સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/ઝટપટ સંપાદનો : સંપાદનપ્રવૃત્તિના મૂલ્યનું હ્રસ્વીકરણ

(૪) ઝટપટ સંપાદનો : સંપાદનપ્રવૃત્તિના મૂલ્યનું હ્રસ્વીકરણ

ગંભીરતા અને જવાબદારીથી લેતાં જે કામ બહુ વિચાર માગી લેનારું અને મથામણ કરાવનારું હોય છે એને ઘણીવાર આસાન બનાવી દેવામાં આવતું હોય છે! દાખલા તરીકે કાવ્યો, વાર્તાઓ આદિના સંચયોનું સંપાદન. કોઈક નિમિત્ત મળ્યું નથી – ને પ્રકાશનસુવિધા મળી નથી—કે તાબડતોબ આવો, સરળ કરી નાખેલો, સંચય તૈયાર કરી દેવાય છે. થોડીક કૃતિઓ સ્મરણવગી હોય, કેટલીક તો દેખીતી રીતે જ ઉત્તમ હોય ને કેટલીક રૂઢિ રૂપે, કાયમ ખાતે, ઉત્તમ કે પ્રતિનિધિ તરીકે ચલણી થયેલી હોય, બાકીની જુદાજુદા પૂર્વપ્રકાશિત સંચયોમાંથી અલગઅલગ વાનગીઓ રૂપે ઉપાડી લીધી હોય (કો’ના તળાવા ને કો’ની પિંજણીઓ...?) અને એમ સંચય તૈયાર! ક્યારેક ગમતાનો ગુલાલ ઉડાડવાનું ઉત્સાહી-રંગદર્શી વલણ જોવા મળે: મને અંગત રીતે આ કૃતિઓ ખૂબખૂબ ગમેલી છે; લો હવે તમે પણ માણો. ન કોઈ પૂર્વયોજના, ન સ્પષ્ટ પ્રયોજના, ન કશી વ્યવસ્થા. આ રીતે બધું ભેગું કરીને પ્રેસભેગું કરવું એટલે થયું ‘સંપાદન! નિશ્ચિત પ્રયોજનથી ને દૃષ્ટિપૂર્ણ આયોજનથી ગુજરાતીમાં આજ સુધીમાં થયેલા કેટલાક ઉત્તમ સંચયોએ, અલબત્ત ઘણી મહત્ત્વની ને ઉપકારક ભૂમિકા ભજવી છે પણ ટૂંકજીવી નિમિત્તોથી, કશા ગંભીર આયોજનના ને સૂઝના અભાવે, કેવળ મનસ્વિતાથી થયેલા ઘણા સંચયોએ કેટલાક પ્રશ્નો ઊભા કર્યા છે. કૃતિપસંદગી, સંચયના મુખ્ય પ્રયોજનના સંદર્ભે નિર્ણાયક બની રહેનારી બાબત હોય છે ને એથી પસંદગીનું કામ ખૂબ પડકારરૂપ હોય છે. સતત વાચન-અધ્યયનથી પરિષ્કૃત થયેલી રુચિવાળા અભ્યાસી સંપાદકને પણ અનેક ઉત્તમ કૃતિઓ એનામનમાં રમતી હોવા છતાં પસંદગી માટે શ્રમ કરવો પડતો હોય છે: ક્યારેક કોઈ બે કૃતિમાંથી એકની પસંદગી માટે દિવસો સુધી મથવું પડતું હોય છે કારણ કે કેવળ અંગત રુચિની સુકરતાનો રસ્તો એણે પસંદ નથી કર્યો હોતો. ઐતિહાસિકતાના – ને પ્રતીતિના પણ - સંદર્ભને એણે ધ્યાનમાં રાખ્યો હોય છે. એની આ મથામણની કેફિયતને સમાવતો, એણે વિપુલમાંથી જે છોડી દીધું છે એથી પડેલા અવકાશના અંકોડા જોડી આપતી પ્રવાહચર્ચા કરતો અને એના સંપાદકીય પ્રયોજનને સ્પષ્ટ કરી આપતો અભ્યાસલેખ કોઈપણ સંચયની એક અનિવાર્ય જરૂરિયાત ગણાય. એને બદલે ક્યારેક તો સાદા-ટૂંકા નિવેદનથી કે અભ્યાસની પ્રતીતિ ન કરાવતી લાંબી-ટૂંકી આછી-પાતળી ભૂમિકાથી ચલાવી લેવાય છે. એથી, આવા સંચયો આપણને ખાસ કશા ઉપયોગી થતા નથી. આ ઉપરાંત પણ સંપાદકીય કાળજીના બીજા કેટલાક પ્રશ્નો છે. સંચય માટે પસંદ કરેલી કૃતિનો પાઠ સંપાદકે મૂળ સ્રોતમાંથી-એટલે કે લેખકના જ સંગ્રહમાંથી કે સંગ્રહ ન થયો હોય ત્યારે જે સામયિકમાં એ કૃતિ પ્રસિદ્ધ થઈ હોય ત્યાંથી જ લીધો છે? આમ તો આ જ સ્વભાવિક રીત છે. પણ કેટલીકવાર પાઠ બીજા-ત્રીજા સ્રોતમાંથી જ સીધો લઈ લીધો હોય છે - પહેલો સ્રોત હાથવગો ન હોય ત્યારે સંપાદક આળસી જાય છે ને મૂળમાં જ જોવાનો આગ્રહ નથી રાખતો. આથી ક્યારેક, અગાઉના સંપાદકે કોઈ ગોટાળો કર્યો હોય કે સરતચૂકથી પણ કશીક ભૂલ થઈ હોય તો એ જ ભૂલ આગળ ચાલતી રહે છે. ક્યારક આ ભૂલ ગંભીર પ્રકારની પણ હોય શકે. દાખલા તરીકે. ગણપતલાલ ભાવસારનું જાણીતું થયેલું ખંડકાવ્ય ‘દશરથનો અંતકાળ’ મૂળ સ્રોત જોયા વિના જ સંપાદિત થતું રહ્યું —પ્રશંસા પામતું રહ્યું. એ પછી, ને એક નિમિત્તે મૂળ સ્રોત (૧૯૩૪નું ‘કુમાર’) જોતાં મને ખ્યાલ આવ્યો કે ચાલ્યું આવતું આ કાવ્ય તો મૂળ કાવ્યનો ત્રીજો ભાગ છે — ને મૂળ પાઠ જોતાં એની ખંડકાવ્ય તરીકેની બધી જ પ્રશંસા ફેરવિચાર કરવા પ્રેરે એવો ઘાટ થયો છે! (મૂળ પાઠ અને ચર્ચા માટે જુઓ : ‘પરબ’, ઑક્ટો. ૧૯૮૧) સંચિત કરેલી પ્રત્યેક કાવ્ય/વાર્તા/નિબંધ/એકાંકી કૃતિની નીચે પણ એના મૂળ સ્રોતની નોંધ અનિવાર્યપણે હોવી જોઈએ. મોટાભાગના સંચયોમાં આવીતેવી કશી નોંધ નથી હોતી; ક્યારેક દ્વૈતીયીક સ્રોતની નોંધ હોય છે જેમ કે ‘ન્હાનાલાલ મધુકોષ’માંથી વગેરે...! ઉપરના દૃષ્ટાન્તમાં, ‘આપણાં ખંડકાવ્યો’ (સં. ચિમનલાલ ત્રિવેદી, ચંદ્રશંકર ભટ્ટ)માં ‘દશરથનો અંતકાળ કાવ્ય નીચે ‘કુમાર-૧૯૩૫’ એવીનોંધ સંપાદકોએ, સદ્ભાગ્યે કરેલી છે. જો એ ન કરેલી હોત તો મૂળ કૃતિ કદાચ રહસ્યના અંધારામાં જ રહી ગઈ હોત! આવી કાળજી તો અનિવાર્ય. એથી આગળ જઈને સંપાદક સંચયને વધુ શાસ્ત્રીય, ને ખાસ તો વધુ ઉપયોગી બનાવી શકે, પરિશિષ્ટમાં, સંચિત કૃતિઓના લેખકોના ટૂંકા, છતાં જીવન અને લેખનકાર્યની આવશ્યક માહિતીને લાઘવથી સમાવતા પરિચય મૂકી શકાય. પ્રત્યેક પરિચય એક જ પદ્ધતિમાં ઢાળેલો, ચુસ્ત હોય. (કેટલાક સંચયોમાં લેખકપરિચયો પણ યાદચ્છિક, રેઢિયાળ ને લહેરાતી રીતે થયેલા જોવા મળે છે.) લેખકપરિચયમાં જ, પસંદ કરેલી કૃતિ ઉપરાંતની બીજી એક—બે મહત્ત્વની કૃતિઓનો નિર્દેશ પણ વાચકો માટે જિજ્ઞાસાપોષક બની શકે. કેટલીક કૃતિઓ પાઠફેરની રીતે ચર્ચાસ્પદ બની હોય છે, એટલે એવી કૃતિ પસંદ કરી હોય તો, એની વાત પણ નોંધી શકાય. આવી તો ઘણી બાબતો ઉમેરી શકાય ને સંચયને સમૃદ્ધ કરી શકાય-જેવી જરૂરિયાત, જેવું પ્રયોજન. મૂળ વાત તો એ કે સંચયો કરવા એ સરળ નથી, મનમોજથી કરવાની નહીં, પણ જવાબદારીવાળી પ્રવૃત્તિ છે એ સમજાય તો જેમને માટે એ તૈયાર થાય છે – અભ્યાસીઓ, વિદ્યાર્થીઓ, સાહિત્યરસિકો– એમને માટે એ આનંદદાયક ને ઉપયોગી થઈ પડે. વિપુલ સર્જનરાશિ જોઈ વળીને, દૃષ્ટિપૂર્વક ને કાળજીપૂર્વક, સંપાદકે કરેલો સંચય વાચકોનો સમય બચાવનાર ને માગદર્શક પણ બની શકે. એ દૃષ્ટિએ જોતાં વાચકો સંચયોના ઋણી હોય છે. પણ આપણા કેટલાક ઝટપટ સંપાદકોને તો સાહિત્ય સાથે પણ ક્યાં એટલો ઋણાનુબંધ હોય છે?

‘પ્રત્યક્ષ’એપ્રિલ-જૂન, ૧૯૯૩
‘પ્રત્યક્ષે- પરોક્ષે’ પૃ. ૬૧ થી ૬૩