સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/મને કશી અવઢવ નથી (વિવેચકની કેફિયત)

(૨) મને કશી અવઢવ નથી

(વિવેચક-કેફિયત)

‘કિશોરવયથી કવિતા લખતો થયેલો ને કૉલેજકાળમાં જ ‘કુમાર’, ‘કવિતા’, ‘કવિલોક’માં કાવ્યો પ્રગટ થવા લાગેલાં પણ એ પછી કવિતા ઝડપથી છૂટવા માંડેલી... કેમ ? – એનો કોઈ સ્પષ્ટ જવાબ નથી.પહેલેથી જ, વાંચવાની એક જબરદસ્ત ધૂન હતી – બધું જ વંચાયે જતું. એવી કોઈ ખાસ પસંદગી ન હતી, કોઈ લક્ષ્ય વિના બિલકુલ અતંત્રપણે પણ પુષ્કળ વંચાતું. વાચનરસ જ પ્રબળ થતો ચાલ્યો. ક્યારેક એક દિવસમાં એક નવલકથા વંચાઈ જાય, કોઈવાર સાહિત્યના ઇતિહાસનું પુસ્તક પાનાંનાં પાનાં સુધી હાથમાંથી છૂટે નહીં. અધ્યાપન કરવાનું આવ્યું ત્યારે વાચનને કંઈક દિશા મળી, પણ સાથે વ્યાપ પણ વધ્યો. જિજ્ઞાસા વિસ્તરતી ગઈ. થાય કે, અરે, ભણ્યો ત્યારે આ બધું તો વાંચ્યું જ નહીં ! લાઇબ્રેરીના ઘોડા બહુ પરિચિત થવા લાગ્યા. એમાં ને એમાં, પેલું કાવ્યાદિ લખવાનું, થોડુંઘણું હતું એ ય છૂટી ગયું. (ખરેખર એથી જ છૂટી ગયું હશે ?) તો, વિવેચન ક્યારે શરૂ થયું ? ઉત્તમ વિવેચનગ્રંથો વાંચીને તો આહલાદક તૃપ્તિ થતી પણ મધ્યમ કક્ષાના વિવેચને—કોઈને I આશ્ચર્ય થાય પણ - મને ધક્કો માર્યો: આવું લખાય? આનાથી સારું લખી શકાય... લખવું જોઈએ... પણ લખું એનાથી છેકું વધારે. આત્મવિશ્વાસનો અભાવ? કે પૂર્ણતાનો - પૂર્ણતાનો નહીં તો ચોકસાઈનો આગ્રહ? કદાચએ બંને ગાંઠો વળાઈ ગઈ હોય, સજ્જડ. તે આપણી ગતિ ધીમી, છેક આજ લગી! છેવટે પહેલું વિવેચન લખ્યું, ત્રીજે મુસદ્દે સરખું લાગ્યું, છપાવા મોકલ્યું (ને અલબત્ત છપાયું) – તે હતું વિવેચનનું વિવેચન, સમીક્ષા! પરંતુ રસ વધારે કવિતામાં, તે ઉશનસની કવિતા પર પીએચ.ડી. માટે નિર્ધાર કર્યો. વાંચવા-લખવા-છેકવા - ફરી લખવાનો એ પ્રલંબ મનોયત્નકાળ આત્મવિશ્વાસને અને વિવેચન અંગેની મારી બંધાતી સમજને ઉપર તારવી લાગ્યો. પીએચ.ડી.ના મારા પરીક્ષકો મને લેખક-બેખક તરીકે તો ઓળખતા ન હતા. (ચાર-છ લેખો જ થયા હશે ત્યાં સુધી, તે ક્યાંથી ઓળખે ?) – પણ નિબંધથી એ બંને પ્રસન્ન ! (પીએચ.ડી.ના પરીક્ષકોનાં નામ જણાવવાની કાયદેસર બંધી છે!) એ નિબંધ છપાયો. એમ ચાલ્યું.

ભણાવવાને કારણે વિવેચનપ્રવૃત્તિ પોષાતી-વિસ્તરતી રહી. (કેટલાબધા માટે આ સાચું હશે !) પણ એક વલણ શરૂઆતથી જ રહ્યું : અભ્યાસક્રમમાં આવતી હોય એ સાહિત્યકૃતિઓ વિશે કે અભ્યાસમુદ્દાઓ વિશે, પરીક્ષાર્થી-લાભાર્થે કદી લખી છપાવ્યું નહીં. ભણાવવા માટે સતત વાચન-નોંધો કરી એ સ્મૃતિને ટેકો કરવા પૂરતી, એનો એ પછી કદી ઉપયોગ ન કર્યો, બીજે વર્ષે એ જ કૃતિ હોય તો પણ અગાઉની નોંધ હાથવગી રહી નહીં, રાખી નહીં - ફરીવાર એ જ કૃતિ નવેસર વાંચવા-શીખવવામાં એ નોંધો નાહક નડતરરૂપ બને. સાહિત્યિક પત્રકારત્વ વિષય પહેલીવાર ભણાવ્યો ત્યારે ઘણાં પુસ્તકો વાંચીને કેટલી બધી સ્મૃતિનોંધો કરેલી ! પણ પછી એના પરથી ચોપડી ન કરી. મનનું એવું વિલક્ષણ વલણ કે વાંચવાની ને ભણાવવાની લિજ્જત પૂરેપૂરી માણવી; પણ એની ‘રોકડી’ શું કરી લેવી વળી! પરંતુ ગુજરાતી કૃતિઓ વિશે જે લખાયું મારા દરેક પુસ્તકમાં ગ્રંથ-સમીક્ષાઓ છે, એક તો આખેઆખું પુસ્તક (‘સમક્ષ’) સમીક્ષાઓનું છે—એ સાહિત્ય અને વિદ્યાની સંસ્થાઓમાં વક્તવ્યો, પરિસંવાદો, પરિચર્ચાઓ, શિબિરોને કારણે લખાયું. ‘પ્રત્યક્ષ’માં અને અન્ય સામયિકોમાં નિજ-પસંદગીનું પણ લખવાનું થયું. મૂર્ત વિવેચનમાં જ મને હંમેશાં રસ રહ્યો છે. જેને કેવળ સિદ્ધાન્તચર્ચા કે સિદ્ધાન્ત વિવેચન કહેવાય એવું મારાં લખાણોમાં નથી. સાહિત્યસ્વરૂપોની વાત કરતી વખતે કે વિવેચનના સ્વરૂપ વિશે લખતી વખતે કે પછી સામ્પ્રત સાહિત્યની સમસ્યાઓની ચર્ચા કરતી વખતે મારી સૈદ્ધાન્તિક ભૂમિકાઓ કે સૈદ્ધાન્તિક વિચારણાઓ બહુ સ્પષ્ટ રૂપમાં મુકાતી રહી છે પરંતુ વ્યાપકપણે તો પ્રત્યક્ષ વિવેચન કૃતિના આસ્વાદથી લઈને ઐતિહાસિક પ્રવાહદર્શન સુધીનું વિવેચનપ્રત્યક્ષ મારાં વિવેચનાત્મક લખાણોનું ફલક રહ્યું છે. એ મારી નિર્ણિત કરેલી સીમા છે. મને શોધલક્ષી તપાસમાં જવું વધુ ગમતું રહ્યું હોવાથી ૧૯મી સદીનું સાહિત્ય અને વિવેચન, સાહિત્યિક-સાંસ્કૃતિક સંચલનો, કોશવિજ્ઞાન અને સૂચિવિદ્યા જેવાં વિષયક્ષેત્રોમાં મારી નજર વધારે ગઈ છે. એક છેડે કાવ્યકૃતિનાં સૌંદર્યસ્થાનો અને રચનાઘટકોમાં તથા બીજે છેડે કોશ જેવાં જ્ઞાનસાધનોના પદ્ધતિશાસ્ત્રમાં મને એકસરખી દિલચશ્પી રહી છે.

મારા વિવેચનલેખોનો પહેલો સંગ્રહ થયો - ‘વિવેચનસંદર્ભ’, એમાં બધા જ લેખો, ગ્રંથસમીક્ષા, લેખક અભ્યાસ સાહિત્ય સમસ્યાના વિવિધ લેખો વિવેચનનું વિવેચન આપનારાહતા. એની સમાન્તરે, અંતરિયાળ તો હું મારાં પોતાનાં વિવેચનલખાણોનું પણ વિવેચન કરતો રહ્યો. ઘસી-માંજીને બધું સ્પષ્ટ-સ્વચ્છ રાખવાનાં ને મજબૂત કરવાનાં સજ્જતા-વ્યાયામો ચાલ્યાં કરતાં. એ જાતતાલીમના મુખ્ય મુકામો રહ્યા : પરિસંવાદ-વક્તવ્યો, કોશ-કાર્ય-અનુભવો અને સમીક્ષા-સામયિક ‘પ્રત્યક્ષ’નું સંપાદનકાર્ય. પરિસંવાદો અને વ્યાખ્યાનો કેવળ જાહેર મંચ બનવાને બદલે મારે માટે મારા વિવેચનલેખનની વર્કશૉપ બની રહ્યા છે ને એ રીતે પ્રતિપોષક નીવડયા છે. મેં એક જગાએ નોંધ્યું છે એમ, એમાં ‘સર્વગ્રાહી પૂર્વતૈયારી, વક્તવ્યના મરોડોને ઝીલી શકે ને સાંભળનારમાં ઝિલાય એવું લેખન, અને પછી પ્રકાશનપૂર્વે એનું ફેરલેખન’, એવો મોરચો રહ્યો છે. [જુઓ : પૂર્વકથન (પ્રસ્તાવના). ‘ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે’ (૨૦૧૩)] આને કારણે વિવેચન ભારઝલ્લું કે સંદિગ્ધ રહેવાને બદલે પારદર્શક, અર્થપૂર્ણ અને પ્રવાહી બન્યું છે; એવું કરવાનો મારો હંમેશાં પ્રયત્ન રહ્યો છે. ‘ગુજરાતી સાહિત્યકોશ’ (ગુજરાતી સાહિત્ય પરિષદ)માંની પાંચ વર્ષની કામગીરીએ મારા વિવેચન પર પણ વિધાયક અસરો કરી છે. સર્વાશ્લેષી છતાં સંક્ષિપ્ત, સઘન છતાં સ્પષ્ટ અને સંક્રમણશીલ, સાધાર અને ચોકસાઈવાળું લખાણ એ કોશની પરમ આવશ્યકતા. એ કોશ માટે અધિકરણો લખવામાં ને બહારથી લખાઈને આવેલાં અધિકરણો સંપાદિત કરવામાં – એ બંને પર સતત રંધો મારીને સરખું કરતા રહેવામાં શાસ્ત્રીય લખાણની એક વિશિષ્ટ તાલીમ અંકે થતી ગઈ. એણે વિવેચનને પણ - એનું સ્વરૂપ કંઈક જુદું હોવા છતાં - ઘૂંટેલું ને સફાઈદાર કરવાની ટેવ પાડી. સામગ્રીની પ્રતીતિકરતાની સાથે જ અભિવ્યક્તિ મરોડો પર ને વાક્યાવલિ સુધ્ધાં પર જાણે કે સૂક્ષ્મતાદર્શક કાચ મુકાતો થઈ ગયો. એવા સંઘેડા પરથી ઊતરી આવેલા લખાણને જોઈને તાજગી આવી જતી! કોશ-સંપાદને મારી ઇતિહાસદૃષ્ટિને પણ ચોખ્ખી નેસતેજ રાખી. ‘પ્રત્યક્ષ’ના સંપાદનમાં જેમ કોશ-કાર્ય-અનુભવ ખપે લાગ્યો એમ ‘પ્રત્યક્ષ’ દ્વારા, સરજાતા સાહિત્યના સતત ને સઘન સંપર્કે મારા વિવેચનની દિશાઓ વધુ સ્પષ્ટ કરી. એ બે સ્તરે થતું રહ્યું : અહીં પણ, મેળવેલાં લખાણોનેય જરૂર પડે તો / ત્યાં સંપાદિત કરવાનાં હતાં. ભાષાસંમાર્જન તો, ક્યાંક વધારે તો ક્યાંક સાવ જ ઓછું પણ બધે જ કરી લેવાનું થતું જ હતું. વાચક ગ્રાહકને ઉત્તમ ચીજ પણ સુઘડ રૂપે પહોંચાડવાની હોય - એવી સંપાદક-જવાબદારી સમજીને જ સ્વીકારી હતી. (એ રીતે, સમીક્ષા-સામયિકના સંપાદનને પણ મેં મારી વિદ્યાપ્રવૃત્તિ- વિવેચનપ્રવૃત્તિનો જ એક ભાગ ગણ્યો છે. મારું લખવાનું ઓછું થયું હોય તો એની પરિપૂર્તિઆનાથી થઈ છે એમ મેં માન્યું છે.) વળી, સામ્પ્રત સાહિત્યને ઝીલતી અનેક રીતની – બલકે પ્રકારપ્રકારની સમીક્ષાઓ આવતી રહી એણે સમીક્ષાના સ્વરૂપ વિશે પણ મને વિચારતો રાખ્યો. (ગ્રંથસમીક્ષા-વિશેષાંક એની નીપજરૂપ હતો.) લક્ષ્ય ચૂકી જવાય તો ઉત્તમ અભ્યાસ પણ ઉત્તમ સમીક્ષામાં ન પરિણમે એસ્પષ્ટ થયું, એ ઉપરાંત, સમીક્ષ્ય પુસ્તકનાં ટીકા કે પ્રશંસા સ્વૈર નહીં પણ આધારો સાથે આવ્યાં હોય તો જ એ પ્રતીતિકર ને અર્થપૂર્ણ બને એ ખ્યાલ, મારાં પોતાનાં -સમીક્ષાનાં ને દરેક પ્રકારનાં વિવેચન લખાણોમાં – દઢમૂળ થતો રહ્યો. ‘પ્રત્યક્ષ’ને જ કારણે થયું - ને એ સિવાય ન જ થયું હોત— તે, સાહિત્યના સામ્પ્રતની લાક્ષણિકતાઓ અને સમસ્યાઓનો વિમર્શ કરતા મારા સંપાદકીય લેખો ‘પ્રત્યક્ષીય.’ ચિકિત્સક દૃષ્ટિએ એ લખાતા રહ્યા છે, ને જે કહેવાયોગ્ય લાગે તે ચોખ્ખું, અસંદિગ્ધ રીતે, ફોડ પાડીને બતાવવું તેમજ આકરી ટીકા કરીને પણ કોઈ વિધાયક મુદ્દો સૂચવવો એવું એમાં લક્ષ્ય રાખ્યું હોવાથી ઊહાપોહનું નરવું રૂપ એમાં ઊપસી શક્યું છે. શતાબ્દીટાણે ‘સાહિત્ય પરિષદની આરપાર’ એ પ્રત્યક્ષીય લેખ (ઑક્ટો.-ડિસે. ૨૦૦૫)ના, એના વળતા જ અંકમાં ૨૨-૨૩ લેખકમિત્રોએ વિચારણીય ચર્ચા-પ્રતિભાવો આપેલા; અને પ્રત્યક્ષીય લખાણોના મારા વિવેચન-પુસ્તક ‘પરોક્ષે પ્રત્યક્ષે’ (૨૦૦૪)ની, મારા બીજા કોઈપણ પુસ્તક કરતાં વધુ સમીક્ષાઓ થઈ એમાં, બીજો કોઈ મોટો દાવો કરવાને બદલે હું કહું કે, વિશ્વસનીયતાનો બહોળો સ્વીકાર અવશ્ય છે. ટૂંકા સમીક્ષાત્મક કે વિમર્શાત્મક લેખો પરથી ક્રમશ:, અને એની સમાન્તરે પણ, લાંબા મૂલ્યાંકનલક્ષી, સંશોધનમૂલક અને પર્યેષણાત્મક લેખો તરફ મારી ગતિ રહી છે, જરૂર પડ્યે એક જ પાનાની સઘન સમીક્ષાઓથી માંડીને ‘સત્ય’ (જયંત ગાડીત) નવલકથાની અને ‘લેખનરીતિ’ જેવા સંદર્ભ-પુસ્તકની સુદીર્ઘ-સઘન સમીક્ષાઓ સુધી જવાનું બન્યું છે. પંદર-વીસ મિનિટના પરિસંવાદ-વક્તવ્ય પછી, એ કામચલાઉ લખાણને આધારે, પછી વધુ સંદર્ભો ઉથલાવીને ‘૧૯મી સદીનાં સામયિકપત્રો : સાહિત્યિક-સાંસ્કૃતિક પ્રવાહો’ જેવા અધ્યયન-લેખો સુધી વિસ્તરવામાં મને રસ પડતો રહ્યો છે.

વિવેચન શા માટે? એક વિદ્વત્ પ્રવૃત્તિ ને એક શાસ્ત્રીય પરંપરા તો એ છે જ પણ એની સ્પષ્ટ ઉપાદેયતા શી છે — શામાં છે? શા માટે વંચાય છે વિવેચન? ને શા માટે કોઈ વાંચે વિવેચન? - એવા પ્રશ્નોનો સામનો કર્યા વિના કોઈએ પણ વિવેચનમાં ઝંપલાવવું ઘટારત નથી. (આ હું શું કરી રહ્યો છું, એવું તો થવું જોઈએ ને કોઈપણ માણસને - સર્જકને તેમ વિવેચકને પણ?) મને હંમેશાં લાગ્યું છે, ને ધીમે ધીમે એ વધુ સ્પષ્ટ ને વધુ દૃઢ થતું ચાલ્યું છે કે, કહ્યું નક્કર ન કહેવાનું હોય, કોઈ બે વાત ઉમેરી આપવાની કે ઉજાળી આપવાની ન હોય, અભ્યાસને ચરિતાર્થ કરી આપી શકાવાનો ન હોય કે વાંચ્યાના કોઈ આનંદને પણ પ્રતીતિકર રૂપે મૂકી આપવાનાં ત્રેવડ ને તૈયારી ન હોય તો વિવેચનની પ્રવૃત્તિ ક્ષુલ્લક, ઉપરછલ્લી ને બિનઉપયોગી છે. વિવેચનનો એક લેખ સ્વંતત્ર રીતે વિચારણીય કે ઊહાપોહજનક બનતો ન હોય તથા એક વિવેચકની કારકિર્દી આખી સાહિત્યપરંપરાને, વિવેચનની પરંપરાઓને પામવામાં તેમજ એનીસાથે મુકાબલો કરવામાં વિકસતી ન રહે તો વૃથા શાને વિવેચન? અને મારી એક જિદ રહી છે કે વિવેચન અવાચ્ય કે દુર્વાચ્ય ન બનવું જોઈએ. વિવેચન વિવેચકોના બહોળા અધ્યયનનો નિચોડ હોઈ, કોઈ બહુ સંકુલ સિદ્ધાંત કે વિચાર એણે હાથ ધર્યો હોય, પરિભાષાથી પોતાના લખાણને સુત્રિત કે સંકલિત કરવું જરૂરી હોય—ત્યારે પણએની રજૂઆત ગૂંચ વિનાની, સંદિગ્ધતા વિનાની, અ-દુર્બોધ હોવી જોઈએ. એટલે કે વિવેચ્ય વિષય અંગે જ નહીં, અભિવ્યક્તિ અંગે પણ વિવેચકની એવી સજ્જતા હોવી જોઈએ. ભાષા પર વિવેચકની એટલી પકડ તો હોવી જોઈએ, લખાવટને મથામણપૂર્વક એવી કેળવી હોવી જોઈએ કે અભ્યાસી વાચકને માટે એનું લખાણ પાર-દર્શક બની રહે. ‘વિવેચનની ભાષા’નું એક મુખ્ય પરિમાણ આ પણ છે એ મેં હંમેશાં લક્ષમાં રાખ્યું છે. અને એક ડગલું આગળ જઈને કહું કે વિવેચન સુવાચ્ય બને એમ સુખપાઠય પણ શા માટે ન બનવું જોઈએ? નર્યાં આસ્વાદિયાં, બેજવાબદારીથી વખાણે કે નિંદાએ ચડેલાં, રંગદર્શિતાના ભદ્દાં શણગારવાળાં રસપ્રદ(!) લખાણોની વાત હું નથી કરતો, પરંતુ તમારો અભ્યાસલેખ કે તમારી સમીક્ષા માર્મિક–ને ક્યારેક મર્માળાં પણ બનવાં જોઈએ, મૂળ વાતનું ગૌરવકેન્દ્ર છોડયા વિના. સર્જનાત્મકતાના કોઈ હીણા ઉફરાટ વિના પણ વિવેચન સુવાચ્ય સાથે સ્વાદ્ય પણ હોઈ શકે. વિવેચનને કષ્ટદાયી કરીને એનો દમામભર્યો ‘મોભો’ ઊભો કરવો જરૂરી નથી – બલકે એવું કરવું એ વિવેચન માટે વિઘાતક પણ બને. સાહિત્યજગતને વિવેચન-વિમુખ કરવા બેસી જવું એ ઠીક નથી. ઉમેરું કે, ‘પ્રત્યક્ષ’માંની સમીક્ષાઓમાં પણ, લખાવટનાં વિવિધ સ્તરોને મેં સ્વીકાર્યાં છે ક્યારેક અનુમોદિત પણ કર્યાં છે. સમીક્ષા જરૂર પડયે વિશ્લેષક પણ હોય ને જરૂર પડયે, ટીકાપાત્ર સ્થાનોની હળવી શૈલીથી ખબર લેનારી પણ હોય જ. મારા વિવેચનલેખનને પણ લખાવટના બહુવિધ સ્તરોમાં, ચુસ્તીભર્યા વિશ્લેષણથી લઈને હળવાશભર્યા પણ અર્થસાધક પ્રયોગોમાં વિસ્તરવા દીધું છે. વિવેચન એ ગંભીર પ્રવૃત્તિ છે. શાસ્ત્રીયતાની પીઠિકા વિના, સાહિત્ય અને વિવેચનના બહોળા પરિશીલન વિના એ પરિપોષણ પામ્યા વિનાની પાડુર થઈ જાય. પરંતુ સાધનાને અંતે કઠોરતા નહીં પણ સૌમ્ય હળવાશ આવવી જોઈએ એ પણ એટલું જ સાચું છે.

સ્પષ્ટવક્તવ્ય અને નિર્ભીકતા વિવેચકનાં એવાં લક્ષણો છે કે એ તમે ધરાવતા હો તો બે વખાણનારની સામે બાર વખોડનાર તૈયાર હોય છે. એટલે, વિવેચન કરવા થકી મારે સામાજિકો (!) તરફથી અણ-ગમો વેઠવાનો આવ્યો છે.આપણા સાહિત્યજગતનો મોટો ભાગ વિધાયક ટીકા પણ સમજવા ટેવાયેલો નથી. લેખકો આળા હોય છે, ને એથીય વધુ તો, સાહિત્ય-સમાજમાં ડંડો જમાવીને બેઠેલા સ્થાપિતો તો ટીકાનું ટીપું પણ ચલાવી લેવાની સહિષ્ણુતા ધરાવતા નથી. એટલે સુધી કે સ્થાપિતોની એક પ્રકારની પ્રચ્છન્ન સાહિત્યિક વાડાબંધી પણ પ્રવર્તે છે ને કંઈપણ સાચું ને સ્પષ્ટ કહેનાર-લખનારને, એની યોગ્યતા ઉવેખીને પણ, બહાર રાખવાની ધૃષ્ટ તકેદારી રખાય છે. એની પરવા કર્યા વિના મેં લખ્યું છે. છેલ્લા બે-અઢી દાયકાથી, ‘પ્રત્યક્ષ’ જેવા સંવેદનશીલ સામયિકનું સંપાદન કરતો હોવાથી, એની સંપાદકીય નોંધો ઉપરાંત, એમાંની સ્પષ્ટ ને આકરી લાગેલી સમીક્ષાઓનો ગેરલાભ, તે તે સમીક્ષકની સાથે જ મને સંપાદક તરીકે પણ મળતો રહ્યો છે. વિવેચક-સંપાદક એટલે વાડા-સમાજનો બેવડો ગુનેગાર! પરંતુ મારી ચિંતા બીજી છે : મારું એવું નિરીક્ષણ છે કે, આવી ડંડાગીરીને કારણે ગુજરાતીમાં નિર્ભીક વિવેચન - ખાસ કરીને સમકાલીન કૃતિઓની સાચી-આકરી સમીક્ષાઓ - લખાવાનું ઓછું થઈ ગયું છે. નવી પેઢીમાં તો એ ઓછું ને ઓછું થતું જાય છે. અલબત્ત એ પ્રકારના બેપાંચ સક્ષમ વિવેચકો તો આજે પણ છે પરંતુ ક્રમશ: સાહિત્યજગતની રખેવાળી ને ખબરદારી નબળાં પડતાં જાય છે. સંરક્ષક(ગાર્ડડ) ને નિર્માલ્ય વિવેચન વધતું જાય છે. થોડાંક વર્ષો પહેલાં મધ્યમબરતાની ઘૂસણખોરી અંગે સૌને ચિંતા થતી હતી, આજે તો હવે મધ્યમશક્તિઓવાળા સાહિત્ય અને વિદ્યાનાં અનેક ઉચ્ચ સ્થાનો પર વિરાજમાન છે. હેય અને ઉપાદેયનો વિવેક કરનાર વિવેચન હાંસિયા તરફ ધકેલાતું જ જાય છે. એક નિર્દેશ કરવો જરૂરી છે ને એમાં મારી કેફિયત પણ પડેલી છે – કે, વિવેચન એ ખૂબ જ જવાબદાર પ્રવૃત્તિ છે ને નિર્ભીક વિવેચકે તો સવિશેષ જવાબદારીથી વર્તવું પડે છે. નિર્ભીક વિવેચન એટલે ઘણું મથીને, વિચારીને, પૂરી કર્તવ્યબુદ્ધિથી કરેલું વિવેચન. એવા વિવેચકે ભાષાની શક્તિઓનો પણ કસ કાઢવો પડતો હોય છે, અસરકારક કહેવા માટે પણ વિવેચનભાષાને કેળવવી પડતી હોય છે, ચુસ્ત રીતે નિયંત્રિત કરવી પડતી હોય છે. કષ્ટસાધ્ય હોય છે એવું વિવેચન, ભલે પછી એ પાણીના રેલાની જેમ વહેતું દેખાતું હોય. – એ મારો જાત-અનુભવ છે. પણ નિર્ભીક એટલે તોછડું, ઉદંડ કે બેજવાબદાર નહીં જ. એવું ભાંડણ વિવેચન પણ ક્યાંક ક્યાંક દેખાય છે. સ્વ-અર્થે, નિજાનંદે, કેવળ પરપીડનાર્થે, સાહિત્ય સાથેની નિસબતને ને અદબને બાજુએ મૂકીને આવું લખાય છે એ પણ આપણી કમનસીબ વાસ્તવિક્તા છે. વિવેચન એ મારું પ્રાપ્ત કર્તવ્ય તો છે જ, પણ એ મારો આનંદ પણ છે. પેલા અખૂટ વાચનરસે, ઉત્તમ સાહિત્યકૃતિઓના આસ્વાદ-રોમાંચે મને વિવેચનની દિશા બતાવેલી. એ રોમાંચ પછી અધ્યયન-સંશોધનને રસ્તે પણ પ્રસરતો રહ્યો. ઉત્તમ વિવેચનગ્રંથોનું સેવન પણ પરિપોષક એટલું જ આહ્લાદક પણ બન્યું છે. વિવેચન લખતાંલખતાં જ ઉત્તમ સર્જનાત્મક કૃતિઓ ચિત્તમાં વધુ ને વધુ ઊઘડતી ગઈ ને વિવેચન લખતાંલખતાં જ વિવેચનનાં શાસ્ત્રીયતા, રીતિ-પદ્ધતિ, લખાવટશિસ્ત કેળવાતાં ગયાં છે. પરંતુ, શાસ્ત્રીયતાનો આગ્રહ સેવીનેય શુષ્કતા કે સંવેદનબધિરતાને અંદર પ્રવેશવા દીધાં નથી. એ રીતે, ‘મારો વિવેચનવિકાસ’ એવો શબ્દપ્રયોગ કરવો જ હોય તો એ અર્થમાં કરી શકાય કે મારું વિવેચન વસ્તુ-લક્ષિતામાંથી, વસ્તુ કેન્દ્રી રહીનેય, આત્મલક્ષિતાના પ્રદેશને પણ પોતાનો કરતું રહ્યું છે. મૂર્ત અને પ્રત્યય વિવેચનો એ ઘડાતી જતી આત્મલક્ષી દૃષ્ટિના આલેખો છે, એમ મારે વિશે કહેવામાં મને કશી અવઢવ નથી. સંસ્કૃતની અને પશ્ચિમની સમૃદ્ધ પરંપરાઓથી પોષાયેલી અને પોતાનું આગવું વિત્ત દાખવતીરહેલી આખીય ગુજરાતી વિવેચન પરંપરાનું મારા પર કેટલું બધું ઋણ છે! એ પરંપરાની એક નાનીસરખી કડી બની શકું તો એને પણ મારું પ્રદાન લેખું, બલકે મારો પરમ સંતોષ માનું.

‘શબ્દસૃષ્ટિ’ ઓક્ટોબર ૨૦૧૪ પૃ. ૧૩૭ થી ૧૪૨’