સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/ગુજરાતી કવિતા પર સંસ્કૃતનો પ્રભાવ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૬. ગુજરાતી કવિતા પર સંસ્કૃતનો પ્રભાવ

‘ગુજરાતી કવિતા અને પરસંસ્કાર’ની વ્યાખ્યાનમાલામાં મારે ગુજરાતી કવિતા ઉપર સંસ્કૃતના પ્રભાવ વિશે બોલવાનું છે. મારી પછી આ માલામાં ગુજરાતી કવિતા ઉપર ફારસી અને અંગ્રેજીની અસર ઉપર વાર્તાલાપો થવાના છે. આ રીતે આ ભાષામાં પ્રભાવ અને અસરનો ભેદ કરવામાં આવ્યો છે તે યોગ્ય છે. ગુજરાતી કવિતા અને સંસ્કૃતનો સંબંધ હું મારી રીતે એક નદીના દૃષ્ટાન્તથી દર્શાવું. બ્રહ્મપુત્રા નદી ભારતવર્ષમાં પ્રસિદ્ધ છે. આપણે તેને એ એક નામે ઓળખીએ છીએ. પણ હિમાલયની પેલી બાજુ એનું નામ ત્સાંગ્પો છે જેનો અર્થ પાવન એવો થાય છે. તે હિંદમાં દાખલ થાય છે, ત્યાંથી એને આપણે બ્રહ્મપુત્રાને નામે ઓળખીએ છીએ. ગંગાને મળ્યા પછી તે પદ્મા બને છે અને આગળ જતાં એને જ મેઘના કહે છે. અને છેવટે ભિન્ન ભિન્ન નામના અનેક સ્રોત રૂપે સુંદરવનમાં થઈ તે સાગરને મળે છે. આમ આપણે ભિન્ન ભિન્ન સ્થળે એક જ નદીને ભિન્ન ભિન્ન નામે ઓળખીએ છીએ અને છતાં જાણીએ છીએ કે પ્રવાહ તરીકે તે એક અવિચ્છિન્ન નદી છે. આપણા કવિતાપ્રવાહનું પણ એના જેવું જ છે. જેમ આપણે ગુજરાતી ભાષાને ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ ઠેઠ વૈદિક ભાષા સાથે સાંધી શકીએ છીએ તેમ જ આપણા સાહિત્યને પણ પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથો સાથે સાંધી શકીએ છીએ. કવિતા એ સમગ્ર રાષ્ટ્ર કે પ્રજા કે સમાજનો સાંસ્કૃતિક મહાનદ છે. અમુક સમય એ વૈદિક ભાષામાં વહ્યો, અનેક યુગો સુધી સંસ્કૃતમાં વહ્યો, અનેક સૈકા પ્રાકૃત અપભ્રંશમાં વહ્યો અને અત્યારે એ ભિન્ન ભિન્ન પ્રાંતિક ભાષાઓમાં વહે છે. આપણી ગુજરાતી કવિતા એ એક આવો પ્રાંતિક ભાષાનો સ્રોત છે પણ એ પ્રવાહ એક છે, અવિચ્છિન્ન છે, સતત છે. આપણે નક્કી નથી કરી શકતા એટલા પ્રાચીન કાલમાં દુષ્યન્ત-શકુન્તલાનું વસ્તુ પ્રચલિત હશે. તેને વ્યાસ ભગવાને હાથમાં લઈ પોતાના વિરાટકાય મહાભારતમાં ગૂંથ્યું. એ જ વસ્તુ કાલિદાસે લઈ તેને પોતાને મનગમતો ઘાટ આપી તેમાંથી અમર ‘અભિજ્ઞાન શાકુન્તલ’ બનાવ્યું. વ્યાસે એવી જ રીતે મહાભારતમાં એક દૃષ્ટાંત તરીકે ‘નલોપાખ્યાન’ મૂક્યું. સંસ્કૃત સાહિત્યમાં તે ભિન્ન ભિન્ન રૂપે લખાયું અને ગુજરાતીમાં આપણા ભાલણ, નાકર અને પ્રેમાનંદે તેમ જૈન કવિ નયસુંદરે એ જ વસ્તુ પોતાની રીતે લખ્યું. વ્યાસે મહાભારતમાં પાંડુના જીવનનો કરુણ અંત અમુક રીતે નિરૂપ્યો તો આપણા કાન્તે એ જ વસ્તુ ‘વસન્તવિજય’માં પોતાની રીતે મૂકી. ગુજરાતીમાં પુરાણ જેવડી મોટી મહાનવલ લખનાર ગોવર્ધનરામ ત્રિપાઠીએ મહાભારતનો આપણા જમાના માટે અમુક અર્થ કરી બતાવ્યો અને આપણા કવિશ્રી નાનાલાલે એ જ મહાભારતનું વસ્તુ લઈ કુરુક્ષેત્રનું અનેક કાંડોવાળું કાવ્ય લખ્યું. એ જ પ્રમાણે મહાભારતના પ્રસંગો લઈ આપણા આજના કવિઓ તેને પોતાની રીતે નિરૂપે છે અને એ દ્વારા પોતાના જમાનાને જે કહેવું હોય તે કહે છે. આમ એ વૈદિક સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશ અને પ્રાંતિક ભાષાઓમાં વહેતો આ એક જ સાંસ્કૃતિક પ્રવાહ છે. છતાં એ પણ ખરું છે કે આપણાં મહાવિદ્યાલયોમાં આપણે નવી પશ્ચિમની વિવેચનદૃષ્ટિએ આપણા પ્રાચીન સાહિત્યનો અભ્યાસ કર્યો, અને તેથી આપણા સાહિત્યના ઇતિહાસમાં શિષ્ટ સંસ્કૃત સાહિત્ય પુનરુજ્જીવન પામ્યું. ગોવર્ધનરામે યોગ્ય કહ્યું છે કે વર્તમાન કાળમાં વર્તમાન પૂર્વ, વર્તમાન પશ્ચિમ અને પ્રાચીન પૂર્વ એમ ત્રણ સંસ્કારસ્રોતોનો ત્રિવેણીસંગમ થાય છે. આપણા અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં હમણાં કહી ગયો એમ આપણા કેટલાક કવિઓ પ્રાચીન વસ્તુ લઈ તેનું સ્વતંત્ર નિરૂપણ કરે છે તો બીજી બાજુ આપણા પ્રાચીન વિદ્વાનો સંસ્કૃત સાહિત્યનું શાસ્ત્રીય શુદ્ધતાના આગ્રહ અને આદરપૂર્વક મૂળને વફાદાર ભાષાંતર કે અનુવાદ કરે છે. ‘શાકુન્તલ’ અને ‘મેઘદૂતે’ એમ અનેક રસિકોને ભાષાંતર કરવા આકર્ષ્યા છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્ર પ્રમાણે કાવ્યના બે પ્રકારો – શ્રાવ્ય અને દૃશ્ય—અને દૃશ્યમાં નાટકોનો સમાવેશ થાય છે. પણ આપણો આજનો વિષય કવિતા છે અને કવિતામાં આપણે નાટકોનો સમાવેશ ન કરીએ તો સારું એટલે પદ્યબદ્ધ સાહિત્ય વિશે બોલતાં અનેક રસિકોની કલ્પનાનો વિષય થયેલા ‘મેઘદૂત’ વિશે જ થોડું કહેવાનું રહે છે. ‘મેઘદૂત’નાં અનેકોએ ભાષાન્તરો કરેલાં છે જેમાં સદ્‌ગત ભીમરાવ ભોળાનાથ, નવલરામ લક્ષ્મીરામ, કીલાભાઈ ઘનશ્યામ, કે. હ. ધ્રુવ, કવિ નાનાલાલ અને વર્તમાન લેખકોમાં શ્રી ત્રિભુવન વ્યાસ એટલા ઓછામાં ઓછા ગણાવવા જોઈએ. આમાં ભીમરાવ ભોળાનાથે, કીલાભાઈ ધનશ્યામે અને કવિશ્રી નાનાલાલે સમશ્લોકી ભાષાન્તર કર્યું છે; બાકીનાઓએ માત્રામેળ અને દેશી ઢાળોમાં કર્યું છે. કે. હ. ધ્રુવે થોડા જ ભાગનું કડવાબદ્ધ દેશીમાં એક અખતરા તરીકે કરેલું છે. આ બધા પ્રયત્નો છતાં વિદ્વાનોને ‘મેઘદૂત’ના ભાષાન્તર વિશે સંતોષ થયો નથી. અને હું માનું છું કે તે તે ભાષાન્તર કરનારને પણ ભાગ્યે જ સંતોષ થયો હશે. આનું કારણ સંસ્કૃત અને ગુજરાતી ભાષાની કેટલીક ખાસિયતો છે. સંસ્કૃતમાં ભાષાનું જે લાઘવ છે તે ગુજરાતીમાં નથી. સંસ્કૃતમાં શબ્દોના સમાસો આવી શકે છે અને તેથી શબ્દશબ્દની વચ્ચેનો સંબંધ દર્શાવવાને સામાન્ય રીતે આવશ્યક પ્રત્યયો વાપરવા પડતા નથી. એ રીતે ભાષાની ઘણી કરકસર થઈ શકે છે. ગુજરાતી, સંસ્કૃત જેટલા લાંબા સમાસો સહન કરી શકતી નથી. બીજું, ગુજરાતી ભાષામાં એક પ્રકારની દીર્ઘસૂત્રતા છે જેથી એક સંસ્કૃત શ્લોકનું ભાષાન્તર તેવડા જ શ્લોકમાં સમાવી શકાતું નથી. ઘણી વાર સંસ્કૃતમાં જ્યાં એક ક્રિયાપદ હોય ત્યાં ગુજરાતીમાં નામ અને ક્રિયાપદ વાપરવાં પડે છે. જેમ કે સંસ્કૃતમાં ‘દયતિ’ ક્રિયાપદનું ગુજરાતી કરવું હોય તો ‘દયા કરે છે’ એ પ્રમાણે નામ અને ક્રિયાપદ વાપરવાં પડે. અલબત્ત, ગુજરાતીમાં પણ નામના પ્રત્યયો ક્યાંક ક્યાંક લુપ્ત કરી તેમ જ ટૂંકા પ્રત્યયોની પસંદગી કરી થોડું લાઘવ મેળવી શકાય છે, પણ ગુજરાતીમાં એક બીજી મુશ્કેલી એ નડે છે કે તેમાં વાક્યનો સ્વાભાવિક ક્રમ છંદની આવશ્યકતા પ્રમાણે ગમે ત્યાં ફેરવી શકાતો નથી. સંસ્કૃતમાં કર્તા, કર્મ, ક્રિયાપદ તેમ જ વિશેષણ-વિશેષ્યને ગમે તેવા ક્રમમાં મૂકીએ, એકબીજાથી ગમે તેટલે દૂર મૂકીએ તોપણ પ્રત્યયબળે બધા શબ્દોનો અન્વય કરી શકાય છે. ગુજરાતીમાં એમ થઈ શકતું નથી. આ મુશ્કેલીમાંથી બચવા કેટલાક કવિઓ માત્રામેળ કે દેશી ઢાળોમાં ભાષાન્તર કરવાનું પસંદ કરે છે. પણ એમ કરતાં સંસ્કૃત છંદોની પ્રૌઢી, ગૌરવ, સુશ્લિષ્ટતા એ બધાં સરી પડે છે. અનુવાદ ગમે તેવો સારો હોય છતાં શિથિલ લાગે છે. જાણે કે સંસ્કૃત શિષ્ટ સાહિત્યનું વાતાવરણ જ અલોપ થઈ જાય છે. પણ આપણી ભાષા ધીમે ધીમે વિકાસ પામતી જાય છે, સમૃદ્ધ થતી જાય છે, મુલાયમ થતી જાય છે; એ નવી નવી ભંગીઓ અજમાવે છે. વળી સંસ્કૃત વૃત્તોમાં પણ આપણા કવિઓ વાજબી છૂટ લેવાની કૂંચીઓ શોધતા જાય છે. વૃત્તોનાં મિશ્રણો થઈ શકે છે એ જોતાં ઉત્તરોત્તર વધારે સારાં ભાષાન્તરો કાવ્યની દૃષ્ટિએ અને કાવ્યશાસ્ત્રની દૃષ્ટિએ ગુજરાતી કાવ્યો જ છે એટલું અહીં સૂચવવું જરૂરનું છે. ભાષાન્તરનો વિષય અનાયાસે આવતાં એટલું કહેવું જરૂરનું સમજું છું કે સંસ્કૃતના મહાન કાવ્યગ્રંથોનું પદ્યબદ્ધ ભાષાન્તર થઈ જવું અતિ આવશ્યક છે. ‘રઘુ-કુમાર’નું ભાષાન્તર થોડાં વરસ પહેલાં શ્રી નાગરદાસ પંડ્યાએ કરેલું છે. પણ તેમનું જ ભાગવતનું સમશ્લોકી ભાષાન્તર અને શ્રી અંબાલાલ પટેલનું ‘શિશુપાલવધ’નું સમશ્લોકી ભાષાન્તર પ્રકાશકની રાહ જોતાં અંધારામાં પડી રહ્યાં છે. પણ આપણા દેશના ત્રણ મહાન ગ્રંથો તો મહાભારત, રામાયણ અને ભાગવત, કદાચ તેમાં તુલસીકૃત રામાયણ ઉમેરી શકાય. આ મહાન ગ્રંથોનાં પદ્યબદ્ધ—બને ત્યાં સુધી સમશ્લોકી – ભાષાન્તર થઈ જવાં જોઈએ. પદ્યબંધનો આગ્રહ રાખું છું કારણ કે ગમે તેવું સુંદર ગદ્ય, પદ્ય જેટલું મૂળની નિકટ નહિ જઈ શકે. શ્રી ઉમાશંકરે રામાયણનું સંક્ષિપ્ત સમશ્લોકી ભાષાન્તર આદર્યું છે. આપણે આશા રાખીએ કે આ મહાન ગ્રંથોનાં ભાષાન્તર સદ્ય ઉપલભ્ય બને, એ નહિ થાય ત્યાં સુધી આપણું સાહિત્ય તેના મહાન વારસાથી વંચિત રહેશે. નદીના દૃષ્ટાંતનો જુદી રીતે ઉપયોગ કરી કહું કે આપણા દેશમાં કેટલીક મહાન નદીઓનાં પાણી દરિયામાં ઠલવાય છે અને બીજી તરફ પાણી વિના આપણી ખેતી નિષ્ફળ જાય છે, તેમ સાહિત્યમાં ન થવા દેવું જોઈએ. આપણી સંસ્કૃતિના આ મહાનદોને આપણે આપણાં સાહિત્યક્ષેત્રોમાં વાળી તેને રસતરબોળ અને ફળદ્રુપ કરવાં જોઈએ. આ તો ભાષાન્તરો આપણા અર્વાચીન સાહિત્યને સમૃદ્ધ કરે છે અને એમ કરવું જોઈએ તેની વાત થઈ. પણ તે સિવાય પણ અત્યારે આપણી કવિતા પર સંસ્કૃતની અનેકવિધ અસરો છે. તેમાં સૌથી પહેલી એ કહું કે આપણા સાહિત્યે સંસ્કૃત છંદોને અપનાવ્યા છે અને તેનો વિકાસ કર્યો છે. દલપત-નર્મદે ગુજરાતીમાં પિંગળો લખ્યાં તે સાથે સંસ્કૃત છંદોમાં પુષ્કળ લખ્યું, ગોવર્ધનરામે સંસ્કૃત છંદોમાં પ્રાસનો ત્યાગ કર્યો. કાન્તે ખંડકાવ્યોમાં અર્થને પોષે અને શોભાવે એવું છંદોવૈવિધ્ય દાખલ કર્યું. અને ખંડ-શિખરિણી જેવા નવા શ્લોકબંધનો પ્રયોગ કર્યો. નરસિંહરાવે એક જ ગોત્રના છંદોનાં મિશ્રણો કરી નવા શ્લોકબંધો રચ્યા. બલવંતરાયે શ્લોકબંધ તોડી, પૃથ્વી અને બીજા અનેક છંદોને પ્રવાહી કરી પરિચ્છેદોમાં કાવ્યો લખ્યાં. અત્યારે આપણા કવિઓ વાક્યભંગીને અનુકૂળ પડે તેવા પરંપરાપ્રાપ્ત તેમ જ નવા છંદોનાં મિશ્રણોના પ્રવાહમાં કાવ્યને વહેવરાવે છે. આ ઉપરાંત સંસ્કૃત સાહિત્યની મુખ્ય અસરમાં સંસ્કૃત કાવ્યસાહિત્યના મુખ્ય મુખ્ય પ્રકારોનો સ્વીકાર ગણાવવો જોઈએ. એવા બે મુખ્ય પ્રકારો હું ગણાવીશ : મહાકાવ્ય અને મુક્તક, માત્ર કવિઓએ નહિ, પણ સાહિત્યરસજ્ઞ વર્ગે પણ ઘણાં વરસથી આપણા સાહિત્યમાં મહાકાવ્ય હોવું જોઈએ એવી તીવ્ર અભિલાષા અનુભવી છે. નર્મદે એવો પ્રયત્ન પણ કરેલો તે પ્રસિદ્ધ છે. સદ્‌ગત દોલતરામ કૃપારામે ‘ઇન્દ્રજિતવધ કાવ્ય’, પ્રાચીન સંસ્કૃત મહાકાવ્યના નમૂના ઉપર જ રચ્યું છે. જોકે કવિપ્રતિભાની ઊણપને લીધે નવા જમાનાના વિવેચકોને તે સંતોષી શક્યું નથી. ભીમરાવ ભોળાનાથના ‘પૃથ્વીરાજ રાસો’ જોકે કર્તાએ તેને ‘રાસો’ કહ્યો પણ મહાકાવ્યના નમૂના ઉપર રચાયો છે. બલવંતરાય ઠાકોરે મહાકાવ્ય ઉગાડવાનો જરા પ્રયત્ન કરી માત્ર ‘એક તોડેલી ડાળ’ આપેલી છે. પણ આ પ્રકાર અને તેનું મહત્ત્વ આપણા સાહિત્યના ઇતિહાસમાં એક અસિદ્ધ આદર્શ રૂપે નિરંતર રહેલ છે. બીજો પ્રકાર મુક્તક એ આપણા દેશની એક અવનવી ચીજ છે. એક જ શ્લોકમાં કોઈ મહત્ત્વની, હૃદયમાં ચિરસ્થાયી છાપ પાડી દે તેવી વસ્તુ કહી દેવી તે ખરેખર કવિમાત્રને સ્પૃહણીય થઈ પડે તેવી કલા છે. અખાના છપ્પા જોકે સળંગ વિષયનિરૂપણનાં કાવ્યોમાં આવે છે છતાં મુક્તકો જ છે, શામળના છપ્પા મુક્તકો છે. જોકે તેના છપ્પાનું વસ્તુ અને આકાર જોઈએ તેવાં વેધક નથી. મુક્તકો ઉપર ખાસ ભાર પ્રો. બલવંતરાય ઠાકોરે દીધો ગણાય અને એમનાં મુક્તકો પછી અત્યારના ઘણા કવિઓએ આ પ્રકાર ખીલવ્યો છે. આ મુક્તકો સાથે સરખાવી શકાય તેવી કાવ્યની રીતિ જે સંસ્કૃત મહાકાવ્યમાં છે અને જેને અર્વાચીન કવિઓએ અપનાવી છે તે કાવ્યમાં વચમાં વચમાં અર્થાન્તરન્યાસ મૂકવાની છે. આ રીતિનો અતિરેક ન થઈ જાય તો તે કાવ્યને કોઈ કોઈ વાર સરસ દીપાવી દે છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં અર્થાન્તરન્યાસ એક અલંકાર ગણાય છે. એની પેઠે જ બીજા પણ ઘણા અલંકારો ગુજરાતી કવિતાએ પોતાના પિયરરૂપ સંસ્કૃત કવિતામાંથી લીધા છે, જોકે તેનાં બધાં પારિભાષિક લક્ષણો તેણે સાચવ્યાં નથી. ક્યાંક ક્યાંક ગુજરાતી ભાષાની શિથિલતા પણ તેમાં આડી આવે છે. આ ઉપરાંત સંસ્કૃતની એક મોટી અસર તે સંસ્કૃત શબ્દભંડોળની. જ્યારે જ્યારે કવિને જરૂર પડે ત્યારે તે સંસ્કૃતમાંથી શબ્દો લઈ આવે છે. આમાં કશું ખોટું થઈ જાય એમ માનવાની જરૂર નથી. અંગ્રેજી સાહિત્યમાં ગ્રીક લેટિનમાંથી વ્યુત્પન્ન થયેલા મોટા આડંબરી શબ્દો કરતાં અંગ્રેજી ભાષાના મૂળ શબ્દો વધારે સામર્થ્યવાળા ગણાય છે. પણ અંગ્રેજી સક્‌સન ભાષા ગ્રીક લેટિનથી ભિન્ન છે તેવી સંસ્કૃત આપણી ગુજરાતીથી ભિન્ન નથી. આપણો કવિ પોતાનો અર્થ વ્યક્ત કરવા ઘરગથ્થુ શબ્દ તેમ જ અર્થભારયુક્ત સંસ્કૃત શબ્દ પણ સહેજે વાપરી શકે. તેમાં કોઈ પ્રત્યવાય ગણાવો જોઈએ નહિ. આ મુદ્દો કંઈક સ્પષ્ટ થાય તેવાં કેટલાંક દૃષ્ટાંતો હવે હું લઉં છું. પ્રથમ ભાલણના નળાખ્યાનમાંથી એક અવતરણ આપું છું. ભાલણ દેખીતી રીતે ‘નૈષધચરિત’ મહાકાવ્યમાંથી નળના વર્ણનનો એક અલંકાર ગુજરાતીમાં ઉતારે છે.

નલ શિરિ બે અંબોડા બાંધ્યા, કરતાં તો મલસ્નાન,
શામ કલંક રહ્યા શિરિ બિ, એ જાણુ, રાય, નિદાન.
વિહિચી મેરુ માહાગિરિ નાપ્યુ પાત્ર તણિ તાં પાણિ,
તુ શૂં દાન કર્યું મિ મહીમાહાં, મનિ મોટી એ કાણિ.
બ્રાહ્મણનિ તાં વરૂણ કરંતાં સિંધુ ન થ્યુ મારુઆડિ,
તુ શૂં પુણ્ય કર્યું મિ મનશૂં, ચિંતા પામ્યો હાડિ.

આ ત્રણ કડીમાં આવેલ ઉત્પ્રેક્ષા મૂળમાં માત્ર એક જ શ્લોકમાં આવે છે.

विभज्य मेरुर्न यदर्थिसात्कृतो न सिन्धुरुत्सर्गजलव्ययैर्मरुः ।
अमानि तत्तेन निजायशोयुगं द्विफालबद्धाश्चिकुराः शिरः स्थितम् ।।

અલબત્ત, ભાલણના વખતમાં ભાષા અત્યાર જેટલી ખેડાયેલી નહિ, અને એ સંસ્કૃતથી અને ઊંચા સાહિત્યથી અપરિચિત એવા વર્ગ માટે લખતો હતો એ ખરું, પણ આ દૃષ્ટાંતથી જોઈ શકાશે કે ગુજરાતી ભાષા સંસ્કૃત જેટલી લાઘવવાળી નથી. અને એ પણ જણાશે કે આપણા કવિઓ ચાહન રીતે સંસ્કૃતમાંથી અલંકારો પોતાનાં કાવ્યોમાં લેતા. પ્રો. ઠાકોરનું એક મુક્તક લઉં છું.

કોનું આખું કોનું હૈયું ગળેલું,
કોની સાચી કોની ખોટી પરીક્ષા;
એ પ્રશ્નોને તે જ જાણે ઉકેલી,
ઉકેલતો સાર નિઃસારનો જે
નિઃસાર ગાળિ શકતો વળિ સારમાંથી.

આ એક મુક્તક છે. તેમાં કેટલી કેટલી નવીનતાઓ આવે છે તે જોઈએ. એક તો એ કે સંસ્કૃત પરંપરા પ્રમાણે તેમાં ચાર ચરણો નથી, પણ પાંચ છે અને આ પાંચ પંક્તિના મુક્તકમાં ત્રણ છંદોનું મિશ્રણ છે. પહેલી ત્રણ પંક્તિઓ શાલિનીની છે, ચોથી વિધ્વંકમાલાની છે અને પાંચમી વસંતતિલકાની છે. પણ તે બધા જ છંદો સંસ્કૃત પિંગલના છે અને અર્થને વ્યક્ત કરે, વાક્યભંગીને અનુકૂળ થાય એ રીતે ગોઠવાયા છે. પ્રશ્નો સંબંધી પંક્તિઓ શાલિનીની છે, અને એના ઉકેલ વિશે જે કહેવાનું છે તે પંક્તિથી છંદ બદલાય છે અને લાંબી વસંતતિલકાની પંક્તિથી ઉપસંહાર થાય છે. બીજા અનેક કવિઓએ નાનાં મુક્તકો લખેલાં છે. જેમ કે સુંદરમે :

જગની સૌ કડીઓમાં
સ્નેહની સર્વથી વડી

અનુષ્ટુપ છે, અને બે જ પંક્તિઓમાં એક વિશાળ, જીવનના પાયારૂપ સત્ય સમાઈ જાય છે અને

તને મેં ઝંખી છે
યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.

શિખરિણીની દોઢ પંક્તિમાં આખું મુક્તક સમાઈ જાય છે. પહેલા દૃષ્ટાન્તમાં મુક્તક ચારથી વધારે પંક્તિનું થયું તો અહીં વળી દોઢ જ પંક્તિનું થયું. પણ તેમાં આવતો છંદ સંસ્કૃત પિંગળનો અને તેના ખંડો છંદના સ્વાભાવિક અવયવો પ્રમાણે પાડેલા છે. એક બીજું દૃષ્ટાંત ઉમાશંકરનું લઉં :

અંધાંધકારે ભમતાં ત્રિયાત્રીઓ.
સ્વયં જરાવ્યાધિકૃતાન્ત, અન્યને
પ્રકાશધામે લઈ જાય શે બને?
સ્વયં ભયો, નિર્ભયતા ચખાડે?
મૃત્યુ ગ્રહો તે અમૃતો પમાડે?

‘લઈ જાય’ – ‘શે બને’, ‘ચખાડે’, ‘પમાડે’, એટલાં ત્રણ-ચાર અક્ષરનાં ટૂંકાં વાક્યાંગો સિવાય આખો પ્રવાહ સંસ્કૃતનો છે અને છતાં ભાગ્યે જ આમાં કોઈને સંસ્કૃત શબ્દોની બહુલતા ખૂંચશે. આ ચર્ચા, આ વક્તવ્ય, આ શૈલી સિવાય કહી જ ન શકાય. અને હવે થોડા અર્થાન્તરન્યાસો જોઈએ. ‘સારસી’ કાવ્યમાં પારધીએ મારેલી સારસીને જોઈ કવિ (કલાપી) કહે છે :

જીવવું જીવ લેઈને આંહી એવી દીસે રીતિ,
કોઈને દુઃખ દેવાથી તૃપ્તિ કેમ હશે થતી.

અને ‘હૃદયત્રિપુટી’ની અંતની સુપ્રસિદ્ધ પંક્તિઓ :

હર્ષ શું ઝિન્દગીમાં ને હર્ષ શું હોત મૃત્યુમાં!
પ્રેમના રંગથી જો ના રંગાયું હોત વિશ્વ આ.

તરત સમજી શકાય એમ છે કે, અર્થાન્તરન્યાસ જ્યારે શ્લોક કે શ્લોકથી સ્વતંત્ર કથી શકાય એવી પંક્તિમાં ઊતરે ત્યારે એક મુક્તક બની જાય છે. આ રીતે આપણા કવિતાસાહિત્ય ઉપર સંસ્કૃતનો અનેક રૂપે પ્રભાવ છે. વિશાળ દૃષ્ટિએ જોઈએ તો સંસ્કૃત અને ગુજરાતી બંને કવિતામાં એક જ સંસ્કૃતિ આત્મા રૂપે રહેલી છે. પણ પરિમિત દૃષ્ટિએ જોઈએ તે સંસ્કૃત કવિતા ગુજરાતી કવિતાની જનની છે, અને તેથી તેના શરીર ઉપર જનનીનો અનેક જગાએ અણસાર દીસી આવે છે. કવિની દૃષ્ટિએ જોઈએ તો સંસ્કૃત કવિતા આપણા કવિને માટે વસ્તુ શબ્દ રીતિ અલંકાર વગેરેનો એક અણખૂટ ખજાનો છે, જેમાંથી તે જરા પણ પરભાવ રાખ્યા વિના ગમે ત્યારે ગમે તેટલું લઈ શકે છે.

‘જન્મભૂમિ’, શુક્રવાર, તા. ૫-૧૨-૧૯૫૨
[‘આકલન’]