સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/મુનશીનું શ્રેષ્ઠ પાત્ર અને તેનું કાર્ય
અમુક લેખકની અનેક કૃતિઓમાં મને સૌથી વધારે કઈ ગમી છે, તેમાં અનેક પાત્રોમાં મને સૌથી વધારે કયું ગમ્યું છે, અને એ પાત્રનાં અનેક કાર્યોમાં મને સૌથી વધારે કયું ગમ્યું છે એ દૃષ્ટિએ કરેલી મીમાંસા પણ એક પ્રકારનું વિવેચન ગણાવું જોઈએ; જોકે વિવેચનની આસપાસ જે અનેક પરિભાષા જામી ગઈ છે, અને વિવેચનની જે વિદ્વન્માન્ય પ્રણાલીઓ પડી છે, તેમાં આવા સાદા પ્રશ્નને માર્ગ કરી સ્થાન મેળવતાં કદાચ મુશ્કેલી પડે. પણ બીજી તરફથી વિવેચનમાત્ર આ કે આવા કોઈ સાદા પ્રશ્નથી શરૂ થાય છે, અને તેના ઉત્તરમાં જ પરિપૂર્ણ થઈ પોતાનું સાર્થક્ય મેળવે છે. અહીં, ‘મને શું ગમ્યું’ એ પ્રશ્નની વૈયક્તિકતાથી વસ્તુને અન્યાય થઈ જવાનો સંભવ મને જણાતો નથી. કારણ કે વસ્તુમાંથી જ એની ઉત્તમતા સિદ્ધ કરવાની છે. વિવેચક પોતાને શું ગમે છે તે તરફ જ દૃષ્ટિ રાખીને, એનાથી પ્રેરાઈને જ વિવેચન નથી કરતો હોતો? આ પદ્ધતિથી કોઈને લાગે કે જે બિન્દુ ઉપર નિરીક્ષક એકલક્ષી થાય તે સિવાયના કૃતિના બધા ભાગને એક પ્રકારનો અન્યાય થાય, પણ એ મને સાચું લાગતું નથી. વૃક્ષમાં પુષ્પને સૌથી સુંદર કહીએ તેથી એ સમગ્ર વૃક્ષના વ્યક્તિત્વને હાનિ થતી નથી, એ પુષ્પની પ્રશંસામાં પણ એ વૃક્ષનું અસ્તિત્વ આવી જાય છે અને ઘણી વાર તો એ વૃક્ષનિષ્ઠ પુષ્પની જ પ્રશંસા હોય છે. શ્રી મુનશીની કૃતિઓને હું આ દૃષ્ટિથી અહીં જોવા ઇચ્છું છું. અને મારી મેળે મેં આ દૃષ્ટિ સ્વીકારી છે પણ તેને અનુસરીને એકાન્તિક વિધાનો કરવાની મુશ્કેલીઓ ઓછી નથી; એમના સર્વ લેખોમાં તેમની સર્જનકૃતિઓ સૌને વધારે પ્રિય છે એમ કહેવામાં કશી મુશ્કેલી નથી, પણ એમની ટૂંકી વાર્તાઓ, પૃથિવીવલ્લભ જેવી લાંબી વાર્તા, તેમની નાટિકાઓ, તેમનાં નાટકો અને એમની નવલકથાઓ, એ સર્વમાં કઈ ઉત્તમ કૃતિ એ કહેવું મુશ્કેલ છે. અને માટે જ ‘ગુજરાતનો નાથ’ને ઉત્તમ કૃતિ કહેતાં મનમાં રહી જાય છે કે ‘લોપામુદ્રા’ અને ‘જય સોમનાથને અન્યાય તો નથી થતો? પણ આમાંથી એક રીતે માર્ગ કાઢી શકું છું. ‘જય સોમનાથ’ ઘણી દૃષ્ટિએ સુંદર છે, પણ મારે તો કૃતિથી આગળ જઈ પાત્ર સુધી જવું છે, તો હું કહી શકું કે પાત્રની દૃષ્ટિએ ‘ગુજરાતનો નાથ’નાં પાત્રો વધારે જીવંત છે, વધારે સ્ફૂર્તિમય છે. ‘જય સોમનાથ’ એક ગદ્યકાવ્ય તરીકે આપણાં ગદ્યકાવ્યોમાં અનોખું છે. પણ પાત્રસર્જનમાં તો ‘ગુજરાતનો નાથ’ને ન લગે. લોપામુદ્રામાં, સર્જકનું વેદકાલ વિશેનું જ્ઞાન, એ સમાજ વિશેના એમના અભિપ્રાયો, શ્રી મુનશીની પોતાની જીવનફિલસૂફી એ બધાથી જાણે વાતાવરણ ઘન થઈ જતું હોય અને પાત્રોને એ ક્યાંક ભારે પડતું હોય, ક્યાંક જાણે કર્તા પ્રશ્ન ઊભો કરે છે તેને શમાવી શકતા નથી, ગાંઠ પડે છે તેને જાણે ઉકેલી શકતા નથી અને તેને કાપીને આગળ ચાલે છે એમ લાગે છે; અને છતાં હું માનું છું કે શ્રી મુનશીની જીવનની ફિલસૂફી એમની કોઈ એક જ કૃતિમાંથી મેળવવી હોય તો તે કદાચ લોપામુદ્રા-લોમહર્ષિણી કથામાંથી સળંગ મળશે તેવી બીજે નહિ મળે. પણ તે સર્વ ગમે તેમ હોય, પાત્રસર્જનની દૃષ્ટિએ ‘ગુજરાતનો નાથ’ને ઉત્તમ ગણવા સિવાય મને બીજો માર્ગ દેખાતો નથી. ‘ગુજરાતનો નાથ’ પણ નવલકથાત્રિપુટીમાંની એક છે. ઘણાને તેનો પહેલો ભાગ ‘પાટણની પ્રભુતા’ ઉત્તમ લાગે છે. પણ આ સંબંધી મને મારી દૃષ્ટિએ દલીલ કરવાની પણ જરૂર લાગતી નથી. અને છેવટ તો આ લેખ વ્યક્તિદૃષ્ટિનો છે, તો આવી નાની બાબત ઉપર ચર્ચા ન કરું તો ચાલે. ‘પાટણની પ્રભુતા’ના હિમાયતીઓ પણ ‘ગુજરાતનો નાથ’ને બહુ ઊતરતી તો નહિ જ ગણી શકે! ત્યારે ‘ગુજરાતનો નાથ’માં મને સૌથી વધારે કયું પાત્ર ગમે છે? અને મને ખરો રસ હોય તો માત્ર આ પ્રશ્નમાં જ છે. આની આગળની ચર્ચા તો મારે એક આવશ્યક પ્રસ્તાવના રૂપે કરવી પડે છે. ત્યારે આમાંનું શ્રેષ્ઠ પાત્ર કયું? જવાબ આપવો સહેલો નથી. મીનળ, મુંજાલ, કીર્તિદેવ, કાક, મંજરી, ત્રિભુવનપાલ, કાશ્મીરા, જયસિંહ, ખેંગાર, દેવડી : પ્રેમાનંદની એક પંક્તિ યાદ આવે છે :
એક એક પે અદકું મોતી,
રાજમાતા તે ટગટગ જોતી :
આ બધાં પાત્રો કર્તાએ પોતાની ઉત્તમ સામગ્રીથી ઘડ્યાં છે. તેમાં શ્રેષ્ઠ કયું? જયસિંહ ભલે ગુજરાતનો રાજા હોય, તેનો રાજ્યકાલ, મુનશી ગુપ્તકાલ જેવો ગુજરાતનો સોનેરી યુગ ગણતા હોય, પણ આ નવલકથામાં એ ઉત્તમ પાત્ર નથી. ‘ગુજરાતનો નાથ’ કોને ગણવો એ નવલકથામાં કદાચ જાણીજોઈને મૂકેલો કોયડો હશે, એ નાથત્વનો એક અધિકારી કે ઉમેદવાર જયસિંહ હશે. કથામાં તેને એક-બે સ્થાને ગુજરાતનો નાથ કહેલો છે, તોપણ આ નવલકથામાં તે શ્રેષ્ઠ પાત્ર નથી. શ્રેષ્ઠ એટલે ઉન્નતતમ નથી એટલું જ નહિ. કર્તાની ઉત્તમ સર્જક શક્તિનું એ ફળ નથી. એ ક્યાંક મોઢે ચડાવી બગાડેલા રિસાળ બાળક જેવો, અને ક્યાંક તે કરતાં પણ વધારે ખરાબ – સાચા પ્રતિભાવશાળી પુરુષોનો ઈર્ષ્યાળુ જણાય છે. એને શ્રેષ્ઠ પાત્ર તરીકે નકારતાં વાર લાગે એમ નથી. એના કરતાં તો ખેંગાર ક્યાંય ચડે! મને તો એની કાઠિયાવાડી મશ્કરી, બેદરકાર લહેરી સ્વભાવ, એક આવેશમાં અનેક પરાક્રમો કરી નાખવાની શક્તિ વગેરેથી એ પાત્ર સદ્યઃપ્રિય થાય એવું જણાય છે. પણ એ પણ ગુજરાતની ચડતીમાં ગૌણ રહેવા સરજાયું છે. મીનળને ઉત્તમ ન ગણી શકાય, એ મુંજાલની છાયામાં રહી મુંજાલની મહત્તા બતાવવા જ આવે છે. એની જે કાંઈ મહત્તા છે તે પણ મુંજાલમાંથી જ આવેલી છે. ત્રિભુવનપાલ અને કાશ્મીરનો અભિનવ તોફાની મુગ્ધ પ્રેમ ‘પાટણની પ્રભુતા’માં ઘણો જ આકર્ષક જણાય છે, પણ અહીં તો એક સારા બહાદુર વફાદાર સેનાપતિથી વિશેષ તે બની શકતો નથી. કીર્તિદેવ એક ખરેખર ઉમદા પાત્ર છે. પણ તેને મોખરે આવવા કર્તાએ નિમ્યું નથી. જગતમાં ફિલસૂફી, વિચારશીલતા, ઉદારતા વગેરે, વ્યવહાર આગળ હારી જાય છે, એમ બતાવવા એ પાત્ર નિર્માયું છે. તેને આ પાટણની ઉન્નતિની ધમાધમમાં કશું કરવાને અવકાશ જ મળતો નથી. તે તો ગુજરાતમાંથી અંતે ચાલી જવા ગુજરાતમાં આવે છે. ત્યારે મુંજાલ? – જેને માટે ‘પુત્રાદિચ્છેત્પરાજયમ્’નું સૂત્ર કર્તા ઉલટાવે છે? મુંજાલમાં અલબત્ત, શ્રી મુનશી, રાજકીય દૂરદૃષ્ટિ, ધ્યેયની અડગ એકનિષ્ઠા, અગાધ કાર્યશક્તિ, નિઃસીમ સહનશક્તિ, ધ્યેય ખાતર કુટુંબરસની બેપરવા અને અંગત પ્રેમનો કપરો સંયમ, વગેરે અનેક મહાશક્તિઓ વ્યક્ત કરવા ઇચ્છે છે, અને છતાં સર્જનની દૃષ્ટિએ મને કાક જ પ્રધાન લાગે છે, કર્તાએ કાકની પછવાડે જ સૌથી વધારે રાર્જનશક્તિ ખરચી છે. મુંજાલની ઘણી મહત્તા તો આપણને પરોક્ષ પ્રતીત થાય છે. આટલો બળવાન કાક પણ જેને માન આપે છે, જેની આગળ બાળક પેઠે વર્તે છે, તે ઘણો બળવાન હોવો જોઈએ. એ રીતે તેની પ્રતીતિ થાય છે. તખ્તા ઉપર સદાજાગ્રત, સદા પરાક્રમી તો કાક જ છે. પણ કાકની ઉત્તમતા કહેતાં પહેલાં હજી એક પાત્ર વિચારવું રહે છે, –મંજરી! ઘણાંને કદાચ મુનશીની સમગ્ર પાત્રસૃષ્ટિમાં સર્વથી વધારે નવીનતાવાળી મંજરી લાગતી હશે. પણ મને એ જરા વાસ્તવિકતાથી દૂર જઈ સર્જાઈ લાગે છે. એનું પૂર્વવયનું કલ્પનાનું જીવન અને તે પછીનું વ્યવહારુ જીવન, એ બે જાણે જુદાં પડી જતાં જણાય છે. અને આવા મારામારી, હરીફાઈ, સ્પર્ધા, પરાક્રમો, રાજકીય મહેચ્છાના વાતાવરણમાં એ જાણે પ્રધાન પાત્ર થવા નિર્માઈ નથી એમ લાગે છે. અને જો મંજરી શ્રેષ્ઠ પાત્ર ન હોય, તો દેવડી અપાર્થિવ સતી હોવા છતાં શ્રેષ્ઠ પાત્ર નથી. કર્તાએ પોતાના સર્જનક્ષેત્રમાં તેને મધ્યબિંદુમાં રાખેલ નથી. મારે મન તો શ્રેષ્ઠ સરજાયેલું પાત્ર કાક જ છે. આ આખી કથાત્રિપુટીમાં સાદ્યન્ત એકસરખું પ્રવૃત્તિશીલ રહેલું પાત્ર એ જ છે. વાર્તાને અંતે લાટ ગુજરાત ભેગું ભળે છે એ કાર્યની પૂર્ણાહુતિમાં જયસિંહ કે મુંજાલ કરતાં કાકના જીવનનું સાર્થક્ય જરાયે ઓછું નથી. અને એ કાર્યમાં મંજરી કે જયસિંહ કરતાં કાકની શક્તિ અને કાકનાં જોખમો, કાકનો ત્યાગ, અને પરિણામે કાકની વૈધુર્યરૂપ મહાન આપત્તિ, એ કાકમાં જ સૌથી વિશેષ છે. અને કાકનાં અનેક કાર્યોમાંથી મને સૌથી વધારે કયું ગમે છે? આ કથામાલામાં કાકનાં પરાક્રમો કંઈ પાર ન આવે એટલાં છે. એ જાણે પરાક્રમો કરવાને જ સરજાયો છે. આખા ગુજરાતમાં ફરી વળનારો, ગમે ત્યાંથી ઓચિંતો ફૂટી નીકળનારો, ગમે તેવા પાસલામાંથી છટકી જનારો, અનેકની યોજનાઓને ખોટી પાડનારો, અભણ છતાં વિદ્યાપ્રિય મંજરીને જીતનારો, બધાં પાત્રોમાં એ સૌથી વધારે જીવન્ત છે છતાં મને એનું સૌથી પ્રિય કાર્ય તે કેવળ શરીરબળના કોઈ પરાક્રમનું નથી લાગતું. પણ ઘણા જ સાહસવાળું એક સુકુમાર કાર્ય લાગે છે. ખેંગાર દેવડીનું હરણ કરી જતો હતો. ત્યાં બંનેને કોકે રોક્યાં,[1] પછવાડે સિદ્ધરાજના ઘોડેસવારો તેમને પકડવા આવતા હતા. કાક ધર્મસંકટમાં આવી પડ્યો. એક બાજુ ખેંગાર તેનો મિત્ર હતો. બીજી બાજુ દેવડીનું હરણ થાય તો જયસિંહનું નાક કપાય. કાકે બન્નેમાંથી રસ્તો કાઢ્યો. ખેંગારને પોતાની ઘોડી ઉપર નાસી જવાનું કહ્યું. પણ એ તો ટેકવાળા ખેંગારને મૃત્યુતુલ્ય હતું. મૃત્યુતુલ્ય શું? – મૃત્યુથી વિશેષ હતું. અને તેણે કાક પાસે બન્ધુકૃત્ય તરીકે ખરેખર મૃત્યુ જ માગ્યું. વજ્રહૃદયના ‘કાકની આંખમાંથી આંસુની ધારા વહી.’ એક ક્ષણમાં કાક, ગુજરાતનાં ભાવી સામ્રાજ્યનો વફાદાર પરાક્રમી કાક, પોતાના સામાન્ય જીવનથી દશાંગુલ ઊર્ધ્વ ગયો. તેણે મંજરીનો અદ્ભુત અને ગુપ્ત રીતે ક્રમશઃ પુષ્ટ થયેલો રસ હમણાં જ ચાખ્યો છે. અને એ રસથી સુકુમાર થયેલા વીર હૃદયને એ રસે જ નવી દૃષ્ટિ આપી. તેણે ધીમેથી ખેંગારને પૂછ્યું : ‘દેવડી કોની થવા માગે છે?’ ‘પૂછી જો!’ ખેંગારે કહ્યું. ‘બહેન!’ કાકે સખ્તાઈથી પૂછ્યું : ‘સાચું બોલજો! પાટણ પરણવું છે કે જૂનાગઢ?’ પેલી સુંદરીએ નાજુક પણ છટ ભરી શરીરવેલ અભિમાનમાં ટટ્ટાર કરી ને ધીમેથી ગૌરવશીલ શબ્દો ઉચ્ચાર્યા : ‘શું પૂછો છો?’ પૂછી તે જરા થોભી ‘હું તો સોરઠના ધણીની – તેના જીવતાં કે તેને મર્યે.’ કાકે ખેંગારને પોતાની ઘોડી અને તરવાર આપી બન્નેને વદાય કર્યાં. આમાં સાહસ પણ ઓછું નથી. જયસિંહના ભટ્ટ થઈ જયસિંહનું નાક કપાવા દેવું એ નાનુંસૂનું સાહસ નથી. આની ખબર પડે તો મુંજાલ સુધ્ધાં કાકનું રક્ષણ કદાચ ન કરી શકે, – ન કરે, છતાં લેખકનું એ કૌશલ છે કે આ વાત કદી બહાર આવતી નથી. અને કાકના આ કાર્યને માટે તેને કશું સહન કરવું પડતું નથી. જોકે જયસિંહને કાક ઉપર આ દેવડીના હરણ સંબંધી વહેમ જાય છે, અને એ વહેમનો દ્વેષ કદાચ વાર્તાના અંત સુધી ઓસરતો નથી. કાકનું આ કાર્ય ઉત્તમ આભિજાત્યભર્યું હતું તેનાં અનેક સૂચનો કર્તાએ આની આસપાસ મૂક્યાં છે. સૌથી પ્રથમ તો તે જ પ્રકરણમાં દુરારાધ્ય પણ હવે મુગ્ધ થયેલી મંજરીનું છે. જતા ખેંગરને જોઈ કાક તેને ‘બત્રીસલખણો’ કહે છે ત્યારે મંજરી કહે છે : ‘...એનામાં બત્રીસ લક્ષણ હોય તો એના મિત્રમાં બાવન લક્ષણ છે’ અને આ પછી આખા પુસ્તકના અંત સુધી કાકની કદર થવા માંડે છે. પછીના જ[2] પ્રકરણમાં મુંજાલ મીનળદેવીને કહે છે, ‘એના જેવો માણસ એકલો હોય તો એ આખા સૈન્યને ભારે થઈ પડે તેવો છે.’ મુંજાલ તેને પાટણ રાખવા ઇચ્છે છે, પણ તેજોદ્વેષી જયસિંહ એ પાટણમાં રહે તે સહી શકતો નથી; તેથી તેને લાટમાં કાઢે છે. પણ છેવટે તેને કાક વિના ચાલતું નથી. ‘રાજાધિરાજ’માં આગળ જતાં કાક વિધવા રાણકદેવીને જયસિંહના અત્યાચારથી બચાવે છે.[3] એ નાનું સાહસ નથી. કેવળ બહાદુરી અને શરીરબળમાં એ જેટલું પરાક્રમ છે, તેટલું જ ભાવી પરિણામની દૃષ્ટિએ મોટું જોખમ છે. પણ ત્યાં, એ કાર્ય ખેંગાર-દેવડીને પહેલાં પરણવાની તક આપી હતી, બંને મિત્રો હતા, તેના પરિણામ રૂપ છે. અને એક ભાવથી કરેલાં કાર્યોમાં પણ ઓછુંવત્તું સૌન્દર્ય હોય. દેવડીને જયસિંહના અત્યાચારથી બચાવી તેના કરતાં ખેંગાર-દેવડીને પરણવાની તક આપી તે કાર્ય ઘણું વધારે સુંદર છે. અને કથામાં તો એ બનાવનું ઘણું મહત્ત્વ છે. આ કાર્ય તે એ કથાનાં અનેક મહાન કાર્યોના બીજરૂપ છે. તેમાંથી જ ખેંગાર-દેવડીની અનુપમ જોડી રચાય છે. તેમાંથી, જયસિંહ-ખેંગાર વચ્ચેનું વેરઝેર વધે છે. સોરઠનું રાજ્ય નાશ પામે છે, અને ગુજરાતના ઇતિહાસમાં એક મહાન સતી અમર બને છે. કાકના મિત્રકૃત્યના પડછે રેવાપાલનો એક પ્રકારનો મિત્રદ્રોહ ઘણો જ છીછરા મનનો જણાય છે. લાટ તરફનું તેનું મમત્વ, અભિમાન અને તેને અંગેનો પાટણનો દ્વેષ, આપણે સમજી શકીએ છીએ, પણ કાકની પોતે ન હોય ત્યારે મંજરીની સંભાળ રાખવાની માગણી પણ તે તિરસ્કાર અને અપમાનથી નકારે છે, એ એના સ્વભાવની તુચ્છતા બતાવે છે.[4] એને જ પરિણામે ‘રાજાધિરાજ’ના અંતમાં[5] મંજરીની ઠાઠડી લઈ જતા કાકને હાથે જ તે મરે છે. કાક એક બાજુ ખેંગારનો મિત્ર હોય અને બીજી બાજુ સોરઠના હાડશત્રુ પાટણનો વફાદાર ભટ્ટ હોય, એ વિરોધી પરિસ્થિતિ એ બે વચ્ચે યુદ્ધ ચાલતું હોય ત્યારે નિભાવી રાખવામાં કર્તાએ ઘણું કૌશલ બતાવેલું છે. કાક પાટણ તરફ ઠેઠ સુધી વફાદાર રહે છે. જયસિંહના રક્ષણને માટે જીવનું જોખમ ખેડે છે, પણ તેમ કરતાં જ સોરઠીઓને હાથે ઘાયલ થઈ પકડાતાં મિત્ર ખેંગારને ત્યાં જાપતામાં મિત્રની બરદાસ પામે છે, અને જૂનાગઢ પડતાં દેવડીનું રક્ષણ કરે છે, એ કથાના બનાવોની ઘણી સુંદર ગૂંથણી છે. એક પણ બનાવ અસ્વાભાવિક નથી. ખેંગાર અને કાક બન્ને પોતપોતાના રાજ્યને વફાદાર રહે છે, અને છતાં તેમના મૈત્રીસંબંધને ક્યાંય આંચકો લાગતો નથી, ક્યાંય અસહ્ય તાણ આવતું નથી, આ બધા સંબંધો એક કલાત્મક પરિણામમાં સંપૂર્ણતા પામે છે. આ પ્રમાણે હું કાકને જ કર્તાની સર્જનશક્તિનું ઉત્તમ ફળ સમજું છું અને ખેંગાર-દેવડીને તેણે નાસવા દીધાં તેને તેનું ઉત્તમ અને સૌથી સુંદર કાર્ય ગણું છું. આ કાર્યની પૂર્વની સવારે જ કાક અને મંજરી લાંબા તલસાટ પછી નિઃસંકોચ નિખાલસ હૃદયઐક્ય પામ્યાં હતાં. ‘ઉષાએ શું જોયું?’ એ પ્રકરણમાં એ પ્રશ્નના જવાબમાં કર્તા કહે છે, ‘એક નર હતો, એક નારી હતી.’ કાક એ જ પ્રમાણે ખેંગાર-દેવડીનું નરનારીનું જોડકું કરવા તક આપે છે. માણસ જ્યારે વ્યવહારની સર્વ આળપંપાળથી ઊર્ધ્વ જઈ શુદ્ધ નર કે નારી બને છે ત્યારે જ તે ઉત્તમ અને સુંદર હોય છે, અને એ નર અને નારી એ કાવ્યનો સનાતન વિષય છે.
[‘સાહિત્યાલોક’]
પાદટીપ
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.