સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/પદ - ભજન અને દેશીઓ
સાહિત્યનાં સ્વરૂપો : (મધ્યકાલીન અને અર્વાચીન)
ગયે વરસે પ્રાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય ઉપર વાર્તાલાપની એક શ્રેણી પ્રગટ થયેલી તે પછી હવે અર્વાચીન કાવ્યસાહિત્ય ઉપર એક શ્રેણી આપવાનો નિર્ણય થયો છે. તેમાં મુખ્ય મુખ્ય કવિઓની કૃતિઓ અમુક અમુક દૃષ્ટિબિંદુથી આપણે ખેચરદૃષ્ટિથી જોઈ જઈશું. અને સદ્ગત કવિઓ પૂરતું જ આપણા અવલોકનને મર્યાદિત રાખીશું. આપણા સાહિત્યનો અર્વાચીન યુગ, આપણો દેશ અંગ્રેજોની પશ્ચિમની સંસ્કૃતિ અને સાહિત્યના સંસર્ગમાં આવ્યો, ત્યારથી શરૂ થાય છે. આની સાથે આપણા દેશમાં એક મહત્ત્વની ક્રાંતિ થઈ છે. તે એ કે આ સંસર્ગ પહેલાં આપણું માનસ મધ્યકાલીન હતું, તે હવે બદલાઈને અર્વાચીન થાય છે. પૂર્વકાલીન સાહિત્ય બધું ધર્મને જ વિષય કરતું, હવે આપણું સાહિત્ય સમગ્ર જીવનનાં બધાં પાસાંને વિષય કરે છે. આપણી બુદ્ધિ કેવળ આપ્તવાક્યને અનુસરવાને બદલે હવે પર્યેષક, પરીક્ષક, વિવેચક બને છે. આમ દૃષ્ટિ બદલાતાં જીવનનાં નવાં જ ક્ષેત્રો ઊઘડે છે. કવિતાનો વિષય બદલાય છે, તેના ભાવો બદલાય છે, તેનું વિચારમાળખું બદલાય છે, તેનું વક્તવ્ય બદલાય છે. તેથી તેની ભાષા, વાક્યભંગી, અલંકાર, રીતિ બધું બદલાય છે. અને એ બધાંને ધારણ કરવાના સામર્થ્ય માટે છંદો પણ બદલાય છે. અર્વાચીન યુગની પરીક્ષક દૃષ્ટિની જીવન ઉપર એક મોટી અસર એ થાય છે કે જીવનસંબંધી ચાલતી આવેલી પરંપરાઓ, રૂઢિઓ, સારાસાર ધારણો, બધું બદલાય છે. આ પરિસ્થિતિ મોટાં આખ્યાનો કે મહાકાવ્યોને અનુકૂળ નથી. અર્વાચીન યુગમાં કવિ વધારે અંતર્મુખ બને છે અને તેથી તે જે નવી ઊર્મિઓ, લાગણીઓ અનુભવે છે તે કથવાનો પ્રયત્ન કરે છે. અંગ્રેજી વિવેચને સાહિત્યના સ્વીકારેલા પ્રકારો પ્રમાણે આ યુગમાં લિરિકો જ વધારે લખાય છે. એપિકો કે વર્ણનાત્મક કાવ્યો ઓછાં લખાય છે. વળી, આપણા વિદ્યાપીઠના પદવીધરોના અભ્યાસમાં અંગ્રેજી લિરિકો વિશેષ આવ્યાં, એ વિશેષ આકર્ષક નીકળ્યાં, એટલે આપણે ત્યાં લિરિકો કે ઊર્મિકાવ્યો વધારે વિકસ્યાં છે. આપણી શ્રેણીમાં આપણે કાલાનુક્રમે કવિવાર આગળ ન ચાલતાં આપણા સાહિત્યનાં ભિન્ન ભિન્ન રૂપો, જેવાં કે દેશી, ભજન, પદ, ગરબી, ગઝલ, વૃત્તબદ્ધ કાવ્યો, મુક્તકો, સૉનેટો, ખંડકાવ્યો, એ પ્રમાણે રૂપોનો વિચાર કરીશું. કારણ કે કવિવાર ઘણાં અવલોકનો થઈ ગયાં છે. આ પ્રથમ વાર્તાલાપમાં આપણે દેશીઓ, ભજનો અને પદો લઈશું. આ ત્રણેય પ્રાચીન કાવ્યમાં રૂઢ થયેલાં છે. અને તે સાથે તેના પર નવા યુગની અસર પણ થઈ છે. દેશીઓ કે દેશી ઢાળો તો મુખ્યત્વે આખ્યાનોમાં જ વપરાતાં, અને એ પ્રકાર તે પ્રેમાનંદ પછી ક્ષીણ જ થતો ચાલ્યો છે, તે અર્વાચીન યુગમાં પણ ક્ષીણ જ રહ્યો છે : અર્વાચીન યુગમાં માત્ર એક જ આખ્યાન દેશીબદ્ધ લખાયું છે–દલપતરામનું ‘વેનચરિત્ર’ અને આખ્યાન ઉપર હું આગળ બોલવાનો છું. ત્યાં આપણે એ જોઈશું. તે સિવાયનો દેશી ઢાળનો એક મહત્ત્વનો દાખલો કે. હ. ધ્રુવના મેઘદૂતના ભાષાંતરનો છે. મેઘદૂતનું ભાષાંતર દેશીમાં થઈ શકે કે કેમ, તેના અખતરા તરીકે એમણે એ પ્રયોગ કર્યો છે. પ્રથમ કડવું મેઘદર્શન વિશેનું રાગ કેદારામાં છે. કડવામાં પ્રાચીન પ્રણાલિકા પ્રમાણે પ્રથમ મુખબંધ છે, પછી ઢાળ છે, અને છેવટે વલણ છે અને પ્રારંભ પોતાના મંગળથી કરેલો છે.
રાગ કેદારો
શ્રી ગિર્વાણ ગિરા સ્મરૂં ગરવી ગુર્જરી ઉર ધરું;
મન કરૂં ઊડવા ઊંચે આભમાં રે. ૧
ઢાળ
ઊડવા ઊંચે આભમાંહી હું રાચૂં, જાચૂં, સ્હાય;
ગુર્જરી ને નિર્વાણ ગિરાની પાંખે પાર પમાય. ૨
મ્હેરે હરિ! તમ મહી રહી મેં ઊંડળ આભ ભરાય,
મેઘે બહવેલી રસગંગા માંહી ઝીલ્યૂં જાય. ૩
સાચા ભક્ત ભગીરથ પાખે ગંગા ના’વે ઘેર;
મુજ જેવા ગંગાજળી લાવી લેખે લીલાલ્હેર. ૪
ધન્ય ધન્ય ધન્વંતરી! ઊણું થાય ન અમ્રતપાત્ર;
લીજે–પીજે વિબુધ પરાઈ હૂં છૂં કારણ માત્ર. ૫
હવે વિષયનું ઉદ્ઘાટન કરે છે :
રાજે રૂડો રામગિરિ કરી ડૂંગર દક્ષિણ માંહી,
સીતાજીના સ્નાને પૂરણ પાવન ઝરણાં જ્યાંહી. ૬
ત્યાં ફળફૂલે લચેલ તરુની કુંજો ઝૂમે અનેક;
છાઈ શીળી છાયા નીલી, યક્ષ રહે તહીં એક. ૭
ચૂક પડંતાં, કોપી કુબેરે શાપ્યે પૃથ્વી માંહ્ય;
પ્રતાપ પરહરી પડેલ પ્રેમી પરિપૂરણ પીડાય. ૮
પળભર વિરહ સહેલ ન તેને ત્રણસેં ને વળી સાઠ,
દિન જુગ જેવા લાંબા લેવા; દૈવે વાળ્યો દાટ! ૯
ક્ષણક્ષણ ક્ષીણ થતું તન ચાલ્યું, સાલ્યાં વ્રહેનાં બાણ;
જેથી કરથી કડૂં કનકનું સરી પડ્યૂં નિર્વાણ. ૧૦
મેઘદૂતના અભ્યાસીને મૂળના શ્લોકનું વસ્તુ આ કડીઓમાં યાદ આવતું જશે. એ પણ સાથે સાથે જણાશે કે મેઘદૂતના પહેલા શ્લોકનું કથયિતવ્ય અહીં પૂરી પાંચ કડીઓ લે છે. અને મૂળની ઘનતા ઘણી પાતળી પડી જાય છે. જોકે ધ્રુવનું પાંડિત્ય, વર્ણસગાઈ, ભાષાગૌરવ અને છંદપ્રવાહ આપણને સહેલાઈથી આગળ વહાવી જાય છે. પછી યક્ષ
ગજ જ્યમ ગિરિવર કેરી કરાડ શૂં ટક્કર લેતો હોય,
તેવો મેવલિયો તવ સન્મુખ ઉન્મુખ પ્રેમી જોય. ૧૨
એમાં વપ્રક્રીડા કરતા ગજ જેવા મેઘનું સુંદર વર્ણન આવે છે, જે કદાચ સમશ્લોકીમાં દુર્ઘટ થઈ પડે. યક્ષને પ્રિયતમા સાંભરે છે, અને મેઘ સાથે સંદેશો મોકલવાનો સંકલ્પ કરે છે.
ઉર પરી એવું કુટજ કુસુમથી મેઘ વધાવી લીધ;
વ્હેલે વ્રે’ઘેલે અલબેલે કોડે આદર દીધ. ૧
વલણ
આદર દઈ ખેચર ચતુર વિરહાતુર ભરપૂર,
ગગને ઘનને નમન કરી ઉચરે વચન મધુર રે. ૧૯
કડવાબદ્ધ કાવ્યમાં વાર્તાકથનમાં કડવું ક્યાં પૂરું કરવું એમાં પણ કલાબુદ્ધિ જોઈએ, તે અહીં અનુવાદક સારી રીતે બતાવે છે. આવું ભાષાંતર પોતાની રીતે સુવાચ્ય થાય, પણ તે મૂળનાં સૌંદર્ય અને સૌષ્ઠવના સંસ્કાર ન પાડી શકે એ દેખીતું છે.
દેશી ઢાળો માટે આટલું બસ થશે. હવે હું ભજન અને પદો લઈશ. ભજનો પણ પદો જ છે. પદોનો વિષય જ્યારે અધ્યાત્મ હોય ત્યારે તે ભજન કહેવાય છે. અધ્યાત્મનો હું વિશાળ અર્થ કરું છું, તેમાં નીતિ, યોગ, મોક્ષ, વૈરાગ્ય, વગેરે અનેક વિષયોનો હું સમાવેશ કરું છું. આ ભજનનાં પદો શિષ્ટ એટલે ઉસ્તાદી સંગીતમાં ગવાય છે. કબીર અને મીરાંનાં પદો ઉસ્તાદી રાગોમાં ગવાતાં સૌએ સાંભળ્યો હશે. પણ એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે ભજનમાં પ્રાધાન્ય તેના ઉદાત્ત અર્થનું છે, અને તેથી તેમાં સંગીત પણ એ અર્થને પોષે એવું જ આવે, તેમાં સંગીતની કસરતો, કૌતુકો કે નખરાંને અવકાશ ન હોઈ શકે, પણ આ શિષ્ટ રાગો ઉપરાંત ગુજરાતમાં લોકભજનના ઢાળો પણ છે, જે લોકસંગીત છે, અને અર્વાચીન યુગમાં આપણા શિષ્ટ કવિઓએ પણ એ ઢાળોનો પ્રયોગ કરેલો છે. અર્વાચીન યુગમાં પણ બધા જ કવિઓ ઉપર આ યુગની બધી અસરો એકસરખી ઊંડી કે વ્યાપક નથી હોતી. એટલે કેટલાક કવિઓ નવા વિચારોથી ઓછી સ્પૃષ્ટ કે પ્રભાવિત થયા જણાશે, કેટલાક વધારે, અને છતાં બધા ઉપર કંઈક અસર તો જણાશે જ.
ભજનોમાં હું સૌથી પ્રથમ કેશવલાલ હરિરામ ભટ્ટનું ‘તારનું તૂટવું’ લઉં છું. આખું ભજન શુદ્ધ ભજનના લોકઢાળમાં લખાયું છે, જેની જોડ કદાચ મળવી દુર્લભ હોય. વસ્તુ પણ ભજનપરંપરાનું જ છે.
તારનું તૂટવું
તૂટ્યો મારા તંબૂરાનો તાર—
ભજન અધૂરું રે રહ્યું ભગવાનનું હો જી. ટેક
એક તૂટતાં બીજા રે તાર અસાર છે,
જીવાળીમાં નહિ રે હવે જીવ જી;
પારા પડ્યા પોચા રે, નખલિયું નામનું. તૂટ્યો.
તરડ પડી છે મોટી રે, બાતલ તુંબડે,
લાગે નહીં ફૂટી જતાં વાર,
ખૂંટીને ખેંચાવું રે, કાંઈ ન કામનું. તૂટ્યો.
કેશવ હરિની કરણી રે કોઈ ન જાણી શકે,
વાણી મન પાછાં વળી જાય,
બલ ચાલે નહિ એમાં રે મહાબલવાનનું. તૂટ્યો.
આ શરીર અને શરીરથી ચાલતો વ્યવહાર એ ભજનનું સાધન છે, પણ ક્યાંક પણ અશુદ્ધ થતાં, આખું તંત્ર પછી ભજનને માટે લાયક રહેતું નથી. એવી આ ઈશ્વરની યોજના છે. પછી તેમાં ગમે તેવો માણસ પણ લાચાર છે, માટે ભજનની સામગ્રી શુદ્ધ રાખવા હંમેશાં ચીવટ રાખવાનો ઉપદેશ દે છે. ભજનની પ્રણાલિકા પ્રમાણે અંતે કવિનું નામ પણ આવે છે. આ ભજનની પ્રણાલીમાં અર્વાચીન યુગમાં બીજા કવિ અનવરસાહેબનું નું સ્મરણ કરું છું. હિંદુ-મુસલમાન બંને એમના શિષ્યો હતા. આપણી પરંપરા પ્રમાણે એમણે હિંદીમાં પણ ભજન લખ્યાં છે. એક જ કડી જોઈએ
આતમ અમર રહૂંગા રે કાલસે નહીં મરૂંગા જી,
પ્રેમ નગરમાં જ બેઠૂંગા જ્ઞાનકે ગોલા મારૂંગા ભાઈ,
કાલ કોટકા નાશ કરૂંગા જમકા શીષ ઉતારું,
આતમ અમર રહૂંગા રે.
આત્માની અમરતાની શ્રદ્ધા આમાં દૃઢ જણાય છે. એમનું ગુજરાતી ભજન પણ જોઈએ. અનવરસાહેબ મુસલમાન હતા, પણ હિંદુઓને તેમણે અસ્પૃશ્યતા ટાળવા સમજાવ્યા છે, અને તે પણ બ્રહ્મદૃષ્ટિથી.
કાયા તારી શાથી વટલાણી! મૂરખ મન,
કાયા તારી શાથી વટલાણી રે હે જી! ટેક.
જે રે વસ્તુની તારી કાયા બંધાણી પ્રાણી
ઢેઢ ભંગિયાની કાયા તેવી રે હે જી,
ચેતન તે સર્વેનો એક જ રૂપ છે,
તેમાં તેં જુદાઈ શાની જાણી! મૂરખ મન! કાયા.
દલપતરામે બહુ ભજનો લખ્યાં નથી પણ ભજન ગણી શકાય એવાં કોઈ કોઈ પદો મળી આવે છે.
ચેતે તો ચેતાવું તને રે પામર પ્રાણી; ટેક.
સજી ઘરબાર સારું, મિથ્યા કહે મારુંમારું;
તેમાં નથી કશું તારું રે, પામર પ્રાણી. ૧
નીસર્યો જ્યાં શરીરથી, પછી તું માલેક નથી;
દલપતે કીધું કથી રે, પામર પ્રાણી. ૨
મીરાંબાઈના ‘મુખડાની માયા લાગી રે’ એ આ ભજનનો ઢાળ છે જે બીજાં ઘણાં ભજનોમાં આવે છે. આ પછી હું અરજુન ભગતનું ભજન લઉં છું :
હું તો ડૂબ્યો છું દુઃખ નિવારો રે,
જ્ઞાની સુકાની! મને પાર ઉતારો રે! ટેક.
ભરદરિયાકું તરિયા નવ જાવે રે,
અખૂટ ભરિયો માંય ખારો જી,
અથાગ જલકો અંત ન આવે રે,
નહિ હે આરો ને કિનારો રે. જ્ઞાની.
જરા મરણકો રોજનો રોગી,
અરજુન મહા દુખિયારો જી;
અઢાર ભારમેં કોન દુઃખ કાપે,
વેદ વાણી ઉચારો રે! જ્ઞાની.
ભવસાગરનું રૂપક પરંપરાથી ચાલ્યું આવતું છે છતાં ભક્તની તીવ્ર મુમુક્ષા, આર્તિ કાવ્યમાં જણાય છે. એનું એક બીજું ભજન લઈએ. એમાં મિલનનો અને પ્રેમનો આનંદ છે, અને તેમાં અરજુનની પ્રતીતિનો રણકાર આપણે જોઈ શકીએ છીએ :
વનમાં વહાલે વેણ વગાડી!
વગાડી રે વનમાં વહાલે વેણ વગાડી! ટેક.
વેણ વગાડી ને સૂતી જગાડી,
રોમે રોમે આંખ ઉઘાડી!
જંગલાંની ઝાડી દિલમાં દેખાડી,
મનમાંહી મોહ પમાડી!
સખી, થાય દરશન દહાડી! વનમાં વ્હાલે.
ડુંગર ડોલ્યા ને સૂરજ થોભ્યા,
અટકી ગઈ ચંદ્રની ગાડી!
નવલખ તારા સ્થિર થયા છે,
જોની તું પુરાણ ઉઘાડી!
અરજુન ત્યાં તે ઊભો અગાડી! વનમાં વ્હાલે.
“રોમે રોમે આંખ ઉઘાડી,” કોઈ અજબ પંક્તિ છે. આ પછી મસ્ત કવિ ત્રિભુવન પ્રેમશંકર લઈએ. એમાં પણ પરમપદપ્રાપ્તિનો વિજય છે!
રણધીરા એ, ભાઈ પામે પદ નિર્વાણ,
ભલા ભલાના કાંઈ છૂટી જાય એસાન. –હો જી.
સત્ય શબ્દના બખ્તર પ્હેરે જી શીલ ટોપ શિરે ધારે.
જ્ઞાનખડ્ગને હાથ કરે નિજ, મદમત્સરમોહ મારે. –રણ.
એ જ મહાવીર શત્રુ સમુદરજી, રક્તભર્યો એક ફાળે.
હનૂમાન સમ કૂદી જઈને શાંતિસીતા ભાળે. –રણ.
એ જ સત્યનો ભોગી ભાઈજી પુરુષાર્થ ધન્ય તેનું;
મૃત્યુ જીવનમાં સત્ય સંગ્રહી, લંક પ્રજાળી દીધું. –રણ.
હનુમાન, શાંતિસીતા, અને સત્યને સંગ્રહીને બાકીનું બધું લંક પ્રજાળી દીધું જેવી નવીન તેવી સુંદર કલ્પના છે. મણિલાલ નભુભાઈએ પણ ભજન લખ્યાં છે.
અભેદોર્મિ પદ
સાથે આવો તો સગપણ જાણીએ હો જી
અમે વહાણે ચઢ્યા પ્રેમાનંદને,
કરી જગત બધાને જુહાર રે,
હોડી માછીડા વહેલી હંકારજે. સાથે.
નમું દેશવિદેશવિશેષને,
નમું હિંદુ અને મુસલમાન રે,
જેણે શઢના દોરા વણ્યા સામટા. સાથે.
અને ઉપસંહારમાં કહે છે :
નમું માછીડા હોડી હંકારી લે
ભલે! ભાગી હોડી ડૂબ્યાં સર્વ રે,
ડૂબ્યાં દરિયો ને હોડી કે’નારમાં, સાથે
અને તેમનું
ગગને આજ, પ્રેમની ઝલક છાઈ રે, ગગને આજ.
પૃથિવી રહી છવાઈ, પરવતો રહ્યા નાહી,
સચરાચરે ભરાઈ રે. ગગને આજ.
પ્રસિદ્ધ છે, તે વિશેષ નથી લેતો. ભજન વિશે બોલતાં આપણે લલિતજીને ન વીસરી શકીએ. એ પોતે જ પોતાનાં ભજનો મંજીરા સાથે ગાતા અને કદાચ પોતાનાં ગીતો ગાનાર કવિઓમાં એ પ્રથમ હશે. આપણે એમનું પ્રસિદ્ધ મઢૂલીનું ગીત જોઈએ.
મઢૂલી મજાની પેલે તીર સન્તો વ્હાલા
અનેરી અનારી એ લગીર.
વૃક્ષો વેલડીઓવાળાં કુમળાં ફલફૂલ રસાળાં
લઈ જાઓ લ્હાણાં એ લગીર. સન્તો.
ઉડવાય સફર સહિયારી સુખદુઃખની કંથા ધારી
આનંદ ઓર લગીર. સન્તો.
લગની સ્હેવા સ્હાવાની ગીતડાં પ્રભુનાં ગાવાની
લાગે તો આવજો લગીર. સન્તો.
આનંદશંકરભાઈએ ‘લગીર’ શબ્દને લલિતજીનો લાક્ષણિક શબ્દ ગણ્યો છે. અને એ અહીં સ્ફુટ રૂપે સાભિપ્રાય આવે છે. સંસારની ઉપાધિ અને જંજાળમાંથી મુક્ત થઈ તેની પાર સાદું પ્રભુભક્તિનું જીવન લગીર તો જીવી જુઓ, એવી અહીં અપીલ છે. નાટકકારોએ પણ ભજનો લખ્યાં છે. આપણે માત્ર એક જ શ્રી મૂળશંકર મૂળાણીનું લઈએ. એ ભજન કબીરસાહેબના ‘મારો ચરખો બોલે રામનામ બસ તું હી રામ તું હી રામ રામ તું હી’ના ઢાળનું છે :
તું હી શ્યામ તું હી શ્યામ, તું હી શ્યામ તું હી રે.....
હું તો નીરખું તુજને ઠામ ઠામ, તું હી શ્યામ.
મનમાં જોયું ને, મંદિર જોયું ને, જોયો સકળ સંસાર,
આ બ્રહ્માંડની માળા જોઈ વળી પણ નહિ આવ્યો પાર.
સઘળે જ્યોતિ તારી રે. હું તો.
આ તનનો રંગમ્હોલ બનાવ્યો ને માંહિ ભર્યો દરબાર
અનહદ વાજાં વાગી રહ્યાં વળી, જીવ બને એક તાર,
ચમકી જ્યોતિ તારી રે. હું તો.
સદ્ગત કવિ નાનાલાલે ઘણાં ભજનો લખ્યાં છે. અને તેમાંનાં ઘણાં ગવાય છે અને લોકપ્રિય પણ થયેલાં છે. પણ તેમનું એક લાક્ષણિક ભજન જે મેં બહુ ગવાતું સાંભળ્યું નથી, જે ઉપનિષદના વિચારોથી ભવ્ય છે તે એક જ લઈને સંતોષ માનીશ :
પરમ ધન પ્રભુનાં લેજો લોક!
રૂપું ધન, ધન સોનું
હો અબધૂત! હીરામોતી ઝવેર,
હો અબધૂત! હીરામોતી ઝવેર;
સત્તા ધન, ધન જોબન ચલ સહુ;
અચળ બ્રહ્મની લહેર;
પરમ ધન પ્રભુનાં લેજો, લોક!
નહીં સૂરજ, નહીં ચંદ્ર,
હો અબધૂત! નહીં વીજળી ચમકાર,
હો અબધૂત! નહીં વીજળી ચમકાર;
અગમનિગમનીયે પાર, અપાર એ
બ્રહ્મ તણા ભંડાર;
પરમ ધન પ્રભુનાં લેજો, લોક!
દૂર થકી પણ દૂર;
હો અબધૂત! પ્રાણ થકી પણ પાસ,
હો અબધૂત! પ્રાણ થકી પણ પાસ;
ઊગે તપે કે આથમતાંયે,
એ ધન છે અવિનાશ,
પરમ ધન પ્રભુનાં લેજો, લોક!
‘નહીં સૂરજ, નહીં ચંદ્ર’— ‘ન તત્ર સૂર્યો ભાતિ ન ચન્દ્રતારકમ્ |’ ‘દૂર થકી પણ દૂર’—‘તદ્દૂરે તદ્વન્તિકે |’ કદાચ કોઈને નવાઈ લાગે પણ સદ્ગત બળવંતરાય ઠાકોરે પણ એકબે ભજનો લખ્યાં છે. અને એકને તે ’ભણકાર’ના મંગલ સ્થાને મૂક્યું છે. આપણે તે જોઈએ.
આતમજ્યોત જો રે જંતુ પામર!
માટીનો મોહ શો રે જંતુ પામર!
ગાન તાન તે જૂઠાં જેનાં—
જ્ઞાન ધ્યાન તે બૂઠાં જેનાં ઉગમનિગમ નિઃસાર
ગુહાદ્યોત બ્રહ્માંડજ્યોત જો અજબ ગજબ એકતાર
માટીનો મોહ શો રે જંતુ પામર!
આતમજ્યોત જો રે જંતુ પામર!
આગળ આવી ગયેલા બધા કવિઓ પ્રાચીન પરંપરાને જ અનુસર્યા છે. છતાં નવા જમાનાની અસર છે. અનવરસાહેબે કાયાવટાળ ઉપર, સ્પર્શાસ્પર્શ ઉપર લખ્યું, ત્રિભુવન પ્રેમશંકર અને પ્રો. ઠાકોર બંનેના વિષયો પ્રાચીન છે, છતાં બંને ઉપર કવિચિત્તની લાક્ષણિકતાની છાપ છે, અને પ્રો. ઠાકોરનું વક્તવ્ય અર્વાચીન ચિંતનનું પરિણામ છે. કાવ્ય અને જ્ઞાન બંનેના ઊગમ અને નિગમ નિઃસાર હોય તો એ કાવ્ય અને એ જ્ઞાન જૂઠાં. અને માનવ એક પામર જંતુ છે—તેમણે અનેક વાર કહ્યા પ્રમાણે જંતુડું છે. એની લાક્ષણિકતા બતાવવી પડે એમ નથી. અર્વાચીન યુગમાં ભજનના લોકઢાળોનું વક્તવ્ય બદલાતું ચાલે છે. તે વક્તવ્યનો સંબંધ અધ્યાત્મ સાથે બિલકુલ ન જણાય ત્યારે, હું માનું છું, ભજનના ઢાળ છતાં, એને ભજન ન કહી શકાય. હ. હ. ધ્રુવનું ગીત
સ્વદેશની ભક્તિ રે કોઈ વિરલા જાણે,
સ્વતંત્રતાના રસની રે લેજત કોઈ પરમાણે.
એ ધીરાની કાફીનો ઢાળ છે પણ એ ભજન નથી. પણ આ એક પ્રશ્ન અર્વાચીન યુગમાં ફરી ફરીને આવશે. આપણે આપણા લોકપ્રિય કવિ મેઘાણીનાં એકબે ગીતો જોઈએ. શીર્ષક છે ‘છેલ્લી સલામ’, જે બ્રિટિશ મહાસચિવના કોમી ચુકાદા સામે મહાત્માજીએ અનશન વ્રત લીધું તે પ્રસંગે લખાયેલું હતું : તેનો ઢાળ છે
ભૂલ્યો રે ભૂલ્યો રે રાજા સત રે ગોપીચંદન
પિયા પરદેશે ન જાના હો જી!
હવે મેઘાણીનું ગીત જોઈએ :
સો સો સલામું મારાં ભાંડુડાંને કે’જો રે,
ઝાઝેરા જુહાર જગને દેજો હો જી.
મળાયું ન તેને સૌને માફામાફ કે’જો ને
રુદિયામાં રાખી અમન રે’જો હો જી.
જુગનો મહારાજા આજે મહાકાળ જાગિયો ને,
ધરમ કેરાં ધારણ કાંટા માંડે હો જી :
સતને ત્રાજવડે મારાં કલેજાં ચડાવિયાં મેં,
શીશ તો નમાવ્યું શાસન દંડે હો જી.
હરિ કેરાં તેડાં અમને આવી છે વધામણી રે,
દલિતોને ઉત્સવ હાકલ પડી છે હો જી.
હસતાં મુખડાંની અમને વિદાયું દિયો રૈ વહાલાં!
રખે કોઈ રોકે નયણાં રડીને હો જી.
મેં પ્રારંભમાં કહ્યું એમ ઢાળ સ્પષ્ટ ભજનનો છે. પણ પ્રશ્ન થાય છે, વસ્તુ ભજનયોગ્ય છે? મહાકાળ જાગ્યો છે, ને મહાત્માજી કહે છે, સતને ત્રાજવે મેં મારું હૃદય જોખાવા મૂક્યું છે, એ વિચાર ખરેખર આધ્યાત્મિક છે, અને મહાત્માજીના ઉદાત્ત ચરિત્રની ભૂમિકા આખા ગીતને આધ્યાત્મિક વાતાવરણથી ભરે છે, અને છતાં ‘દલિતો’નો ઉલ્લેખ ભજનપરંપરા સ્વીકારી ન શકે એવો અત્યારે તો લાગે છે. નવાં ભજનોમાં આ પ્રશ્ન આવ્યા કરશે. એમનું બીજું એક ભજનઢાળનું ગીત લઈએ :
ઘણ રે બોલે ને—
ઢાળ પ્રસિદ્ધ જેસલતોરલના ભજનનો છે :
ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી.
બંધુડો બોલે ને બેનડ સાંભળે હો જી.
એ જી, સાંભળે વેદનાની વાત
વેણે રે વેણે હો સત ફૂલડાં ઝરે હો જી.
પોકારે જમીંના કણ કણ કારમાં હા જી.
પોકારે પાણીડાં પારાવારનાં હો જી.
જળ થળ પોકારે થરથરીઃ
કબરોની જગ્યા રહી નવ જરી,
ભીંસોભીંસ ખાંભીઓ ખૂબ ભરી
હાય તોય તોપો રહી નવ ચરી
હો એરણ બેની – ઘણ રે બોલે ને
અંગ્રેજીમાં હણાવા મૂકેલ દળને gun fodder કહે છે, એ રૂપક અહીં કાવ્યમાં જરાય અગુજરાતી ન લાગે એવી રીતે બેસી ગયું છે. આવાં અકરાકેરનાં વર્ણનો ભજનસાહિત્યને તદ્દન અપરિચિત નથી.
ઘડો હો બાળકકેરાં ઘોડિયાં હો જી.
ઘડો હો વિયાંતલ નારના ઢોલિયા હો જી.
ભાઈ મારા ગાળીને તોપગોળા
ઘડો સૂઈ મોચીના સંચ બો’ળા;
ઘડો રાંક રેંટુડાની આરો,
ઘડો દેવ-તંબૂરાના તારો
હો એરણ બેની—ઘણ રે બોલે ને.
કાર્યનો ઉત્સાહ અહીં વીર સુધી પહોંચે છે, અને વીરરસ ભજનસાહિત્યમાં ઘણી વાર આવે છે. અધ્યાત્મઅનુભવ માટે પણ વીર્યબલ જોઈએ છે.
ભાંગો હો ભાંગો હો રથ રણજોધના હો જી.
પાવળાં ઘડો હો છોરુડાંનાં દૂધનાં હો જી,
ભાઈ મારા લુવારી! ભડ રે’જે,
આજ છેલ્લી વેળાના ઘાવ દેજે.
ઘાએ થાએ સંભાર્યો ઘટડામાં
ક્રોડ ક્રોડ શોષિતો દુનિયાનાં
હો એરણ બેની—ઘણ રે બોલે ને.
પહેલી કડી પછી આ બીજી કડી કાવ્યદૃષ્ટિએ પણ જરા નબળી લાગે છે. અને ક્રોડાક્રોડ શોપિતોની વાત પણ ભજનમાં શોભતી નથી. ખરું તો આ છેલ્લી કડી હમણાં કહેલી વાતના હાર્દમાં રહેલા આધ્યામિક સત્યથી પૂરી થઈ જવી જોઈતી હતી. આખા કાવ્યમાં ઘણ અને એરણને, નર અને નારીનો કોઈ બીજો સંબંધ ન આરોપતાં, ભાઈબહેન કહ્યાં એ ઔચિત્યનો સુંદર નમૂનો છે. આ પ્રમાણે ભજનસાહિત્ય, નહિ સમજાતી અગમનિગમની કે નૂરતાસૂરતાની, ઇંગલા-પિંગલાસુષુમ્ણાની વાતો ન કરતાં ધરતી પર આવે છે, અને છતાં ભજનને માટે તેને અધ્યાત્માનુભવ સાથે સંબંધ તો જોઈએ જ. પદ માટે કેટલુંક વિશેષ કહેવાનું છે, તે હવે પછી જોઈશું. દરમિયાન અહીં એટલું જ વિશેષ કહેવાનું કે આ ભજનના દેશી ઢાળો સંઘરાવા જોઈએ અને તેની સંગીતની વિશેષતાઓનો અભ્યાસ થઈ એનું સ્વરૂપ નિર્ણીત થવું જોઈએ.
૧૯-૭-૧૯૫૪