સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/પૂર્વાલાપ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૫. પૂર્વાલાપ

કાન્તનું જીવન જાણવાને અનેક કારણોથી જિજ્ઞાસા થાય એ સ્વાભાવિક છે. પોતાના જમાનાના એ એક ઊંડા ચિંતનશીલ સત્યાન્વેષી વિચારક અને મહામંથનનિમગ્ન પુરુષ હતા. સાહિત્યમાં તેમણે અનેક દિશાએ પ્રવૃત્તિ કરી છે. પણ તેમની બધી પ્રવૃત્તિઓમાં તેમનાં કાવ્યો જનતાને સૌથી વધારે મર્મસ્પર્શી લાગે છે. આપણામાં તેઓ બીજા કશા કરતાં કવિ તરીકે અમરપદ પામશે એમ જણાય છે. અને તેથી કવિ તરીકેનું તેમનું જીવન જાણવાની વૃત્તિ આપણને સૌથી તીવ્ર થાય છે. તેમનાં કાવ્યો સમજવાને માટે પણ તેમનું જીવન જાણવાની જરૂર છે. કાન્તે પરલક્ષી અને આત્મલક્ષી બંને પ્રકારનાં કાવ્યો લખ્યાં છે. પરલક્ષી કાવ્યો લખનાર કવિનું જીવન ન જાણીએ તોપણ તેનાં કાવ્યો સમજવામાં કશો પ્રતિબંધ આવતો નથી. તેવાં કાવ્યોમાં જે ભાવ નિષ્પન્ન થવાનો હોય તેની સર્વ બાહ્ય પરિસ્થિતિનું વર્ણન પણ તે કાવ્યમાં જ આવી જતું હોય છે. પણ આત્મલક્ષી કાવ્યમાં એ સંપૂર્ણ રીતે થતું હોતું નથી. આ કાવ્યો અંગત જીવનના પ્રસંગમાંથી ઉત્પન્ન થતા ભાવનું પ્રગટ કલાસ્વરૂપ હોય છે. તેની ભોંયરૂપ કવિમાનસની પરિસ્થિતિ કાવ્યમાં દર્શાવેલી હોતી નથી. એ કાવ્ય સમજવાને એ ભોંયનું દર્શન આવશ્યક છે. વ્યંગ્યનું એક નિમિત્ત પ્રકરણ એટલે પરિસ્થિતિ પણ છે. નાટકમાંથી ઉદ્ધૃત કરેલા કાવ્યને સમજવાને જેમ તે કોની કોના પ્રત્યે કયા પ્રસંગની ઉક્તિ છે એ જાણવું આવશ્યક છે તેમ અહીં પણ ભાવનિષ્પત્તિને માટે એ પરિસ્થિતિ જાણવી આવશ્યક છે. આ લેખકને એક વાર સદ્‌ગત મણિશંકર ભટ્ટ જોડે કલાપી અને મણિભાઈ નભુભાઈનાં કાવ્યો સંબંધી ચર્ચા થયેલી ત્યારે તેમણે કહેલું કે કવિનું જીવન તેના કાવ્યમાં પ્રગટ થયા વિના રહે જ નહિ. આ વિધાન તેમનાં પોતાનાં કાવ્યોને બરાબર લાગુ પડે છે. પૂર્વાલાપનાં કાવ્યોને તેમના જીવન સાથે જીવંત સંબંધ છે. વિશેષ શું, પૂર્વાલાપ નામને પણ તેમના જીવન સાથે સંબંધ છે. તેમ છતાં આ જગાએ કવિનું જીવનચરિત્ર આપવાનો ઉદ્દેશ નથી, તેને માટે લેખકની વ્યક્તિગત અને પ્રસંગગત મર્યાદાઓ ઘણી ટૂંકી પડે. માત્ર કાન્તના જીવનના જે જે મુખ્ય બનાવોને તેમના સાહિત્યજીવન સાથે ઓછોવત્તો સંબંધ છે તેના પરિચય પૂરતી રૂપરેખા આપવાનો ઉદ્દેશ છે. સદ્‌ગત મણિશંકર રત્નજી ભટ્ટનો જન્મ ઈસવી સન ૧૮૬૮ના નવેમ્બરની ૧૦મી૧[1] </ref> તારીખે કાઠિયાવાડમાં લાઠી પાસે ચાવંડ ગામમાં પ્રશ્નોરા જ્ઞાતિમાં થયો હતો. આ જ્ઞાતિ વિદ્યાવિલાસી છે. મણિભાઈના પ્રપિતામહ મુકુંદને કવિયશ પ્રાપ્ત થયેલો અને એમના પેઢીનામાં બીજા ગ્રંથકારો પણ દેખાય છે. મણિભાઈને બહુ નાની વયથી કવિતા કરવાનો શોખ હતો. એ અરસામાં ગુજરાતના સૌથી વધારે લોકપ્રિય અને ઉત્તમ કવિઓ બે જ ગણાતા : દલપતરામ અને નર્મદાશંકર. તેમાં વસ્તુ, ભાવ અને શૈલીથી તેમજ વાચનમાલામાં તેમની ઘણી કવિતાઓ આવેલી હોવાથી બાલમાનસને વધારે સુગ્રાહ્ય દલપતરામ હતા. આથી તે સમયમાં ઊગતા કવિઓનાં પ્રથમ કાવ્યો દલપતશૈલીનાં થાય એમાં નવાઈ નથી. મણિભાઈએ ૧૪–૧૫ વરસની વયે ‘ખરી મોહોબત અથવા ગુલબાસનું ફૂલ’ નામનો ચારણી કિસ્સો લખ્યો હતો. તેમાંની થોડી લીટીઓ કાન્તમાલામાં૨[2] આપી છે :

અને મારા પ્રાણાધાર, મારા તો હૈયાના હાર,


જિંદગી કેરા આધાર બહાર આપ ક્યાં ગયા?

તે ઉપરથી લાગે છે કે મણિભાઈએ દલપતરામની અસર નીચે જ કાવ્યો લખવાં શરૂ કરેલાં. એ કિસ્સો ૧૮૮૩માં પ્રસિદ્ધ થયો હતો. તેમાં તેમના બીજા મિત્રોએ પણ કંઈક લખેલું અને એ કૃતિમાં મણિભાઈનું વિશિષ્ટત્વ ન હોવાથી તેની બીજી આવૃત્તિ થઈ નથી. આ શૈલીની અસર પ્રસિદ્ધ કાવ્યોમાં ક્યાંય નથી. ‘સ્મિતપ્રભાને’ અને ‘અદ્વૈત’ એ બંને કવિતો છે એટલું જ, પણ તેનો ભાવ, વસ્તુ, પ્રૌઢિ સર્વ કાન્તનાં જ છે. કવિત્વશક્તિની જેમ વિવેચકશક્તિ પણ ઘણી નાની ઉંમરથી જ તેમણે દાખવેલી જણાય છે. તેમની સાથેના પ્રથમ મેલાપ વિશે લખતાં રા. રા. વિશ્વનાથ પ્રભુરામ વૈદ્ય કહે છે૩ : “ત્યાં થોડે દૂર એક ૧૪ વર્ષનું બાલક કાંઈક શ્યામ રંગે બુદ્ધિમતાં ચક્ષુઓ સળવળ થતાં, ભરેલી નાસિકાવાળું પરંતુ સરલ ગોળ ઉત્સુક મુખવાળું. ચહેરા ઉપરથી ઓળખાણ પડ્યું કે માધવજીભાઈના ભાઈ મણિશંકર હોવા જોઈએ. અતિ શરમાળ બાળ ધીમે પગલે આવી બાજુના પથર ઉપર બેશી ગયું. એને બોલાવવાનું કાર્ય મારે શરૂ કરવું પડ્યું. ‘અહો, આવો ભાઈ, તમે મણિશંકર?’ ‘હા.’ ‘શું ભણો છો?” ‘રાજકોટ હાઈસ્કૂલમાં છું.’ ‘બહુ આનંદ થયો. તમને તો કવિતા કરવાનો પણ અભ્યાસ છે, નહિ? ‘છે ખરો પણ બહુ સારી નથી કરી શકતો. વિચારો બહુ આવે છે પરંતુ લખતાં ભાષા યોગ્ય લાગતી નથી.’ ‘બને તેવું છે. જો કલ્પના કર્યા જાઓ છો તો તે ભાષા વિના શી રીતે આવે છે?’ કોકડું ગૂંચવાયું. ‘ના, એમ તો આવે છે, પરંતુ કલ્પનાયે જોઈએ તેવી નથી આવતી.’ ‘કુદરતની મદદ લ્યો... અજમાવો જોઈએ.’ તેમણે અજમાવ્યું. એક ન્હાનું સરલ બે કડીનું કાવ્ય થયું. તેમને નદીના રવમાં મુશ્કેલી પડી. અને સમજુ કુદરતને જ બોલાવી : ‘ખળખળ કરતું જળશિશુ રમતું’ એવો ભાવ લાવ્યા.” આટલી નાની વયે ‘કાવ્યો કરું છું પણ બહુ સારાં નથી કરી શકતો.’ એટલી વિવેચનશક્તિ, અને વિચારે કે કલ્પના તો ભાષામાં જ થાય માટે કલ્પના પણ જોઈએ તેવી નથી, એટલી સમજણ ઘણી કહેવાય. હલકી કૃતિઓને વીણી કાઢવાને આ રસવૃત્તિ અને વિવેચકશક્તિ જ બસ છે. મણિભાઈ માનતા કે ‘બધા વિવેચકો સ્રષ્ટા છે... પણ બધા સ્રષ્ટાઓ વિવેચકો પણ છે.’ આ સર્જન અને વિવેચનનો યોગ તેમનામાં પહેલેથી હતો. ૧૮૮૪માં તેઓ મૅટ્રિક્યુલેશનની પરીક્ષામાં પાસ થયા અને ૧૮૮૫થી ૧૮૮૮ સુધી ગોકળદાસ તેજપાળ બૉર્ડિંગમાં રહીને એલ્ફિન્સ્ટન કૉલેજમાં તેમણે અભ્યાસ કર્યો. અહીં તેમને કૉલેજના મુક્ત ઉન્નતિકર વાતાવરણમાં પ્રિન્સિપાલ વડ્‌ર્ઝવર્થ જેવા અધ્યાપક નીચે અભ્યાસ કરવાથી ઘણી પ્રગતિ કરવાનો અને મૈત્રીઓ બાંધવાનો અવકાશ મળ્યો. તેમની નોંધવા જેવી મૈત્રી રા. બ. રમણભાઈ સાથેની. પ્રો. બલવંતરાય ઠાકોર સાથે રાજકોટથી પિછાન ખરું પણ તે માત્ર પિછાન જ. રા. બ. રમણભાઈ આ સંબંધમાં લખે છે : ‘મણિશંકર સાથે મારો પ્રથમ પરિચય સને ૧૮૮૫માં થયેલો ...એક દિવસે – શનિવારે – કૉલેજ સારુ લોકલ ટ્રેનમાં ચર્નીરોડથી મહાલક્ષ્મી જતાં એક વિદ્યાર્થીએ મને કહ્યું કે આજે કૉલેજની ડીબેટિંગ સોસાયટીના સભાસદની ચૂંટણી થવાની છે તેમાં આપણે ગુજરાતીઓએ મણિશંકર ભટ્ટને માટે મત આપવાનો છે. હું તે વખતે મણિશંકર ભટ્ટને ઓળખતો નહીં પણ ગુજરાતીના સમર્થનનો પ્રયત્ન હોવાથી હું તેમાં સામિલ થયો... કૉલેજના અભ્યાસનો વખત પૂરો થયા પછી ડીબેટિંગ સોસાયટી મળી અને મણિશંકર બહુમતે ચૂંટાયા... મણિશંકરે સભા આગળ આવી ઉપકાર માન્યો અને કહ્યું કે ચૂંટણીને હું લાયક નીવડીશ એવી આશા રાખું છું. આ પછી કૉલેજના ગુજરાતી વિદ્યાર્થીઓમાં મણિશંકર તેમના કલ્પનાપ્રભાવ અને વિચારશક્તિથી વધારે ને વધારે આદર પામતા ગયા. સને ૧૮૮૭માં મેં કૉલેજની ‘ગુજરાતી એલ્ફિન્સ્ટન સભા’ આગળ ‘કવિતાની ઉત્પત્તિ અને સ્વરૂપ’ એ વિષય ઉપર ભાષણ કર્યું. તે પછી લૉ ક્લાસમાંથી પાછાં આવતાં ચર્ચગેટ સ્ટેશન ઉપર ટ્રેનની વાટ જોતો હું ઊભો હતો ત્યાં મણિશંકર મારા હાથમાં એક ચિઠ્ઠી મૂકી ગયા. ચિઠ્ઠી ઉઘાડતાં આ ગીતિ લખેલી માલમ પડી :

‘સાંપ્રત રસમય ઋતુની કદર અરે! જાણતા નથી કોઈ
એ મુજ ખેદ શમે છે જલદરસિક નીલકંઠને જોઈ.’

[– આમાં ક્યાંઈ દલપતશૈલી દેખાય છે? આટલી વહેલી તેમણે એ છોડી દીધેલી –] ‘મારા ભાષણને ઉદ્દેશીને આ વચન લખેલાં હતાં અને એ ઉદ્દેશ લક્ષમાં રાખી અને મણિશંકરનો શ્લેષ ચાલુ રાખી મેં એક ચિઠ્ઠી પર ઉત્તર લખ્યો કેઃ

‘રે! જાણિને કદર શું કર્યું નીલકંઠે?
પાડ્યાં જ આંસુ ખુશિમાં કરિ નાદ ઊંચે!
એ મેઘના જલથકી મણિ થાય સીપે,
જેથી જણાય ગુરુ મેઘનિ શક્તિ સર્વે.’

મણિશંકરનાં કેટલાંક કાવ્ય મેં વાંચેલાં તે સંબંધે આ શ્લોકની છેલ્લી બે લીટીઓ લખી હતી. મણિશંકરની જ રીતે આ ઉત્તર મેં તેમને પહોંચાડ્યો. તેના પ્રત્યુત્તરમાં તેમણે સંસ્કૃત શ્લોક લખ્યો તેમાંના આટલા જ શબ્દો મને યાદ છે : `आत्मानं यदि अवमानयिष्ये सखे’ આ મૈત્રી આગળ વધતી જાય છે. ‘મારી કીસ્તી’ એ કાવ્ય સૌથી પ્રથમ બુદ્ધિપ્રકાશમાં પ્રગટ થવા મોકલ્યું રા. બ. રમણભાઈએ. અને તે પછી ‘અતિજ્ઞાન’ ગુજરાત દર્પણમાં. ‘વસંતવિજય’ તો તેમણે પોતાની લાંબી ટીકા સાથે પ્રસિદ્ધ કરાવેલું.૪ તે પછી પણ બંને મિત્રો વચ્ચે આપણી સામાજિક સ્થિતિની, કાવ્યની, ધર્મની રસમય ચર્ચા પત્રો દ્વારા ચાલેલી છે. આ પત્રોમાંથી કેટલાક ઉતારા કાન્તમાલામાં૫ આપેલા છે જેથી મણિભાઈના વિચાર અને કેટલાક આશયો ઉપર ઘણો પ્રકાશ પડે છે. કૉલેજજીવનમાં થયેલી બીજી મૈત્રી પ્રો. બલવંતરાય કલ્યાણરાય ઠાકોરની. પિછાન તો જૂની હતી પણ મૈત્રી ૧૮૮૭ની આખરે જામી. તે સાલની ફર્સ્ટ બી.એ.ની પરીક્ષા આપીને પ્રો. ઠાકોર બહાર નીકળ્યા અને અનાયાસે મણિભાઈને મળ્યા. બંને લાંબે સુધી ફરવા ગયા અને માર્ગમાં પાલ્ગ્રેવની ગોલ્ડન ટ્રેઝરી. ચોથા ભાગની કવિતાઓ, કવિઓ, વિશે ખૂબ ચર્ચા કરી ત્યાં મૈત્રીનું બીજ રોપાયું.૬ બંનેના સ્વભાવમાં મૂલગત ભેદ હરકોઈ જોઈ શકે તેમ છે. પણ એ ભેદ બંને મિત્રોના સ્વતંત્ર વ્યક્તિવિકાસને લેશ પણ હાનિકારક નીવડવાને બદલે બંનેને ઉપકારક નીવડ્યો જણાય છે. આ મૈત્રી ઉત્તરોત્તર વધતી ગઈ, વધારે વિસ્તારી અને મર્મસ્પર્શી બની. રજાઓમાં એકબીજાને ત્યાં રજા ગાળવા જાય, સાથે મુસાફરી કરે અને જુદા હોય તે દરમિયાન પણ કાગળો ચર્ચા અને એકબીજાની કૃતિઓનો તેમ વાચન, વિચાર, મુશ્કેલીઓ વગેરેનો વિનિમય ચાલ્યા કરે. પાછા મળે ત્યારે એકબીજાની ખાનગીમાં ખાનગી નોંધો પણ જુએ. પ્રો. બલવંતરાય આ રીતે મણિભાઈની ઘણીખરી સાહિત્યપ્રવૃત્તિના સાક્ષી માત્ર નહિ પણ ઘણીમાં ટીકાકાર, સૂચનાકાર, કદરકાર, ઉત્તેજન આપનાર અને કેટલીકમાં તો પોતે જ કૃતિઓના વિષય કે નિમિત્ત પણ ખરા. મણિભાઈનું ‘ચક્રવાકમિથુન’ પ્રો. ઠાકોરે ટીકા સાથે ૧૮૯૦માં બુદ્ધિપ્રકાશમાં પ્રગટ કર્યું. આ કાવ્યમાં સૌથી પ્રથમ મણિભાઈએ ‘કાન્ત’ તખલ્લુસ ધારણ કર્યું જે તેમણે પછીથી ઠેઠ સુધી રાખેલું છે. ‘ઉપહાર’ કાવ્ય તો પ્રો. ઠાકોરને જ ઉદ્દેશીને લખેલું અને પૂર્વાલાપ પ્રગટ થયો ત્યારે પણ એ કાવ્યથી તે પ્રો. ઠાકોરને અર્પણ થયો છે. એ ‘ઉપહાર’ અંગ્રેજી સૉનેટ નામની પદ્યરચનાને અનુસારે છે. આ પદ્યરચનાનો સૌથી પ્રથમ પ્રયત્ન પ્રો. ઠાકોરે કરેલો – ૧૮૮૮માં ‘ભણકારા’માં અને ૧૮૮૯માં ‘અદૃષ્ટિદર્શન’માં.૭ એ રચનાના વિશેષ પ્રયોગો મણિભાઈએ મિસિઝ બ્રાઉનિંગનાં સૉનેટોના અનુવાદમાં કરેલા છે, અને ‘અગતિગમન’ પણ મૂળ સૉનેટમાં લખાયું હતું. પણ આ રચના પછીથી લૂલી લાગવાથી આ બધાં કાવ્યો હાલ છે તે રૂપમાં મૂક્યાં. અખંડ કે સળંગ કે અભંગ પૃથ્વીનો ઉપયોગ પણ મણિભાઈએ પ્રો. બલવંતરાયના પ્રયોગો ઉપરથી કરેલો. ‘અગતિગમન’ પ્રો. ઠાકોરના ‘અદૃષ્ટિદર્શન’ ઉપરથી સૂચિત થયું છે. ‘પ્રણયમાં કાલક્ષેપ’ની પણ મૂળ સૂચના પ્રો. ઠાકોરે ‘ઉપહારનો પ્રત્યુત્તર૮ આપેલો તેમાંથી મળેલી. ‘પડેલા સ્નેહીનો પ્રત્યુત્તર’ અને ‘અશ્રુને આવાહન’ એ બે કાવ્યોમાં પંક્તિઓ અને પંક્તિખંડો પ્રો. ઠાકોરનાં કાવ્યોમાંથી લીધેલાં છે (જુઓ પૂર્વાલાપ ટિપ્પણ). આ છેલ્લા કાવ્યની ઉત્પત્તિ વિશે પ્રો. ઠાકોર એક ખાનગી પત્રમાં લખે છે : ‘કુસુમમાલામાં ફૂલ ઉપર પદ છે તે ઉપરથી મેં આંસુ વિશે લખવા માંડ્યું જે અત્યંત દુષ્ટ થવાથી મને ચીડ માય નહીં, મણિભાઈ મારી ચીડથી ખડખડ હરસે તેમ-તેમ હું વધારે ચિડાઉં... બીજી સવારે એમણે આ લખીને મને વંચાવ્યું. હું પણ મારો કક્કો એમ છોડું ખરો? મેં કહ્યું – But this is not a પદ! This is quite irrelevant. (આ કાંઈ પદ નથી. આ તો જુદું જ થયું.) આમાં આવતી ‘નથી પાસે કોઈ...’ એ મારી બે પંક્તિઓ મણિભાઈને બહુ ગમી ગયેલી અને વારે વારે બોલ્યા કરે. પછી એમને અને મને ચીડવવા જયાશંકર વાઘજી વ્યાસ અને ઠાકરથી મૂળજી એ બે પંક્તિઓ જ્યારે ને ત્યારે ખૂબ બગાડીને રાગડા તાણવામાં જ બડી લહેર માણતા.’ ‘રાજહંસને સંબોધન’ અને ‘રતિને પ્રાર્થના’ એ કાવ્યો પણ પ્રો. ઠાકોરને ઉદ્દેશીને જ લખાયાં છે. આ રીતે આ સાહિત્યમિત્રોમાં પ્રો. ઠાકોરની અસર અવતરણોથી બતાવી તો મણિભાઈની અસર પ્રો. ઠાકોરનાં કાવ્યો ઉપર કશી ખરી કે નહિ? પ્રો. ઠાકોરે ‘અંજની ગીત’ અને ‘અભ્યસ્ત શિખરિણી’ વાપર્યા છે તે સિવાય અવતરણોથી બતાવાય તેવી અસર નથી કેમ કે કાન્તમાંથી કાંઈ ન લેવા તેમણે સાવચેતી રાખી છે. આનાં કારણો બે –વિનમ્રતા અને ટેક : ‘હું મણિભાઈની કૃતિઓને, એમની પંક્તિઓને, એમની શૈલીને, એમના કવિતાપ્રવાહના લયને, એમની કરામતની ઝીણામાં ઝીણી વિગતને... એટલી સુંદર, ઊંચી અને નમૂનેદાર ગણતો કે મને એમ જ વરસતું જે મારી પોતાની ખડબચડ રચનાના સ્પર્શથી તો એ અભડાય – એમાંનું કંઈયે મારામાં લઉં તો તુરત એ અવતરણની આસપાસનું મારું લખાણ છેક કાળું પડી જાય! મારા લખાણમાં મણિભાઈનો અંશ પણ નથી, તેનું એક કારણ આ હતું તો બીજું કારણ એથી છેક જ ઊલટી જાતનું હતું. મણિભાઈ તો આત્મીય, તથાપિ એમની પણ કંઈયે સુંદરતા ઉછીની લઈને હું આગળ ચાલું તો તેમાં મારું શું વળે?... એ કરતાં તો ન લખવું બહેતર.’૯ એ સિવાય પણ એક કારણ છે. પ્રો. ઠાકોરના વિચારો કાવ્યશૈલી વગેરે માત્ર કાન્તથી જ નહિ પણ અત્યાર સુધીના સર્વ સાહિત્યકારોથી કંઈક જુદાં છે. એ લેવા ધારે તોપણ પોતાની સામગ્રી સાથે મેળ ખાય એવું ઘણું ઓછું લઈ શકે. પણ એક બાબત પ્રો. ઠાકોર પોતે વાતચીતમાં અને પત્રમાં વારંવાર કહે છે, તે એ કે કલ્પના સિવાય કાવ્યના બીજા કોઈ પણ સંસ્કારો તેમનામાં સહજ નહોતા. તે સર્વ સંસ્કારો તેમને મણિભાઈની મૈત્રીથી મળ્યા, જેને પરિણામે પોતે કાવ્યમાર્ગમાં કંઈ પણ પ્રવૃત્તિ કરવા પ્રેરાયા. આ સાહિત્યમિત્રોનો સંબંધ આપણે આગળ જોઈશું તેમ મણિભાઈ ક્રિશ્ચન ધર્મ સ્વીકારે છે તે પછીના મર્મવેધી મંથનમાં તૂટે છે, લુપ્ત થાય છે. એ ફરી નહિ જ સંધાય એમ લાગે છે. પ્રો. ઠાકોરના ‘આરોહણ’ના ત્રયી શમી જશે અભંગુર શું ક્ષીરસિન્ધુ વિશે? એ અને ‘સાથી ઓ મારા’ તથા ‘વધો ખેડો ને સફર, મરદાની નાવો!’ એ ઉદ્‌ગારો આ સ્થિતિને ઉદ્દેશીને થયા છે. પણ જ્ઞાનના પરોઢની મૈત્રીમંથનનો તાપ મોળો પડતાં જીવનસંધ્યામાં પરસ્પરને આશ્વાસન દેતી ફરી દેખા દે છે. મણિભાઈ પ્રો. ઠાકોરને પૂર્વાલાપનો ‘ઉપહાર’ કરે છે અને પ્રો. ઠાકોર તે જ રીતે ‘ઊગતી જુવાની’ નાટક મણિભાઈને અર્પણ કરે છે અને મણિભાઈના કરુણ અવસાન બાદ તેમની પાછળ કાન્તમાલાનું સ્મારક કરે છે. ‘અ. સૌ. નર્મદા ભટ્ટ’ અને ‘કોકિલવિલાપ’ એ પ્રો. ઠાકોરે કરેલો એ મિત્રદંપતીને કાવ્યાર્ઘ્ય છે. એમના જેવી, સાહિત્યના સર્જન અને ઉપભોગની, સાત્ત્વિક અહમહમિકારહિત મૈત્રી આપણા સાહિત્યના ઇતિહાસમાં વિરલ મળશે. ૧૮૮૮માં, ફિલસૂફીના ઐચ્છિક વિષય સાથે મણિભાઈ પાસ થયા. ૧૮૮૯માં થોડો સમય સુરત હાઈસ્કૂલમાં કામચલાઉ શિક્ષક તરીકે કામ કર્યું. ‘વસંતવિજય’ કાવ્ય અહીં લખેલું. ૧૮૯૦માં, સ્વ. પ્રોફેસર ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજ્જરના અધ્યક્ષપણા નીચે વડોદરા રાજ્યે સ્થાપેલા કલાભવનમાં મણિભાઈ વાઈસ પ્રિન્સિપાલ નિમાયા અને તેના અંગની ટ્રેનિંગ સ્કૂલના મુખ્ય અધ્યાપક થયા. પ્રો. ગજ્જર જોકે ખાસ કરીને રસાયનશાસ્ત્રના પ્રોફેસર હતા છતાં તે પોતાના જમાનાના એક ઘણા જ આગળ પડતા વિચારક હતા અને સમકાલીન અગ્રેસર સાહિત્યકારોની મૈત્રીના મધ્યબિંદુરૂપ હતા. ગુજરાતે એ મહાન વ્યક્તિને ઓળખીને પૂરતું માન આપ્યું નથી. તેમની સાથે મણિભાઈને અહીં પરિચય શરૂ થયો અને તે અંત સુધી જેવો ને તેવો રહ્યો. વડોદરામાં ૧૮૯૮ સુધી મણિભાઈ રહ્યા. તેમનો રા. બ. રમણભાઈ તથા પ્રો. ઠાકોર સાથેનો અંગત પરિચય પણ આ દરમિયાન વધ્યા કર્યો છે. મણિભાઈની સાહિત્યપ્રવૃત્તિ પણ એવી જ વેગવંત રહેલી છે. ‘પ્રજાઓના ઇતિહાસ’ એ માલામાંની ‘ઇજીપ્ત’ એ ચોપડીનો અનુવાદ પ્રગટ કર્યો, ૧૮૯૩. બે વરસ પછી મણિભાઈનો મહાન ગ્રંથ ‘શિક્ષણનો ઇતિહાસ’ ‘સયાજી જ્ઞાનમંજૂષા’ની માલામાં પ્રગટ થયો. આનાથી તથા શિક્ષણકાર્યથી તેમને ગુજરાતી સાહિત્યમાં એક વિદ્વાન તરીકે ઉત્તમ પ્રતિષ્ઠા મળી. ૧૮૯૬માં પ્રો. ઠાકોર વડોદરામાં પ્રોફેસર તરીકે થોડા માસ રહ્યા હતા. તે સમયની મણિભાઈની કાવ્યપ્રવૃત્તિ વિશે તેઓ ખાનગી પત્રમાં લખે છે : ‘કામાઠી બાગમાં સવારે, સાંઝે, બપોરે, મધરાતે – ધૂન આવવી જોઈએ કે બસ ડંડો લેતાકને ચાલ્યા જાય, અને પાછાં ફરતાં જ જે કાંઈ રચાયું હોય તે કાગળ ઉપર ઉતારી લે.’ ૧૮૯૮માં તેમને વડોદરા છોડવું પડ્યું. પ્રો. ગજજર નીકળી ગયા તે પછી કલાભવનનું સ્વરૂપ બદલાયું. મણિભાઈને ઇન્સ્પેક્ટરના ગ્રેડમાં મૂકતા હતા; તે ગ્રેડ હલકો હોવાથી તેમણે વડોદરાની નોકરી છોડી અને ભાવનગર સ્ટેટમાં કેળવણી ખાતામાં નોકરી લીધી, ૧૮૯૮ નવેમ્બર. તેમના વડોદરાના જીવન વિશે શ્રી લાભશંકર ભટ્ટ લખે છે : ‘એ જીવનની ઘણી વાતો મુ. ભાભી પાસેથી તેમજ બીજાંઓ પાસેથી જાણી છે ત્યારે મને લાગ્યું છે કે મણિભાઈએ જો જીવનમાં સુખ ભોગવ્યું હોય તો તે વડોદરાના જ જીવનમાં. બુદ્ધિવિષયક આનંદને પણ તેમણે ત્યાં જ ભોગવ્યો. ભાવનગર આવ્યા પછીથી એમનાથી નથી એ શિક્ષણશાસ્ત્રની આલોચના થઈ શકી કે નથી એ બુદ્ધિવિષયક આનંદો ભોગવાયા.’૧૦[3] આ માનસિક ફેરફાર થવાનાં અનેક કારણો છે. તેમાં મણિભાઈની ધાર્મિક માન્યતામાં થયેલા ફેરફારો અને તેથી નિકટમાં નિકટનાં સ્વજનોમાં થયેલો ક્ષોભ એ મુખ્ય છે. મણિભાઈનું જીવન સમજવાને એ સમજવું જોઈએ કે તેમનું હૃદય વેગીલું, આવેશમય, કોમલ, વિશાળ, સમસ્ત જનતા સાથે સમભાવ રાખનારું, ગંભીર, દુનિયાના ઉપર-ઉપર દેખાતા ચળકાટથી મોહ ન પામતાં ઊંડાં ઊતરી તલસ્પર્શ કરનારું અને તેથી સત્યાન્વેષણમાં મચી રહેલું હતું. આવા હૃદયને જગતનો અન્યાય, અવ્યવસ્થા, જગતની યોજનાની વિષમતા અસહ્ય લાગે એ સ્વાભાવિક છે. આવાં હૃદયો ખોજનો સતત અંતસ્તાપ તપ્યા કરે છે. સાધારણ માણસને તો આ તાપનો અનુભવ જ હોતો નથી, અને હોય તો તે સહી પણ ન શકે. પણ મણિભાઈને આ સર્વ તાપમાં એક ઊંડું સાંત્વન હતું – તેમનાં પત્નીનો પ્રેમ અને પ્રભાવ. ‘મણિભાઈનું પહેલું લગ્ન નાની ઉંમરે થયું હતું અને સાથે-સાથે મોટાં થતાં પતિ-પત્નીમાં કેટલીક વાર અવર્ણનીય સુંદર મેળ જામે છે તેમ મણિશંકર નર્મદાના જોડાને બન્યું હતું. નર્મદા સુંદર, હસમુખી, લહેરી, ઘરકામમાં કુશળ, ચકોર, તેજસ્વી, સાહસિક, હઠીલી માનિની હતી. ઢીંગલા-ઢીંગલી ગંઠાય એવી રીતના લગ્નમાંથી આવી લાયક પ્રતાપી સહચરી મળી ગઈ એ મણિભાઈનું મોટું સદ્‌ભાગ્ય હતું.’૧૧[4] તેમણે તેમના જીવન ઉપર વિરલ અધિકાર અને તેથી તેમનાં કાવ્યોમાં ઉચ્ચ સ્થાન મેળવ્યું હતું. ‘કલ્પના અને કસ્તૂરીમૃગ’માં

મુજ નયનની સાથે યોગ્ય જોડું રચાય,
ખબર નહિ પડે ને કીકીઓથી નચાય !!

હૈયાના હોજમાંથી આ શું પાણી છલકાય છે?
પ્રેમ છે એ નહીં બીજું, પ્રતીતિ એમ થાય છે.

– વગેરે વર્ણન છે તે નર્મદાનું જ અપ્સરારૂપે વર્ણન છે. સુંદર પાસા પાડેલા હીરા જેવું ‘ઉદ્‌ગાર’ કાવ્ય પણ આ નર્મદાને માટે લખાયેલું અને ‘રતિને પ્રાર્થના’માં રતિનું કરેલું વર્ણન :

મૃદુ મદભર્યાં ગાત્રો તારાં તજી ન શકું કદા,
વિરલ કચથી આચ્છાદીને પ્રસન્ન રહું સદા,
નયન નમણાં, ગ્રીવા ધોળી, લલાટ સુહામણું,
અવિરત ફરી ચુંબી ચુંબી કૃતાર્થ નહીં ગણું!

પણ એમનું જ છે. પણ આવાં પત્ની હોવાનું મણિભાઈનું જેમ સદ્‌ભાગ્ય મોટું તેમ વડોદરે નોકરી થઈ તે પછી થોડા વખતમાં જ એ મરી ગયાં એ એમનું દુર્ભાગ્ય પણ એવડું જ મોટું. જીવનભર એ ‘અન્તગૂઢ ઘનવ્યથા’ શમવા પામી નથી. આ દર્દમાંથી ઘણાં કાવ્યો ઉદ્‌ભવ્યાં છે. ‘પ્રમાદી નાવિક’માં કવિ પ્રિયાની પાછળ દરિયામાં પડી આપઘાત કરે છે, તેવી આપઘાત કરવાની અને સંન્યાસી થવાની વૃત્તિ તેમને વારંવાર થઈ આવતી આ તીવ્ર ઉદ્વેગ ‘વિધુર કુરંગ’માં પણ પ્રતીત થાય છે.

કદી સ્મરણ આવતાં રુધિરનીર નેત્રે ઝરે,
દયા સ્વજનને થતાં વદન પાસ પાણી ધરે;
નહીં સ્વજન તે : સખી! સ્વજન એકલી તું હતી,
સહસ્રશત શલ્યમાં હૃદયની પથારી થતી.

‘વિપ્રયોગ’માં કહ્યું છે

.

અંત સુધી મારે રોવાની
દારા એની એ
(ટિપ્પણ પૃ. ૨૦૯ જુઓ)

તેમ અંત સુધી આ નર્મદા માટેના કાવ્યમાં રુદન હતું અને રુદનમાં કાવ્ય હતું. ‘ગાન વિમાન’ અને ‘ચંદાને સંબોધન’ પણ એમને જ ઉદ્દેશીને લખાયેલું. એ ‘ગાન વિમાન’નો કલહંસ તે આ પ્રથમ નર્મદાનો પુત્ર ચિ. પ્રાણલાલ જે થોડા વરસ રહી ૧૮૯૯માં મૃત્યુ પામ્યો. ‘વિધુર કુરંગ’માં એનો જ શાવરૂપે ઉલ્લેખ છે. આવી સ્થિતિમાં, પ્રો. બલવંતરાય ઠાકોર માત્ર તેમના સાહિત્યમિત્ર નહોતા. ઉપર અવતરણ કરેલી ‘વિધુર કુરંગ’ની પંક્તિઓના સ્વજન પણ હતા. ‘પરંતુ’ પ્રો. ઠાકોર કહે છે – ‘પરંતુ ખરાં સ્વજન તો મારી બા નીવડ્યાં. મણિભાઈએ રાજકોટ આવીને એક બે દિવસમાં આ કવિતા લખી. મારાં બા જેટલી વાર એ વાંચે તેટલી વાર એમને રોવું આવે. મણિશંકર પણ રોજ એક બે વાર નર્મદાને સંભારીને રુએ. પછી એ જવા તૈયાર થયા ત્યારે મારાં બાએ સમ દીધા. ‘જવું હોય તો અહીંથી સીધા એક ઠેકાણે જાઓ, બીજે કશે જાઓ તો મારા સમ.’ થોડી હકીકત મારાથી જાણે, એટલે એમણે મણિશંકરને પ્રથમ વચનથી બાંધી લીધા અને પછી તે ઠેકાણું એમને જણાવ્યું, – ‘જામનગર, શંકરલાલ માસ્તરને ત્યાં.’ મણિશંકર પણ એ જ ઝમાનાના માણસ તે જમનાબાને વડીલ ગણીને એમનો બોલ પાળ્યો, અને બન્યું પણ એમ કે મણિશંકર નવો સંબંધ લગભગ બાંધીને જ પાછા ફર્યા.’૧૨[5] ૧૮૯૨માં તેમનું બીજું લગ્ન થયું. તેમનાં બીજાં પત્નીનું નામ પણ નર્મદા હતું. તેમને નાની પણ કહેતા. ‘મુગ્ધાને સંબોધન’ એ ‘નાની’ નામથી થયું છે. ‘પ્રિયાને પ્રાર્થના’ પણ તેમને ઉદ્દેશીને જ લખાયું છે. આ રીતે મણિભાઈનું સ્નેહાળ અંતઃકરણ સરલતાથી નવી દિશાએ વળ્યું પણ જૂનો સ્નેહ ભુલાય એવો છીછરો નહોતો. અને એ જખમ આખી જિંદગી કદી રુઝાયો નથી. એ નર્મદાના મૃત્યુ પછી વીસ એકવીસ વરસે જૂની કવિતાઓ તપાસતાં ‘નયન નમણાં, ગ્રીવા ધોળી, લલાટ સુહામણું’ એ પંક્તિઓ વાંચતાં ‘તેમની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં અને અમે જેઓ તેમની પાસે બેઠા હતા અને નર્મદાને કદી નહિ જોયેલાં, તેમને મોઢે તેમના સૌંદર્યનું અને તેમના સદ્‌ગુણોનું વર્ણન કરવા લાગ્યા; જાણે હજી તેમનો વિયોગ ગઈ કાલે જ થયો હોય!’૧૩[6] મણિભાઈના બચપણના ધર્મસંસ્કારો એક સંસ્કારી ઉચ્ચ બ્રાહ્મણજ્ઞાતિના કુટુંબના હતા. તેમ છતાં સ્વતંત્ર નિર્ણય કરવાની વયે આપણે પ્રથમ તેમને નાસ્તિક નહિ તો અજ્ઞેયવાદી જોઈએ છીએ. તેમનાં કાવ્યો અને તેમના પત્રો આ હકીકત સ્પષ્ટ દર્શાવે છે. શ્રીયુત નરસિંહરાવે મણિભાઈ વિશેના સ્મરણાંકમાં કંઈક આવી હકીકત નોંધી છે.૧૪ આ અનાસ્થા જડ ઔદાસીન્યની નહોતી પણ સતત ખોજ કરનારની અતૃપ્તિની હતી. ફિલસૂફીના અભ્યાસથી તેમની ખોજમાં ઊંડાણ, ચિંતન અને તર્કશીલતા આવ્યાં હશે. તેમની ધર્મજિજ્ઞાસા પહેલેથી જ તીવ્ર હતી પણ તેમના લાગણીવાળા સૌંદર્યપરીક્ષક અને તલસ્પર્શી અંતઃકરણને કોઈ પણ ધર્મસંપ્રદાય ચાલુ સ્વરૂપમાં ગ્રાહ્ય ન લાગ્યો. પ્રથમ પત્ની નર્મદાના અવસાનના મર્મવેધી શોકથી એક તરફથી મનોબળ વિહ્‌વલ થતી ગઈ. વળી શિક્ષણના ઇતિહાસ જેવો મહાન ગ્રંથ લખવાનો થાક પણ લાગેલો.૧૫ અધૂરામાં પૂરું વડોદરાની નોકરીની ચિંતા ઉત્પન્ન થઈ. ‘વડોદરા છોડવું પડશે એમ લાગે. એલએલ. બી. થઈને વકીલ તરીકે નવો આરંભ કરીશ એમ કહેતા તથાપિ હૃદયનાં ઊંડાણોમાં એમ પાર ઊતરવા વિશે પૂરેપૂરી અશ્રદ્ધા લાગે અને બીજું શું કરવું તે ન સૂઝે એવી દશા અને ગ્લાનિ તેમને ૧૮૯૩થી થયા કરતી.’૧૬ આ ગ્લાનિ ‘મિત્રને નિવેદન’ અને ‘વત્સલનાં નયનો’માં પ્રગટ થઈ છે. મણિભાઈને ઘણા લાંબા વખતથી બાઈબલનું વાચન અને સેવન હતું. ૧૮૯૭ના અરસામાં સ્વીડનબોર્ગના સંપ્રદાયનાં પુસ્તકો વાંચવામાં આવ્યાં અને એકદમ તેમનું સમસ્ત મન તે તરફ ઘણા વેગથી ધસ્યું. તેમનામાં સત્યાન્વેષક વૃત્તિ હતી પણ એ વૃત્તિને માટે જે વિવેક અને અંકુશ જોઈએ તે તાત્કાલિક રુચિના વેગમાં ઘણી વાર ઘસડાઈ જતો એવો તેમનો સ્વભાવ હતો. લાંબા અભ્યાસથી જેમનું સાંભળવાની તેમને ટેવ હતી તે નર્મદાને વિધિએ ખસેડી લીધાં હતાં. પ્રો. ઠાકોર અજમેર હતા અને તેમની હાજરી જે કંઈ અસર કરી શકે તે અલભ્ય હતી. બીજા કોઈ સ્વજનોનું, મિત્રોનું. હિતસ્વીઓનું, મણિભાઈએ માન્યું નહિ તે નહિ જ. એ નહિ માનવામાં પણ આપણે તેમના મનની સત્યપ્રિયતા, ઉદાત્તતા, નિર્ભયતા જોઈ શકીએ છીએ. પોતાને ‘પરમ સત્ય મળ્યું છે.’ ‘સ્વીડનબોર્ગ કહે છે કે જીસસ ક્રાઈસ્ટ વગર સ્વર્ગનો બીજો કોઈ ઈશ્વર નથી,’ એવી એમની દૃઢ પ્રતીતિ હતી. ‘હું કાંઈ અભિમાનથી આમ કહેતો નથી પણ મને જે મળ્યું છે તે જણાવું છું. એટલે બેધડક કહું છું કે મારે જે વાતો કહેવાની છે તે ઈશ્વરી છે. દેશના લોકો જો સાંભળશે તો તેમનું કલ્યાણ થશે.’ તેઓ જાણતા હતા કે આ તેમના કાર્યથી તેમને ઘણું સહન કરવું પડશે પણ તે તેઓ સત્યની ખાતર સહન કરવા તૈયાર હતા. અને સહન કરવામાં પણ ‘જ્ઞાતિનાં મનુષ્યો મને મૂર્ખ, દુષ્ટ, દીવાનો વગેરે ઉપનામો આપશે એ હું જાણું છું. તે પણ હું સહન કરીશ; પણ જેથી મને અતિશય ખેદ થાય છે તે તો એ છે કે મારા બધા સ્નેહીઓ અને મિત્રો પણ મારો ત્યાગ કરશે.’૧૭[7] મહાનુભાવ અંતઃકરણોનાં દુઃખો પણ અસાધારણ છે. ચારુદત્તને અનેક વિપત્તિમાં દુઃખ એ જ લાગતું હતું.

यत् सौहृदादपि जनाः शिथिलीभवन्ति ।૧૮[8]

મનનો આ વેગ કોઈથી અટકાવાયો નહિ. ૭-૪-૯૮ના પત્રમાં લખે છે કે ‘મેં ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો છે.’૧૯[9] ૧૭-૬-૯૮ના પત્રમાં લખે છે કે ‘મેં બ્રાહ્મણનું ચિહ્ન ઉપનયન દૂર કીધું છે. અને થોડા વખત પછી હું જાહેર રીતે ક્રિશ્ચિયન મંડળીમાં પ્રવેશ કરીશ.’૨૦[10] ૨-૩-૧૯૦૦ના પત્રમાં લખે છે કે ‘સૌ. નર્મદા મને ‘પવિત્ર ભોજન’ ન લેવાને આગ્રહ કરે છે.’ અને ૨૬-૩-૧૯૦૦માં લખે છે કે ‘મેં ગઈ કાલે ‘સ્વામીના ભોજન’માં ભાગ લીધો છે.’૨૧[11] આ અને આ પછીનાં ઘણાં વરસો મણિભાઈને તીવ્ર ઉદ્વેગ અને મંથનમાં ગયાં. એક તરફથી સ્વીડનબોર્ગનો શબ્દેશબ્દ ખરો છે માટે તેને અનુકૂળ જ સમસ્ત જીવન ઘડવું એમ થાય. એ એક જ આ સંસારમાં ખરું સત્ય છે અને સ્વર્ગના સ્નેહજીવનનો પંથ છે માટે એ લાભ પોતાનાં સ્વજનોને પણ મળે એવી તીવ્ર અભિલાષા, તો બીજી તરફથી સ્વજનો તે સ્વીકારતાં નથી તેની નિરાશા, એટલું જ નહિ પણ પોતાના આચરણથી તેમને દુઃખ થાય છે એ દર્દ. જેમના સુખનો માત્ર પોતે જ આધાર છે, જેઓ પોતા પાસેથી સર્વ સુખની અપેક્ષા રાખે છે, તેમના દુઃખનું પોતે નિમિત્ત થાય છે એ પશ્ચાત્તાપ. જ્ઞાતિજનો, મિત્રો વગેરેના સ્નેહનું વૈપરીત્ય. તેમના હિતસ્વીઓએ તેમના હિતને માટે જ લીધેલાં પગલાં પણ તે મણિભાઈ ઉપર તો જુલમનાં જ ગણાય એવાં. સૌથી વધારે અસહ્ય તો તેમને પોતાનાં પત્નીથી, પોતાના કુટુંબથી અને વહાલાં પુસ્તકોથી પણ વિયોગમાં રહેવું પડ્યું એ. પ્રો. બલવંતરાય સાથેની જીવનમૈત્રી પણ તૂટી. સત્યનો માર્ગ જનતાને બતાવવો એ જ જીવનનો ખરો ઉદ્દેશ લાગે પણ જનતા નથી જ સાંભળવાની એવી ખાતરી થતી જાય. સમસ્ત જીવનમાં પોતે એકલા, હેતુ વિનાના, થઈ ગયા લાગે. ‘કેટલાક માણસો સ્વભાવથી જ તત્ત્વચિંતનમાં નિરાશાવાદી અને હદપાર લાગણીવાળા હોય છે. પ્રેમ કરવો અને અન્યના પ્રેમપાત્ર થવું એ તેમના ઉત્સાહના નિર્વાહ માટે આવશ્યક હોય છે. આસપાસના માણસોનો તેમના પ્રત્યે જોઈએ તેટલો પ્રેમ નથી હોતો એ કારણથી તેમની ખિન્નતા ઉદ્‌ભવે છે.’ મણિભાઈ, એક પત્રમાં૨૨[12] લખે છે તેમ, આવા પ્રકારના માણસ હતા. આ ધર્માંતરના ક્ષોભથી તેમના સર્વ પ્રેમતંતુઓ વિષમ ખેંચતાણોમાં છિન્નભિન્ન થઈ ગયા. આખું જીવન જાણે અંધકારમય ગ્લાનિના ગર્તમાં તેમણે ગાળ્યું. જે જીવનની આશા રાખેલી, તેનો અનુભવ ન થાય; નહિ ધારેલી એવી હૃદયમાં દુર્બલતાઓ જણાય; પહેલાંની અદૃઢતા દોષોથી વધી છે, હૃદય વિકસિત થવાને બદલે સંકુચિત થયેલું છે એવું આત્મપરીક્ષણ ઊતરે. સ્વામીએ આપેલી સર્વ સામગ્રી લૂંટાઈ ગઈ, યૌવન ગયું, નવું યૌવન મળ્યું નહિ, એમ થાય. હૃદય ઉત્સાહશૂન્ય અને શીત થતું લાગે; શક્તિઓના અનુપયોગની, અપ્રવૃત્તિની વેદના, નિરાશા, નિર્વેદ, કર્તવ્યમાં વ્યામોહ, બધાથી જીવન અસહ્ય થઈ પડે. કોઈ વાર વળી આવેશ કે ઉત્સાહનો જુવાળ આવે પણ તે એવો કે તેથી બુદ્ધિને ફેર ચડે, જૂના સંબંધતંતુઓ તણાય, તૂટે. એક પત્રમાં૨૩ [13]પોતે લખે છે તેમ ‘પ્રકૃતિ ઠામ ન’ રહે, સ્નેહીઓ પ્રતિ અનુચિત, અઘટિત કહેવાઈ જાય અને પછી એ જુવાળના પ્રત્યાઘાતરૂપે જ ઓટ આવે, તેની નિર્બળતામાં પશ્ચાત્તાપ વધારો કરે. કાન્તમાલામાં છપાયેલા પત્રોમાં હૃદયનો આ ઇતિહાસ પારદર્શક રીતે લખાયો છે. આ સ્થિતિમાં પહેલાં કરેલા અનેક નિશ્ચયો પણ ફેરવવા પડ્યા. ઉપનયન તોડેલું, બાપ્તિસ્મા લીધેલું પણ પછી લાગ્યું કે કુટુંબજનોના સંબંધ વિના પોતે રહી શકે એમ નથી. જ્ઞાતિબંધન તોડનારના સમવાયમાં પત્ની અને બાળકોને પરાણે દાખલ કરવાં એ પાપ જેવું છે, બાપ્તિસ્મા લીધું એ ભૂલ છે, તે કરતાં આર્યમંડળમાં રહીને જ સત્યનો પ્રવેશ કરાવવો એ વધારે શક્ય અને ડહાપણભરેલું છે. પ્રાયશ્ચિત્ત કરી નાતમાં ગયા અને પત્નીની ઇચ્છાને અનુકૂળ થઈ પાછો જ્ઞાતિસંબંધ શરૂ કર્યો. ધર્મજિજ્ઞાસાથી ઇસ્લામ અને શીખ ધર્મનો અભ્યાસ કર્યો અને આર્યસમાજમાં તો ભળ્યા પણ ખરા. પણ આ સઘળા ફેરફારોમાં ખ્રિસ્તી ધર્મ ઉપરની તેમની શ્રદ્ધા ચલિત થઈ નહોતી. સ્વીડનબોર્ગે કહેલું કે પ્રાચીન શબ્દ તાર્તરીમાં સચવાઈ રહ્યો છે તે ઉપરથી એ શબ્દ તે જ ઋગ્વેદ એવો તર્ક આવ્યો અને તર્ક ખરો સાબિત કરવા અથાગ પ્રયત્ન કર્યો. સ્વીડનબોર્ગના મતપ્રચાર માટે ‘હાર્ટ ઑફ ઇન્ડિયા’ શરૂ કર્યું. પણ છેવટ કબૂલ કર્યું કે ઋગ્વેદ વિશેનો તર્ક અનુપપન્ન હતો. પ્રો. ઠાકોર કહે છે કે ત્યારથી ખ્રિરતી ધર્મ માટેની તેમની ઉષ્માની માત્રા ઘટી અથવા તેમનું વાર્ધક્ય શરૂ થયું ગણવું જોઈએ૨૪[14] એ હશે, પણ અંત સુધી તેમની શ્રદ્ધા ખ્રિસ્તી ધર્મ ઉપરથી ખસી જણાતી નથી. આ અરસામાં જ્યારે જૂના સ્નેહીઓનો સંબંધ અસ્તવ્યસ્ત થઈ ગયો ત્યારે પણ તેમનું સ્નેહાળ અંતઃકરણ બીજાં પાત્રો મેળવી શકેલું. તેમાં પ્રથમ રાજવી કવિ કલાપીને ગણવા જોઈએ. ખ્રિસ્તી સંપ્રદાય તરફ મણિશંકરનું ચિત્ત આકર્ષાયું ત્યારથી એટલે ૧૮૯૭થી બંનેનો સંબંધ શરૂ થયો અને તે કલાપીના મરણ પર્યંત પહોંચ્યો. પહેલે જ પરિચયે બંનેને જાણે ઘણો જૂનો સંબંધ હોય એમ લાગેલું. બંને વચ્ચે ધર્મ અને કાવ્ય સંબંધી ચર્ચાના પુષ્કળ પત્રો લખાયા છે. ૧૮૯૭માં ‘અજ્ઞાન સખા પ્રતિ’ કલાપીના એક પત્રના પ્રત્યુત્તરમાં લખાયું છે. પણ કલાપીની ખાસ અસર મણિભાઈના સાહિત્યજીવન ઉપર થઈ લાગતી નથી. બંનેની ઉંમર અને બંનેનો સંબંધ જોતાં પણ વિશેષ અસર કાન્તની કલાપી ઉપર થયેલી જણાય છે. કલાપીના મૃત્યુ બાદ મણિભાઈએ ‘કલાપીનો કેકારવ’ અને ‘હમીર કાવ્ય’ પ્રકટ કરી મિત્ર તરફનું બંધુકૃત્ય કર્યું. કેકારવમાં કરેલું ‘કલાપીને સંબોધન’ તેમને માટેની મણિભાઈની લાગણીને વ્યક્ત કરે છે. બીજો આવો સંબંધ કવિ નાનાલાલ સાથેનો. બંને એકબીજાનાં કાવ્યોથી પ્રથમ એકબીજાનું ઓળખાણ કરવા ઉત્સુક થયેલા, પત્રવ્યવહાર પણ શરૂ થયેલો પણ મેળાપ સૌથી પ્રથમ પ્રો. ગજ્જરને ત્યાં મુંબઈમાં થયો. તે પછી બંનેની વચ્ચે મૈત્રી જોતજોતામાં ગાઢ થઈ ગઈ. બંને વચ્ચે થોડાં વરસો અવિચ્છિન્ન પત્રવ્યવહાર ચાલ્યો. કવિ પોતાનાં કાવ્યોની નકલો વખતોવખત મણિભાઈને મોકલતા રહે, મણિભાઈ તે પર ટીકા કરે, કવિ સુધારાવધારા કરે, વળી ચર્ચા થાય એમ ચાલ્યા કરે. કૌટુંબિક આપત્તિમાં પણ એકબીજાએ એકબીજાને મદદ કરેલી અને ‘મહેમાનોને સંબોધન’ સૌથી પ્રથમ કવિના કુટુંબને થયું હતું. બંનેને પછીથી કંઈક ઉચક મન થયેલું. પત્રવ્યવહાર બંધ પડેલો, પણ કદી ખાસ વિખવાદ થયો જાણમાં નથી. ઠેઠ સુધી એવો ને એવો સંબંધ રહેલો, તે હાલ માસ્તર તરીકે સુપ્રસિદ્ધ શ્રી કરુણાશંકર અને તેમના મિત્ર શિવાભાઈ સાથે. આ સંબંધ શરૂ થયેલો વડોદરામાં. બંને મણિભાઈના પ્રિય શિષ્યો હતા અને પછીથી એ જ ભાવે રહેલા. શ્રી શિવાભાઈ તો તેમના નવા સંપ્રદાયમાં પણ જોડાયા હતા. આ સંબંધને મણિભાઈના સાહિત્યજીવન સાથે બહુ સંબંધ ન કહી શકાય પણ એટલું તો કહેવું જોઈએ કે મણિભાઈના પ્રેમભૂખ્યા હૃદયને આ બંનેનાં શ્રદ્ધા, આદર, પ્રેમથી અનન્ય સાંત્વન અને આશ્વાસન મળતું. આ લાંબા અરસામાં સાહિત્ય કાંઈ છેક બંધ પડ્યું નથી. ખ્રિસ્તી ધર્મની અસર શરૂ થઈ તે ૧૮૯૬–૯૭નાં બે વરસોમાં ટૂંકા-ટૂંકા ગેય ઊર્મિકાવ્યો અનેક ઉદ્‌ભવ્યાં છે. પણ પછી અવ્યવસ્થા અને દર્દના સમયમાં કાવ્યસ્રોત ઓસરી ગયું છે. કાવ્યના ‘મસ્ત ધોધવા’ને બદલે ‘શાંત સદાશિવ નીર’ વહેવા માંડે છે. આ સમયનાં ઘણાંખરાં કાવ્યો ઈશ્વરપ્રાર્થનાનાં, પશ્ચાત્તાપનાં, ધર્મથી ઉદય પામતી આશાનાં છે. કેટલાંક અપવાદરૂપ છે. આમાં તેમનાં પત્ની સૌ. નર્મદા (નાની)ને ઉદ્દેશેલાં કાવ્યો મહત્ત્વનાં છે. ‘પ્રિયાને પ્રાર્થના’ અને ‘મુગ્ધાને સંબોધન એમને ઉદ્દેશેલાં હતાં તે આપણે જોઈ ગયા છીએ. તે પછી ‘રજાની માગણી’, ‘પુરાની પ્રીત’ અને ‘વત્સલનાં નયનો’માં પણ તેઓ જ કાવ્યનો વિષય છે. તેમના જીવન દરમિયાન તેમને છેલ્લું ઉદ્દેશેલું કાવ્ય ‘મનોહર મૂર્તિ.’ ૧૯૧૮માં એ ગુજરી ગયાં. મણિભાઈના હૃદય ઉપર ફરી વજ્રપાત ઊતર્યો. આ સમયના એક પત્રમાં તેઓ લખે છે : ‘ગમે તે કામ કરતો હોઉ ત્યાં દિલમાં વારંવાર ચરચરાટી થઈ આવે છે, અને ફટાકાની વાટ બળી જાય તેટલી ઝડપથી બળતરા થઈ જાય છે.૨૫[15] મહિના પછી લખે છે : ‘કવિતાનો પ્રવાહ શરૂ થાય તો સારી શાંતિ મળે. હાલ તો તે માટે જોઈએ તે કરતાં વધારે ક્ષોભ છે.’૨૬[16] છેવટે એ પ્રવાહ શરૂ થાય છે અને તેમાંથી ‘આપણી રાત’ જન્મે છે. ૧૮૯૮થી ભાવનગર સ્ટેટમાં તેમણે નોકરી લીધી ત્યારથી ત્યાં જ રહ્યા. ૧૯૨૨માં તેઓ પેન્શન લઈ નિવૃત્ત થયા અને કાશ્મીરની યાત્રાએ નીકળ્યા. તેમને મુસાફરી કરવાનો અને કુદરતમાં અને જનતામાં બંધનરહિત થઈ વિહરવાનો ઘણો શોખ હતો. આ પહેલાં પણ નર્મદાની ઉપરવાસ થઈ કાશી સુધી તેઓ યાત્રા કરી આવેલા,૨૭[17] બાવાઓને મળેલા, પ્રવચનો કરેલાં અને ખૂબ ઉત્સાહથી ફરેલા; જોકે તેથી, શંકા સિવાય કશું નહિ સમજનાર સરકારને વહેમ આવેલો અને તેમની સ્ટેટની નોકરી જોખમમાં આવી પડેલી આ યાત્રાથી પણ તેમનામાં ઉત્સાહ આવતો હતો. પણ ત્યાં માંદા પડ્યા અને પાછા ફરતાં રાવળપિંડીથી લાહોર આવતી મેલટ્રેનમાં ૧૬મી જૂનના રોજ તેમનો દેહ પડ્યો. તે જ દિવસે અમદાવાદમાં ‘પૂર્વાલાપ’ની પહેલી આવૃત્તિ બહાર પડી – ક્ષર દેહ નાશ પામ્યો અને અક્ષરદેહે તેઓ અમર થયા. આ પહેલાં ઘણી વાર પોતાનો કાવ્યસંગ્રહ છપાવવાની તેમને ઇચ્છા થયેલી પણ કોઈ ને કોઈ કારણથી કામ અટકી પડતું. ૨૧-૫-૦૯ના પત્રમાં૨૮[18] લખે છે : “મારાં કાવ્યો પ્રસિદ્ધિ માટે તૈયાર કરું છું. ‘પૂર્વાલાપ’ નામ આપવા ધાર્યું છે.” એ વરસમાં ‘પૂર્વાલાપ’માં શરૂઆતમાં મૂકવાની ‘ઈશ્વરપ્રાર્થના’ લખાઈ અને કાવ્યો ભેગાં કરવા માંડ્યાં. ‘પૂર્વાલાપ’માં બહાર પડ્યું છે તે ઉપરાંત મણિભાઈએ કેટલુંક કાવ્યસાહિત્ય લખેલું હતું. પણ ડૅન્ટી વાંચ્યો ત્યારે તેમને પોતાનાં કાવ્યો જોડકણાં જેવાં લાગ્યાં અને પાંચસો સાતસો લીટીનો નાશ કર્યો. આ નાશ કરેલી કવિતામાંથી ‘રમા‘ પ્રો. ઠાકોર પાસેથી મળી તે ‘પૂર્વાલાપ’માં પ્રકટ થઈ છે. આમ કેટલુંક સાહિત્ય મળી શક્યું. ઘણુંખરું તેમણે સ્મરણમાંથી જ ફરી લખ્યું.૨૯[19] તેમનું સ્મરણબળ ઘણું સારું હતું, તોપણ કેટલુંક ફરી ન આવી શક્યું. તેમાંથી જે કાંઈ જૂના કાગળોમાંથી મળી આવ્યું તે ‘પૂર્વાલાપ’ના પરિશિષ્ટ રૂપે મૂકેલ છે. તે પછી ૧૯૧૯માં પાછો સંગ્રહ બહાર પાડવા વિચાર કરે છે. તે વખતે ‘કાન્તકાવ્યકલાપ’ નામ રાખવાની યોજના જણાય છે અને તેમાં ‘પૂર્વાલાપ’ અને ‘ઉત્તરાલાપ’ એ પ્રમાણે બે ભાગ થવાનું જણાવે છે.૩૦[20] એ વખતે પણ કશું પ્રગટ ન થયું. આ સિવાય ૧૯૧૧માં મણિભાઈના શિષ્યોએ ‘પ્રાર્થનાઓ’ જ સંગ્રહીને ‘શિષ્યોના ઉપયોગ માટે’ છાપવાનો વિચાર કર્યો હતો : તેમાં કઈ પ્રાર્થના લેવી અને કઈ ન લેવી તે સંબંધી ચર્ચાના કાગળો છે પણ તેનું પણ કશું પરિણામ ન આવ્યું. ‘પૂર્વાલાપ’ નામ શાથી પડ્યું એ સંબંધી અનેક તર્કો થયા છે. કર્તાએ પોતે કશો ખુલાસો કર્યો નથી એટલે એ સંબંધી તર્કથી વિશેષ થઈ શકે તેમ નથી. એટલું તો ચોક્કસ કે કર્તાએ પોતે પોતાનાં કાવ્યોને પૂર્વ અને ઉત્તર એમ બે વિભાગમાં વહેંચવા ધારેલાં હતાં. આ રીતે એમના જીવન અને કાવ્યોને બે સમયમાં વહેંચી શકે એવું સીમાચિહ્ન ખ્રિસ્તી ધર્મનો અંગીકાર જ છે. ક્રાઈસ્ટના જીવન અને શબ્દના લાભથી જ તેઓ ડૅન્ટીને હોમર અને વિર્જિલથી વધારે મહત્ત્વનો ગણે છે.૩૧[21] તેમનાં કાવ્યો, પત્રો, સર્વમાં આ એક જ વસ્તુ પ્રતીત થાય છે. નવા ધર્મના અંગીકાર પછીનાં કાવ્યો ઘણાંખરાં એ ધર્મશ્રદ્ધાનાં જ છે. એટલું જ નહિ પણ એ શ્રદ્ધાથી અસંગત ભાવનાં જૂનાં કાવ્યો તેમણે ફેરફાર કરી નવી શ્રદ્ધાને અનુકૂળ કર્યાં છે (‘ચક્રવાકમિથુન’ અને ‘વિપ્રયોગ’ ઉપરનું ટિપ્પણ). માટે પૂર્વાલાપ એટલે આ નવા જ્ઞાનના પ્રાદુર્ભાવ પહેલાંનાં કાવ્યો એટલું ચોક્કસ. અને તેથી ઉત્તરાલાપ એટલે એ નવા ધર્મનાં મંતવ્યો જેમાં પ્રગટ થયાં હોય તે. ૧૮૯૭ પછીનાં પણ જે કાવ્યોને આ મંતવ્ય સાથે સંબંધ ન હોય તે પૂર્વાલાપમાં જ ગણાય. પણ પછીથી ‘કાન્તકાવ્યકલાપ’ને પૂર્વાલાપ અને ઉત્તરાલાપના વિભાગોમાં પ્રગટ કરવાનો વિચાર બંધ કર્યો એટલે ઉત્તરાલાપનાં પણ જે કાવ્યો આપણા જનસમાજને દુર્ગાહ્ય થાય એટલાં સાંપ્રદાયિક ન હોય તેનો પણ ‘પૂર્વાલાપ’માં સમાવેશ કર્યો છે એમ જણાય છે. આલાપ એટલે કાવ્ય એટલો સાદામાં સાદો અર્થ કરીએ તોપણ ચાલે. પણ પ્રો. ઠાકોર વધારે ઊંડા ઊતરીને કહે છે : ‘અને આ નામોમાં એ પણ ગર્ભિત ખરું કે બેય આલાપ માત્ર છે : ગાન શી વસ્તુ છે તે કર્તા જાણે છે; અને આ તો તે માટેની તૈયારી માત્ર છે, આ માનવ દેહે આ મર્ત્યલોકની સ્થિતિમાં થઈ શકે એવી; ખરું ગાન તો સ્વામીનો બંદો કરશે. સ્વામીનો હુકમ હશે તો સ્વામીના સાંનિધ્યમાં, સ્વામી જ્યારે તેને અહીંથી લઈને પોતાના સ્વર્ગમાં સ્થાપશે ત્યારે!’૩૨[22] કેટલાક સારા કવિઓની૩૩[23] પેઠે મણિશંકરને જુવાન વયથી જ સમજાયેલું કે કાવ્ય એ જ પોતાના જીવનનો ખરો માર્ગ છે. તેમણે ઘણી નાની વયથી કાવ્ય લખવાં શરૂ કરેલાં છે. દરેક કલાકાર પોતાનો માર્ગ પોતે જ નક્કી કરે છે પણ પોતાની શક્તિનો ખરેખર પરિચય ઘણાને મોડો થાય છે. પોતાની શક્તિને અનુકૂળ માર્ગ જડ્યા પહેલાં ઘણા અનુકરણો કરે છે, નિષ્ફળ પ્રયાસો કરે છે. મણિભાઈએ પણ દલપતરામની શૈલીના અનુકરણથી કાવ્યના શ્રી ગણેશાય કરેલા પણ તેમને પોતાની શક્તિની શ્રદ્ધા અને તેના વિશિષ્ટ સ્વરૂપનું ભાન, બીજાની સરખામણીમાં બહુ વહેલું થયું હતું એમ જણાય છે. ૧૮૮૯ના એક પત્રમાં એટલે બાવીસ વરસની ઉંમરે તેઓ લખે છે : ‘ખરા આવેશથી લખનાર માણસ બીજાના મત ઉપર બહુ આધાર કદી નથી રાખતો. મને મારા હૃદય ઉપર આસ્થા છે, અને હું અવશ્ય માનું છું કે મારું નામ ગુજરાતી સાક્ષરમંડળના ઇતિહાસમાંથી જલદી ભૂંસાઈ નહીં જાય. આ વૃત્તિ મને ઘણા દિવસની છે. ‘ઉભય મળી મને ખુશી કરો છો, પર પરવા શિદ અંતરે ધરો છો?’ એ વાક્ય મેં ઘણા દિવસ પહેલાં લખેલું છે. આ વૃત્તિને હું Confidence [વિશ્વાસ] કહું છું તે અભિમાનથી જુદી જ ચીજ છે. આત્મજ્ઞાનને કદાચ મળતી ગણી શકાય. મેં મારી ચોપડી ઉપર આ જ motto [સૂત્રવાક્ય) લખી રાખેલ છે કે

The field is universal and allows
Scope to all such as feel the inherent glow.
Lord Byron.’૩૪[24]

અને આ આત્મશ્રદ્ધા અજ્ઞાનની નહોતી. ગુજરાતીમાં કવિતા લખવી કેટલી અઘરી છે, – અત્યારે છે તે કરતાં તે વખતે લખવી અનેકગણી વધારે અઘરી હતી – તે તે સમજતા હતા. તેમણે સંસ્કૃત કાવ્યસાહિત્ય સારી પેઠે વાંચેલું જણાય છે. ગુજરાતી સાહિત્ય શું શું વાંચ્યું હશે તે જાણવા સાધન નથી પણ પ્રેમાનંદનાં ઉત્તમ કાવ્યો તો જરૂર વાંચ્યાં જણાય છે. તેમની સાહિત્યની જિજ્ઞાસા તીવ્ર હતી. પણ તેમની રસવૃત્તિ અને તેમના હૃદયના પ્રવર્તક સંસ્કારો અંગ્રેજી કાવ્યના છે. પ્રિન્સિપલ વડ્‌ર્ઝવર્થ જેવા ઉત્તમ અધ્યાપકના હાથ નીચે તેમણે અભ્યાસ કરેલો હતો. પાશ્ચાત્ય સંસ્કૃતિની નવીનતા, બલ, સજીવતાના પ્રબલ ધસારાનો એ સમય હતો. એ સંસ્કારો નીચે મણિભાઈની કાવ્યરસિકતા ઘડાઈ અને કેળવાઈ હતી. એ ઝીલેલા સંસ્કારોના નવા ભાવો તેઓ પોતાની ભાષામાં પહેલવહેલા જ મૂર્ત કરવા ઇચ્છતા હતા. અને તેમાં પણ તેમના કેટલાક ભાવો તો આપણા કાવ્યસાહિત્યમાં હજી પ્રથમ જ અવતરવા પ્રયત્ન કરતા હતા. આપણી ભાષા એ વખતે બિલકુલ કેળવાયેલી નહિ જ. આવા ભાવોને માટે તો નહિ જ, એમ કહીએ તો ચાલે. મણિભાઈ આ સર્વ મુશ્કેલીઓ બરાબર સમજતા હતા. ૧૮૯૧ના એક અંગ્રેજી પત્રમાં તેઓ લખે છે : ‘આ આપણી હજી બાલ્યાવસ્થા ચાલે છે. તેમાં કવિતા લખવી કેટલી તો મુશ્કેલ છે તે હું જાણું છું. હું પોતે છેક આશાહીન છું. મારું યત્કિંચિત્‌ લખાણ કશી આશા આપે એવું નથી, પણ અંગ્રેજી કવિતાનો અભ્યાસ જે આટઆટલો અવિશ્વાસ ઉપજાવે છે, તે કવિતાપરીક્ષણના કેટલાક અતિ કડક નિયમો પણ શીખવે છે. અને એ કસોટીએ તપાસી જોતાં ગુજરાતી કવિતાઓમાંથી બહુ જ થોડી મને સારી લાગે છે. ખરેખર, સંસ્કૃત કવિતાના પણ મોટા ભાગને કચરો જ ગણતો થયો છું, અને હું ધારું છું કે પ્રેમાનંદ કંઈ કવિ નહીં, માત્ર પદ્ય જોડનારો હતો એમ બહુ સહેલાઈથી સાબિત થઈ શકે.૩૫[25] ભાષાના વિકાસમાં તે સમયે આપણે કેવી સ્થિતિમાં હતા તે મણિભાઈ વિશેના જ બે દાખલાથી સમજાશે. તેમનું પ્રથમ પ્રસિદ્ધ થયેલું કાવ્ય ‘મારી કીસ્તી’ કીસ્તી શબ્દ નહિ સમજાયેલો હોવાથી ‘મારી કીરતી’ના મથાળાથી ‘બુદ્ધિપ્રકાશ’માં છપાયું હતું, અને નીચે ટીપ હતી કે નવીન લાગવાથી પ્રગટ કરી છે. ‘કિસ્તી’ને બદલે ‘કીરતી’ કરીને કાવ્ય છાપે તેને એ પ્રગટ કરવાને નવીનતા સિવાય બીજું કંઈ ન દેખાય એ સ્વાભાવિક છે. બીજો દાખલો તેમના મિત્ર પ્રો. ઠાકોર આપે છે : ‘એક દિવસ અમે સૌ બેઠા હતા ત્યાંથી ઊઠીને મણિશંકર જોડેના ઓરડામાં ગયા, સાંકળ વાસી દીધી અને પાએક કલાકમાં ‘ચક્રવાકમિથુન’ના બે શ્લોક, ૧૧મો અને ૧૨મો, નવા રચીને પાછા બહાર આવ્યા. અમે બીજાઓથી છૂટીને ફરવા ચાલ્યા ગયા, ત્યાં આ શ્લોક સંભળાવ્યા, અને કહે, હવે પછીના ચિત્રનો આરંભ મંદાક્રાન્તા વૃત્તમાં કરવાનો, અને તેમાં એક વાત નડે છે. હમણાં, હવે, now, next એ અર્થનો ગુજરાતીમાં એક બે ગુરુના માપનો શબ્દ જ નથી. મેં કહ્યું કેમ નહીં, હમણાં હવે એનું કવિતાયોગ્ય રૂપ ‘હાવાં.’ એમણે એ શબ્દ ઉથલાવી ઉથલાવીને ઉચ્ચારી જોયો, મંદાક્રાન્તાના ચાર ગુરુના ચોસલામાં આરંભે, મધ્યે અને અંતે ગોઠવી જોયો; પ્રથમ તો તેમને એ શબ્દનો સ્વાદ એરંડિયાના જેવો જ લાગ્યો. બે-ત્રણ દિવસ પછી એમણે શ્લોક ૧૩થી ૧૬ સંભળાવ્યા, ત્યારે મેં પૂછ્યું એરંડિયું ભાવ્યું કે શું – ઉપરાઉપર બે ચમચી લીધી? એ કહે, હું પુસ્તકાલયમાં જોઈ આવ્યો; સારા કવિઓએ વાપર્યો છે.’૩૬[26] અત્યારે ગમે તે શિખાઉ પણ કવિતામાં ‘હાવાં’ લખતાં જરા પણ અચકાશે નહિ. તેવા શબ્દો માટે તે દિવસોમાં પ્રમાણ શોધવાં પડતાં! ૧૪મે વર્ષે આપણે મણિશંકરને દલપતશૈલીનાં અનુકરણો કરતા જોઈએ છીએ. ૧૮૮૪માં રમણભાઈને આપેલી ગીતિમાં એની ગંધ પણ નથી. ૧૮૮૬નું ‘મારી કીસ્તી’ કાવ્ય નહિ સમજીને પણ નવીન તો ગણાયું. અને ૧૮૮૯માં ‘વસંતવિજય’ કાન્તની નવી જ શૈલીમાં પ્રગટ થયું. અને આ પહેલાંનાં મૃગતૃષ્ણા’, ‘રમા’ આદિ એ જ નવી શૈલીમાં તેમણે લખેલાં; અર્થાત્‌ ૧૯-૨૦ વર્ષની વયે આપણા સાહિત્યની એવી બાલ્યાવસ્થામાં તેમણે નવું જ પ્રસ્થાન કર્યું. ખંડકાવ્યમાં તેમણે સંસ્કૃત વૃત્તોનું વૈવિધ્ય દાખલ કર્યું. પ્રથમ તો કદાચ માત્ર રચનાવૈચિત્ર્ય માટે જ એમ કર્યું હશે પણ એક-બે અજમાયશ પછી કાવ્યમાં વારંવાર બદલાતા ભાવોને તેમાં અનુકૂળ રૂપ મળ્યું. આ રીતિ તરત જ સફળ થઈ, તે જ રીતિનું શ્રી નરસિંહરાવે ‘ઉત્તરા અને અભિમન્યુ’ લખ્યું. સદ્‌ગત નર્મદાશંકર પ્રભુરામ ભટ્ટે ‘શાપસંભ્રમ’ લખ્યું, કલાપીએ અનેક કાવ્યો એ શૈલીમાં લખ્યાં અને અત્યારે તો એ શૈલી સર્વત્ર પ્રચલિત છે. પણ હજી આ શૈલીમાં એમનું ‘વસંતવિજય’ જ અપૂર્વ સ્થાન ભોગવે છે. શૈલીની દૃષ્ટિએ કાન્તની વિશેષતાઓ અનેક છે. વ્યક્ત થવા મથતા નવા જમાનાના નવીન ભાવો નવા છંદો માગતા હતા અને તેને માફક આવે તેવાં પદ્યરચનાનાં સ્વરૂપો પણ યોજાતાં હતાં. કાન્તે આ વિષયમાં કરેલા બીજા પ્રયોગો પણ એટલા જ સફળ થયા છે. ખંડ શિખરિણી સૌથી પ્રથમ કાન્તે યોજ્યો. કોઈ સૌભાગ્યવતી લલનાને હૃદયે લટકતા પારદર્શક હીરા જેવું એ કાવ્ય છે. હીરાને હાથમાં લઈ આપણે ફેરવીને બધી બાજુ જોઈએ અને બધી બાજુ સુંદર પાસા પડેલા હોય, એક દોરાવા પણ ક્યાંઈ વધુ ઓછું ન હોય, તેવું એ કાવ્ય પણ, તેના ખંડોમાં, ખંડોના પ્રાસોમાં, તેની પંક્તિઓમાં, ચરણોની સંખ્યામાં, તેના ધ્વનિમાં અનવદ્ય છે. શબ્દો બધા જ પારદર્શક, જેની સોંસરાં અર્થ બરાબર જોઈ શકાય તેવા છે. ખંડ શિખરિણીનું પણ અનુકરણ શ્રી નાનાલાલ કવિએ અને શ્રી નરસિંહરાવે કરેલું છે અને અનુકરણો હોવાનો સ્વાભાવિક ગેરલાભ બાદ કરતાં પણ એક્કેય ‘ઉદ્‌ગાર’ની ઉપર મુકાય તેવું તો નથી જ. મરાઠી ભાષામાંથી જેમ સરલ-ગંભીર અભંગ ગુજરાતીમાં લાવવાનું માન સદ્‌ગત ભોળાનાથને છે તેમ સરલ-મધુર અંજનીગીત લાવવાનું માન મણિભાઈને છે. ‘વિપ્રયોગ’, ‘સ્થિતિભેદ’ વગેરે ગીતોનું સંગીત અને અર્થનો રણકાર જાણે ઘણી વાર સુધી મનમાંથી ખસતો નથી. એમનાં ગીતો ઉપરથી કલાપીએ અંજનીગીતો લખ્યાં છે તે સંબંધી તે કહે છે : “ ‘આકાશે એની એ તારા’ એ એક દિવસ કોણ જાણે હું કેટલી વખત બોલ્યો હઈશ અને બીજે જ દિવસે એ રાગમાં લખવા જેવી જ કેટલીક લાગણીઓ આવતાં મેં એવા કેટલાક કટકા લખ્યા છે.”૩૭[27] અને કાન્તનાં અંજનીગીતોનો એવો પ્રભાવ છે, કે કલાપીનાં કેટલાંય ગીતોમાં કાન્તનાં જ ગીતોનો રણકાર, શબ્દોનું અનુકરણ, અર્થની છાયા દેખાયા કરે છે. સળંગ વાક્યરચનાવાળો પૃથ્વી અને તોટક લખવામાં પણ તેઓ રસફળ થયા છે. જોકે એવાં બબ્બે કાવ્યો જ છે : પૃથ્વીમાં ‘પ્રમાદી નાવિક’ અને ‘વિધુર કુરંગ’ અને તોટકમાં ‘મિત્રને નિવેદન’ અને ‘વત્સલનાં નયનો’ અલબત્ત, તે સિવાય શિખરિણીમાં પણ સળંગ વાક્યરચના આવે છે. કાન્તની એક વિશેષતા તેના વાંચનારને સુપરિચિત છે – સંસ્કૃત શબ્દોમાં હ્રસ્વ દીર્ઘની છૂટ લેવાનો અસ્વીકાર. આપણી ભાષામાં કાવ્યમાં હ્રસ્વ દીર્ઘની છૂટ લેવાની પ્રથા ઘણા લાંબા સમયની છે. મરાઠીમાં પણ પ્રથમ આમ હતું પણ ત્યાંના લેખકોએ એ છૂટ ઓછી કરતાં કરતાં લગભગ બંધ કરી દીધી છે. પણ આપણા લેખકો તો એ નિર્વાહ્ય છૂટને પણ કવિતાનો હક ગણવા લાગ્યા છે. હમણાં જ માત્ર શ્રી કે. હ. ધ્રુવે આ છૂટ છોડી દેવાનો માર્ગ શરૂ કરેલો છે. આ સ્થિતિમાં પણ કાન્તે પ્રથમથી જ જાણે એ છૂટ ન લેવાનો સંકલ્પ કર્યો હોય એમ જણાય છે. તેમને એ છૂટનો જાણે તિરસ્કાર હોય એમ લાગે છે. અને આનું કારણ એ છે કે શબ્દના ઉચ્ચારનું માધુર્ય તેમનો કાન બરાબર પારખતો. જેમણે તેમને ભાષણ કરતા કે વાતચીત કરતા સાંભળ્યા હશે તેમણે જોયું હશે કે તેમના ઉચ્ચાર હંમેશાં અણિશુદ્ધ સ્પષ્ટ હતા. તેમાં પણ સંસ્કૃત શબ્દોના ઉચ્ચારોમાં જરા પણ પ્રમાદ તેમને અસહ્ય લાગતો. આ ઉચ્ચારસૌષ્ઠવની પરીક્ષાને લીધે – અને કાવ્ય શ્રાવ્ય છે એટલે અંશે એ જ મહત્ત્વનું છે – સંસ્કૃત શબ્દોને તેમનાં કાવ્યોમાં પ્રકૃતિવિરુદ્ધ હ્રસ્વ દીર્ઘ થવું પડતું નથી. શબ્દો – ગમે તેવા લાંબા સંસ્કૃત શબ્દો પણ, જાણે એમના કાવ્યમાં ત્યાં ત્યાં સ્થાન લેવા જન્મ્યા હોય એમ લાગે છે. જરા જોડાક્ષરનો થડકારો પણ ક્યાંઈ વ્યર્થ જતો નથી, ક્યાંઈ છોડી દેવો પડતો નથી. કોઈ જગાએ છૂટ લેવી પડે છે ત્યાં પણ તે ભાષાને અનુકૂળ જ હોય છે અને પણ કર્ણકટુ નથી લાગતી.

રે પ્હેલાં ન હતી કદી અનુભવી આવી ઉદાસીનતા,
દીઠી શું ન કઠોર! તેં કરુણ જે વ્યાપી મુખે દીનતા?
x
વર્ષોના સહવાસથી પણ અરે જાણ્યો નહીં તેં મને.
જાણે શા થકી યોગ્ય છે પ્રણયના શા તું ઉપાલંભને?
ઉપાલંભ
x
છે તારું જ તથાપિ : નિર્મલ નહીં, તોયે ખરું : રાખતું
વાત્સલ્ય પ્રતિબિંબ આત્મગહને રે’શે હંમેશાં છતું.
પડેલા સ્નેહીનો પ્રત્યુત્તર
x
થંડો મીઠો કુમુદવનનો માતરિશ્વા વહે છે.
કીડતો જ્યાં તરલ અલકશ્રેણી સાથે રહે છે.
દેવયાની

નિહાળું છું શું હું મનહર વસંતપ્રસરને!
અરેરે શેની શી અનુભવ કરું છું અસર એ!
વસંતવિજય

આટલા બધા મોટા અને ગુજરાતીમાં હજી રૂઢ નહિ થયેલા સંસ્કૃત શબ્દો કદાચ ભવિષ્યનું કાવ્ય નહિ સ્વીકારે પણ કાન્તનાં કાવ્યોમાં તો તેના ઉચ્ચારની મધુરતાને લીધે તેની સામે ફરિયાદ કરવાની ઇચ્છા થતી નથી. આ જ ‘વાગ્‌વિભવ’ને લીધે તેમનાં કાવ્યોમાં પ્રાસ પણ બહુ જ સ્વાભાવિક અને અપૂર્વ મનોહરતાવાળા આવે છે. આપણી ભાષામાં ક્રિયાપદે ક્રિયાપદના પ્રાસો સહેલા છે જોકે તે પણ ચમત્કારક થઈ શકે. જેમ કે

વ્યોમથી જલની ધારા જોરમાં પડતી હતી :
ઢળી પલંગને પાયે સુંદરી રડતી હતી!
રમા

પણ આ ક્રિયાપદે ક્રિયાપદના પ્રાસો બાદ કરતાં પણ જે બીજા પ્રાસો આવે છે તે કર્તાનું અપૂર્વ કૌશલ બતાવે છે. જો તેમના પ્રાસો જ માત્ર ભેગા કરીએ અને બીજા કવિઓના પ્રાસો સાથે સરખાવીએ તો કેવળ નવીન પ્રાસો કાન્તના ઘણા નીકળે.૩૮[28] પ્રથમનાં કાવ્યોમાં કાન્તના પ્રાસો સાદા છે. કેટલાક નવીન છે પણ એટલા સુંદર નથી.

દેખી નહીં શકું ચંદર :
કેમ દેખું ત્યારે બંદર?
મોજાં તોફાનીની અંદર ઝુકાવી છે મેં કીસ્તી!
મારી કીસ્તી

આમાં પ્રાસો બધા નવીન છે પણ એટલા સંવાદી નથી, પણ હથોટી બેસતાં બધા પ્રાસો આશ્ચર્યકારક લાગે છે. અર્થ જાણે પોતાની નૈસર્ગિક લીલામાં રમતો-રમતો પોતાને સ્થાને પ્રાસ લઈ લે છે. ‘ઉદ્‌ગાર’ કાવ્યની સુંદરતા તેના પ્રાસ ઉપર પણ ઓછો આધાર રાખતી નથી. ‘મત્ત મયૂર’ પણ તેવું જ કાવ્ય છે. શ્રી નરસિંહરાવનું ‘રાત્રિયે કૉયલ’ એ જ રાહનું છે પણ તેના પ્રાસો એટલા હૃદયંગમ નથી. વાક્યાર્થ એક ચરણમાંથી ઊભરાઈને બીજા ચરણમાં રેલે છે ત્યાં આ પ્રાસ વધારે ચમત્કારક લાગે છે. ‘પડેલા સ્નેહીનો પ્રત્યુત્તર’, ‘વિધુર કુરંગ’, ‘મિત્રને નિવેદન’, ‘વત્સલનાં નયનો’ની છેલ્લી પંક્તિઓમાં આવો અર્થપ્રવાહ અને પ્રાસ છે. પછીનાં ગાયનોમાં આ પ્રાસની રચના જ પ્રધાન બને છે. લંબાણના ભયે દાખલા અહીં ટાંકતો નથી. પ્રાસમાં પણ એમણે કોઈ-કોઈ જગાએ વૈચિત્ર્ય દાખલ કર્યું છે :

હરિત નીલ સુદૂર વનસ્થલી –
પર મળી સુકુમાર મૃગો રમે;
ઉપવનો તણી સંવૃત આવલી –
મહીં જવા પ્રણયી તરુણો ભમે.
ચક્રવાક મિથુન

આમાં વાક્યાર્થ બબ્બે લીટીઓમાં પ્રસરે છે અને પ્રાસ જુદી રીતે મેળવ્યા છે. કોઈ-કોઈ જગાએ પંક્તિઓમાં બબ્બે જગાએ પ્રાસ મળે છે.

મારી હોડી ખરાબામાં તૂટી ગઈ;
મારી જોડી હા! માયા તે લૂંટી ગઈ;
અંતિમ પ્રાર્થના

ભાષાના આ જ પ્રભુત્વથી તેમનાં કાવ્યોમાં વર્ણસગાઈ અને અનુપ્રાસોનો એવો જ બહોળો પ્રયોગ થયો છે. ‘કાર્ડિનલ ન્યૂમૅનની પ્રાર્થના’, ‘સાગર અને શશી’, ‘પરિષત્સકાર’, ‘મત્ત મયૂર’, ‘સખીને આમંત્રણ’માંથી આના પુષ્કળ દાખલા મળશે. તે આપી અહીં લંબાણ કરતો નથી. માત્ર ‘કલાપીને સંબોધન’માંથી એક જ પંક્તિ ઉતારું છું. એ પંક્તિ કવિ નાનાલાલની

હૈયાનાં હેત વહેતી વાંસળી વાગી,

એ પંક્તિ ઉપરથી લીધેલી છે. પણ બંનેને સરખાવો :

હેત હયાનાં વહતી વાજે વાંસળી,

કેવી સરલ અને ગૂઢ રીતે ‘હ’ની વર્ણસગાઈમાંથી ‘વ’ની વર્ણસગાઈ સરી આવે છે! ઉપરના દાખલા બધા વ્યંજનના જ છે. પણ સ્વરોનું પણ એવું જ સંગીત, કંઈક વધારે નિગૂઢ હોય છે :

અમે ચેલા બધા ઘેલા : પ્રભુની પાઠશાલાના!
અમે ઘેલા અને મેલા : પ્રભુની પાઠશાલાના!

અમારામાં કશો ના માલ!
અમે તો મૂર્ખ ને કંગાલ

છતાંએ બાલકો છઈએ : પ્રભુની પાઠશાલાના!

એમાં ‘આ’ સ્વર આખી કડીને સંવાદી કરે છે.

અહા! શા આજ વર્ષાવે સ્વરો આત્મા પરે આશા :
બળેલો આર્ત્ત એ શો એ સ્વરસ્નાને ઠરે. આશા!
x
મને મીઠી રહી આસ્થા સદા તવ ગાનમાં દેવી!
સ્વરો એ દિવ્ય જીવનને ભરે ને સાંભરે, આશા!
આશાગીત

આ કાવ્યમાં તો જાણે ‘આશા’ શબ્દના જ સ્વરો લઈને આખું ગીત રચેલું હોય એમ જણાય છે. વર્ણસગાઈનું ભયસ્થાન એ છે કે તેનાથી અર્થ ઘણી વાર ક્લિષ્ટ થઈ જાય છે. પંક્તિનો શ્લેષ – પદ્યબંધ – શિથિલ લઈ જાય છે, અને રસને ક્ષતિ પહોંચે છે. કાન્તમાં એવું ક્યાંય થતું નથી. ઉપરના કોઈ પણ દાખલામાં અર્થને હાનિ પહોંચતી નથી. અને કાન્તનો પદ્યબંધ તો બહુ દૃઢ અને મનોહર હોય છે. કાન્તે પોતે એક વાર કાવ્યચર્ચામાં કહેલું કે સુંદર પદ્યબંધવાળી પંક્તિ ઊડીને સ્મૃતિને બાઝે છે. એવી અર્થાનુરૂપ પદ્યબંધથી સુંદર થયેલી અનેક પંક્તિઓ કાન્તમાંથી મળશે. થોડા જ દાખલા લઈએ :

અને કુંજે કુંજે શ્રવણ કરતો ઘાસ પરના
મયૂરોની કેકા ધ્વનિત ધસતી જ્યાં ગગનમાં.
x
અને ત્યાં પાસેના તરુવર૩૯[29] રહ્યા ઉત્સુક બની.

આ આખું ‘ઉપહાર’ કાવ્ય જ શ્લેષનો સુંદર દાખલો છે.

તમારી પાસે તો કુસુમ સરખો કાન્ત ગણજો.
સ્નેહશંકા
પડ્યું જે સંગીત શ્રુતિ પર નભોમંડળતણું}}
{{right|પ્રણયમાં કાલક્ષેપ
સહસ્રશત શલ્યમાં હૃદયની પથારી થતી.
વિધુર કુરંગ

વગેરે અનેક દાખલા આપી શકાય. કાન્તની મનોહરતા ઘણે અંશે તેમના શબ્દોની અર્થઘનતામાંથી પ્રસરે છે. કાવ્યની અનેક કસોટીઓ અપાય છે તેમાં એક એવી અપાય છે કે થોડામાં થોડા શબ્દોમાંથી જેમ વધારેમાં વધારે અર્થ નીકળે તેમ કાવ્ય વધારે સુંદર. ટિપ્પણમાં પૃષ્ઠ ૧૭૪ની અને પૃષ્ઠ ૧૯૦ની નીચેની ટીપમાં આ દૃષ્ટિબિંદુ આવી જાય છે માટે તેના દાખલા અહીં આપતો નથી. અર્થઘનતા શબ્દોની પસંદગી ઉપર નિર્ભર છે. તેમની કલમ જાણે યોગ્ય શબ્દને બરાબર ચૂની લેતી હોય એમ લાગે છે. આને જ મળતી તેમની વસ્તુની પસંદગી પણ છે. તેમનાં વર્ણનો લાંબાં હોતાં નથી. બીજા કવિઓ જ્યાં કડીઓ ને કડીઓ લખી નાંખે ત્યાં કાન્ત એકાદ શ્લોકથી જ પૂરું કરે છે અને તેમ છતાં તાદૃશ વર્ણન થાય છે. તેનું કારણ વર્ણનની વસ્તુની પસંદગી છે. ‘મૃગતૃષ્ણા’ અને ‘રમા’માં એક-એક શ્લોકથી જ લેખિનીચિત્ર દોરેલું છે :

નાના સાદા શયનગૃહમાં સ્વચ્છ દીવો બળે છે,
વિદ્યુદ્વલિ પ્રબલ ચમકી જ્યોતિ સાથે મળે છે;
સાહિત્યો કૈં બહુ નહિ દીસે, એક પર્યંક માત્ર
થોડાં ઝીણાં રજનિવસનો પાસમાં વારિપાત્ર
રમા

હિંદુ દંપતીના શયનગૃહનું આખું દૃશ્ય, સ્વચ્છ દીવો, એક પર્યંક, વસ્ત્રો અને વારિપાત્ર, એટલી જ વસ્તુઓથી આબેહૂબ ખડું કર્યું છે. આ જ કૌશલ અને છટા તેમનાં લાંબાં વર્ણનોમાં અને હૃદયના ભાવના આલેખનમાં પણ આવે છે તે આપણે પછી જોઈશું. કાવ્યમાં વર્ણન કરવામાં અમુક પ્રકારની કલ્પના, જે ઉપમાદિ અલંકારની જનની છે, તેની પણ જરૂર પડે છે. કાન્તની રસવૃત્તિ પશ્ચિમનાં ઉત્તમ કાવ્યોથી ઘડાઈ છે એટલે આપણાં સંસ્કૃત કાવ્યોમાં જેટલા અલંકાર આવશ્યક મનાય છે તેટલા તેમાં નથી આવતા. કાવ્યની પડતી દશામાં સંસ્કૃત કાવ્ય ઘણી જગાએ તો માત્ર અલંકારના થોકડાનું જ, કોટિ ઉપર કોટિનું જ બનેલું છે, વિશાલ અર્થનું કાવ્ય રહ્યું જ નથી. કાન્તની કલા – હાલની રમણીની પેઠે – થોડા અલંકારો જ પહેરે છે, પણ પહેરે છે તે અનુપમ અને અનુત્તમ હોય છે. ‘ઉપહાર’માં આવા અનેક મનોહર કલ્પનાતરંગો છે. ‘મારી કીસ્તી’ અને ‘માનસસર’ એ બે તો આખાં રૂપકો જ છે. ‘રાજહંસને સંબોધન’, ‘વિધુર કુરંગ’ અને ‘પ્રમાદી નાવિક’ એ અન્યોક્તિઓને મળતાં કાવ્યો છે. તે સિવાય ‘રજાની માગણી’માં હંસનું અને ‘સખીને આમંત્રણ’ કાવ્યમાં ‘પ્રભુનો ગિરિ’ અને તેમાંથી અવતરતા ‘શાંત સદાશિવ નીર’ની આખી કલ્પના એવી જ મનોહર છે. પણ આ બધી કલ્પનાઓને જે અર્થમાં સંસ્કૃત કાવ્યોમાં અલંકાર કહીએ છીએ તે અર્થમાં અલંકાર ન કહી શકાય. સંસ્કૃતમાં પ્રસ્તુતમાં જ્યારે કલ્પના કંઈ અપ્રસ્તુત મૂકી દે ત્યારે જ અલંકાર ગણાય. ઉપલાં કાવ્યોમાં તો કલ્પના જ કાવ્યની સમસ્ત વસ્તુને એ રૂપમાં મૂકે છે, સમગ્ર કાવ્યની પાછળ રહી છે. કાવ્યની વચમાં અપ્રસ્તુત રૂપે કશું મૂકતી નથી પણ સંસ્કૃતમાં અલંકાર ગણાય એવા પણ છે ત્યાં સુંદર છે. ‘વત્સલનાં નયનો’

પણ નિર્મલ નેહ સરોવર સારસ –
યુગ્મ સમાં પરિપૂર્ણ દયારસ;
એ જખમી દિલનાં શયનો.

તરીકે નિરૂપેલાં છે તે અને ‘સાગર અને શશીમાં શશીને

નવલ રસધવલ તવ નેત્ર

કહેલો છે અને ઉદધિલહરીઓને ‘જલધિજલદલ’ કહેલી છે તે અત્યંત મનોહર અલંકારો છે. અને ‘મનોહર મૂર્તિ’માં

સ્મિત જોઈને તારક મોહી રહ્યા!

એ તો કોઈ અપૂર્વ કલ્પના છે. કવિની વર્ણનશક્તિની ખરી કસોટી ભાવના નિરૂપણમાં છે. કાન્તે નાનામાં નાના ચાર પંક્તિના આત્મલક્ષી મુક્તકથી માંડીને ૨૦૦ પંક્તિ ઉપરના પરલક્ષી ખંડકાવ્ય સુધીનાં અનેક કાવ્યો લખ્યાં છે. તે દરેકમાં ભાવનિરૂપણ સર્વથા ઉચિત રીતે થયું છે. તેમાં ભાવને ઉચિત વર્ણનનો વિસ્તાર છે. ભાવને ઉચિત કાવ્યની રીતિ છે. ભાવને ઉચિત કાવ્યના શબ્દો, વર્ણો, છંદો વગેરે છે. અમુક ભાવનો ક્યાં ઉદય કરવો, ક્યાં તેની સ્થિતિ કરવી. ક્યાં તેને પરકોટિએ પહોંચાડવો, ક્યાં તેને શાંત કરી નવા ભાવની તેની સાથે સંધિ કરવી વગેરે સર્વ અદ્‌ભુત કલાથી ચાલ્યું આવે છે. જે વર્ણન જ્યાં ઉચિત હોય ત્યાં જ આવે છે. એટલું જ નહિ પણ તેમનામાં એક વિરલ શક્તિ એ છે કે લાંબા સમય સુધી તે એક જ ભાવમાં મગ્ન રહી શકે છે, અને અધૈર્યનું વર્ણન કરવું હોય ત્યાં પણ પોતે અધીર ન થતાં, ભાવ ઉપરના વિરલ પ્રભુત્વથી ધીમેધીમે તેનું વર્ણન આગળ ચલાવે છે. આ સર્વ ગુણો તેમનાં ખંડકાવ્યોમાં પ્રતીત થાય છે. લંબાણભયે લાંબાં ન લેતાં ઉદાહરણ તરીકે એક નાનું, ૧૯ શ્લોકનું ‘અતિજ્ઞાન’ લઈએ. પ્રથમ જે ભાવને નિરૂપવો છે તેને અનુકૂલ પ્રકૃતિવર્ણન કરે છે. શૂન્ય નભ અને ઝાંખી દિશાઓ કોઈ પાસેના અનિષ્ટનું સૂચન કરે છે (૧). ઇંદ્રપ્રસ્થના લોકો આજે એક બાબતની શંકા કરતા હતા (૨). આજે તેમણે દુર્યોધને મોકલેલો એક દુષ્ટ દૂત રાજગૃહ તરફ જતો જોયો હતો તે સંબંધી (૩). અને એ શંકા ખરી હતી (૪). ધર્મરાજને દ્યૂત રમાડવાનું આમંત્રણ આપવા તે જતો હતો (૫). જ્યેષ્ઠ ધર્મરાજે ત્રણ બંધુઓને સલાહ માટે બોલાવ્યા (૬). એક કેમ રહી ગયો તેની જિજ્ઞાસા ઉત્પન્ન કરી કવિ કહે છે કે સહદેવને સૌથી નાનો ગણીને બોલાવ્યો નહોતો (૭). પણ તે નાનો ક્યારનો સર્વ જાણી ગયો હતો. તેના મોં પર વિષાદની છાયા દ્રૌપદી ક્યારની કળી ગઈ હતી (૮). કારણ કે કુમારને ત્રિકાળનું જ્ઞાન હતું. દ્રૌપદીને થવાનું અપમાન તે નજરે જોતો હતો (૯). છતાં તેને તે કહેવાની રજા ન હતી (૧૦). આ જ એની કરુણ દશાનું કારણ હતું. અહીં સુધી ધીરેધીરે કવિએ નાયકમાં જે કરુણ નિષ્પન્ન કરવો છે તેનાં કારણો જ, તેના વિભાવો જ કહ્યા. તેમાં પણ એક ક્રમ છે કલાના ઉપાદાનમાં શક્ય હોય તેટલે સુધી ભાવને વિશિષ્ટ કરવાનો હોય છે. ભાવનું અત્યંત વિશિષ્ટ સ્વરૂપ તે કલા એમ પણ કહી શકાય. અહીં ભાવને વિશિષ્ટ કરવામાં કવિ ધીમેધીમે ઉત્તરોત્તર સામાન્યમાંથી વિશિષ્ટ તરફ પ્રયાણ કરતો જાય છે. સૌથી પ્રથમ માત્ર પ્રકૃતિનું વર્ણન આપ્યું. પ્રકૃતિ માણસના ભાવથી દૂરતમ વસ્તુ છે, પછી સામાન્ય જનોનું વર્ણન આપ્યું જે પ્રકૃતિ કરતાં કંઈક વધારે નિકટ સંબંધ પાંડવો સાથે ધરાવે છે. પછી પાંડવોનું સામાન્ય વર્ણન આપ્યું અને ત્યાંથી આપણું ધ્યાન કાવ્યના નાયક સહદેવ તરફ એકાગ્ર કર્યું. પછી વસ્તુસ્થિતિના જે પરસ્પરવિરોધી અંશોથી કરુણ નિષ્પન્ન કરવાનો છે તે અંશો દર્શાવ્યા – ત્રિકાલજ્ઞાન અને છતાં નિરુપયોગી જ્ઞાન, કર્તવ્યમાં ન મૂકી શકાય, કોઈને ઉપયોગી ન થઈ શકે તેવું જ્ઞાન! તે પછી હજી શું થવાનું છે તે કહ્યા વિના જ કવિ સહદેવની લાચારી સહદેવના જ હૃદયગત શબ્દોમાં મૂકે છે (૧૧). તે પછી એ જ ભાવ સહદેવની સ્ફુટ વિચારવાણીમાં મૂકી તેને વધારે વિશિષ્ટ કરે છે (૧૨). સહદેવથી દ્રૌપદીનું અસહ્ય અપમાન જીભથી તો કહી શકાવાનું નથી. વાંચનાર આ પુરાણપ્રસિદ્ધ હકીકત જાણે છે તેનો લાભ લઈ કવિ ૯મી કડીમાં માત્ર તેનો ઇશારો કરે છે. અને અહીં એ વિચારથી તેની જે કરુણ દશા થાય છે, નેત્રમાં જલ ભરાય છે તે દર્શાવે છે. દ્રૌપદી પર આવતી વિપત્તિથી તે દ્રૌપદી તરફ વધારે આર્દ્ર બને છે. અહીં આ નવીન ભાવ ઉદય પામે છે. તે ભાવમાં તે દ્રૌપદીને આલિંગન આપે છે અને ચુંબન કરવા જાય છે (૧૩). પણ વિચાર કરતાં જણાય છે કે જેને તે બચાવી શકવાનો નથી તેના સૌંદર્યના ઉપભોગનો તેને શો હક? (૧૪). અહીં સ્નેહાર્દ્રતાનો ભાવ શાંત થઈ વળી કરુણ દ્વિગુણ થાય છે : એ કરુણમાં તે પોતાની અસહ્ય દશા દ્રૌપદીને જણાવે છે. ‘આ નિષ્ફલ જ્ઞાનને શું કરવું? થનાર ચીજો તેથી અન્યથા થઈ શકતી નથી. અને તે સર્વની ચિંતા હું એકલો જ સહ્યા કરું છું (૧૫), પણ આજ સુધી દરેક ચિંતામાં જે એક સાંત્વન દ્રૌપદીના સૌંદર્યનું પાન, તે પણ આજે તો અલભ્ય છે, તેના ઉપરનો અધિકાર ગયો છે (૧૬). અહીં કરુણ પરાકોટિએ પહોંચે છે. ભવિષ્યનું જ્ઞાન નિષ્ફલ તો ખરું પણ એટલે સુધી નિષ્ફલ કે પોતાનાં આત્મીય જનોને પણ ભાવી દુઃખથી ચેતાવી ન શકાય!’ આ દુઃખની અસહ્યતામાં સહદેવને માથામાં શૂળ ચાલ્યું (૧૭). અને તેણે એ જ્ઞાનને મૂર્ચ્છામાં લુપ્ત કરવા કોઈ જલદ ઘેનની ઔષધિ પીધી (૧૮). એટલી જલદ કે સતી તેની ગંધથી જ બેભાન થઈને પડી અને જ્યોતિષીને છાતીથી પ્યાલી ખસેડવા જેટલું પણ ભાન ન રહ્યું ! (૧૯). લગભગ દરેક ખંડકાવ્યમાં આ રીતે કવિ ધૈર્યથી ભાવોપચય કરે છે. દરેકમાં ભાવ ધીમેધીમે આગળ વધે છે. દરેકમાં કાવ્ય અર્ધ ઉપર ગયા પછી તેની પરાકાષ્ઠા આવે છે. ૫૫ શ્લોકના ‘વસંતવિજય’માં ભાવની બાહ્ય સામગ્રી કવિ ‘ધીમે ધીમે છટાથી’ ૩૭મા શ્લોકમાં પરાકોટિએ પહોંચાડે છે – એ અનેક વાર અવતીર્ણ થયેલા શ્લોકમાંઃ

ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય,
ચોપાસે વલ્લિઓથી પરિમલ પ્રસરે, નેત્રને તૃપ્તિ થાય;
બેસીને કોણ જાણે ક્યહિં પરભૃતિકા ગાન સ્વર્ગીય ગાય,
ગાળી નાંખે હલાવી રસિક હૃદયને, વૃત્તિથી દાબ જાય

.

પછી તેનાથી પાંડુની વૃત્તિ દાબ બહાર જાય છે તે વર્ણન ૫૩મા શ્લોક સુધી ધીમે ધીમે કવિ કરે છે. પાંડુ અધીરો થાય છે, પણ કવિ ક્યાંઈ અધીર નથી થતો. પોતાના ભાવમાં એવો જ એકાગ્ર લીલામગ્ન રહે છે. ૨૯ શ્લોકના ‘ચક્રવાક મિથુન’માં કરુણની પરાકાષ્ઠા ૨૬મા શ્લોકમાં થાય છે. લગભગ દરેક કાવ્યમાં કરુણની સામગ્રી ભેગી થતી હોય ત્યાં વાંચનારને એ કરુણમાંથી બચવાનો કોઈ આશાતંતુ દેખાય છે, અને એ તંતુ તૂટતાં કરુણ વધારે ઘેરો અને નિરાશામય બને છે. તૃષાતુર મૃગબાલાને થોડી વાર વાદળાની છાયા મળે છે, પણ તે વાદળાની જ છાયા છે – ક્ષણિક છે. ‘અતિજ્ઞાન’માં આંતર કરુણ વ્યથાને સાંત્વન આપવા સહદેવ દ્રૌપદીને આલિંગવા જાય છે. ‘વસંતવિજય’માં પાંડુ અસહાય થાય છે તે પહેલાં સ્નાનથી તેની વૃત્તિ વિમલ ને સાત્ત્વિક થાય છે. પણ એ વૃત્તિને લીધે જ તે નિર્ભય બની માદ્રી પાસે જાય છે, એ વૃત્તિને લીધે જ માદ્રી પણ મોડી સાવચેત બને છે. અને સાવચેત બને છે ત્યારે માત્ર પાંડુની કરુણ દશામાં વધારો કરે છે. વળી દરેક કાવ્યમાં ભાવની પરાકાષ્ઠા થયા પછી તેનાં પરિણામો – તેના અનુભાવો એકાએક વેગથી વહી કોઈ વજ્રપાતથી કાવ્ય પૂરું થાય છે. ભાવનિરૂપણની રીતિની ચર્ચા અહીં પૂરી થાય છે, તો રસનું પ્રકરણ હાથ લેતાં એક પ્રશ્નને અહીં સ્પર્શ કરવો પડશે. અંગ્રેજી સાહિત્યમાં કાવ્યની બે રીતિઓ સ્વીકારાય છે : ક્લાસિકલ (classical) અને રોમૅન્ટિક (romantic). હજી આ અંગ્રેજી શબ્દોના સમાનાર્થ ગુજરાતી શબ્દો યોજાયા નથી. કોઈ બંનેનો રૂપરંગથી નિર્દેશ કરે છે : કોઈ શિષ્ટ અને જીવનના ઉલ્લાસવાળી એમ કહે છે અને કોઈ શિષ્ટ અને આનંદલક્ષી કે એવા શબ્દો યોજે છે. હું સમજું છું ત્યાં સુધી અંગ્રેજ ટીકાકારોમાં પણ આના લક્ષણ સંબંધી સ્પષ્ટ વિચારો નથી. કયા કયા કવિઓ કઈ રીતિના છે તે સંબંધી પણ મતભેદ છે.૪૦[30] એક પ્રસિદ્ધ અને બલવાન ટીકાકાર તો, આ વસ્તુથી દૂર અપસરતી શબ્દાનુપાતી વિવરણપદ્ધતિનો પુષ્કળ ઉપહાસ કરે છે.૪૧[31] એવી સ્થિતિમાં પશ્ચિમના શબ્દો વાપરવા મને યોગ્ય લાગતા નથી. હું માત્ર એટલું કહી શકું કે ક્લાસિકલ એટલે જો કાવ્યના આકાર – બાહ્યરૂપ માટેનો આદર, એવો અર્થ કરીએ તો તે કાન્તમાં છે. પણ આકારને લીધે ક્યાંય નીરસતા નથી આવી અને તેમણે જૂનાં રૂપોમાં ફેરફાર કરી નવાં સંવાદી રૂપોનો સફળ ઉપયોગ પણ કર્યો છે. જો રોમૅન્ટિકનો અર્થ રંગ, રંગનું તેજ એમ કરતા હોઈએ – અને આ શબ્દ અહીંથી જ અસ્ફુટાર્થ લાગે છે – તો કાન્તમાં રંગ છે અને તે તેજસ્વી છે, પણ રૂપ વિનાનો નથી. વળી ક્લાસિકલનો અર્થ એવો કરતા હોઈએ કે શબ્દેશબ્દનો બરાબર અર્થ થઈ રહે, તો કાન્તની શૈલી ક્લાસિકલ છે. રોમૅન્ટિકનો જો એવો અર્થ કરતા હોઈએ કે અર્થ, બધાનો એક સમગ્રરૂપે, બરાબર સ્ફુટ ન થાય, પણ તેમાંથી અસ્ફુટ મધુર વ્યંજના નીકળે તો કાન્તનાં ‘ઉપહાર’, ‘કલાપીને સંબોધન’ વગેરે થોડાંક જ કાવ્યો એવાં નીકળે. બાકી કાન્તનું વિશિષ્ટત્વ એ છે કે તેમાં દરેક શબ્દનો, પદનો, વાક્યનો અર્થ થાય છે અને તે સમગ્ર કાવ્યના વ્યંગ્યને પુષ્ટ કરે છે. પણ રોમૅન્ટિકનો માત્ર એટલો જ અર્થ કરીએ કે આપણે સાધારણ રીતે કરી ન શકીએ એવા ઊછળતા કલ્પનાતરંગો, તો કાન્તમાંથી એવું ઘણું મળી શકે :

ઊંડાણોમાં પડી સૂઈ જતો નિષ્ઠુરપ્રાણ કાલ.
ચક્રવાક મિથુન
x
નાનાં નાનાં વપુ ધરી શકે શોધતા એ દિશામાં,
x
કરે એવું જ્યોત્સનાભ્રમણ ભ્રમણે જ્યાં અટકતો,
શશાંક પ્રેક્ષીને સુભગ મણિ સેંથે ઝબકતો.
x
વિશુદ્ધ સ્નેહનું જોડું વિશ્વ સૌંદર્યમાં વહે;
વિલાસી વિધુ ને તારા નભથી નીરખી કહે.
દેવયાની
x
કૃતી માનું, દેવી ક્ષણ સકલ ને જીવન તણી;
પ્રમત્તાવસ્થામાં નઝર પણ નાખું જગ ભણી.
ઉદ્‌ગાર
x
અને તવ નેત્રમાં તે નેત્રનું પ્રતિબિંબ જોવાને
વખત હું ખોઉં તેવો શું, કહે તે એ ખુએ છે કે?
ચંદાને સંબોધન

‘માનસસર’ અને કદાચ ‘મારી કીસ્તી’ પણ એ વર્ગમાં જાય. આથી વિશેષ હું આની ચર્ચા કરવા માગતો નથી. એમ કરવામાં કદાચ આધુનિક વાચકોની જિજ્ઞાસા પૂરી નહિ પાડતો હોઉં પણ કાન્તના પોતાના અભિપ્રાયની તો વધારે અનુકૂળ થાઉં છું જ. આ શબ્દોની એક વાર ચર્ચા થતાં તેમનાં કાવ્યો કઈ રીતિમાં ગણાય એ પ્રશ્નના સંબંધમાં તેમણે એમ કહેલું સ્મરણમાં છે કે આપણાં કાવ્યો પશ્ચિમનાં બધાં વર્ગીકરણમાં નાખવાં બિલકુલ આવશ્યક નથી. કવિએ અનેક ભાવોનાં કાવ્યો લખ્યાં છે. મૈત્રીનાં અનેક સ્વરૂપોના ભાવોનાં કાવ્યો ઘણાં છે, કદાચ બીજા કવિઓ સાથે સરખાવતાં પ્રમાણમાં સૌથી વધારે છે. તે સિવાય પણ ‘મારી કિસ્તી’ અને ‘માનસસર’ જેવાં કાવ્યોમાં હૃદયનો અદમ્ય ઊભરો, ઉત્સાહ અને વેગ પ્રતીત થાય છે. ‘અગતિગમન’માં હૃદયની નિગૂઢ વૃત્તિઓ અને વ્યાપારો સ્ફુટ થાય છે. સામાન્ય રીતે કહી શકાય કે આ બધા ભાવો પહેલાં આપણા કાવ્યમાં પ્રગટ નહિ થયેલા એવા જ છે. પશ્ચિમના સાહિત્યના પરિચયથી જ કવિને આવા ભાવો વ્યક્ત કરવાની પ્રેરણા થઈ છે. તેમનાં કાવ્યોમાં કેવળ પ્રકૃતિવર્ણનનાં કાવ્યો નથી. તેમનાં કાવ્યોમાં પ્રકૃતિનું અચ્છું વર્ણન વારંવાર આવે છે પણ તે દરેક જગાએ માનવભાવને વધારે વ્યક્ત કરવા અથવા માનવભાવ અને પ્રકૃતિ વચ્ચેનો સંબંધ બતાવવા. ‘ચંદાને સંબોધન’ છે પણ ત્યાં વિષય દૂરસ્થ સ્વજન, જેનું ચંદાથી સ્મરણ થયું છે, તે છે. ‘સાગર અને શશી’ પિતાની ભવ્યતાનાં જ ગાન ગાય છે. કલાને માટે કાન્ત કેવળ પ્રકૃતિ કરતાં માનવસ્વભાવને વધારે ઉચિત ગણતા જણાય છે અને માનવભાવ સાથે વિશાલ સમભાવવાળા હૃદયમાં એમ જ બને એ સ્વાભાવિક છે.૪૨[32] બીજા ભાવો વિશે અહીં વિશેષ નહિ લખીએ. માત્ર કાન્તના પ્રેમ ઉપરના વિચારો જોઈશું. મૈત્રીભાવ પણ એક પ્રેમનું જ સ્વરૂપ છે. પણ અહીં દંપતીપ્રેમ તરફ જ લક્ષ આપીશું. જગતના જીવનમાં છે તેમ, કાન્તની પ્રેમભાવનામાં સૂક્ષ્મ ઉપભોગ, મસ્તી અને વિલાસ એ સર્વને સ્થાન છે. તેના અનુક્રમે થોડા દાખલા લઈએ. સૂક્ષ્મ ઉપભોગ :

સદા સંભારશે એ માનસે પણ સ્નેહીને
તૃષા રહેશે સમાગમની તને જેવી તેવી?
બધું તો રાખજે જૂનું નવું કંઈ સંભારી,
મળી નિજ વાસમાં વાતો સખી પડશે કહેવી
રજાની માગણી
‘રજની મહીં સખી ઘણીક વેળા,
નયન મળે નહીં ઊંઘ જાય ચાલી;
કરી તુજ શિરકેશ સર્વ ભેળા,
વદનસુધાકરને રહું નિહાળી.’
અતિજ્ઞાન

મસ્તી :

પ્રમત્તાવસ્થામાં નઝર પણ નાખું જગભણી,
{{right|ઉદ્‌ગાર}]

વિલાસ :

પ્રાણો આપણાનો ત્યારે યોગ થયો,
અંગે અંગનો ઉત્તમ ભોગ થયો;
અને આખર આમ વિયોગ થયો!
મને સાંભરે આપણી રાત, રાખી!
આપણી રાત

પણ એ વિલાસ પણ અતૃપ્તિની લોલુપતાનો નથી, ખરા પ્રેમના ઊભરાનો છે. તેમાં માતા તરફનો આદર છે જે કેવળ સ્થૂળ સ્વાર્થી કામમાં ભાગ્યે જ એવો ઉન્નત હોય છે :

શિરકેશ સુકોમલ સોહી રહ્યા,
સ્મિત જોઈને તારક મોહી રહ્યા;
કામધેનુ શી બાલક દોહી રહ્યા
તને મૂર્તિ મનોહર માશુકની!
મનોહર મૂર્તિ

અને તેમાં સંયમ અને અતિ કોમલ માનવૃત્તિ પણ છે :

રહી જરા ફરી પાછો છૂટો થાય શરીરથી;
‘પ્રિયે સ્પર્શ કરું શું હું? અધિકાર જરા નથી!
અતિજ્ઞાન

અને

પ્રણયની પણ તૃપ્તિ થતી નથી;
પ્રણયની અભિલાષ જતી નથી;
ચક્રવાકમિથુન

એ શ્લોકમાં પ્રેમનો ગહનમાં ગહન અનુભવ આવે છે. અત્યાર સુધી જે કાવ્યો જોયાં તે સુંદર છે. રુચિકર છે, પણ કાન્તનું દર્શન તો તેમનાં કરુણ કાવ્યોમાં જ છે. દરેક કવિને પોતાનું દર્શન હોય છે. દર્શન વિના કવન સંભવે નહિ. સાધારણ મનુષ્યને જે રુચિકર સુંદર આહ્‌લાદક લાગે એને વાઙ્‌મય રૂપ આપે તે પણ કવિતા તો ખરી જ પણ કવિ ક્રાન્તદર્શી પણ કહેવાય છે. સાધારણ માણસો જે જુએ છે તેની પાર જઈ, પોતાના વિશાલ સમભાવથી કવિ નવું જ અનુભવે છે. કાન્તમાં એ વિશાલ સમભાવ હતો અને તેથી તેમનો અનુભવ પણ અસાધારણ વિશાલ અને ગહન હતો. આ વિશાલ અનુભવને કવિ પોતાની કલ્પનાથી એક, સમગ્ર, કરી જોવા મથે છે. માત્ર બુદ્ધિથી તત્ત્વજ્ઞાનની દૃષ્ટિથી નહિ, પણ કલ્પનાથી એક કરી હૃદયમાં એક તરીકે તેને અંકિત કરવા મથે છે. સામાન્ય મનુષ્યમાં અને કવિમાં કલ્પના તો એક જ પ્રકારની હોય છે, કવિની કલ્પના વિસ્તારમાં મોટી હોય છે એ જ મુખ્ય ફરક છે. માણસ માત્રના અનુભવો એની કલ્પનાની વિશાળતા ઉપર આધાર રાખે છે. મહાવનમાં જે માત્ર એક એક ઝાડ જ જોઈ શકે તે ઝાડ જ જુએ છે, તે વનની ગહનતા સમજતો નથી. જે ટૂંકી નજરે પર્વત જુએ છે તે પથરા જ જુએ છે. પર્વતની ભવ્યતા અનુભવતો નથી. જે ટૂંકી નજરે દરિયો જુએ છે તે માત્ર પાણી જ જુએ છે, તે સાગરની વિશાલતા, ગહનતા, ભવ્યતા, નિરવધિ બલ સમજવાનો નથી. આવા ક્રાન્તદર્શી કવિઓ જ, જેઓ પોતાની પાર, પોતાની જાતિની પાર, પોતાના જમાનાની પાર, જઈને જોઈ શકે છે, અને જોયેલું અનુભવેલું કહી શકે છે. તેઓ જ સાહિત્યમાં અમર પદ પામે છે. કાન્તનું દર્શન કાવ્યમાં કરુણરૂપે વ્યક્ત થાય છે. વિશાલ કલ્પનાથી જગતને જોતાં તેમને જગતની યોજનામાં કોઈ અસહ્ય વિષમતા પ્રતીત થાય છે, એ યોજનાની નીચે કોઈ ક્રૂર અસહ્ય અન્યાય તેમને જણાય છે. કવિનું હૃદય એ અન્યાય સામે લડત ચલાવે છે, એ વિષમતાનું સમાધાન કરવા મંથનમાં પડે છે અને સમાધાન ન થતાં જગતના અન્યાય માટે કરુણમાં દ્રવે છે. તેમનાં કરુણ કાવ્યો લગભગ બધાં જ ખંડકાવ્યો છે. સૌથી નાની વયમાં લખેલું કદાચ ‘મૃગતૃષ્ણા’ છે. મધ્યાહ્નના ઉગ્રતાપમાં એક મૃગબાલા બિચારી તૃષાથી વિહ્‌વલ થઈ પાણી માટે દોડાદોડ કરે છે. અને વિધિની વિષમતા તો જુઓ! આ બાલાને પીવાનું પાણી નથી મળતું ત્યારે માણસો ધારાગૃહોમાં જલક્રીડા કરે છે. વિધિ કેટલો કદરહીન! નિર્દોષને બચાવવાને પાણી પણ ન આપે. જગતમાં આવી વ્યવસ્થા ચાલતી હોય તો જગત્કર્તાને દીન-દયાલ શી રીતે કહી શકાય?

દીસે છે ક્રૂરતા કેવી કર્તાની કરણી મહીં!
ત્રાતા જો હોય, તો આની કેમ સંભાળ લે નહીં?

કેટલાંક શાસ્ત્રો કહે છે કે દુઃખ એ પાપની સજા છે. પણ

અરે! આ કોમલાંગીએ કેવાં પાપ કર્યાં હશે!

આ નિર્દોષ બાલા કયાં પાપ કરવા ગઈ હતી? અને કર્યાં હોય તોપણ –

કર્યાં હોય, તથાપિ આ ક્રૂર શિક્ષાથી શું થશે?
x

શિક્ષા તો પાપીને સુધારવાને માટે હોય ના! આ તો પાપીને બસ મારી જ નાંખવાની વાત! અને તે પણ પાણી ન પાવા જેવી ક્રૂર રીતે! કવિને આ સમજાતું નથી. બધાં માણસો પરમ દયાળુ, પરમ ન્યાયી ઈશ્વરમાં જે સાંત્વન લે છે તે કવિને અલભ્ય થઈ પડે છે અને તેની નિરાશામાં કવિ ઉદ્‌ગાર કાઢે છે :

નથી ઈશ્વર દુઃખીનો : થયું જે જે હતું થવું :
દુનિયામાં હવે શાને, અરેરે! હાય! જીવવું?
x

‘રમા’માં પણ કરુણ જ છે અને તે જુદી જાતનો છે, જોકે અંત કરુણ નથી અને આખું કાવ્ય કરુણ ભાવને યોગ્ય ઉઠાવમાં મૂકી શકતું નથી.

વ્યોમથી જલની ધારા જોરમાં પડતી હતી;
ઢળી પલંગને પાયે સુંદરી રડતી હતી!

શા માટે?

આષાઢી કૃષ્ણ રાત્રિના બાર વાગી ગયા હતા;
પતિની રાહ જોવામાં બે કલાક થયા હતા!

પતિ બે કલાક મોડા આવે એ અહીં કરુણનું કારણ નથી. એમ હોત તો ઉપહસનીય કરુણાભાસ થાત. પણ કરુણનું કારણ માનવી લગ્નજીવનમાં રહેલી એક ગૂઢમાં ગૂઢ વિષમતા છે.

લગ્નના દિવસમાં નવી હતી,
ઠીક તેથી રમણીય લાગતી,
આપ તો પણ હતા જ તે રહ્યા,
માહરા ગુણ બધા ગયા વહ્યા!

સ્ત્રીની નવીનતાનો મોહ ઊતરતાં પુરુષનો સ્નેહ મંદ થાય છે, સ્ત્રી બિચારી એના એ જ સ્નેહથી ચાહ્યા કરે છે. – તેનો સ્નેહ વધતો જાય છે. સ્ત્રીપુરુષના સ્વભાવમાં રહેલી આ વિષમતા લગ્નજીવન, જે ઉપર સમસ્ત વ્યવહારનો આધાર છે. તેને રોમરોમ વિષમય કરી નાંખે એવી નથી? એ જ અહીં કરુણનું કારણ છે. સામાન્ય રીતે માણસ માને છે કે દુનિયામાં દુઃખ હોય પણ કલ્પનાવિહારમાં તો માત્ર સુખ જ હોય! ત્યાં તો બધું સુંદર સુંદર જ હોય! ક્રાન્તદર્શી કલ્પનાથી કવિને ઊલટો અનુભવ થાય છે. કવિની હૃદયરાજ્ઞી કવિતાની દાસી કલ્પના કવિને દુનિયાની રચના જોવા લઈ જાય છે. કવિ એક સુંદર ગિરિપ્રદેશ જુએ છે. ત્યાં દૂરથી એક દોડતો આવતો કસ્તૂરીમૃગ જુએ છે, જે

વૃત્તિની કૈં ખબર ન પડે, એ પ્રમાણે હસે છે!

એ મૃગ કોઈ સંગીત તરફ આકર્ષાઈ ધસ્યો જતો હતો. કોઈ ગારુડી પારધી અસામાન્ય છટાથી બીન બજાવતો હતો. મૃગને જોઈ લુબ્ધકનું ચિત્ત કસ્તૂરીમાં લુબ્ધ થતાં બીનનો નાદ મંદ પડે છે. એ નાદ સાંભળવા બિચારો મૃગ દરેક નાડીને ફુલાવીને તંગ કરે છે. પ્રાણદાન દેવા તૈયાર થાય છે, માત્ર મરતાં સુધી સંગીત સાંભળવાની તેની એક યાચના છે. પણ પારધી તો શર મારવાની તૈયારીમાં જ પડ્યો છે. કવિને આ અસહ્ય લાગે છે, તેને શિક્ષા કરવાની ઇચ્છા થતાં કલ્પના શસ્ત્ર આપે છે. કવિ તેને તરવાર મારે છે. પણ તેથી શું? બીન તો ન જ બચ્યું અને તે પડતાં મૃગ મૂર્ચ્છિત થયો. હવે કવિ પાસે ઉપાય ન રહ્યો. આ નિર્દોષ રાગબદ્ધ મૃગ તેને સંગીતથી ખેંચવાની શક્તિ નિષ્ઠુર પારધીમાં, અને સૌથી ખરાબ તો એ કે પાપીને પાપની સજા કરતાં પણ નિર્દોષને તેની પૂર્વની સ્થિતિમાં મૂકી ન્યાય આપી શકાતો નથી. જગતની રચનામાં સજા શક્ય છે, ન્યાય શક્ય નથી! કલ્પના આ વિષમતા બતાવી આપે છે, તેનો ઉપાય બતાવતી નથી. આટલે લાવ્યા પછી – કલ્પના જાય છે ઊડી, એકલો રહી જાઉં છું! તૃષાકુલ મૃગી અને રાગબદ્ધ મૃગની કરુણાવસ્થા કોઈ તેનું કારણ તો કદાચ એમનામાં માનવ જેવું જ્ઞાન નથી એ હોય. એ મૃગ અને મૃગી પણ વાસ્તવિક રીતે તો માનવનિર્દોષતા અને માનવરાગબદ્ધતાનાં પ્રતીકો જ છે. પણ તેમનામાં માનવજ્ઞાનનો આરોપ કવિએ નથી કર્યો એ ખરું. તો હવે માનવજ્ઞાન જોઈએ – માત્ર જ્ઞાન શા માટે, અતિજ્ઞાન જોઈએ. એને માટે કવિએ કરેલી વસ્તુ અને નાયકની પસંદગી અતિ ઉચિત છે. સહદેવનું અતિજ્ઞાન, ત્રિકાલજ્ઞાન સુપ્રસિદ્ધ છે. તેને જ્ઞાન છે પણ તે જ્ઞાનનો ઉપયોગ કરવાની મના છે. તેનું જ્ઞાન જગતને ઉપયોગી થઈ શકતું નથી. અરે! તેનાં સ્વજનોને, તેને પોતાને ઉપયોગી થઈ શકતું નથી. આ જ્ઞાનથી બીજાં માણસો જે વિપત્તિ પતન પછી જ અનુભવે છે તેને તે પતન પહેલાં પણ અસહ્ય ચિંતારૂપે ભોગવે છે. અને એ ચિંતા કોઈને કહેવાય નહિ ને સહેવાય નહિ! આવી ચિંતામાં તેને એક સાંત્વન હતું, જે રમણીના પ્રેમના સદ્‌ભાગી પુરુષને હોય છે – સૌંદર્યનો સાત્ત્વિક ઉપભોગ. પણ અહીં તો દ્રૌપદીનું જ ભયંકર અમાનુષ અપમાન થવાનું છે અને પોતે તેનું રક્ષણ કરી શકનાર નથી, ત્યાં તેનાથી એ ઉપભોગ શી રીતે થાય!

પ્રિયે! સ્પર્શ કરું શું હું, અધિકાર જરા નથી.

નિરાશાનો ઉપાય માત્ર એક રહ્યો છે. એ જ્ઞાનને જ બેશુદ્ધિમાં ડુબાવી દેવું. અંતે આ ત્રિકાલજ્ઞાની જ્યોતિષી કોઈ જલદ ઘેન લઈ પી જાય છે. આ અતિજ્ઞાનની દશા! ‘અતિજ્ઞાન’માં આપણને કાન્તના કરુણની ગહનતાનું પ્રથમ દર્શન થાય છે. તે સાથે કાન્તનું જીવનદર્શન વધારે સ્ફુટ પણ થાય છે. ‘અતિજ્ઞાન’ના કરુણની ગહનતા શેમાં રહેલી છે? ‘અતિજ્ઞાન’ વાંચતાં આપણને સમજાય છે કે કવિની દૃષ્ટિએ પ્રેમ અને તેમાં પણ દાંપત્યપ્રેમ એ જીવનનો ઇષ્ટતમ અનુભવ છે. જગતનાં અનેક દુઃખોમાં એ એક સાંત્વન છે, એટલું જ નહિ એનો એકનો પૂર્ણ અનુભવ હોય તો જગતનાં ગમે તેવાં દુઃખો માણસ સહી લે, અરે એ દુઃખોની તિરસ્કારભરી ઉપેક્ષા કરી શકે. પણ એ પ્રેમાનુભવમાં જ અંતરાય આવે છે, એ અનુભવને જગતની આ વિષમતા અશક્ય બનાવે છે. એ એ કરુણની ગહનતા છે. સહદેવ રસિક છે. પ્રેમી છે, પોતાની વલ્લભાના સાંનિધ્યમાં છે, અને છતાં એ પ્રેમ ભોગવી નથી શકતો, અરે એ સાંનિધ્ય અને પ્રેમ બંનેને ઘેનમાં ડુબાડી દેવાં પડે છે એવી વિષમાવસ્થામાં એ આવી પડ્યો છે. ‘અતિજ્ઞાન’ પછીનાં કાન્તનાં ખંડકાવ્યોમાં પ્રેમની આ જ કરુણતા જુદીજુદી અવસ્થામાં વ્યક્ત થાય છે.૪૩[33] ‘વસંતવિજય’નો નાયક પાંડુ પણ રસિક છે, યુવાન છે, પોતાની પત્ની તરફ પ્રેમાસક્ત છે, અને કાવ્યની નાયિકા માદ્રી પણ એવી જ રસિક છે. બંને સંપૂર્ણ પ્રેમાનુભવને માટે યોગ્ય છે. છતાં ‘અતિજ્ઞાન’ કરતાં કોઈ જુદાં જ કારણોથી તેઓ પ્રેમાનુભવ કરી શકતાં નથી, – પ્રેમાનુભવ કરી શકતાં નથી એટલું જ નહિ, એ પ્રેમાનુભવને સંપૂર્ણ કરવા જતી વૃત્તિને બંનેએ દમવી પડે છે; એ પ્રેમાનુભવ તરફ જતી સ્વાભાવિક વૃત્તિ અને કૃત્રિમ રીતે તેનું દમન કરવાની આવશ્યકતા, એ બેનાં વિરુદ્ધ ખેંચાણો વચ્ચે તરફડવું પડે છે; અને દંપતીજીવનના જે મિલનમાં પ્રેમનો ઉત્કર્ષ મનાય, વસંતનો વિજય ગણાય, એ મિલનમાં જ, નાયકનું મૃત્યુ થાય છે – માદ્રી અને કુન્તા વિધવા થાય છે! ‘અતિજ્ઞાન’ની પેઠે ‘વસંતવિજય’નું વસ્તુ પણ કવિએ મહાભારતમાંથી લીધેલું છે. પાંડુને યુવાન અવસ્થામાં જ એવો શાપ લાગ્યો છે કે પત્નીમિલનથી તેનું મૃત્યુ થાય. આથી દાંપત્યજીવનનો રસવિરોધી વનવાસ, સંન્યાસ તેણે ગ્રહણ કર્યો છે. રસિક માદ્રીને તેની સાથે તાપસી થવું પડ્યું છેઃ

હા તાપસી નૃપની સાથ હતી બની એ.

પાંડુ બંને પત્નીઓ સાથે શતશૃંગ પર્વત ઉપર પત્નીથી જુદી પર્ણકુટી બાંધીને રહ્યો હતો. ત્યાં સર્વ જગતને ઉન્માદકારી વસંત બેસે છે. એવા વસંતના કોઈ એક દિવસે પાંડુ પ્રેમાવેશમાં આવી માદ્રીને આલિંગન આપવા જાય છે. ત્યાં જ તેનું મૃત્યુ થાય છે એ આ કાવ્યનું વસ્તુ છે. પાંડુના ચિત્ત ઉપર વસંતનું પ્રબળ સામ્રાજ્ય કેવી રીતે જામતું જાય છે, તેની સામે થવા પતિપત્ની બંને કેવો પ્રયત્ન કરે છે, તેના ક્રમિક, સ્વાભાવિક અને આબેહૂબ વર્ણનમાં પણ આ કાવ્યની વિશેષતા રહેલી છે. કવિ આ રસિક દંપતીના વિપત્તિના એક જ દિવસનું આખા કાવ્યમાં વર્ણન કરે છે. બંનેની પરિસ્થિતિ, પાંડુ ઉપરનો શાપ, એનો તેમાં અલ્પતમ શબ્દોના અતિ દૂર સૂચન માત્રથી ઇશારો કરવામાં આવે છે. આજે પ્રભાતથી જ પાંડુનું ચિત્ત કંઈક અસ્વસ્થ થયું છે – અનિષ્ટ ભાવિના પૂર્વચિહ્ન જેવા દુઃસ્વપ્નથી તેની નિદ્રા વિક્ષુબ્ધ થઈ છે. તે હંમેશ કરતાં આજે પર્ણકુટી વહેલી છોડીને બહાર નીકળે છે, માદ્રી તેને યાદ આપે છે કે હજી તો ‘ઘોર અંધારું’ છે, પ્રભાતને વાર છે. તેને, જરા ફરવા જાઉં છું એવું સાધારણ કારણ બતાવી, એનાથી માદ્રી ફરી સંતોષાઈ ફરી નિદ્રાવશ થઈ તેનું સાંત્વન મેળવી, મનને સ્વસ્થ કરવા રાજા એ ડુંગર પરના ચિરપરિચિત પ્રદેશોમાં ફરવા નીકળે છે. મોટા પરોઢની શાંતિથી તેનું મન સ્વસ્થ થાય છે પણ ખરું, પણ પછી રવિઉદય સાથે જગતના અનેક રંગો અને સ્વરો વ્યક્ત થતાં, માદ્રીવિલાસ સરોવર જોઈ તેના નામના સૂચનથી તેને પ્રિયસખીનું સ્મરણ જાગે છે. આ વૃત્તિનો ઉદય રાજા ઓળખે છે, અને તેની સાથે જ પોતાની શાપિત સ્થિતિની કરુણતા પણ તેને યાદ આવે છે :

નિહાળું છું શું હું મનહર વસંતપ્રસરને!
અરેરે શેની શી અનુભવ કરું છું અસર એ!

ખડક તરફ ખેંચાતું વહાણ, વચમાં કોઈ કોઈ મોજાના હિલોળાથી બચી જશે એવી આશા વચમાં વચમાં થાય અને અંતે એ ખડક સાથે ક્રૂર રીતે ભટકાઈ વિનાશ પામે તેમ અહીં પણ, પાંડુ, વસંતનિર્મિત પરાકોટિ તરફ ઘસડાતો, વચમાં વચમાં બચી જશે એવી આશા સ્ફુરાવતો, અંતે વિપત્તિ પામે છે, અને તેથી તેના કરુણની તીક્ષ્ણતા અને વેગ બંને વધે છે. સ્નાનથી રાજા સ્વસ્થ થાય છે અને

શાને થવું પતિત આશ્રમધર્મનાથી?
સૌંદર્ય શું? જગત શું? તપ એ જ સાથી.

એવો પ્રેમવિરોધી કૃત્રિમ નિશ્ચય કરે છે. અને તેથી સલામતી માની માદ્રીને મળવા જાય છે (કુંતા કોઈ કારણથી બહાર ગયેલ છે); તેને સ્વાભાવિક રીતે ઉપવનમાં ફરવા લઈ જાય છે. અને અજાણ્યે જ તાપસ મટી પાછો ભર્તા-સ્વામી બની જાય છે. આખી સૃષ્ટિ સર્વેન્દ્રિયો દ્વારા પ્રચ્છન્ન રીતે વસંતનું સામ્રાજ્ય સ્થાપે છે, અને મકરધ્વજના વિજયટંકાર જેવો કોકિલનો ટહુકાર સંભળાય છે. તે સાંભળતાં રસિક પાંડુને ‘પ્રિયાની પંચમવૃષ્ટિ’માં નાહવાનું મન થાય છે, અને શંકાને દૂર કરી માદ્રી રાજાજીનો હુકમ અમલમાં મૂકે છે. વસંતની સર્વ સામગ્રીમાં, પાંડુએ પોતે માગી લીધેલી આ સામગ્રી વિકટતમ નીવડે છે!

હા કેમ આ હલક અંતરથી ખમાય;
સાથે મળ્યાં તરત દંપતી સર્વ દોડી,
ભેટી રહ્યાં સ્વર વિશે દઈ વૃત્તિ જોડી!

માદ્રીના સંગીતની અસરથી જગતનાં તિર્યંચો પણ પ્રેમાવેશમાં ભેટી રહ્યાં, ત્યારે એ સંગીતને નીતરનાર પાંડુ પોતે એ માદ્રીને ભેટી શકતો નથી!

ઘેલી બની બધી સૃષ્ટિ રસમાં હાલ ન્હાય છે :
હાય! એક જ પાંડુના હૈયામાં કૈંક થાય છે!

આ વિરોધ, આ વિષમતા, એમાં જ આ કાવ્યની ખરી કરુણતા રહેલી છે. માદ્રી પાંડુની વિકૃતિ જોઈ સંગીત બંધ કરે છે, પણ તેથી તો ઊલટી, તેની વિકૃતિ વધે છે. માદ્રી જેમજેમ એને અટકાવવા પ્રયત્ન કરે છે તેમતેમ તે વધતી જ જાય છે, તે ત્યાં સુધી કે તે પાંડુના તો કાબૂની બહાર જાય છે જ –

ત્વરાથી દેહ જોડી દે : આ તો નહિ ખમાય રે!

જાણું બધું, પણ દીસે સ્થિતિ આ નવીન :
મારું નથી બલ, બન્યો જલ બહાર મીન

પણ અત્યાર સુધી સ્વામીને બચાવવા વિરોધ કરતી માદ્રી પણ અંતે

ઝંપલાવી પડે માદ્રી નરેન્દ્રભુજની મહીં.

આ જ આ કાવ્યનો કરુણ. જેને પ્રેમની કૃતાર્થતા, પ્રેમાનુભવની સ્વાભાવિક પરાકોટિ ગણીએ, એનો જ પાંડુને નિષેધ, એ જ એનું મૃત્યુ, એની સામે થવા માટે એને તરફડિયાં મારવાં પડે, એ એ પરાકોટિનો અનુભવ ન કરી શકે, માત્ર તેની સામે થવાનાં તરફડિયાંનો અનુભવ કરી મૃત્યુ પામે, એવું નિર્માણ!!૪૪[34] ‘ચક્રવાકમિથુન’નું વસ્તુ ‘મૃગતૃષ્ણા’ અને ‘કલ્પના અને કસ્તૂરીમૃગ’ની પેઠે કવિસમયમાંથી લીધું છે. ચક્રવાક અને ચક્રવાકીને અત્યંત પ્રેમ છે પણ રાત્રિએ બંનેને વિયોગમાં રહેવું પડે છે એવો કવિઓનો સમય છે. કાન્ત આ જ સમયમાંથી એક જોડું કલ્પે છે. તેમની વચ્ચે પહેલેથી પ્રેમ શરૂ થાય છે, અને વખત જતાં તે ગાઢ થતો જાય છે. પણ પ્રેમ શરૂ થયો ત્યારથી જ રાત્રિવિયોગ પણ શરૂ થયો હોવો જોઈએ. ત્યારે કાલ જતાં એ વિયોગ સહન કરવાની ટેવ ન પડી જાય? કવિ કહે છે. ના, પ્રેમ વધતો જાય તેમતેમ એ વિયોગ વધારે અસહ્ય લાગતો જાય. પ્રેમ અનંતકાલમાં વિહરનાર ભાવ છે.

સમયનું લવ ભાન રહે નહીં :
અવધિ અંકુશ સ્નેહ સહે નહીં :

આ ચક્રવાકમિથુન પ્રેમની આવી પરાકાષ્ઠાએ પહોંચેલું છે. તેનાથી વિયોગ સહન થતો નથી. સૂર્ય પશ્ચિમ તરફ નમતો જાય છે તેમ તેમ સૂર્યના તેજમાં રહેવા દંપતી ઊંચેઊંચે ચડતાં જાય છે. આ નિત્યપાતી વિરહમાંથી બચવા ચક્રવાકી પતિને સૂચના કરે છે :

ચાલો એવા સ્થલ મહીં, વસે સૂર્ય જેમાં સદૈવ;
આનાથી કૈં અધિક હૃદયે આર્દ્ર જ્યાં હોય દૈવ.

પણ આ સ્થિતિમાંથી બચાય તેમ નથી. ચાલુ જમાનાની શોધખોળો પણ તેમને બચાવી શકે તેમ નથી. ધીટ ચક્રવાક, ઉત્તર ધ્રુવપ્રદેશને અનુલક્ષીને, જવાબ આપે છે :

લાંબા છે જ્યાં દિન પ્રિય સખી! રાત્રિયે દીર્ઘ તેવી,
આ ઐશ્વર્યે પ્રણયસુખની, હાય! આશા જ કેવી!

જ્ઞાનમાં ભલે ગમે તેટલી પ્રગતિ કરો પણ જગત ઉપર જ્યાં સુધી આવું કોઈ નિષ્ઠુર ‘ઐશ્વર્ય’ ચાલે છે ત્યાં સુધી પ્રણયસુખની આશા જ કેવી? આશાનો નહિ પણ નિરાશાનો એક ઉપાય ચક્રવાક બતાવે છે. નીચે પડી આ વિરહ અને આ વિરહદગ્ધ જીવન બંનેનો ત્યાગ કરવો. દ્વિજયુગલ રવિતેજ જોવા ઊંચે ચઢાય તેટલે ચઢેલું હતું ત્યાંથી આંખો મીંચી પડતું મૂકે છે. ફરીને આંખો ઉઘાડે છે તો તેમને કંઈ પ્રકાશ જેવું દેખાય છે. પણ તે પ્રકાશ માત્ર આભાસ છે. તેમણે પડીને પ્રેમની ખાતર જીવનનો ભોગ આપ્યો પણ તેથી કશું વળ્યું નહિ. એ પ્રકાશને દેખીને તે પ્રકાશની આશાએ વધારે વેગથી પડ્યાં – પડવાની ગતિના નિયમે પણ પડવાનો વેગ વધતો જ જાય – પણ તેથી આ ખરી દુનિયામાં તેની કશી અસર થઈ નહિ, તેમના જવાથી એ શૂન્ય અવકાશ એનો એ રહ્યો, માત્ર એ દંપતીમાં હતું તેટલું ચેતન હોલવાયું :

અમિત એ અવકાશતણી મહીં,
ક્યહીંય ચેતન એક દીસે નહીં.૪૫[35]

કરુણરસ નિષ્પન્ન કરવાની કાન્તની રીતિ અભ્યાસ કરવા યોગ્ય છે. તેમના કરુણમાં માત્ર ઇષ્ટ વસ્તુનો નાશ એ જ વિભાવ, રસનું કારણ નથી. કવિ જગતમાં રહેલી કોઈ ગૂઢ પણ વ્યાપક વિષમતાનું આપણને ભાન કરાવે છે. ઇષ્ટનાશ પણ વિષમ તો છે. ‘વિષમ’ જ તેનું તદ્‌ભવ ‘વસમું’ લાગે છે. કોઈ વસમી આપત્તિથી હૃદય ઘાયલ થાય ત્યારે મૃદુ થઈ દ્રવે. પણ કાન્તનાં કાવ્યોમાં માત્ર આમ થતું નથી. તેમનાં કાવ્યમાં માત્ર અસહ્ય વિષમતા એ વિભાવ નથી પણ એ વિષમતામાં અન્યાય છે, તેમાં જગતની યોજનાની અપૂર્ણતા છે એ સામે કવિમાનસની ફરિયાદ છે, પોકાર છે, અને એ અન્યાય સામે કવિમાનસ લડતું લડતું કરુણ નિષ્પન્ન કરે છે. તેનો નાયક એ વિષમતા સામે યુદ્ધ કરતો સહૃદયમાં સમભાવ, આદર, બલ અને આશ્ચર્ય ઉત્પન્ન કરતો વિપત્તિ પામે છે. કરુણમાં વીર અને અદ્‌ભુતના મિશ્રણથી ભવ્યતા આવે છે. ચક્રવાક અને ચક્રવાકી રાત્રિવિરહમાં દીન થઈ જો માત્ર કલ્પાંત કરતાં ચીતર્યાં હોત તો તેથી પણ કરુણ નિષ્પન્ન થાત, પણ આ યુગલ એમ ન કરતાં વિષમતા – અન્યાયની સામે સર્વાત્મથી લડે છે અને એમાં પોતાના ઐહિક જીવનનો ભોગ આપે છે. ‘વસંતવિજય’માં પાંડુના મરણથી માદ્રીને કલ્પાંત કરતી ચીતરી હોત તો મૃદુ કરુણ નિષ્પન્ન થાત પણ કાવ્યમાં પાંડુને, કોઈ નિયતિની વિષમતાનો ભોગ બનતો અને અંતે માનવમર્યાદાને વશ થઈ મૃત્યુને ભેટતો આપણે જોઈએ છીએ. ‘અતિજ્ઞાન’માં સહદેવ એ જ રીતે પોતાના જ્ઞાનની વિષમ મર્યાદા સામે લડતો અને વ્યર્થ પ્રયત્નો કરતો કરુણ અવસ્થામાં ડૂબે છે. ‘મૃગતૃષ્ણા’ અને ‘કલ્પના અને કસ્તૂરીમૃગ’માં મૃગ વસ્તુસ્થિતિની સામે થઈ શકે તેમ નથી પણ એ સ્થિતિના અન્યાય સામે કવિમાનસ એવો જ ક્ષોભ અને તડફડાટ અનુભવે છે. આ રીતિ આપણા કાવ્યશાસ્ત્રમાં સ્ફુટરૂપે સ્વીકારાઈ જણાતી નથી. આ કરુણ, નિયતિની વિષમતા સામેના કવિના પ્રકોપના મિશ્રણથી સામાન્ય રીતે ‘કરુણ’ ગણાતા કરુણથી ભિન્ન રસાસ્વાદ આપે છે અને પશ્ચિમમાં tragic ગણાતા રસને વધારે મળતો આવે છે. પણ આ પ્રકારનો ક્ષોભ આપણાં કાવ્યોમાં કોઈ રીતે અસંગત નથી. સ્ફુટ સ્વીકારાયા વિના પણ તેની ઝાંખી ઘણી જગાએ થાય છે. બીજા દાખલા ન શોધતાં કહી શકીએ કે કૌંચમિથુનમાંના એકના વધથી આદ્યકવિ વાલ્મીકિનો શોક શ્લોકત્વને પામ્યો તેમાં આવો જ ક્ષોભ અને પુણ્યપ્રકોપ હતો. કરુણનો શામક શાંત છે. શોકથી ક્ષુબ્ધ થયેલું હૃદય કોઈ મહાન સત્યમાં સાંત્વન શોધે છે. જગતની વિષમતાથી ક્ષુબ્ધ થયેલું હૃદય વધારે ઊંચે ચડે છે અથવા આત્માના ગહનમાં વધારે ઊંડે ઊતરે છે અને એવું કોઈ વિશાલ સત્ય શોધી કાઢે છે જેમાં વિષમતાના બંને વિરોધી અંશોનું સમાધાન થઈ જાય. કાન્તમાં પણ એ જ રીતે શાંત પ્રગટે છે. તેમને વિરોધનું સમાધાન થાય છે. જગત પરની અપૂર્ણતાઓ સ્વામીના ધામમાં પૂર્ણ થવાની છે એવી એમને અચલ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. આ શ્રદ્ધામાંથી કાવ્યનાં ‘સ્ફટિકવિશદ’ ‘શાંત સદાશિવ નીર’ અવતરે છે. પણ હવે એ નીર ઓસરી ગયાં છે. મંથનના તાપમાં તેનાં બલ-વિપુલતા સોસાઈ ગયાં છે. કાવ્યની મધુરતા એની એ જ છે પણ સંગીતનું પ્રાધાન્ય, વિસ્તારની અલ્પતા, પંક્તિઓનાં પુનરાવર્તનો વગેરે સ્રોતની ક્ષીણતાનાં ચિહ્નો જણાવા લાગે છે. વળી ક્રિશ્ચન સંપ્રદાયના વિચારો અને ભાવનાઓને બને ત્યાં સુધી મૂળ રૂપમાં જ રાખવાના આગ્રહથી અને ક્રિશ્ચન ધર્મશાસ્ત્રની કથાના અંતર્ગત ઉલ્લેખથી કેટલાંક કાવ્યો સામાન્ય ગુજરાતી વાચકને રસોદ્‌બોધક થઈ શકે એવાં નથી. ‘કાર્ડિનલ ન્યૂમૅનની પ્રાર્થના’ કે ‘સખીને આમંત્રણ’ જેવાં કેટલાંક સંગીત-કાવ્યોમાં અદ્‌ભુત સફળતા મળી છે. પણ રસનું અધિકરણ અનેક સૈકાથી સિદ્ધ થયેલું વાચકનું હૃદય છે અને ગુજરાતમાં ક્રિશ્ચન સંપ્રદાયના વિચારો અને ભાવનાઓ એના એ સ્વરૂપમાં હજી રસોદ્‌બોધક થયાં નથી. કાન્તની એ ગહન સરસ્વતી એકાએક કેમ લુપ્ત થઈ ગઈ! – ગહન શબ્દ એમનાં કાવ્યોને બરાબર યોગ્ય છે. એમના અનુભવો ગહન છે. એમનાં મંથનદુઃખો ગહન છે. એમનાં કાવ્યોના ભાવો ગહન છે અને એમનાં કાવ્યોમાં એ શબ્દ વારંવાર આવે છે – એ ગહન જલો એકાએક કેમ અટકી પડ્યાં! ‘એ માગ્યા વગર સ્તોત્રો ઉપર સ્તોત્રો વરસાવતો’ મેઘ કેમ અદૃશ્ય થયો! કાન્તના કાવ્યરસનું વિશેષ પાન કરવાની ઇચ્છાના જ આ ઉદ્‌ગારો હોય તો તેને માટે કંઈ કહેવાનું નથી. એટલું જ કે એ ઉદ્‌ગારો સ્વાભાવિક છે. પણ જો એના ગર્ભમાં કાન્ત ઉપર જરા પણ આક્ષેપ હોય તો તેનો ઉત્તર આપવો જોઈએ.૪૬[36] મણિભાઈના જીવનના બનાવો ટાંકીને એમ કહેવું સહેલું છે કે તેમણે ફિલસૂફી અને ધર્મની શોધમાં ન પડતાં કાવ્યમાર્ગે જ પ્રગતિ કરી હોત તો વધારે સારું. પણ આપણે જાણવું જોઈએ કે એ કાવ્યો પણ, જે સત્યની ખોજ તેઓ કરતા હતા તેમાંથી જ ઉદ્‌ભવતાં હતાં, અને એ સત્યની ખોજે જ ધર્મમંથનનું રૂપ પકડ્યું. મણિભાઈના પત્રોમાંથી સાબિત કરી આપવું સહેલું છે કે કેવળ આવેશમય ન બની જતાં તટસ્થ રહી વસ્તુઓની પરીક્ષા કરવાની તેમણે ટેવ પાડી હોત તો તેમને અને ગુજરાતી સાહિત્યને ઘણો લાભ થાત. પણ વસ્તુઓ સાથે સર્વાત્મથી સમભાવ કરવાની ટેવથી જ તેમનું હૃદય સમૃદ્ધ બનતું. જેનાથી તેમનાં કાવ્યો વિશાળ સમભાવવાળાં અને માત્ર પરલક્ષી જ નહિ પણ જગલ્લક્ષી થયાં છે.૪૭[37] તેમનો કાવ્યસંગ્રહ નાનો છે તેનું કારણ તેમના જીવનમાંથી ગમે તે શોધીને બતાવી શકાય. પણ આપણે જાણવું જોઈએ કે કવિની સર્જકશક્તિને પણ સીમા હોય છે. હરકોઈ ઉત્તમ સર્જનમાં તેની શક્તિનો કેટલો વ્યય થતો હશે તે આપણે શું જાણીએ? તેમાં પણ કાન્તને તો બધી બાબતમાં નવું જ પ્રસ્થાન કરવાનું હતું. તેમને જે ભાવો વ્યક્ત કરવાના હતા તે નવા જ હતા – હજી સુધી ગુજરાતી સાહિત્યમાં નહિ પ્રગટ થયેલા હતા. ભાષા વગેરે હજી તેને અનુકૂળ કરવાનાં હતાં. એ સર્વ જોતાં કાન્તે જે કર્યું છે તે કાંઈ ઓછું નથી. દલપતશૈલીના પ્રયત્નો જતા કરતાં. તેમણે પ્રથમ સ્વતંત્ર કાવ્ય ‘મારી કીસ્તી’ ૧૮૮૬માં લખ્યું. તે પછી ૧૮૮૯માં બાવીસ વરસની ઉંમરે તો સાહિત્યમાં નવો ચીલો પાડનારું ‘વસંતવિજય’ સર્વાંગસુંદર બહાર પડ્યું. તે પછી ૧૮૯૦માં ‘ચક્રવાકમિથુન’, એવું જ ભવ્ય. તે જ વરસમાં ‘ઉદ્‌ગાર’ – નવો જ ભાવ, નવી જ શૈલી. ‘દેવયાની’ એ જ અરસામાં આરંભાયું. ૧૮૯૧માં પ્રથમ પત્ની સૌ. નર્મદાનું અવસાન અને એ વરસે શ્રી નરસિંહરાવ સાથેની વાતચીતમાં મણિભાઈ કહે છે : ‘કોણ જાણે એ કાવ્ય હું પૂરું કરીશ કે નહિ?’ બસ અહીં જ કવિને સર્જનનો થાક લાગ્યો. કોઈ કોઈ કવિ અત્યંત મંથન, સંવેગ, દુઃખના અનુભવથી જ કાવ્ય લખી શકે છે.૪૮[38] જગતની વિષમતાના ચિંતનનાં મહામંથનો સિવાય સહદેવનું અને પાંડુનું દુઃખ સમભાવથી ભોગવ્યા સિવાય, એ કાવ્યો એટલાં ભવ્ય બન્યાં હોત? અને એ દુઃખો, એ મંથનો ભોગવવાની શક્તિને સીમા હોય તો તેમાં કોનો દોષ કાઢવો? એટલાં ગહન સુંદર કાવ્યો એટલાં ગહન દર્દો સિવાય નથી ઉદ્‌ભવતાં અને એ દર્દોનો થાક લાગે છે એ પણ, કાન્તે કરુણ કાવ્યોમાં નિરૂપેલી વિષમતા જેવી એક કરુણ વિષમતા છે. અને જેમ કાવ્યમાં તેમ જીવનમાં એ વિષમતા સામે પણ કાન્તે ભવ્ય પ્રયત્નો કર્યા છે એ તેમના જીવનમાં સ્પષ્ટ જણાય છે. એમનાં મંથનોનું ફળ સર્વગ્રાહ્ય થયું નથી એ ખરું. પણ મનુષ્યની મહત્તા તેના મંથનના પુરુષાર્થથી માપવાની છે, તેના ફળથી નહિ. અને એમણે સ્વીકારેલો ધર્મસંપ્રદાય આપણને ગ્રાહ્ય થયો નથી એટલું જ, બાકી એમણે સ્વીકારેલાં મંતવ્યો તો ઘણાંખરાં સનાતન સત્યનાં જ છે અને એ જ એમણે પોતાની અમર વાણીમાં ગાયાં છે. અને આવાં મંથનો એ કંઈક આ યુગનું લક્ષણ નથી? પશ્ચિમમાં પણ મહામંથનમાં પડેલા કવિઓનું આમ જ નથી બન્યું? ઇબ્સને તપ અને આનંદનો સમન્વય કરવા કેટલા પ્રયત્નો કર્યાં. તેમાં તેનું બળ ઘટતું જ ચાલ્યું. તેણે જેને સમન્વય માન્યો તે કોઈએ સ્વીકાર્યો નથી, અને તે પોતે અંતે કેટલાંક વરસો ગાંડો રહી મરણ પામ્યો. ગોગોલે ઘણું જ આશાજનક હાસ્યનું મહાકાવ્ય આરંભ્યું. ધીમેધીમે તે કલા તરફ બેદરકાર બનતો ગયો, છેવટે તેની પ્રતિભા પ્રેતાવાહનના અગમ્યવાદમાં ગુમ થઈ ગઈ. નિચ્ચે પણ આવા જ મહામંથનમાં પડી શુદ્ધિ ખોઈ બેઠો. આપણા જમાનાની એવી મહામંથનનિમગ્ન બે વ્યક્તિઓ : પ્રથમ નર્મદાશંકર કવિ અને પછી મણિશંકર રત્નજી ભટ્ટ, નર્મદાશંકરની બુદ્ધિએ પણ ઊથલા ખાધેલા. સદ્‌ગત ગોવર્ધનરામ ત્રિપાઠીનું પણ એક પ્રકારનું સમન્વયનું મંથન ગણીએ – જોકે ખરું મંથન સરસ્વતીચંદ્રનું હતું અને કર્તા તટસ્થ વધારે હતા, અને મંથન હૃદય કરતાં બુદ્ધિનું વધારે હતું. એમનો સમન્વય પણ ક્યાં સર્વસ્વીકાર્ય થયો છે? આ યુગ જ કાંઈ એવો છે. હજી વધારે ભોગ માગતો હશે. સર્વ જોતાં ‘પૂર્વાલાપ’ વિપુલ ગ્રંથ નથી છતાં તેનું સ્થાન આપણા સાહિત્યમાં અપૂર્વ છે અને ગુજરાતી સાહિત્ય જ્યાં સુધી વંચાશે ત્યાં સુધી તે ટકી રહેશે તેમાં સંશય નથી. તેનું માધુર્ય, તેના ઉન્નત અને ગહન ભાવો, તેની લક્ષ્યવેધી તરંગમય શૈલી, તેનું સંગીત, સર્વ અનુપમ અને અનુત્તર છે. અને એ કાવ્ય જે કવિજીવનમાંથી પ્રસર્યું છે તે જીવન પણ તે કાવ્યમાં એવું જ સુરેખ પ્રતિબિંબિત થાય છે. વ્યક્તિની પરિસીમા તજી કાન્તે વિશાલ કલ્પના અને સમભાવથી જગતમાં ગૂઢ રહેલી વિષમતા જોઈ તે તેમનું ક્રાન્તદર્શિત્વ છે. એ જગતની વિષમતા માટે તેઓ અંતસ્તાપનું તપ તપ્યા તેથી તે આપણા પૂજ્ય છે. એ અનુભવને સુંદર સર્વગ્રાહ્ય વાઙ્‌મયમાં તેમણે મૂક્યો તે તેમની કલાશક્તિ છે. અને તેઓ સંસારનાં મહામંથનોની યાતનાથી મુક્ત થઈ પોતાના ઇષ્ટ જીવનમાં ગયા છે એમ વિચારીએ છીએ ત્યારે

આજે અન્ય પ્રકારે આ માથું નમે
નમતો સાથે આત્માનો એ તંત્ર જો!

તા. ૨૮-૯-૨૬
ગૂજરાત મહાવિદ્યાલય, અમદાવાદ

પૂર્વાલાપ : પરિશિષ્ટ ૧લું

‘વસંતવિજય’ને લગભગ બધાએ સર્વાંગસંપૂર્ણ કાવ્ય કહેલું છે છતાં વિવેચનમાં તેને વિશે ઠીકઠીક મતભેદો પડ્યા છે. એને વિશે સૌથી પહેલું વિવેચન ‘મકરંદ’, સદ્‌ગત રમણભાઈએ લખ્યું. આ કાવ્ય એમની ટીકા સાથે પ્રથમ બહાર પડ્યું હતું. તેમાં તેઓ લખે છે કે ‘આખા કાવ્યનું તાત્પર્ય આ (જાણું બધું, પણ દીસો સ્થિતિ આ નવીન) શ્લોકમાં સંપૂર્ણ રીતે આવી જાય છે. મનુષ્યના મનમાં સદ્‌ અને અસદ્‌ વૃત્તિનો વિરોધ થતાં તે કેટલીક વાર નિર્બળ થઈ જઈને જાણીજોઈને અસદ્‌વૃત્તિનો જય થવા દે છે અને અવિચારી થઈ અનિષ્ટમાં ઝંપલાવે છે તે અહીં સ્પષ્ટ રીતે જણાવ્યું છે. સદાચરણ માટે એકલું સદાચરણનું જ્ઞાન બસ નથી... જ્ઞાન થયા પછી પણ સન્માર્ગે પ્રવર્તન કરવાનું બળ જોઈએ તે મનુષ્યે ક્યાંથી લાવવું? સદ્‌‌ગુણના આદર્શ (model) ભૂત ઈશ્વરમાં વિશ્વાસથી અને ઈશ્વરની ભક્તિથી. એ બળ વિના મનુષ્ય પોતાના પ્રયત્નથી હંમેશ સદાચરણી થઈ શકતો નથી... નીતિના આદર્શના (ભક્તિથી આવતા) બળ વિના માત્ર પોતાના બલથી નિર્બળ મનુષ્ય ક્યાં લગણ ટકે? ભક્તિ વિના એકલા જ્ઞાનથી કેમ બસ થાય.... આ અમૂલ્ય નીતિતત્ત્વનો ઉપદેશ આ કાવ્ય પરોક્ષ રીતે કરે છે.’ (‘વસંતવિજય’ ઉપરની ઉપરના શ્લોક ઉપરની ‘મકરંદ’ની ટીકા.) ‘મકરંદ’ના આ અભિપ્રાય સાથે હું સંમત થઈ શકતો નથી. અલબત્ત, એ ખરું છે કે આ કાવ્યમાં પાંડુના મનોમંથનનું નિરૂપણ એક નૈતિક મનોમંથનના જેવું છે. પણ તે તો એટલું જ બતાવે છે કે બધાં મનોમંથનો અમુક રીતે સરખાં જ હોય છે. પણ કવિનો આશય આને એક નૈતિક મનોમંથન ગણવાનો હોય એવો દૂરનો ઇશારો પણ મને જણાતો નથી. પાંડુ જે બલની સામે લડતો હતો તે બલ, અર્થાત્‌ પાંડુની પ્રેમાભિલાષા પરિપૂર્ણ કરવાની ઇચ્છા, પાપમય હતી, અને એ ઇચ્છાનુસાર માદ્રીનો કરેલો સ્પર્શ પાંડુનું નૈતિક અધઃપતન હતું, એવો અભિપ્રાય મને આ કાવ્યમાં ક્યાંય જણાતો નથી. એથી ઊલટું. પાંડુ-માદ્રીને પ્રેમવિરોધી સંન્યાસ સ્વીકારવો પડ્યો છે તે તરફ કવિને ઘૃણા છે, એને એ દૈવની ક્રૂરતા ગણે છે. નાયક-નાયિકાને પ્રેમના સ્વાભાવિક આકર્ષણનું દમન કરવું પડે છે, એમાં જ કવિ કરુણતા જુએ છે. કાન્તનાં બીજાં ખંડકાવ્યોનો ઝોક જોતાં પણ આ અભિપ્રાય જ સાચો લાગે છે. એ સમયમાં કાન્ત અજ્ઞેયવાદી હતા, ઈશ્વરને સ્વીકારતા નહોતા, અને તેથી ઈશ્વરભક્તિબળની આવશ્યકતાનો અર્થ મને સંભવિત લાગતો નથી. આ દૃષ્ટિએ ‘વસંતવિજય’ના રહસ્ય સંબંધી મેં જુદી કલ્પના કરી જે પૂર્વાલાપની છેલ્લી બે આવૃત્તિઓના ઉપોદ્‌ઘાતમાં છે. ‘અતિજ્ઞાન’ના અનુસંધાનમાં મેં ત્યાં લખ્યું હતું : ‘આ અપૂર્ણતા માત્ર અતિજ્ઞાનની નથી. માણસના જ્ઞાનમાત્રમાં કંઈક એવી અપૂર્ણતા છે કે તે બરાબર જીવનવિગ્રહમાં પડ્યો હોય ત્યાં, કર્ણનાં અસ્ત્રોની પેઠે, તે તેને કામ આપી શકતું નથી; દુનિયામાં એવું કૈંક છે જે માણસ જેટલું જ્ઞાનવાન નથી, છતાં જ્ઞાનવાન માણસને યુદ્ધમાં હરાવે છે. આ સત્ય ‘વસંતવિજય’માં પ્રતીત થાય છે. તેનું પણ વસ્તુ મહાભારતમાંથી લીધું છે. પાંડુ રસિક છે, પત્ની તરફ તેને ઘણો પ્રેમ છે છતાં તે પ્રેમનો રસાસ્વાદ એ જ એનું મૃત્યુ છે.... ‘નૈતિક મંથનમાં માણસ પોતાની અધમ વૃત્તિ સાથે લડતાં હારજીત મેળવતો જેમ કોઈ વાર છેવટે હારી જાય છે, તેમ અહીં પણ પાંડુ પોતાની વૃત્તિ સાથેના યુદ્ધમાં હારી જાય છે, અને એ વૃત્તિ જ એને ઉથલાવી પાડે છે. પણ નૈતિક યુદ્ધનો ચિતાર આપવો એટલું જ આ કાવ્યનું રહસ્ય નથી. તેમજ માણસનું જ્ઞાન એકલું માણસનું રક્ષણ કરવા સમર્થ નથી એટલું અહીં ઉદ્દિષ્ટ નથી. કવિને એ બતાવવું છે કે હારજીત કોની કોની વચ્ચે થઈ તે જુઓ. એક બાજુ રસિક પ્રણયી ચેતનવાળો પાંડુ છે અને બીજી બાજુ વસંત છે, જેને નથી ચેતન, નથી રસ, નથી પ્રેમ કે દ્વેષ. સૃષ્ટિની રચનામાં ક્યાંક એવું કોઈ ગૂઢ અચેતન બલ રહેલું છે જે માણસને, જ્ઞાનવાન પ્રણયી ચેતનવંતા માણસને હરાવી દે છે. જગતની યોજનાની જ આ વિચિત્રતા છે.’ આ મારો અભિપ્રાય ‘વસંત’માં૪૯[39] આચાર્ય આનંદશંકરનો ‘વસંતવિજય (એનું સ્વલ્પ રસવિવેચન)’ લેખ વાંચતાં બદલાયો. તેઓ તેમાં લખે છે : “હવે ‘વસંતવિજય’ના કરુણરહસ્યનું સ્વરૂપ વધારે ઊંડા ઊતરીને જોઈએ. એનો કરુણરસ શેમાં રહેલો છે? પાંડુરાજાનો વાનપ્રસ્થધર્મ થકી ભ્રંશ થઈ એનું મરણ થયું એમાં? એ તો એક સાધારણ દૃષ્ટિ છે. મને લાગે છે કે ઉગ્ર રાજધર્મની જ્વાળામાં સુકુમાર પ્રેમની આહુતિ એ જેમ રામચંદ્રજીના મુખ્ય કરુણરસનું તત્ત્વ છે. તેમ અહીં ઉગ્ર વાનપ્રસ્થધર્મમાં ગૃહસ્થાશ્રમની આહુતિ આપવી પડી એ પાંડુ રાજાના જીવનનું કારુણ્ય છે અને અંતે સૌંદર્યભોગના યજ્ઞમાં વાનપ્રસ્થધર્મની આહુતિ થઈ એ એના મરણનું કારુણ્ય છે. આમ દ્વિવિધ કરુણરસ અને એ પણ જીવની એક બીજીથી વિરુદ્ધ ભાવનામાંથી નીકળતો આ કાવ્યમાંથી ઝરે છે. “વાચક જોશે કે ‘વસંતવિજય’ના કરુણરસની આ સમજણ ભાઈ રામનારાયણની આ સમજણથી કાંઈક જુદી છે. મારી સમજણ પ્રમાણે આ કાવ્યનો કરુણરસ ‘અંધ ચેતનહીન અર્થહીન’ પ્રકૃતિના બળ આગળ, પાંડુની નિર્બળતામાં જ સમાયેલો નથી. પણ એના નવીન આશ્રમધર્મના દેખીતા શાંતમાં જે ત્યાગ રહેલો છે એ ત્યાગમાં જ એક મહાન કરુણ વસેલો છે. “અહીં આપણી સામે રસાસ્વાદનો એક ઝીણો પ્રશ્ન આવીને ઊભો રહે છે. આ કાવ્યનું તત્ત્વ શું? પાંડુની હાર અને વસંતનો વિજય? કે મૃત્યુ ઉપર સૌંદર્યનો વિજય? ‘સૌંદર્ય શું? જગત શું? તપ એ જ સાથી?’ એ નિશ્ચય, ‘ઘણા દિવસનું પેલું યોગાન્ધત્વ’ નહિ?” ‘સૃષ્ટિ સૌંદર્યને જોતાં’ એ ‘યોગાન્ધત્વ ગયું’ – એ યોગી કે તાપસની દૃષ્ટિએ ભલે વિનિપાત હો પણ કવિની દૃષ્ટિએ તો એ યોગ્ય જ થયું એમ નહિ? કવિની દૃષ્ટિએ મનુષ્ય દેવ થાય એ સુંદર કે મનુષ્ય રહે એ સુંદર? ભલે મહાદેવ મદનને ભસ્માવશેષ કરે, પણ મનુજ પાંડુ તાપસ રહીને હજારો વર્ષ જીવ્યો હોત એ સારું થાત કે મૃત્યુથી ન બીતાં સૌંદર્યવશ થયો એ સારું થયું? ખરો કરુણરસ ક્યાં? આદિમાં કે અંતમાં? “મહાભારતની દૃષ્ટિએ આનો ઉત્તર ‘અંતમાં જ.’ મહાભારતકારે કિંદમ ઋષિના આખ્યાનથી પ્રાણીમાં કામવાસના કેવી પ્રબળ છે એ બતાવ્યું. તે સાથે ઋષિને મૃગ બનાવીને એ વાસનાની તૃપ્તિ એ પશુધર્મ છે એમ પણ સૂચવ્યું.૫૦[40] પાંડુરાજાએ વાનપ્રસ્થધર્મ સ્વીકાર્યો તે મરણથી બીને નહિ, માત્ર આ પ્રસંગથી એની આંખો ઊઘડી ગઈ અને જીવનની પ્રગતિમાં એક પગલું ઊંચું ભરવાનો એણે નિશ્ચય કર્યો, અને નવું જીવન શરૂ કર્યું. એ નવા જીવનના સ્વીકારમાં કરુણ નથી, પણ જ્ઞાનવીર છે. મનુષ્ય પ્રગતિ માટે નિર્માયો છે –મનુષ્યે મનુષ્યમાંથી દેવ થવાનું છે. ભીષ્મ, ભીષ્મ-પ્રતિજ્ઞાથી દેવવ્રત થયો. કવિઓ મનુષ્યનિર્બળતા ઉપર એમની પ્રતિભાનો પ્રકાશ નાખે છે એ એ નિર્બળતા કાયમ કરવા માટે કે એની પ્રશંસા કરવા માટે નહિ, પણ એ નિર્બળતાનું પૂરેપૂરું ભાન કરાવી સબળતાને માર્ગે મૂકવા માટે. એક આશ્રમમાંથી બીજા આશ્રમમાં જવું – ગૃહસ્થાશ્રમમાંથી વાનપ્રસ્થ કે સંન્યાસમાં – એ સાધારણ રીતે આત્માને એ ઉચ્ચ જીવન માટે ક્રમે ક્રમે કેળવવાથી જ બની શકે છે. આપણાં શાસ્ત્રોની વાણીમાં એ અધિકાર ધીમેધીમે જ પ્રાપ્ત થાય છે. તપમાં મચેલા કિંદમ ઋષિને એ પ્રાપ્ત થયેલો ન હતો. તો ગૃહસ્થાશ્રમમાં તાજા પ્રવેશેલા પાંડુ રાજાને શેનો જ હોય? છતાં ઉદાત્ત ભાવનાવાળા એ રાજાએ વાનપ્રસ્થનું ઉચ્ચ જીવન ગાળવાનો નિશ્ચય કર્યો, એ ‘યોગાંધત્વ’ ન હતું. પણ ઉચ્ચ જીવનનો મનોહર પ્રકાશ હતો. આવો ઉચ્ચ અભિલાષ હોવા છતાં રાજા પોતાને પૂરેપૂરો જાણતો ન હતો. જગતમાં ઊંચી ભાવનાવાળા ભાવના ઊંચી છતાં, આધ્યાત્મિક બળ ઓછું હોવાથી ભાવના પૂરેપૂરી સિદ્ધ કરી શકતા નથી, અને પડે છે. તેમ પાંડુરાજા પણ પડ્યો. મરણ એ એનું પ્રાયશ્ચિત્ત થયું. આ આ આખ્યાનનો કરુણરસ.” (એજન. પૃ. ૫૦૭–૫૦૯) આ સમગ્ર ચર્ચા જોતાં મને જણાયું કે પાંડુના પ્રસંગને જ્ઞાનવાન માનવીની જગતના કોઈ ગૂઢ અંધ બલ આગળ હારરૂપે નિરૂપવો યથાર્થ નથી. પાંડુ ઉપર વિજય મેળવનાર તત્ત્વ દાંપત્ય-પ્રેમ, માદ્રીનું સૌંદર્ય અને એ સૌંદર્યના ઉપભોગની વાસના, એ કવિની દૃષ્ટિએ મનુષ્યનાં વૈરી નથી, પણ મનુષ્યનું ઇષ્ટ છે; એ ઇષ્ટોપભોગ સાથે ગંઠાઈ ગયેલો પાંડુનો વિનાશ એ કરુણનું ખરું કારણ છે. અને તેમ છતાં હું આચાર્ય આનંદશંકરના ‘વસંતવિજય’ વિશેના મતને સ્વીકારી શકતો નથી. એમનો મત તે મુખ્યત્વે મહાભારતના પાંડુવિનાશ-પ્રસંગના રહસ્યરૂપ છે. અલબત્ત, ‘વસંતવિજય’નું રહસ્ય તે મહાભારતનું જ રહસ્ય છે એમ તેમણે સ્વીકારી લીધું નથી. મહાભારતનું રહસ્ય તેઓ કહે છે કે ‘પાંડુરાજાએ વાનપ્રસ્થધર્મ સ્વીકાર્યો... એ નવા જીવનના સ્વીકારમાં કરુણ નથી, પણ જ્ઞાનવીર છે.’ પણ ‘જગતમાં ઊંચી ભાવનાવાળા ભાવના ઊંચી છતાં, આધ્યાત્મિક બળ ઓછું હોવાથી ભાવના પૂરેપૂરી સિદ્ધ કરી શકતા નથી, અને પડે છે. તેમ પાંડુરાજા પણ પડ્યો. મરણ એ એનું પ્રાયશ્ચિત્ત થયું. આ આખ્યાનનો કરુણ રસ.’ ત્યારે ‘વસંતવિજય’ના કરુણરસના તત્ત્વ વિશે તેઓ કહે છે : ‘અહીં ઉગ્ર વાનપ્રસ્થધર્મમાં ગૃહસ્થાશ્રમની આહુતિ આપવી પડી એ પાંડુરાજાના જીવનનું કારુણ્ય છે અને અંતે સૌંદર્યોપભોગના યજ્ઞમાં વાનપ્રસ્થધર્મની આહુતિ થઈ એ એના મરણનું કારુણ્ય છે. આમ દ્વિવિધ કરુણરસ, અને તે પણ જીવનની એક બીજીથી વિરુદ્ધ ભાવનામાંથી નીકળતો આ કાવ્યમાંથી ઝરે છે.’ ટૂંકમાં, પાંડુએ વાનપ્રસ્થધર્મ સ્વીકાર્યો એમાં મહાભારત પ્રમાણે જ્ઞાનવીરતા, કરુણ નહિ, ત્યારે ‘વસંતવિજય’માં એ સ્વીકારમાં પણ કરુણતા. અર્થાત્‌ બંનેનાં રહસ્યો ભિન્ન છે એમ તેઓ માને છે. છતાં એમના ‘વસંતવિજય’ના રસવિવેચનમાં મહાભારતની જીવનદૃષ્ટિ આવી જતી અને જણાય છે, જે ‘વસંતવિજય’માં નથી એટલું જ નહિ, એ દૃષ્ટિ ‘વસંતવિજય’માં મને અસંગત જણાય છે. ‘ઉગ્ર વાનપ્રસ્થધર્મમાં ગૃહસ્થાશ્રમની આહુતિ’ આપવી પડી. એમાં કારુણ્ય માનવા છતાં ગૃહસ્થાશ્રમ કરતાં વાનપ્રસ્થધર્મ ઉચ્ચતર છે, વધારે શ્રેયસ્કર છે, ઇષ્ટતર છે, એમ તો એમાંથી ફલિત થાય જ છે. ‘વસંતવિજય’માં આ શ્રદ્ધાને અવકાશ નથી એટલું જ નહિ, એ વાનપ્રસ્થને ‘વસંતવિજય’માં તો ‘યોગાન્ધત્વ’ કહેલ છે. દાંપત્યપ્રેમની ચરિતાર્થતામાં એને એક વિઘ્ન માત્ર ગણેલું છે, અને કવિને તેની સામે તિરસ્કાર છે, ઘૃણા છે. એ શબ્દો કવિના પોતાના છે, કોઈ પાત્રના નથી, પાત્રના શબ્દો તો ઘણા સૌમ્ય છે, કવિના શબ્દો જ પ્રખર છે. અને આ બાબત આનંદશંકરના ધ્યાન બહાર રહી પણ જણાતી નથી. તેઓ પૂછે છે : ‘સૃષ્ટિ સૌંદર્યને જોતાં’ એ ‘યોગાન્ધત્વ ગયું’ – એ યોગી કે તાપસની દૃષ્ટિએ ભલે વિનિપાત હો, પણ કવિની દૃષ્ટિએ તો એ યોગ્ય જ થયું એમ નહિ?’ અને એને જો યોગ્ય જ માનીએ તો આનંદશંકરના લેખના પ્રારંભમાં (પૃ. ૫૦૫) ‘વસંતવિજય’માં આત્માની ઉન્નતિ સાધે એવું શું છે? ‘માત્ર કામવાસનાના જયનું એ ચિત્ર છે’ એ પક્ષના સ્વીકારમાં રહેલ જીવનદૃષ્ટિ પણ ‘વસંતવિજય’માં અનવકાશ બની જાય છે. ‘વસંતવિજય’ની દૃષ્ટિએ એ ઘૃણાવ્યંજક કામવાસના નથી, જીવનના ઇષ્ટતમ દાંપત્યપ્રેમની નૈસર્ગિક પરાકાષ્ઠા છે. આ પ્રમાણે મહાભારતની દૃષ્ટિને બાદ કરીએ, તો ‘વસંતવિજય’માં પછી રહ્યું શું? મારી દૃષ્ટિએ એ કે જગતના સર્વ અનુભવોમાં, સંબંધોમાં દાંપત્યપ્રેમ ઇષ્ટતમ છે, સુંદરતમ છે, તેમાં આવતા અંતરાયો અને તેના પર પડતા આઘાતો અસહ્ય છે, અને પાંડુને તેના ઉપભોગ સાથે જ મૃત્યુ જોડાયેલું હતું એ ઉગ્ર કરુણનું નિરૂપણ કરવું એ આ કાવ્યનો ઉદ્દેશ છે. એ નિરૂપણ આનંદશંકર કહે છે તેમ (પૃ. ૫૦૪) શબ્દ, અર્થ અને રસ ત્રણેયમાં સર્વાંગસુંદર છે. કોઈને લાગે કે કાવ્યમાં આટલું જ કહ્યું હોય એથી કશું ઉચ્ચતર કહ્યું ન હોય, તેને ઉત્તમ કાવ્ય કેમ કહેવાય? તેથી આગળ જઈને હું કહું કે મહાભારતનું રહસ્ય આ કાવ્યના વાતાવરણમાં સ્વીકારેલું નથી, તેથી કાવ્યના નાયક પાંડુના સમગ્ર વર્તનની ઉદાત્તતા ઓછી થઈ જાય છે. દાખલા તરીકે, વાનપ્રસ્થધર્મ જો માત્ર યોગાન્ધત્વ જ હોય, તો પાંડુએ એ સ્વીકાર્યો એમાં એની ઉદાત્તતા નહિ, માત્ર જીવનસંરક્ષણબુદ્ધિ જ ગણવી પડે! પણ એ શાપ, એ વાનપ્રસ્થનો સ્વીકાર કવિએ પ્રકટરૂપે મૂકેલાં નથી. અને તેથી કાવ્યના રસાસ્વાદમાં એ ખાસ અંતરાયભૂત થતાં નથી. પણ કાવ્યનું વક્તવ્ય આ જ છે, એવી સ્પષ્ટતાથી ઘણાને લાગશે કે કાવ્યને ઉત્તમ કોટિનું ગણી શકાય નહિ. એ જ દૃષ્ટિથી આનંદશંકર સ્પષ્ટ કરે છે કે ‘સર્વાંગસુંદર કાવ્યો પણ જુદીજુદી ચઢતી ઊતરતી ભૂમિકાનાં હોઈ શકે; અને તેથી ઉક્ત વિશેષણ લગાડીને ‘વસંતવિજય’ તે જગતનું ઉત્તમોત્તમ અથવા તો ઉત્તમોત્તમ પંક્તિનું કાવ્ય છે એમ વિવક્ષિત નથી!’ (પૃ. ૫૦૪) આના અનુસંધાનમાં અને સમર્થનમાં એક બીજી વાત પણ ઉમેરું. સદ્‌ગત કરુણાશંકર માસ્તરે મને રૂબરૂ કહેલું કે કાન્તે પોતે પણ એમ કહેલું કે, ‘વસંતવિજય’ એ મારું ઉત્તમ કાવ્ય નથી. આ પ્રમાણે તત્ત્વની દૃષ્ટિએ કે સમગ્ર વક્તવ્યની દૃષ્ટિએ ‘વસંતવિજય’ને ઉત્તમોત્તમ કાવ્ય ન ગણી શકાય એમ કહેતાં કહેતાં પણ હું એટલું ઉમેરીશ કે એમાં દર્શાવલા માનસવ્યાપારો એટલા બધા સચ્ચાઈવાળા છે, અને ઉચ્ચ આદર્શ સેવતાં છતાં – કામવાસના કરતાં કામની ઊર્ધ્વ દશા ઉચ્ચતર છે એમ સ્વીકારવા છતાં પણ, એવા મનુષ્યોનો ઘણો મોટો ભાગ એટલો બધો પાંડુની નિર્બલતાનો સહભાગી છે કે પાંડુનું ચિત્ર આખી મનુષ્યજાતિમાં વસતી એક કરુણતાનું ચિત્ર છે, એમ કહેવું જોઈએ, અને એ તરીકે તેની ગહન અને વ્યાપક અસર છે. મૃત્યુ પોતે જ કરુણનો એક પ્રબલ વિભાવ છે. મનુષ્યમાત્ર જરામરણને અધીન છે એટલા માત્રથી ભગવાન બુદ્ધમાં અપાર કરુણા ઉદ્‌બુદ્ધ થઈ હતી. પણ અહીં મૃત્યુ સાદા રૂપે આવતું નથી, પ્રેમના કોમળ અંકુર ઉપર વજ્રપાતરૂપે આવે છે, અને તેથી તેની કરુણતાની અસર વધારે મર્મભેદક બને છે. અને અહીં જોકે એક અકસ્માતથી મૃત્યુ પ્રેમની નૈસર્ગિક પરાકાષ્ઠા સાથે જોડાઈ ગયું હતું પણ એ જોડાણને વધારે વ્યાપક, વધારે ગહન અને નિત્યનૈસર્ગિક સ્વરૂપ આપનાર પ્રકૃતિસિદ્ધ વસ્તુ પણ છે. પ્રેમ અને કામ બંને ભિન્ન હશે, કામના ભેળ વિનાનો પ્રેમ શક્ય હશે, તોપણ એ એક સત્ય છે કે દાંપત્યપ્રેમ, જે ગૃહસ્થાશ્રમ જેમ સર્વ આશ્રમોનો આધારભૂત છે તેમ સર્વ પ્રેમોનો આધારભૂત છે, તે આખી જીવસૃષ્ટિમાં કામ સાથે એક અને અભિન્ન થઈ ગયો. છે, અને એ કામ અને મૃત્યુ બંને જાણે જીવનપ્રવાહનાં બે પાસાં છે. જાણે કે એ કામ અને મૃત્યુ જીવનપ્રવાહના બે કાંઠા છે, અને એના વિના જીવનને વહેતાં જ આવડતું નથી. આ જીવનમાં એ કામ તરફ મનુષ્યે કેવી વૃત્તિ કેળવવી જોઈએ એ આધ્યાત્મિક પ્રશ્નની આ કાવ્યસૃષ્ટિની ક્ષિતિજ ઉપર પણ ઝાંખી થતી નથી, આ કાવ્યનું દ્યોતનવ્યંજન એ પ્રશ્ન ઉપર પ્રકાશ નાંખતું નથી, છતાં સમગ્ર જીવસૃષ્ટિમાં રહેલ આ કામ અને મૃત્યુની ગાંઠનું નિયતિબલ આ કાવ્યના કરુણમાં કોઈક ગૂઢ અને અગાધ સામર્થ્ય પૂરે છે.

પૂર્વાલાપ : પરિશિષ્ટ ૨

ક્યહીં જ ચેતન એક દીસે નહીં.

આ જૂનો પાઠ છે. કવિએ પોતાની શ્રદ્ધા બદલાતાં પાઠ જરા બદલાવ્યો છે, જે પૂર્વાલાપમાં છપાય છે :

ક્યહીં અચેતન એક દીસે નહીં.

આ પાઠફેરથી પહેલાના કરતાં તદ્દન વિપરીત જ અર્થ થાય, એવો કે એ દંપતીના આત્મભોગથી સર્વત્ર ચેતનમય થઈ ગયું. સદ્‌ગત નરસિંહરાવ ‘વિવર્તલીલા’માં જૂના પાઠમાં પણ ફેરવેલા પાઠ પ્રમાણેનો અર્થ જુએ છે. તેઓ કહે છે : ‘પેલા ચક્રવાકમિથુને આત્મઘાત કર્યો કે નહિ તે સ્પષ્ટ નથી; પરંતુ તેમ થઈને મૃત્યુપારની નવી સનાતન ભૂમિનું દર્શન તેમને થયું, અને સતત જ્યોતિથી ભરેલા પ્રદેશમાં પ્રવેશ તેમણે કર્યોઃ

‘ત્ય્હાં તો ચિર લગી
તણાયા જાવાનું સુખસરિત માંહિ –’

ચકવાકમિથુનને અન્યથા ભાસ થયો હતો તે સત્ય સ્થિતિ તજીને અસત્યનો નહિ, પણ મૃત્યુના ગહનમાં પડ્યાની અસત્ય સ્થિતિ તજીને જ્યોતિર્મય ભૂમિમાં પ્રવેશની સત્ય સ્થિતિનો. અને એ અસત્ય ભાસ નહોતો તે કવિના છેવટના શ્લોકના પૂર્વાર્ધમાં પ્રગટ થાય છે :

‘અધિક એહ પ્રકાશ થતો જતો
જવ જનાર તણો વધતો જતો.’

અને એ અસીમ અવકાશમાં જ્યોતિ જ જ્યોતિ – બીજું કાંઈ નજરે પડતું જ નહોતું :

‘અમિત એ અવકાશ તણી મહીં
ક્યહીં જ૫૧[41] ચેતન એક દીસે નહીં.’

કોઈ પણ ચેતન વ્યક્ત રૂપે જણાતું જ નહોતું; જ્યાં એ ચક્રવાકમિથુન પણ વિલીન થઈ ગયું : કેમ કે

ના જ્યોતિથી ભિન્ન દીસે જ કાંઈ
આ પૅર જો! પ્રકૃતિ ડૂબી પુરુષ માંહી!૫૨[42]
x

પરંતુ એક બીજો મુખ્ય ધ્વનિ હું સાંભળું છું તે કહું. ચક્રવાકનું યુગ્મ તે ‘જીવાત્મા’ અને ‘પરમાત્મા’; જેને ઉપનિષદ્‌માં द्वा सुपर्णा सयुजा सखाया समानं वृक्षं परिषस्वजाते કહીને વર્ણવ્યા છે તે; એ બેનો સંબંધ સૂફીવાદે કલ્પેલો પ્રેમનો જ સંબંધ આ કાવ્યમાં ચક્રવાકના નરમાદાના સંબંધથી દર્શાવ્યો છે; અજ્ઞાનરૂપી અંધ રજનીમાં એ બે પ્રેમીઓનો વિયોગ થાય છે; એ રજનીનું તિમિર જતાં જ્ઞાન જ્યોતિ પ્રગટે છે અને બંનેનો સંયોગ થવો શક્ય છે; માટે જ સંયોગદશા વખતે બંને ફરીથી વિયોગ ના થાય એ પ્રબલ ઇચ્છાથી સનાતન જ્યોતિર્મય પ્રદેશમાં પ્રયાણ કર્યા કરીને જ્યોતિષ્પ્રવાહમાં અટળ સહચાર સાધે છે. આ ધ્વનિમાં સૂફીવાદની કલ્પનાને સુઘટિત સંસ્કાર અપાયેલા જોઉં છું. એ જ્યોતિઃસિદ્ધ સહચારમાં

‘અધિક એહ પ્રકાશ થતો જતો
જવ જનાર તણો વધતો જતો.’
‘વિવર્તલીલા’, પૃ. ૭૫

પણ જૂના પાઠમાંથી આ અર્થ નીકળી શકે એમ નથી. તે સમયના એક પત્રમાં આ કાવ્ય વિશે તેઓ લખે છે : ‘હું ન્યાયી કે દયાળુ કોઈ અધિષ્ઠાતા છે, એમ માનતો જ નથી. પ્રણયમાં જ સુખ હું સમજું છું. અને તે આ જગતમાં સુખી કરતાં દુઃખી વધારે કરે છે.’ (તા. ૩-૩-૧૮૯૦નો પત્ર; કાન્તમાલા પૃ. ૩૨૩) આ પત્રથી કાવ્યના અભિપ્રાય સંબંધી કશો સંશય રહેતો નથી. કવિની ઈશ્વર સંબંધી માન્યતા બદલાતાં એક પંક્તિમાં એક જ અક્ષરના ફરકથી તે આખા શ્લોકનો અર્થ બદલાવીને પોતાની નવી શ્રદ્ધાને અનુકૂલ કરે છે. તેમાં કૌશલ ઘણું છે અને છતાં કહેવું જોઈએ કે નવો પાઠ સમગ્ર કાવ્યમાં સુસંગત રીતે બેસતો આવતો નથી. અસીમ જ્યોતિનું અધિકારી યુગલ ‘આ ઐશ્વર્યે પ્રણયસુખની હાય આશા જ કેવી!’ એવી પંક્તિ ઉચ્ચારે? એવું અધિકારી યુગલ પ્રેમની નિરાશામાં આત્મઘાત કરે! નરસિંહરાવ ‘આત્મઘાત કર્યો કે નહિ તે સ્પષ્ટ નથી.’ એમ કહે છે. એ સ્પષ્ટ નથી એ ખરું, પણ ત્યારે

અવર કાંઈ ઉપાય હવે નથી :
વિરહ, જીવન, સંહરીએ મથી :
ગહનમાં પડીએ દિન દેખતાં :
નયન મીંચી કરી દઈ એકતા!

એ શ્લોક પછી આવતી ફૂદડીઓનો બીજો શો અર્થ થઈ શકે? અર્થાત્‌ આ કાવ્ય મૂળ પાઠમાં કવિના તત્કાલીન મંતવ્યને જેટલું સબળ રીતે વ્યક્ત કરી શકે છે તેટલું નવા પાઠ સાથે નવી શ્રદ્ધાને વ્યક્ત કરી શકતું નથી.

[‘આલોચના’]


પાદટીપ

[43] [44][45] [46][47] [48] [49]


[50] [51] [52]





પાદટીપ

  1. ૧. તારીખો આપવામાં એક ધોરણ સાચવવા સર્વત્ર ઈસવી સનનો જ ઉપયોગ કર્યો છે - કોઈ કોઈ જગાએ કઢંગું લાગે છે છતાં.
  2. ૨. પૃ. ૩૦૩.
  3. ૧૦. કાન્તમાલા, પૃ. ૩૦૨
  4. ૧૧. યુગધર્મ ૪, ૨૭૯
  5. ૧૨. યુગધર્મ ૪, ૨૭૯
  6. ૧૩. કાન્તમાલા, પૃ. ૩૦૦
  7. ૧૭. કાન્તમાલા, પૃ. ૩૦૪, ૩૦૫
  8. ૧૮. કે જનો મૈત્રીથી પણ શિથિલ થાય છે. મૃચ્છકટી.
  9. ૧૯. કાન્તમાલા, પૃ. ૩૪૬
  10. ૨૦. કાનનમાલા, પૃ. ૩૦૪
  11. ૨૧. કાન્તમાલા, પૃ. ૩૪૯
  12. ૨૨. કાન્તમાલા, પૃ. ૨૮૮
  13. ૨૩. કાન્તમાલા. પૃ. ૩૭૯
  14. ૨૪. કાન્તમાલા, પૃ. ૩૫૧
  15. ૨૫. કાન્તમાલા, પૃ. ૩૭૫.
  16. ૨૬. કાન્તમાલા, પૃ. ૩૭૬
  17. ૨૭. એજન, પૃ. ૩૬૬
  18. ૨૮. કાન્તમાલા, પૃ. ૩૬૫
  19. ૨૯. પ્રસ્થાન પુ. ૪, ૧૩૫
  20. ૩૦. કાન્તમાલા, પૃ. ૩૭૯
  21. ૩૧. કાન્તમાલા, પૃ. ૩૫૬.
  22. ૩૨. કાન્તમાલા, પૃ. ૩૮૦.
  23. ૩૩. સરખાવો મિલ્ટનનું વાક્ય : ‘...that by labour and intense study (which I take to be my portion in this life) joined with the strong propensity of nature, I might perhaps leave something to aftertimes as they should not willingly let die.’
  24. ૩૪. ક્ષેત્ર સર્વે માટે ખુલ્લું છે અને છૂટ છે.
    તેવા સૌનેય અંદર પેસવાની જેઓને પ્રત્યક્ષ અનુભવથી વિશ્વાસ હોય,
    કે પોતાનામાં સ્વયંભૂ તેજ વિલસે છે.
    લૉર્ડ બાઈરન, કાન્તમાલા, પૃ. ૩૨૨.
  25. ૩૫. કાન્તમાલા, પૃ. ૩૨૮
  26. ૩૬. યુગધર્મ, ૪, ૨૭૬
  27. ૩૭. કલાપીના પત્રો, પત્ર ૧૨, ૫
  28. ૩૮. કાવ્યના અભ્યાસમાં પણ અમુક-અમુક દૃષ્ટિએ ગણિત કરીએ તો તેથી ઘણા નિયમો અને પ્રશ્નો ઉપર નવો જ પ્રકાશ પડે; જોકે આપણે કોઈ તે કરતા નથી.
  29. ૩૯. ‘તરુવર’નો પુંલિંગ વધારે સારો છે.
  30. ૪૦. The Nation and Atheneum, September ૪th. ૧૯૨૬. p. ૬૪૪.
  31. ૪૧. Sir Arthur Quiller – Couch, On the terms ‘Classical’ and ‘Romantic.’ ‘Studies in Literature.’
  32. ૪૨. સરખાવો કીટ્‌સ (Keats)નું વાક્ય : ‘Scenery is fine but human nature is finer.’ Oxford Lectures on Poetry. P. ૨૩૨.
    આ કવિની સાથે અમને કાન્ત ઘણી બાબતમાં મળતા આવતા લાગ્યા છે.
  33. ૪૩. આ વિધાન ‘વસંતવિજય’ અને ‘ચક્રવાકમિથુન’ને લાગુ પડે છે એ સ્પષ્ટ છે, અને આ લેખમાં એ બંનેનાં વિવેચનમાં મેં એ સ્ફુટ કરવા પ્રયત્ન કર્યો છે. પણ તે ઉપરાંત એ કચદેવયાનીને પણ લાગુ પડે છે. એમ તર્ક કરી શકાય. અલબત્ત, અહીં માત્ર તર્કને જ અવકાશ છે, કારણ કે ‘દેવયાની’ કાવ્ય કર્તાએ ત્રણ ખંડમાં યોજેલું, જેમાંનો એક જ ખંડ તેમણે લખી પ્રસિદ્ધ કર્યો છે. પણ એની વસ્તુપસંદગી ઉપરના વિધાનને ટેકો આપે છે. ‘અતિજ્ઞાન’ અને ‘વસંતવિજય’ના નાયકો જેમ રસિક હોવા છતાં અમુક પરિસ્થિતિને લઈને પોતાની પ્રેમભાવનાને કૃતાર્થ કરી શકતા નથી. તેમ કચદેવયાની કોઈ જુદાં જ કારણોને લીધે પ્રેમભાવના જીવનમાં ચરિતાર્થ કરી શકતાં નથી. મૂળ પુરાણમાં દેવયાની એકલી જ કચના પ્રેમની યાચના કરે છે અને કચ તો તેનું અનૌચિત્ય અને એ શક્યતા દર્શાવતો તેનાથી ઊર્ધ્વ રહે છે. પણ અહીં કાન્તના પ્રસિદ્ધ પહેલા ખંડમાં કાવ્યના અંત આગળ બંને વચ્ચે શૃંગારપ્રેમ ઉદય પામતો બતાવ્યો છે એ મૂળ વસ્તુમાં કરેલો ફેરફાર મારા તર્કને પુષ્ટિ આપે છે. કારણ કે બંને વચ્ચે પ્રેમ હોય તો જ પ્રેમના અંતરાયનો ગહન કરુણ શક્ય બને. અને આગળ વિચારતાં એમ પણ જણાવાય છે કે બંને વચ્ચે પ્રેમનો ઉદય બતાવ્યા પછી. એને એ પુરાણવસ્તુમાંથી પ્રેમનો અંતરાય દર્શાવવો કદાચ વધારે કઠિન બને! કાન્ત આ કાવ્ય પૂરું ન કરી શક્યા તેનું એક કારણ કદાચ આ વસ્તુના ગર્ભમાં જ રહેલી મુશ્કેલી પણ હોય!
  34. ૪૪. આ લેખનું પરિશિષ્ટ ૧ જુઓ.
  35. ૪૫. આ લેખનું પરિશિષ્ટ ૨ જુઓ.
  36. ૪૬. આવો પ્રશ્ન અંગ્રેજ કવિ કોલરિજ વિશે પુછાયો છે. તેથી તેને વિશે જરા વિશેષ લખવું અપ્રસ્તુત નહિ ગણાય. તેણે The Ancient Mariner કરીને એક અદ્વિતીય કાવ્ય લખ્યું જેનો જાદુ શેક્સપિયરથી પણ વધારે ચમત્કારી ગણાય છે. તે પછી Christabel અને Kubla Khan બે કાવ્યો આરંભ્યાં પણ તે કદી પૂરાં કરી શક્યો નહિ. કેટલાક વાચકો તેના કાવ્યની સ્તુતિ કરી પછી તરત જ પ્રશ્ન પૂછે છે : ‘પણ તેણે વધારે કેમ ન લખ્યું? જો તેણે વરસોવરસ એવું એકાદ કાવ્ય જ આપ્યું હોત તો અંગ્રેજી સાહિત્ય કેટલું સમૃદ્ધ થાત? આ અણસમજના પ્રશ્નને અણસમજનો ઉત્તર મળી રહે છે. કોલરિજે પછીની વયમાં અફીણનું સેવન આરંભ્યું. તેની કર્તવ્યબુદ્ધિ નિર્બળ થઈ ગઈ. તેની કલ્પનાની પાંખ નબળી પડી ગઈ. અને કાવ્યના પ્રયત્નો બધા નિષ્ફળ ગયા. કોલરિજનો મિત્ર વડ્‌ર્ઝવર્થ મહાન કવિ થઈ ગયો અને કોલરિજે પોતે કાવ્ય છોડી તત્ત્વજ્ઞાન હાથમાં લીધું. પછી તેની લાંબી જીવનસંધ્યામાં અફીણનું સેવન, મિત્રો સાથે ઝઘડા અને વળી પુનઃસંબંધ, દેશાંતરમાં રખડપટ્ટી અને પાછું સ્વદેશગમન, વ્રતો અને વ્રતભંગો, થોડી સ્વસ્થતા અને પાછા ઊથલા, નિરાશા સિવાય કશું રહ્યું નથી. પણ કવિમાનસને સમજનાર ટીકાકારે તેને ન્યાય આપ્યો છે. તે કહે છે કે એ એક નવું કાવ્ય લખવામાં જ કોલરિજને શ્રમ પડ્યો તે એટલો બધો હતો કે તેની બધી શક્તિ તેમાં જ ખપી ગઈ. અને માણસની શક્તિને મર્યાદા ન હોય એવું કદી બન્યું છે?
    આ આખો પારિગ્રાફ ઉતારવો ઉચિત ધારું છું :
    ‘All this is true enongh, or at least can be made convinc-ing by any one who sets forth the story of Coleride’s subsequent aberrations. But before we blame his weakness let us ask ourselves if it be conceivably within one man’s measure to produce a succession of poems on the plane of the Ancient Mariner; and, next, if – the magic granted, as it must be granted – it would not almost necessarily exhaust a man. In other words, let us enquire if, in a man who performed that miracle, his failure to perform others may not be more charitably set down to a divine exhaustion than charged upon his frailties... In his struggles to finish it (Christabel) he was fighting against stronger adversaries than opium; against fate and a providence under which things being what they are, their consequences will be what they will be.’ Sir Arthur Quiller-Couch. ‘Studies in Literature’, P. ૨૨૨, ૨૨૩.
  37. ૪૭. કાન્ત પોતે જ એક પત્રમાં લખે છે :
    ‘I have told you in self – disparagement that I was very impressible. Many and various things attract me and sometimes I might be admiring contradictory things. But this I think is a gain that I can sympathetically view more things than some of my friends can. And besides it gives richness to one’s feelings when he hears agreeable responses in various quarters.’
    (કાન્તમાળા પૃ. ૨૯૩, ભાષાંતર માટે જુઓ પૃ. ૨૯૪) આની સાથે સરખાવો અંગ્રેજ કવિ કીટ્‌સ વિશે મિ. બ્રૅડલીનો અભિપ્રાય :
    ‘Keats had the impulse to interest himself in everything he saw or heard of, to be curious about a thing, accept it, identify himself with it, without first asling whether it is better or worse than another, or how far it is from the ideal principle...’ ‘Oxford Lectures on Poetry’, P. ૨૩૭.
  38. ૪૮. ફરી સરખાવો કીટ્‌સ વિશેનાં મિ. બ્રેડલીનાં વાક્યો :
    ‘But the other kind (of Beauty) is won through thought and also through pain. And this second and more beautiful kind is also the higher, the fuller, the nearer to the principle (of Beauty). That it is won through pain is doubly true. First, because the poet cannot reach it unless he consents to suffer painful sympathies... and in the second place, it has pain in itself. or at least appears in objects that are painful.’ ‘Oxford Lectures on Poetry’, pp. ૨૩૦-૩૧.
  39. ૪૯. આ લેખ ‘સાહિત્યવિચારમાં પૃ. ૫૦૨–૫૦૯ પર પ્રસિદ્ધ થયો છે.
  40. ૫૦. આનું સૂચન મહાભારતમાં છે. બાણથી વીંધાયેલ મૃગ મનુષ્યવાચાથી કહે છે अहं हि किंदमी नाम तपसा भावितो मुनिः व्यपत्रपन्मुनुष्याणाम् मृग्यां मैथुनमाचरम्। આદિપર્વ, સંભવપર્વ, અધ્યાય ૧૧૮, શ્લો. ૨૮. હું તપથી મુનિ થયેલો કિંદમ નામનો મુનિ છું. મનુષ્યોની શરમ આવતાં મેં મૃગીમાં મૈથુન આચર્યું.
    ક્ષત્રિયોને મૃગયા વિહિત હતી અને પાંડુ આ મૃગને ઋષિ છે એમ જાણતો નહોતો, તો મૃગની હિંસામાં પાંડુનો દોષ ન ગણાય એમ આપણને લાગે, અને તેમજ છે. કિંદમ પાંડુની મૃગયા માટે શાપ આપે છે એમ નથી. કિંદમ કહે છે :
    नाहं ध्वन्तं मृगान् राजान् विगर्हे चात्मकारणात् ।
    मैथुनं तु प्रतीक्ष्यं मे त्वयेहाद्यानृशंस्यतः । । १८
    सर्वभूतहिते काले सर्व भूतेप्सिते तथा ।
    को हि विद्वान् मृगं हन्यात् चरन्तं मैथुनं वने।। १९
    अस्यां मृग्यां च राजेन्द्र हर्षान्मैथुनमाचरम् ।
    पुरुषार्थ फलं कर्तुं तत्त्वया विफलीकृतम् । । २०
    અર્થાત્‌ અહીં મૃગયાને દોષ કહેલો નથી. પણ મૈથુન કરતા મૃગને માર્યો તેને દોષ કહેલો છે. એ સર્વભૂતનો ઇપ્સિત કાલ છે. અને તેવે સમયે પ્રાણીઓ પણ અવધ્ય ગણાવાં જોઈએ.
    અહીં પારસીઓમાં ધર્મ્ય મનાતો આવો જ નિષેધ યાદ આવે છે તે નોંધું છું. પારસીઓને માંસાહારનો નિષેધ નથી પણ પશુઓના ગર્ભાધાનકાલમાં એનો ખાસ નિષેધ કરેલો છે. અલબત્ત, એમાં દૃષ્ટિ જરા જુદી છે, – પશુસંતતિ ચાલે એ.
  41. ૫૧. ‘પૂર્વાલાપ’માં ‘ક્યહીં અચેતન એક દીસે નહીં’ એમ પાઠ છે. (મૂળ બુદ્ધિપ્રકાશમાં જ ‘ચેતન’ હતું.) આ નવો પાઠ વધારે સારો છે – સર્વત્ર ચેતનની રેલ હતી – એ અર્થ છે.
  42. ૫૨. ‘દિવ્ય ગાયકગણ’ છેલ્લો શ્લોક, ‘હૃદયવીણા’
  43. ૩. કાન્તમાલા, પૃ. ૩૧૫.
  44. ૪. યુગધર્મ, પુ. ૨, પૃ. ૪રર,
  45. ૫. પૃ. ૨૮૮થી ૨૯૭.
  46. ૬. આ પારિગ્રાફની હકીકત માટે જુઓ યુગધર્મ ૪, ૨૭૪ ઉપરનો લેખ
  47. ૭. આ લેખમાં આ અને આવી બીજી પ્રો. ઠાકોર વિશેની અને તેમના મણિભાઈ સાથેના સંબંધ વિશેની જે જે હકીકત મૂકેલી છે તેનો મુખ્ય આધાર ‘મણિભાઈની કવિતા વિશે અંગત માહિતી’ (યુગધર્મ પુ. ૪, પૃ. ૨૭૪)નો પ્રો. ઠાકોરનો લેખ, અને તે ઉપરાંત પ્રો. ઠાકોરના મારા ઉપરના ખાનગી પત્રો એ છે. કોઈ હકીકત તેમની સાથેની વાતચીતમાંથી પણ મળેલી છે.
  48. ૮. પ્રત્યુત્તર કાવ્યરૂપે જ હતો તેનો પહેલો ખંડ નીચે પ્રમાણે હતો : ‘ગમે તો સ્વીકારે ગત સમય કેરાં સ્મરણમાં.’ અરે આવાં વાક્યો, પ્રિયતમ સખે યાચું વદ યા! તમે સંભારો છો સમય ભૂલું તે હુંય ન કદી, ભૂલ્યો લાગું એ તો દિવસ અવળાની જ અવધિ! નહીં ઉદ્‌ગારો એ કંઈ તમ કરેલા જ થયલા, – સ્વયંભૂ પ્રીતિનાં અમર ઝરણાંના સૂર ભલા! આ છેલ્લી પંક્તિઓ સાથે સરખાવો. નથી તારું એ હૈં, સકળ રચના છે કુદરતી. નિસર્ગે બંધાતી ત્રુટિત પણ મેળે થઈ જતી; પૂર્વાલાપ (આવૃત્તિ ૩જી) પૃ. ૪૮ આ પ્રત્યુત્તરની બે પંક્તિઓ ભલે ને અત્યારે અખિલ નભ ફેલાય વચમાં શશીની શું તેથી ઉદવપલ રાત્રી વિસરશે? મણિશંકરને અત્યંત પ્રિય હતી. આખા માટે જુઓ ભણકાર (૧૯૪૨ની આવૃત્તિ) પૃ. ૨૯૭.
  49. ૯. યુગધર્મ ૪, ૨૭૮
  50. ૧૪. સ્મરણમુકુર, પૃ. ૧૫૩
  51. ૧૫. તે સમયના એક પત્રમાં લખે છે : ‘મારો ઇતિહાસ પૂરો થયો છે પણ એણે મને ભોંય ભેગો કરી દીધો છે. કવિતા હું મુદ્દલ વાંચતો નથી. વાંચી શકતો જ નથી. માત્ર કેળવણીવિષયક થોથાં વાંચી શકું છું.’ પ્રો. ઠાકોર ઠીક કહે છે કે આ પ્રસંગે એમને છ માસની ફર્લો મળી હોત તો કદાચ એમના જીવનનો આખોયે ઇતિહાસ બદલાઈ જાત. કાન્તમાલા પૃ. ૩૩૨–૩૩૩.
  52. ૧૬. યુગધર્મ. ૪, ૨૭૬

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.