સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી/કાવ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કાવ્ય

કવિતા એટલે છંદ; શાસ્ત્રના નિયમાનુસાર રચેલાં અને અનુપ્રાસવાળાં પદ (દલપતરામ) અર્થચમત્કૃતિવાળું રસિક ચિત્ર (નર્મદાશંકર,) એવાં અનેક લક્ષણો આપણા ગૂજરાતમાંજ થયાં છે. પ્રાચીન સાહિત્યકારોએ જે લક્ષણ કર્યા છે તેની અત્ર ચર્ચા કરવી અપ્રાસંગિક જેવી છે. પરંતુ કાવ્ય શાને કહી શકાય એ વિષય વારંવાર ચર્ચાયેલો છતાં ફરી ફરી ચર્ચવા જેવો હોવાથી તેના વિષે કાંઇક કહેવાનો અવકાશ રહે છે. કાવ્યમાં શું આવવું જોઇએ, કાવ્ય શાને કહેવાય, એ અને એવા પ્રશ્નો રહેવા દેઈ આપણે કાવ્ય શાથી થાય છે? એ પ્રશ્નનેજ વિલોકવા યત્ન કરીએ, તો તેમાંથી કાવ્યના સ્વરૂપનો આપણને કાંઇક ભાસ થયાવિના રહે નહિ. અને કાર્ય ઉપરથી કારણનું અનુમાન કરતા જઈએ તો જે ઉત્તમ કાવ્યો છે તેમાં વાપરવાની ભાષાજ કોઈ જુદા પ્રકારની જણાય છે, જે શબ્દો ઉચ્ચારેલા છે તેમના વાચ્યાર્થ સ્પષ્ટ છતાં તેમાંથી કોઇ બીજોજ અર્થ એવો ફલિત થાય છે કે જેને લખી કે કહી બતાવાય નહિ, માત્ર હૃદયજ તેનો આનંદ અનુભવી શકે. કાવ્યના એક એક શબ્દમાં આવી શક્તિ હોય છે એટલું જ નહિ, પણ એ કાવ્ય જે સમગ્ર કલ્પનાનું અંગ હોય તે કલ્પના પણ આપણને જાણીતા એવા વિષયોની છતાં તે વિષયો પારની છે એમ લાગતાં તેનો કોઇ અવાચ્ય આનંદ અનુભવાય છે; અને એ શબ્દો અને એ કલ્પના, એ કાવ્યખંડ અને એ સમગ્ર કાવ્ય, એ ઉભયના અંગાંગિભાવમાંથી પરસ્પરને જે પોષણ મળે છે તેની રમણીયતા હૃદયમાત્રજ અનુભવી શકે છે. ત્યાર એમ કહી શકાય કે કાવ્ય થવાનું નિમિત્ત અમુક પ્રકારની પ્રકૃતિમાંજ હોય છે. ગમે તેટલા અભ્યાસથી, ગમે તેટલા સાહિત્ય સંગ્રહથી, કશાથી એ પ્રકૃતિ આવતી નથી. એને નૈસર્ગિક પ્રતિભા કહે છે. જે એવી પ્રતિભાવાળા હોય તે કવિ થઇ શકે. કવિ શબ્દોને વાપરે છે પણ શબ્દોની પાર દેખે છે, વ્યવહારના સંબંધોમાં ફરે છે પણ તે સંબંધોની પારના વિશ્વને સર્વદા પોતાનું ગણે છે, ગદ્યનો ઉચ્ચાર કરે છે પણ વ્યાકરણની પારના પદ્યનેજ સાકાર કરતો હોય છે. જગતમાં અવલોકન કરવાની જેને ટેવ હશે તે જોઇ શકશે કે માણસોમાં પ્રકૃતિના અનેક અને અનંત પ્રકાર છે. કેટલીક પ્રકૃતિ એવી હોય છે કે સ્થૂલ પદાર્થ અને તેને સ્થૂલ શબ્દ તે વિના બીજું સમજીજ શકતી નથી. કેટલીક પ્રકૃતિ એવી હોય છે કે સ્થૂલની પારના અર્થ અને સ્થૂલની પારના વિષયોજ સમજી શકે છે તે સ્થૂલ વ્યવહારમાં ભુલો કરે છે. કેટલાકને ગદ્યની ભાષાજ સમજાય છે, કાવ્ય પણ તેવા લોક છંદઃશાસ્ત્ર પ્રમાણે ગોઠવેલા અને અનુપ્રાસવાળા ગદ્યનેજ કહે છે; કેટલાકને પદ્યજ એટલું બધું અનુકૂળ થઈ જાય છે કે તેમને ગદ્ય સમજાતું જ નથી, સૃષ્ટિના એના એજ પદાર્થોમાં પ્રકૃતિ પ્રકૃતિ અનુસાર નવાં નવાં વિશ્વ જુદાં જુદાં મનુષ્યોને સમજાય છે; તેમાં જે મનુષ્યને સ્થૂલની પારનું દર્શન થતું હોય, સ્થૂલની પારની રચના કલ્પનામાં પ્રતીત થઇ જતી હોય, સ્થૂલની પારના સંબંધો ઉપજાવી નવાં વિશ્વ કરવાની શક્તિસહજ રીતે જ આવેલી હોય, તે વર્ગમાં કવિઓની ગણના થઇ શકે છે. એમ હોવાથી જ ઘણાક કવિઓ ભવિષ્યને પણ ભાખી શક્યા છે; ચંદ જેવા વીર કવિઓ, વ્યાસ જેવા મહાત્માઓ આગળ આગળથી થવાની વાતોના ઇશારા કરી શક્યા છે. નહિ કે તેમને કોઇ દિવ્ય શક્તિ પ્રાપ્ત થઇ હતી; માત્ર એટલુંજ કે સ્થૂલ વિશ્વના વ્યવહાર અને સંબંધની પાર તેમની દૃષ્ટિ પહોચતી હોવાથી તેમને તે તે વ્યવહાર અને સંબંધોના નિત્ય પરિણામ પણ દૃષ્ટિમાં આવી શકતા, ને તેથીજ તેમના કાવ્યને ભવિષ્ય સમજ્યાનો રંગ ચઢી જતો. યોગાભ્યાસીઓ અને તત્ત્વજ્ઞો જે રીતે સિદ્ધિબલથી ભવિષ્ય કહી શકે છે. તે અને આ રીતિ એકની એકજ છે; ઉભયની તીવ્ર લાગણી, તીક્ષ્ણ દૃષ્ટિ, અને શુદ્ધ બુદ્ધિમાં સહજ રીતે પ્રત્યેક વાર્તાનાં પ્રતિબિંબ પડી જાય છે. એવાં પ્રતિબિંબ સર્વના અંતઃકરણમાં પડે છે, પણ તેને સમજવાં, તેનો અર્થ કરવો, અને તેની સૃષ્ટિ રચી તેનો ઉપયોગ કરવો, એ આવડવાને માટે સાહજિક પ્રકૃતિનું બલ અથવા યોગાભ્યાસની સાધનસંપત્તિ આવશ્યક છે. એથી જ કવિનું સામર્થ્ય જેમ સ્વભાવોક્તિવાળા કાવ્યમાં સ્પષ્ટ જણાય છે. તેમ તત્ત્વજ્ઞયોગીનું બલ સહજોપલબ્ધિની વિશાલતામાં પ્રતીત થઈ શકે છે. આ પ્રકારે કાવ્ય અને તત્ત્વને નિગૂઢ સંબંધ હોવાથીજ ધર્મમાત્રે મૂલથી કાવ્યનો આશ્રય કરેલો છે. તર્કપ્રધાન પ્રકૃતિ, જેનું બુદ્ધિસ્થાન ભવ્ય અને વિશાલ છે, તેમને આ શક્તિ સ્વાભાવિક રીતે ક્વચિત્‌જ હોય છે. કૃત્રિમ રીતે પ્રાપ્ત કરવાથી પણ સ્વાભાવિક જેવી વિશુદ્ધિને તે પહોચી શકતી નથી. તાર્કિક પ્રકૃતિઓ આજ કારણથી ઘણી વાર નાસ્તિક કે ધર્મહીન હોય છે, હૃદય અને હૃદયનો રસ એજ આનંદનું નિદાન છે; કાવ્યમાં કે ધર્મમાં પણ જેને આનંદ અથવા પરમ પુરુષાર્થ કહેવાય છે તેનું મૂલ હૃદય છે. કાવ્યથી આનંદ ઉપજે તે ક્ષણિક રહે છે. વીજળીના ઝબકારાની પેઠે પ્રાપ્ત થઈને વિલીન થઇ જાય છે; ધર્મવિવેકથી પરમ પુરુષાર્થ ઉપજે તે નિત્ય રહે છે; પણ ઉભયનું નિદાન એકનું એકજ છે. હૃદય અને રસની વૃત્તિ બુદ્ધિથી નિયંત્રિત ન હોય તો વ્યવહારમાં ઘણીક હાનિ અને ઘણાક અનાચારનું નિદાન થઈ પડે છે એ અનુભવસિદ્ધ છે. પરંતુ જે હૃદય અને રસવૃત્તિ, બુદ્ધિથી સ્વતંત્ર હૃદય અને રસવૃત્તિની અત્ર વાત ચાલે છે તે અનાચાર ઉપજાવનારી હોઈ શકતી નથી. તે તો નિરંતર પોતાના રચેલા વિશ્વમાંજ વિહાર કરે છે, સ્થૂલમાં પોતાનો આનંદ શોધતી નથી સ્થૂલનો સ્પર્શ થતાંજ પોતાની સૃષ્ટિનો ભંગ થયો સમજી ક્લેશ પામે છે. રસવૃત્તિ જ્યારે કેવલ બીજરૂપે એટલે તીવ્ર લાગણી રૂપેજ હોય છે ત્યારે, ભુલ થવાથી, તે સ્થૂલમાં તૃપ્તિ શોધે છે, તત્ર લાગણીથી થતા રક્તપ્રક્ષોભની શાન્તિ સ્થૂલ વ્યવહારમાંથી કરી લે છે, લાગણીની તીવ્રતા મંદ પડવાથી આનંદ ન આવે ત્યારે દારૂ, ગાંજો, આદિ કૃત્રિમ સાધનોથી પાછી તીવ્રતા પ્રાપ્ત કરવા મથે છે. આવો અનાચાર ઉપજાવનારી જે રસવૃત્તિ તે તો લાગણીમાત્રજ છે, લાગણી તીવ્ર થાય, અને તીવ્ર થઇને સ્થૂલની પાર જોઇ શકે, ત્યારે તે રસરૂપે પરિપક્વ થાય છે. એવો રસ તે દીર્ઘ આયુષ ભોગવનારી, ભવિષ્યવાદિની, જનસ્વભાવ સમજનારી, હૃદયને હલાવનારી, અને સત્યાનુયાયી, વાણીમાત્રનો પોષક છે. તેનો આનંદ ભવ્યતામાં, કાન્તિમાં, સૃષ્ટિલીલામાં, અને તેવા તેવા ભાવના ચિંતનમાંજ રહે છે. નીતિ, ચારિત્ર, સ્વાર્પણ, એ વ્યાવહારિક ભાવનાઓ તેમ કાન્તિ, સૌંદર્ય, ભવ્યતા, આદિક માનસિક ભાવનાઓ તેનાં ઉત્તમોત્તમ સ્વરૂપના વિશ્વમાંજ અ ઉત્તમ રસનું રમણ છે, ત્યાંથી જ તે જીવન ગૃહે છે. કવિ અને તત્ત્વજ્ઞ ઉભયનો મેળાપ એ ભૂમિકા ઉપરજ બની શકે છે. કવિતામાં રસ હોવો જોઇએ એમ વારંવાર કહેવાય છે; રસાત્મકવાક્ય તે કાવ્ય એવું લક્ષણ પણ સિદ્ધ રૂપે મનાય છે. રસનું સ્વરૂપ એવું કહેવાય છે કે શબ્દાર્થનું ગ્રહણ થતાં આખો સંદર્ભ ચાલે ત્યાં સુધી જે આનંદની સ્થિરતા મનમાં થાય તે રસ છે. પરંતુ પ્રકૃતિ પ્રકૃતિ અનુસાર સર્વને જુદે જુદે ઠેકાણે, જુદી જુદી ભાષામાં, જુદી જુદી સ્થૂલતા કે સૂક્ષ્મતામાં આનંદ આવે છે. એ બધા આનંદ રસ નથી, એમ હોય તો ગદ્ય જેવાં અનુપ્રાસવાળાં વચનો પણ કવિતા ગણાય, બીભત્સ વર્ણનો પણ ઉત્તમ શૃંગાર ગણાય. નીતિથી ભ્રષ્ટ કરનાર ઉત્તેજક વાક્યો પણ કાવ્યપ્રતિભાનાં બાલક થઇ જાય, જે રસનું આપણે આગળ વર્ણન કરી આવ્યા અને જે રસને અવલંબીને કવિ અને તત્ત્વજ્ઞ એકની એકજ ભૂમિકામાં ભેગા થઇ શકે છે તે રસ કાવ્યમાત્રનો જીવ છે એમાં સંશય નથી. એમાં અનીતિ, અસત્ય, અનાચાર તેનો સંભવજ નથી; કેમકે અનિત્યાદિનો પ્રાદુર્ભાવ ભાવનાને સ્થૂલ કરવા માંડવામાં થઇ આવે છે. જેને ભાવનાના સામ્રાજ્યમાં વિહરવાનો સ્વભાવ છે તેને સ્થૂલ અટલે સ્વાર્થી, અયોગ્ય, અપ્રામાણિક ભાવનામાં આનંદ આવી શકતો જ નથી. જાણી જોઇને ભાવનાને કુમાર્ગે ઉતારનારા વામપ્રયોગના હીમાયતીઓની જુદી વાત છે, પણ જે શુદ્ધ ભાવનાના વિશ્વમાં વિહાર કરનાર કવિ અને તત્ત્વજ્ઞો છે તેમનામાં અયથાર્થતા કે અયોગ્યતાનો સંભવજ નથી. આ પ્રકારે આપણે જોઇ શકીએ છીએ કે કવિતા કોણ કરી શકે છે, કોનાથી સ્વાભાવિક રીતેજ કવિતા બોલાઇ જાય છે; કવિતાનું જે વિશ્વ છે તે સ્થુલવાણીમાં ઉતરવું જ અશક્ય છે; તોપણ જેટલે અંશે જે પ્રકૃતિની તાદૃશ કરવાની શક્તિ તેટલે અંશે સ્થૂલ વાણી પણ સૂક્ષ્મ વિશ્વને સામે પ્રકૃતિમાં ઉતારવા સમર્થ થાય છે. પોતાનો ભાવ સ્પષ્ટ કરવા માટેજ આ ઠેકાણે કવિતા સંગીતની મદદ લે છે અને પદલાલિત્યરૂપ સંગીતથી સૂક્ષ્મભાવનાને સ્થૂલ રીતે દર્શાવવા મથે છે. અને કવિતા પોતે શું છે. ભાવનામાં આનંદતા એક ઉદ્‌ગાર તેજ કવિતા છે, એટલું કહ્યા પછી શાને કવિતા ન કહેવાય તે બતાવવાની અપેક્ષા રહેતી નથી.

ઑક્ટોબર–૧૮૯૬