સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/પરસેવા પર પવનની લહેરખી (પુરસ્કાર-પ્રતિભાવ)

(૨) પરસેવા પર પવનની લહેરખી

(પુરસ્કાર-પ્રતિભાવ)

કિશોરવયથી જેમની કવિતાનાં છંદ-લય પ્રત્યે આકર્ષણ જાગેલું એ મારા પ્રિય કવિ નિરંજન ભગત, અને પછી વિશ્વસાહિત્યના અભ્યાસી વિવેચક અને પ્રહર્ષક વક્તા તરીકે જેમના પ્રત્યે આદર જાગેલો એ (નિરંજન) ભગતસાહેબના નામ સાથે જોડાયેલો આ પુરસ્કાર સ્વીકારતાં આનંદ અને ધન્યતાનો ભાવ પ્રગટ કરવા સિવાય મારે બીજું વધારે શું કહેવાનું હોય - એમ થાય છે. પણ, આ પ્રસંગે સ્નેહ-અભિનંદન માટે આવેલાં મારાં સ્વજનો, મિત્રો, સારસ્વતો,સાહિત્યરસિકો તથા આ સંસ્થા (નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટ)ના અગ્રણીઓ સાથે, એક ટૂંકી ગોષ્ઠીરૂપે મારી લેખનખેપ વિશે થોડીક વાતો કરું. એને જ મારો પ્રતિભાવ લેખશો... પચાસ-પંચાવન વરસથી, ભણવા ભણાવવાની સાથે સાહિત્યનેખન પણ કરતો રહ્યો છું, સાહિત્યપ્રવૃત્તિ કહેવાય એવું સંપાદનકાર્ય પણ કર્યું છે. વિવેચન-સંશોધન-સંપાદનનાં ને થોડાંક સર્જનલક્ષી ગદ્યનાં પુસ્તકો પ્રગટ થયાં છે, પણ એ સર્વ પ્રકાશિત સામગ્રી વિશે માટે કોઈ વાત અહીં કરવી નથી. મારે વાત કરવી છે સાહિત્ય વિશેના મારા ખ્યાલોને અને મારા લેખનને ઘાટ કેવી રીતે મળતો ગયો એની. હું રહ્યો સોની. સોનાનાં જે ઘરેણાં બને એને વળી અમે ઘાટ કહીએ. મારા પિતાજી એક નાનાસરખા ગામમાં સોનીકામ કરતા, પણ બધે એમની શાખ મોટા કારીગરની. એ કહેતા. સોનાની, દાખલા તરીકે, વીંટી બને એ ઘરેણું થયું. બધા બનાવતા હોય, પણ એનો ઘાટ જો તમારો જુદો ન હોય તો એ ઘરેણું શા કામનું? મન મૂકીને ઘાટ રચવામાં એમણે ઘણો સમય આપ્યો. કમાયા ઓછું, પણ આનંદ-સંતોષ ઘણો પામ્યા. અહીં અમદાવાદમાં રહીને એમ.એ. કરતો ત્યારે હોસ્ટેલનું ખર્ચ કાઢવા, વર્ગો સિવાયના ફાજલ સમયમાં કોઈ કામ મળે તો સારું એમ વિચારતો હતો. મારા એક અધ્યાપકે, મારો પરિચય આપતો એક પત્ર મને આપીને કહ્યું કે બચુભાઈ રાવતને મળો ‘કુમાર’માં કદાચ કોઈ નાનુંસરખું કામ મળે. મળ્યો. પત્ર વાંચતાં બચુભાઈના ચહેરા પરની રેખાઓ ખાસ બદલાઈ નહીં, પણ થોડુંક વિચારીને એમણે મને કેટલાંક અંગ્રેજી સામયિકો અને છાપાંનાં કતરણોનું એક કવર આપ્યું એ સમયે ઇંગ્લૅન્ડના છેલ્લા પોએટ લોરિયેટ, કહો કે છેલ્લા રાજકવિ જ્હોન મેઝફિલ્ડ વિશે પ્રગટ થયેલાં લખાણો એ કવરમાં હતાં. બચુભાઈ કહે, આના પરથી ‘કુમાર’ની પરંપરામાં બેસે એવો ટૂંકો પણ સર્વગ્રાહી એક લેખ કરીને પછી મને મળો. એમનું એક આછું સ્મિત પામીને, મોટા ધ્રાસકા સાથે હું બહાર આવ્યો. ઘણું કપરું કામ હતું. અંગ્રેજી કંઈ બહુ સારું નહીં, ને આટલાં બધાં લખાણો પરથી ટૂંકો પરિચય લેખ! પહેલાં તો અંદરથી નકાર આવ્યો, પણ પછી પડકાર જાગ્યો- કરી આપવું તો જોઈએ જ, કામ મળે કે ન પણ મળે. એક રાતે, ડિક્શનરી અને કતરણો લઈને બેસી ગયો. રાતપાળી કરીને લેખ કર્યો. ને બચુભાઈ જેવા ભાગ્યે જ હસતા, દુરારાધ્ય માણસ પ્રસન્ન! કહે આવી જાવ કાલથી. એ મારી પહેલી નોકરી નહીં, પણ જાણે મારો પહેલો એવોર્ડ હતો. ચારેક મહિના કામ કર્યું એમાં અનુવાદની, સંકલન-સંપાદનની, સઘન લેખનની અને ‘કુમાર’ યોગ્ય ગદ્યની એમ ચતુર્વિધ તાલીમ એકસાથે મળી. ક્યારેક પુસ્તક-પરિચય-સમીક્ષાનું કામ પણ એમણે ભળાવ્યું. એક વાર કહે, પ્રૂફ પણ તપાસો. મને પહેલાં તો જરા હલકું કામ લાગ્યું એ. પછી બચુભાઈએ એનું મહત્ત્વ સમજાવ્યું. કહે, જાણો છો, ઉત્તમ ને બહુ વ્યસ્ત લેખકો પણ પોતાનાં લખાણોનાં પ્રૂફ જાતે તપાસવાનો આગ્રહ રાખે છે. મનમાં બેસી ગયું. આજે પણ મારાં પુસ્તકોનાં તો બરાબર, કોઈ સામયિકમાં પ્રગટ થનારા મારા લેખનાં પ્રૂફ પણ જાતે જોવાનો આગ્રહ રાખું છું. કુમાર’કાળે, સરવાળે તો ગદ્ય કેમ લખવું, ઘાટ કેમ આપવો લખાણને, એ મનમાં રોપ્યું. વિવેચક વગેરે થવાની તો હજુ વાર હતી.પણ કૉલેજમાં ભણતો ત્યારથી કાવ્યો લખતો. હા, કાન કેળવાયેલા હતા ગુજરાતીના ઉત્તમ કવિઓને વાંચવાથી. એટલે કાવ્યો થતાં સુઘડ, છંદોબદ્ધ, લયબદ્ધ. બી.એ.માં હતો ને મને કૉલેજમાં ઉત્તમ કાવ્યનો પુરસ્કાર મળ્યો. ને શું મળ્યું? તો એ વખતે પ્રગટ થયેલું પ્રબોધ પડિતનું ‘ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન’ એ પુસ્તક. એટલે ભાષાવિજ્ઞાનનો નાદ લાગ્યો. આપણે તો રાજેન્દ્ર શાહનો ‘ધ્વનિ’, આચાર્ય આનંદવર્ધનનો ‘ધ્વનિવિચાર’ અને પ્રબોધ પંડિતનું ‘ધ્વનિસ્વરૂપ’ એ બધાંથી તરબતર! વાચનરસ સુમાર વગરનો એવો જ સીમા વગરનો - અકરાંતિયાની જેમ વાંચ્યું-સર્જન અને વિવેચન, જાસૂસી નવલકથાઓય વાંચી ને વિવેચનસિદ્ધાંતો વાંચ્યા. પુષ્કળ વાંચ્યું ને રસથી ભણાવ્યું. પણ લેખક? મારા વિવેચનનો આરંભ એક વિચિત્ર લાગે એવી ઘટનાથી થયો. હું બધું રસથી વાંચું. પણ તોળીતોળીને વાંચું. એથી તર-તમની સમજ સ્વચ્છ થતી ગઈ. એક દળદાર ‘અધ્યયનગ્રંથ’માં અનેક અભ્યાસીઓના લેખ. એમાં કેટલાક ઉત્તમ પણ કેટલાક મને નબળા, અસ્પષ્ટ, ક્લિષ્ટ, કાચા ગદ્યવાળા લાગ્યા. થયું કે વિવેચન આવું કેવી રીતે હોય? એ બધા નકારાત્મક ગુણો (!) વિનાનું વિવેચન લખવા પ્રેરાયો. અને આશ્ચર્ય એ કે મારો પહેલો જ લેખ એ વિવેચનપુસ્તકનું વિવેચન, સમીક્ષા. એ લઈને ગયો નિરંજન ભગત પાસે. ત્યારે એ. થોડોક વખત, ગ્રંથનું સંપાદન કરતા હતા. લેખ જોઈને કહે, ‘તમે લખ્યું છે તો સારું (જરાક લેખક પર પસ્તાળ પાડેલી, આધારો સાથે ) પણ આ પુસ્તક વિશે મેં બીજાને સોંપેલું છે, હજુ મળ્યું નથી. છતાં થોડી રાહ જોઈએ’ એકાદ મહિના પછી એમણે કહ્યું, I cannot wait eternaliiy for him. લાવો તમારો લેખ. કવિતા કાનમાં જ સંઘરી રાખીને હું વિવેચન તરફ વળ્યો. પાછું વળીને જોયું નહીં. એ રીતે નહીં, અટકી અટકીને વિચારીવિચારીને. પુસ્તક હું પ્રેમથી વાંચું. પણ એમાંની સમૃદ્ધ સામગ્રીની સાથે એની લખાવટ પણ તપાસું. ને એને વિશે મારું લખેલું હોય એ તો વળી વારે વારે તપાસું. કોઈ સમીક્ષ્ય પુસ્તકની ટીકા કરું, પણ ટીકા કરવાની પણ એક રીત જોઈએ, એ હંમેશાં ધ્યાનમાં રાખ્યું છે. શેહશરમ રાખ્યા વિના સ્પષ્ટ લખ્યું. આકરું લખ્યું પણ કડવાશ કે તોછડાઈ વગર. વિવેચન-લેખનના ગદ્ય પર, વિવેચનની ભાષા પર મારું લક્ષ રહ્યું. લખાવટ પર, ગદ્ય પર મોટો પ્રભાવ પડ્યો, ગુજરાતી સાહિત્ય પરિષદના ‘સાહિત્યકોશ’ના સંપાદનનાં પાંચ વર્ષની કામગીરીનો એ સંપાદનની, એડિટિંગની તાલીમે મારી પોતાની વિવેચનભાષાને પણ કેળવી, ઘૂંટી, કોઈ લેખકે ચાર પાનાં ચીતર્યાં હોય એને, એક પણ મુદ્દો જવા દીધા વિના, એક-દોઢ પાનામાં લખી શકાય - એ સઘનતા ‘કુમાર’ પછી સાહિત્યકોશમાં વિકસી. શબ્દચયન, વાક્યવિન્યાસ, વાક્યોનું સંક્ષિપ્તીકરણ, સંકલન, સંયોજન...એટલે સંપાદન. એ કોશનું સૂત્ર, લખાણ સઘન હોય પણ એ સાથે જ વિશદ, અક્લિષ્ટ હોય, એ કોશની પરમ શરત. સાહિત્યકોશના મધ્યકાલીન ખંડમાં તો સંશોધન પણ ઉમેરાયું. મેં મારો પીએચ.ડી. નો શોધનિબંધ લખેલો સાહિત્યકોશના કામમાં પ્રવેશતાં પહેલાં, પણ પ્રકાશિત કર્યો કોશના દિવસોમાં. સંશોધન-સંપાદનની ખરી, આકરી, તાલીમ તો કોશકાળની. મેં આખો શોધનિબંધ લખાવટની રીતે સુધાર્યો, લગભગ ફરીથી લખ્યો, તે પછી જ છપાવ્યો. મધ્યકાળના કોશમાં તો અંધારા વિસ્તારો ફંફોસવાના આવ્યા. જરૂર પડી ત્યાં હસ્તપ્રતો સુધી જવાનું થયું. ઠેબાં ખાતાં ખાતાં વાંચી કોશકાર્યમાં પરસેવો પડી જતો, પણ પછી બધું સમજાવા, પ્રગટ થવા લાગે ત્યારે પરસેવા પર પવનની શીતળ લહેરખી ફરી વળે એવો રાહત- આનંદ થાય. અને કોશકાળના એ વિગતોના વિકટ વનમાં ભમતાંભમતાં એક પ્રતીતિ એ પણ થઈ કે આપણને કષ્ટ પડે પણ વાંચનારને તો ન જ પડે એ રીતે લખવું. એટલે કે મધ્યકાલીન કવિતા વિશે પણ સઘન, અધિકૃત છતાં રસપ્રદ લેખન થઈ શકે, બલકે એ મથામણ કરવી જોઈએ. એ મિથ્યા નથી જતી. અહીં જરા કહી દઉં કે મારા એક વિવેચન-પુસ્તકનું નામ છે : ‘મથવું ન મિથ્યા’ અને કોશકાર્યે એક બીજો મોટો દરવાજો ખુલ્લો કરી આપ્યો-સાહિત્યના ઇતિહાસનો બૃહદ પરિપ્રેક્ષ્ય વધુ સ્પષ્ટ થયો. આવા નકશાને સામે રાખ્યા વિના કોઈ સ્થળવિશેષનો યોગ્ય મહિમા, ખરો પરિચય થતો નથી. વિવેચન કરનાર માટે પણ ઇતિહાસની સંપ્રજ્ઞતા જરૂરી, બલકે અનિવાર્ય છે. મારું ચોથું સોપાન, મારી લેખનખેપનો સૌથી મહત્ત્વનો પડાવ એ પ્રત્યક્ષ’નું સંપાદન. ‘ગ્રંથ’ બંધ થયું ત્યારે, સાહિત્યકોશ-કાળમાં અંકે કરેલી ઇતિહાસ-બુદ્ધિએ, એ ખોટનું મહત્ત્વ સમજાવ્યું. મને થયું કે જો લખાતા સાહિત્યની સાંપ્રત સર્જન-વિવેચનની સમીક્ષાત્મક નોંધ જ ન લેવાય તો એથી લાંબે ગાળે સાહિત્યનો ઇતિહાસ પાંડુર અને કંગાળ બની જઈ શકે. વડોદરે આવીને પ્રત્યક્ષ’ શરૂ તો કર્યું. પણ ત્રેવડ નહોતી. કાલિદાસે કહ્યું છે એમ દુસ્તર સાગરમાં નાનું હોડકું લઈને ઝુકાવવાની એ પ્રવૃત્તિ હતી. પણ જહેમતપૂર્વક ચલાવ્યું મિત્રોના, આમ તો છેવટ સુધી ટકેલા સાથમાં, તે પછી એકલપડે. ૨૬ વર્ષ (૧૯૯૧- ૨૦૧૭)નો આ પ્રત્યક્ષ’ કાળ મારો સૌથી આનંદદાયક ને મથામણદાયક, મજાનો ને મજૂરીનો કાળ હતો. પ્રત્યક્ષ’ જાણે કે મારી અનિવાર્યતા હતી - મારા વિવેચનધર્મનો જ એક ભાગ હતી.‘પ્રત્યક્ષ’નું સંપાદન પૂરો સમય માગતી પ્રવૃત્તિ હતી. એટલે મનમાં નક્કી કરેલું કે મારાથી ભલે થોડા ઓછા વિવેચનલેખો લખાશે, એકાદ બે ઓછાં પુસ્તકો પ્રગટ કરી શકાશે. પણ એનો કોઈ વસવસો રાખવાનો હોય નહીં, કેમ કે આ સાહિત્યપ્રવૃત્તિ એ સાહિત્યલેખન કરતાં જરાય ઓછી ઉપયોગી નહોતી. વહ્યે જતા સાંપ્રતની સાવ નજીક રહેવાનું થતું. વિવિધ લેખકોની ગ્રંથસમીક્ષાઓ દ્વારા સાહિત્યરુચિનું—વાચક, લેખક, સમીક્ષક સુધ્ધાંની એક સંતુલિત રુચિનું ધોરણ ઉપસાવી શકાતું હતું. વર્તમાનનો, ભવિષ્યના વાચક-અભ્યાસી માટે પણ એક સ્પષ્ટ ચહેરો રચી શકાતો હતો. પ્રત્યક્ષ’ વિવેચન વિવેચકની ભાષા—અભિવ્યક્તિનો પણ કસ કાઢતું હોય છે. સમકાલીન કૃતિની પોતાની તપાસને, પોતાનાં સ્પષ્ટ નિરીક્ષણોને કેવી રીતે રજૂ કરવાં એ પણ એની કસોટી હોય છે. કશું જ ગોળગોળ ન રહે, વિશદ ને પારદર્શક રહે, આધારો સાથે લખાય ને તેમ છતાં અભિવ્યક્તિ ક્લિષ્ટ ને કર્કશ ન બને એનું મેં મારી સમીક્ષાઓમાં ધ્યાન રાખ્યું ને પ્રત્યક્ષ’ના નવા સમીક્ષકમિત્રોને પણ એવું ધ્યાન રાખવા સૂચવ્યું. હા. એથી પ્રત્યક્ષ’માં મેં નિમંત્રિત સમીક્ષાઓને એમની એમ જ પ્રગટ કરવાનું સંપાદનકાર્ય કર્યું નથી. મેં સામગ્રી-સંપાદન (કોપી એડિટિંગ) પણ કર્યું - સમીક્ષકોની સંમતિથી લાંબા લેખોને બબ્બે વાર વાંચીને ટૂંકાવ્યા, ભાષા-અભિવ્યક્તિ અને ભાષાદોષો પણ સુધાર્યા ને સુધરાવ્યા. ટીકા કરો કે પ્રશંસા, કૃતિની અંદરથી આધારો આપીને જ કરો. એવી અધિકૃતતા જ વિવેચનને વિશ્વસનીય બનાવી શકે એ ‘પ્રત્યક્ષ’ની સમીક્ષાઓ માટેનું સ્નેહસૂચન સૌથી વધુ તો મને, મારાં વિવેચનકાર્યોમાં કામ આવ્યું છે. હું માનું છું કે વિવેચન બીબાંઢાળ કે એકસૂરીલું કે નર્યું પાંડિત્ય-પરસ્ત (એકેડેમિક) ન જ હોવું જોઈએ. ‘પ્રત્યક્ષ’ વિવેચનને તો એ સૌથી વધારે લાગુ પડે છે. એટલે, મેં થોડાક પ્રયોગો કરેલા. આપણા જે તેજસ્વી સર્જકો હતા. જેમણે વિવેચન કદી લખેલું નહીં. એમની પાસે પણ પુસ્તક-સમીક્ષા કરાવી. ને આ સાહસિક લાગતા પ્રયોગને સફળતા મળી - સર્જકો પાસેથી, ઉત્તમ નિરીક્ષણોવાળી ને તાજગીવાળી સમીક્ષાઓ મળી, વળી, આપણે ત્યાં એવાય અભ્યાસી વાચકો પણ છે જેમણે ગુજરાતી અગ્રેજી સાહિત્યનું ને વિદ્યાનું બહોળું વાચન કરેલું છે, પણ કદી લખ્યું નથી, એવા વિદગ્ધો ને વરિષ્ઠો પાસેથી પણ મેં આગ્રહ કરીને, સમીક્ષાઓ લખાવી. રૂઢ લખાવટની બહાર રહેતી એમની દૃષ્ટિપૂર્ણ ને સંગીન સમીક્ષાઓ નોંધપાત્ર બની રહી. ‘અવલોકન-વિશ્વ’માં દુનિયાભરની સાંપ્રત કૃતિઓની સમીક્ષાઓ પ્રગટ કરી. એમાં આવા અભ્યાસીઓની પણ મદદ લીધી.વિવેચન રગશિયું ને બંધિયાર શા માટે બનવું જોઈએ? એ માટે એક બીજો પ્રયોગ પણ કર્યો. નવી પેઢીને સામેલ કરવા સાહિત્યના કેટલાક તેજસ્વી વિદ્યાર્થીઓને પણ સમીક્ષા લખવા પ્રેર્યા. એમાંથી એક જણ કહે, ના સર, તમે કહો તો પાંચ-દસ પુસ્તકો વાચી લાવીએ, પણ લખવાનું તો કેમ આવડે? મેં કહ્યું મનોયત્નપૂર્વક લખો, અને લખતાં વાર લાગશે એટલી ફાડી નાખતાં વાર નહીં લાગે. એમ, એમની પાસે લખાવ્યું, ફરી લખાવ્યું, સુધાર્યું. સંતોષ થયો ત્યારે પ્રગટ કર્યું. આ આખી પ્રક્રિયાએ વિવેચનની ભાષાનું રૂપ ઘડવામાં મદદ કરી. ‘પ્રત્યક્ષ’ એક પ્રકારની કાર્યશાળા (વર્કશૉપ) બન્યું. આ બધા નુસખા ઉધામા-પ્રયોગો કરવામાં ઘણો શ્રમ પડ્યો છે, પણ અગાઉ કહ્યું એમ, ધાર્યું પરિણામ આવ્યું ત્યારે ‘પરસેવા પર પવનની લહેરખી’નો આનંદ મળ્યો છે. મને વિવેચન લખતાંલખતાં હંમેશાં થયું છે કે વિવેચન અઘરું ને અપારદર્શી શા માટે બનવું જોઈએ? વિવેચન પણ સુવાચ્ય કેમ ન હોય? શાસ્ત્રીયતા જાળવીને પણ વિશદ ને રસપ્રદ વિવેચન કરી શકાય. વિશદતા કંઈ વિદ્વત્તાની વિરોધી નથી. વળી હું એમ પણ કહીશ કે વિવેચન સુવાચ્ય જ કેમ. સુખવાચ્ય પણ બની શકે. કશું પણ પાતળું કર્યા વિના, મૂળને ચૂક્યા વિનાય માર્મિક અને મરમાળું લેખન થઈ જ શકે. વિવેચન પ્રત્યે સૂગ અને ઉદાસીનતા ઊભી કરવામાં શુષ્ક વિવેચન પણ ઓછું જવાબદાર નથી. મેં મારા લેખનમાં બીજો પણ એક પ્રયોગ કર્યો છે. વક્તવ્ય માટેના લેખ (પેપર)ની ભાષા વધુ લવચીક રાખવી જોઈએ. અભ્યાસ-લેખમાં આવતી સંકુલ વાક્યાવલિને બદલે વક્તવ્યમાં સહજ પ્રવાહી વાક્યો હોય, વાક્યાન્વય, કાકુ, શબ્દપસંદગીનું રૂપ પણ એવું હોય કે તમારી વાત તરત પ્રત્યાયન પામે. મૂળ વાતની ગંભીરતાને તર્કસંગતતાને નુકસાન પહોંચાડયા વિના પણ એ થઈ શકે. ભાષા પર એટલી પકડ તો હોવી જોઈએ ને? ક્યાં કયો શબ્દ યોજવો એની સભાનતા, ને કાળજી મેં રાખી છે. એક યોગ્ય શબ્દ માટે ઘણું મથવું પડ્યું હોય તો એ પણ કર્યું છે. શબ્દોને, પરિભાષાને લપટાં પડવા દીધાં નથી. આપણી ભાષા તો સંસ્કૃત-પ્રાકૃતની સમૃદ્ધિથી રસાયેલી, પર્યાયબહુલ ભાષા છે. યોગ્ય શબ્દચયનમાં એનો લાભ શા માટે ન લેવો? એ મારી જીદ રહી છે ને વિવેચનમાં તેમ જ અનુવાદકાર્યમાં એ ઉપયોગી બની છે. અનુવાદ સ્રોત ભાષાના કોઈ ઘસરકા વિનાનો નરવો ગુજરાતી અનુવાદ બને, ગુજરાતીની માર્મિક્તાને તેમ જ એના અર્થ-મરોડો(ઇડિયમ)ને પ્રગટાવનારો-સુવાચ્ય - બને એમાં પેલી પર્યાયબહુલતાને કામે લગાડી શકાય, એવા મારા પ્રયત્નો રહ્યા છે. ભાષાની આ જ કસોટી, જેને આકરું કે નિર્ભીક વિવેચન કહે છે એમાં થતી હોય છે. સ્પષ્ટ કહેવું લખવું અનિવાર્ય ગણતા હોય એવા નવા તેજસ્વી વિવેચકો ગુજરાતીમાં છે. એનું મોટું મૂલ્ય છે, પણ નબળાને ધરાર નબળું કહેનારું વિવેચન આકરું ભલે બને, તોછડું ન બનવું જોઈએ. વિવેચકે એ માટે પોતાની ભાષાશક્તિને અને અલબત્ત, સાહિત્યપ્રીતિને પ્રયોજવાં જોઈએ. કેવી રીતે કહેવું એ કસોટી પણ છે ને પડકાર પણ છે એ માટે મારી સતત તકેદારી અને મથામણ રહી છે. આ સંદર્ભે, સ્પષ્ટભાષી વિવેચનના બે પ્રસંગો મને યાદ આવે છે. સાહિત્ય પરિવારના પૂના અધિવેશનમાં વિવેચનવિભાગના અધ્યક્ષીય વક્તવ્યમાં જયત કોઠારીએ કે. કા. શાસ્ત્રીના ‘ગુજરાતના સારસ્વતો’ વગેરેની આકરી ટીકા કરેલી. કે. કા. શાસ્ત્રી ત્યારે પ્રમુખપદે હતા. જયંત કોઠારીએ લખ્યું છે કે ‘એ સાંભળીને શ્રોતાઓ જરા ચોંકી ગયા હતા, પણ શાસ્ત્રીજી તો પ્રસન્ન હાસ્ય વેરતા રહ્યા ને હું બેઠો ત્યારે મારી પીઠ થાબડી’. બીજો પ્રસંગ છે ચંદ્રવદન મહેતાના આમૃતમહોત્સવ પ્રસંગે, એમની ઉપસ્થિતિમાં નિરંજન ભગતે ચંદ્રવદનની કવિતાનું અસંધિગ્ધ ને આકરું વિવેચન કરેલું. કહેલું કે ‘યમલ’ વગેરે એમનાં કાવ્યોનો પૃથ્વી છંદ પ્રવાહી અને પ્રાસાદિક છે પણ એટલી જ એની પાત્રતા છે. બળવંતરાયની બાહ્ય અસરો છે. પણ એમાં બળવંતરાયની બુદ્ધિપ્રતિભાનો એક પણ અંશ નથી.’છતાં ચં. ચી. મહેતાએ નિખાલસ સ્વીકારની પ્રસન્નતા વ્યક્ત કરેલી. આવી સ્વીકાર-સહિષ્ણુતા આજે વિરલ થઈ ગઈ છે. બલકે જોવા જ મળતી નથી. વાગે નહીં એવી ભાષામાં, કાળજીપૂર્વક સ્પષ્ટભાષી વિવેચન કર્યું હોય એને પણ ખેલદિલીપૂર્વક લેવાતું નથી. એવા વિવેચક માટે એક દુર્ભાવ ઊભો થાય છે. પ્રત્યક્ષ’ના સંપાદન વખતે મેં જોયું છે કે પુસ્તકની ઉચિત ને પ્રામાણિક આકરી ટીકા કરનાર સમીક્ષક એ પુસ્તકના લેખકની નારાજગીનો ભોગ બન્યા છે, એટલું જ નહીં, સંપાદક તરીકે મને પણ એ નારાજગીનો લાભ આપવામાં આવ્યો છે! આવા આળાપણાનું ને અસહિષ્ણુતાનું એક પરિણામ એ આવ્યું છે કે હવે સાહિત્યપ્રીતિથી પ્રેરાઈને, જે લાગ્યું તે કહેનારું સ્પષ્ટભાષી વિવેચન વિરલ થતું ગયું છે. ને અપ્રામાણિક પ્રશંસા કરનારું વિવેચન આગળ આવતું ગયું છે. નવોદિત લેખકોનાં પ્રગટ થતાં પુસ્તકોની પ્રસ્તાવનાઓમાં અને ફ્લેપ પરનાં લખાણોમાં આવી દિલચોરીવાળી શુભેચ્છક વિવેચના પ્રસરી રહી છે. એ પ્રસ્તાવનાઓમાં વરિષ્ઠ સર્જકો-વિવેચકો પણ છે. એટલે પછી વિવેચન વિશ્વસનીય કઈ રીતે રહે? વિવેચનમાં પણ ગદ્યના મરોડો માટેનો મારો રસ મને સર્જનલક્ષી ગદ્ય તરફ પણ ખેંચતોરહ્યો છે. મારા હળવા નિબંધો, પ્રવાસકથનો અને લેખકચરિત્રોમાં ગુજરાતી ભાષાની મર્મશક્તિતરફનું મારું આકર્ષણ કેન્દ્રમાં રહ્યું છે. કવિતાસર્જન ભલે પાછળ છૂટી ગયું. પણ આ ગદ્યલેખન દ્વારા હું ભાષાને લાડ કરતો રહ્યો છું. એનો વૈભવી પ્રેમ માણતો રહ્યો છું. એટલે, મારા પીડાદાયક અનુભવોનું નિરૂપણ પણ મરમાળું થયું છે ને મને સર્જનાત્મક આનંદ આપતું રહ્યું છે. એટલે કષ્ટસાધ્ય વિવેચન-સંશોધન-સંપાદન-અનુવાદ અને આ અકષ્ટકર સર્જનલક્ષી ગદ્યલેખન – બંને એકસરખી રીતે મારી રુચિનું પોષણ-સંવર્ધન કરતાં રહ્યાં છે ને મને એકસરખોઆનંદ આપતાં રહ્યાં છે. એ વ્યક્ત કરીને મારી વાત પૂરી કરું છું. સૌનો આભાર

‘નિરંજન ભગત સ્મૃતિ-પુરસ્કાર’ સ્વીકારતાં કરેલું પ્રતિભાવ-વક્તવ્ય, તા. ૧૮ મે, ૨૦૨૩
‘સંસ્પર્શ અને વિમર્શ’ પૃ. 182 થી 187