સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/એવા રે અમે એવા (વિનોદ ભટ્ટ)
કેન્દ્રે આત્મકથા, પરિઘે હાસ્યકથા
રણજિતરામ સુવર્ણચંદ્રક સ્વીકારતી વખતે લેખકના પ્રતિભાવરૂપે જયોતીન્દ્ર દવેએ, પછી બહુ જાણીતું થયેલું સ્વરચિત હાસ્યકાવ્ય ‘આત્મપરિચય’ વાંચેલું : ‘તમારી જાતનો આપો તમે જાતે પરિચય…’ અને વિનોદ ભટ્ટે ‘જયોતીન્દ્ર દવેના ઉત્તમ હાસ્યનિબંધોના સંપાદનમાં આ કાવ્યનો પહેલા ક્રમે સમાવેશ કરેલો છે. વિનોદ ભટ્ટની આત્મકથા વાંચતાં ઉપરના બન્ને કિસ્સા યાદ આવી જાય છે. ખૂલતે પાને જ એમણે મુખ્ય શીર્ષક નીચે કૌંસમાં આપણને સાવધાન કર્યા છે: ‘હાસ્યલેખકની આત્મકથા’. વળી ટાઇટલ પર - આગળના ને પાછલા પૂંઠે - લેખકની હાસ્યવિભોર ચાર આકર્ષક ચતુરંગી તસવીરો છે. આપણને પ્રસન્ન રમૂજમાં કહેવાનું મન થાય કે પુસ્તકનું નામ ખરેખર તો ‘આવા રે અમે આવા...’ હોવું જોઈતું હતું. આત્મકથાના લેખકની જ નહીં, હાસ્યલેખકની અને કશુંક અરૂઢ કરવા માંગનાર કથા-લેખકની કુનેહ આ પુસ્તકના આરંભે-અંતે દેખાય છે. પહેલું અને છેલ્લું પ્રકરણ કૃતિને ચોક્કસ ઘાટ આપવાના પ્રયત્નરૂપ જણાશે. ‘મારો જન્મ...’ વગેરે પ્રકારની સમયાનુક્રમી શરૂઆત કરવાને બદલે એમણે, ૧૯૯૫માં તે જીવલેણ બીમારીમાં પટકાયેલા એનું ખૂબ ચિત્રાત્મક અને વાચકને એકદમ પુસ્તકમાં ખેંચી લેનારું રસપ્રદ આલેખન કર્યું છે ને છેલ્લું પાંત્રીસમું પ્રકરણ હાસ્યલેખકના ‘આત્મ’પરિચયનું છે : ‘વિનોદની નજરે’માં એમણે પોતે જ પોતાનું ‘ચરિત્ર’અંકન કરેલું એનોઅંશ મૂક્યો છે. છેલ્લે, આત્મકથા પૂરી થયાની તારીખ નોંધી છે : ૨૭ ડિસેમ્બર ૧૯૯૭. આ બે વર્ષોના પડ વચ્ચે એમણે ૫૯ વર્ષની કથાનું - ખરેખર તો કથાંશોનું નિરૂપણ કર્યું છે. પહેલા જ પ્રકરણમાં થયેલો હોવાથી આવો ફ્લેશબેકનો પ્રયોગ કંઈક નવો, તાજગીવાળો પણ, લાગે છે. આરંભ-અંતનાં પ્રકરણોની આવી યોજના સુબદ્ધ જણાય છે પરંતુ વચ્ચેનાં બધાં પ્રકરણો એ રીતે ગોઠવ્યાં છે કે આપણે સળંગસૂત્ર આત્મકથા નહીં પણ સંસ્મરણોનો સંગ્રહ વાંચતા હોઈએ એવો અનુભવ થાય. અહીં વ્યક્તિચિત્રોનું પ્રમાણ વધારે છે ને એમાંનાં કેટલાંક રેખાંકનો તો અછડતાં(સ્કેચી) રહી ગયાં છે. સર્વનો સમાવેશ કરીને ઋણમુક્ત થવાનો ભાવ જાણે એની પાછળ ડોકાતો લાગે. શાળાના શિક્ષકો, કૉલેજના મિત્રો, અધ્યાપકો... એમ આલેખતા-આલેખતા વળી પાછા લેખક બોળગોઠિયાઓનાં ચિત્રો આલેખવા બેસે છે. આવો જ ક્રમ પ્રસંગોના આલેખનમાં પણ દેખાય. એટલે, કેટલાંક પ્રકરણો સહેલાઈથી આગળ-પાછળ કરી શકાય, આનુપૂર્વી બદલી શકાય એવું ખુલ્લું(ઓપન) સ્વરૂપ આ આત્મકથાનું છે - કોઈને એ શિથિલબંધ પણ લાગી શકે. હાસ્ય-રમૂજનો સ્પર્શ તો લગભગ બધા જ પાત્ર-પ્રસંગ-આલેખનો પર રહ્યો છે - તથ્યકેન્દ્રી રહેવાની આત્મકથાલેખનની શિસ્ત એમણે સ્વીકારી જ છે છતાં ક્યાંક હાસ્ય તથ્યની આગળ પણ સરકી આવે છે. એ કારણે ક્યારેક વળી આત્મચરિત્રાત્મક હાસ્યનિબંધો વાંચતા હોવાનો અનુભવ પણ થાય છે. (આ આત્મકથામાં આલેખાયેલાં કેટલાંક વ્યક્તિચિત્રો ને પ્રસંગો આ પૂર્વે એમના નિબંધોમાં ક્યાંક ને ક્યાંક હોવાનું લાગ્યા કરે.) લખાવટ ને એની ભાત(ડિઝાઈન) પણ હાસ્યનિબંધના જેવી હોય એવા પ્રસંગોમાંથી બે જુદા તારવીનેબતાવી શકાય : ૧. પિતાના આગ્રહથી વિનોદ કૉમર્સમાં ગયેલા ને બે વર્ષ નાપાસ થયેલા. હવે આર્ટ્સમાં જવું છે પણ પિતાને કહેવાની હિંમત નથી. માને મધ્યસ્થી બનાવે છે. ગુસ્સાવાળા હોવાથી એમને કેમ મનાવવા એ મા માટે પણ પ્રશ્ન છે. છતાં એ પ્રસ્તાવ આ રીતે મૂકે છે: ‘કોમર્સમાં ભણાવવાની તમારી જિદને કારણે વિનુ બે વાર નાપાસ થયો છે હવે એકવાર તેને તેની રીતે આર્ટ્સમાં નાપાસ થવાની તક આપો.’ માના ઉદ્ગારમાં જાણે હાસ્યકાર વિનોદ ભટ્ટના શબ્દો સંભળાય છે - એવી એની વાક્યભાત છે! પ્રસંગના ઔચિત્યની રીતે જોતાં, અહીં જે ભાષામાં વાત મુકાઈ છે એ આ પ્રસંગાલેખનને હાસ્યનિબંધ તરફ વધુ ખેંચી જાય છે. હાસ્યનિબંધ વાંચતા હોઈએ ત્યારે આપણે તથ્યની ચિંતા છોડીને નિરાંતે રમૂજ- કટાક્ષને જ માણી શકતા હોઈએ છીએ. ૨. કૉમર્સ કૉલેજમાં બે અધ્યાપકોના કંટાળાજનક પીરિયડ એક દિવસ એકસાથે આવતા હતા. એમાંથી એક જ છોડી શકાય એમ હતું એટલે કોનો છોડવો એ નક્કી કરવા એમણે મિત્રો સાથે સિક્કો ઉછાળ્યો. સિક્કો ઊભો રહે તો પછી બંને પીરિયડ ભરવા એવી અશક્ય એથી મનગમતી શરત રાખી. ઇંટના એક રોડાને અઢેલીને સિક્કો ઊભો રહ્યો. સંભવિતતાના મુદ્દે આ ચમત્કારને તથ્ય લેખે સ્વીકારી તો શકાય પણ સંભવિતતાનો મુદ્દો સામાન્ય રીતે તો ફિક્શન તરફ ઢળવાનો - એટલે અહીં હાસ્યનિબંધનો સ્વાદ વધુ મળવાનો. હાસ્યલેખક હોવાનો અહીં વિનોદ ભટ્ટે લાભ લીધો એમ પણ કહેવાય અને હાસ્યલેખક હોવાનો એમને ગેરલાભ થયો એમ પણ કહી શકાય. હાસ્યલેખકની આત્માકથા હોવાને લીધે આ કૃતિ સુવાચ્ય ઉપરાંત રસપ્રદ ને આનંદપ્રેરક બની રહી છે. પાત્રપ્રસંગાલેખનમાં એ હાસ્ય ગૂંથાતું રહ્યું છે એટલે દૃષ્ટાન્તો તારવીને ટૂંકમાં આપવાનું મુશ્કેલ છે. પરંતુ જ્યાં ભાષાનો વળોટ હાસ્યસર્જકની વિશેષતાનો અનુભવ કરાવતો હોય એવાં અવતરણો નમૂનારૂપે નોંધી શકાય. ‘બચપણમાં માથાનો દુખાવો સતત રહેતો - જે અત્યારે છાપાની કોલમ દ્વારા મેં વાચકો તરફ ટ્રાન્સફર કરી દીધો છે.’ (પૃ. ૮) ‘મને યાદ નથી કે કોઈ વર્ષે હું ફુલ્લી પાસ થયો હોઉં... મારા પ્રગતિપત્રક(!)માં હંમેશા ઉ. ચ. (ઉપર ચડાવ્યા છે) જ આવતું... પણ પછી હું મેટ્રિકની પરીક્ષા પહેલા જ પ્રયત્ને પાસ થઈ ગયો. ચમત્કારો આજેય બને છે એવું નથી, એ દિવસોમાં પણ બનતા હતા !’ (પૃ. ૪૯-૪૭) મેટ્રિકમાં પહેલે પ્રયત્ને પાસ થવા બદલ માએ આઈસ્ક્રીમ પાર્ટી આપવા વિચારેલું. પિતાએ ગુસ્સે થઈ ના પાડી કે માંડ ૩૫ ટકા આવ્યા છે એમાં ઉજવણી શેની ? પછી ગુસ્સો ઊતરતાં કહેલું કે, ભલે. અઠવાડિયું ખમી જાવ. રીઝલ્ટમાં ફેરફાર નહીં આવે તો જોઈશું.’ લેખક કહે છે : “આ વાત ૧૯૫૫ની છે, છતાં સાચું કહું છું, આજે પણ છાપાંમાં કોઈ ચોકઠું વાંચવામાં આવે કે એસ.એસ.સી.નો છબરડો પકડાયો ત્યારે બીક લાગે છે, ધ્રાસ્કો પડે છે કે આપણી વાત તો નહીં હોય ને!” (પૃ.૨૫) ‘બે ઔદિચ્ય બ્રાહ્મણો મળે ત્યારે ખૂબ પ્રેમથી ભેટે, પણ પછી એ બંનેને છૂટા પાડવા માટે પોલીસ બોલાવવી પડે.’ (પૃ. ૭૧) પુસ્તકની પ્રસ્તાવનામાં લેખકે કહ્યું છે કે આ આત્મકથા માત્ર ‘વાચકને હસાવી મૂકવા માટે નથી લખી. હાસ્યલેખકના જીવનમાં ઘટતી તમામ ઘટનાઓ કંઈ રમૂજપ્રેરક નથી હોતી, તેના જીવનમાંય ગંભીર કે કરુણ પ્રસંગો આવતા હોય. છે.’ એની પ્રતીતિ થાય એવી, વાચકને ભાવવિભોર કરી દેનારી કરુણગર્ભ હૃદયસ્પર્શી ઘટનાઓ પણ અહીં આલેખન પામી છે : ઘરમાં એક જ જોડી ચપ્પલ હતી ને એથી પિતાને અડવાણે પગે સ્કૂલમાં જઈને પુત્ર પાસેથી એ ચપ્પલ લઈ આવવી પડે છે એ પ્રસંગ; પત્નીના અવસાનનો (ને એને અનુષંગે, કૅથરિને ચાર્લ્સ ડિકન્સ પર લખેલો પત્ર ઉતારવા સુધી પહોંચતો) હૃદયદ્રાવક પ્રસંગ તથા પુત્રીના વેવિશાળ અંગેનો પિતાના હૃદયની વત્સલ ચિંતા આલેખતો પ્રસંગ વગેરેમાં આવાં, સ્પર્શી જતાં આલેખનો છે. આત્મકથાને એથી એક વિશેષ પરિમાણ મળે છે. આત્મકથાને હાસ્યકથાથી જુદી પાડી આપનારાં ઘટકો તરીકે પણ એ નોંધપાત્ર છે. એવું જ એક બીજું પરિમાણ ‘હું ઔદિચ્ય બ્રાહ્મણ’ પ્રકરણમાં ઊપસે છે. લેખકના બાળપણના સમયના કૌટુંબિક-સામાજિક પરિવેશનું, એક પ્રકારની વિલક્ષણ જ્ઞાતિબદ્ધ સામાજિકતાનું ઝીણવટભર્યું ને ચિત્રાત્મક આલેખન અહીં થયું છે. આત્મકથાગત મહત્ત્વની દસ્તાવેજી વિગતો તરીકે તો એનું મૂલ્ય છે જ. ઉપરાંત, હાસ્યકારના દૃષ્ટિકોણને ને નિરૂપણશૈલીનેય અહીં ઘણો અવકાશ મળ્યો છે. પોતાની લેખન-કારકિર્દીનો, પરિષદ-પ્રમુખ તરીકેની કામગીરીનો, સમકાલીન સાહિત્ય-સ્થિતિનો અને સાહિત્યકાર મિત્રોનો લાક્ષણિક ચિતાર એમણે વિગતે - પણ ઝાઝેભાગે પ્રસંગનિષ્ઠ રહીને – આપ્યો છે. એમાં એમના (આત્મકથા-નાયકના) વ્યક્તિત્વનો, એમની નિખાલસતા ને રમૂજવૃત્તિનો, કંઈક અળવીતરાઈનો અને મિત્રદાવે જ નહીં, મિત્રભાવે સાહિત્ય પરિષદના યોગક્ષેમનાં કામ કરાવી લેવાની એમની કુનેહનો પરિચય મળે છે. રમૂજના પ્રવાહમાં ક્યાંક એમણે આત્મપ્રશસ્તિનાં પુષ્પો પણ નમ્રભાવે વહેતાં કર્યાં છે પણ સમગ્રભાવે તો લેખક સંયત રહ્યા છે ને નર્મ-મર્મભરી નિખાલસતાને કારણે એમના અહંની ધાર વાચકને ખાસ અડતી નથી. સમકાલીન સાહિત્યસ્થિતિના એક નાનકડા પ્રદેશના આંતરપ્રવાહોને એમણે હળવી શૈલીમાં પણ બેધડક રીતે, ઠીકઠીક સ્પષ્ટતાથી, એ રીતે બતાવી આપ્યા છે કે અત્યારે ક્યાંક વિવાદાસ્પદ લાગતી આ કથા ભવિષ્યના વાચકને કદાચ વધુ રસપ્રદ લાગશે - સમકાલીનતાનાં ડહોળાં પાણી ત્યારે નીતરી ગયાં હશે એ કારણે. આત્મકથામાં સત્યકથન જાણ્યે કે અજાણ્યે બીજાની પ્રતિષ્ઠાનું ખંડન કરનારું ન બની જાય એની તકેદારી લેખકની કસોટી કરનારી બની રહે છે. જે જોયું- અનુભવ્યું હોય એના નિઃશેષ નિરૂપણમાં પોતાના દોષાલેખનનું જોખમ ખેડવા સુધી તો લેખક જઈ શકે - સત્યનિષ્ઠાથી, પણ બીજાના દોષાલેખનનું શું ? ત્યાં લેખક પૂરેપૂરો અટકી જાય ત્યારે કેટલાંક સત્યો કાયમ માટે દટાઈ જાય છે. કડવું સત્ય કહેવાનો ભય અને સંકોચ, તથા બીજાની ઈમેજ અંગેની સંપૂર્ણ બેકાળજી - એ બંને બાબતો આત્મકથાને નુકસાન પહોંચાડે છે. ‘વિવાદાસ્પદ શ્રેણી : વિનોદની નજરે’ નામના પ્રકરણમાં લેખકે માનવમનની ને માનવસંબંધોની કેટલીક વિલક્ષણતાઓને ખુલ્લી કરી છે. એમાં ઘણુંખરું તો કંઈ વાંધાજનક નથી - સાહિત્યકાર મિત્રોના સ્વભાવનું બલકે માનવસ્વભાવનું એક આશ્ચર્યભર્યું ચિત્ર એમાં મળે છે. પણ ક્યાંક લેખક દુસ્સાહસપૂર્વક ઊંડા પાણીમાં ઊતર્યા છે ત્યાં વિવેક જળવાયો નથી. ઉમાશંકર જોશી અને રાધેશ્યામ શર્માના પ્રસંગોમાં, ‘વિનોદની નજરે’ લેખમાળા પછી ઘણુંબધું પતી ગયું હોવા છતાં - બીજી આવૃત્તિમાં કેટલુંક ટાળવાના ઔચિત્યની એમને ત્યારે પ્રતીતિ થઈ ગઈ હોવા છતાં - અહીં વધુ ખોતર્યું છે એ અપરુચિવાળું બની ગયું છે, શોભાસ્પદ લાગતું નથી. પુસ્તકની પ્રસ્તાવનામાં એમણે લખ્યું છે કે, ‘મારાં કેટલાંક સગાં-વ્હાલાંની લાગણીને ઠેસ ન પહોંચે એ માટે ઉચિત ન લાગ્યું એવા પ્રસંગો ટાળ્યા છે.’ - એ વિવેક આ સાહિત્યકાર સ્નેહીઓ અંગે પણ જાળવવાનું એમને ન સૂઝયું? ખૂબ સરેરાશ વિદ્યાર્થી-કારકિર્દીવાળા ને લઘુતાગ્રંથિ-વાળા માણસનું એક લોકપ્રિય ને પ્રસિદ્ધ હાસ્યલેખકમાં પરિણમવું એ આશ્ચર્ય-આનંદ-રૂપ બનતી વ્યક્તિ- ઘટનાની વિકાસક રેખાઓ, તૂટક રહી હોવા છતાં, રસપ્રદ બની છે. વિનમ્રતા અને સાલસતાની સાથે રમૂજ-કટાક્ષની ધારવાળું આખાબોલાપણું અને અંદરની મક્કમતા; ઉદાર મિત્રભાવની સાથે જ અંદર પડેલી સણસણતી પ્રતિક્રિયા - એવાં સામેસામે ઊપસતાં સ્વભાવ-પરિમાણોનો પરિચય પણ આ આત્મકથાને નોંધપાત્ર બનાવે છે. લાયન્સ ક્લબના એક કાર્યક્રમમાં, વક્તવ્ય કરતા એક સાહિત્યકારને બોલતા અટકાવી વચ્ચે એમના ડિસ્ટ્રીક્ટ ગવર્નરને બોલવા દેવાનો વિવેકશૂન્ય પ્રસ્તાવ એક હોદ્દેદાર તરફથી આવે છે ત્યારે, એ સભાના સંચાલક તરીકે વિનોદભાઈએ સંયત પણ સ્પષ્ટ ભાષામાં ક્લબને અને પેલા ગવર્નરને જાહેરમાં જ એમની ધૃષ્ટતા ને અવિવેકનું ભાન કરાવેલું - એ પ્રસંગાલેખન એક લેખકનાં ગૌરવ-ખુમારીની રીતે સ્મરણીય બની રહે એવું છે. આત્મકથા તરીકે આ કૃતિ વાચકને આખરે કેવો અનુભવ આપી જાય છે ? વિસ્મયને બહેલાવી શક્તી કથનકુશળતા ને નર્મભરી શૈલીને લીધે પુસ્તક એક આનંદદાયક વાચન-અનુભવ બની રહે છે. ક્યારેક એ સ્પર્શક્ષમ પણ બને છે. પરંતુ એક સમૃદ્ધ કૃતિ વાંચ્યાનો પરિતોષ બાકી રહે છે. હાસ્ય આ આત્મકથાનું બળ છે કે નિર્બળતા - એવો પ્રશ્ન થાય. પણ લાગે છે કે લખાવટ ભલે હાસ્યના પુટવાળી હોય, લેખકે પૂરી સજ્જતા કામે લગાડીને ગંભીર આયોજન કર્યું હોય તો વધુ સારું પરિણામ આવી શકે. લેખકનો ઉદ્યમ(ઍફર્ટ) કંઈક ઓછો પડયો છે. કોઈ સ્પષ્ટ-ચુસ્ત યોજનામાં સંકલિત થવાને બદલે, આ ધારાવાહિક આત્મકથાના અંશો, સ્મરણમાં જેમ ઊપસતા ગયા એમ પ્રસંગો-ચરિત્રોથી જોડાતા ગયા છે. એથી ઘણું વિશૃંખલ રહ્યું છે. નાનાંનાનાં પ્રકરણોના ટૂંકાટૂંકા પ્રસંગો વચ્ચે પણ ઘણી ફૂદડીઓ જોવા મળે છે - જાણે કે ઘણું અકથિત રહી ગયું છે, અપર્યાપ્ત પણ રહી ગયું છે. આત્મકથા સુયોજિત હોય ને સભાન-ગંભીર પ્રયાસ હોય એથી એ કંઈ સાહિત્ય-રચના મટી ન જાય. એટલે, આ કૃતિમાંનું કેટલુંક એના હાસ્ય-નિબંધ-સાહિત્યમાં ખેંચાઈ જાય છે. પણ આત્મકથા જ આપી શકે એવાં, અત્યુક્તિ વિનાના તથ્યકથનમાં ગૂંથાતાં વ્યક્તિત્વ-પરિમાણો આ કૃતિને અળગી રાખે છે – સ્વતંત્ર ને નિજી મુદ્રાવાળી બનાવે છે.
‘પ્રત્યક્ષ’, જૂન ૨૦૦૦
‘મથવું – ન મિથ્યા’ પૃ. ૨૦૩ થી ૨૦૮