સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/નિબંઘનું સ્વરૂપ : ક્ષમતા અને વિલક્ષણતા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(૮) નિબંઘનું સ્વરૂપ : ક્ષમતા અને વિલક્ષણતા

કોઈપણ સાહિત્યસ્વરૂપની શક્તિઓ તો ઉત્તમ કૃતિઓમાં પ્રગટવાની, એ દ્વારા જ પ્રતીત થવાની. પરંતુ સાહિત્યનું સ્વરૂપ, એની સ્વરૂપ-રેખાઓ પણ કેટલીક સંભાવનાઓ ઊભી કરે છે. વિભાવનું પણ એક પ્રારંભિક નિયંત્રણ હોય છે. જે ચુસ્તી અને (પછી) મુક્તિ બંનેને અવકાશ આપે છે. એ રીતે પ્રત્યેક સ્વરૂપની જુદીજુદી ક્ષમતા અને મુદ્રા બંધાતી હોય છે. એટલે, કોઈપણ ભાષાસાહિત્યની કેવી ગુંજાશ એની સાહિત્યકૃતિઓમાં પ્રગટે છે એનું બધું નહીં તો ઠીકઠીક નિર્ધારણ સ્વરૂપની રેખાઓ કરી આપતી હોય છે. આ કારણે જ, સમયાંતરે, કેટલીક સ્વરૂપરેખાઓ બદલાતી જાય કે તૂટતી ને ઉમેરાતી જાય તો પણ – અને ક્યારેક તો વિરોધી વિગતો અથડાઈ જવાનું જોખમ હોવા છતાં પણ – સ્વરૂપચર્ચાનાં સાહસો થતાં રહેવાનાં. નિબંધની એક સાહિત્યસ્વરૂપ તરીકેની ક્ષમતા એની ઠીકઠીક પથરાયેલી ને છતાં પરસ્પર ગૂંથાયેલી (ક્યાંક ગૂંચવાયેલી પણ ખરી) એવી સ્વરૂપરેખાઓમાં પડેલી છે. એટલે આ સ્વરૂપની મુદ્રા ખાસ્સી વિલક્ષણ છે. નિબંધ એક કૃતિ તરીકે ભલે સીધી-સોંસરી ગતિવાળો છે પણ એનું સ્વરૂપ જરાક પેચીદું છે એકદમ પ્રાથમિક એવી એક-બે બાબતો લઈએ : જેમકે, સાહિત્ય એક વ્યાપક વાઙમય રૂપ લેખાતું ત્યારે લલિત સાહિત્ય અને લલિતેતર સાહિત્ય, એવો વિભેદ સ્વીકારીને આપણે ચાલેલા. હવે, લલિત સાહિત્યનાં કવિતા-વાર્તા-નવલકથા-નાટક એવાં સ્વરૂપોમાં આપણે નિબંધને પણ ઉમેરીએ છીએ ત્યારે વળી પાછી આપણે વિભેદક સ્પષ્ટતા કરવી પડે છે – લલિત નિબંધ, સર્જક નિબંધ વગેરે. ‘લલિતેતર નિબંધ’ એવો એક આખો ખંડ જુદો પાડીને પણ એને બાજુએ તો મૂકી દેવાતોનથી ! કાવ્યની સામે, જુદું પાડવા માટે ‘અ-કાવ્ય’ જ હોય છે, લલિતેતર કાવ્ય હોતું નથી; અને લલિતેતર નિબંધ એટલે ‘અ-નિબંધ’ એવું સમીકરણ પણ આપણે ચલાવ્યું નથી. એટલે કે, નિબંધની બાબતમાં સ્વરૂપસંજ્ઞા એક જ રાખીને આપણે વિભેદક વિશેષણોથી કામ લેવું પડે છે - સ્વરૂપભેદને પ્રકારભેદ સુધી સીમિત કરવો પડે છે. અલબત્ત, એનું કારણ ઐતિહાસિક છે પણ આપણા વર્તમાનનેય એણે ઓછો પજવ્યો નથી ! વળી, ‘નિબંધ’ને (‘ઍસે’ને) આપણે ‘લેખ’થી (‘આર્ટિકલ’ કે ‘થીમ’થી) જુદો પાડયો, અને ‘પ્રબંધ’થી (‘ટ્રિટાઇઝ’થી)પણ જુદો પાડયો; પરંતુ એ પછીય ઔપચારિક નિબંધ અને અનૌપચારિક નિબંધ એવી ઓળખ તો રાખી જ. સર્જક-નિબંધ માટેની તરફદારી વધી ત્યારે પણ, એટલે કે કલાપ્રકાર તરીકે સર્જક-નિબંધનો જ સ્વીકાર થતો ગયો ત્યારે પણ એ સિવાયના નિબંધની ને એના લેખકોના પ્રદાનની ચર્ચા થતી રહી. એનું એક કારણ તો, બંને પ્રકારનાં લખાણોમાં એકબીજાનાં લક્ષણોનો પગેપેસારો થતો રહે છે એ છે. બીજાં સાહિત્યસ્વરૂપો કરતાં નિબંધના સ્વરૂપમાં આવી, સ્વરૂપ-રેખાઓની આવી સળભળ વધુ છે; નિબંધનું સ્વરૂપ એવું ખુલ્લું, કંઈક નિરાધાર અને નિરાલંબ છે. આ આખી ગતિવિધિ સમજવા માટે સ્વરૂપના ઇતિહાસ પર સ્હેજ નજર કરી લેવી જરૂરી ગણાશે. બૅકન અને જહોન્સન જેવાએ તો, આજે આપણે ‘લલિતેતર’ સંજ્ઞાથી ઓળખીએ છીએ એવા નિબંધના છેડેથી સ્વરૂપવિચાર કરેલો. બેંકને નિબંધને જ્ઞાનલક્ષી ઔપચારિક ગદ્યલખાણ તરીકે જોયેલો એથી એમણે પ્લૂટાર્કની ‘નીતિકા’ અને સેનેકાના ‘નીતિપત્રો’ આદિને યાદ કરીને કહ્યું કે, આ ‘ઍસે’ શબ્દ નવો છે પણ વસ્તુ જૂની છે. આપણને તો, સંસ્કૃતમાંથી લીધેલી ‘નિબંધ’સંજ્ઞાના સંદર્ભે બેકનથી ઊલટું જ કહેવાનું પ્રાપ્ત થાય - નિબંધ શબ્દ જૂનો છે પણ વસ્તુ નવી છે ! સુન્દરમે તો કહ્યું જ છે કે, ‘નિબંધ એ રીતે, નિબંધ કહેવાવા છતાં, વધારેમાં વધારે અનિબદ્ધ છે.( ‘ગુજરાતી સાહિત્યમાં નિબંધ’, સાહિત્યચિંતન (૧૯૭૮) પૃ.૩૦૦.) નિબંધ જયારે અનૌપચારિકતા અને આત્મલક્ષિતા તરફ ઢળતો ગયો, વિચારકેન્દ્રી નહીં પણ દૃષ્ટિકોણકેન્દ્રી થતો ગયો ત્યારે નિબંધના આ, મૉન્ટેઈન પ્રકારના, નમૂનાઓની ઓળખ ડૉ.જહોન્સને નકારાત્મક લક્ષણોથી આપી. એમની વ્યાખ્યાના પૂર્વાર્ધમાં આવો ઘૂંટેલો નકાર છે ‘a loose sally of the mind, an ir-regular, undigested piece- (ચિત્તનું શિથિલ પ્રસ્રવણ, અનિયમિત અને અપકવ લખાણ). કેમકે એમણે પોતાની વ્યાખ્યાના ઉત્તરાર્ધમાં વ્યક્ત કરેલી અપેક્ષા (not) a regular orderly composition’ (એક નિયમબદ્ધ સુઘડ ગદ્યરચના)માટેની હતી. ભલે સાવ નિષેધનો નહીં, પણ એમનો અસંતોષનો ભાવ તો આમાં દેખાય જ છે. ગુજરાતીમાં નિબંધસ્વરૂપની વિચારણા થઈ ત્યારે, અંગ્રેજીમાં થયેલા સ્વરૂપવિમર્શના તેમ જ નિબંધકૃતિઓ (ઔપચારિક-અનૌપચારિક બંને)ના નમૂના પણ વિવેચકોના મનમાં રહ્યા હોય એ સ્વાભાવિક છે. આરંભકાળે થયેલી નિબંધચર્ચાની વાત જવા દઈએ, પણ, વીસમી સદીના ત્રીજા-ચોથા દાયકામાં કાલેલકરના નિબંધો મળવા લાગ્યા એ પછીની આપણી નિબંધ-વિચારણા જોવા જેવી છે. ૧૯૪૦માં વિશ્વનાથ ભટ્ટે ‘નિબંધમાલા’ સંપાદનના ‘ઉપોદ્ઘાત’( નિબંધમાળા, ઉપોદ્ઘાત પૃ. ૪૬)રૂપે ગુજરાતી નિબંધસાહિત્ય વિશે જે વિસ્તૃત લેખ કર્યો હતો એમાં કાલેલકરને ‘પ્રવર્તમાન યુગના સર્વોત્તમ અને આખા ગુજરાતી નિબંધસાહિત્યના ઉત્તમ લેખકોમાંના એકર ગણાવ્યા પણ નિબંધસ્વરૂપના પ્રવર્તનને એમણે ઘણા વ્યાપક ફલક પર મૂક્યું ને પરિણામે સાહિત્યવિવેચકોને પણ નિબંધકારોમાં સમાવ્યા! નિષ્કર્ષ આપતાં એમણે મણિલાલ, આનંદશંકર અને કાલેલકરને કેવળ આપણા જ નહીં પણ કોઇપણ ભાષાના નિબંધસાહિત્યમાં પોતાની શક્તિઓથી નવી ભાત પાડીને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે’ એવા ગણાવ્યા અને સર્વ સાહિત્યપ્રકારોમાં ‘નિબંધનો પ્રકાર મોખરે આવે એવો છે’ એવું તારણ કાઢ્યું. (નિબંધમાળા, ઉપોદ્ઘાત પૃ. ૫૪) નિબંધને આવા પહોળા પટ પર મૂકીને સાહિત્ય-સ્વરૂપ તરીકેની એની ક્ષમતા અને પ્રદાન બતાવવા વિશ્વનાથે તાક્યું છે એ ખરું, પણ દબદબાવાળી ગંભીરતાનો ભાર ઉતારીને નિખાલસતા અને હળવાશ તરફ જતી અનૌપચારિકતાનો મહિમા કરવાનું એ ચૂક્યા નથી. જુઓ- ‘પુરોગામી યુગના નિબંધલેખકો જાણે અંગરખું, ખેસ ને પાઘડી એમ પૂર્ણ પોષાક ધારણ કરીને સભાગૃહમાં ઠાવકા ને ગંભીર બનીને પોતાના વિચારો સભ્ય શિષ્ટ રીતે દર્શાવતા હોય એવા એ વખતના નિબંધો લાગે છે, ત્યારે પ્રવર્તમાન યુગના ઘણાખરા નિબંધોમાં લેખકો જાણે અંગરખું, ખેસ ને પાઘડી ઉતારી નાખીને ઘરના આંગણામાં બેસી નિરાંતે લહેરથી વાતો કરતા હોય એવા લાગે છે. વિષયો એવા ને એવા હોય, જ્ઞાનની દૃષ્ટિ અને વિચારનો પ્રેમ પણ એનો એ હોય, પણ એ રજૂ કરવાની પદ્ધતિ ફરે ને જે પરિણામ આવે તે આજના નિબંધોમાં જોઈ શકાય છે.! (નિબંધમાળા, ઉપોદ્ઘાત પૃ. ૩૮) સુંદરમે પણ એમના ૧૯૪૮ના લેખના આરંભે તો, સર્જક નિબંધને જ નિબંધ ગણવાની ને બાકીની ગદ્યરચનાઓને લેખ કહેવાની જિકર કરી છે અને ‘આ દૃષ્ટિનો સ્વીકાર થાય તો સાહિત્યના પ્રકારોમાં નિબંધનું એક સર્જનાત્મક લેખનપ્રકાર તરીકેનું સ્વરૂપ વિશેષ રીતે આકારિત બને’, એવો આગ્રહ પણ સેવ્યો છે.( (આ લેખ ‘ગુજરાતી સાહિત્યમાં નિબંધ’ પ્રથમ પ્રકાશિત થયેલો ‘પ્રસ્થાન’ શ્રાવણ ૨૦૦૩થી માગશર ૨૦૦૪ (ઈ. ૧૯૪૮)ના અંકોમાં, ગ્રંથસ્થ થયો ‘સાહિત્યચિંતન’ (૧૯૭૮)માં.સાહિત્યચિંતન પૃ. ૨૯૬) પરંતુ વિકાસની વાત કરતાં એ પોતાનો આગ્રહ ઢીલો કરે છે. એ કહે છે : ‘તથાપિ, નિબંધ જે જે દૃષ્ટિથી અને જે જે સ્વરૂપે ખેડાયો હોય તે બધાંનું સ્થાન આપણે નિબંધના વિકાસક્રમમાં સ્વીકારવાનું તો રહે જ છે.’ અને આવા દૃષ્ટિકોણથી એમણે સમાજસુધારકો, સાંસ્કૃતિક જાગૃતિના મીમાંસકો, રાષ્ટ્રીય અસ્મિતાના ઉદ્બોધકો-જીવનવિચારકો, સાહિત્યવિવેચકો અને હાસ્યલેખકો- એ બધાને નિબંધકારો તરીકે ચર્ચ્યા છે. (જુઓ ‘સાહિત્યચિંતનમાંનો એ લેખ (પૃ.૨૯૬-૩૫૦). પ્રવીણ દરજીએ પણ એમના શોધપ્રબંધ ‘નિબંધ- સાહિત્ય અને સ્વરૂપ (૧૯૭૫)માં, વિશ્વનાથ ભટ્ટ અને સુંદરમૂની જેમ નિબંધને એક વ્યાપક સ્વરૂપ તરીકે સ્વીકારીને અન્ય ગદ્યકારો તેમજ વિવેચકોને પણ નિબંધકાર લેખ્યા છે.) ઉમાશંકર જોશીએ પોતાના નિબંધસંગ્રહ ‘ગોષ્ઠિ’ (૧૯૫૧)ની પ્રસ્તાવનારૂપે મૂકેલો નિબંધના સ્વરૂપ વિશેનો અભ્યાસ કંઇક વધારે ચોખ્ખો બન્યો છે. આ લેખ પછી શૈલી અને સ્વરૂપ (૧૯૬૦)માં પણ એમણે સમાવ્યો છે. એમણે સંજ્ઞાના ગોટાળાઓની ને નિબંધનાં આ બે રૂપોના પાર્થકયની સીધી જ ચર્ચા ઉખેળી છે ને વ્યાવર્તકતાઓને વધુ સ્પષ્ટ ભૂમિકાએ મૂકી આપી છે. લલિતેતર નિબંધને શિક્ષક કે વિદ્વત્ પ્રવૃત્તિ તરીકે અને લલિત નિબંધને સર્જક-પ્રવૃત્તિ તરીકે, એની અનેકવિધ ખાસિયતોથી પૃથક કરી આપીને પણ ઉમાશંકરે એ બંનેનાં કેટલાંક લક્ષણ-ઘટકોના પરસ્પર સંચરણને બહુ લાક્ષણિક રીતે નોંધી આપ્યું છે : ‘સર્જક-નિબંધે વિચારમયતા સાથે છૂટાછેડા લીધેલા હોવા જોઈએ એવો ભ્રમ, શિક્ષકપ્રવૃત્તિથી સર્જકપ્રવૃત્તિને છૂટી પાડવાના ખ્યાલને જડતાપૂર્વક પરાકોટિએ પહોંચાડવામાંથી, પેદા થયેલો છે. સર્જક નિબંધ એ જાણે કે એક રમણીય તુચ્છ વસ્તુ (ઍન ઍલિગન્ટ ટ્રાઇફલ) ન હોય ! તુચ્છ હોવું - નિઃસાર હોવું એ રમણીય હોવા માટેની શરત છે એવી ખોટી કલાસમજ આવા ખ્યાલ પાછળ દેખાતી હોય છે. કોઈપણ કલાપ્રવૃતિને નિઃસાર થયે કેમ પાલવે ? સૌ કલાપ્રકારોની પેઠે સર્જક-નિબંધ રમણીય આકાર ધારણ કરે છે, પણ તે સાથેસાથે એ સારગર્ભ પણ હોય છે જ. એ સારગર્ભતાની પોતાની એક એવી દીપ્તિ હોય છે, રચનામાં પ્રજ્ઞા(વિઝ્ડમ)નો પ્રકાશ એવો રેલાઈ રહેતો હોય છે કે બૅકન જેવા શિક્ષક-નિબંધકારની રચનાઓ પણ અવારનવાર સર્જકતાથી ઊભરાતી લાગે છે.(શૈલી અને સ્વર઼્પ,૧૯૬૦, બીજી આ.૧૯૭૨, પૃ ૬૫-૬૬) બસ, આ ‘અવારનવાર સર્જકતા’ તરફનું ખેંચાણ એ આપણી સમગ્ર નિબંધવિચારણાની ખાસિયત રહી છે. ગદ્યની કોઈ ને કોઈ રૂપે આવતી નાનીસરખી રિદ્ધિને પણ આપણે જતી કરવા તૈયાર નથી. અંગ્રેજીની કેટલીક સ્વરૂપ-વિચારણાના હવાલામાં પણ આવા નિર્દેશો જડવાના, પછી વિશ્વકોશો ને સંજ્ઞાકોશો તો, એકદમઠાવકી રીતે, prose composition ના-ગદ્ય-રચનાના વિવિધ વિવર્તોના વિસ્તારરૂપે જ નિબંધસ્વરૂપની ઓળખ આપે ને ? એટલે, નિબંધને લલિત સાહિત્યના વર્તુળમાં લાવ્યા પછી પણ, એનું ફલક બતાવતી વખતે તો હંમેશાં આપણે વ્યાવર્તકતાને બદલે સર્વ-આવર્તકતા તરફ ઝૂકતા રહ્યા છીએ. પરંતુ રસપ્રદ વાત એ છે કે નિબંધની વ્યાવર્તકતા નિબંધ સિવાયનાં સાહિત્ય-સ્વરૂપો સાથેની એની તુલનામાં વધુ સ્પષ્ટરેખ થતી રહી છે ને ત્યાં લલિતેતર નિબંધને આપણે ભાગ્યે જ હાજર રહેવા દીધો છે; ત્યાં તો નિબંધ એટલે લલિત નિબંધ જ એવું ગૃહીત રહ્યું છે. આત્મલક્ષિતા (સબ્જેકિટવિટી)નિબંધને એક તરફ શાસ્ત્રીય ગદ્યલખાણોથી જુદો કરે છે ને બીજી તરફ કવિતા-કથાસાહિત્ય - નાટક જેવાં પ્રયુક્તિપરક પરલક્ષી સાહિત્યસ્વરૂપોથી જુદો કરે છે. આટલી બધી મોકળાશ બીજા કોઈ સ્વરૂપને મળતી નથી, એટલે આત્મલક્ષિતાએ નિબંધ સ્વરૂપની સૌથી મોટી ક્ષમતા (અલબત્ત, ક્ષમતા માટેની શક્યતા) પ્રગટાવી છે. અહીં રૂપાંતરની ગળણી મૂકવી પડતી નથી કે પ્રયુક્તિની સાંકડી ગલીઓમાંથી પસાર થવું પડતું નથી. એટલે સર્જકના વ્યક્તિત્વની આંતરિક સમૃદ્ધિનો, આખા સંવેદન-વિચાર-સંચરણનો, કલ્પનાશીલતાનો ને દૃષ્ટિકોણની પ્રભાવકતાનો – કશો ભાર ઠાલવ્યા વિના કે ભાર રાખ્યા વિનાનો, પૂરેપૂરો હિસાબ આપી શકાય છે. નિબંધમાં શબ્દો, શાસ્ત્રીય લખાણના શબ્દોની જેમ જ્ઞાન-અનુભવ કે માહિતીનાં ચોસલાં રૂપે, વિભાવ બનીને, આવતા નથી કે પરલક્ષી સર્જનપ્રકારોની જેમ સર્જક-અનુભવો પ્રયુક્તિ-વેષ્ટિત થઈને પણ આવતા નથી. નિબંધના શબ્દો સીધા, લગભગ તાજા અનુભવ રૂપે જ વાચકમાં સંક્રાન્ત થાય છે. નિબંધનાં પસ્ર્વેશન પર, વિચારપ્રતિપાદન અને ઉદ્બોધન પર ભાર મૂકનાર શૉલ્સ અને કલૉસ પણ, નિબંધના શબ્દોની આ અનુભવ-સંચારકતાનો મહિમા કરે છે : To read those words is to undergo an experience.( Elements of the Essay, Robert scholes and Carl H. Klaus, 1969 પૃ. ૭) નિબંધની એક બીજી મહત્ત્વની વ્યાવર્તક લાક્ષણિકતા એનું સોંસરાપણું, એની પ્રત્યક્ષતા (ડાયરેકટનેસ) છે. શોલ્સ આદિ નિબંધને કવિતા સાથે વિરોધાવતાં એને ‘ઍસ્થેટિક’નહીં પણ ‘યુટિલિટેરિયન’ કહીને પણ એના ‘મોસ્ટ ડાયરેક્ટ’ હોવાપણાનો મહિમા કરે છે. .( Elements of ...પૃ. ૧૦) આ પ્રત્યક્ષતાનો એક બીજો વ્યાવર્તક વિશેષ બતાવતાં એમણે એક સરસ વાત કરી છે, કે નિબંધ ઑરેટરીની- વકતૃત્વકલાની- પરંપરામાંથી આવ્યો છે પણ નિબંધકારનો શ્રોતા એ સમુદાયનો શ્રોતા નથી પણ અન્યનિરપેક્ષ, એકલ શ્રોતા છે : The reader is an audience of one, .( Elements of...પૃ. ૭) આપણા ‘જનાન્તિક ઉદ્ગાર’ના વિચારની નિકટ આવતું આ નિબંધલક્ષણ છે. નિબંધનું સ્વરૂપપ્રત્યક્ષતાથી વ્યક્ત થતો નિબંધકારનો ‘હું’ આત્મકથાના ઇતિહાસલક્ષી કે પરિવેશલક્ષી ‘હું’ કરતાં જુદો રહીને તેમજ હાસ્યલેખકના ટાઇપ કે પ્રતિનિધિલક્ષી ‘હું’ થી જુદો રહીને પોતાની લાક્ષણિક વ્યાવર્તકતા રચે છે. નિબંધ એના મિજાજે કરીને જ સ્વૈરગતિ હોવાને લીધે બીજાં સાહિત્યસ્વરૂપોમાં પણ લટાર લગાવે છે. બલકે ઘણીવાર તો એ સ્વરૂપોની કેટલીક ક્ષમતા- વિશેષતાઓને પણ અંકે કરે છે. શોલ્સ ‘પોએટિક ઍસે’ કે ‘મેડિટેટિવ ઍસે’ની એક સીમા પરની કોટિ-કેટેગરી-સ્વીકારીને પણ નિબંધને કવિતાથી સામે છેડે મૂકી દે છે.( Elements of...પૃ. ૩)પરંતુ બીજા કેટલાક વિવેચકોએ, ખાસ કરીને ઉમાશંકરે, યોગ્ય રીતે જ, નિબંધને કવિતાની નિકટ મૂક્યો છે. એ કહે છે : ‘જો કોઈ બે સાહિત્યપ્રકારો એકમેકથી વધુ સમીપ હોય તો તે ઊર્મિકાવ્ય અને નિબંધ. ‘(શૈલી અને સ્વરૂપ પૃ. ૫૮)અલબત્ત, નિબંધકૃતિઓએ આ નિકટતાના લાભ ને ગેરલાભ બંને આપણને દેખાડયા છે; છતાં એમ કહેવું જોઈએ કે આ નિકટતાના જે કંઈ લાભ નિબંધને મળ્યા છે એણે નિઃશંકપણે નિબંધની શક્તિમત્તામાં વધારો કર્યો જ છે. પરંતુ એક બાજુ જેમ નિબંધ કવિતાની જેમ પ્રયુકિતનિબદ્ધ ન રહી શકે એમ બીજી બાજુ નિબંધકાર કવિની જેમ આત્મરત કે આત્મગત પણ રહી ન શકે. ડ્રયૂ નામના કોઈ વિચારકે, નિબંધ એ આખો જ સ્વગતોક્તિરૂપ હોય છે- એમ કહ્યું છે એ ઉમાશંકરને સ્વીકાર્ય નથી લાગ્યું એ બરાબર છે. (શૈલી અને સ્વરૂપ પૃ. ૬૧) સ્વગત ઉદ્ગાર એ કાવ્યનું એક લક્ષણ હોઈ શકે ને કવિના આવા નિજ-નિમગ્ન અવાજને વાચકે પરોક્ષે સાંભળી લેવાનો હોય, ઓવરહિયર કરવાનો હોય; પણ નિબંધકાર તો મુખોમુખ જ રહે - વાચકને એ રેઢો મૂકે નહીં, એની સાથે મૈત્રીભરી ગોષ્ઠિમાં કે જનાન્તિક ઉદ્ગાર- સંબોધનમાં એ સંડોવાયેલો હોય. પોતાને એ આલેખતો હોય ત્યારે ખરેખર તો એ પોતાને નિવેદિત પણ કરતો હોય છે : ‘So, reader, I am myself the subject...’(મોન્ટેઈન, ૧૯૫૦) આ સૅલ્ફ, આ વ્યક્તિત્વ નિબંધની આત્મલક્ષિતાને અર્થ આપે છે – એને સાર્થક કરે છે. એ રીતે સર્જકનું વ્યક્તિત્વ પોતે નિબંધકૃતિનું ચાલક બળ બને છે. એ જેટલું મર્મગામી ને મર્મગ્રાહી, જેટલું પટુકરણ ને કલ્પનાપ્રવણ એટલો નિબંધ સ્પૃહણીય. સ્પૃહણીય જ નહીં, તૃપ્તિકર. પરંતુ એ વ્યક્તિત્વ પ્રતાપી, છાક પાડનારું ને એ રીતે વાચકને છેટે રાખનારું નહીં પણ એનામાં વિનીતવેશે અભિસરનારું હોય. વિષય નિમિત્તરૂપ હોય, એક ઉડ્ડયનબિંદુ જેવો હોય, અને સર્જકનાં સંવેદન-વિચારના સેલારા વિશ્રંભમય પારદર્શક શૈલીમાં અનુભવાતા હોય. આત્મલક્ષિતાનું ને પ્રત્યક્ષતાનું આવું સૌંદર્યદર્શી રૂપ ઊપસતું હોય એ લલિત નિબંધનો અગ્રિમ વિશેષ. જરાક સૂત્રાત્મક રીતે કહેવું હોય તો એમ કહેવાય કે નિબંધમાં સબ્જેક્ટનું નહીં પણ સબ્જેક્ટિવીટીનું; વક્તવ્યનું નહીં પણ વ્યક્તિત્વનું સંક્રમણ સધાતું હોય છે. શૈલી એ એટલું પ્રભાવક ઘટક કે લક્ષણ છે કે કોઈ શૈલીને નિબંધનો પર્યાય માનવા સુધી જાય. (એટલે જ, દિગીશ મહેતાએ જરા નાટકીય રીતે કહ્યું છે કે, ‘નિબંધનું સ્વરૂપ શું છે, એમ મને કોઈ ચાકુ બતાવીને અંધારી રાતે પૂછે તો કહું કે મને સમજ પડે છે ત્યાં સુધી નિબંધ એ એક શૈલી છે.)(જુઓ દૂરના એ સૂર, બીજી આવૃત્તિ ૧૯૯૩, પૃ.૧૩૯.) પણ શૈલી એ નિબંધનું વ્યાવર્તક લક્ષણ નથી. એમ તો ફરી પાછા આપણે ગદ્યમાત્ર તરફ ખેંચાઈ જઈએ. અલબત્ત, શૈલી એ નિબંધનું ઘણું વિશિષ્ટ લક્ષણ જરૂર છે. નિબંધમાં વ્યક્તિત્વની મુદ્રા સાથે અભિવ્યક્તિની, શૈલીની પણ એક વિશેષ મુદ્રા ઊપસતી હોય. ક્યારેક વકતવ્યની ભાતને ઝીલતી શૈલી વધુ ધ્યાન ખેંચનારી (પ્રૉમિનન્ટ) પણ બને. પણ નિબંધકાર જો શૈલીસુખમાં પડી જાય, શૈલીને તરકીબ તરીકે યોજવા માંડે તો વહેમ જાય કે એના વ્યક્તિત્વનાં પરિમાણ જ કદાચ ઓછાં પડે છે – એની પાસે કંઈ કહેવાનું જ નથી. અલબત્ત, નિબંધકારે કશું પ્રબોધવાનું હોતું નથી, વાચકને એણે કશું ગાંઠે બંધાવવાનું હોતું નથી પણ એનું સંવેદનજગત સભર હોય તો – એને મિત્રદાવે પણ કહેવા-સૂચવવાનું હોય છે. શૈલી ક્યારેક તો પ્રત્યક્ષતાને ઢાંકવાનું કામ પણ કરે ને ત્યારે ખરા વાચકને વિમુખ પણ કરી બેસે. સંતુલન ન રહે ત્યારે સ્વરૂપની રેખાઓ અળપાવાની. હા, સ્વરૂપની રેખાઓ અળપાવી ન જોઈએ—ખાસ કરીને જે રેખાઓ વૈકલ્પિક ન હોય, ને સવિશેષપણે આંતરિક હોય. એ જળવાય તો જ કૃતિનો સ્વરૂપલેખેનો સ્વીકાર થઈ શકે. એટલે, નિબંધ ગમે તેટલો નિર્બંધ લાગતો હોય, લહેરાતા છેડાઓવાળો અને સ્વૈર દેખાતો હોય પણ એક કલાસ્વરૂપ તરીકેની લઘુતમ શરતો તો એમાં પળાતી હોય. જેમ કવિતા એ ઊર્મિનો ઊભરો ન હોઈ શકે એમ નિબંધ એ કંઈ હળવા મિજાજવાળા કોઈ વાતોડિયા કે ચબરાક માણસના આકસ્મિક ઉદ્ગારો રૂપ યાદચ્છિક લખાણ ન હોઈ શકે. એનો લખનારો એક કળાકાર સર્જક હોય છે એટલે નિબંધકૃતિનું એક આંતરિક નિબંધન તો હોવાનું. એની અભિવ્યક્તિ-તરાહો ઉપર, એના દષ્ટિકોણમાંથી પ્રસરતા સંવેદન-વિચાર-તંતુ ઉપર, એની ભાષિક રચના ઉપર એટલે શૈલી ઉપર- એ સર્જક કળાકારનું એક આંતરિક નિયંત્રણ પણ હોવાનું, એમાંના નિખાલસ સહજ અવાજનો પ્રવાહ એક સૌંદર્યમય ભાત ઉપસાવે એ કળાકાર-કૌશલ તો એમાં હોવાનું. ભાષાની મહત્તમ ક્ષમતા પ્રગટાવવા તાકતું, ને પ્રયુક્તિનો આધાર લીધા વિના પણ સૌંદર્યરચના નિપજાવતું નિબંધનું સ્વરૂપ મર્મવિદ્ સર્જક માટે હંમેશાં પડકારરૂપ રહેવાનું. પરંતુ, બહારથી સહેલું અને સ્વૈર ભાળીને કૂદી પડનારાની કદી ખોટ હોતી નથી. એમને મન તો આ બધું તૈયાર-રેડીમેઇડ રૂપમાં હોય છે. એટલે એમને પોતાને તો કશું ‘રચવાનું’ હોતું નથી, માત્ર કાંતી કાઢવાનું હોય છે. જેમકે, વીતી ગયેલા શૈશવના કે યાદ આવ્યા કરતા વતનના કે વિવિધ રૂપે નજરે પડ્યે જતી પ્રકૃતિના અનુભવો તો દરેકને હાથવગા હોવાના જ. એટલે પછી આવા લેખકોને તો સીધું હાથમાંથી જ કાગળ પર ચીતરવાનું રહે છે. વળી, બીજાની શૈલી પર મન બગાડવાનું પણ આવા લેખકોને અનુકૂળ હોય છે. પરિણામે, નથી વિચાર-સંવેદનનું રમણીય રૂપ રચાતું, નથી ગદ્યનું કોઈ પોત બંધાતું. આવાં અનેક લખાણોમાં, અતીતઝંખાના રાગડામાં ને પ્રકૃતિની કવેતાઈ લલૂરથામાં જાણે કે એક સામૂહિક પ્રલાપોદ્ગાર સંભળાય છે ડૉ. જહોન્સનનાં નકારાત્મક નિબંધલક્ષણોને આવો નિબંધરાશિ વક્રતાપૂર્વક સાચો ઠેરવે છે. સાચા સર્જક-નિબંધોની વચ્ચે આવા કૃતક-લલિતનિબંધોનું પ્રમાણ એટલું બધું છે કે નિબંધની મથરાવટી બગડવાની દહેશત રહે. વર્તમાનપત્રોનાં પાનાં પર ખખડતા નિબંધો વળી એક બીજું દુર્દેવ છે.સૌંદર્યબોધની વાત તો દૂર રહી, રુચિરતાની પણ ખેવના ન કરતું ચાપલ્ય; તથા માફકસરના વ્યવહારબોધ ઉપર તેમજ ચપ્પટ થઈ ગયેલા વિચારના ટુકડાઓ પર વરખ લગાડતી ચબરાકી, આ રોજેરોજ ઉત્પન્ન કરાતા નિબંધોની બ્રાન્ડ થઈ ગયેલી મુદ્રા છે. આ લોકો ‘શૈલી’કારો છે - પણ એ શૈલીમાં લપટી સૂત્રાત્મકતા અને ચાવળા પ્રાસના અતિરેકથી ગદ્યનું રુચિર રૂપ જોખમાય છે – ગદ્યની ગરિમા અનુભવાતી નથી. નિબંધના ખરા ભાવકોને ભલે આ બધું અકળાવે કે ત્રાસ આપે, પરંતુ આ મનોરંજન ચાલવાનું કારણ કે એક રુચિશૂન્ય વાચકસમુદાય એનો બંધાણી છે. પેલા કૃતક-લલિત અને આ મનોરંજક નિબંધો છાપાંનાં પાનાંમાંથી સાહિત્ય-સામયિકોનાં પાનાંમાં પણ સરકવા માંડ્યા છે. લોકપ્રિયતાનો આવો પ્રસાર આશ્ચર્ય ઉપજાવે એ સાથે જ ચિંતા પણ ઉપજાવે છે કે આમ તો નિબંધ સાચે જ એક તુચ્છ ચીજ બની જશે – ને નિબંધસ્વરૂપની ક્ષમતા માટેનાં દૃષ્ટાંતો જૂજ થતાં જશે. એટલે જ સ્વરૂપવિમર્શમાં એની આટલી વાત. આમ તો દરેક સ્વરૂપમાં કૃતક રચનાઓ હોવાની. પણ અન્ય લલિત સ્વરૂપોમાં એવી કૃતિઓને છૂટી પાડવાનું કંઈક ઓછું મુશ્કેલ છે - એટલા માટે કે એ સ્વરૂપો પ્રયુક્તિપરક હોવાથી નબળી કૃતિઓની તિરાડો જલદી દેખાડવાની. જ્યારે નિબંધનું સ્વરૂપ ખુલ્લું ને નિરાલંબ હોવાથી એમાં નિબંધ-અનિબંધના ભેદ માટે રુચિનાં ધોરણોને જ વધુ સક્રિય કરવાં પડે. એટલે એવું બને કે હવે આપણે નવલકથાની જેમ નિબંધમાં પણ લોકપ્રિય નિબંધ અને ભાવકપ્રિય નિબંધ એવી બે ભિન્ન કોટિઓ ઊભી કરવાની થાય અને નિબંધના સ્વરૂપવિશેષ માટે ને એની સાહિત્યિક ક્ષમતા પ્રમાણવા માટે ભાવકપ્રિય નિબંધને જ લેખામાં લેવાનો થાય.

- મુંબઈ યુનિવર્સિટીના ઉપક્રમે ‘નિબંધ : સ્વરૂપ અને ગતિવિધિ’ વિશે યોજાયેલા પરિસંવાદ (૨૦૦૧)માં રજૂ કરેલું વક્તવ્ય.
* ‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’, જાન્યુઆરી-માર્ચ ૨૦૦૨
‘મથવું ન મિથ્યા’ પૃ. ૧૫૭ થી ૧૬૫