સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/ગુજરાતી નામીક સમાસ (જે. સી. દવે)


(૫) ગુજરાતી નામિક સમાસ (જે. સી. દવે)
વિશદ અને ચોકસાઈભર્યો અભ્યાસ

છેલ્લાં પાંચ-સાત વર્ષોમાં, વર્ણનાત્મક ભાષાવિજ્ઞાનના અધ્યયનના અનુષંગે વ્યાકરણના કેટલાક મુદ્દાઓ વિશે જે નોંધપાત્ર અભ્યાસો થયા છે એમાં આ અભ્યાસથી એક ઉમેરો થાય છે. આ બધા અભ્યાસોની પાછળ હરિવલ્લભ ભાયાણીની પ્રેરણા અને માર્ગદર્શન પડેલાં છે. ભાષાના બંધારણની દૃષ્ટિએ થતી રહેતી વ્યાકરણ અંગેની એમની વૈજ્ઞાનિક ચર્ચાઓથી વ્યાકરણરસિક અભ્યાસી ઉત્તેજાયા વિના રહેતો નથી. ગુજરાતી વ્યાકરણનું સમાસપ્રકરણ ખૂબ સંદિગ્ધ અને ચર્ચાસ્પદ રહ્યું છે, અને ક્યારેક તો વ્યાકરણ લખનારાઓએ એને વધુ ગૂંચવ્યું છે, ત્યારે જે. સી. દવેનો આ સ્પષ્ટ સિદ્ધાન્તચર્ચા અને વિપુલ ઉદાહરણસામગ્રી સાથેનો, ચોકસાઈભર્યો અને વ્યવસ્થિત અભ્યાસ વિશેષ ધ્યાનપાત્ર બને છે. પ્રથમ ત્રણ પ્રકરણોમાં એમણે ઐતિહાસિક અને સૈદ્ધાંતિક ભૂમિકા બાંધી છે. આરંભમાં, રૉબર્ટ ડ્રમંડના વ્યાકરણ (ઈ. ૧૮૦૮)થી માંડીને આજ સુધીનાં ગુજરાતી વ્યાકરણોની, સમાસ—ચર્ચાને ધ્યાનમાં રાખીને, ઐતિહાસિક આલોચના કરી એની મર્યાદાઓ ચીંધી આપી છે. કમળાશંકર ઇત્યાદિએ, ગુજરાતી સમાસ- રચનાનું વિવેચન સંસ્કૃત અનુસાર થવું જોઈએ—એવા આદર્શને સામે રાખીને, ગુજરાતીની સામગ્રીને સંસ્કૃતના માળખામાં મારીમચડીને બંધબેસતી કરી દેવાનો અને જ્યાં સ્પષ્ટ મુશ્કેલી ઊભી થાય ત્યાં એવી સામગ્રીને ટાળવાનો જે વિચિત્ર પ્રયાસ કર્યો એનાથી કૃત્રિમતા ઊભી થઈ છે અને ગુજરાતી સમાસ-રચનાનું સાચું ચિત્ર પ્રાપ્ત થતું નથી થયું. ગુજરાતીની તદ્ભવ સામગ્રીની સમાસ-રચનાઓની સમસ્યાઓ પરનું કામ તો, ભાષાની રચનાગત તપાસના અધ્યયન પછી, ટી.એન. દવે, હરિવલ્લભ ભાયાણી, પ્રબોધ પંડિત અને કાર્ડોના દ્વારા થયું—એવી, લેખકની ચર્ચા, ઝીણી પણ અગત્યની બાબતોની નોંધથી સ્પષ્ટરેખ બની છે.

સમાસના સ્વરૂપનિર્ણયની ચર્ચા, રૂપતંત્ર (morphology)ને કેન્દ્રમાં રાખી શબ્દની રચના(structure)ના સંદર્ભે થઈ છે. શબ્દસિદ્ધિમાં, નિબદ્ધ અને મુક્ત રૂપઘટકોનાં જુદીજુદી રીતે થતાં સંયોજનોથી જે વિભિન્ન વ્યાકરણી રચનાઓ તૈયાર થાય છે એ પૈકીની એક રચના (બે મુક્ત ઘટકોના સંયોજનથી રચાતો શબ્દ) તે સમાસ છે, સમાસ(compound) અને શબ્દજૂથ (phrase) અંગેની બ્લૂમફિલ્ડની વિચારણા ઉપરાંત હૉલ, હૉકેટ, સોસ્યૂર ઈત્યાદિની સમાસ- વિચારણાનાં ધોરણો ચર્ચીને જે. સી. દવેએ ગુજરાતી સમાસ-રચનાના સ્વરૂપનિર્ણયની વિગતે વાત કરી છે. સમાસના વર્ગીકરણ પરત્વે બ્લૂમફિલ્ડની Endocentric(અંતઃકેન્દ્રી) અને Exocentric(બહિ:કેન્દ્રી) પદ્ધતિને તથા સંસ્કૃતની પદપ્રધાનતાની પદ્ધતિને સાથે મૂકીને સામાસિક શબ્દના ઘટકોની મુખ્યતા—ગૌણતાને આધારે વર્ગીકરણની પદ્ધતિને એમણે તારવી આપી છે. એ પછી માખાઁડની સમાસવર્ણનની પદ્ધતિઓને ચર્ચીને પોતાના અભ્યાસની મર્યાદા બાંધી છે. પશ્ચિમમાં, સામાસિક રચનાઓનું જે વર્ણનાત્મક અધ્યયન થયું છે એની ચર્ચાને, ગુજરાતીની સમાસચર્ચાને સંદર્ભે મૂકીને એમણે સૈદ્ધાંતિક પીઠિકાને પુષ્ટ કરી છે. ચોથા પ્રકરણમાં પોતાના અધ્યયનની દિશાનો, એની વિષય—મર્યાદાને અનુલક્ષીને, સુરેખ આલેખ એમણે આપ્યો છે. એકપદપ્રધાન, અન્યપદપ્રધાન અને સર્વપદપ્રધાન એવા મુખ્ય વિભાગોના પ્રકારો અને પેટા પ્રકારોની ક્રમબદ્ધ અને રૂપરેખાત્મક નોંધ આપીને પછીનાં પ્રકરણોમાં પ્રત્યેક વિભાગ વિશે વિગતવાર ચર્ચા કરી છે. પરિશિષ્ટમાં સામાસિક શબ્દોની, શિષ્ટમાન્ય ગુજરાતીની વિપુલ સામગ્રીને યાદી રૂપે મૂકી છે. સમાસવર્ણનની, એમની પદ્ધતિ પણ ચોકસાઈપૂર્વકની અને વ્યવસ્થિત છે. મુખ્ય સમાસવિભાગોના પ્રકારો અને પેટા પ્રકારો, પરંપરા મુજબનાં (કર્મધારય, ઉપપદ, દ્વંદ્વ ઇત્યાદિ) લેબલોની રીતે નહીં, પણ ઘટકોની મુખ્યતા—ગૌણતા અને વ્યાકરણી મોભો દર્શાવી સામાસિક શબ્દના વ્યાકરણી મોભા અનુસાર પાડ્યા છે. આવું વર્ણનસૂત્ર આપ્યા પછી ઉદાહરણો, એ પૈકીનાં કેટલાકના વિગ્રહ અને જ્યાં ચર્ચાની જરૂર જણાઈ ત્યાં ટિપ્પણ— એ પદ્ધતિએ તેઓ ચાલ્યા છે. સમાસનું આ અધ્યયન આમ શાસ્ત્રીય અને સુરેખ છે. પરંતુ કેટલાક મુદ્દાઓ ચર્ચા માગી લે એવા છે :

(૧) પૃ. ૭૮ ઉપર ‘વજપકડ : વજની પકડ જેવી પકડ’ એવો વિગ્રહ આપ્યો છે તે બરાબર નથી. વજ પોતે જ રાખત, દૃઢ એથી, ‘વજ જેવી (સખત) પકડ’ એમ હોવું જોઈએ, કારણકે જેમ નકલ એ વાનરની લાક્ષણિકતા છે પરંતુ પકડ એ વજની લાક્ષણિકતા નથી પણ વજ એ પકડનું ઉપમાન છે. આથી આ ઉદાહરણ ખરેખર ૨. ૨. ૩. ૧ વાળા વિભાગમાં (‘રાજરમત - રાજ જેવી (ગુહ્ય)રમત’ – એ જૂથમાં) હોવું ઘટે. (૨) “પહેલો ઘટક સંશા (ગૌણ), બીજો ઘટક કૃદંત(મુખ્ય) અને પદપ્રકાર વિશેષણ’ – એવા, એકપદ પ્રધાન સમાસનાં આશાબંધ, ઝપાટાબંધ, છોબંધ વગેરે ઉદાહરણો આપ્યાં છે એ પૈકી ‘છોબંધ : છોથી બદ્ધ’ એવો વિગ્રહ કર્યો છે.(પૃ.૮૧). પરંતુ છોબંધ એટલે તો છો(ફરસ-floor)વાળું, છો સાથેનું. ‘-બંધ’ ઉત્તરપદવાળા આવા બીજા સમાસોમાં પણ ઉત્તરપદનો અર્થ બદ્ધ, બંધાયેલું(કૃદંત) એવો નથી પણ પૂર્વક, અનુસાર, –ની મુજબ જેવો છે( જેમ કે લાઈનબંધ - લાઈન મુજબ/પ્રમાણે, ઝપાટાબંધ — ઝપાટાથી/ઝપાટાપૂર્વક, મેડીબંધ — મેડી સાથેનું.) એટલે આ સમાસો અલગ ચર્ચા માગી લે છે. (૩) પૃ. ૮૩ ઉપર, ‘જીવલેણ’ શબ્દનો ‘જીવનું લેણ’ એવો વિગ્રહ કરીને એને ‘પ્રથમ ઘટક સંજ્ઞા (ગૌણ), બીજો ઘટક વિશેષણ (મુખ્ય) અને પદપ્રકાર વિશેષણ’ એવા એકપદપ્રધાન સમાસ તરીકે ઓળખાવ્યો છે. પણ અહીં લેણ એ વિશેષણ નહીં, સંજ્ઞાવાચક છે. ખરેખર તો આ સમાસ જીવતોડ, જડબાતોડ ઇત્યાદિ પ્રકારનો અન્યપદપ્રધાન(—ઉપપદ-) છે. ‘જીવ/જડબું તોડે તેવું’ એ રીતે ‘જીવ લે તેવું’ (ઉ. ત. જીવલેણ ઘા), (૪) જાણભેદુ શબ્દ પણ ચર્ચા માગી લે એવો છે. એમણે ‘જાણીતો ભેદુ’ (પૃ.૮૬) એવો વિગ્રહ આપી એને પહેલો ઘટક સંજ્ઞા(ગૌણ), બીજો ઘટક આખ્યાતિક રૂપ પરથી સિદ્ધ કર્તૃવાચક વિશેષણ(મુખ્ય) અને પદપ્રકાર વિશેષણ* એવો એકપદપ્રધાન સમાસ ગણ્યો છે. અહીં ગૂંચ વધે છે. ‘જાણીતો’ શબ્દને તેઓ કૃદંતના વિશેષણપ્રયોગ તરીકે ઓળખાવે છે તો પછી એને સંજ્ઞા તરીકે કેવી રીતે ઘટાવ્યું છે? એટલે જો ‘ભેદ જાણનાર’ એવો વિગ્રહ કરીએ અને એ અર્થ પણ પ્રચલિત છે જ - તો જ આ સમાસપ્રકારમાં એની સંગતિ થઈ શકે. અને આમ થાય તો, ઉપસંહારમાં જે. સી. દવે જે કહે છે કે, ‘સંસ્કૃત ભાષામાં એકપદપ્રધાન સમાસના વર્ગમાં પૂર્વપદપ્રધાન અને ઉત્તરપદપ્રધાન એમ બે પેટા વિભાગો પ્રાપ્ત થાય છે. ગુજરાતી સામગ્રીમાંથી એકપદપ્રધાન સમાસનાં પ્રાપ્ત થતાં બધાં ઉદાહરણો ઉત્તરપદપ્રધાન સમાસનાં છે.’(પૃ. ૧૩૭) એમાં આ સમાસ એક અપવાદરૂપ (પૂર્વપદપ્રધાન)બને. ઘરભેદુ (ઘર ભેદનાર, ઘરનો ભેદુ) સાથે ઉત્તર પદના ધ્વનિસામ્યને કારણે ‘જાણીતો ભેદુ’ એવો વિગ્રહ અહીં થઈ ગયો લાગે છે. કેટલાંક ઉદાહરણોમાં એકપદપ્રધાનત્વ અને અન્યપદપ્રધાનત્વનો ભેદ વાક્ય/ ઉક્તિ કક્ષાએ જ સ્પષ્ટ થઈ શકે જેમ કે પીતાંબર(૰ વિષ્ણુ), તર્કસંગત(0 વાત), ભાવભીનું 0 સ્વાગત) વગેરેનો ખુલાસો વાક્યકક્ષાએ જ મળી શકે—ખાસ કરીને જેમાં રૂઢિ કે લક્ષણા પ્રવર્તતી હોય એવા શબ્દો પરત્વે. અલબત્ત, આવા વાક્યરચનાગત સંબંધો તપાસતો Transformational approach એમણે અહીં સ્વીકાર્યો નથી પરંતુ આ મુદ્દાની કેટલીક સ્પષ્ટતા, વર્ણનાત્મક ચર્ચામાં પણ થઈ હોત તો ઠીક થાત. ડૉ. દવેનું આ અધ્યયન વ્યાકરણમાં રસ ધરાવનાર જિજ્ઞાસુને તેમજ અભ્યાસીને તોષે એવું છે.

ગ્રંથ, ઑગસ્ટ, ૧૯૭૭
‘સમક્ષ’ પૃ. ૧૮૯ થી ૧૯૨