સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/ગુજરાતી કવિતા પર રામાયણનો પ્રભાવ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૭. ગુજરાતી સાહિત્ય ઉપર રામાયણનો પ્રભાવ

ભારતના આધ્યાત્મિક જીવનને ત્રણ મહાન સંસ્કૃત ગ્રન્થો લાંબા સમયથી પોષતા આવ્યા છે : રામાયણ, મહાભારત અને ભાગવત. આ ત્રણેય ગ્રંથોએ ભારતની પ્રજાને બલવાન અને વિજયવન્ત બનાવી છે તેમ આપત્તિને સમયે તેને ધૈર્ય આપ્યું છે. ભારતના જીવનના શુષ્ક વેરાનના સમયમાં નવાં ચેતનઝરણાં આ ગ્રન્થોમાંથી ફૂટ્યાં છે. આ ગ્રન્થોએ સમાજના તેમ જ વ્યક્તિના બળવાનમાં બળવાન ભાવોને તેમ જ સૂક્ષ્મમાં સૂક્ષ્મ વૃત્તિઓને રસ પોષ્યો છે. આ ત્રણેય ગ્રન્થો જેમ દેશના વ્યવહારજીવનમાં વ્યાપ્યા છે તેમ દેશના સાહિત્યમાં પણ વ્યાપ્યા છે. આ ત્રણેય ગ્રન્થો જોકે હિન્દુ ધર્મના અમુક અમુક સંપ્રદાયના ગણાય છે. પણ, ધર્મદૃષ્ટિ એક બાજુ રાખતાં, એ ગ્રન્થો ઉત્તમ પ્રકારનાં ભારતનાં મહાકાવ્યો છે અને મહાકાવ્યો તરીકે જગતનાં મહાકાવ્યોમાં સ્થાન મેળવવા સમર્થ છે. હિન્દના સર્વકાળના સાહિત્યે આ પુસ્તકોના પ્રસંગો લઈ, તેની જ પ્રેરણાથી અનેક કાવ્યો પ્રજાને આપ્યાં છે. અને એ રીતે પ્રાન્તીય સાહિત્ય પણ સમૃદ્ધ થયું છે. હિન્દની બધી પ્રાંતભાષાઓના સાહિત્યમાં રામાયણનું અવતરણ થયેલું છે. તેમાં અવધી ભાષામાં ભક્તકવિ તુલસીદાસે જે રામાયણ ગાયું છે—જેનું ખાસ નામ રામચરિતમાનસ છે, તેનું સ્થાન બીજાં સંસ્કૃતભવ ભાષાસાહિત્યોમાં અનેરું છે. અત્યારની તેની મોટા જનસમુદાય ઉપરની જીવંત ગંભીર અસર, તેની ગહન અને નિર્મળ ભક્તિ, એ દૃષ્ટિએ તે મહાન ત્રણ ગ્રંથોની સાથે બેસવા યોગ્ય છે. ભક્ત તુલસીદાસને હાથે એ રામાયણનું નવું જ સંસ્કરણ ગણી શકાય. આપણી ગુજરાતીમાં રામચરિતમાનસને તોલે આવે એવી કોઈ કૃતિ છે નહિ. એટલું જ નહિ, આપણા મધ્યકાલીન તેમ જ અર્વાચીન કવિઓને રામાયણની અપેક્ષાએ, મહાભારત, ભાગવત વધારે રસિક અને આકર્ષક નીવડ્યાં છે. તેમ છતાં રામાયણના વસ્તુ ઉપરનાં સુંદર કાવ્યો પણ આપણી ભાષામાં છે. આપણી ભાષામાં રામચરિત ઉપરના સાહિત્યની સમીક્ષા કરતાં સૌથી પ્રથમ કર્મણ મંત્રીના સીતાહરણનો ઉલ્લેખ કરવો જોઈએ. તેણે કાવ્યનું શીર્ષક ‘સીતાહરણ’ રાખ્યું છે પણ ખરી રીતે તેમાં રાવણવધ સુધીની આખી રામકથા આવે છે. તેણે ઉત્તરકાંડ છોડી દીધો છે. કાવ્ય કાવ્ય તરીકે ઉત્કૃષ્ટ પ્રકારનું કહી શકાય નહિ. તેવો સીધેસીધી રામકથા એક વૃત્તાંત તરીકે કહી છે, અને જ્યાં ગાંઠનું કંઈ ઉમેર્યું છે ત્યાં એ ઉમેરણ કાવ્યગુણને પોષનારું નીવડ્યું નથી. રાવણના સંહાર પછી રામ હનુમાનની સેવાની પ્રશંસા કરે છે ત્યાં કવિ કહે છે :

‘દીધું નામ ચડિઉ અહંકાર.’

રામે હનુમાનનું નામ દીધું તેથી તેને અહંકાર ચઢે છે. રામને એની ખબર પડે છે, અને અમુક રીતે તેનો ગર્વ ઉતારે છે અને પછી તેને ‘અતુલિબલ’ કહે છે. આ આખી પ્રસંગ હનુમાનના ચારિત્ર સાથે વિસંવાદી છે. કાવ્ય પૂરું કરતાં દોહો બોલે છે :

જાં ધ્રુ મેરુ મહીધરુ, જાં સાયર નઇ સૂર;
તાં એ રામાયણ સુણિ, તે પરિ નવનિધિ પૂર.

રામાયણના પ્રસિદ્ધ શ્લોક :

यावत् स्थास्यति गिरयः सरितश्च महीतले ।
तावद् रामायणमिदं लोकेषु प्रचरिष्यति । ।

જ્યાં સુધી ગિરિઓ ઊભા છે, અને મહીતલ પર નદીઓ વહે છે ત્યાં સુધી રામાયણકથા લોકમાં પ્રચલિત રહેશે. મંત્રી કર્મણે પર્વતનો ઉલ્લેખ કર્યો, નદીને બદલે સાયર કહ્યો, પણ અંતે તો રામાયણશ્રવણના ફલ તરીકે નવનિધિ કહ્યા વિના તેનાથી રહેવાયું નહિ. કર્મણ પછી સમયક્રમે ભાલણ આવે છે. ભાલણ રામભક્ત છે, જોકે તેણે કૃષ્ણની બાળલીલા પણ ગાઈ છે. એમ ગુજરાતી કવિઓ સર્વ દેવોને આદર આપનારા છે. ભાલણે રામની બાળલીલા ગાઈ છે, અને તેમાં રામની બાળચેષ્ટાનાં મનોહર વાત્સલ્યપ્રેરક વર્ણનો કરેલાં છે :

રામ રંગે રીખે, કૌશલ્યાકુમાર રામ રંગે રીખે,
છબ છબ કરતા છેડા પલાળે પાણીડાં ઢોળે;
ચંચળ ચતુરા હૃદયે ચાંપી બેસારે ખોળે.
કર ગ્રહી લાવે કૌશલ્યા, મેલે પડશાળે;
ગોત્રજમાનો ઘૃતદીવડો તે મૂઠીમાં ઝાલે.
દીવડો મેલાવી કૌશલ્યા, મણિ કરમાં આલે;
મણિ લઈને મુખમાં મેલે, દેવ નભે ભાળે.
સુમિત્રા લાવે શેલડી, તે બાળકને ભાવે;
કટકા લઈ કોરાણે મૂકે, પાળી લઈ ચાવે.
ઘૂઘરા ઘમકે તેથી ચમકે ઉતાવળા ચાલે;
કરતણી કોમળ આંગળીઓ તે ચણિયારે ઘાલે.
અતિ આકળી થઈ માતા લઈ બારણીએ બેસે;
રાયતણા મસ્તાના મદગળ વચ્ચે જઈ પેસે.
અતિ અડપલા કુંવર આપણા કહો દિન ક્યમ જાશે?
ભાલણ પ્રભુ રઘુનાથજીને બાંધે પ્રેમ તણે પાસે.

બાળકની ઊભરાઈ જતી જીવનશક્તિ, જ્ઞાન વિનાની નિર્દોષ અવળચંડાઈ, વહાલી લાગે તેવી પજવણી એ બધાંનું અહીં સુંદર ચિત્ર દોર્યું છે. ભાલણે રામની ઝૂલડીનું કાવ્ય પણ લખ્યું છે. કાનની ઝૂલડી ખોવાયા ઉપર નરસિંહે કાવ્ય લખ્યું છે, એ સંબંધી લોકગીતો-સ્ત્રીગીતો પણ છે, તેવું ભાલણે પણ લખ્યું છે. રામની ઝૂલડી ખોવાઈ છે અને તેને માટે રામે આડો લીધો છે. કૌશલ્યા મનાવે છે :

સોનાકેરી સોય મગાવું રૂપા કેરા ધાગા,
એ ઝૂલડી સીવવાને (કારણ) નવલખ દરજી લાગ્યા;
સમજાવ્યો સમજે નહિ શામો કહ્યું ન માને કાલો,
રોઈ રોઈને જુલમ કરે કોઈને જડી જ હોય તો આલો.

અંતે કારણ તો બીજું જ નીકળે છે :

રોતા રહીને કહે રાઘવજી જોડીને બે હાથ
રાજહંસને મેં હોરાડી ઊડી ગયો આકાશ,
ગિરિગહ્‌વર ગુફાઓ જોઈ જોયાં ઝાડેઝાડ
વશિષ્ઠનો શિષ્ય લાવ્યો ઝૂલડી રામે છોડી રાડ,

ભાલણે નળાખ્યાન પણ લખ્યું છે. નળનું વસ્ત્ર કપટી હંસ લઈ ગયો હતો તે ઉપરથી ભાલણને આ કલ્પના આવી હોય. પણ એકંદરે બાલચેષ્ટાનું કાવ્ય સુંદર છે. ભાલણના સુત ઉદ્ધવે પણ રામાયણ લખ્યું છે. તે સુંદરકાંડથી આગળ નથી જતું. કાવ્ય ઘણું લાંબું છે અને ઉદ્ધવે ઘણું પોતે ઉમેરેલું છે પણ તે રામાયણના ગૌરવને, તેના પાત્રાલેખનને ઉચિત નથી. ઘણુંખરું વર્ણન છે પણ ક્યાંક ગુજરાતી ભાષાનું માર્દવ પણ આવે છે. હનુમાને રામના એેંધાણની વીંટી સીતાને દેખાડી ત્યારે સીતા પશ્ચાત્તાપ કરે છે :

સીતા કહે સુણ્ય હનુમન્ત વીર, અતિ દુવાણા શ્યામશરીર;
રામચરણથી મુજ મન ચળ્યું, મૃગ દેખી મારું ચિત્ત વળ્યું,
લક્ષ્મણને મેં કઠણ જ કહ્યો, તેતણાં ફળ સઘળાં લહ્યો.
ત્યારે મને થઈ’તી અશુદ્ધ, વિનાશકાળે વિપરીત બુદ્ધ.
ઘણુંએ કહ્યું પાનીએ મત્ય, ત્યારે હું આતુર થઈ સત્ય.
હનાર પદાર્થ એણે પેરે હોય, ભવિષ્ય કળી શકે નહિ કોય.
મોટા મહંતતણી મતિ ફરે, જ્યાર દેવ કંઈ અવળું કરે.
કાળતણે વશ છે કર્મ, તેનો કોઈયે ન જાણે મર્મ,
નહિતર રામનાં મૂકી ચરણ, મને વલ્લભ લાગે હરણ?
એ અતિશે મેં કર્યો અપરાધ, જે લક્ષ્મણ દૂભ્યો સાધ.
તેણે મારી સેવા કરી, માતાબુદ્ધિ મનમાંહી ધરી.

અહીં સીતાનો સાચો પશ્ચાત્તાપ આપણે જોઈ શકીએ છીએ.

ઉદ્ધવ પછી પ્રેમાનંદનું રણયજ્ઞ કાવ્ય જોઈએ. અલબત્ત તેમાં રામ-રાવણ-યુદ્ધનો જ માત્ર પ્રસંગ છે, અને કવિએ શ્રોતાઓને ખુશ કરવા રાક્ષસના વર્ણનમાં ઘણું સ્થૂળ હાસ્ય કર્યું છે. તોપણ મંદોદરીની વિનવણી અને સ્વપ્નકથન વગેરે બીજા કવિઓ કરતાં સુંદર છે. ખાસ તો તેનું એક નાનુંસરખું કવન કુંભકરણને જગાડવાના પ્રસંગનું લાક્ષણિક છે. કુંભકરણને જગાડવા, કાનમાં મદનભેર વગડાવી, નાકમાં સૂંઠમરી ભર્યાં.

વળી નાસિકામાંહે સર્પ ચલાવ્યા, વાયુ રૂપાવ્યો લંકારાય,
નાસાકપોલ માંહે સર્પ અકળાયા, કાન મારગે નીકળી જાય.

પણ કુંભકરણ જાગતો નથી. ત્યાં એની પત્ની કહે છે :

કષ્ટ દીધે મારો કંથ ન જાગે, એને વહાલા શ્રીભગવાન,
જગાડું હું હેલામાત્રમાં તમે કરાવો ભક્તિગાન.

પછી

અપછરા પાસે નૃત્ય કરાવ્યાં, ગાનતાન વાજે વાજિંત્ર;
કુંભકરણ ડોલ્યો જ્યમ મણિધર, સાંભળતાં ગોવિંદચરિત્ર.

આમ પ્રેમાનંદે એક તરફ સ્ત્રીનાં ગમે તેવા પતિ માટેનાં પ્રેમ, મમતા, માર્દવ, બતાવ્યાં અને બીજી બાજુ કુંભકરણની ભક્તિ બતાવી. છેલ્લે ગિરધરકૃત રામાયણ જોવું રહે, તે ઘણો મોટો ગ્રંથ છે, અને લોકમાં ઘણો પ્રસિદ્ધ છે. પણ કાવ્યની દૃષ્ટિએ તેને વિશે વિશેષ કહેવા જેવું નથી. એમાં મુખ્યત્વે કથા જ આવે છે, અને અનેક ગ્રંથોમાંથી રામ વિશેની ઘણી દંતકથાઓ તેમાં ગૂંથી છે. એમાંથી દૃષ્ટાંત આપવાની હું જરૂર જોતો નથી. પણ એક કૃષ્ણાબાઈ નામની કોઈ કવયિત્રીનું ‘સીતાજીની કાંચળી’ નામનું રામસીતાના સંવાદનું કાવ્ય છે તેમાં સીતામાં અર્પેલો સ્ત્રીસ્વભાવ અને કૌતુક ધ્યાન ખેંચે તેવાં છે.

સોનાનાં શીંગ ને ત્વચા કનકની નાભિએ કસ્તૂરી બહેકે રે,
ડમરો ચરંતાં દીઠો જાનકીએ નાચે નૌતમ લહેકો રે.—રમતાં.
તે દેખી સીતાને રઢ લાગી, રામ એ મૃગ મારી લાવો રે
આપણે જ્યારે અજોધ્યા જઈશું કાંચલડી સિવડાવો.—રમતાં.

રામ એના રૂપને લીધે એને કપટી કહે છે :

બ્રહ્માએ જ્યારે સૃષ્ટિ રચી ત્યારે સોનાનો નથી નિપજાવ્યો રે
નથી દીઠો નથી શ્રવણે સાંભળ્યો કોઈક કારમો આવ્યો.—રમતાં.

સીતા સુંદર જવાબ આપે છે કે, એને મારી જુઓ એટલે સાચાજૂઠાનું પારખું થઈ રહેશે.

પ્રત્યક્ષ પારખું મારા પિયુજી સાચો હશે તો સહાશે રે,
કૂડ કપટથી આવ્યો હશે તો હમણાં ફીટી જાશે.—રમતાં.

રામ કહે છે સાચો મૃગ મારવો એ પાપ છે, ત્યારે સીતા જવાબ આપે છે કે મૃગયા એ ક્ષત્રિયનો ધર્મ છે. રામ કહે છે કે વનવાસમાં મૃગયા એ ધર્મ નથી; ત્યારે સીતા કહે છે કે ત્યારે ધનુષબાણ હાથમાં શા માટે રાખો છો? રામ કહે છે કે નિર્બળનું રક્ષણ કરવા માટે રાખું છું. તો સીતા કહે છે કે : સીતા :

શૂર્પનખા ભગિની રાવણની તેના શો હતો વાંક રે
વણઅપરાધે તે અબળાનાં છેદ્યાં કર્ણ ને નાક.—રમતાં.

રામ કહે છે :

શૂર્પનખા કહે મુજને પરણો, તે મારે મન નવ ભાવે રે
એક થકી અમે વાજ આવ્યા તો બીજીને કોણ લાવે?—રમતાં.

રામ અહીં એકપત્નીવ્રતનો કે એવો કોઈ ગંભીર જવાબ ન આપતાં સીતાને સુંદર નર્મથી કહે છે કે એકથી વાજ આવ્યા છીએ ત્યાં બીજી ક્યાં કરીએ? વળી રામ કહે છે તમને કમખાનું જ મન હોય તો સોનાના તારનો સુંદર, સુંદર વેલનો કમખો સિવડાવી આપું. સીતા જવાબ વાળે છે :

નિપજાવી જે વસ્તુ નીપજે તેમાં શી વડાઈ રે
અણનીપજી ને અમૂલક જેની જગમાં દીસે જુગતાઈ.—રમતાં.

કૃત્રિમ વસ્તુમાં નવાઈ શી? અકૃત્રિમ કુદરતી વસ્તુ એ જ વિરલ. છેવટે રામ નમતું આપે છે, ને શિકાર કરવા જાય છે ને, ‘હે લક્ષ્મણ!’-ની ધા સાંભળતાં સીતા લક્ષ્મણને જવાનું કહે છે, અને તે ના પાડતાં તેને ખરાબમાં ખરાબ મહેણાં મારે છે, વગેરેમાં કાવ્ય પાછું નીચે ઊતરી જાય છે. પણ આખા કાવ્યમાં કવયિત્રીએ સીતાના મનનું સુંદર ચિત્ર આપેલું છે. આ પ્રકારના મધ્યકાલીન સાહિત્યનો સમગ્ર રીતે વિચાર કરતાં જણાય છે કે આપણા કવિઓએ એક તરફથી મૂળ પુરાણ વસ્તુઓને લોકભોગ્ય અને લોકપ્રિય કરવા તેની ઉન્નતતા ઓછી કરીને વસ્તુને પ્રાકૃત બનાવી છે, અને બીજી તરફ તેમાં દિવ્યતા આરોપવા અમાનુષ ચમત્કારો વધાર્યા છે. આપણા પ્રાચીન મહાન ગ્રંથોમાં મનુષ્યપાત્રોને માનવઉન્નતિ દ્વારા તેમાં દેવત્વ આરોપ્યું છે, ત્યારે આપણા ગુજરાતી કવિઓએ ચમત્કારોથી દેવત્વ આરોપી એ પાત્રોનું માનવત્વ ઓછું આછું અને ઝાંખું કર્યું છે. અર્વાચીન યુગમાં પ્રાચીનનો વધારે સારો અભ્યાસ થતાં, અને દુનિયાના બીજા દેશોનાં કાવ્યોથી કાવ્યોનો આદર શુદ્ધતર થતાં, મૂળ પુરાણોની ભવ્યતા તરફ નવીન કાવ્યે પ્રયત્નો કર્યા છે. અર્વાચીન યુગમાં પણ મહાભારત ભાગવતની અપેક્ષાએ રામાયણનું વસ્તુ અને પાત્રો કાવ્યનાં વિષયભૂત બનેલાં છે, પણ તેમાં સર્વત્ર તેની મૂળ ઉન્નતિ સાચવવાનો અને તેમાં વધારે ઊંડા ઊતરી તેનો અર્વાચીન દૃષ્ટિએ અર્થ સમજવાનો પ્રયત્ન છે. અર્વાચીન યુગમાં શ્રી બોટાદકરે લક્ષ્મણપત્ની ઊર્મિલા, વનવાસનો આગ્રહ ન કરતાં લક્ષ્મણને રામ સાથે જવાની સંમતિ આપે છે, અને એ રીતે અદૃશ્ય ઉગ્ર તપ તપે છે, તેની કદર કરી છે. શ્રી નાનાલાલે વિશ્વગીતામાં રાવણે કરેલ સીતાહરણનું દૃશ્ય મૂક્યું છે, અને બીજા પણ રામાયણના ઉલ્લેખો યોગ્ય રીતે થયેલા મળી આવે છે. પણ ભલે રામાયણના વસ્તુનાં કાવ્યો ગુજરાતમાં ઓછાં હોય પણ રામાયણનો ગુજરાતના જીવનમાં સમગ્ર વ્યાપ ઓછો નથી. હિંદુ ધર્મશાસ્ત્રોએ પુરુષને ગમે તેટલી સ્ત્રીઓ પરણવાની છૂટ આપી છે, છતાં હિંદુ સમાજે વ્યવહારમાં અને આદર્શમાં પણ એકપત્નીવ્રત રાખેલું છે. ખરું તો રામચરિતનાં ત્રણ મુખ્ય લક્ષણો – એક વચન, એક પત્ની અને એક બાણ, એ સર્વકાળની માનવસંસ્કૃતિએ ધ્યાનમાં રાખવા યોગ્ય મહાન ધ્યેય છે. એક વચન એ સમગ્ર માનવવ્યવહારશુદ્ધિનો સિદ્ધાંત છે; એક પત્ની એ માનવના રસિક જીવનનો આદર્શ છે; અને એક બાણ એ કાર્યસાધક એટલે કૌશલમુક્ત અતુલિત બલનું પ્રતીક છે. આ ઉપરાંત રામને પ્રજાએ આદર્શ રાજા ગણેલા છે, રામરાજ્ય એટલે ન્યાયયુક્ત આદર્શ રાજ. મહાત્માજીએ હિંદની અરધી ભણેલ પ્રજાને રામરાજ્યના સંદેશાથી જાગ્રત કરી – એમ હજી રામની ભાવના હિંદના તેમ જ ગુજરાતના સમગ્ર વ્યવહારમાં અને તેથી સાહિત્યમાં પણ એક જીવંત સંસ્કાર છે.

‘ગ્રંથાગાર’ ત્રૈમાસિક, વર્ષ ૪ અંક ૧, માર્ચ ૧૯૬૭
[‘આકલન’]