સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી/સ્વીડનબોર્ગઃ લગ્નસ્નેહ અને તેનાં વિશુદ્ધ સુખો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સ્વીડનબોર્ગઃ—લગ્નસ્નેહ અને તેનાં વિશુદ્ધ સુખો—[1]

આ લેખ વિલોકતાં અનેક પ્રકારના વિચારો, જનસમાજના બુદ્ધિવિકાસનો ક્રમ લક્ષમાં રાખનારને, થયા વિના રહે તેમ નથી. લેખક એક તરુણ ગ્રેજ્યુએટ છે, ફિલસુફી અને કાવ્ય સાહિત્યના વિષયોનું અધ્યયન કરવાનો તેને શોખ છે, અને લેખક તરીકે પણ તેણે કાંઇક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. પાશ્ચાત્ય શિક્ષણના સંસ્કારો પામી, પ્રાચીન આર્યધર્મમાં રહેલી ભાવનાઓને અસાધ્ય, યુક્તિ હીન, કે ભ્રમરૂપ માનવાની વૃત્તિમાંથી, કેવલ નવીન પક્ષની પદ્ધતિએ જવાથીજ ઉન્નતિનો માર્ગ સિદ્ધ થશે એવો નિશ્ચય ઉપજે એ સ્વાભાવિક છે; અને જેમણે પ્રાચીનતાને શ્રદ્ધાપૂર્વક સૂક્ષ્મ રીતે અવલોકી નથી તેવા પાશ્ચાત્ય શિક્ષણ પામેલા ઘણા ખરા યુવકોની એજ સ્થિતિ સર્વ કોઇના જાણવામાં છે. વિચારવાન્‌ને એ નિશ્ચય ફેરવવાનો સમય આવે છે, ને તેવા જે જે જનો એ નિશ્ચય ફેરવતા અમોએ જોયા છે તેમાં આ તરુણ ગ્રેજ્યુએટનો નિશ્ચય આવી રીતે ફરવા લાગેલો જોઇ અમોને ખરેખર સંતોષ થાય છે. પૂર્વના નિશ્ચયને ફેરવી અન્ય નિશ્ચય ઉપર આવવામાં નિર્બલતા નથી; ઉન્નતિ અને વૃદ્ધિ એમજ થઈ શકે છે. વળી, ‘યદ્યદાચરતિ શ્રેષ્ઠસ્તત્તદેવેતરોજનઃ’ શિષ્ટ જનો જે આચરે છે તેનેજ ઈતર નામ સાધારણ પ્રાકૃત લોકો ૫ણ માન્ય વ્યવહાર ગણી આચારમાં દાખલ કરે છે; અને આચારનો મુખ્ય આધાર વિચાર ઉપર હોવાથી, આપણા દેશના અગ્રણી ગણાવાને યોગ્ય આપણા ગ્રેજ્યુએટો જ્યારે ઉન્નતિના સત્ય માર્ગને વિચારે ચઢે ત્યારે શુભનીજ ઇચ્છા કરતા સર્વ સુજનોને સંતોષ થાય એ સ્વાભાવિક છે. જ્ઞાન અને જ્ઞાનની શક્યતા સર્વદા અસીમ છે, ગમે તેવો જ્ઞાની પણ ‘હું જ્ઞાનનો પાર પામ્યો’ એમ કહી શકતો નથી, ‘આ કરતાં બીજા પ્રકારનું જ્ઞાન પણ સંભવતુંજ નથી’ એમ આગ્રહ કરી શકતો નથી. જીવન્મુક્ત પુરુષોને જ્ઞાનરાશિ ઇશ્વરનો સાક્ષાત્કાર થાય તે પણ અહંવૃત્તિને વિષે અભિવ્યક્ત જ ચૈતન્ય તેના વિષયરૂપે થયો કહેવાતો નથી. આમ હોવાથી જેનું અંતઃકરણ સર્વદા જ્ઞાન પામવા અને લેવા તત્પર રહે છે તેજ જ્ઞાન પામે છે, અને જ્ઞાન પમાડી શકે છે. કોઇ ક્ષણે પૂર્વનિશ્ચયને સ્થાને અન્ય નિશ્ચય સ્થાપવાનો પ્રસંગ આવતાં, સત્યના આગળ સ્વાભિમાનનો ભોગ આપવો એજ જ્ઞાન પામવા બરાબર છે. એમજ વૃદ્ધિ અને ઉન્નતિ સિદ્ધ થાય છે; શાસ્ત્ર અને કલાનો પ્રતિદિવસ વિસ્તાર થાય છે; જનસમાજનું કલ્યાણ થાય છે અમારા પક્ષનું સમર્થન થયાના ઉલ્લાસમાં આ કહેવાતુ નથી; ‘અ-અમારો પક્ષ’ એવું કાંઇ છેજ નહિ; માત્ર સત્ય ઉપર પ્રીતિ ધારણ કરી, સ્વાભિમાનથી મુક્ત થઇ, ક્ષણ વાર, પૂર્વનિશ્ચયને સ્થાને અન્ય નિશ્ચય સ્વીકારવાની ઉદારબુદ્ધિથીજ ઉન્નતિનો માર્ગ લક્ષમાં આવે છે એના દૃષ્ટાન્તરૂપે, આ લેખના યોજનારને અમો ધન્યવાદ આપીએ છીએ. આટલું કહેવાનો પ્રસંગ તેમણે લખેલી પ્રસ્તાવનાનો આરંભ જોવાથી, તેમજ ગયાં બે ત્રણ વર્ષનો તેમનો વિચારક્રમ જાણવાના પરિચયમાંથી, પ્રાપ્ત થાય છે. તેઓ લખે છેઃ– “આપણે બધા જાણ્યા વગર અને સમજવાનો યત્ન કર્યા વગર વિચારોની અવગ-“ણના કરવાને પાત્ર છીએ. આપણ બધાને જ્ઞાનનો સ્નેહ ક્ષીણ થતાં અમુક વખતે “મનની આસપાસ દીવાલો બંધાઇ જાય છે; અને પછી તેમાં નવાં સત્યો દાખલ થઈ “શકતાં નથી. અને તો પણ ઘણા પોતાના મનને ખુલ્લું ધારે છે, તે એટલા માટે કે દિવાલો “દૂર થાય તે પહેલાં દેખાતી નથી. આમ છે તેટલા માટે દરેક નવીન વિષયની સાથે પ્રસંગ “પાડતાં સાવધાન રહેવાની અને પરીક્ષા કરવાની ફરજ છે.” આવો સિદ્ધાન્ત કહીને તે સિદ્ધાન્ત ઉપર આવવાનો પોતાનો ક્રમ દર્શાવતાં તેઓ લખેછેઃ “થોડીએક મુદત પહેલાં એક પ્રસિદ્ધ માસિકમાં અમુક પ્રતિષ્ઠિત લેખકના એક પુ-“સ્તક ઉપર અવલોકન પુરું થયું એ અવલોકન વાંચનારાઓ જોઇ શક્યા હશે, અને જોઇ “શકશે, કે તે શરૂ થયું ત્યારે ગ્રંથના મુખ્ય વિષય સંબંધી લેખકને થોડુંજ જ્ઞાન હતું, પરિણામ “એ આવ્યું કે લેખક પોતાના અવલોકનમાં જેમ જેમ આગળ ચાલતો ગયો, તેમ તેમ તેના “વિચારો ફરતા ગયા, અને પરિણામે તેને સ્પષ્ટ માલુમ પડ્યું કે તેનો આરંભ અયોગ્ય અને “સાહસિક હતો, અને તેણે ધીરજથી અભ્યાસ કર્યો હોત તો તેનો લેખ તેને પોતાને અને “વાંચનારાઓને ઘણો વધારે શિક્ષણીય થઈ શકતી. આ હકીકત આ સ્થળે આપવાનો “હેતુ સ્પષ્ટ છે.” ‘જ્ઞાનસુધા’ માં ‘સિદ્ધાન્તસાર’નું અવલોકન આવતું હતું તેને ઉદ્દેશીને આ લખવું થયું છે. સત્યનો ગ્રહ આ લેખકને આ રીતે થતો ગયો છે એટલામાં જ તેના ઉચ્ચ આશયની સમાપ્તિ નથી. જ્ઞાનનો આચાર સાથે જ્યાં અત્તિ સુદૃઢ સંબંધ છે તેવી નીતિ અને કર્તવ્યની ભૂમિકા ઉપર તત્ત્વજ્ઞાનની કસોટી કરવી; અને આ લેખમાં દર્શાવ્યાં છે તેવાં પ્રમાણને આધારે તત્ત્વજ્ઞાન અને નીતિના નિશ્ચયોની માન્યતા સ્થાપવીઃ–એ પદ્ધતિ, આ સમયમાં, આપણાં દેશમાં, કેવલ નવી છે. પાશ્ચાત્ય શિક્ષણ લીધેલો કોઇ વિચારવાન્‌ પુરુષ એ પદ્ધતિનો સ્વીકાર કરે તેમાં, પ્રાચીન ઉન્નતિભાવનાનેજ શ્રેયસ્કારિણી મનાવાનો યત્ન કરનાર સર્વ કોઇને સંતોષ થાય એ સ્વાભાવિક છે. સ્વીડનબોર્ગે સ્વર્ગ નરક અથવા સ્થૂલ વિશ્વના સૂક્ષ્મ, પ્રાતિભાસિક, આકારો જોયેલા અને તેમાંથી તેને જે સત્ય સમજાએલું તે પ્રસિદ્ધ કરવાની તેને ઇશ્વરાજ્ઞા થયેલી; આવું પ્રસિદ્ધ કરતાં આ લેખક લખે છે કેઃ— “ઇશ્વરાજ્ઞા!—શા માટે આ શબ્દ કોઇને પણ નહિ માનવા લાયક લાગવો જોઇએ? “શું ફરજની દરેક પ્રેરણા ઇશ્વારાજ્ઞા નથી?... બેશક કોઇ અમલદાર આપણને આજ્ઞા કરે “તેની માફક તે આજ્ઞા પ્રથમ કાનમાં અને પછી અંદર પ્રવેશ કરતી નથી;—એ તો આ-“ત્મામાં, જેને આપણે નીતિબુદ્ધિ કહીએ છીએ તેમાંજ પ્રકટ થાય છે...... પણ જ્યાં સુધી “એ સ્નેહ અને નીતિબુદ્ધિને આપણે ઇશ્વરરૂપ માની શકીએ નહિ, ત્યાં સુધી આપણે બિલકુલ “અધાર્મિક છીએ.” અર્થાત્‌ આત્માનુભવવાળા હૃદયનું સ્ફુરણમાત્ર નીતિમય અને તેથી આજ્ઞારૂપ છે; અને તે આજ્ઞા ઉપર સર્વસ્વ અર્પવા જેવી શ્રદ્ધા એટલે તેવો પ્રેમ હોય તોજ એ આજ્ઞાનુસાર આચાર ઉપજી શકે છે. ત્યારે આ પ્રકારે ‘પ્રેમ’ નેજ ઇશ્વર ઠરાવી, શ્રદ્ધામાંથીજ જે અર્પણપૂર્વક કર્તવ્યની નીતિભાવના ફલિત થાય છે તેને ઇશ્વરાજ્ઞા કહેતાં, વ્યક્તિમાત્રને પ્રેમદ્વારા કર્તવ્યપરાયણતાનો બોધ આપવાની આ પ્રમાણપદ્ધતિ પ્રસિદ્ધ નીતિવાદો અને યુક્તિ વિસ્તારોના કરતાં નવી અને જુદી છે. એટલું જ નથી, પણ આવી ઇશ્વરાજ્ઞા સ્વીડનબોર્ગને થયેલી તેનું પ્રમાણ શું? એમ પૂછીને તેના ઉત્તરમાં આ લેખક જે લખે છે તે પણ આ નવી પ્રમાણપદ્ધતિના સ્વરૂપને યથાર્થ રીતે સ્પષ્ટ કરવાને યોગ્ય ધારી અત્ર ઉતારવું ઉચિત છેઃ— “આપણે જાણીએ છીએ કે અન્ન મનુષ્યોને ખાવાને માટે ઇશ્વરે નિર્મિત કીધું છે; “કારણ કે જઠરને અનુકૂળ પડે છે અને શરીરને પોષણ આપે છે, આના કરતાં ઇશ્વરી નિ-“ર્માણનું વધારે સારું કે ઉંચું પ્રમાણ આપણે કલ્પી પણ શકીએ નહિં.” આવું કહીને આ લેખક જે સિદ્ધાન્ત ઉપર આવે છે તે સહ્યગ્રહણની પ્રમાણ પદ્ધતિપરત્વે સર્વ કોઇ સત્યશોધકે લક્ષમાં રાખવા લાયક છેઃ— “જે રીતે શરીર અન્નથી તેમ મને સત્યથી પોષાય છે. સત્ય મનને અનુકૂળ પડે અને “તેને પોષણ આપે તો તે ઇશ્વરી છે. એથી વધારે પ્રમાણ શોધનારને તે કદાપિ મળશે નહિ, “અને એથી આછું શોધનાર મનમાં માત્ર પવન અને કચરાને પુર્યો કરશે.” અર્થાત્‌ ‘અધિકાર’ એજ સત્યગ્રહણમાં સર્વત્ર નિયામક છે એ વાત ઉપર દુર્લક્ષ થવામાંથી વાદવિવાદ વિરોધ અને અસત્યના વિસ્તારો ઉપસ્થિત થાય છે. જે મન જેવા સત્યથી પુષ્ટ થવા તત્પર હોય તેવું સત્યજ તેને પુષ્ટિ આપી શકે, અને તેજ તેણે સત્ય માની, તે ઉપર સંપૂર્ણ શ્રદ્ધા કરી, આચાર અને કર્તવ્યમાં તેને ઉતારવું, તો ઉન્નતિ અને વૃદ્ધિનો માર્ગ સહજે હાથ થાય. આવો નિષ્કર્ષ કરી બતાવવાને, આ લેખકે સ્વીકારેલી પ્રમાણપદ્ધતિનું વિવેચન કરવાનું તાત્પર્ય એ છે કે આ પ્રકારે સત્યપ્રીતિથી, જ્યાં સુધી કોઇ પણ વિચારવાન્‌ પુરુષ, આવી માનસિક સ્થિતિ પ્રાપ્ત કરતો નથી, ત્યાં સુધી તે સત્ય ગ્રહણ માટેની કે સત્ય શીખવા માટેની યોગ્યતા પ્રાપ્તજ કરતો નથી એ વાત સ્પષ્ટ થાય. આપણા અગ્રણી ગ્રેજ્યુએટો આવી માનસિક સ્થિતિમાં આવીને પ્રાચીન નવીન સર્વ વાતનો વિચાર કરતા થાય એ સમયની પ્રતીક્ષા કરનારને આ લેખકની આવી માનસિક સ્થિતિ એટલાજ માટે સંતોષ ઉપજાવે છે. કેવી માનસિક સ્થિતિથી ને કેવી પ્રમાણપદ્ધતિથી સ્વીડનબોર્ગના વિચારે સમજાઈ શકે તે જોયા પછી તે વિચારોમાંનો જે લગ્નસ્નેહ નામક એક વિચાર આ લેખમાં ચર્ચ્યો છે તે વિષયમાં એટલુંજ ઉમેરવું બસ થશે કે સૂક્ષ્મવિશ્વમાં જેમ સ્થૂલનો સ્પર્શ નથી, દેશકાલના પરિચ્છેદ નથી, તેમ સૂક્ષ્મરૂપ જે પ્રેમ તેમાં પણ સ્થૂલ વાસનાના પરિતોષો કે દેશકાલના પરિચ્છેદોનો સ્પર્શ હોઇ શકતો નથી. જ્ઞાન અથવા બુદ્ધિને જે સ્નેહ અથવા હૃદયની અપેક્ષા છે અને સ્નેહ અથવા હૃદયને જે જ્ઞાન અથવા બુદ્ધિની અપેક્ષા છે તે પરસ્પરને મળી આવે એજ લગ્નનો હેતુ અને સાર છે. જેને આપણે જ્ઞાન અને ભક્તિની એકતારૂપ અથવા બુદ્ધિ અને હૃદયની એકતારૂપ અદ્વૈત કહીએ તેનેજ સ્વીડનબોર્ગ લગ્ન કહે છે. લગ્નનો આ અર્થ અતિ વિશુદ્ધ અને વિશાલ છે. એ લગ્ન વિનાનાં લગ્ન વ્યભિચાર છે. શ્રદ્ધાની વિપુલતાવાળું જ્ઞાન આચાર પર્યત પહોંચી અપરોક્ષ કહેવાય છે, તેવી શ્રદ્ધાહીન જ્ઞાન આચારથી વિખુટુ રહી પરોક્ષ કહેવાય છે. એટલે જ્ઞાન અને શ્રદ્ધાનો યોગ લગ્ન છે, વિયોગ વ્યભિચાર છે. જે સ્થૂલલગ્ન વિષયે આ લેખમાં ચર્ચા થઇ છે ત્યાં પણ એમજ છે. ‘જ્ઞાનનો પ્રેમ’ એજ લગ્ન છે, અને તેજ દૈવી, દિવ્ય, સ્વર્ગ છે. નહિ કે સ્વર્ગ એવી અમુક દશા નથી, તે પણ છે, અને લગ્નનો આવો અર્થ સ્વીડનબોર્ગે પ્રત્યક્ષ સ્વર્ગમાંથીજ તેવાં તેવાં જોડાં જોઇને, આણ્યો છે, પરંતુ સ્થૂલ વિશ્વની અધમતામાંથી છુટી ઉન્નત જીવન પ્રાપ્ત કરવાને બુદ્ધિ અને હૃદયનો જે યોગ અતિ આવશ્યક છે, ફલાભિ સંધિરહિત કર્તવ્યમાં વિચરવાનો માર્ગ કરી આપનાર ઇશ્વરરૂપે જે પ્રેમ અથવા સમષ્ટિભાવ પૂજ્ય છે, તે સમજાવવાનો મુખ્ય આશય આ ભાવનામાં સ્પષ્ટ રીતે રહેલો છે. એટલાજ માટે આ લેખ મનનપૂર્વક વાંચવા યોગ્ય છે. આપણાં પ્રાચીન શાસ્ત્રોમાં અને આર્યાવર્તનની પ્રાચીન વિશુદ્ધ ભાવનાઓમાં પ્રેમનું ઉચ્ચ સ્થાન નથી સમજાયેલું એમ નથી; લગ્નના આવા ભવ્ય અર્થ નથી થયા એમ નથી; તથાપિ વચમાંના અંધકારમાં જે મલિનતા અને દુષ્ટતાએ તે ભાવતાઓને અધમ કરી નાખી છે તેને મુકાબલે, આપણને આપણી મૂલ ભાવનાઓનું કાંઇક ભાન કરાવે તેવા માર્ગ ઉપર લખાયલો આ લેખ સર્વાંશે સર્વને પૂર્ણ મનન કરવા યોગ્ય છે. છતાં ગ્રંથ યોજનાર જે કહે છે તે, સત્યપ્રીતિવાળા સર્વે વાચકોએ, લક્ષમાં રાખવાનું છેઃ— “બેશક ઘણી બાબતો એવી આવશે કે જે તરત સમજાશે નહિ અથવા ખરી લા-“ગશે નહિ. એવું બને ત્યારે એટલું યાદ રાખવું કે શાંતિથી પ્રકાશની રાહ જોયા વગર “આ૫ણને પ્રકાશ મળી શકતો નથી, અને સ્વીડનબોર્ગ સુદ્ધાં પણ કંઈ સર્વજ્ઞ નથી. ઈ“શ્વરી જ્ઞાન સ્વીકારવાની તેની પાત્રતા બેશક આપણા કરતાં અતિશય વધારે છે, પણ તે “સુદ્ધાં દોષ કરવાને પાત્ર છે. માત્ર સત્ય ઉપર જેને પ્રીતિ હશે તેને તેની પાસેથી ઘણું સત્ય “મળ્યા વગર રહેશે નહિ; કારણ કે એ સત્ય તેણે બુદ્ધિથી શોધેલું નથી, પણ પ્રીતિથી સ્વીકારેલું છે.

ફેબ્રુઆરી—૧૮૯૮.


  1. ઇંગ્લિશ ઉપરથી ગૂજરાતીમાં યોજનાર રા. રા. મણિશંકર રતનજી ભટ્ટ; પ્રકાશક દોલતરામ મગનલાલ અને કંપની વડોદરા. મુલ્ય ૦—૧૦—૦