< સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી
સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી/ક્લાન્ત કવિ
( રા. રા. બાળાશંકર ઉલ્લાસરામ કંથારીયા).
આ નામનું નાનું ખંડકાવ્ય અમને ઘણા વખતથી મળેલું છે, પરંતુ તે ઉપર અમે આજ સુધી કાંઇ નથી બોલ્યા તે તેનો અનાદર કરીને નહિ પણ એ કાવ્ય જેવો વિષય અમારા આ કાવ્યના રચનારે અમારા ઉપર વિજ્ઞાનવિલાસ તથા ‘ગુજરાત શાલાપત્ર’ માં આવેલી ટીકાના જવાબમાં જે લખાણ કર્યું છે તે મોકલતાં એમ વિનતિ કરેલી કે તમારે તમારો અભિપ્રાય જરૂર જણાવવો, તથા તે પછી પણ વારંવાર એ વાત અમને સૂચવેલી તેથી આજ કાંઇક લખવાની ઈચ્છા ધારી છે. વર્તમાનપત્ર અને ચોપાનિયાં ફક્ત છપાઈ બંધાઇને જરા સારા આકારનાં થઇ બહાર પડ્યાં માટે તેમાં લખાય છે તે બધું સિદ્ધ વાક્ય છે એમ માનવાનું કાંઇ કારણ નથી. ગુજરાતમાં લખનાર વર્ગની સ્થિતિ વિલક્ષણ છે. હાલનાં આપણા ભાઈઓ એમ સમજતા જણાય છે કે જો કાંઇ ધંધો ન મળે તો જે મગજમાં આવે તે બે વાતો લખીને ચોપડી ચોપાનીયાં વેચી ખાવા એ પણ એક વેપાર છે! આમ છે ત્યારે તેવા લોક ગમે તેવો ડોળ ઘાલીને સારા વિદ્વાનોને ખોટાં કે ખરાં સર્ટિફીકેટ આપે તેથી ખરા લખનારે બીલકુલ નિરાશ થવાનું નથી. અમે કાલિદાસનું ‘આપરિતોષાદ્વીદુષાં’ એ વાક્ય વિસરી જતા નથી. પણ જે વિદ્વાનોને સંતોષ થવાથી કાવ્યની કૃતાર્થતા છે તેવાતો ગુજરાત શાલાપત્રના અધિપત્તિ રા. નવલરામ ભાઈ જેવા થોડાજ હશે. આ કાવ્ય માટે રા. નવલરામ ભાઇએ પોતે જ ગુજરાત શાલાપત્રમાં આપેલો અભિપ્રાય લખ્યો હોય એમ માનવાની પણ અમને હાલતો મરજી નથી.
આમ છતાં અને ગ્રંથકર્તા પોતાનું વિત્ત જાતે સમજવા છતાં શા માટે નિરાશ થઇ ખરૂં ખોટું કરાવવાનો આગ્રહ કરે છે? જે ખરા વિત્તવાળા છે તે તો લખ્યાંજ જાય છે–લોકો કાલાંતરે પણ તેમની ગણના કર્યાવિના રહેતા નથી, કેમકે આ વિશાલ ભૂમીમાં કાલાન્તરે પણ કોઇ એક રસિક કે સુજ્ઞ ન નીકળી આવે એમ તો બનેજ નહિ. અમારા હાથમાં જે ખંડકાવ્ય છે તેમાં સો શિખરિણી છંદની અંદર જુદા જુદા વિષયનું મેલન કરી પ્રેમનો, જ્ઞાનનો, કાવ્યનો કે વિશ્વવર્ણનનો વિષય સમાવેલો છે. આખું કાવ્ય જોઇ જતાં કર્તાના મનમાં પ્રેમનો સંસ્કાર શુદ્ધરૂપે અને દૃઢ પડેલો જણાય છે, તેમજ શ્રી શંકરાચાર્યના વેદાન્તનો પણ ભાસ ધીમે ધીમે પ્રવેશ કરી પ્રેમને બ્રહ્મભાવમાં પરિણામ પમાડતો નજરે ચઢે છે, ભવભૂતિના ઉત્તર રામમાંના ઊંચા પ્રેમસાથે શંકરાચાર્યની આનંદલહરીના મહામાયારૂપના રસિક પ્રમોદનો સંસ્કારા ઝાંખો ઝાંખો પણ ઠીક મિશ્ર થયેલો જણાય છે. આ બે વિષયને મેળવીને સમાનતાએઃ લખવાની પ્રસિદ્ધ રૂઢિ ફારસી તથા તે પરથી ઉર્દુમાં ઘણી છે, ને તેનોજ મુખ્ય સંસ્કાર જેમ કવિને બેઠો હોય નહિ તેમ અમને વારંવાર લાગ્યાં કરે છે. ફારસી કાવ્યો વગેરેમાં જેમ પ્રેમાંશ કાંઈક તરતો અને જ્ઞાનાંશ કાંઇક ઢંકાતો ચાલ્યો આવે છે, તેમ આ કાવ્યમાં પણ જણાયાવિના રહેતું નથી. વાસ્તવિક રીતે જોતાં આ કાવ્ય આ બે વાત ઉપરજ લાગુ થઇ શકે છે, પ્રેમ કે જ્ઞાન. કવિએ વિશ્વલીલા વર્ણનનો તથા કવિતા અને કવિ વિષયના અર્થોનો જે આરોપ ૯૫ મા છંદમાં કર્યો લાગે છે, તે ઠીક છે પણ કવિ–કવિતા એ પતિ–પત્નીમાં એટલે પ્રેમમાં, અને વિશ્વલીલાએ પ્રેમ જ્ઞાન ઉભયમાં સમાઇ જાય છેઃ કેમકે પ્રેમનું તેમજ જ્ઞાનનું પણ આલંબન વિશ્વજ છે; અને કવિ–કવિતા કે પતિ–પત્ની કે ગમે તેમાં પણ રૂપ પ્રેમનુંજ છે. આ વિષયો એટલા ગહન છે કે તેનો બોધ સર્વાંશે પૂર્ણરૂપે થવો એ વિરલ છે. તથાપિ યોગ્ય અધિકારીઓ અમારા કહેવા પ્રમાણે આ કાવ્યનો વિષય સમજશે તો કોઇ કોઇ ઠામે ભાસતા દોષ વાસ્તવિક ઠરશે નહિ.
આપણી ભાષામાં આજ સુધી ઘણાં ખરાં કાવ્યો ફક્ત અલંકારથી કે બીજી કોઇ પરચુરણ ચતુરાઇથી દીપાવેલાં જોવામાં આવ્યાં છે. કાવ્યમાત્રના જીવરૂપ રસમાત્રનોજ આશ્રય લઇ કાવ્ય રચવાનો કાંઇક પ્રયત્ન કવિ નર્મદાશંકરમાં જણાયો છે તથા અમને પણ તેવાંજ કાવ્ય પુરાં ઉદ્ભેદક જણાયાથી અમે તે માર્ગ પ્રસિદ્ધ રીતે સૂચવ્યો છે ને એટલું વિશેષ પ્રતિપાદન કરવા મેહેનત કરી છે કે જો આ રસમાત્રને પરમરસના રૂપાંતર તરીકે બતાવાય તો પ્રયત્નમાં વધારે શોભા અને સફલતા છે. આ ખંડકાવ્ય આવા પ્રયત્નવાળું હોવાથી અમને બહુ પ્રિયકર છે. ભાષા તથા રચના પણ એકંદરે સરસ, પ્રૌઢ અને સંસ્કારવાળાં જણાય છે. આ સર્વ ઉપરથી લખનારે પોતાનું કવિત્વ સિદ્ધ કરી આપ્યું છે એમાં સંશય નથી.
મે—૧૮૮૬