સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/આપણા જીવનમાં સાહિત્યની પ્રતિષ્ઠા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૪. આપણા જીવનમાં સાહિત્યની પ્રતિષ્ઠા

[તા. ૧૭-૩-૧૯૨૯ના રોજ ગુજરાત સાહિત્ય સભા રજતમહોત્સવને અંગે મળેલા લેખક-સંમેલનના પ્રમુખ તરીકે આપેલું વ્યાખ્યાન.]

લેખક બંધુઓ,

આ લેખક-સંમેલનથી કંઈ પણ ફાયદો થઈ શકે કેમ તે સંબંધી અને નાસ્તિક શંકાઓ થઈ હશે, થતી હશે. પણ આજે આપણે જે થોડોઘણો સમય ભેગા રહીએ તેમાં વધારે નહિ ને એક જ પ્રશ્ન જે હું આપની સમક્ષ રજૂ કરવા ઇચ્છું છું, તે એક જ પ્રશ્ન તરફ આપનું ધ્યાન જાય તો એ સર્વ નાસ્તિક શંકાઓનો તેમાં જવાબ આવી જાય, અને એ પ્રશ્ન લેખકો વિશેનો જ છે. મને ઘણી વાર પ્રશ્ન થયો છે, આપ સર્વને થયો હશે કે સમાજમાં લેખકના ધંધાને જે માન હોવું જોઈએ તે અત્યારે છે? આ પ્રશ્ન માત્ર લેખક સંબંધી જ નથી થયો. એક બીજા ધંધા સંબંધી પણ થયો છે, અને એ બંને ધંધાનો હું પણ અભિમાની હોવાથી હું ખુલ્લા દિલથી કહી શકું છું. આપણા સમાજમાં શિક્ષક અને લેખકને જે માન હોવું જોઈએ તે નથી. આપણો આજનો પ્રશ્ન બીજી રીતે મૂકીએ તો સમાજજીવનમાં સાહિત્યને જે ગૌરવશાળી સ્થાન હોવું જોઈએ તે આપણા સમાજમાં નથી, તેનું કારણ શું? આમ હોવાનાં ઘણાં કારણો છે. તેમાં કેટલેક અંશે સમાજ, એટલે જે વર્ગ તરફથી પુસ્તકવાચનની અપેક્ષા રાખીએ તે વર્ગ જવાબદાર હશે. પણ આપણે આજે જે જોવાનું છે કે આ સ્થિતિમાં આપણી પોતાની જવાબદારી કેટલી? એક બીજી રીતે વિચારતાં આ પ્રશ્નના ઉકેલની દિશા સમજાશે. સાહિત્ય પ્રજાના જીવનનો માત્ર શણગાર નથી, માત્ર આનંદનું સાધન નથી, પણ પ્રજામાં નવું ચેતન પ્રેરનાર, તેને નવા પંથે દોરનાર, તેના જીવન પર પ્રકાશ પાડનાર પણ છે. આપણે આજે વિચારીએ કે આપણું સાહિત્ય ગુજરાતમાં નવું ચેતન પ્રેરે છે. નવા માર્ગો દેખાડે છે, નવો પ્રકાશ પાડે છે? અલબત્ત, લેખકના સામાન્ય વર્ગમાં પૂજ્ય ગાંધીજીને પણ ગણી લઈ આપણે જરા પણ શંકા વગર કહી શકીએ કે ‘હા.’ એ સામાન્ય શબ્દની બલિહારી છે! પણ લેખક લેખકમાં એક ભેદ છે. પૂ. ગાંધીજી સાહિત્યની ખાતર નથી લખતા, પણ લોકોમાં પોતાના વિચારો પ્રસરાવવા, લોકોને પોતાને માર્ગે દોરવા, પોતે જે સત્યદર્શન કર્યું છે તે કરાવવા લખે છે. લેખન એ એમનો મુખ્ય ઉદ્દેશ નથી. તેઓ લખે છે તે પણ સાહિત્ય જ છે. સાહિત્યની ખાતર નહિ લખેલું તે સાહિત્ય નહિ એમ જો કહીએ તો જગતનું કેટલુંક ઉત્તમોત્તમ સાહિત્ય, વેદ, ઉપનિષદ, ભાગવત, કુરાન, બાઇબલ વગેરેનો સાહિત્યમાંથી બહિષ્કાર કરવો પડે. આપણા કવિઓ વારંવાર કહેતા કે અમે કવિ નથી, અખાએ કહ્યું છે :

‘જ્ઞાનીને કવિમાં ન ગણીશ.’

છતાં તેમને આપણે કવિ ગણીએ છીએ. આપણો પ્રશ્ન આવા લેખકો સંબંધી નથી – ગાંધીજી જેવા નેતાઓને માનની ન્યૂનતા છે કે નહિ એ આપણો પ્રશ્ન નથી. આપણો પ્રશ્ન એ છે કે જે લેખકો સાહિત્ય ખાતર લખે છે, તેમનું સાહિત્ય અત્યારે જનસમાજને દોરનાર કે ચેતન અર્પનાર કે નવો પ્રકાશ પાડનાર છે? નથી જ, અને નથી માટે આપણા સાહિત્યને સમાજમાં માનનું સ્થાન પણ નથી. આ સ્થિતિનું કારણ શું? કદાચ કોઈ કહેશે કે એ દોરવાનું કામ રાજદ્વારી પુરુષો અને નેતાઓ અને ધાંધલિયાઓનું છે, અમો સાહિત્યકારોનું નથી. આમ કહેનારા સાહિત્યને અન્યાય કરે છે. અનેક દેશોમાં સાહિત્યે આ કામ કરેલું છે. ફ્રેન્ચ રેવોલ્યૂશન જે બળોથી ઉત્પન્ન થયો તે બળોને જન્માવનાર તેના પહેલાંના અનેક તેજસ્વી લેખકો જ હતા. ઇંગ્લૅન્ડના રાજ્યપ્રકરણમાં ખરી પ્રજાકીય દૃષ્ટિ ડિકન્સની નવલકથાઓથી આવી છે અને ડિકન્સ એક ખરો સાહિત્યકાર હતો, અને હજી એ તરીકે જીવે છે. ચીન, જાપાન, ઈરાન, તુર્કસ્તાન વગેરે લાંબી ફાળે આગળ ધપતા દેશો વિશે આપણે જાણતા નથી, પણ રશિયા વિશે જાણીએ છીએ કે રશિયાનું આખુંયે પરિવર્તન તેના આધુનિક લેખકોને આભારી છે. તેના કાર્યકર્તાઓએ એ પણ વિચારો સાહિત્યમાંથી મેળવ્યા છે. કેવળ કાર્ય પર જીવન ગાળનાર લેનિન પણ જબરો વાંચનાર હતો, અને તેણે વાચનમાંથી ઘણું મેળવ્યું છે. આપણે અહીં એમ થયું છે અથવા થાય છે? આનું કારણ શું? પંદરેક વરસ ઉપર એક વખત આપણા એક સાક્ષરે મને સાહિત્ય પરિષદમાં આવવા સલાહ આપતાં કહ્યું : ‘પાઠક! આપણા ગુજરાતીઓ માટે તો સાહિત્ય એ જ મુખ્ય પ્રવૃત્તિ છે. દક્ષિણીઓ રાજ્યપ્રકરણમાં આગળ વધે, આપણે સાહિત્યમાં.’ રાજ્યપ્રકરણમાં કામ ન કરવું હોય તે ન કરે, અને જેને સાહિત્ય વધારે અનુકૂળ હોય તે તેમાં કામ કરે તેમાં કશો વાંધો નથી. પણ આ વાક્યની નીચે જીવનની, અને સાહિત્યની પણ એક ઘણી સંકુચિત દૃષ્ટિ છુપાયેલી છે. તે દૃષ્ટિ એક રીતે જોતાં આપણા આખા જીવનમાં વ્યાપ્ત છે. આપણામાં બ્રાહ્મણ હશે તે એટલું જ સમજશે કે હું મારી મેળે સેવાપૂજા કર્યા કરું, મારો ધર્મ પાળ્યા કરું, ભિક્ષાથી નિર્વાહ ચલાવું; દેશમાં શું થાય છે, આખા દેશ માટે શું થવાની જરૂર છે તેનું મારે શું? વાણિયો હશે તો એમ માનશે કે મારે પૈસો ભેગો કરવાની જરૂર છે તેથી વધારેની મારે શી પંચાત? કોઈ વેપાર કરે તેની ના નથી, પણ વેપાર કરતાં બીજો કશો વિચાર કરવાની ના પાડે છે તે અહીં ખરું અનિષ્ટ છે. આમ થવાથી આખા જીવનના જાણે કડકા થઈ ગયા છે. જીવનને એક રૂપે જોવાનો કોઈ પ્રયત્ન કરતું નથી, અને એનો ચેપ હવે સાહિત્યને લાગ્યો છે. આમ થવાનું કંઈક કારણ એ હશે કે પ્રથમના સાહિત્યકારો ઘણાખરા સહકારી, અને તેમાં પણ કેળવણી ખાતાના નોકરો નીકળ્યા છે, જેમને માટે રાજ્યપ્રકરણ એક અસ્પૃશ્ય વિષય હતો. પણ જીવનની આ એકદેશીયતા જીવનની અને સાહિત્યની બંનેની વિઘાતક છે. આવી એકદેશીયતા વધારેમાં વધારે ચાલી શકે એવું વિજ્ઞાન પણ અત્યારે એકદેશીયતા છોડી સમગ્રાભિમુખ થાય છે, ગયા સૈકામાં પદાર્થવિજ્ઞાન ફિલસૂફીને નહોતું ઓળખતું, અર્થશાસ્ત્ર નીતિને નહોતું ઓળખતું, નીતિશાસ્ત્ર માનસશાસ્ત્ર તરફ પૂરતું ધ્યાન નહોતું આપતું, પણ અત્યારે તો પશ્ચિમનાં બધાં શાસ્ત્રો પોતાની નાની મર્યાદાઓ તોડીને વિશાળ જીવનના કોઈ અજ્ઞાત મધ્યબિંદુ તરફ ગતિ કરવા નીકળી પડ્યાં છે. આવી એકદેશીયતા વિજ્ઞાનની પ્રગતિને પણ રોધક નીકળી તો સાહિત્યની તો તે વિઘાતક જ છે. પ્રાકૃતજનમાં અને સાહિત્યકારમાં જે મુખ્ય ફરક છે, કે હોવો જોઈએ. તે દૃષ્ટિની વિશાળતાનો. સાહિત્યકાર ભલે કામ કરે સાહિત્યનું એટલે કે લખવાનું, પણ તેનું દર્શન સમસ્ત જનતાનું હોવું જોઈએ. સાહિત્યકાર લખે ભલે એક જ વિષય પર – કોઈ પુષ્પ પર કે દાંપત્યપ્રેમ પર કે કોઈ કરુણ વૃત્તાંત પર – પણ તેની નીચે તેનું દર્શન હોવું જોઈએ સમગ્રનું; તો જ તે તે વિષયને પૂરો ન્યાય કરી શકશે, તો જ તેનું નિરૂપણ જનતાના હૃદયને સ્પર્શ કરી શકશે. સત્યનું સ્વરૂપ એવું છે કે જો તમે એક પ્રદેશમાંથી તેનાથી વિમુખ થાઓ તો તે સર્વત્ર તમારાથી વિમુખ થાય. તમે માત્ર રાજ્યપ્રકરણનાં સત્યો તરફ દુર્લક્ષ કરો તો બીજા બધા વિષયનાં સત્યો તમારાથી રિસાઈ બેસે. એક સાધારણ જ દાખલો લઈએ. ધારો કે તમે એક કરુણ રસની વાર્તા લખો છો. તેમાં બગીચાનાં ફૂલો કરમાઈ ગયા ઉપર કોઈ સ્ત્રી કે પુરુષ કલ્પાંત કરતો ચીતરો. પણ જે સમાજમાં લાખો માણસોને પેટ પૂરતું ખાવાનું નથી મળતું તે સમાજને એ કરુણ જ નહિ લાગે – એ વસ્તુના વ્યંગ્યમાં સમાજની કરુણ સ્થિતિ સૂચવાતી હોય તે જુદી વાત. સાહિત્યકારે સમગ્ર જીવનને અભિમુખ થઈ સંસ્કારો ઝીલવા જોઈએ. એમ કરતાં તેને જે સત્ય લાગે તે તેણે સ્વીકારવું જોઈએ. રાજ્યપ્રકરણી સત્ય તો મારે માટે નથી એવા પૂર્વગ્રહથી સમગ્ર દૃષ્ટિ વક્ર થાય અને પછી તેને કોઈ પણ વિષયનું સમ્યક્‌દર્શન ન થઈ જ શકે. એવી દૃષ્ટિના અનુભવમાંથી સર્જેલું સાહિત્ય લોકોને દોરી ન શકે તેમાં નવાઈ નથી. રાજ્યપ્રકરણથી અલગ રહેવાનો દોષ બંગાળામાં નહોતો, અથવા ઓછો હતો, ત્યાં ‘આનંદમઠ’ જેવી નવલકથા લખાઈ, તો તે સાહિત્યને આખું હિન્દ માન આપે પણ છે. આપણી દૃષ્ટિની સંકુચિતતા એક બીજી રીતે પણ સાહિત્યમાં જણાય છે. ઘણી વાર કહેવાયું છે કે આપણા રૂઢિબદ્ધ સંસારમાં કશું નવું થવા પામતું નથી અને તેથી નવલકથાને માટે વસ્તુ મળતું નથી. આપણો સંસાર રૂઢિબદ્ધ છે એ વાત ખરી છે, જોકે રૂઢિઓ તોડવાનું સાહસ જન્માવવું એ પણ સાહિત્યનું કામ છે. પણ રૂઢિબદ્ધ હોવા છતાં આપણા સમાજમાં કંઈક અખૂટ વૈવિધ્ય, વૈચિત્ર્ય અને ચિત્રમયતા છે. રશિયા પણ આપણા જેવો સ્થિતિજડ મુલક હતો, પણ ત્યાંના લેખકોએ એમાંથી જ અદ્‌ભુત વાર્તાઓ લખી છે અને રૂઢિ તોડવાનું સાહસ ન હોવા છતાં પશ્ચિમની અનેકસ્રોત સંસ્કૃતિએ આપણા સમાજ ઉપર કરેલા ધસારાથી આપણી સ્થિતિમાં જે ફેરફારો, પરિવર્તનો થયાં છે તે પણ ઓછાં આકર્ષક નથી. માત્ર આપણે તેનો ઉપયોગ કરી શકતા નથી, દૃષ્ટિની સંકુચિતતાને લીધે! એ જ સંકુચિતતા એક બીજી રીતે પણ દેખા દે છે. પ્રાચીન કાવ્યો વિશે આપણે ફરિયાદ કરીએ છીએ કે તેમાં ધર્મ સિવાય બીજું કાંઈ નથી. એ તદ્દન ખરું નથી. તેમાં ધર્મ ઉપરાંત કુટુંબભાવના, સમાજ પર ટીકા વગેરે પણ હતું. અત્યારે આપણને એ ઉપયોગી નહિ હોય, પણ તે સમયના સમાજને તે વ્યક્તિની ટૂંકી મર્યાદામાંથી કંઈક ઉન્નત સ્થિતિનું ભાન કરાવનાર હતું. આપણા વર્તમાન સર્જનસાહિત્યમાં એવું બહુ ઓછું છે. ધર્મ વિશે આપણા વિચારો બદલાતાં એ માત્ર ચર્ચાનો અને તર્કનો વિષય રહ્યો છે. કુટુંબભાવના પણ ઘણી વાર આત્મતૃપ્તિની ભૂમિકાએ નિરૂપાય છે. માણસને પોતાના સ્વાર્થની પર લઈ જઈ કોઈ ઉજ્જવલ ધ્યેયથી તેના સમસ્ત જીવનને ચેતનવંતું અને ધન્ય કરી મૂકે એવું કશું જ, સાહિત્ય આપી શકતું નથી. લોકમાનસ જૂની જીવનઘરેડો છોડી વિશાલ પ્રજાકીય જીવનમાં પ્રવેશ કરવા તત્પર છે પણ વર્તમાન સાહિત્ય તેમાં તેને દોરી શકતું નથી, તેને બલ કે ચેતન અર્પી શકતું નથી. વર્તમાન સાહિત્ય દાંપત્યપ્રેમ ઉપર લખી પોતાનું કામ પર્યાપ્ત થતું માને છે, એટલું કરતાં તેની સર્જનશક્તિ જાણે ખૂટી જાય છે. એડમન્ડ ગોસ એક જગ્યાએ કહે છે તેમ લગભગ નિઃસીમ સાહિત્યક્ષેત્રના એક જ વીઘાને કસ ઊતરી જાય ત્યાં સુધી આપણે ખેડ્યા કરીએ છીએ. વિશાળ જીવનની ઝાંખી આ યુગના આરંભથી થઈ છે એમ ગણવું જોઈએ. દલપત-નર્મદે એ જીવનમાં લોકોને દોરવા પ્રયત્ન કરેલો હતો, પણ તેમને પોતાને જ તે જીવનનું પૂરું દર્શન નહોતું. આપણા વર્તમાન સમાજનાં સર્વ બળો, આપણી પ્રાચીન સંસ્કૃતિનાં બળો અને પશ્ચિમની પ્રબળ સંસ્કૃતિનાં બળોનો તેમણે સમન્વય કર્યો નહોતો, એટલું કરવા જેટલો તેમને વખત પણ નહોતો; તેમણે પશ્ચિમમાંથી પ્રથમ દૃષ્ટિએ લેવા યોગ્ય વસ્તુઓ લેવાની અને એ દૃષ્ટિએ આપણામાંથી તજવાની વસ્તુઓ તજવાની મીઠી ભલામણ કરી. સદ્‌ગત સર રમણભાઈ, શ્રીયુત નરસિંહરાવભાઈ વગેરે જેઓ તે સમયે નવીનો કે સુધારકો ગણાતા તેમની પણ દૃષ્ટિ એ જ હતી. કાવ્ય અને કલાસંબંધી તેમના વિચારો વધારે સંસ્કારી થયા હતા એટલે તેમણે એ જ ઉપદેશ જુદી રીતે આપ્યો. આપણા જીવન પર વેગથી હલ્લો કરતી નવી સંસ્કૃતિને આપણી પ્રાચીન સંસ્કૃતિ સાથે જોવી, બંનેનો સમન્વય કરવો એ કાર્ય મણિભાઈ નભુભાઈએ કર્યું. એમણે ફિલસૂફીની દૃષ્ટિએ એ કાર્ય શરૂ કર્યું છતાં તે તાત્ત્વિક ચર્ચામાં જ રહ્યું. તેમનાં સર્જનોમાં કાન્તા દાંપત્યપ્રેમનું નાટક છે, ગુલાબસિંહ યોગની અગમ્ય વાતો અને દાંપત્યપ્રેમનું મિશ્રણ છે, તેમનાં કાવ્યો તેથીય વધારે અગમ્ય વેદાંતનાં છે. વ્યવહારની ભૂમિકા ઉપર આ સર્વ બળોને મૂર્ત કરવાનો પ્રયત્ન સદ્‌ગત ગોવર્ધનરામભાઈએ કર્યો. તેમના ‘સરસ્વતીચંદ્ર’માં આપણા સમાજના સર્વ પ્રશ્નો ચર્ચાયા છે. પણ ત્યાં પણ વિશાલ લોકજીવનનો પ્રવેશ સરસ્વતીચંદ્રની મનોરથસૃષ્ટિમાં જ રહી જાય છે, અને નજરે તો સરસ્વતીચંદ્ર અને કુમુદના સંબંધના પ્રશ્નો જ આવે છે. દેશી રાજ્યસંબંધી તેમની ચર્ચા વસ્તુસ્પર્શી નથી એમ આપણા એક વિદ્વાન સાક્ષરે કહ્યું હતું. અને તેમની કથામાં લોકસંઘ demos ઉપરની શ્રદ્ધા ક્યાંય ધબકારા મારતી નથી એમ કવિશ્રી ન્હાનાલાલે કહ્યું છે. કવિશ્રી ન્હાનાલાલની પોતાની કૃતિમાં પણ દાંપત્યપ્રેમનો પ્રશ્ન જ સર્વત્ર વિસ્તર્યો છે. તેમને પોતાને ‘પ્રેમકુંજ’માં તેનું સમર્થન કરવું પડ્યું છે. તેમનો ઇન્દુકુમાર લોકસેવાનો અભિલાષી છે પણ હજી સુધી તો માત્ર તેનો ક્રાન્તિ તરફનો પ્રેમ જ વ્યક્ત થયો છે, ભવિષ્યમાં તે કાંઈ વિશેષ કરે તો જુદું. કવિશ્રીએ યોજેલ મોગલ સમ્રાટોનું નાટકચક્ર મોગલોની કલાભાવનાને વ્યક્ત કરી, તેની પ્રશસ્તિ કરી અટકી જાય છે કે હિંદુ-મુસલમાનના સંગઠનને માટે કોઈ નવી ભાવનાઓ આપે છે એ હજી જોવાનું છે. તેમનાં આર્યત્વની ભાવનાનાં નાટકો કોઈ નવી ભાવનાઓ આપે છે કે કેમ તે પણ હજી ભાવિના ગર્ભમાં છે. શ્રીયુત મુનશીની નવલકથાઓમાં હજી સુધી તો વિશાળ લોકજીવનને માટે ઉત્સાહ કે ધ્યેયવાળાં પાત્રો નિષ્ફળ જ ગયાં છે. તેમનો ઇતિહાસનો પ્રોફેસર કાપડિયા, કામસૂત્રનો ઉપદેશ કરી શકે છે પણ દેશને નવો માર્ગ બતાવી શકતો નથી. તેમની ઐતિહાસિક વાર્તાઓમાં વ્યક્તિની બહાદુરી અને તે પણ તડાફડ-મારામારી કરવાની બહાદુરી છે, તે ગુજરાતમાં કોઈ પણ કાળના જીવનનું કેટલે અંશે સાચું કે સમન્વયોગ્ય પ્રદર્શન છે તે પ્રશ્ન છે. આ પ્રમાણે આપણા સાહિત્યે વિશાળ જીવનમાં પ્રવેશ કરવાનો કે તેને મૂર્ત કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ તેમાં તે સફળ થયું નથી. આપણું જીવન પોતાના વિકાસક્રમે જે નવી ભૂમિકામાં જવા પ્રયત્ન કરે છે તેને માટે બળ કે વેગ આ સાહિત્યે આપ્યાં નથી. હું ઉપર જોઈ ગયો તે આપણા સાહિત્યનું વિહંગાવલોકન નથી જ; સાહિત્યના ગુણદોષની દૃષ્ટિ પણ તેમાં નથી. આપણું સાહિત્ય જરા પણ ચેતન પ્રેરી શક્યું નથી એમ પણ હું કહેવા માગતો નથી – જે જે લેખકે જેટલું નવચેતન પ્રેર્યું છે તેટલે અંશે તે લોકપ્રિય થયો છે, અને થશે. દાંપત્યપ્રેમ સિવાય ઘણા લેખકોએ ફિલસૂફી, નિબંધ, ઇતિહાસ વગેરે પ્રદેશોમાં ઘણો સારો ફાળો આપ્યો છે અને તે એક કે બીજી રીતે પ્રજામાનસને વિશાલ જીવનને માટે ઘડે છે તેની મારે ના નથી. દાંપત્યપ્રેમના સાહિત્યને હું અવગણવા માગતો નથી. હું માનું છું કે કુટુંબનો આધાર દાંપત્યપ્રેમ ઉપર છે અને હજી સુધી તો સમાજનો એકમ કુટુંબ જ છે. મેં ઉપર જે દૃષ્ટિ નાખી તે મારા આજના મુખ્ય પ્રશ્નને ધ્યાનમાં રાખીને નાખી છે, અને તે ઉપરથી મારે એ કહેવાનું પ્રાપ્ત થાય છે કે આપણી પાસે વિશાળ સાહિત્ય હોવા છતાં તે સમગ્ર જીવનને જોવામાં હજી સફળ થયું નથી. આપણો સૌથી મોટો પ્રશ્ન સમાજની પામરતાનો, દીનતાનો, પરાધીનતાનો, અને તે કેમ ટળે તેનો છે, તે પ્રશ્ન ઉકેલવા જતાં આપણું સાહિત્ય અધવચ અટકી પડ્યું છે, અને માટે લોકને દોરવાને અને લોકમાં નવું ચેતન પ્રેરવાને સમર્થ નીવડ્યું નથી. હજી સુધી તેણે દાંપત્યપ્રેમના ઉપર જ લક્ષ આપ્યું છે. તેથી સાહિત્યમાં વૈવિધ્ય આવતું અટક્યું છે. દરેક લેખક એ વિષય પર લખવાને કાબેલ હોય એ પણ અસંભવિત છે. જુવાન વાચક પર આ સાહિત્યના એવા સંસ્કારો પડે છે કે જાણે દાંપત્યપ્રેમ એ જ જીવનસર્વસ્વ છે, જીવનમાં જે કંઈ બીજું કરવું પડે તે દાંપત્યજીવનના ઉપભોગ અર્થે જ કરવાનું છે; અને અનુભવી વાચક આવા સાહિત્યથી કંટાળે છે. પ્રજા અત્યારે નવી લોકભાવના આ દેશની સર્વ જનતા એક છે એવી ભાવના સિદ્ધ કરવા માગે છે, આખી દુનિયામાં એક પ્રજા તરીકે પોતાનું સ્થાન લેવા માગે છે, એક મહાન પ્રયત્નથી પોતાની હીનતા ખંખેરી નાખવા માગે છે, ત્યારે સાહિત્ય તેને દાંપત્યની વાર્તાઓ સિવાય બીજું કાંઈ આપી શકતું નથી. જેને કસરતની જરૂર હોય તેને પંપાળવા કે ગલગલી કરવા જેવું આ છે. આપણા જીવનમાં અત્યારે અનેક પ્રકારનાં બળો પ્રવર્તમાન છે : આપણી પ્રાપ્ત વર્તમાન સ્થિતિનાં બળો, તેની સાથે અથડાતાં પશ્ચિમની પ્રબળ સંસ્કૃતિનાં બળો, આપણી પ્રાચીન સંસ્કૃતિના અભ્યાસથી ઊપજતાં બળો, આ બધાંના સંઘટ્ટન અને સંમિશ્રણથી આપણે વિવિધ દિશાએ પ્રેરતાં કે ખેંચી લઈ જતાં બળો, આપણે આપણી સુધારણા કે વિકાસને માટે આવશ્યક ગણીને ઊભાં કરેલાં બળો, અને તે ઉપરાંત વ્યક્તિઓની ધૂનનાં બળો. સાહિત્યનું ખરું કામ આ બધાં બળોનો સમન્વય કરવાનું છે, અને તે ન થાય ત્યાં સુધી એ બળોનું અને તેના સંઘટ્ટનનું સ્વરૂપ યથાતથ રજૂ કરવાનું છે, – બીજાં બળો તરફ દુર્લક્ષ કરી, પોતાને સમજાતાં કે ભાવતાં બળોમાં જ મહાલવાનું નથી. આ કાર્યને માટે પ્રથમ તો આપણે પોતે સર્વ બળોને સમજવાં જોઈએ. આવાં સંમેલનો આ સમજણને ઘણી મદદ કરી શકે. લેખકો એકબીજા સાથે ખુલ્લા દિલે મળે, પોતપોતાના અભિપ્રાયો, પોતપોતાનાં દૃષ્ટિબિંદુઓ પ્રગટ કરે, વિચારોની આપ-લે કરે, તો તેથી દૃષ્ટિમર્યાદા કે દુર્લક્ષ કે ખોટા ગ્રહો સુધારવાનું પ્રાપ્ત થાય; નવા વિચારો અને નવી વિચારદિશાઓ સૂઝે, જૂના વિચારો તાજા થાય અને સમસ્ત અક્ષરદેહને કુસ્તીનું અને ખુલ્લી હવાનું આરોગ્ય મળે. આવાં સંમેલનોમાં લેખકો અને વિવેચકો ભેગા થવાથી આપણી વિવેચના પણ વધારે યથાર્થ અને લક્ષ્યવેધી થઈ શકે. એ ખરું છે કે લેખકને દૂર રાખી વિવેચના માત્ર તેના લેખની જ કરવાની છે, પણ છતાં માણસને એકબીજાને ઓળખવા જતાં આંતર તેમ જ બાહ્ય, વ્યક્તિ તેમ જ સમાજગત વ્યવધાનો આડાં આવે છે. આવાં સંમેલનોમાં આ વ્યવધાનો સરી પડે તો એકબીજાને સમજવામાં કેટલી મદદ થાય, કેટલી અણસમજ, મિથ્યા ભ્રમો દૂર થાય, કેટલી કટુતા અટકે? દરેકના અનુભવમાં એમ નથી આવ્યું કે જાણે અમુક લેખકોનાં અનેક પુસ્તકો વાંચ્યાથી ન સમજાયું હોય તે કોઈ વિરલ ક્ષણે તેના સહવાસથી સમજાઈ જાય છે? વિવેચનામાં માત્ર સહૃદયતા બસ નથી, સૌહાર્દ પણ ઇષ્ટ છે. સહૃદયતા વ્યક્તિના અધિકારનો પ્રશ્ન છે પણ સૌહાર્દ તો આવાં સંમેલનોમાંથી જ ખીલે. પણ બંધુઓ, આ સૌહાર્દ આપણું વિવેચનને વધારે મૃદુ, એકબીજાને પંપાળનારું કે વખાણનારું થાય એટલા માટે હું નથી ઇચ્છતો; આપણા સાહિત્યમાં એમ એકબીજાને વખાણનારાં મિત્રમંડળો કે વાડા ઘણાં છે. આપણી વિવેચના, અપ્રિય છતાં પથ્ય બોલનારી થાય, વધારે સાચકલી અને લક્ષ્યવેધી થાય, એટલા માટે ઇચ્છું છું. એકબીજાને મળવાથી લેખકનું વક્તવ્ય વધારે સારું સમજાય, તેથી વિવેચક પણ પોતાની દૃષ્ટિ માટે વધારે આત્મશ્રદ્ધાવાન થાય, અને પોતાનો અભિપ્રાય બરાબર એકાગ્ર અને લક્ષ્યવેધી આપી શકે. સાચું કહેવાની ટેવ સૌ પાડે તો સાચું કહેવાથી માઠું લાગવાની ટેવ એની મેળે ઘસાઈ જાય. અને કડવામાં કડવું સંભળાવવું એ તો મૈત્રીનો વિરલ અધિકાર છે! આપણું વિવેચન એ અધિકારોનો અમલ કરી શકે એમ હું ઇચ્છું છું. તેમાં સૌહાર્દ સાથે સાચકલાઈ હોય, અને કડવું સંભળાવવાની શ્રદ્ધા પણ હોય, એમ ઇચ્છું છું. બંધુઓ, આવા સંમેલનના અનેક ફાયદા છે તેનો હું આજે નિબંધ લખવા કે વાંચવા નથી માગતો. તેનાથી આપ સર્વ વાકેફ છો. આપણે તો હવે તે સાચું કરી બતાવવાનું છે. પણ હું એ એક પ્રશ્ન ઉપર આપને સતત વિચાર કરવાને આમંત્રું છું. અને તે એ કે શું કરીએ તો આપણું સાહિત્ય સમાજમાં ગૌરવશાળી સ્થાન લે. અંતે હું ઋગ્વેદની બે ઋચાઓ જે વાગ્દેવતાએ પોતે ઉચ્ચારેલી મનાય છે, તે તરફ આપનું ધ્યાન ખેંચીશ.

अहमेव स्वयमिदं वदामि जुष्टं देवेभिरुत मानुषेभिः ।
यं कामये तंतमुग्रं कृणोमि तं ब्रह्माणं तमृषिं तं सुमेधां ।।

(હું જ સ્વયં આ બોલું છું – દેવો અને માણસોને ગમે એવું. હું જેને ઇચ્છું તેને તેને ઉગ્ર કરું છું – તેને કવિ ઋષિ સુમેધાવી કરું છું.)

अहं रुद्राय धनुरातनोमि ब्रह्मद्विषे शरवे हंतवा उ ।
अहं जनाय समदं कृणोम्यहं द्यावापृथिवी आ विवश ।।

(હું રુદ્ર માટે બ્રહ્મદ્વેષી હિંસકને હણવા માટે ધનુષ તાણું છું. હું માણસને સમદ કરું છું. મેં દ્યાવાપૃથિવીમાં પ્રવેશ કર્યો.) અને એ વાગ્દેવતા જે પોતે જ પરમાત્માદેવતા છે, તેની પ્રાર્થનામાં ભળવા વીનવીશ, કે તે આપણા લેખકોને ઉગ્ર કરે, તેમને કવિ ઋષિ અને મેધાવી કરે : બ્રહ્મદ્વેષીને આપણા વિકાસને બાધ કરનાર આંતર-બાહ્ય શત્રુને હણવા રુદ્રનું ધનુષ તાણે, જનસમાજને સ્વાભિમાન લેતો કરે, અને આપણા સાહિત્યમાં અવતરીને સમસ્ત ભૂમંડળમાં વ્યાપે. [‘સાહિત્યવિમર્શ’]