સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/કૃતિસંપાદનના ગંભીર પ્રશ્નો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(૩) કૃતિ-સંપાદનના ગંભીર પ્રશ્નો

પાઠ્યપુસ્તકની જરૂરિયાતે આપણે ત્યાં કૃતિ-સંપાદનની એક નવી દિશા ખોલી છે. યુનિવર્સિટીઓના ગુજરાતીના અભ્યાસક્રમોમાં જૂની કૃતિઓય મુકાતી હોય છે. એ કૃતિઓ અપ્રાપ્ય હોય ત્યારે વિદ્યાર્થીને એ સુલભ કરી આપવા પ્રકાશકો તૈયાર હોય છે. (આ નિમિત્ત ન હોય ત્યારે, શિષ્ટ-પ્રશિષ્ટ કૃતિને પુનઃપ્રકાશિત કરવાનો ધર્મ કોઈને સૂઝતો નથી.) પુસ્તકનો ઉપાડ વધારે થવાની શક્યતા દેખાતી હોય તો એ ધર્મ’નો પ્રસાર પણ થાય, એટલે કે એકાધિક પ્રકાશકો એની એ જ કૃતિને એક જ સમયે પ્રકાશિત કરે! સંપાદકો શોધી લેવાના. આવું મધ્યકાલીન કૃતિઓના સંપાદનમાં તો થતું આવેલું છે. હવે એમાં એક નવી દિશા ખૂલી છે નવલકથા, નાટક, આત્મકથા વગેરે જેવી લાંબી કૃતિઓનાં પણ સંપાદિત પ્રકાશનો થવા માંડ્યાં છે! કોપીરાઇટ-કાળ વીતી ગયો હોય એ પછી તો, મધ્યકાલીન કૃતિઓની જેમ અર્વાચીન કૃતિઓ પણ હાથવગી [એટલે કે નધણિયાતી!] હોય છે. પ્રશિષ્ટ મધ્યકાલીન કૃતિઓનો ઉદ્ધાર આમ અનેકને હાથે, ને સંપાદિત રૂપે થાય છે. આનાં એક બે ઉદાહરણો જોઈએ: સુરતના ‘કવિ નર્મદ યુગાવર્ત ટ્રસ્ટે’ નર્મદની આત્મકથા ‘મારી હકીકત’ (૧૮૮૬), રમેશ શુક્લ પાસે સંપાદિત કરાવીને ૧૯૯૪માં પ્રગટ કરી છે. ગુજરાતી પ્રેસે ‘મારી હકીકત’(૧૯૩૩) અને ‘ઉત્તરનર્મદચરિત્ર’ (૧૯૩૯) પ્રકાશિત કરેલાં એનો આધાર લેવા ઉપરાંત કેટલીક વિગતો ઉમેરી- ચકાસીને તથા પરિશિષ્ટમાં બીજી કેટલીક વિગતો સંકલિત કરી સમાવી લઈને રમેશ શુક્લે ખૂબ જહેમતપૂર્વક કરેલું આસંપાદન એક સારું સંશોધિત સંપાદન છે. (તેમ છતાં નર્મદ યુગાવર્ત ટ્રસ્ટે એને ‘પ્રથમ આવૃત્તિ’ કહી એ, એક રીતે તો ગેરમાર્ગે દોરનારી માહિતી ગણાય. એને ‘સંશોધિત—સવર્ધિત આવૃત્તિ ૧૯૯૪ રૂપે ઓળખાવવી વધુ યોગ્ય ગણાત.) ‘મારી હકીકત’ની આવી પૂરા સંદર્ભો-વિગતો સાથેની ઉપયોગી આવૃત્તિ અભ્યાસીઓ તેમજ વિદ્યાર્થીઓ માટે પણ સુલભ હતી તેમ છતાં એ પછીના છ-આઠ મહિનામાં જ અમદાવાદના આદર્શ પ્રકાશને (૧૯૯૫માં) ‘મારી હકીકત’નું (માત્ર મૂળ આત્મકથનનું) પ્રકાશન કર્યું એનું પ્રયોજન કયું? પ્રકાશક તો એને ‘સંપાદિત પ્રથમ આવૃત્તિ’ ગણાવે છે ને વળી નિવેદનમાં લખે છે કે આ કૃતિ ‘ઘણા વખતથી અપ્રાપ્ય’ હતી! આ પ્રકાશનના સંપાદક ભરત મહેતા એમના લેખના અંતે કહે છે કે, રમેશ શુક્લે અન્ય દસ્તાવેજો સાથે એને પુનઃસંપાદિત કરી છે પણ ‘આદર્શ પ્રકાશનનું આ સંપાદન એવી કોઈ વિશેષ સંપાદકીય દૃષ્ટિથી નહીં પરંતુ વિદ્યાર્થી- ઉપયોગી સામગ્રી જ પાઠ્યપુસ્તકમાં હોય એવી અપેક્ષાથી થયું છે.! (પૂ.૪૦) [અવતરણમાંના શબ્દો મેં અધોરેખિત કર્યા છે.) તો શું રમેશ શુક્લે ડાયરી-પત્રો વગેરેનો સમાવેશ કરેલો છે એ વિદ્યાર્થી—ઉપયોગી સામગ્રી’ ન ગણાય? ‘મારી હકીકત’ના અભ્યાસ માટે આવી તુલના—સામગ્રી તો સૌથી વધુ ઉપયોગી ને પ્રસ્તુત લેખાય. ભરત મહેતાને તો આ જ મહત્ત્વનું લાગવું જોઈએ એવું એમનું અભ્યાસી તરીકેનું કાઠું છે. એટલે આશ્ચર્ય થાય. વળી એ પોતે આને આદર્શનું ‘સંપાદન’ ગણાવે છે, કેવળ પ્રકાશન નહીં. આમાં સંપાદન શું થયું ગણાય? કેવળ અભ્યાસલેખ કોઈપણ પ્રકાશનને સંપાદન સિદ્ધ કરી શકે? (કહેવું જોઈએ કે ભરત મહેતાનો અભ્યાસલેખ ઘણો જ સારો અને વિદ્યાર્થીઓ માટે પણ વિશદ નીવડે એવો છે.) પુસ્તકને અંતે, આત્મકથામાં આવતા કેટલાક સંદર્ભો વિશે દ્યોતક નોંધો—ટિપ્પણો હોત ને ‘મારી હકીકત’ વિશેની અન્ય અભ્યાસસામગ્રીનું સંકલન મુકાયું હોત તો પણ એને સંપાદન ગણાવવાનું સ્વીકાર્ય બનત. મૂળ પ્રશ્ન જ એ છે કે પ્રકાશક બદલાતાં જ કોઈ સળંગ ગ્રંથનું પ્રકાશન સંપાદન બને ખરું? અને આવો દરેક પ્રકાશક, પોતે એ પુસ્તક પહેલી વાર છાપ્યું એટલા માત્રથી પુસ્તકની પણ એ ‘પ્રથમ આવૃત્તિ’ છે એમ કહી શકે? આવું એક બીજું પ્રકાશન તો આથીય વધુ ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. એ પુસ્તક છેઃ ‘ભદ્રંભદ્ર’. લેખક રમણભાઈ નીલકંઠ; સંપાદક સતીશ વ્યાસ; પ્રકાશક આદર્શ પ્રકાશન, ‘સંપાદિત પ્રથમ આવૃત્તિ : જૂન ૧૯૯૫’. અહીં પણ સૌથી પહેલો વાંધો આને ‘સંપાદિત પ્રથમ આવૃત્તિ’ લેખવા સામે છે. નવલકથાનું આ કેવળ પુનર્મુદ્રણ છે. સતીશ વ્યાસે આરંભે એક અભ્યાસલેખ મૂક્યો છે. (આ સ્થિતિમાં ઊઘડતા પહેલા પાના પર, પ્રસ્તાવના-અભ્યાસલેખ – સતીશ વ્યાસ’ એવો વિશેષ ઉલ્લેખ કરી શકાય, સંપાદક તો નહીં જ.) લગભગ એક સદી પહેલાં (ઈ. ૧૯૦૦માં) લખાયેલી કૃતિનું આજે સંશોધિત-સંપાદન કરવાની તક તો હતી–જો એના ‘જ્ઞાનસુધા’માં હપ્તાવાર થતા રહેલા પ્રકાશન વખતે ને પછી પુસ્તકરૂપે એ પ્રગટ થઈ એ સમયે, એમાં પાત્રો ઓઠે કેટલીક વ્યક્તિઓ લક્ષ્ય થયેલી એના વિશે જે ચર્ચા-ઊહાપોહો થયેલાં એ બધાંને-તે સમયનાં સામયિકોમાંથી શોધીશોધીને-સંકલિત કરી શકાયાં હોત; એના વિશેષ સંદર્ભો (પ્રસંગો, પાત્રો, એ સમયનો સાંસ્કૃતિક સંદર્ભ આદિ) પર તથ્યલક્ષી ટિપ્પણો મુકાયાં હોત ને એને આધારે એક પ્રકલ્પરૂપ પુનર્મૂલ્યાંકન થયું હોત તો વાત જુદી થાત, બલકે ઘણી ઉપયોગી ને મહત્ત્વની પણ થાત. અહીં તો, ૧૯ પાનાંના અભ્યાસલેખમાં અર્ધા જેટલું લખાણ તો એના પૂર્વ-વિવેચકોનાં ૨૮ જેટલાં અવતરણો ને કૃતિમાંનાં ઠીકઠીક ઉદાહરણોથી રોકાયું છે. મૂલ્યાંકન મળતું નથી. જેને બ્લન્ડર કહી શકાય એવો એક જબરો ગોટાળો અહીં વાળવામાં આવ્યો છે. ‘ભદ્રંભદ્ર’ નવલકથાની (એના કટાક્ષ—લક્ષ્યની) શરૂઆત ઊઘડતા પાનાથી જ – નહીં કે છેક ઊઘડતા પહેલા પ્રકરણથી—થાય છે એ પ્રકાશન—સંપાદકના ધ્યાન બહાર જ ગયું છે. મૂળ પ્રકાશન(૧૯૯૦)માં ને પછીની આવૃત્તિઓમાં પૂંઠું ખૂલતાં જ પહેલે પાને વિગતો આ મુજબ મુકાયેલી છેઃ ‘ભદ્રંભદ્ર’— એ મહાપુરુષના જીવનચરિત્રનો કેટલોક ઇતિહાસ. લખનાર : તેમનો શિષ્ય અને ભક્ત વિદ્યમાન અંબારામ...’(અને પછી એનો હાસ્યના ઉછાળવાળો પરિચય) એ પછી ‘પ્રસિદ્ધ કરનાર’ તરીકે રમણભાઈ નીલકંઠનું નામ છે. એ પછીના પાને ‘પ્રસિદ્ધ કરનારની પ્રસ્તાવના’(એટલે ૨. નીલકંઠની)માં તથ્યલક્ષી વિગતો પણ આ તરકીબી—હાસ્યના પુટવાળી છે. ત્યારબાદ ‘ગ્રન્થકર્તાની પ્રસ્તાવના’(એટલે અંબારામની)માં તથા એ પછીના ‘અર્પણોદ્ગાર’માં (‘પગી અમથા કાળા’ને આ પુસ્તક ગ્રંથકર્તાએ અર્પણ કર્યું છે!) આ બધી જ, હાસ્ય-કટાક્ષની અદ્ભુત શક્તિ બતાવતી સામગ્રી છે. આમ, પ્રકરણઃ ૧ શરૂ થાય એ અગાઉનાં પાનાં કેવળ પ્રકાશન-વિગતો નથી. નવલકથાનો જ ભાગ છે. પણ દુર્ભાગ્યે, આ ‘સંપાદિત’ આવૃત્તિમાં એ બધું કાઢી નાખવામાં આવ્યું છે! પ્રકાશક તો ઠીક પણ સતીશભાઈ જેવા અભ્યાસી એને જાળવવાનું કેમ ભૂલી ગયા? એમણે જેઅભ્યાસલેખ લખ્યો છે એમાં ચંદ્રકાન્ત શેઠનું એ અવતરણ તો એમણે લીધું જ છે કે, ‘જે સ્ફૂર્તિથી ‘ભદ્રંભદ્ર’ના પ્રથમ પાને તેમણે (- ૨. નીલકંઠે -) લખનારની નોંધ મૂકી પ્રસ્તાવના લખી એ સ્ફૂર્તિ જો બધે ટકી હોત તો હાસ્યરસની આ મહાન કૃતિ થઈ શકત’ (પૃ.૮) તો અભ્યાસીઓ/વિદ્યાર્થીઓ આ નોંધ ને પ્રસ્તાવના, આ આવૃત્તિમાં કયાં શોધી શકશે? રમણભાઈ નીલકંઠની હયાતીમાં ‘ભદ્રંભદ્ર’ની ૧૯૨૩ સુધીમાં ચાર આવૃત્તિઓ થયેલી. એમના અવસાન (૧૯૨૮) પછી વિદ્યાબહેન નીલકંઠે ૧૯૩૨માં એની પાંચમી આવૃત્તિ પ્રગટ કરાવેલી. (જે અત્યારે મારી સામે છે). આ મરણોત્તર પ્રકાશનમાં પણ વિદ્યાબહેને પૂંઠા પછીની સઘળી વિગતો કાળજીપૂર્વક જાળવી છે. જ્યારે ૧૯૯૫માં થતા લાંબા સમય પછીના એના પુનઃપ્રકાશનમાં એ બધું ભૂંસી દેવાયું! વિદ્યાર્થીઓ સામે આપણે જૂની શિષ્ટ કૃતિઓ આવે સ્વરૂપે મૂકવાની? એક વધુ ગોટાળો પણ છે. એ આમ તો ચિત્રકારનો છે. પુસ્તકના ઉપરણા પર ભદ્રંભદ્રનું રંગીન ચિત્ર મુકાયું છે. એમાં, એમના પગમાં ચામડાના (કોઈ રબરના પણ કહી શકે એવા) જોડા પહેરાવાયા છે! આ ચિત્રકારને ‘ભદ્રંભદ્ર’ની જૂની (ત્રીજી, ચોથી કે પાંચમી) આવૃત્તિઓમાંનાં, રવિશંકર રાવળે કરેલાં ચિત્રો બતાવ્યાં હોત તો, નવલકથા પોતે વાંચ્યા વિના પણ, એણે ભદ્રંભદ્રના પગમાં બૂટ નહીં ચાખડીઓ પહેરાવી હોત! હું તો અંગત રીતે એમ પણ માનું કે સંપાદનની જવાબદારી સ્વીકારનારે તો ઉપરણા સમેતની બધી જ વિગતો સાદ્યંત જોઈ લેવી જોઈએ. મધ્યકાલીન કૃતિ-સંપાદનોમાંય હવે, હસ્તપ્રતોમાં ગયા વિના, અગાઉનાં તૈયાર સંપાદનોને આધારે નવાં સંપાદનો થવા માંડ્યાં છે. આગળ લેખ હોય એટલું જ. પણ તેમ છતાં ત્યાં, કાળજી રાખનાર માટે એક અવકાશ રહે છે. પૂર્વસંપાદકોએ નોંધેલા પાઠભેદોનો ઝીણવટથી અભ્યાસ કરીને એકવાક્યતાની દૃષ્ટિએ આખી કૃતિના પાઠને સાદ્યંત સંમાર્જિત કરી લેવાનો તથા ટિપ્પણો—શબ્દાર્થો—શુદ્ધિ—વૃદ્ધિ કરવાનો. એટલું ઉપયોગી કામ થતું હોય તો પણ સંપાદકનું કામ-નામ લેખે લાગે. પણ નવલકથા જેવી સળંગ કૃતિઓ (સંક્ષેપાદિ ન હોય ત્યાં પણ) સંપાદિત રૂપે, સંપાદકને નામે પ્રગટ કરવામાં કોઈ ઔચિત્ય નથી. પ્રકાશકોના કેવળ ધંધાદારી આશયો સાથે આ રીતે ને આ રૂપે જોડાવાની ચોખ્ખી “ના” કહેવાનાં સ્પષ્ટ વિવેક ને ખુમારી, ઓછામાં ઓછું, આપણા નીવડેલા તેજસ્વી અભ્યાસીઓએ તો દાખવવાં જ ઘટે. જે પોતે ઉત્તમ કામ કરી શકવા સક્ષમ છે એ આવામાં ન પડે એમાં જ વિદ્યા અને સાહિત્યનું પણ શ્રેય છે.

જાન્યુઆરી-માર્ચ, ૧૯૯૬
‘પરોક્ષે પ્રત્યક્ષે’ પૃ. ૬૪ થી ૬૮