સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી/નાટક
નાટક એટલે શું અને તેનો ઉદ્દેશ અને હેતુ શો છે એ વિચાર વર્તમાન સમયે ઘણી ઘણી રીતે સર્વ કોઇને કરવા જેવો છે. દશરૂપક, ભરતસૂત્ર, સાહિત્યદર્પણ, ઇત્યાદિ સ્થાને નાટકની જે વ્યાખ્યા આપી છે, નાટકના જે વિભાગ કરી બતાવ્યા છે, અને નાટકોનાં રચના અને પ્રકાર સમજાવ્યાં છે તેનો વિસ્તાર કરવો અત્ર પ્રસ્તુત નથી; પણ નાટકના વિષયને શાસ્ત્રીય રીતે ન વિલોકતાં સામાન્ય રીતે વિચારીએ તો તે શું છે અને તેનો શો હેતુ છે એજ પ્રથમે જોવા જેવું છે; અને આ ચર્ચા આ સમયે બહુ રીતે એટલા માટે પ્રાસંગિક છે કે નાટકોની અધમ સ્થિતિ થઈ છે એમ સર્વ પાસાથી સ્વીકાર થતો આવે છે અને તેના ઉદ્ધારને માટે કહીં કહીં યત્ન પણ થતા જાય છે. પ્રથમ એજ જાણવાની આવશ્યકતા છે કે કાવ્ય, નાટક, નિબંધ, આદિ લખનારાની પ્રવૃત્તિ શાથી અને શા માટે છે? જેને અક્ષરો લખતાં આવડે, પોતાના મનમાં આવે તેવા વિચારોને વ્યાકરણદોષરહિત વાક્યોમાં ગોઠવતાં આવડે, તે બધા લેખક કહેવાય? જેને પિંગલના ઝડઝમક અને પ્રાસાનુપ્રાસવાળી પંક્તિઓ રચતાં આવડે તે બધા કવિ કહેવાય? અથવા આવું ગદ્ય અને પદ્ય મેળવીને નિબંધો રચી કાઢનારને નાટકકાર કહેવાય? કવિઓ, લેખકો, તત્ત્વજ્ઞો, નાટકકારો, અને સામાન્ય જનસમાજ તેમની વચમાં તફાવત શો છે? સામાન્ય જનો જેને વ્યવહાર કહે છે તે તો સર્વને સાધરણ છે, વ્યવહારમાં જે રાગદ્વેષ. ક્લેષ વિગ્રહ, અધમતા કરતા, સંકોચ મર્યાદા, ઇત્યાદિ વિદ્યમાન છે તેનાં તેજ કહી બતાવવાં કે કરી બતાવવાં એમાં કાંઈ નવાઇ કે આશ્ચર્ય નથી; બીજી રીતે કહીએ તો તેનું તે કહી કે કરી બતાવવાથી જનસમાજને લાભ નથી. વિશ્વમાં જ્યાં જોઇએ ત્યાં તો તે વિદ્યમાનજ છે. લેખકો તત્ત્વજ્ઞો, કવિઓ, નાટકકારો એ સર્વ તો એ બધામાં પણ એની પારની કોઇ ભવ્યતા, ઉચ્ચતા દેખે છે; અને તે દર્શનની મદદથી તે મહાત્માઓ જગત્માં સ્થૂલતાનું સામ્રાજ્ય થતું અટકાવે છે, ક્રૂરતાનું ઝેર ચૂશી લે છે, પૈસાનો ગર્વ ઊતારી નાખે છે, અધિકારનો મદ ટાઢો પાડે છે, દુઃખનો કલેષ ધીરો કરી દે છે, વિપત્તિનો કાંટો બુઠો કરી આપે છે,—અને ભૌતિક વિશ્વમાં છતાં ભૌતિક સમૃદ્ધિની પારના આત્મિક આનંદના સમાધાનમાં મનુષ્યને કર્તવ્યપરાયણ અને સુખી બનાવે છે. આવું કરવાને માટે કેટલું સામર્થ્ય કેટલી શક્તિ અને કેટલી સ્વાભાવિક યોગ્યતા જોઇએ એ સ્પષ્ટજ છે. કવિઓ આપણને આ વિશ્વની પાર ઉપાડી જઇ ક્ષણવાર પરમ આનંદનો રસ ચખાડે છે. તત્ત્વજ્ઞો વસ્તુસ્થિતિનું પૃથક્કરણ કરી આપીને આપણી બુદ્ધિને અનિત્યનો ત્યાગ કરી નિત્યનો સ્વીકાર કરવાનો માર્ગ બતાવે છે, પણ નાટકકારે એ ઉભય કરતાં અધિક કરે છે; વિશ્વનો વ્યવહાર જેવો છે તેવો બતાવી તેમાંથી આપણા હૃદયને આપણી બુદ્ધિને, આપણી ઇચ્છાને, આપણાં ચક્ષુને, આપણા શ્રોત્રને આપણી પ્રત્યેક ઇંદ્રિયને ઉચ્ચગ્રાહી અને ઉચ્ચાભિલાષી કરી, ઉપદેશ આપે છે. કાવ્ય એ હૃદયની ભાષા છે, તત્ત્વ એ બુદ્ધિની ભાષા છે, પણ નાટક એ સર્વ ઇંદ્રિયોની, સર્વ કોઇની ભાષા છે. એટલાજ માટે કાલિદાસે ‘નાટ્યં ભિન્નરુચેર્જનસ્ય બહુધાપ્યેક સમારાધનમ્’ (બહુ બહુ રીતે ભિન્ન રુચિવાળાં જનમાત્રને સરખી રીતે આરાધન કરી શકે તેવું નાટક છે) એમ કહ્યું છે. નાટક સર્વે ઇંદ્રિયોથી આપણને ઉપદેશ કરે છે, સર્વે ઇંદ્રિયોને કાર્ય કરાવે છે; એવો કોઇ માણસ ન હોય કે જેને પાંચે, છએ, ઇંદ્રિયોનો સ્વાદ ન હોય તો પણ એક બેનોએ ન હોય; એટલે નાટક સર્વનું સરખી રીતે આરાધન કરી શકે છે. “સરખી રીતે સર્વનું આરાધન કરી શકવું” એટલે હૃદય, બુદ્ધિ, ઇચ્છા, શ્રોત્ર, ચક્ષુ, આદિ સર્વ દ્વારે ઉપદેશરૂપ થઈ, રસિકને રસ, બુદ્ધિમાનને યુક્તિ, નિશ્ચયવાન્ને ચારિત્ર, ચક્ષુનો ઉપયોગ કરનારને અવલોકન, શ્રોત્રનો ઉપયોગ કરનારને ધ્વનિ, ઇત્યાદિનું સાક્ષાત્ ઉત્તમ રૂપે, પાત્રોદ્વારા, દર્શન કરાવી સર્વનું આરાધન કરવાને નાટક સમર્થ છે એટલુંજ તાત્પર્ય છે; નહિ કે સર્વ એટલે પ્રકૃતિ કે સર્વ રસ એકના એક નાટકમાં ભરીને સર્વ પ્રકૃતિના લોકમાત્રને ખુશી કરવાનું એ સાધન છે. જંગી ભંગી, ડારુડીયા, લંપટ, એવા સર્વ લોક તેમજ વિચારવાન્ અને ચતુર નાગરિક સર્વે એકના એક નાટકથી એકી વખતે પ્રસન્ન થાય એ વાતજ અશક્ય છે; ગમે તેવાં અપ્રાસંગિક અને અસંબદ્ધ ફારસો વચમાં વચમાં દાખલ કરીને તેવા તેવા લોકને ખુશી કરવાનો યત્ન કરવો એ વાત નાટકનો હેતુ અને ઉદ્દેશ સમજ્યા વિના નાટકને વ્યર્થ કરવાના યત્નની બરાબર છે. સર્વનું સરખી રીતે સમારાધન નાટક કરી શકે છે એટલે સર્વ પ્રકારે હૃદય, બુદ્ધિ, ઇચ્છા, ચક્ષુ આદિ ઇંદ્રિય માત્રનું અને તે તે ઇંદ્રિયમાત્ર કે તેમાંની એકાદ બે જેમાં પ્રધાન હોય તેવી પ્રકૃતિ માત્રનું સમારાધન કરી શકે છે. નાટકકારે કલ્પેલાં પાત્રોના વર્તનદ્વારા અભિનયદ્વારા, વચનદ્વારા, કવિ પ્રત્યેક ઇંદ્રિયને વિચારવાનો, સમજવાનો, ઉપદેશ લેવાનો ખોરાક પૂરો પાડે છે અને એમ સર્વનું આરાધન કરવા સમર્થ થાય છે. એથીજ નાટક ઉપદેશ આપવાનું સારામાં સારું, સહેલામાં સહેલું, ને કઠિનમાં કઠિન સાધન છે. પણ આવું છે માટેજ કવિ અને તત્ત્વજ્ઞના કરતાં નાટકકારનું કાર્ય વધારે મહત્તાવાળું, વધારે કઠિન, અને વધારે સૂક્ષ્મ તથા ઉત્તમ છે. પરંતુ નાટકના સ્વરૂપ અને ઉદ્દેશનો લેશ પણ વિચાર કર્યા વિના આપણે નાટકને એવુંજ માની બેઠા છીએ કે આખા દિવસની મહેનતથી પરવારી રાત્રિને સમયે બે ઘડી હસવા રમવાનું મળે અને થાક ઉતરી જાય તેનું એ એક સાધન છે. જૂના સમયમાં ભવાઇઓ થતી તેને સ્થાને અંગરેજી પદ્ધતિને અનુસરી નાટકો થવા લાગ્યાં ત્યારથી જેમ અંગરેજો ધારે છે તેમ આપણે પણ નાટકગૃહને એક નિર્દોષ રમતગમતના સ્થાન જેવું ધારતાં શીખ્યા છીએ. એમાં હાનિ પણ છે. ક્વચિત્ લાભ પણ છે. એકંદરે સાક્ષાત્ શરીરને કુમાર્ગે ન દોરતાં મનની વાસનાને પોતાની રુચિ અનુસાર આનંદ આપનાર એ એક સાધન છે એમ આપણે માનીએ છીએ. કોઇ વાર પણ શાન્ત, ગંભીર, વિચારથી વિવેક કરી જોતા નથી કે નાટકનો શો ઉપયોગ છે ને તે ઉપયોગ સિદ્ધ કરવાનાં સાધનો યોજવામાં કેટલી જવાબદારી છે. જર્મની જેવા દેશોમાં નાટકનો આ કરતાં બહુ જુદાજ પ્રકારનો વિચાર પ્રવર્ત છે. તે લોકો નાટકને મનુષ્યનાં હૃદય તથા બુદ્ધિને નવીન વલન આપવાનું એક ઉત્તમમાં ઉત્તમ સાધન માને છે; ધર્મોપદેશ અને કથા વાર્તાને ઉત્તમ સહાય રૂપ થઈ પડે તેવી ઉપદેશશાલા ગણે છે. પુરાણની અને પુરાણકલ્પનાઓની કથા અને આખ્યાનોથી જે અસર થતી તેજ જાણે નાટકની રચના અને કલ્પનાથી સર્વ ઇંદ્રિયોને વિચાર અને ઉપદેશનો ખોરાક પૂરો પાડી પુનઃ ઉપજાવવાનું નવું સાધન હાથ આવ્યું હોય તેમ એ દેશના લોકો નાટકની મહત્તા માને છે. અને આવું માનવાને લીધે નાટકની રચના તથા ભજવવાની વ્યવસ્થા તે લોકો ઘણા ગાંભીર્યપૂર્વક વિચારથી અને ઘણી દીર્ઘદૃષ્ટિથી યોજતા જાય છે. આપણે પણ નાટકની આવી મહત્તા લક્ષમાં રાખી તેનો ઉદ્ધાર કરવાને અર્થે વધારે ગંભીર, વધારે વિચારવાન્ થવાનું તથા વધારે ઉંડા ઉતરવાનું શીખવું જોઇએ કે જેથી આ પવિત્ર સાધનનો પાપ ભરેલો ઉપયોગ થતો અટકે.
અગષ્ટ–૧૮૯૬