવ્યનું આનંદ પ્રદત્વ વધતું નથી. સ્વદેશપ્રેમની લાગણીને ન શોભે તેવો નાયકનો આચાર પણ ભાગ્યંતરે કરીને કવિ સ્વાનુકૂલ આનંદ ઉપજાવવામાં નિયોજે તેમાં તેના કાવ્યત્વનું સામર્થ્ય છે; ‘મૂકીદેવા’ કરતાં ‘અન્યરીતે નિયોજન’ એ કવિત્વનું સૂચક છે.
રા. રમણભાઇએ એક બીજી ચર્ચા જે ઉઠાવી છે તે રા. ભીમરાવના આ શ્લોકને અંગે છેઃ—
ધ્વનિ તે પ્રસર્યો સ્થળે સ્થળે,
સુણી રોયાં વનવૃક્ષ વેલિયો,
મૃગ પંખી રહ્યાંજ સ્તબ્ધને,
પછી રોયાં ચિત શોક તો થયો.
પૃથુરાજના મરણથી આ પ્રમાણે થયું એમ કલ્પના છે. લખે છે કે “મનુષ્યોમાં બનતા બનાવનું જ્ઞાન જડ પ્રકૃતિને થવું અશક્ય છે, અને મનુષ્યોના સુખદુઃખને સમયે “પ્રકૃતિને કંઈપણ સમભાવ થઇ શકતો નથી. ત્યારે સત્યતાના આવા એક મ્હોટા તત્ત્વની “વિરુદ્ધ કલ્પના કરવામાં અકવિત્વ નથી?” અમુક લાગણીની અસરમાં તણાતા મનુષ્યને પ્રકૃતિ અમુક આકારે દેખાય તે સંભવિત છે; સૌંદર્ય, ગાંભીર્ય, આનંત્ય, આદિ ભાવ પુષ્પ, પર્વત, આકાશ આદિથી પ્રેરાય તે શાશ્વત પ્રકૃતિમાંથી થયેલા હોવાથી યથાર્થ છે, પણ અમુક પ્રકારની મનુષ્ય મનની સ્થિતિથી પ્રકૃતિમાં અમુક બનાવો બને એવું કવિએ કહેવું તે તો સત્યની વિરુદ્ધ છે. આમ રા. રમણભાઇના કહેવાનું તાત્પર્ય છે. આ નિયમ કાવ્યોમાં પાળવો જોઇએ એમ જણાવવા તેઓ, રેવરંડ સ્ટોપફર્ડ બ્રુકે કવિવર્ડસ્વર્થની કવિતામાં આ સત્ય સાચવ્યાનું જેખ્યાપન કર્યું છે તેનો પણ ઇશારો કરેલો છે. ‘થઇ શિરે દિવ્ય સુપુષ્પવૃષ્ટિ’ એવું એક સ્થાને રા. ભીમરાવે લખ્યું છે તે ઉપર પણ અવલોકનકાર અરુચિ દર્શાવે છે; અને કાલિદાસાદિક કવિઓએ રામ સીતાદિના વિયોગ સમયે વનપશુ આદિમાં દુઃખવિકાર વર્ણવ્યા છે તેને પણ દૂષિત ગણે છે. ત્યારે પ્રકૃતિના માન્ય થયેલા સત્ય કરતાં અધિક એવું કાંઇ પણ કહેવું તે સત્યથી વિરુદ્ધ છે અને સત્ય વિરોધી વાર્તાનો આશ્રય કરી કાવ્ય રચના કરવી તે વાસ્તવિક નથી એમ રા. રમણભાઇના કહેવાનું તાત્પર્ય સમજાય છે. આ પ્રકારે જોતાં તો અદ્ભુત રસને રસમાં ગણવો કે નહિ એ શંકા ભરેલું થઈ પડે એટલુંજ નહિ પણ પદાર્થમાત્રના નિગૂઢ સત્ત્વને અને સુક્ષ્મ સ્વરૂપને પણ જોવાની શક્તિ ધરાવનાર કવિને પણ પ્રકૃતિને, જે સત્ય આપણને સ્વરૂપે મનાયાં હોય તેટલીજ મર્યાદામાં નિયંત્રિત કરી રાખી, તેના કવિત્વ ઉપર અંકુસ મૂકવાનો પ્રસંગ આવી પડે. પ્રકૃતિનાં સત્યમાત્ર સર્વ કાલે જણાયલાં હોતાં નથી, અત્યારે આટલા વિદ્યાવૃદ્ધિના સમયમાં પણ પ્રકૃતિના સર્વ રીતે આપણે ધણી છીએ એવું કહી શકાતું નથી, ત્યાં પ્રકૃતિનાં સત્યોને વળગી રહેવાની કવિને ભલામણ કરવી કેટલે અંશે વાસ્તવિક એટલે કવિત્વને પોષક ગણાશે તે વિચારવાનું છે. શકુંતલા કણ્વનો આશ્રમ છોડીને જાય છે તે પ્રસંગે,
દર્ભકવલ દઈ નાંખી મૃગ ઉભા મોર નાચતા વિરમ્યા.
પીળાં પર્ણ ખરંતી લતા ઢાળતી શું આંસુડાં વનમાં,
એવું વર્ણન આપેલું છે, જેને સર્ગ ૧૦ માના શ્લોક ૨૦ માની ટીકામાં આપતાં રા. નૃસિંહરાવ લખે છે કે “શાકુન્તલ નાટકમાં પણ હાવી રમણીય અને સુરૂચિયુક્ત કલ્પના છે.” ઉત્તરાર્ધમાં “શું”—એમ ઉત્પ્રેક્ષા બાંધેલી છે તેથી પ્રકૃતિના સત્ય વિરુદ્ધ આમાં કાંઇ નથી એમ કહેવાનો અવકાશ ન ધારવો, કેમકે એવી ઉત્પ્રેક્ષાની કલ્પના તો અન્યસ્થાને, અનુક્ત છતાં પણ કરી શકાય. અવલોકનકારને જ્યાં કાવ્યત્વ લાગતું નથી, ત્યાં ટીકાકારને રમણીયત્વ લાગે છે. આમ એકના એક આ રાસાના લેખમાંજ બે વિદ્વાનો વચ્ચે આ વિષયે મતભેદ છે; તો તે વિષે સ્વાભાવિક રીતે ચર્ચા કરવાનો બહુ અવકાશ છે. પ્રકૃતિના સત્યને વિરુદ્ધ એવો મનુષ્ય લાગણીનો આરોપ જડ પદાર્થોને ન કરવાનો નિયમ સ્વીકારતાં કાવ્યનું કાવ્યત્વ ઘણે ભાગે અન્યથા થઇ જવાનું ભય રહે છે, અને કાવ્ય પદ્ધતિજ નવી કથવી પડે એવું લાગે છે. કાવ્યનું રચનારજ મનુષ્ય છે, એટલે તે પોતાના ભાવનો આરોપ કર્યા વિના પ્રકૃતિમાંથી કાવ્યત્વ ઉપજાવી રસ અનુભવે નહિ તો અન્યમાર્ગે કાવ્યત્વ સિદ્ધ કરવું એમાં બહુ રમણીયત્વ રહે કે નહિ તે શંકા રૂપ છે.
જુલાઈ—૧૮૯૮.
- ↑ રચનાર રા. રા. ભીમવારાવ ભોળાનાથ. અમદાવાદ, આર્યોદય પ્રેસ, કિંમત ૧–૮–૦