સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/વિવેચનનાં મૂલ્યો
સૌથી પહેલાં જરા આ મથાળાનો અર્થ સ્પષ્ટ કરવો પડશે, કારણ કે, જોકે આ મૂલ્ય શબ્દ આપણાં વિવેચનોમાં પણ થોડા દાયકાથી વપરાવા માંડ્યો છે, પણ તે ખરી રીતે અંગ્રેજી વિવેચનોમાં આવતા ‘વૅલ્યૂ’ (Value) શબ્દ માટે યોજેલો કંઈક તરજુમિયો શબ્દ છે. તેનો અર્થ, અંગ્રેજી વિવેચનોના પરિચિતોને જેવો સુગમ છે, તેવો માત્ર ગુજરાતી જાણનારને ન હોઈ શકે. તેથી પ્રથમ આ વિષયની ભૂમિકા સ્પષ્ટ કરીશ. પ્રશ્ન એ છે કે દરેક કાવ્ય તેના કવિનું એક સ્વતંત્ર સર્જન હોય, દરેક કાવ્ય સ્વતંત્ર રીતે જ અનુભવવાનું હોય, દરેક કાવ્યનો રસાસ્વાદ સ્વતંત્ર રીતે જ લેવાનો હોય, તો પછી જુદાં જુદાં કાવ્યોનો મૂલ્યમાં કંઈ ફરક ખરો કે નહિ? આપણે ખુરશીઓ કે પેન્સિલો કે એવું કંઈ પણ લેવા જઈએ તો તેની કિંમતમાં ફરક હોય છે. તો કાવ્યોનાં મૂલ્યોમાં કંઈ ફરક ખરો? ફરક હોય તો એ ફરકનું ધોરણ શું? ખુરશીઓના મૂલ્યમાં શા માટે ફરક હોય છે? ખુરશીઓ બેસવા અને ઘરની શોભા અર્થે કરેલી હોય છે. બેસવાની સગવડ, સુખ અને તેના આકારનું સૌંદર્ય એ ઉપર ખુરશીની કિંમત અંકાય છે. તો કાવ્યનું મૂલ્ય શેના ઉપર અંકાય? અલબત્ત, તેના પ્રયોજન ઉપર. તો કાવ્યનું પ્રયોજન શું? ખુરશી જેમ અમુક અર્થે કરેલી છે, તેમ કાવ્ય શા અર્થે કરેલું છે? તેનો સાચો અને સર્વમાન્ય જવાબ એ છે કે કાવ્ય રસાસ્વાદ માટે કરેલું છે, જે કાવ્યમાં વધારે રસ પડે તે કાવ્યનું મૂલ્ય ઊંચું. ત્યારે રસ એ શું છે? રસ, એ કાવ્યનો અનુભવ લેતાં થતો એક વિશિષ્ટ આનંદ છે. કાવ્યપ્રકાશકાર કહે છે કે કાવ્યનું શ્રેષ્ઠ પ્રયોજન : ‘સદ્યઃ પરનિર્વૃતયે|’ સદ્ય, કાવ્ય વાંચતાંવેંત, પરમ આનંદ થાય એ કાવ્યનું મુખ્ય પ્રયોજન છે. એ પ્રયોજનની સિદ્ધિ ઉપર કાવ્યના મૂલ્યનો આધાર. અહીં સુધી તો બધું સીધુંસાદું ચાલે છે, વાંધો ત્યાં પડે છે કે ખુરશીની બેસવાની સગવડ અને તેનું રૂપ, આકાર, સાધારણ માણસ સમજી શકે છે, અને તેથી તેના તે તે ગુણો વિશે મતભેદ પડતો નથી, અથવા બહુ ઓછો પડે છે. પણ કાવ્યના અનુભવની મૂલવણીમાં મોટો મતભેદ પડે છે. જુદાં જુદાં કાવ્યોની રસવત્તા વિશે જુદા જુદા માણસો જુદો જુદો અભિપ્રાય જણાવે છે. કોઈને શામળની વાર્તામાં રસ પડે છે, કોઈને ડિટેક્ટિવ વાર્તામાં રસ પડે છે, કોઈ ગમે તેવા પણ સ્ત્રીપુરુષના ભોગવિલાસની વાર્તામાં રાચે છે. ટૂંકમાં એમ કહી શકાય કે જે કાવ્યોની ઉત્તમ કાવ્યોમાં, ઉચ્ચ કાવ્યોમાં ગણના છે, તેમાં રસ લેનારાની સંખ્યા ઘણી ઓછી હોય છે. ત્યારે પ્રશ્ન થાય કે કાવ્યની રસવત્તા નક્કી કેવી રીતે કરવી ? – નક્કી કોણ કરે? ઉપર કહ્યું તેમ ખુરશી જેવી સાધારણ વસ્તુની કિંમત સાધારણ માણસ સમજી શકે છે, પણ હીરા, મોતી, ઘોડા જેવાં ઉમદા પ્રાણીઓ, એ અસાધારણ વસ્તુઓ ગણાય છે અને તેની કિંમત તેના પારખુ જ કરી શકે છે. કાવ્યને પણ એવી અસાધારણ વસ્તુ ગણવી જોઈએ. તો હવે કાવ્યનો પારખુ કોણ? આપણાં શાસ્ત્રોએ કહ્યું છે કે કાવ્યની પરીક્ષા જે માણસ સહૃદય હોય તે કરે. સહૃદય કોણ કહેવાય? અમુક માણસ સહૃદય છે કે નહિ તેને વિશે મતભેદ હોઈ શકે, પણ સહૃદયમાં શું શું જોઈએ તે વિશે ભાગ્યે જ મતભેદ હોય. જેનું હૃદય સંસ્કાર ગ્રહણ કરવા કાબેલ હોય, જેણે જગતનો બહોળો અનુભવ લીધો હોય, અને તે સાથે જેણે ઉત્તમ કાવ્યો સારી રીતે વાંચ્યાં હોય તે સહૃદય કહેવાય. એવો સહૃદય પછી જે કાવ્યને ઉત્તમ કહે તે કાવ્ય ઉત્તમ. પણ સહૃદય કોઈ કાવ્યને ઉત્તમ કહે તેટલાથી વિવેચન થઈ જતું નથી. વિવેચકે તો એ કાવ્યમાં કયાં ધોરણે ઉત્તમ છે, તે કહેવું જોઈએ, એ ધોરણ બતાવવું જોઈએ. એટલું જ નહિ, એ ધોરણ ક્યાંથી સિદ્ધ થઈને આવ્યું, કેવી રીતે ઘડાઈને આવ્યું, તે બતાવવું જોઈએ. આપણે કહ્યું કે કાવ્ય કોઈ અલૌકિક પ્રકારનો પરમ આનંદ આપે છે. તો પ્રશ્ન થાય છે કે એ પરમ આનંદ શાથી થાય છે? અને એનો અધિકારી સહૃદય, એટલે જેણે જગતનો અનુભવ લીધો હોય અને કાવ્યો વાંચ્યાં હોય, એ જ શા માટે ગણાય છે? કાવ્યમાં અમુક અનુભવ હોય છે – જેવો અનુભવ આપણે વાસ્તવિક જગતમાં લઈએ છીએ, તેવો અનુભવ હોય છે. કાવ્યનો અનુભવ લેતાં આનંદ આવે છે તેનું કારણ એ છે કે તે અનુભવ આપણા ચિત્તતંત્રને – સમગ્ર ચિત્તતંત્રને અનુકૂળ હોય છે. શરીરના બંધારણને અને તેની શક્તિઓને અનુકૂળ વ્યાપારો જેમ શરીરને સુખદ લાગે છે, તેમ ચિત્તતંત્રની સર્વ ગૂઢાગૂઢ, શાતાજ્ઞાત શક્તિઓને જે અનુભવ અને અનુભવવ્યાપાર અનુકૂળ હોય, તે તેને આનંદકારી લાગે, વ્યાવહારિક જીવનમાં કોઈ અનુભવ સમગ્ર ચિત્તતંત્રને ભાગ્યે જ જગાડી શકે છે. વ્યાવહારિક કામો અને તેનાં પ્રયોજનો એવાં ભિન્ન ભિન્ન અને એકમેકથી વિરોધી હોય છે કે એ સર્વ પ્રયોજનોને લીધે ચિત્તતંત્ર સમગ્ર રૂપે કોઈ વસ્તુને અભિમુખ થઈ, ભાવ ધારણ કરી શકતું નથી. જાણે ચિત્તનો એક જ ભાગ એક જ પ્રયોજન પૂરતો વ્યાપારમય થઈ વસ્તુની ઉપરછલી નોંધ લઈ નિષ્ક્રિય થઈ જાય છે, ચિત્તના મધ્યબિંદુ સુધી એ વાત પહોંચતી જ નથી. ત્યારે કાવ્યમાં, ચિત્ત ચાલુ વ્યાવહારિક પ્રયોજનોથી વિમુખ થઈ, સમગ્રતયા કાવ્યના વસ્તુને જ સંમુખ થાય છે, અને આખું ચિત્તતંત્ર ઉચિત ભાવ ધારણ કરે છે. તેમાં ચિત્તની સર્વ શક્તિઓને, વૃત્તિઓને, વાસનાઓને ઉચિત વ્યાપાર મળે છે. અને ઉચિત વ્યાપાર હંમેશાં આનંદપર્યવસાયી હોય છે, આનંદ એ તેનું સ્વાભાવિક પરિણામ છે. કવિની વિશેષ શક્તિ એ, કે એ ભાષાના સાધનથી વસ્તુને એવા સ્ફુટ રૂપે, સ્પષ્ટ રૂપે, મનોગમ રીતે રજૂ કરે કે ચિત્ત તેના તરફ સંમુખ થાય જ, હોંશે હોંશે એ વસ્તુ તરફ વ્યાપારમય બને, ચિત્તની સર્વ શક્તિઓ એ વસ્તુને ઉચિત રીતે વ્યાપારમય બને, અને ચિત્ત વસ્તુને ઉચિત ભાવ ધારણ કરે. જે કાવ્યમાં આ શક્તિ વધારે, તે વધારે સારું, વધારે સુંદર, વધારે ઉન્નત, વધારે સમર્થ. વિવેચને, એક તરફથી, કવિએ કેવી રીતે, કઈ કઈ ખૂબીથી, ભાષાની કઈ કઈ ભિન્ન ભિન્ન ભંગિઓથી વસ્તુને રજૂ કરી તે બતાવવાનું છે. આમાં ભિન્ન ભિન્ન કવિઓની ભિન્ન ભિન્ન શક્તિઓ હોય છે. ભાષાની શક્તિ એટલી સૂક્ષ્મ છે, એનું શબ્દભંડોળ એવડું મોટું છે, શબ્દમાંથી શક્તિ ઉપજાવવાની પ્રક્રિયા એટલી ભિન્ન ભિન્ન અને સૂક્ષ્મ છે, કે આ આખો વિષય લાંબા અભ્યાસ ઉપરાંત બુદ્ધિની સૂક્ષ્મ ગ્રહણશક્તિ, અને એ સૂક્ષ્મગ્રહણને સમજાવવાની પાછી સૂક્ષ્મ નિરૂપણશક્તિ માગે છે. કવિના આ કૌશલ ઉપરથી કાવ્યોનું એ દૃષ્ટિએ મૂલ્યાંકન કરી શકાય. પણ આટલું બસ નથી. એ પ્રગટ કરેલ વસ્તુ તરફ કવિએ જે ભાવ વ્યક્ત કર્યો એ સમર્થ અને સ્પષ્ટ, અસંદિગ્ધ રીતે કર્યો છે કે નહિ એ સમજાવવું એ પણ વિવેચનનું કામ છે. કાવ્યનું વસ્તુ અને તન્નિષ્ઠ ભાવ બન્ને કાવ્યમાં જુદાં જુદાં પ્રગટ થતાં નથી હોતાં. આપણે માત્ર બુદ્ધિથી, સમજણની સગવડ ખાતર, તેને ભિન્ન કરીને સ્પષ્ટ કરીએ છીએ, એટલે કવિના કૌશલમાં વસ્તુ અને ભાવપ્રકટીકરણ બંન્ને આવે. પણ હજી આ પણ વિવેચનની પ્રાથમિક ભૂમિકા છે. વિવેચકનું ખરું કામ ભાવ સ્પષ્ટ કરી તેનું મૂલ્યાંકન કરવાનું છે. હવે કોઈ વાર એવું બને છે કે કવિ પોતાની બાલિશતાથી, કવિયશઃપ્રાપ્તિના લોભથી, અન્ય કવિઓના અનુકરણથી, કે પછી દંભથી, પોતાને અનુભવ જ ન થયો હોય એવું કહેવા પ્રવૃત્ત થાય. વિવેચકે આવા કવિને કાન પકડીને કવિઓની પંક્તિમાંથી ઉઠાડી મૂકવો જોઈએ. વિવેચનમાં એ પણ જોવાનું છે કે કવિ જે ભાવનિરૂપણનો પ્રયત્ન કરે છે તે જ ભાવ તે બરાબર નિરૂપી શક્યો છે કે નહિ. ભાવનિરૂપણની શક્તિ એ કવિની વાક્શક્તિ, વાક્પ્રભુત્વ, વાગ્વૈભવની ખરી કસોટી છે. વાણી ઉપરના પ્રભુત્વના અભાવે ભાવ ક્યાંક અસ્ફુટ રહી જાય, ક્યાંક સંદિગ્ધ રહી જાય, ક્યાંક અન્ય ભાવનો ભ્રામક નીવડે, ત્યાં વિવેચકે એ બતાવવું જોઈએ, વિવેચકે સ્પષ્ટ કરવું જોઈએ કે, કવિનો વિવક્ષિત ભાવ આ છે. પણ અમુક અમુક સ્થાનની નિર્બળતાને લીધે એ ભાવ બરાબર ઊઠતો નથી, અથવા ત્યાં અમુક બીજા ભાવની ભ્રાંતિ થાય છે. વિવેચક પોતાના વાસ્તવિક જગતના, અને અનેક કાવ્યોના અનુભવથી આ બતાવી શકે છે. અને છેલ્લે વિવેચકે એ બતાવવાનું છે કે કવિ, ભાવ નિરૂપે છે તે ઉચિત છે કે નહિ. ચિત્તતંત્ર સમગ્રતયા જાગ્રત હોય, તો એ વસ્તુ તરફ એ જ ભાવ સ્વાભાવિક રીતે થાય કે નહિ? કવિએ ધારણ કરેલો, અથવા કહો કે કાવ્યમાં નિષ્પન્ન કરેલો ભાવ, કવિની પોતાની બાલિશતા કે અપૂર્ણતા, અનુદારતા, હ્રદયસંકોચ, અંગત લોલુપતા, કે હૃદયની શક્તિની મર્યાદા – હૃદયદૌર્બલ્ય, કે એવા કોઈ કારણથી એ સમગ્ર ચિત્તના ભાવને બદલે, કોઈ એકદેશીય જ, કોઈ હલકી કક્ષાનો જ ભાવ તો નથી આવી ગયો? કાવ્યનું મૂલ્યાંકન તે આ જ. સમગ્ર જીવનની દૃષ્ટિએ એ ભાવનું સ્થાન આંકવું તે. અને આંકવું એટલે? જેમ ખુરશીની કિંમત રૂપિયા, આના, પાઈમાં આંકી શકીએ છીએ તેમ ભાવની કિંમત કશામાં આંકી શકાતી નથી. એટલા માટે મને આ મૂલ્ય અને મૂલ્યાંકન શબ્દો પસંદ નથી. અંગ્રેજીમાં વૅલ્યૂ(value)નો જે વિસ્તૃત અર્થ છે તે ‘મૂલ્ય’માં આવતો નથી. ભાવનું મૂલ્યાંકન એટલે ભાવની સમગ્ર જીવનદૃષ્ટિથી કરેલી ચર્ચા. એ ચર્ચા દાર્શનિક-Philosophic છે. વિવેચન આ દૃષ્ટિએ દાર્શનિક બને છે. આટલે આવ્યા પછી આપણે આ મૂલ્ય સંબંધી એક બીજા પ્રશ્નનો નિવેડો આણી શકીશું. એક એવો પ્રશ્ન ઉઠાવાય છે કે આ મૂલ્યનું ધોરણ ક્યાંથી આવ્યું? કેટલાક કહે છે કે એ કાવ્યમાંથી જ આવે છે, અને તેથી દરેક કાવ્યને પોતપોતાનું મૂલ્યધોરણ હોય છે. મૂલ્યધોરણનો અર્થ સમજીએ તો આવું વિધાન કરી શકીએ નહિ. કોઈ વસ્તુના મૂલ્યનું ધોરણ તે વસ્તુમાં જ મર્યાદિત હોઈ શકે નહિ. ખુરશીની કિંમત આપણે એટલી જ આંકી શકીએ, કે જેટલી આપણા જીવનમાં તેની કિંમત હોય; આપણા જીવનમાં બેસવાની સુખસગવડ અને ઘરની શોભાને જેટલું સ્થાન હોય, તેટલી જ કિંમત આપણે ખુરશીની આંકી શકીએ. તેમ જ સમગ્ર જીવનમાં એટલે જીવનમાં જે સંસ્કારો પડ્યા હોય, પછી તે પોતા પરના આઘાતોથી પડ્યા હોય, બીજાના જીવનના સમભાવથી પડ્યા હોય કે કાવ્યોમાંથી પડ્યા હોય, અને એ સર્વ સંસ્કારોએ છેવટે જે વ્યવસ્થિત પિંડ ધારણ કર્યો હોય, તે સંસ્કારોમાંથી જ એ ધોરણ નીકળે છે. એ સંસ્કારોને વ્યવસ્થિત કરવાનું જે ધોરણ તે જ આ નવા કાવ્યના અનુભવને મૂલવવાનું ધોરણ. તેટલા માટે જ આપણે સહૃદયમાં જગતના અનુભવની અપેક્ષા રાખીએ છીએ. અને વિશેષ તો એ છે કે જો આપણે, સંસ્કાર ધારણ કરનાર મન, ચિત્ત, જીવ કે આત્મા, જે કહો તેને, એક અને અભિન્ન માનતા હોઈએ, તો એ આત્માને વ્યાવહારિક અનુભવ માટે એક ધોરણ, અને કાવ્યના અનુભવ માટે બીજું ધોરણ હોઈ શકે નહિ. એમ જીવનના ભાગલા પાડી શકાય નહિ. હું તો એમ માનું છું કે માણસને પોતાના જીવનના એકત્વની પ્રતીતિ છે માટે જ માણસ જગતમાં એકત્વની અપેક્ષા રાખે છે. એટલું જ નહિ, માણસને એકત્વનો ખ્યાલ જ પોતાના જીવનના એકત્વમાંથી આવે છે. માણસને જીવનમાં એકત્વનો અનુભવ ન હોત તો તે કશાને એકરૂપે જોઈ શકત નહિ, અને ભિન્ન વસ્તુઓને કોઈ એક દૃષ્ટિએ જોયા વિના કદી કશું ધોરણ અસ્તિત્વમાં આવે જ નહિ. અને માટે હું એ અશક્ય સમજું છું કે સમગ્ર કાવ્યના ભાવના મૂલ્યાંકનનું ધોરણ જીવનના મૂલ્યાંકનના ધોરણથી સ્વતંત્ર હોય. અને કોઈ પણ અનુભવનું મૂલ્યાંકન એ જ એ અનુભવનો ઉપદેશ ન કહેવાય? જીવનમાં કોઈ પણ અનુભવ જો સમગ્રની દૃષ્ટિએ વ્યવસ્થિત થાય તો એ અનુભવનો સંસ્કાર જરૂર ભવિષ્યમાં કોઈ પણ વસ્તુનું તારતમ્ય કાઢવામાં પોતાનો ફાળો આપે જ, અને કાવ્યમાં અનુભવ આ દૃષ્ટિએ વ્યવસ્થિત થઈને જ મુકાયેલો હોય છે. એટલે કાવ્યને ઉપદેશક કહેવામાં કશો દોષ થઈ જતો નથી. અને માટે જ કાવ્યપ્રકાશકારે કાવ્યનું એક મુખ્ય પ્રયોજન સદ્ય પરમ આનંદ આપવાનું કહીને, છેવટે તેને કાન્તાની પેઠે ઉપદેશ આપનાર કહ્યું છે, તે પણ યથાર્થ છે. કાવ્યમાં રસનિષ્પત્તિની સાથે જ ભાવિની નીતિના સંસ્કારો પડે જ છે. અને એ દૃષ્ટિએ એના મૂલ્યાંકનનું એક સ્પષ્ટ ધોરણ એ પણ બને.[1] [‘સાહિત્યલોક’] સુરુચિ સુરુચિ એ માત્ર સ્થૂલ વસ્તુમાંથી આવતી દૃષ્ટિ નથી, તેનો ઊગમ વધારે ઊંડો છે. એ જીવનના ઊંડાણમાંથી સ્ફુરે છે. અને ઘણે અંશે આપણા સમગ્ર જીવનવહેણ ઉપર પણ આધાર રાખે છે. આ બાબતમાં શોધન અને ઊંડાણ બંને માટે દાર્શનિક (philosophic) વાચન એ એક ઉત્તમ ઉપાય છે. તમે તમારા ધંધાને અંગે એવા સમાજમાં છો જ્યાં તમને બીજું ઘણું મળશે, ઘણું જોવાનું મળશે, પણ બરાબર આ મેં ઉપર કહ્યું તે નહિ મળે, એને માટે દાર્શનિક દૃષ્ટિના ગ્રંથો, ઉપનિષદો, ગીતા, આપણો ધર્મ, સર રાધાકૃષ્ણન, કાકાસાહેબ વગેરે વાંચતા રહો તો ફાયદો થશે. હું તો એમ માનું છું કે દરેક માણસે ફિલસૂફીનો અભ્યાસ કરવો જોઈએ. જે એમ માને છે કે મારે ફિલસૂફીનું કામ નથી, તે ફિલસૂફીથી અસ્પૃષ્ટ રહી શકતો નથી, પણ એને હીન પ્રકારની શ્રદ્ધા વળગી પડે છે – એ ન જાણે એમ. આપણે કુદરતી રીતે રહેવાની વાતો કરીએ, પણ કંઈ નાહ્યા વિના ન ચાલે, પાછી એને કુદરતી ગણો કે અકુદરતી ગણો. ફિલસૂફીનું બરાબર એવું છે.[2] [‘સાહિત્યલોક’)
પાદટીપ :