સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી/શબ્દકોશ
ગૂજરાતી ભાષાની ઉત્પત્તિ સંસ્કૃતમાંથી, પ્રાકૃત અને અપભ્રંશદ્વારા, થઇ; ને તેમાં જૈન સાધુઓ તથા નૃસિંહ, મીરાં, ભાલણ પ્રેમાનંદ, શામલ, અખો, અને બીજા અનેક ભક્તો, કવિઓ, આદિનાં વિરચનો આરંભાયાં ત્યારથી તે સાકાર થતી ચાલી. ગૂજરાતમાં કાવ્યરચનાનો પરિચય હિંદીની મારફતે આવેલો હોય એમ માનવાને કારણ છે, અને હિંદી ભાષાના ઘણાક શબ્દો, નિયમો અને આખી વાક્યરચનાઓ ગૂજરાતીમાં દાખલ થઇ છે. હિંદીદ્વારા કે સાક્ષાત્ સંબંધથી ઉર્દુ ફારસી, આદિ શબ્દો અને તે સાથે હવણાં હવણાં ૫રિચયમાં આવતા અંગરેજી શબ્દોને અંગેરેજી વાક્યરચનાઓ પણ ઉમેરાઈ છે. શાલા ખાતાએ આજથી આશરે ચાળીશેક વર્ષો ઉપર વાચનમાલા રચાવી ત્યારથી વાચન અને લેખનનો નવો પ્રકાર ઉદ્ભવતાં વિવિધ વિષયો પરત્વે, વિવિધ શૈલી અને વિવિધ જોડણી આદિના પ્રકારોથી ભરપૂર લેખો વિસ્તરતાજ રહ્યા છે. આ બધા સાહિત્યને એકત્ર કરી ગૂજરાતી ભાષાનો એક સારો કોશ રચાવાની બહુ આવશ્યક્તા છે. એ કામ કોઇ એક મનુષ્યથી ઉઠાવી શકાય તેવું નથી, છતાં કવિ નર્મદાશંકરે એ મહાભારત કાર્યનો આરંભ કરી યથાશક્તિ જે કાંઇ કર્યું છે તે ઘણું સ્તુતિપાત્ર અને ભવિષ્યમાં તેવો યત્ન કરનારને અતિશય ઉપયોગી છે. એમ સમજાય છે કે ગૂજરાત વર્નાક્યુલર સોસાઇટી તરફથી એક શબ્દકોશ તૈયાર થાય છે ને તે અર્થે શબ્દોની જોડણી નક્કી કરવાની બહુ જરૂર છે. આ કાર્યને માટે કેળવણી ખાતાના મહેરબાન ડાઇરેક્ટર સાહેબે. રા. બા. લાલશંકર ઉમયાશંકર રા. સા. માધવલાલ હરિલાલ રા. રા, કમલાશંકર પ્રાણશંકર અને રા. રા. રમણભાઇ મહીપતરામ એટલા ગૃહસ્થોની એક કમીટી ઠરાવીને ગુજરાત વર્નાક્યુલર સોસાઇટીને તે કામ સાંપેલું છે. રા. બા. લાલશંકરભાઇએ તારીખ ૧૨ ફેબ્રુઆરી ૧૮૯૮ની પોતાની યાદીમાં, આ કમીટીને એકલી જોડણીજ મુકરર કરવાની હોય એવી મતલબનું લખ્યું છે. તથાપિ, તે સંબંધમાં રા. સા. માધવલાલભાઇએ તા. ૧૩-૧૨-૯૭તી જે યાદિ પ્રસિદ્ધ કરી છે તેના મથાળા ઉપરથી જણાય છે કે શબ્દકોશ રચવાનું મુખ્ય કામજ આ કમીટીને સોંપવામાં આવ્યું છે. તેમની યાદીમાંથી એમ પણ સમજાય છે કે કોશનું કામ ગૂજરાતવર્નાક્યુલર સોસાઇટી કરશે અને આ કમીટી તે, એક સલાહકારક કમીટીરૂપે રહેશે. રા. બા. લાલશંકરભાઇની યાદી સાથે ‘અ’–થી ‘ઘ’ સુધીના શબ્દોની ટીપ છપાવીને મોકલવામાં આવી છે, અને તે શબ્દોની જોડણી વિષે, તથા એકંદર જોડણીના સ્વરૂપ વિષે અને લેખનના પ્રકાર વિષે અભિપ્રાય માગેલો છે. રા. સા. માધવલાલ ભાઇએ તેજ સંબંધમાં કેટલીક સૂચનાઓ કરી છે, જેનો સાર એ છે કે (૧) ‘કોઠી’ (દાણાભરવાની) અને ‘કોઠી’ (વૃક્ષ) એમાં અને એવા પ્રકારના શબ્દોમાં આવતા ‘ઓ’ આદિ સ્વરોના બે પ્રકારના ઉચ્ચારને માટે બે જુદાં ચિન્હ યોજવાં, તથા અનુનાસિકનો જ્યાં ઉચ્ચાર કરવાનો હોય ત્યાં સવર્ગીય અનુનાસિકનું ચિન્હ યોજવું અને અનુનાસિક ઉચ્ચારવાની જરૂર ન હોય ત્યાં અનુનાસિકનું મીડું થાય છે તેજ રાખવું. આ અભિપ્રાય ઉપર વડોદરા શાલાખાતાના રા. રા. છોટાલાલ નરભેરામે રા. બ. લાલશંકરભાઇ ઉપર કંઈક લખી મોકલ્યું છે જે તેમણે છપાવીને વિદ્વાનોના અભિપ્રાય માટે મોકલ્યું છે. તેમનો અભિપ્રાય રા. સા. માધવલાલભાઇ જે ચિન્હો યોજવાનું કહે છે તેની અને તેવાં ચિન્હ યોજવાની કોઈ પણ પદ્ધતિની વિરુદ્ધ છે. તા. ૬ ઠી માર્ચના ‘ગૂજરાતી’-માં કોઇએ રા. છોટાલાલના વિચાર જેવોજ વિચાર પ્રકટ કર્યો છે. ગૂજરાતી ભાષાના શબ્દોનો કોશ રચાય એજ વાત સર્વ રીતે ઇષ્ટ છે, અને ગૂજરાતવર્નાક્યુલર સોસાઇટી જેવી સર્વ રીતે સમર્થ સભા એ મહાભારત કામ ઉઠાવી લેશે નહિ તો તે ક્યારે અને કેવી રીતે પાર પડી શકશે એ કહેવું કઠિન છે. અમારા આગળ આવેલી યાદીઓથી એમ માનવાને કારણ હતું કે આવો ‘શબ્દકોશ’ જ રચવાનો આ ઉપક્રમ છે, પણ ખાનગી તપાસથી અમોને એમ સમજાયું છે કે કેળવણી ખાતાનાં પુસ્તકોમાં આવતા શબ્દોનો જ એક નાનો સરખો કોશ રચવાનો ઉદ્દેશ હાલ રાખવામાં આવ્યો છે. આવો નાનો પ્રયત્ન પણ યોગ્ય માર્ગે છે અને ઉપયોગી છે. પરંતુ એ કરતાં સંપૂર્ણ કોશ રચવાની જ પ્રથમ અને ખરી આવશ્યકતા છે. કેળવણી ખાતાનાં પુસ્તકો માટે કોશની ખાસ જરૂર જણાતી નથી, કેમકે તે તે પુસ્તકો શીખવનાર ગુરુ સમીપજ હોય છે, પ્રત્યેક પુસ્તકના અર્થની ચોપડીઓ પુષ્કળ મળે છે, અને કવિ નર્મદાશંકરનો મહોટો કોશ વિદ્યમાન છે. વળી કેળવણી ખાતા એકલા માટે કોશ રચવાથી બહુ ઉપયોગ પણ સિદ્ધ થતો નથી, કારણ કે જેમને કોશની ખાસ જરૂર પડે એવો વાચકવર્ગ તે કેળવણી ખાતામાં ભણનારો વર્ગ નથી, અને જે પુસ્તકો તે વાચકવર્ગના હાથમાં આવે છે તેવાં પુસ્તકોનો કેળવણી ખાતામાં પ્રચાર નથી. આમ હોવાથી એકલા કેળવણી ખાતા માટે શબ્દસંગ્રહ તૈયાર કરવામાં અલ્પ ફલને અર્થે બહુ યત્ન કરવા જેવું જણાય છે, અને આવી સમર્થ સભાએ તો સંપૂર્ણ શબ્દકોશનો આરંભ કરવામાંજ પોતાના ઉદ્દેશની સાર્થકતા શોધવી એ વધારે યોગ્ય માર્ગ છે. સોસાઇટી જેવા સમૃદ્ધ મંડલથી પ્રસિદ્ધ થતો સંપૂર્ણ કોશ સર્વને હાથ જઈ શકે તેવા મૂલ્યવાળોજ રહી શકે એટલે કેળવણી ખાતાના તેમ સર્વના ઉપયોગમાં તે આવી શકે એ સ્પષ્ટજ છે. પરંતુ જ્યારે માત્ર કેળવણી ખાતાના ઉપયોગ જેટલોજ સંગ્રહ તૈયાર કરી તેની જોડણીનો નિશ્ચય કરવાનો છે ત્યારે આપણે તેટલાજ વિષયનો વિચાર કરીએ. જોડણીનો નિશ્ચય થયા પછી ગૂજરાતી વાચનમાળાને પણ એ ધોરણે સુધારી લેવામાં આવનાર છે એવું સમજાય છે, શાલામાં શિક્ષણ લેતાં બાલકોને પ્રથમથીજ શુદ્ધ લખવાની ટેવ પડે એ બહુ ઇષ્ટ છે, અને તે અર્થે આ ઉપક્રમ ઘણો અગત્યનો છે. જ્યારે વાચનમાલા રચવામાં આવી ત્યારે બુકકમીટીએ જોડણીના કેટલાક સામાન્ય નિયમો નક્કી કરેલા છે. ત્યાર પછી કોઇ કોઇ વિદ્વાનોએ એ પ્રશ્નનો નિકાલ કરવા યત્ન કર્યો છે, પણ રા. રા. નરસિંહરામ ભોળાનાથ બી. એ. સી. એસ એઓએ તે વિષયનો એક ગંભીર લેખ પ્રસિદ્ધ કર્યો ત્યારથી એ ચર્ચા વધારે સાકાર થતી ચાલી છે. ‘ગૂજરાતી’ માં તે સમયે કેટલોક વાદવિવાદ થયો હતો, અને હવણાં રા. રા. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી બી. એ. એલ એલ. બી. એમણે ‘સમાલોચક’-માં રા. રા. નરસિંહરાવના નિયમોની પરીક્ષા કરી તે કરતાં વધારે સરલ નિયમો યોજવા પ્રયત્ન કર્યો છે. વડોદરાના ઉત્સાહી મહારાજા શ્રી સયાજીરાવે સ્થાપેલા કલાભવનમાંથી જે ‘જ્ઞાનમંજાૂષા’ પ્રસિદ્ધ થવા માંડી હતી તેમાં જોડણીના કેવા નિયમો રાખવા એ સંબંધે પણ કલાભવનના પ્રિન્સીપલ રા. રા. ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજ્જર એમ. એ, બી. એસ. સી. એમણે એક લેખ પ્રસિદ્ધ કરેલો છે. કવિ નર્મદાશંકરે પોતાના કોશને માટે અમુક નિયમો સ્વીકાર્યા છે તે તો સુપ્રસિદ્ધ છે. રા. રા કેશવલાલ હર્ષદરાય ધ્રુવ. બી. એ. એમનો આ વિષયનો અભ્યાસ ઘણો સૂક્ષ્મ અને સપ્રમાણ છતાં તેમણે અદ્યાપિ એ સંબંધે જોકે કાંઇ લખીને પ્રસિદ્ધિમાં મૂક્યું નથી તથાપિ તેમનું મત પણ જાણવા યોગ્ય થઇ શકે તેવું છે. ‘જેમ બોલાય તેમ લખવું’ આ એક પક્ષ આ વિવાદમાં ઉદ્ભવ્યો હતો, હમણાં સોસાઇટી તરફથી પૂછાવવામાં આવ્યું છે તેમાં પણ ગર્ભિત રીતે એ પક્ષનો આશ્રય થયેલો લાગે છે. ભાષાની ઉત્પત્તિ અને શબ્દસંજ્ઞાની યોજનાનો ક્રમ વિચારતાં એ વાત સહજ સમજાય તેવી છે કે મનુષ્યના મનોભાવ દર્શાવવાનેજ તે બધા સંકેત થયેલા છે, એટલે તે તે સંકેત જેમ બોલાતો હોય તેમજ લખાય તેમાં સંકેતિત અર્થ બોધવાની સરલતા વધારે રહી શકે, પરંતુ ‘જેમ બોલવું તેમ લખવું’ એ નિયમને અમુક મર્યાદા હોવી આવશ્યક છે. બોલવું તેમ લખવું એ ધોરણ સ્વીકારતાં સર્વમાન્ય શિષ્ઠ લેખનપદ્ધતિનો નાશ થાય, અને અમુક દેશ, શહેર કે જ્ઞાતિના બોલવાનેજ સપ્રમાણ ગણી તે તે પ્રમાણે લખવું એવું ઠરાવવા જતાં તે સર્વમાન્ય ન થાય એટલું જ નહિ પણ શબ્દનાં મૂલ શોધીને જોડણી આદિ ઉપજાવવાની જે કડાકુટમાંથી છુટવા માટે ‘બોલવું તેમ લખવું’ એ નિયમનો આશ્રય કરવામાં આવે તે કડાકુટ કરતાં પણ વધારે મુશ્કેલી ઉભી થાય. સંગીત જેવા વિષયો જેનો પ્રાણ ઉચ્ચાર અને બોલવામાં જ રહેલો છે તેમાં સંજ્ઞા અને ચિન્હોની યોજનાથી તેનો તે યથાર્થ ઉચ્ચાર એકથી અન્યને સંક્રામિત કરાવવો આવશ્યક છે; ભાષા જેમાં શબ્દરૂપ સંજ્ઞાઓથી સંકેતિત અર્થબોધ ઉપજાવવો એ પ્રધાન વાત છે તેમાં શબ્દોને જેવા બોલાય તેવાજ સંક્રામિત કરવા કરાવવાનો આગ્રહ પ્રધાનતાને પાત્ર નથી. વળી શબ્દ અને શબ્દોના ઉચ્ચાર કેવલ લખવાથીજ શીખાતા હોય એવી એકે ભાષા અદ્યાપિ વિદ્યમાન નથી, સંપૂર્ણ એવી સંસ્કૃત ભાષામાં પણ ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત આદિના ઉચ્ચારને અર્થે ગુરુની અપેક્ષા રહે છે; તેમજ લેખનમાત્રથીજ ઉચ્ચારપૂર્વક ભાષાજ્ઞાન, ગુરુનિરપેક્ષ થઇ જાય એવી યોજના શક્ય છે કે નહિ તે પણ હજી વિવાદિત છે. કોઇ પણ ભાષાની પૂર્ણતાનું એ એક સુચિન્હ છે કે શબ્દોની જોડણી અને ઉચ્ચાર વચ્ચે કશો ભેદ રહે નહિ, પણ ગૂજરાતી જેવી અનેક ભાષાના તત્ત્વથી બંધાયલી અને હજી નવી નવી વૃદ્ધિ પામતી ભાષાને તેવી કરી લેવાનો યત્ન અકાલે થયેલો ગણાય તો આશ્ચર્ય નથી. આવાં કારણોને લેઇ આ સંબંધમાં અમારૂં મત એવું છે કે ‘બોલાય તેવું લખાય’ એ ધોરણ ઇષ્ટ અને લક્ષમાં રાખવા યોગ્ય છે તથાપિ તેનેજ જોડણીનો નિર્ણય કરવામાં પ્રથમ પ્રમાણ ગણી શકાય નહિ. ગૂજરાતી ભાષાના શબ્દોમાં શુદ્ધ સંસ્કૃત, પ્રાકૃત તથા અપભ્રંશદ્વારા આવેલા, કેવલ દેશી હિંદી દ્વારા કે સાક્ષાત્ આવેલા ઉર્દુ, ફારસી, આરબી, મરેઠી રાજ્યની અસરથી આવેલા મરેઠી, અને છેવટ વર્તમાન સંસ્કારથી પ્રાપ્ત થતા અંગરેજી શબ્દો દીઠામાં આવે છે. આવા સમુદાયને અમુક એકજ પ્રકારે લખવાનો નિયમ યોજી શકવો અશકય છે; અને રા. બા. લાલશંકરભાઇ કહે છે તેમ “ગૂજરાતી ભાષાના શબ્દોની જોડણીના સર્વમાન્ય નિયમો થએલા નથી, અને તેવા નિયમ સંભવિત નથી” એમજ કહેવું પડે છે. પરંતુ એમ જણાય છે કે થોડાક સાદા નિયમો લક્ષમાં રાખવાથી, સર્વને માન્ય થઇ શકે તેવું ધોરણ હાથ આવી શકે. (૧) સંસ્કૃતમાંથી આવેલા શબ્દો અને સમાસોને મૂલ સંસ્કૃતમાં હોય તેવાજ લખવા. (૨) પરભાષાના શબ્દોને તેમનો જેવો શુદ્ધ ઉચ્ચાર હોય તેવા લખવા. (૩) પ્રાકૃત અને અપભ્રંશદ્વારા આવેલા શબ્દોને પ્રયોગમાં જેવા મળતા હોય તેવા લખવા. (૪) દેશી એટલે જેમનું મૂલ સંસ્કૃતમાં પ્રાકૃતમાં કે પરભાષામાં જણાતું નથી તેવા શબ્દોને જેવા બોલાતા હોય તેવા લખવા. (૫) ગૂજરાતી ભાષાના વ્યાકરણના નિયમો ઉપરના ચારે પ્રકારના શબ્દોને લાગુ થાય ત્યારે પ્રત્યયાદિને યોગે તેમની જોડણી વ્યાકરણમાં ઠરી હોય તે પ્રમાણે કરવી; સંસ્કૃત વ્યાકરણનો નિયમ ગૂજરાતીમાં દાખલ કરવો નહિ. આવા પ્રસંગ ઘણા છે. બહુ વચનનો ‘ઓ’ પ્રત્યય લગાડવામાં ઈકારાંતને ‘ઇય’ કરવો કે ઇ અને ઓ રાખવાં એ એક પ્રશ્ન છે. કવિ-કવિઓ, કવિયો; સ્ત્રી, સ્ત્રીઓ, સ્ત્રિયો. ક્રિયાપદના મૂલ ભેદમાં દીર્ઘ ઇકારનો સહ્ય તથા કારકમાં હસ્વ કરવો કે કેમ? શીખવું, શિખવવું કે શીખવવું? સંબંધ ભૂતકૃદંત થઇને, લઇને, ઇત્યાદિકમાં ઇકાર દીર્ઘ કે હસ્વ માનવો? એમજ થયેલું કે થએલું ગયેલું કે ગયલું ઇત્યાદિનો નિર્ણય પણ નક્કી નથી, સમાસ કરતી વખતે કેટલાક શબ્દો હસ્વ થઇ જાય છે; ફૂલ, ફુલવાડી, કારણ કે, જેમકે, ઇત્યાદિ અવ્યયવો બબ્બે છે તથાપિ તેમને જુદા લખવા કે ભેગા લખવા? ‘એ’, ‘જ’ ઈત્યાદિ અવ્યયો શબ્દને વળગાડીને લખવા કે જુદા લખવા? એ આદિ અનેક પ્રશ્નો આ વિભાગમાં વિદ્યમાન છે. આટલા પાંચજ નિયમો ઉપર સંપૂર્ણ લક્ષ અપાય તો જોડણીના પ્રશ્નનું ઘણે ભાગે નિરાકરણ થઇ જાય. પરંતુ વિચારવાન્ સહેજે જોઇ શકશે કે પ્રથમના ચાર નિયમો કરતાં જે ખરો અગત્યનો અને મુખ્ય નિયમ છે તે પાંચમો છે. એના પેટામાં જે જે દૃષ્ટાન્તો આપ્યાં છે તેમના વિષે હવણાં ને હવણાં નિર્ણય કરી આપવો કઠિન નથી, છતાં તે નિર્ણય અસ્પષ્ટ રહેવા દેવાનું કારણ એ છે કે ગૂજરાતી ભાષાનું સંપૂણ વ્યાકરણ રચતી વખતે, જેમ શબ્દોનાં મૂલ શોધતે શોધતે આપણે શબ્દની જોડણી નક્કી કરીએ છીએ તેમ, પ્રત્યયો અને પ્રત્યયને યોગે થતા વિકારોનાં પણ મૂલ તપાસી તપાસી તે તે રૂપની જોડણી નક્કી થયા વિના અભિપ્રાય આપવો ઉચિત નથી. કોશ અથવા જોડણીના પ્રશ્ન પહેલાં વ્યાકરણનો પ્રશ્ન છે અને વ્યાકરણનોનિશ્ચય થયા પછી જોડણી અને કોશનો નિર્ણય થવાને કશી વાર લાગશે નહિ. ગૂજરાતી ભાષામાં હોપ સાહેબનું, ટેલરસાહેબનું રા. બા. લાલશંકર અને રા. બા. હરગોવનદાસે રચેલું, એટલાં ત્રણ વ્યાકરણ જાણવામાં છે; પણ એમાંનું એકે વ્યાકરણના નિયમોને ઇતિહાસ ધ્યાનમાં રાખીને રચાયલું હોય એમ કહી શકાતું નથી. ટેલરના વ્યાકરણમાં તેવો પ્રયત્ન સ્વર્ગવાસી પ્રખ્યાત ભાષાપંડિત શાસ્ત્રી વ્રજલાલ કાલિદાસની મદદથી થયો છે, પણ તેમાં અંગરેજી ધોરણના કેટલાક નિયમો રહી જવાથી વિકૃતિ ઉપજી આવેલી છે; હોપ સાહેબનું વ્યાકરણ તો છેક અંગરેજી ધોરણેજ રચાયલું છે; અને રા. બા. હરગોવનદાસનો પ્રયત્ન સંસ્કૃત અને પ્રાકૃતના પૂર્ણ અભ્યાસ વિનાનો છે. માટે શબ્દકોશ કે જોડણી કાંઇ પણ કરતા પૂર્વે સોસાઇટીને અમારી એવી પ્રાર્થના છે કે તેણે એક સારુ સંપૂર્ણ વ્યાકરણ રચાવવું. આ સંબંધમાં હવે એકજ વાત વિષે બોલવું બાકી રહ્યું છે; લેખનને માટે અમુક ચિન્હો નવાં ઉપજાવવાં કે નહિ? આપણે બોલીએ છીએ તેવું લખી શકતા નથી, એ સર્વત્ર સારી રીતે જાણીતી વાત છે. અમે તમે, મોટુ, ઇત્યાદિમાં હકારનો ઉચ્ચાર છે પણ તે કેવી રીતે લખવો એ વિષે વિવાદ છે. કવિ નર્મદાશંકરે અકાર સાથે હકાર જોડવા સુધીનું સાહસ કર્યું હતું; કેટલાક મોટું ઇત્યાદિને મો’ટું એમ પણ લખે છે; કેટલાક કહેવું, મ્હોટું, મ્હને એમ પણ લખે છે. આવ્યો; લાવ્યો ઇત્યાદિમાં પણ રા. રા. મનઃસુખરામભાઇએ હવણાં લાવો, આવો, એવું કાલું લખવાનું શરૂ કરી યકારનો ઉચ્ચાર વકારની નીચે એક નુકતો મૂકીને જ દર્શાવવો ઉચિત ધાર્યો છે. ઉર્દુ, ફારસી, અર્બી આદિ ભાષામાં ‘ખુશકક’ ‘ખાક’ ઇત્યાદિ શબ્દોમાં ખકારનો જે ઉચ્ચાર છે તેને માટે ગૂજરાતીમાં જે ‘ખ’ છે તે પૂર્ણ નથી ને નવા ચિન્હને ઉભું કરીએ તો કરાય તેમ છે. આવી સ્થિતિ ચાલે છે તેવામાં રા. સા. માધવલાલભાઇના ઓકારના ઉચ્ચારોને તથા અનુનાસિકના ઉચ્ચારોને સ્પષ્ટ કરાવવા નવાં ચિન્હો ઉપજાવવાની ભલામણ કરે છે. ઓ અને અના બે પ્રકારના ઉચ્ચાર અંગરેજી આદિ શબ્દો ગૂજરાતીમાં ભળવાથી બહુ આવશ્યક થઇ પડેલા છે, તેમજ અનુનાસિકની સ્થિત્તિ તો ગૂજરાતી ભાષામાં એવી થઇ ગઇ છે કે કેટલેક ઠેકાણે માત્ર અનુસ્વરનોજ ઉચ્ચાર થાય છે અને કેટલેક ઠેકાણે પાછળના અક્ષરનો સવર્ગીય અનુનાસિકજ ઉચ્ચારાય છે એટલુંજ નહિં પણ તેથી ઉલટું થતાં ઉચ્ચારની વિકૃતિ થઇ જાય છે. જુદા જુદા ઉચ્ચાર દર્શાવવાને જુદાં જુદાં ચિન્હ ઉપજાવવા જઇએ તો અનેક અનેક પ્રકારના ઉચ્ચારો માટે ચિન્હો ઉપજાવતાં આપણને ઘણી અડચણ આવી પડે અને બોલવા પ્રમાણે લખવાના નિયમને અનુસરતાં જે મર્યાદા રાખવાની જરૂર છે તેની પાર નીકળી જઇ આપણે સરલતાને બદલે નવી અને નિષ્પ્રયોજન ગુંચવણ પેદા કરીએ, ઉચ્ચારો ગુરુમુખે શીખવા દેવા અને કોશમાં કૌંસ કરીને અમુક ધોરણથી સમજાવવા એજ સારો માર્ગ છે. રા. સા. માધવલાલભાઇ અનુનાસિક સંબંધે જે કહે છે તે તો ભાષાના સ્વરૂપમાંજ હવે સુદૃઢ રીતે ઘડાઈ ગયેલું છે એટલે તેની વ્યવસ્થા થવી ઉચિત છે. એમાં એવો નિયમ રાખ્યો હોય તો સારું કે જ્યાં પાછલા અક્ષરનો સ્વર્ગીય અનુનાસિક ઉચ્ચારવાથીજ યોગ્ય ઉચ્ચાર થતો હોય ત્યાં અનુનાસિક લખવાનો વહીવટ રાખવો અને તે વિના સર્વત્ર માત્ર માથે મીંડું મૂકીને ચલાવી દેવું.
માર્ચ—૧૮૯૮.